૧૯૦૨ની ૪ જુલાઈ, સવારે સ્વામીજી મઠના જૂના ઠાકુરમંદિરનાં બધાં બારીદરવાજાં બંધ કરીને ત્રણ કલાક સુધી ધ્યાન કરીને સીડીએથી નીચે ઊતર્યા અને આંબાના ઝાડની નીચે ચાલતાં ચાલતાં ગીત ગાતા હતા – મન ચલો નિજ નિકેતને. એ વખતે ત્યાં બાબુરામ મહારાજ ઊભા હતા. થોડી વારમાં જ એમને કાને સ્વામીજીની આ મંજુલ સ્વગતોક્તિ પડી : ‘જો બીજા એક વિવેકાનંદ હોત તો તે સમજી શકત કે આ વિવેકાનંદ શું કરી ગયા છે. પરંતુ હવે પછી અવશ્ય અનેક વિવેકાનંદ પણ અવતરશે.’ આ સાંભળીને બાબુરામ મહારાજ ચમકી ગયા. એ જ દિવસે રાત્રે આશરે નવ દસ વાગ્યે સ્વામીજીએ વાસ્તવિક રીતે પોતાનો દેહ છોડી દીધો.
પિટરને જોઈને ઈશુ ખ્રિસ્તે કહ્યું હતું : Upon this rock i shall build my temple’ આ ટેકરી પર હું મારું મંદિર બાંધીશ. પિટર હતો ભગવાન ઈશુ ખ્રિસ્તનો પટ્ટશિષ્ય. અંગ્રેજી શબ્દ ‘rock’ આવ્યો છે ‘Gk’ ગ્રીક શબ્દ ‘patra’માંથી. શ્રીઠાકુરે પણ પોતાનો આ સંઘ રચ્યો છે સ્વામીજી રૂપી પીઠિકા પર.
આગામી વર્ષ સ્વામી વિવેકાનંદનું શતાબ્દી વર્ષ છે. ભારતની બધી પ્રાદેશિક ભાષાઓમાં એમનું સાહિત્ય પ્રકાશિત કરવાના કાર્યનો પ્રયાસ થઈ રહ્યો છે. ગમે તે ભાવે થાય પણ સ્વામીજીનું એકાદ પુસ્તક ઘરમાં જાય કે રહે તો કામ થઈ જશે – કારણ કે એના મૂળમાં મા કાલી છે ને!
મસ્તિષ્ક અને હૃદય બંનેની દૃષ્ટિએ વિદ્યાસાગર મહાશય કેટલા મહાન હતા! શ્રીઠાકુર એમને અયાચિત ભાવે મળવા ગયા હતા. પછી શ્રીઠાકુરે કહ્યું હતું: ‘વિદ્યાસાગરના હૃદયમાં સુવર્ણ ઢંકાયેલું પડ્યું છે, પણ એની એને ખબર ન હતી.’
અહીં એમની અને વિવેકાનંદ વચ્ચેનો ભેદ જણાય છે. વિદ્યાસાગરને ગુરુલાભ મળ્યો ન હતો.
ત્યાર પછી સેવકસાધુ પરમાધ્યક્ષ સન્મુખ ઊભા રહ્યા. સમય ૧૦.૪૦ થયો છે. આજનો દર્શનસમય ૧૦ મિનિટ વધી ગયો. વિદાય લેતાં પહેલાં બધા લોકો પરમાધ્યક્ષની ચરણધૂલિ લઈ રહ્યા છે.
બેલુર મઠ, ૨૪-૪-૧૯૬૨
ગ્રીષ્મકાળનો દિવસ છે. નાઈરોબી (કેન્યા)માંથી હમણાં જ આવેલા એક યુવાન ભક્તે શાહમૃગનાં પીંછાંમાંથી બનાવેલ એક પંખો પરમાધ્યક્ષનાં કરકમલમાં મૂક્યો. એમણે ભાવપૂર્વક એ પંખાને પોતાની છાતી પર ધીમે ધીમે વીંઝ્યો. પછી એમણે પોતાની જીભ બહાર કાઢીને કહ્યું: ‘અરે, આ જોઈને એવું થયું કે એને શ્રીઠાકુરની સેવા માટે રાખીશ. પણ મારી ભૂલ થઈ ગઈ. હવે આ ન ચાલે. – વારુ, શ્રીમાના પૂજારીને બોલાવી લાવો. છોકરાએ વાપરેલ વસ્તુ મા વાપરી શકે. એમાં કાંઈ આપત્તિ જેવું નથી.’ પૂજારી દ્વારા એ પંખો શ્રીમાના મંદિરમાં મોકલી દીધો.
