બેલુર મઠ, ૫-૫-૧૯૬૨

(ઝડપથી ફળ મેળવવા ઇચ્છનાર પ્રત્યે)

First deserve then desire. પહેલાં તમે તૈયાર થાઓ, નહિ તો મથુરબાબુ જેવી હાલત થાય. (‘કોઈ એક વખતે પોતાને ભાવ થાય એ માટે મથુરબાબુએ શ્રીઠાકુરને પકડ્યા. ત્યાર પછી સહજ રીતે જ એમને ભાવની અનુભૂતિ થઈ હતી. પરંતુ તેઓ એ ભાવને ધારણ કરવા સમર્થ ન બન્યા. બે-એક દિવસ પછી શ્રીઠાકુરને વળી પાછી વિનંતી કરી કે એ ભાવાવસ્થાને તેઓ પાછી લઈ લે.) એમણે કહ્યું: ‘બાબા, આ તમારો ભાવ તમને જ સારો લાગે. મને એમાંથી મુક્ત કરી દો.’

સાચા ખેડૂતની જેમ ભજનમાં રત રહો. એમની કૃપા એક દિવસ જરૂર થવાની જ.

શાસ્ત્રમાં બે પક્ષીનું ઉદાહરણ આવે છે. તેઓ ઈશ્વરપરાયણ હતાં. મહાસાગરે પણ એમની ખોવાયેલી વસ્તુ પાછી આપવી પડી.

સાધકની ઈશ્વરનિષ્ઠા ઘણા દિવસ સુધી જળવાઈ રહેવી જોઈએ. એ જોઈને ભગવાન પોતે જ એમની પાસે આવે છે. ભગવાનની કૃપા અને ઇચ્છિત લાભ મેળવીને ભક્ત પણ ધન્ય બની જાય છે.

બેલુર મઠ, ૬-૫-૧૯૬૨

આજે ઘણો શુભ દિવસ, અક્ષયતૃતીયા છે. પ્રભાતે સાધુબ્રહ્મચારી વૃંદ પરમાધ્યક્ષશ્રીનાં દર્શન કરીને જઈ રહ્યા છે. પરમાધ્યક્ષશ્રીએ પૂછ્યું: ‘અક્ષય તૃતીયાનું આટલું માહાત્મ્ય શા માટે, એ કહો જોઈએ?’

બે સાધુએ બે પ્રકારની સમજણ આપી. ગોપાલ મહારાજે કહ્યું: ‘આ દિવસે સત્યયુગનું પ્રવર્તન થયું હતું.’ રમાપતિ મહારાજે કહ્યું: ‘આ દિવસે ગંગાનું અવતરણ થયું હતું.’ આ બંને ઉત્તરથી પરમાધ્યક્ષશ્રીનું મન સંતુષ્ટ થયું.

બેલુર મઠ, ૭-૫-૧૯૬૨

દર્શનાર્થીઓની સાથે મઠના હિસાબનીશો પરમાધ્યક્ષશ્રી સમક્ષ આવ્યા. તેઓ હમણાં જ સિલ્ચરથી પાછા આવ્યા છે એ જાણીને એમના મનમાં આસામ પરિભ્રમણની સ્મૃતિ તાજી થઈ. એમણે કહ્યું:

‘સિલ્ચર આશ્રમમાં હજારો ભક્તોનો મેળો, હું ચાલ્યો જઈશ – એટલે તેઓ રડવા લાગ્યા. મેં એકવાર દરવાજે જઈને એ બધું જોયું, એમની અવસ્થા જોઈને મનમાં ને મનમાં હસ્યો અને પાછો આવીને બેઠો. આ લોકો જાણતા નથી કે તે બધા કોના આકર્ષણથી આવી રીતે દોડતા આવે છે – તેઓ નકામી વસ્તુને લઈને રમે છે; એ જોઈને હસવું આવ્યું.

બેલુર મઠ, ૮-૫-૧૯૬૨

(વૈશાખ, શુક્લ પંચમી)

આ વખતે વિશેષ કારણથી શ્રીઠાકુર તિથિપૂજાના દિવસે સંન્યાસદીક્ષા વિધિ ન થયો. આજે સંકર પંચમીની રાત્રે પરમાધ્યક્ષ મહારાજે ૧૮ દીક્ષાર્થીઓને પવિત્ર બ્રહ્મચર્યવ્રત અને ૧૪ બ્રહ્મચારીઓને સંન્યાસદીક્ષા આપી. આના ઉપલક્ષ્યમાં મઠમાં રાત્રે શ્યામાપૂજા (કાલીપૂજા) થઈ.

