પરમાધ્યક્ષશ્રી એમના અતિ પ્રિય ‘ગૃહસ્થ ઘરના નોળિયા’નું ઉદાહરણ આપીને કહે છે: “શ્રીઠાકુરે બંકીમ બાબુને કહ્યું છે – ‘સાચું મોતી પ્રાપ્ત કરવા માટે જળમાં ડૂબકી મારવી પડે.’ બંકિમબાબુએ કહ્યું – ‘મહાશય, શું કરીએ? પાછળ સૈયા બાંધ્યાં છે, એ ડૂબવા જ દેતાં નથી.” એ વખતે અગરપાડાનાં એક મહિલા ભક્તે કહ્યું: ‘આપનો થોડોઘણો પણ કૃપાકણ મળે, પછી અમને કશાનોય ભય ન રહે.’

પરમાધ્યક્ષશ્રી પ્રવચનમાં ફરીથી પ્રવૃત્ત થવાથી સેવક સંન્યાસીએ આવીને હાથમાં ઘડિયાલ રાખીને બતાવ્યું કે અત્યારે દસને સાત મિનિટ થઈ છે. પરમાધ્યક્ષશ્રીએ બોલવાનું બંધ કર્યું એટલે દર્શનાર્થીઓ પ્રણામ કરવા લાગ્યા.

વિદાય લેતાં પહેલાં ટાલીગંજના એક ભક્તે કહ્યું: ‘મહારાજ, અમારો ચહેરો તો કરચલીવાળો થઈ ગયો છે, પણ આપનો ચહેરો તો માલદામાં આઠ વર્ષ પહેલાં જોયો હતો એવોને એવો જ છે.’ પરમાધ્યક્ષશ્રીએ ઊંચે અવાજે હસતાં હસતાં કહ્યું: ‘શું વાત કરો છો? એમાં તમારી આંખનો દોષ છે.’

બપોર પછીનો સમય છે. યાત્રીઓથી ભરેલી હોડીઓ એક પછી એક બેલૂર મઠના ઘાટે આવીને ઊભી રહી છે. રવિવારના ભ્રમણ કરનારાઓના કલરવથી ગંગાતીર જાણે કે મુખરિત થઈ ઊઠ્યો!

આ બાજુ દર્શનાર્થીભક્તવૃંદ મઠના મકાનના બીજા ઓરડાના વરંડામાં એકઠા થયા છે. સાંજના ૫.૩૦ વાગતાં જ પરમાધ્યક્ષશ્રી પોતાના ખંડમાંથી બહાર નીકળ્યા, એમને દર્શન આપ્યાં અને કહ્યું:

‘જુઓ, આ સમયે ગંગાકિનારે આવીને સૌ કલશોર કરે છે. પહેલાં તો વરંડામાંથી જોઈને સારું લાગ્યું, પરંતુ એ બધાનું મન તો ક્યાંક બીજે જ છે. પચાસ વર્ષ પહેલાં આ સમયે ગંગા કિનારે આવીને લોકો ભગવત્‌-ચિંતન, રામાયણ-મહાભારતનું પઠન કરતા. પરંતુ એ ગંગાભક્તિ આજે ક્યાં છે?

રામદત્ત નામનો એક ભક્ત બાલી થઈને આવ્યો છે. સુંદરમજાનો ચહેરો, લાંબી દાઢી અને ઉંમર હશે ૧૭ વર્ષની! એકતારો હાથમાં રાખીને ગંગાકિનારે બેસીને સ્વરચિત ગાન ગાય છે. જાણે કે એની આંખમાંથી અશ્રુપ્રવાહ વહી રહ્યો છે. એ વખતે મઠ તો કેટલો નાનો હતો! ૨૦ વીઘા જેટલી જગ્યા હતી. રસ્તાની પેલી બાજુએ તો કંઈ ન હતું.

