ઉત્તુંગ હિમાલયની તપોભૂમિમાં ગંગા પ્રગટે છે અને પોતાનાં પવિત્ર વારિ ભારતનાં સૂકાં મેદાનોમાં આણી એમને ઋતુએ ઋતુએ પુનર્જન્મ આપે છે. ત્યાં, બદરીના હિમાચ્છદિત પ્રદેશમાં, વ્યાસમુનિએ મહાભારત અને બ્રહ્મસૂત્રોની રચના કરી. ઉચ્ચતમ ભારતીય તત્ત્વજ્ઞાનનો જન્મ હિમાલયમાં થયો હતો. (‘ધ કંપ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ)માયાવતી મેમોરિયલ એડિશન અદ્વૈત આશ્રમ, કલકત્તા ૧૪, વૉ.૫ પૃ.૩૦૬’) એ હિમાલયના બદરીમાં જ, મહાન અદ્વૈત વેદાંતાચાર્ય ગૌડપાદે પોતાના શિષ્યના શિષ્ય શંકરને આશીર્વાદ આપ્યા અને ભવિષ્ય ભાખ્યું કે, ‘વ્યાસનાં બ્રહ્મસૂત્રો પર અમર ભાષ્ય લખી તું જગતમાં જ્ઞાનની જ્યોત રેલવ.’ એ આશીર્વાદ આર્ષ હતા. ઈશ્વરને નકારતા જૈન અને બૌદ્ધધર્મોએ તથા આડંબરી વિધિઓ દ્વારા કરાતા યજ્ઞો વડે પામવાના સાંસારિક લાભને ધર્મની ઇતિશ્રી બનાવી ઈશ્વરને અનાવશ્યક ઠરાવનાર મિમાંસકોએ વૈદિક ધર્મના રાહુનું રૂપ લીધું હતું ત્યારે, એ પ્રાચીન ધર્મના પુનરુદ્ધાર માટે ભગવાન શિવના અવતાર શંકરાચાર્ય નિર્માયા છે એમ એમના પોતાના ગુરુ ગોવિંદપાદે વિચાર્યું હતું.
ઈશ્વર વિનાના વેરાગીવાદની અને સ્વાર્થી કર્મકાંડોના આ શુષ્ક જગતમાં જ્ઞાન, આત્મસાક્ષાત્કાર, જીવનમુક્તિનું દર્શન, વિવેક અને ત્યાગનો મહિમા અને સૌથી વિશેષ તો, ધાર્મિક ગરબડના અને ચમત્કારી સર્જવાની હરીફાઈના ઠંડા યુગમાં જે દેવદેવીઓમાંથી લોકોની શ્રદ્ધા ઊઠી ગઈ હતી તે દેવદેવીઓ પ્રત્યે ઊંડી ભક્તિની ભાવના આચાર્ય શંકરે પુનઃ આણ્યાં.
મહાન ગ્રીક સંસ્કૃતિ સદાને માટે નાશ પામી ગઈ કારણ, એના ફિલસૂફો પોતાના રૂપકડા એકદંડા મહેલમાંથી લોકો માટે નીચે આવ્યાં જ નહીં. ભારતનાં ધર્મસંસ્કૃતિ અને રીતે સદાને માટે તરછોડાયેલાં નહીં રહ્યાં કારણ, એનો યુગે યુગે પુનર્જન્મ થતો હતો; ત્યારે ત્યારે, વેદના સનાતન ધર્મનાં શક્તિ અને મહિમાને મહાન શંકરાચાર્ય સમા આર્ષદૃષ્ટાઓ, પયગંબરો અને યુગપ્રવર્તકોએ પુનર્જીવિત કર્યાં હતાં. આજે પણ એમનાં સ્તોત્રો મંદિરોમાં અને અનેક ઘરમાં ગવાય છે. અને મઠોમાં તથા સાધુવાસોમાં એમના ભાષ્યો જ્યોત રેલાવે છે. જોશી મઠથી બદરીનાથને માર્ગે જનારને આજે પણ અમર શંકરાચાર્યની જીવંત ઉપસ્થિતિનો અનુભવ થાય છે.
સર્વત્યાગી જ્ઞાનમૂર્તિ ભગવાન શંકર અજ્ઞાનતમને દૂર કરવા માટે સમયે સમયે જન્મ ધારણ કરે છે. કર્મ પુરાણમાં કહ્યું છે કે, ‘નીલકંઠ શંકર ભૂતોના કલ્યાણ માટેના અપ્રતિમ પ્રેમથી અવતાર ધારણ કરશે. શ્રુતિઓ અને સ્મૃતિઓમાં પ્રબોધાયેલો વૈદિક ધર્મ એ પુનઃ પ્રસ્થાપિત કરશે. સૂર્ય પુરાણમાં છે કે, ‘શંકર અમારે માટે સૂર્ય સમાન છે. વેદોના સત્ય જ્ઞાનપ્રચાર માટે એ ભાષ્યો રચશે.’ લલિતા સહસ્રનામ સ્તોત્રમાં લખ્યું છે કે, ‘આચાર્ય શંકર ચાર શિષ્યો સાથે અવતરી ઋગ્વેદના સત્યજ્ઞાનને પુનર્જીવિત કરશે.’