બેલુર મઠ, ૯-૫-૧૯૬૨

થોડો તાવ, આનુષંગિક નબળાઈ અને શારીરિક કષ્ટ હોવાથી પરમાધ્યક્ષશ્રી આજે સાંજે દર્શનલાભ ન આપી શક્યા.

બેલુર મઠ, ૧૩-૫-૧૯૬૨

શારીરિક અસ્વસ્થતાને લીધે આગલા ચાર દિવસ પ્રત્યક્ષ દર્શનલાભ ન મળ્યો. આજ પાંચમા દિવસે કૃપાળુ પરમાધ્યક્ષશ્રી વિશેષ દર્શનલાભ આપવા રાજી થયા. સાંજ પછી ડોક્ટર સનત ગુપ્તા અને ડોક્ટર શંભુ મુખોપાધ્યાય એમની તબિયત જોવા આવ્યા. એ વખતે પૂજ્ય મહારાજશ્રીએ વાત કરતાં કહ્યું: ‘કોઈ વસ્તુને નીચોવવાથી તેનું સત્ત્વ આપણને સાંપડે છે. કથામૃતના પાંચ ભાગ (ગુજરાતીમાં ત્રણ) શ્રીઠાકુરના ત્રણ મુખ્ય નિર્દેશ જોવા મળે છે. ‘પહેલાં ઈશ્વર પછી સંસાર’, ‘ડૂબકી મારો’, ‘આગળ વધો’. બધા લોકોને દરરોજ થોડું થોડું કથામૃત વાંચવા કહું છું.’

આ વખતે તેઓ (શ્રીઠાકુર) ત્રણ ભાવ આપીને ગયા છે. પહેલો, માતૃભાવ; અમાવાસ્યાએ શ્રીમાની ષોડશી પૂજા કરીને એમની બ્રહ્મકુંડલિની જાગૃત કરી અને માતૃભાવનું ઉદ્‌બોધન કર્યું. બીજો, સર્વધર્મસમન્વય; ‘વિવિધ રંગનું કૂંડુ’ અને ‘અનેક ઘાટવાળાં સરોવર’નાં રૂપે એમનાં જીવન અને વાણીમાં આ સમન્વયભાવ ઘણો સુસ્પષ્ટ રીતે દેખાય છે. તેઓ યથાર્થ સમન્વયાચાર્ય છે. ત્રીજો, સેવાધર્મ; વૈષ્ણવ મહાજન પ્રચારિત જીવ પર દયાની અભિનવ વ્યાખ્યા કરીને જગતને સેવાધર્મ (શિવજ્ઞાને જીવસેવા) શીખવ્યો.

કાશીપુર ઉદ્યાનગૃહમાં સ્વામી બ્રહ્માનંદજીને શ્રીઠાકુરે પોતાની છબિ બતાવીને કહ્યું હતું: ‘હવે પછી ઘરે ઘરે આની પૂજા થશે.’ ખરેખર અત્યારે એ જ થઈ રહ્યું છે.

બેલુર મઠ, ૨૦-૫-૧૯૬૨

શારીરિક અસ્વસ્થતાને લીધે ૧૫ દિવસ સુધી પ્રત્યક્ષ દર્શનલાભ સ્થગિત રહ્યો. આજે સાંજ પછી ડોક્ટર ગુપ્તા અને શ્રીરાસબિહારી સેન એમને જ્યારે જોવા આવ્યા ત્યારે પરમાધ્યક્ષશ્રીએ વાત કરતાં વારાણસી સેવાશ્રમના સુખ્યાત શલ્ય ચિકિત્સક ડોક્ટર લાલમોહન વંદ્યોપાધ્યાયનો ઉલ્લેખ કર્યો – આકસ્મિત રીતે પોતાના એક માત્ર યુવાન પુત્રને ગુમાવીને લાલમોહન બાબુ અન્યમનસ્ક અને અકર્મણ્ય બની ગયા. પરંતુ શ્રીઠાકુરની કૃપાથી એમણે ફરીથી માનસિક સમતુલન અને પહેલાંની કાર્યદક્ષતા પ્રાપ્ત કરી. પરમાધ્યક્ષે કહ્યું: ‘શ્રીરામચંદ્ર, અર્જુન અને પરીક્ષિતના જીવનમાં પણ આવો જ વિષાદ આવ્યો હતો. આ જ વિષાદથી એમનું ભગવાન સાથે યોગસૂત્ર સ્થાપિત થયું હતું.