(એક પ્રવીણ ભક્તને ઉદ્દેશીને) ‘અરે! રામદત્તે રચેલું કોઈ ગીત તમે સાંભળ્યું નથી? પણ એની કેટલીક પંક્તિઓ આજે પણ મારા મનશ્ચક્ષુ સમક્ષ તરી આવે છે. ગીત – સંસારના પરિપક્વ ફળને હવે પછી નહિ ભૂલું હું, પ્હેલાં એને ચાખી જોયું પણ મને નિ:સ્વાદ લાગ્યું. એ ફળ તો ભર્યું છે વિષે, ખાતાં ફળે કુફળ,ખાવાથી થાઉં હું અભાન, ભૂલું હું તને મા; અધમ સંતાન હું, તું દુ:ખ નાશિની મા; દુ:ખ હરો મા, બાળકને તારો તારિણી મા.

પહેલાં તો મા અને દાદીમાનું ઘરમાં કેટલું શાસન હતું! એમનામાં કેટલા બધા સદ્‌ગુણો હતા! દયા, સત્યનિષ્ઠા, ભક્તિભાવ કેવાં! એટલે જ એનાથી બાલક-બાલિકાઓની પ્રકૃતિ પણ સુંદર રીતે ઘડાતી. એવું અત્યારે ક્યાં જોવા મળે છે?’

‘ત્યારે મારી ઉંમર નવ-દસ વર્ષની હશે. દાદીમા પાસે રહેતો હતો. તેઓ મા કાલીના સાધક હતાં. એક દિવસ હું મિત્ર ખેલાડીઓ સાથે રમતો હતો. દાદીમાએ આવીને કહ્યું: ‘આજે તું બજારમાં જઈને મા કાલીના નૈવેદ્યની મીઠાઈ લઈ આવ.’ મેં કહ્યું: ‘જે લોકો દર વખતે લાવે છે એ જાય તો વધારે સારું.’ એમના મનમાં કોણ જાણે એક ભાવ ઉદ્‌ભવ્યો. તેમણે કહ્યું: ‘ના, આજે તો તારે જ લેવા જવું પડશે. જોજે બૂટ-ચંપલ પહેરીને ન જતો.’ મારા હાથમાં પૈસા મૂકીને તેઓ ઘરમાં ચાલ્યાં ગયાં.

એક મિત્રને કહ્યું કે મારાં ચંપલ જરા દૂર મૂકી આવ. ત્યાર પછી ત્યાંથી ચંપલ પહેરીને હું મીઠાઈ ખરીદી લાવ્યો. વળી પાછાં ચંપલ દૂર રાખીને મીઠાઈ દાદીમાને આપી આવ્યો. રમત જામી હતી. થોડીવાર પછી દાદીમાએ આવીને કહ્યું: ‘અરે! તું ચંપલ પહેરીને મીઠાઈ કેમ લઈ આવ્યો? એટલે જ એ નૈવેદ્ય રૂપે માની સેવામાં ધરી ન શકાય. આ લે પૈસા, આ વખતે શુદ્ધભાવે અને ખુલ્લે પગે જઈને લઈ આવ.’ મેં વિચાર્યું કે શ્રીમા કાલી આવું બધું જાણી લે છે! નાની ઉંમરમાં આવી બધી ઘટનાઓ દ્વારા મન પર એક શુભસંસ્કાર પડે છે.

આપણા લોકોની ઘણી સારી અને શુભ બાબતો ક્રમશ: લુપ્ત થતી જાય છે. એક છોકરાને કૂતરું કરડ્યું. તમે જાણો છો કે આજે તો હડકવાના ઈંજેક્શન મળે છે. પરંતુ એ વખતે આ બીમારી એક વખત લાગુ પડે પછી એનો કોઈ ઉપાય ન હતો. ગમે તેમ પણ છોકરાને હડકવા લાગુ પડ્યો. માથામાં અસહ્ય પીડા થવા લાગી. પાણીનું નામ સાંભળીને જ થરથર કાંપવા લાગે; જાણેકે જીવ હમણાં જ નીકળી જશે એવી અવસ્થા. કોઈએ આવીને કહ્યું કે ગોદડપાડામાં એક વૃદ્ધ સ્ત્રી હડકવાને રોકવાનો ઉપાય જાણે છે. પછી બધા લોકો મળીને છોકરાને ત્યાં લઈને ગયા. પેલી સ્ત્રીએ એને એક પાકું કેળું ખાવા આપ્યું. એમાં કંઈક ભરીને આપ્યું હોય એવું લાગતું હતું. એનાથી એનો હડકવા મટી ગયો. 