દુર્ભાગ્યે શંકરાચાર્યના જીવનનો ઈતિહાસ દંતકથાઓમાં ઢંકાયેલો છે. એમના જન્મ સમય વિશે મોટો વિવાદ છે. કેટલાક પંડિતો સને ૭૮૮ની સાલ માને છે તો, પંડિતોનું એક નવું વૃંદ ઈ.સ. પૂર્વે ૫૨૯ માને છે. પોતાના સ્વાર્થને આગળ ધરવા માટે કેટલાક સંન્યાસીઓએ એક કલ્પિત પાત્ર ઊભું કર્યું છે એમ ઠસાવવા કેટલાક વિદ્વાનો પ્રયત્ન કરે છે. આવા એક વિદ્વાને લખ્યું છેઃ ‘સંન્યાસી હોવાના ગુણો આસમાને ચડે એ રીતે એમના મંડળે શંકરાચાર્યનું ચારિત્ર્ય દોર્યું છે.’ (એસ. ડી. કુળકર્ણી (સંપા.) ‘આદિ શંક૨ – માનવજાતના ઉદ્ધારક – ભીષા, મુંબઈ, ૪૦૦૦૬૨, ૧૯૮૭, પૃ.૮૧) કુડીબંધ શંકરવિજય કાવ્યો, મુખ્યત્વે સંસ્કૃતમાં, લખાયાં છે અને એ દરેકમાં એ મહાન જીવનનાં વિવિધ પરિમાણો આલેખાયાં છે. શંકરાચાર્યના સહપાઠી વિષ્ણુ શર્માનું બૃહદ્ શંકરવિજય ખૂબ જાણીતું છે. અને શંકરાચાર્યના શિષ્ય કહેવાતા આનંદગિરિનું પ્રાચીન શંકરવિજય છપાયેલું મળતું નથી પણ, એનું નામ બીજા ગ્રંથોમાં ઉલ્લેખાયેલું છે અને માધવીય શંકર વિજય એની સંક્ષિપ્ત આવૃત્તિ કહેવાય છે.
***
બાળપણથી જ શંકરાચાર્યને પોતાના ભાવિ કાર્યનું જ્ઞાન હતું. પોતાની અસાધારણ મેધાનો એમને ખ્યાલ હતો. ‘બ્રહ્મસૂત્રો’ (૩.૨૨)માં એ લખે છે કે, ઈશ્વરે દીક્ષા આપી હોય તે લોકો તેમના નિર્ધારિત સમયમાં તેમનું નિર્ધારિત કાર્ય કરે છે. જ્ઞાનેશ્વર અને ઈસુ ખ્રિસ્તની માફક શંકરાચાર્યનું આયુષ્ય પણ ટૂંકું હતું, માત્ર ૩૨ વર્ષનું.
દેવદેવીઓનાં વ્યક્ત રૂપો પ્રત્યે શંકરાચાર્યની ભક્તિ સહજ હતી. બાલવયમાં જ તેમને જગન્માતાનું દર્શન થયું હતું. તરત જ તેમણે ‘દેવી ભુજંગ સ્તોત્ર’ રચ્યું. એ જ રીતે, પોતાના સાત વર્ષની વયે તેમણે દેવીનું ‘કનકધારા’ સ્તોત્ર રચ્યું. પૈસાનું, સમૃદ્ધિનું મૂલ્ય એ સમજતા હતા. એમનું ‘કનકધારા’ સ્તોત્ર લક્ષ્મીને સંબોધીને લખાયું છે. કેરળના જે નાનકડા ગામમાં, શંકરાચાર્યને લક્ષ્મીનું દર્શન થયું હતું ત્યાં એ કનકામ્બા તરીકે આજે પણ પૂજાય છે. નાના છોકરાની કીર્તિ ચોમેર પ્રસરવા લાગી અને કેરળના રાજા રાજશેખર બાળ શંકરને મળવાને આવ્યા અને તેમને ભેટોથી નવાજ્યાં. બાળ શંકરે કહ્યું, ‘મહારાજ, આપે જે ભેટો વર્ષાવી તે બદલ આપનો અંતઃકરણપૂર્વક ઋણી છું. પરંતુ, મારા જેવી પ્રકૃતિના મનુષ્યને આ કશા કામની નથી. સમાજ પ્રત્યે આપની કેટલીક ફરજો છે. આપની પ્રજાના કલ્યાણને આપનું પોતાનું કલ્યાણ જ ગણો. જ્ઞાનીઓનો આદર કરો. મને એથી સંતોષ થશે.’ પોતે જાણતા હતા કે પોતે જન્મજાત ત્યાગી છે, અનિકેત સંન્યાસીનું જીવન જીવવાના છે, પ્રરિવ્રાજક તરીકે ભ્રમણ ક૨વાના છે અને સર્વત્ર દિવ્યતાનો સંદેશ પ્રસારવાના છે. છતાં એમના હૃદયમાં કરુણાનો બસ હતો. પોતાની માતા પ્રત્યેનો તેમનો સ્નેહ જાણીતો છે. ઘર તજતાં પહેલાં એમણે માતાને વચન દીધું હતું: ‘વહાલી મા, તને વચન આપું છું કે, તું મૃત્યુ પામીશ ત્યારે તારી અંત્યેષ્ઠિક્રિયા હું જ કરીશ.’ કેટલાંક વર્ષો પછી પોતે બદરીનારાયણમાં હતા ત્યારે તેમને મરતી માતાનો સાદ સંભળાયો અને એ માતા પાસે દોડી જઈ તેમને ‘સાધન ચતુષ્ઠય’નો બોધ કર્યો. અને માતા મૃત્યુ પામી ત્યારે, સંન્યાસી ધર્મની રૂઢિની વિરુદ્ધ જઈને માતાની અંતિમક્રિયા તેમણે કરી, એમને મન, માતા દેવતા હતાં. માને આપેલા વચનનું પાલન રૂઢિ કરતાં વધારે અગત્યનું હતું. ‘સૌન્દર્ય લહરી’, ‘આનન્દ લહરી’, ‘ભવાની-અષ્ટકમ્’ ઈ. અમર સ્તોત્રોમાં, પછીથી આ માતૃભક્તિ વ્યક્ત થઈ હતી.