દુ:ખના દિવસે જેવી રીતે હર વખતે એમનું સ્મરણ થાય છે, સુખના દિવસે પણ એવી જ રીતે એમને સાથે રાખીને દિવ્ય આનંદ જાળવવો જોઈએ.’

બેલુર મઠ, ૨૩-૫-૧૯૬૨

ભવાનીપુરનો એક સાહસિક ભક્ત વહેલી સવારે પરમાધ્યક્ષના નિવાસ સ્થાને જતા હતા ત્યારે એક સાધુએ તેને પરમાધ્યક્ષશ્રીને મળવા જતાં રોક્યા, એટલે એણે કહ્યું: ‘તમે શા માટે મને રોકો છો? પરમાધ્યક્ષશ્રીને એકવાર કહેશો તો તેઓ મને બોલાવશે.’ ખરેખર બન્યું પણ એવું, તે સાધુએ પાછા ફરીને તેને પરમાધ્યક્ષ પાસે લઈ ગયા.

એક પ્રફૂલ્લ અને મોટું વેલીનું પુષ્પ પરમાધ્યક્ષશ્રીના હાથમાં મૂકીને કહ્યું: ‘આ મારા નવા મકાનના કૂંડામાં થયું હતું. એટલે હું આપના માટે લાવ્યો છું.’ પરમાધ્યક્ષશ્રીએ એ પુષ્પને મસ્તક પર ધરીને કહ્યું: ‘વાહ, કેવું સુંદર છે! કેવી મધુર સુવાસ!

અહા, આવી જ રીતે શ્રીઠાકુરના હૃદયમાં પદ્મ ખીલ્યું હતું!- એની સુવાસ દિશાએ દિશાએ વ્યાપી ગઈ હતી. કેટલા ભક્તભ્રમર એની ચોતરફ એકઠા વળી જતા.

આની કળી તો અમારા હૃદયમાં ફૂટી હતી પણ એ વિકસી નહિ.’

બેલુર મઠ, ૨૪-૫-૧૯૬૨

(સવારે વિશેષ દર્શન સમયે કરેલું કથન) ‘સવાર-સાંજ હાથતાળી સાથે હરિનામ સ્મરણ કરવાથી આ દેહરૂપી વૃક્ષમાંથી પાપ-પંખી ઊડી જાય છે. શ્રીઠાકુરની કેટલી સુંદર મજાની ઉપમા છે! શ્રીઠાકુર વિદ્યાસાગર મહાશયના ઘરે આવ્યા છે. આટલો મોટો દિગ્ગજ પંડિત, વાત વાતમાં કેવું ક્ષુલ્લક બોલે છે, ‘તેમણે (ઈશ્વરે) શું કેટલાકને ઓછી શક્તિ અને કેટલાકને વધુ શક્તિ આપી છે?’

શ્રીઠાકુરનો ઉત્તર કેટલો સુંદર મજાનો, ‘જો એમ ન હોય તો લોકો તમને કેમ મહાન માને? તમારે શું બે શિંગડાં છે? તમારામાં દયા અને વિદ્યા બીજા કરતાં વધારે છે. એટલે જ લોકો તમને માને છે. તમને મળવા પણ આવે છે.’ (બપોર પછી વિશેષ પ્રત્યક્ષ દર્શન સમયે) શ્રીઠાકુરે શ્રીમાને કહ્યું હતું, ‘જે મા મંદિરમાં છે, જેમણે આ દેહને જન્મ આપ્યો છે અને જે નોબતખાનામાં વસે છે, તે જ અત્યારે મારી પદસેવા કરે છે.’ તો શ્રીઠાકુરે શ્રીમાને કઈ દૃષ્ટિએ જોયાં હશે? મને લાગે છે કે એમણે ત્રણ પ્રકારે : શિષ્યા રૂપે ઉપદેશ આપ્યો છે, પતિવ્રતા રૂપે એમણે પોતાની પદસેવા કરવાનો અધિકાર આપ્યો છે અને સાક્ષાત્‌ જગદીશ્વરીના રૂપે એમની પૂજા કરી છે.