બેલુર મઠ, ૨૫-૪-૧૯૬૨
પહેલાં ભગવાન અને પછી સંસાર. એકડા પછી ૧૦ મીંડાં લગાડીએ તો એની ઘણી મોટી કીમત થઈ જાય. પણ જો એકડાને ભૂંસી નાખો તો એ શૂન્યની કોઈ કીમત નહિ રહે.
સિંથીના બ્રાહ્મોસમાજના ઉત્સવમાં શ્રીઠાકુરે કહ્યું હતું: ‘બધા લોકો બાબુઓનો બગીચો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. બગીચાના માલિકને કોઈ જાણતું નથી. ઈશ્વરને વ્યાકુળ થઈને શોધવાથી એમનાં દર્શન થાય છે. એમની સાથે પરિચય અને વાતચીત પણ થઈ શકે છે. – જેમ હું તમારી સાથે વાત કરું છું તેમ. સાચું કહું છે – દર્શન થાય છે! – આ વાત હું કોને કહું છું અને કોણ સમજવાનું છે!’
વારુ, શાસ્ત્રમાં આનું કોઈ ઉદાહરણ બતાવી શકો? શ્રીઠાકુરના મુખે અશાસ્ત્રીય વાત ક્યારેય ઉચ્ચારાઈ નથી.
કેનોપનિષદમાં આવે છે : બ્રહ્મે ઉમા-હૈમવતીનું રૂપ ધારણ કરીને દેવલોકોનું ગર્વગંજન કર્યું હતું. એ કોઈ અશરીરી દૈવવાણી ન હતી, ત્યાં સાક્ષાત્ વાત થઈ હતી.
બેલુર મઠ, ૨૭-૪-૧૯૬૨
અમેરિકાથી આવેલ બાલ વિશેષજ્ઞને પરમાધ્યક્ષશ્રીએ કહ્યું: ‘કર્મને ઉપાસનામાં રૂપાંતરિત કરવાનું કૌશલ સ્વામીજી શીખવી ગયા છે. યથાર્થ ભાવનો આશરો લઈને જાગતિક કર્મ કરવાથી તે ઉપાસનામાં ફેરવાઈ જાય છે. આ ભાવે જે બંધનનું કારણ બની શકતું હતું તે જ મોક્ષપ્રાપ્તિનો ઉપાય બની ગયો.
સ્વામીજીનું સાહિત્ય વાંચવાથી એમનો ઉદારભાવ આપણા હૃદયમાં પ્રવેશી જાય છે. હું કહું છું – કથામૃતની સાથે સ્વામીજીનું સાહિત્ય વાંચો. ત્યારે જ વાસ્તવિક રીતે પ્રેરણા મળશે.
બેલુર મઠ, ૨૮-૪-૧૯૬૨
ઘડિયાળનો ઉપયોગ કરીએ તો ક્યારેક ક્યારેક એને મેળવવી પણ પડે. એવી જ રીતે મન રૂપી ઘડિયાળને મેળવવા માટે સાધુસંગની આવશ્યકતા રહે છે. એમનું જીવન જોઈને, એમનો ઉપદેશ સાંભળીને આપણે એ સમજી શકીએ છીએ કે આપણે ઝડપથી જઈ રહ્યા છીએ કે ધીમે ધીમે – એટલે કે આપણે ભગવાન તરફ જઈ રહ્યા છીએ કે સંસારમાં ફસાતા જઈએ છીએ. મનની કૃપા થાય તો ચૈતન્ય મળે છે. ચૈતન્ય થાય તો જ આ થાયને!
બેલુર મઠ, ૩૦-૪-૧૯૬૨
ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે : ‘ અનિત્યમ્ અસુખમ્ લોકમ્ ઈમમ્ પ્રાપ્ય ભજસ્વ મામ્ । આ જગત અનિત્ય અને દુ:ખમય છે. એટલે મનુષ્યદેહ પ્રાપ્ત કરીને મને ભજો.’ એની વાત તો આપણે સાંભળવાના નથી.
એટલે જ આઘાત પામીને આપણે હાયવોય કરવાના. બધા દોષ એમના ઉપર જ લાદવાના. સંસારમાં કેવી રીતે રહેવું, એ કેટલું સહજ રીતે આ વખતે તેઓ (શ્રીઠાકુર) બતાવી ગયા છે. પરંતુ આપણે એ બધું ગ્રહણ કરવાના નથી, આમ છતાં પણ દુ:ખકષ્ટ મળે એટલે અરે! ઠાકુર તમે અમારું આવું કર્યું, એમ કહેવાના! જગતમાં આવીને માત્ર સુખ જ લેશું એમ કહેવાથી કેમ ચાલે? અહીંનાં દુ:ખકષ્ટ પણ ભોગવવાં પડે, બીજો ઉપાય છે?
પરંતુ એમને પકડી રાખવાથી બધું સહન કરી શકીએ. દુ:ખકષ્ટ પછી આપણને મૂંઝવી ન શકે.
Your Content Goes Here