***
પોતાના ગુરુ સાથેનું બાળશંકરનું મિલન અદ્ભુત હતું. પોતાના મિત્ર વિષ્ણુ શર્મા સાથે આઠ વર્ષનો બાળક શંકર નર્મદાતટે ગુરુના આશ્રમમાં દાખલ થયો ત્યારે, ઉત્તમ પ્રકારનો એ જન્મજાત કવિ ‘સ્વાત્મ નિરૂપણ’નો પ્રથમ શ્લોક બોલ્યોઃ
‘પરમાનંદ પામવા માટે પિતા, માતા, પુત્રો કે અન્ય સંબંધીઓ કશા ઉપયોગના નથી. મારા ગુરુચરણને મારે શિરે લગાડવાથી જ આ હેતુ સરશે.’ ખૂબ પ્રભાવિત થઈ પ્રબુદ્ધ ગુરુ બોલ્યાંઃ ‘તું ત્યાં જ કેમ ઊભો છે?’ તે જ ક્ષણે બાળ શંકરને એક દમ ઊર્જસ્વી, નિર્વાણ ષટકમ્ના મંત્રોનો સ્ફોટ થયોઃ
મનોબુદ્ધહંકારચિત્તાનિ નાહં
ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણનેત્રે;
ન વ્યોભૂમિર્ન તેજો ન વાયુશ્
ચિદાનંદરૂપઃ શિવોઽહં શિવોઽહમ્ –
‘હું નથી મન, બુદ્ધિ કે અહંકાર કે ચિત્ત; નથી તો કામ કે નથી જીભ, નથી નાક નથી નેત્ર; હું વ્યોમ નથી, ભૂમિ નથી તેજ નથી, વાયુ નથી; હું ચિદાનંદરૂપ શિવ છું.’ અતિપ્રભાવિત થઈ ગુરુએ આ ભગવાન શિવ સમા શિષ્યનો સ્વીકાર કર્યો.
આ નર્મદાને કિનારે જ શંકરે ‘નર્મદાષ્ટાકમ્’, ‘પ્રાતઃ સ્મરણ’, ‘સાધન પંચકમ્’ અને ‘યતિ પંચકમ્’ લખ્યાં. એમને સંન્યાસ દીક્ષા અપાઈ તે દહાડે શંકરાચાર્યે આ જીવનનો આનંદ અનુભવ્યો અને એકાંતમાં આત્માનંદ પ્રાપ્ત કર્યો – ‘એકાન્તે સુખં અસ્થતમ્.’ આ રેવાતટે જ એમણે પોતાનું મહાન સર્જન ‘વિવેક ચૂડામણિ’ રચ્યું. ૫૮૧ શ્લોકોનું એ મહાન કાવ્ય છે અને એના પ્રથમ શ્લોકમાં પોતાના ગુરુ ગોવિંદપાદન વંદન છે.
અદ્વૈતની સપાટીએ રહેવા સમર્થ હોવા છતાં, શંકરાચાર્ય પોતાના ગુરુ પ્રત્યે ઊંડી ભક્તિ દાખવતા. ‘ના અદ્વૈત ગુરુણા સહં’ – ગુરુ સાથે એકાત્મતા નહીં – એમ એમ કહ્યું છે. પાછળથી, શિવગુરુ એવા શંકરાચાર્ય પોતે ભક્તિથી અભિભૂત થઈને, પદ્મપાદ અને તોટક જેવા પોતાના શિષ્યોમાં અદ્ભુત પરિવર્તન લાવ્યા હતા.
પોતાના ગુરુ ગૌડપાદ પાસે બદરિકાશ્રમમાં શંકરાચાર્યના ગુરુ ગોવિંદપાદ એમને લઈ ગયા હતા. ગૌડપાદને શ્રીમુખેથી તેમની રચેલી ‘માંડુક્ય ઉપનિષદ’ પરની કારિકાઓ શંકરે સાંભળી ત્યારે જ તેમના ઉપર ભાષ્ય લખવાનો નિર્ધાર તેમણે કર્યો. અદ્વૈત સાહિત્યના કોષના વરદાન સમું મહાભાષ્ય તેમણે પછીથી લખ્યું.
એ બંને નર્મદાકિનારે પાછા આવ્યા પછી, વ્યાસનાં સૂત્રો, ‘ઉપનિષદો’ અને ‘ગીતા’ વિશે પોતાનાં ભાષ્યો રચવા તરફ ગોવિંદપાદે શિષ્ય શંકરનું લક્ષ દોર્યું. શંકરે કાશીપ્રયાણ કરવું જ જોઈએ. યુગપ્રવર્તક ગુરુ પોતાનામાં જાગ્રત થતો શંકરાચાર્યે અનુભવ્યો. પોતાના મિત્ર વિષ્ણુશર્માની સાથે વિન્ધ્ય પર્વત વીંધીને એમણે નર્મદાથી વારાણસીનો લાંબો પથ કાપ્યો. એમને પ્રેરણા મળી હતી અને, પોતાના મહાન જીવન કાર્ય સાધવા પોતે સમર્થ છે એમ તેમને લાગતું હતું. માર્ગે જતાં એ જ્યાં વિરામ કરતા ત્યાં લોકોને તેમની ભાષામાં વેદાન્ત બોધ કરતા. આવા દરેક વાર્તાલાપ પ્રસંગે એ નવો શ્લોક રચતા અને લોકોને તે સમજાવતા. આ શ્લોકો ‘શત શ્લોકી’ – સો શ્લોકોનો સંગ્રહમાં સંગ્રહાયા છે. આ પ્રવાસ દરમિયાન એમનું અદ્વૈત દર્શન વધારે ને વધારે સ્પષ્ટ થયું. ‘પતંજલિ વિજય’માં અદ્વૈતાનુભૂતિનો આ ઘે૨ો ભાવ ચિતરાયો છે. એમના માર્ગમાં વન આવતાં, સરિતાઓ ઓળંગવાની આવતી, નગરો અને ગ્રામો આવતાં, પહાડો આવતા અને, જુદા જુદા લોકોને મળવાનું આવતું. ‘આ સઘળું વિવિધ ખેલ છે કે, બ્રહ્મરૂપી કુશળ જાદુગરનો જાદુ છે.’ (એજન, પૃ.૧૨૩) એવી અનુભૂતિ તેમને નિત્ય થતી.