શ્રીમાએ એમની પતિ, ગુરુ અને ઈષ્ટ રૂપે સેવાપૂજા કરી છે. કોઈએ આવી પૂછ્યું: ‘આપણા શ્રીઠાકુર મોટા કે શ્રીમા?’ મેં કહ્યું: ‘તમે જ જરા વિચારી જુઓ. જુઓ, તમારા શ્રીઠાકુરે આપણાં માની પૂજા કરી છે અને માએ કેટલા સહજ ભાવે એમની પૂજા સ્વીકારી. આ રીતે તમે જરા વિચારી જુઓ.’

રામાવતારમાં અને કૃષ્ણાવતારમાં શક્તિની યથાર્થ મર્યાદા ન જળવાઈ, પરંતુ જાણે કે એની અવમાનના થઈ હતી એમ કહી શકાય. એવી જ રીતે આ વખતે આ ધરતી પર અવતરીને એ બધાં પાપોનું પાયશ્ચિત કર્યું છે. સ્વશક્તિનું પૂજન કર્યું. શક્તિને સર્વોચ્ચ સન્માનના આસને બેસાડ્યાં. ભૈરવી બ્રાહ્મણીને ગુરુ ગણ્યાં. એક દિવસ સાંજે શ્રીઠાકુરે શ્રીમાને લક્ષ્મીદીદી સમજીને ‘તું’થી બોલાવ્યા હતા. પછીથી પોતાની ભૂલ સમજાતાં એમણે માફી માગી. એનાથી પણ એમને મનની શાંતિ ન મળી.

સવારે નોબત ખાનામાં જઈને શ્રીમાને કહ્યું: ‘જુઓ, કાલે આખી રાત ઊંઘ ન આવી. તમને આટલો તુચ્છકાર કેમ કર્યો એ જ વાત વિચારતો રહ્યો.’ અને આવું બીજે ક્યાં બતાવી શકો? કેટલી શ્રદ્ધાભક્તિ હોય ત્યારે આવું સંભવ બને? આ યુગ માતૃભાવનો યુગ છે. આ ઘણો મોટો શુદ્ધ ભાવ છે. જાણે કે નિર્જળા એકાદશી. કૃષ્ણકિશોરની એકાદશી નહિ કે જેમાં પૂરી શાક બધું ચાલે. (બધાનું હાસ્ય).

આ વર્ષે કુંભમેળામાં સાધુઓએ મા આનંદમયી જગદંબાને હાથીની અંબાડી પર બેસાડીને શોભાયાત્રા કાઢી હતી. બીજા સાધુઓએ સર્વજ્ઞા માને આગળ રાખ્યાં હતાં.

આવું કેમ ન થાય! શ્રીઠાકુર પોતે જ આવું ઉદાહરણ પ્રસ્થાપિત કરી ગયા છે.

બેલુર મઠ, ૨૫-૫-૧૯૬૨

એક ભક્તિવાન કન્યા (શ્રીમતી પ્રતિમા સેન)ની ઉપસ્થિતિમાં પરમાધ્યક્ષના મનમાં શ્રીરામકૃષ્ણ શારદા મઠના પ્રવ્રાજિકા વૃંદનું સ્મરણ થઈ આવ્યું. (પરમાધ્યક્ષે અહર્નિશ પ્રવ્રાજિકાવૃંદના કલ્યાણની ચિંતા અને અનેક પ્રકારનાં તત્ત્વાવધાન કર્યાં હતાં. તેઓ બેલૂર મઠમાં રહીને પણ પ્રત્યેક અઠવાડિયે શ્રીમાની સેવા નિમિત્તે શ્રીરામકૃષ્ણ શારદા મઠમાં ફળ અને મિષ્ટાન્ન મોકલતા રહેતા. છેલ્લા એક દસકાથી એમનો આ કાયમી નિયમ બની ગયો. એટલા જ માટે સહાયક સાધુ બ્રહ્મચારીગણ પોતે જ કાર્યરત બનીને ટોપલી સજાવી દે છે. બેલૂર મઠ, કાશીધામ અને શ્રીધામ જયરામવાટી કામારપુકુરમાં જ પરમાધ્યક્ષશ્રીનાં સાક્ષાત્‌ દર્શન કરવાનો અધિકાર આવી માતાઓને (સારદા મઠની માતાજીઓ) છે.