આજે તો તમે લોકો પ્રયોગ કર્યા વિના કંઈ લેતા નથી. એ કહેતાં મને સંકોચ થાય છે કે પેલો છોકરો આજે ૮૦ વર્ષનો થયો છે અને તમારી સામે જ બેઠો છે.

અમારા દુર્ગાપદ બાબુ મેડિકલ કોલેજના કર્નલ વોર્ડ પાસે એક દર્દીને લઈને ગયા. એમણે દર્દીને જોઈને કહ્યું: ‘આ દર્દીનો રોગ અસાધ્ય. રોગી ઓપરેશન ટેબલ પર જ મરી જશે.’ એ જ રોગી તારકેશ્વરમાં અનશન કરીને ધ્યાનમાં બેઠો રહ્યો અને સંપૂર્ણ સારો-સાજો પણ થઈ ગયો. દુર્ગાપદ બાબુ વળી પાછા એને કર્નલ વોર્ડ પાસે લઈ ગયા. એને જોઈને એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યાર પછી કોઈ અસાધ્ય રોગવાળો રોગી આવે તો સાહેબ એમને તારકેશ્વર જવાનું કહેતા.

બેલુર મઠ, ૯-૪-૧૯૬૨

નિત્યાનંદના ચરિત્રનો અભિનય કરનાર શ્રીહૃષીકેશ બંદોપાધ્યાય અને તેમના સગા શ્રીપશુપતિ બોઝ પરમાધ્યક્ષ પાસે આવીને તેમના શુભાશિષ પ્રાપ્ત કરવા વિનંતી કરી. તેઓ યાત્રામંડળી સાથે દિલ્હી જવાના છે. ત્યાં કાલીવાડીમાં ‘નદિયાના નિમાઈ’ એ નાટક ભજવવાનું હતું.

પરમાધ્યક્ષશ્રીએ ખુશ થઈને કહ્યું: ‘જો હું ત્યાં હોત તો તમારું નાટક જોવા આવત. જાઓ, ભાઈ જાઓ. ફરીને પાછા આવજો.’

અભિનેતાને સંબોધીને – ‘પરંતુ આ દુનિયામાં આવ્યા છો તો કેવી રીતે જશો? કૂવાસ્તંભ પર બેસશો કે દિનભર ફરતાં જ રહેશો! ભગવાનની લીલાનો અભિનય કરતાં કરતાં જો તમે કૂવાસ્તંભ પર બેસી ન શકો, તો પછી આવું બધું કરવાની શી જરૂર?’

પરમાધ્યક્ષશ્રીની અનુગ્રહવાણી સાંભળીને ભક્તિવાન, પ્રતિભાવાન અભિનેતાએ ભૂમિ પર માથું નમાવીને હાથ જોડીને કહ્યું: ‘જી હા, અત્યંત સાચી વાત, સાવ સાચી વાત. આપ સૌ કૃપા કરો તો આ જીવન સાર્થક થાય.’

પરમાધ્યક્ષશ્રીએ કહ્યું: ‘એમનો કૃપાવારિસ્રોત અવિરામ વહેતો રહે છે. પરંતુ આપણા અહંકારના મિથ્યા ઢોળાને કારણે કૃપાવારિસ્રોત ઉપર આવવાને બદલે, સ્થિર થવાને બદલે નીચે જ વહી રહ્યો છે. અહંકારરૂપી ઢોળાને દૂર કરો તો કૃપાની ધારણા થઈ શકે.’

ભગવદ્‌ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું છે: ‘સર્વધર્માન્‌ પરિત્યજ્ય મામેકં શરણંવ્રજ, અહં ત્વામ્‌ સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ: – બધા ધર્માધર્મ છોડીને તું એકમાત્ર મારા શરણે આવી જા. હું તારાં બધાં તાપપાપ ધોઈને તને શુદ્ધ-પવિત્ર બનાવી દઈશ. માટે હે અર્જુન! શોક ન કર.’ પરંતુ આપણું દુર્ભાગ્ય તો જુઓ, આપણે એમના શરણાગત બનતા નથી!

Total Views: 166

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.