એમના મુખમાંથી અગ્નિજિહ્વાની જેમ ઉચ્ચતમ આત્મજ્ઞાન આવતું. આત્મઘાત કરવા તત્પર યુવાન ઉદંકને જોઈ આચાર્ય શંકરે એને જીવતદાન બક્ષ્યું અને ‘એક શ્લોક’ની ચાર પંક્તિઓમાં તેને આત્મબોધ કરાવ્યો. મહાન મીમાંસક મંડન મિશ્ર વાદમાં હાર્યા પછી શંકરાચાર્યના શિષ્ય થયા ત્યારે શંકરાચાર્યે એમને નવા જીવનના સિદ્ધાંતો આપ્યાં, આ કાર્ય તેમણે ‘તત્ત્વોપદેશ’ નામના શ્લોકસંગ્રહમાં કર્યું હતું. પોતાના શિષ્ય પદ્મપાદમાં ભગવાન નૃસિંહની ઉપસ્થિતિ નિહાળીને શંકરાચાર્ય ‘લક્ષ્મી નૃસિંહ પંચરત્નમ્’ની શીઘ્ર રચના કરી.
***
પછી વારાણસીમાં આચાર્ય શંકરે ‘બ્રહ્મસૂત્રો, ‘ઉપનિષદો’ અને ‘ગીતા’ના ‘પ્રસ્થાનત્રય’ ઉપર ભાષ્યો રચ્યાં. શિવની એ પવિત્ર નારીએ એમના જ્ઞાનાગ્નિને પ્રજ્વલિત કર્યો. તે સાથે, એમના ભક્તિપૂર ચિત્તમાં, એણે ભક્તિનાં પૂર આણ્યાં. ભગવાન વિશ્વનાથ, અન્નપૂર્ણા, ગંગા, શિવ અને અન્યદેવો સંબંધીનાં એમનાં પ્રખ્યાત સ્તોત્રો તેમણે લખ્યાં. ભાષ્ય લેખન પૂરું થયા પછી, પોતાનામાં રહેલી યુગશક્તિની અનુભૂતિ ધીમે ધીમે આ ઊભા થતા યુગપ્રવર્તકને થઈ. હવે આ જ્ઞાનપીઠ વારાણસીમાં અદ્વૈત વેદાન્તની પોતાના વિવક્ષા વિદ્વાન પંડિતો સમક્ષ એ ૨જૂ કરવા લાગ્યા. તલવારની ધાર જેવી સુતીક્ષ્ણ મેધા અને ઉત્તમોત્તમ કક્ષાની આંતરસૂઝવાળા, અદ્વૈત વેદાન્ત સમજાવતા આ સોળ વર્ષના છોકરા પાસે પંડિતો અને દાર્શનિકો ટોળે વળવા લાગ્યા. વ્યાસજી પોતે એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને શંકરના જ્ઞાનની કસોટી કરવા આવ્યા અને, જૂનાં શરીરોમાંથી આત્માઓ કેવી રીતે અને, ક્યાં જાય છે તે તેમણે શંકરને પૂછ્યું. કેટલાય દિવસો સુધી વાદ ચાલ્યો. અંતે, પોતાના કરતાં વધારે ઉચ્ચતર મેધા પોતાની સામે ખડી છે એમ લાગતાં, પ્રણામ કરી આચાર્યે તેમના આશીર્વાદ માગ્યા.
શિવની એ પવિત્ર નગરીમાં ભુરકી નાખતા એ તેજોજ્જ્વલ યુવાનમાં અનેકને સાક્ષાત શંકરનાં દર્શન થયાં અને એ યુવાનમાં યુગોનું જ્ઞાન તેમને દેખાયું. કદાચ, ‘નમામિ ભગવત્પાદં શંકરં લોક શંકરમ્’ શ્લોકોની પ્રેરણા આ આદરે આપી હોય.
એમના ગુરુનું અવસાન થયું ત્યારે, ગુરુનું કાર્ય કરવાનું પોતાને શિવે આપ્યું છે એમ શંકરાચાર્યને લાગ્યું અને, વૈદિક ધર્મની પતાકા ફરફરતી રાખવાના ઉદ્દેશથી આધ્યાત્મિક વિજય માટે દેશને ચોખૂણે ફરવા એ પ્રેરાયા અને આમ, શંકર દિગ્વિજયનું એમના જીવનનું મહત્તમ પ્રકરણ આરંભાયું.