કોઈ વિશેષ ભક્તિમતિ મહિલાઓ પર એમનો વધુ અનુગ્રહ રહેતો. એ મહિલાઓ રામકૃષ્ણ શારદા મઠ સાથે વિશેષ સંપર્ક-સંબંધ રાખતાં.

પરમાધ્યક્ષે કહ્યું : ‘સ્વામીજીના સંકલ્પ પ્રમાણેના સ્ત્રીમઠની આ મહિલાઓ આધારશીલા હતી. કેટલું મોટું સુકાર્ય! એ બધાંમાં શ્રીમાને જોવાં પડશે. તમે ત્યાં પણ સંપર્ક-સંબંધ રાખતાં રહેજો.’

બેલુર મઠ, ૨૬-૫-૧૯૬૨

આજે લગભગ ૧૮ દિવસ થયા. પેટના નીચેના ભાગમાં જ્યાં શલ્ય ચિકિત્સા થઈ હતી એમાં થોડી ગરબડ ઊભી થઈ, અંદરના ભાગમાં થોડો વિસ્ફોટ થવાથી પીડા અને અસ્વસ્થતા અનુભવતા હતા. આમ છતાં પણ છ સાત દિવસથી એ રોગનાં લક્ષણ પ્રમાણમાં ઓછાં દેખાય છે.

સવાર અને સાંજનું પ્રત્યક્ષ દર્શન હમણાં તો સ્થગિત રહેવાનાં છે. આમ છતાં પણ વરિષ્ઠ સાધુઓનું વૃંદ અને ચાર-પાંચ એકાએક આવેલા ભક્તો દરરોજ વિશેષ દર્શનલાભ મેળવે છે. કૃપાળુ પરમાધ્યક્ષ એમને જોઈને આનંદ અનુભવે છે અને એમની સાથે પરસ્પર વાર્તાલાપ પણ કરે છે.

કાશીધામથી પાછા આવ્યા પછી ૧૫ સપ્તાહ સુધી પરમાધ્યક્ષશ્રી મઠની સેવા કરતા રહ્યા.

સમગ્ર જીવનમાં પોતાના દેહને તેઓ સાધનભજનનું યંત્ર ગણતા રહ્યા. એટલે એમણે પોતાના દેહની ક્યારેય અવગણના ન કરી. છતાં પણ એમ લાગે છે કે ઓક્ટોબર ૧૯૬૦ના Supra-pubic operation પછી તેમણે દેહાસક્તિ ઓછી કરી અને હવે એ ઉદાસીનતા વધુ તીવ્ર બની છે. હમણાં હમણાંથી એમણે ‘આ પાર કે પેલે પાર’ આ વાતને આચરણમાં મૂકવાનું આરંભ્યું. પેટના નીચેના ભાગમાં કૃત્રિમ ઘારામાં વિસ્ફોટજનિત લક્ષણને કારણે સહાયક સાધુએ દરરોજ પાંચ-સાત વાર એમનાં વસ્ત્રો બદલાવવાં પડતાં. એટલે જ પરમાધ્યક્ષશ્રીએ કહ્યું: ‘દરરોજ તમારું આ દુ:ખ જોઈને મને ઇચ્છા થઈ આવે છે કે હવે તો આ પાર કે પેલે પાર થઈ જાય, તો સારું. છેલ્લાં દોઢ વર્ષથી પ્રોસ્ટેટના ઓપરેશન કરવાની મનમાં જરાય ઇચ્છા થતી ન હતી. હવે કેવું આશ્ચર્ય, આજે એમણે પોતાના મનને નિશ્ચિત કરીને સહાયક સંન્યાસી દ્વારા એ વિશે સ્વામી અભયાનંદજીને જાણ કરી. સ્વામી અભયાનંદજીએ આ સાંભળીને કહ્યું: ‘દોઢ વર્ષ નકામું વહી ગયું. જો એ વખતે તૈયાર થયા હોત તો કેટલું સારું થાત! સારુ, હવે તેઓ (ચિકિત્સાલયમાં જઈને શસ્ત્રક્રિયા દ્વારા) સ્વસ્થ થઈ જશે!

Total Views: 179

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.