પોતાના માર્ગમાંના અવરોધો અને પોતાના ઉત્તરદાયિત્વને પયગંબરની દૃષ્ટિથી આચાર્યે જોયાં. મિમાંસકોના વિરોધને પોતે વશ કરતો રહ્યો તેમજ વિકૃત ધર્મોને અનુસરતા રાજા મહારાત્રઓને સન્માર્ગે વાળવા રહ્યા. અજ્ઞાનના પાશમાં ફસાયેલી માનવજાતને તેમાંથી મુક્ત થવા માટે પોતાના જીવનની પ્રત્યેક ક્ષણનું બલિદાન આપવું જોઈએ એમ તેમને લાગ્યું. વેદ ધર્મના રક્ષક તરીકે આમ જનતા સમક્ષ જઈ તેનો ઉદ્ધાર કરવો જોઈએ તેમ તેમને લાગ્યું. નિરીશ્વરવાદી નાસ્તિકતાનો અને એવા જ નાસ્તિક વિધિવિધાનોનો સૂર્ય તપતો હતો ત્યારે ભારતનાં પ્રાચીન દેવાલયો અને મંદિરો ખંડેર બની ગયાં હતાં. યાત્રા પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ આવી ગઈ હતી. આ સર્વ પોતે પુનર્જીવિત કરવું રહ્યું.
ઈશ્વર પ્રેરિત જોમથી હવે આ મહાખંડની યાત્રાના કામે લાગ્યા. હિમાલય અને કાશ્મીરથી હવે એ દક્ષિણમાં ગયા પશ્ચિમમાં દ્વારકાથી પૂર્વમાં જગન્નાથપુરી સુધી એ ઉલ્કાની માફક વારંવાર ઘૂમવા લાગ્યા. વિજય પછી વિજય પ્રાપ્ત થવા લાગ્યા. મરણાસન્ન કુમારિલ ભટ્ટ સાથેનું, ક્રિયાકાંડી પ્રભાકર સાથેનું એમનું મિલન, સૌથી મહાન મિમાંસક-ક્રિયાકાંડી મંડનમિશ્ર સાથેનો એમનો ઐતિહાસિક વિવાદ-(પછીથી મંડનમિશ્ર શંકરાચાર્યના શિષ્ય સુરેશ્વર નામે પ્રસિદ્ધ થયા હતા)-બદરીનારાયણના મંદિરનું એમણે કરેલું પુનર્નિર્માણ, દક્ષિણમાં શ્રીશૈલમાં તાંત્રિક કાપાલિકો સાથેનું એમનું મિલન-આ સર્વ આજે દંતકથા બની ગયાં છે અને, ભારતના આ મહાન આધ્યાત્મિક પરાક્રમી વી૨ માટે ઊંડો આદર પ્રેરે છે. ‘આપણા પરાક્રમી વીરોએ આધ્યાત્મિક બનવું જોઈએ.’ એમ સ્વામી વિવેકાનંદે કહ્યું ત્યારે એમની દૃષ્ટિમાં આચાર્ય શંકર હતા.
***
બ્રહ્મનો સાક્ષાત્કાર કરનાર બ્રાહ્મણ ભારતમાં માનવજાતનો આદર્શ છે, અને પોતાના ગીતાભાષ્યના પ્રારંભના ભાગમાં, સંતોના આ પરમ મહિમાને આગળ કરી શંકરાચાર્ય કહે છે કે, કૃષ્ણનું આગમન બ્રહ્મણત્વના રક્ષણ માટે હતું.
વેદાન્તસૂત્રો પરના ભાષ્યમાં શંકરે જણાવ્યું છે જે, ‘બ્રાહ્મણેત્તર જ્ઞાતિઓ પરમ બ્રહ્મજ્ઞાન પામી શકશે નહીં.’ (કં.વ. વૉ.૪, પૃ.૧૧૭) વળી એ જ ભાષ્યમાં શૂદ્રોને વૈદિક ક્રિયાકાંડોના પ્રતિબંધનો જૂનો તર્ક કામે લગાડ્યો છે. કદાચ, આવું ૫૨મ અદ્વૈત દર્શન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ અધિકારી હોય એવી યોગ્ય વ્યક્તિ જ મેળવે એવે પંથે એ ચાલતા હોય. જુગુપ્સા પ્રેરક તાંત્રિક ક્રિયાકાંડો યુગમાં એ આવશ્યક હોવા સંભવ છે. ભારતના બધા યુગપ્રવર્તકોની માફક આચાર્યે ખંડનાત્મક ન હતા. સ્વામી વિવેકાનંદે જણાવ્યા પ્રમાણે, વૈયક્તિ બૌદ્ધિક વલણોનો પૂરતો આદર કરનાર ‘મહાન જ્ઞાતિ ઘડવૈયા’ એ હતા. વંશપરંપરાને આધારે જ જ્ઞાતિનો સ્વીકાર થયો ત્યારે, અધિકારો ફૂટી નીકળ્યા અને શોષણ શરૂ થયું. સ્વામી વિવેકાનંદે સખેદ નોંધ્યું છે કે, ‘તંત્રોના ડરથી, ટોળાંના ડરથી, ગૂમડું મટાડવા માટે તેમણે આખો હાથ જ કાપી નાખ્યો. (કં.વ., વૉ.૬, પૃ.૨૨૭) વાળંદ ઉપાલિ જેવા નીચલા વર્ણના લોકો માટે અને આમ્રપાલી જેવી પતિતા માટે બુદ્ધે નિર્વાણનાં દ્વાર ખોલી નાખ્યાં. અને બુદ્ધ પછીનાં પહેલાં પાંચસો વર્ષો સુધી, અસંખ્ય વ્યક્તિઓમાં આધ્યાત્મિક શક્તિનું જાગરણ, કલા, સંસ્કૃતિ, શિક્ષણ અને ધર્મનો વિકાસ ભારતે જોયાં. તોટકાચાર્ય જેવા સામાન્ય માનવીમાંથી શંકરાચાર્યે પોતે ઉચ્ચકક્ષાનો સાક્ષાત્કારી સર્જ્યો હતો. પરંતુ, એમના આદેશને પરિણામે, ધાર્મિક બાબતોમાં જન્મજાત બ્રાહ્મણોને જ પ્રાધાન્ય પ્રાપ્ત થયું, દરેક મનુષ્ય શિવ છે, સચ્ચિદાનંદરૂપ છે, તેનો બોધ આપતા અદ્વૈત દર્શનથી વિશાળ આમ સમુદાય દૂર રહ્યો.
વારાણસીની ગલીઓમાં શંકરાચાર્યની ચંડાળ સાથેની ભેટ અહીં ઉલ્લેખવા યોગ્ય છે. બહારથી ગંદા દેખાતા માનવી પ્રત્યેનો એમનો તિરસ્કાર અને, એ જ્ઞાની પુરુષથી આઘા રહેવાનો એમનો યત્ન જ્ઞાનના એ મહાપ્રપાતમાં પરિણમ્યો કે આત્મજ્ઞાનીને ભેદ શું અને ઉચ્ચનીચ ભાવ શું? એમનું પટળ ખસી જતાં, પોતાની ભૂલ માટે ક્ષમા માગી, પોતાના આ અનુભવને મનીષાપંચકમાં મૂર્તિમંત કર્યો; એમાં એ સ્વીકારે છે કે, ‘આત્મસાક્ષાત્કાર કરનાર ચંડાળ હોય કે દ્વિજ, એ મારો ગુરુ છે. હું એમ સમજું છું.’
પૂરા આદરપૂર્વક સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, ‘વેદાન્ત દર્શનના સૌથી મહાન પ્રબોધક શંકરાચાર્ય હતા. સઘન તર્ક વડે તેમણે વેદોમાંથી વેદાન્તનાં સત્યો તારવ્યાં અને, પોતાનાં ભાષ્યોમાં બોધિત અદ્ભુત જ્ઞાન માર્ગની ઈમારત ઊભી કરી. બ્રહ્મનાં બધાં વિરોધી વર્ણનોને તેમણે એકરૂપ કર્યાં અને દર્શાવ્યું કે, અનંત સત્ય એક જ છે. એમણે એમ પણ બતાવ્યું કે ઊંચા ઢાળને માર્ગે માણસ ધીમી ગતિએ જ ચડી શકે છે તેમ, માણસની વિભિન્ન શક્તિને અનુરૂપ આ બધા દર્શનો આવશ્યક છે.’ (કં.વ. વૉ.૮, પૃ.૬)
ભારતના પ્રથમ દાર્શનિક મહર્ષિ વ્યાસે રચેલાં મનાતાં બ્રહ્મસૂત્રો, વેદો, ઉપનિષદો, ગીતા અને મહાભારત, બધું વિચારોનું દર્શનોનું, ક્રિયાકાંડોનું અને ઉપાસનાઓનું મહા અરણ્ય છે. દ્વૈતવાદીઓને આ અરણ્યમાંથી જ દ્વૈતવાદનું મધુરતમ પુષ્પ સાંપડ્યું અને, અદ્વૈતવાદીઓને એમાંથી જ અદ્વૈતનો મુકુટમણિ મળ્યો. ‘ઉપનિષદોમાં દલીલો ઘણી વાર અસ્પષ્ટ છે… શંકરાચાર્યે ઘડી, વ્યવસ્થિત કરી લોકો સમક્ષ અદ્વૈતનો અદ્ભુત સિદ્ધાંત રજૂ કર્યો,’ એમ સ્વામી વિવેકાનંદે લખ્યું છે. (કં.વ. વૉ.૨, પૃ.૧૩૯) ‘આર્યો, મોંગોલો અને આદિવાસીઓની બૌદ્ધ ધર્મે કરેલી ખીચડી તિરસ્કૃત વામાચારની અવદશાને પામી ત્યારે, શંકરે અને એમની સંન્યાસી મંડળીએ આ અવનત બૌદ્ધધર્મને ભારતની બહાર હાંકી કાઢ્યો.’ (કં.વ. વૉ.૪, પૃ.૩૨૬)
સામાન્ય પ્રજાજનનું ચિત્ત જૈન અને બૌદ્ધ ધર્મોના નિરીશ્વરવાદી દર્શનોની અસર હેઠળ આવતું જતું હતું. વાસ્તવમાં, મહાન મીમાંસકાચાર્ય કુમારિલે જૈન સિદ્ધાંતોના રહસ્યોમાં પ્રવેશવાનું સાહસ કર્યું હતું અને પછીથી, મીમાંસાદર્શનની તથા વૈદિક ક્રિયાકાંડોની સહાયથી તેનું ખંડન કર્યું હતું. પ્રભાકર અને મંડનમિશ્ર જેવા મિમાંસકોએ વૈદિક ક્રિયાકાંડની અસરકારકતા દર્શાવી હતી અને એમ વેદોમાં લોકોની શ્રદ્ધા પુનર્જીવિત કરી હતી. પણ આ કર્મકાંડો ધર્મ, અર્થ અને કામ એ સંસારી પાસાંઓને સંતોષતા હતા.
શંકરાચાર્ય જીવનનું ચોથું પરિમાણો મોક્ષ, લાવ્યા અને, સ્વામી વિવેકાનંદે કહ્યા પ્રમાણે, “ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વચ્ચે પ્રમાણ જાળવતા અને સંવાદ રચતા વૈદિક ધર્મને આચાર્યે પુનઃ સ્થાપિત કર્યો.’ (કં.વ. વૉ.૫, પૃ.૪૫૪) કર્મો અને ક્રિયાકાંડ મનને શુદ્ધ કરે છે એમ મીમાંસકો કહેતા. શંકરાચાર્યે જણાવ્યું કે, ‘સારાં નઠારાં બધાં કર્મો જ્ઞાનથી વિમુખ છે, કારણ કે એ અજ્ઞાન વધારે છે, કારણ કે એ તમસ અને રજસ વધારે છે.’ (કં. વ. વૉ.૭, પૃ.૩૯)
આમ છતાં, વેદવિહિત ‘કર્મ’ અને ‘ભક્તિ’ના બધા પ્રકારોનો શંકરે આદર કર્યો હતો. કારણ કે, એ વેદોના મુકુટમણિરૂપ અદ્વૈત વેદાન્ત તરફ વ્યક્તિને ધીમે ધીમે દોરે છે. (કં.વ.વૉ.૭, પૃ.૫૩) કેવળ આત્માની ભક્તિથી જ મુક્તિ પામી શકાય છે. માટે તો, ‘મારા પોતાના સ્વત્વની તીવ્ર ખોજ’, એ રીતે ભક્તિની વ્યાખ્યા એમણે આપી. (કં.વ. વૉ.૭, પૃ.૫૭)
બ્રહ્મસૂત્રમાં, અદ્વૈતના દૃષ્ટિબિંદુએથી પણ, એમણે મૂર્તિપૂજાને સમર્થન આપ્યું છે.
‘અહીં આ રીતે બ્રહ્મ પૂજા વિષય બને છે કારણ કે, બ્રહ્મ તરીકે પ્રતીકમાં એની પ્રતિષ્ઠા કરવામાં આવી છે-વિષ્ણુ આદિની પ્રતિષ્ઠા મૂર્તિઓમાં કરવામાં આવી છે તે રીતે જ.’ (કં.વ. વૉ.૩, પૃ.૬૧) આત્માના સાક્ષાત્કાર માટે ભક્તિ શ્રેષ્ઠ માર્ગ છે. (‘મોક્ષ કારણ સમગ્ર્યંમ ભક્તિરેવ ગરીયસિ’), એમ એમણે કહ્યું છે. ગીતાનો સારભૂત, એમને મતે ૧૧મા અધ્યાયનો ૫૫મો શ્લોક છે.
મારે અર્થે કરે કર્મ, મત્૫રાયણ ભક્ત જે,
દ્વેષહીન, અનાસક્ત, તે આવી મુજને મળે.
(મશરૂવાળાનો અનુવાદ)
બદરી નારાયણમાં, બુદ્ધોત્તર કાળમાં તોડી પડાયેલા મંદિરને પુનરર્પિત કર્યું અને, ભગવાન નારાયણને અનુલક્ષીને ષટ્પદી નામનું સ્તોત્ર રચ્યું. એમાં એમણે કહ્યું છેઃ ‘હે પ્રભુ! સર્વોચ્ચ કક્ષાએ તમારી અને મારી વચ્ચે કશો ફરક નથી છતાં, સંસારની સપાટીએ હું તમારામાંથી પ્રગટું છું, નહીં કે તમે મારામાંથી. તરંગો સમુદ્ર નહીં.’ સામાન્ય પ્રજા માત્ર ફિલસૂફી ઉપ૨ જીવી શકે નહીં. એમને કથાઓની અને કર્મકાંડોની જરૂર પણ છે. એથી તો વેદાન્તસૂત્રો પરના પોતાના ભાષ્યમાં એમણે સ્મૃતિની મહત્તાને ટેકો આપ્યો છે. એમાં એ ‘મહાભારત’ના પ્રમાણને ટાંકે છે. ‘શંકરાચાર્યે વેદોનો તાલ ગ્રહણ કર્યો છે, રાષ્ટ્રીય સૂર પકડ્યો છે’ એમ, સ્વામી વિવેકાનંદે કહ્યું છે. (કં.વ. વૉ.૮, પૃ.૨૭૮)
પોતાનાં સઘળાં મહાન ભાષ્યોમાં આચાર્યે અદ્વૈત સર્વોચ્ચ અને સૌથી વધારે તર્કયુક્ત દર્શન તરીકે પ્રસ્થાપિત કર્યું હતું. ને આ હેતુ માટે, પોતાની દલીલોમાં બળ પૂરવા માટે અર્થોને મચડવામાં પણ એમને વાંધો નહીં આવ્યો. આમ છતાંયે, સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, ‘એમનાં ભાષ્યો મહાન હતાં’ અને, પોતાના શિષ્યોને સ્વામીજીએ કહ્યું હતું, ‘તમારે શંકરાચાર્યને અનુસરવું.’ (કં.વ. વૉ.૬, પૃ.૩૯૭) સ્વામી વિવેકાનંદ કહે છે કે, શંકરાચાર્યના મત અનુસાર, જેવું દેખાય છે તેવું જગત, સર્વ હેતુઓ માટે દરેકને માટે એની ચેતનાની વર્તમાન દશામાં, સત્ય છે પરંતુ, ચેતના ઊર્ધ્વતર રૂપ ધારણ કરે છે ત્યારે, એનું અસ્તિત્વ મટી જાય છે… એ જ રીતે, છીપ ઉપર ચાંદીનો ઢોળ દેખાય કે રજ્જુ-દોરડા-માં સર્પ દેખાય છે તે તત્કાલ પૂરતું સાચું છે અને, વાસ્તવમાં, એ જોનારની મનની સ્થિતિ પર આધાર રાખે છે.’ (કં.વ. વૉ.૫, પૃ.૨૭૮) એમને મતે, માયા વડે, ઈશ્વર આ જગતનું ભૌતિક તેમજ કુશલ કારણ છે પણ, વાસ્તવમાં એમ નથી. આચાર્યના તત્ત્વદર્શનમાં અહીં જ માયાની એકદમ અગત્ય છે. ચૈતન્યની ઉચ્ચતમ દશામાં જે શેષ રહે છે તે એક અખંડ તત્ત્વ બ્રહ્મ છે જે નિર્વિકલ્પ સત્, નિર્વિકલ્પ ચિત્ અને નિર્વિકલ્પ આનંદ છે. ‘મનની કે કલ્પનાની કોઈ પણ શક્તિથી આપણે બ્રહ્મને હાંકી શકતા નથી’, એમ શંકરાચાર્યે કહ્યું છે. (કં.વ. વૉ.૭, પૃ.૪૭) ‘અપરોક્ષાનુભૂતિ’ કહે છે.
શંકરાચાર્યના ઉપદેશો ૫૨ બૌદ્ધ ધર્મની અસર જોવા મળે છે. એમના શિષ્યોએ ગુરુના ઉપદેશને એટલો વિકૃત કરી નાખ્યો અને એને એટલી હદે લઈ ગયા કે, ‘એમને બૌદ્ધો કહેવામાં પછીના સુધારકો સાચા હતા કારણ કે, એમની વિચારણા બૌદ્ધ મહાયાન ગ્રંથ ‘પ્રજ્ઞા પારમિતા’માંની વિચારણા સાથે પૂર્ણપણે મળતી આવતી હતી. (કં.વ. વૉ.૬, પૃ.૨૧૧)
દર્શક સર્જિત સત્ય (Observer created reality)ની ઘટનાને લગતી સ્ક્રોડિંજરની શોધ સમી રાશિ-ભૌતિકશાસ્ત્ર (Quantum physics)ની અદ્યતન શોધો આજે શંકરાચાર્યે પ્રબોધેલા ‘વિવર્તવાદ’ (મિથ્યા પ્રક્ષેપથી જન્મ નીપજતા ક્રમિક પ્રાગટ્ય)ને મળતી આવે છે.
***
હિમાલયમાં કેદારનાથ પાસે શંકરાચાર્યે દેહ છોડ્યો ત્યારે, વૈદિક ધર્મનો વિજયી ધ્વજ ભારત પર ફરફરતો હતો. પોતાના સિદ્ધાંતના પ્રચાર માટે ભારતને ચાર ખૂણે ચાર મઠ સ્થાપી અને, પોતાના ચાર મુખ્ય શિષ્યોને એમના અધિષ્ઠાતા પદે બેસાડી વૈદિક ધર્મના વિજયનું અને, બીજાં દર્શનો ઉપર વેદાન્તદર્શનના વિજયનું ભગીરથ કાર્ય શંકરાચાર્યે ગોઠવ્યું. (પહેલાંના મંડનમિશ્ર) સુરેશ્વરાચાર્ય દ્વારકાપીઠના, તોટકાચાર્ય, બદરીનારાયણ નિકટના જ્યોતિર્મઠના, પદ્મપાદ પૂરીમાંના ગોવર્ધન મઠના અને હસ્તામલક શૃંગેરી મઠના અધિષ્ઠાતા બન્યા હતા. તેમજ, ભારતના સાધુ-સંન્યાસીઓને એમણે દસ વર્ગોમાં વહેંચી એમના આદર્શો, નામાભિધાન ઈ, વ્યાખ્યાયિત કર્યું હતું.
શિવગુરુ આચાર્ય શંકર પાછળ મૂકી ગયા છે તે વૈદિક ધર્મનો સનાતન ખજાનો છે. ધૂંધળા વૈદિક સાહિત્ય પરનાં એમનાં મહાન ભાષ્યો આજે પણ ‘આજના જગતની અજાયબીઓ’ છે. ૩૨ વર્ષની પોતાની ટૂંકી આયુમર્યાદામાં ‘ભારતના જગતને એની પ્રાચીન ગરિમા’ આચાર્યે પુનઃ આણી દીધી હતી. (કં.વ. વૉ.૩, પૃ.૨૬૫) સૌથી વિશેષ તો, સ્વામી વિવેકાનંદે નોંધ્યા પ્રમાણે, યુગપ્રવર્તક ગુરુએ ‘શંકરાચાર્યે અને એમના સંન્યાસીવૃંદે વ્યવસ્થિત કરેલો નવીન દાર્શનિક ઉદ્રેક,’ એ મૂકતા ગયા. (કં.વ. વૉ.૬, પૃ. ૧૩૩)
શિવના હિમાચ્છાદિત નિવાસ કેદારેથી નીકળતી મંદાકિની અને બદરી પાસેના નારાયણના પાવક ધામેથી પ્રગટતી અલકનંદાનો સંગમ ઘોર ૨વ સાથે થાય છે અને પછીથી એ પ્રવાહ ભાગિરથીને નામે ઓળખાય છે; એનાં જીવનદ્યોતક વારિ ભગીરથે નીચેનાં મેદાનોમાં આણ્યાં હતાં તે હેતુથી કે ભારતના શાપિત અને મૃતકોને નવું જીવન પ્રાપ્ત થાય. હિમાલયની ઊંચાઈએ પ્રગટેલું આચાર્ય શંકરનું યુર્ગવર્તી જ્ઞાન બંધનમાં પડેલી માનવજાતિ માટે એક હજાર કરતાં વધારે વર્ષો પહેલાં ઉદ્ભવ્યું હતું, એ હજી વહે છે. અને, ‘ચિદાનંદરૂપઃ શિવોડહં શિવોડહમ્-’ એ શંકરાચાર્યની ‘આત્માની અદ્ભુત અમૃતવાણી’નું સ્મરણ કરાવે છે.
ભાષાંતર :- દુષ્યંતભાઈ પંડ્યા
Your Content Goes Here




