દુર્લભં ત્રયમેવૈતત્‌

‘ડૂબકી મારો અને આગળ ધપો’ આ બે શ્રીઠાકુરના મહા ઉપદેશો છે. સાધના પથે ઉપરછલ્લું રહેવાથી કંઈ ન થાય. એક સ્થળે સ્થિર ઊભા રહેવાથી પણ કંઈ થવાનું નથી, એટલે જ આગળ ધપવું પડશે.

આ ત્રણ વસ્તુનો સમાવેશ થાય તો સિદ્ધિલાભ મળે – પુરુષાર્થ, દૈવ અને કાળ. પુરુષાર્થ એટલે સાધના માટેના પ્રયત્ન. દૈવ એટલે ભગવત્કૃપા. કાળ એટલે ઉપયુક્ત સમય. માત્ર પુરુષાર્થથી જ સાધ્ય થતું નથી પણ પુરુષાર્થની પ્રથમ આવશ્યકતા રહે છે. પ્રેમભક્તિથી સાધનભજન કરતાં કરતાં ભગવાનની કૃપાથી શુભ ક્ષણ આવીને ઊભી રહે છે. ત્યારે સાધક સિદ્ધિલાભ પામીને ધન્યધન્ય બની જાય છે. અવધૂતજીનું દૃષ્ટાંત જોવાથી તમે સમજી શકશો.

શ્રીઠાકુરે સ્વમુખે કહ્યું છે: ‘નિત્યગોપાલની પરમહંસ અવસ્થા છે.’ પરંતુ નિત્યગોપાલ પણ શ્રીઠાકુર પાસે કૃપાદૃષ્ટિ યાચે છે. એનું કારણ એ છે કે ત્યારે એમનાં દૈવ અને કાળ સાનુકૂળ ન હતાં અને પૂર્ણાવસ્થાની પ્રાપ્તિ ન થઈ. (કાશીસેવાશ્રમ, ૨૨-૧૦-૫૧)

શશી મહારાજની પરાભક્તિ

સ્વામી વિવેકાનંદ પોતાનું સંન્યાસી નામ સ્વામી રામકૃષ્ણાનંદ પડે એમ ઇચ્છતા હતા. પરંતુ શશી મહારાજની જ્વલંત દાસ્યભક્તિ જોઈને પોતાનું આ પ્રિય અને ઇચ્છિત સંન્યાસીનામ એમને આપી દીધું. શશી મહારાજ સ્વામીજીના સતત અનુરોધથી પોતાની ચિરપ્રિય શ્રીઠાકુરસેવા છોડીને આલમબજાર મઠમાંથી મદ્રાસ ચાલ્યા ગયા. આ ૧૮૯૭ની વાત છે. હું (સ્વામી વિશુદ્ઘાનંદ) ૧૯૦૮ના ઓગસ્ટ મહિનામાં કાશી અદ્વૈત આશ્રમ છોડીને બેલૂર મઠ અને પુરી થઈને ઓક્ટોબર માસમાં મદ્રાસ ગયો. શશી મહારાજ પ્રથમવર્ગનું રિઝર્વેશન કરાવીને રાજા મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી)ને પુરીથી મદ્રાસ લઈ ગયા. બોસ્ટનનાં ભગિની દેવમાતાએ (સિસ્ટર ક્રિસ્ટીને) એમનું આવવા-જવાનું ગાડીભાડું આપ્યું હતું. સેવક રૂપે મહારાજ સાથે શ્રીકૃષ્ણલાલ મહારાજ, નિરદ મહારાજ અને સ્વામી ઓમાનંદ આવ્યા હતા. એ વખતે મદ્રાસ મઠમાં ત્રણ જ કાર્યકરો હતા – સ્વામી રુદ્રાનંદ, વૈરાગ્ય ચૈતન્ય (દક્ષિણના) અને હું. એ સમયે રાજા મહારાજની સેવા કરવાનું થોડું ઘણું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. શશી મહારાજ રાજા મહારાજને ‘ગુરુવત્‌ ગુરુપુત્રેષુ’ એ ભાવે જોતા. ભક્તો શ્રીઠાકુર માટે જે ફળ મીઠાઈ લાવતાં તે બધું શશી મહારાજ નિર્વિકાર ભાવે રાજા મહારાજની સેવામાં ધરી દેતા. દરરોજ સવારે એમને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરતા. રાજા મહારાજ પણ કોઈ પણ જાતના ખચકાટ વિના એમના પ્રણામ સ્વીકારતા. એમના પ્રત્યે શશી મહારાજને કેવી ગહન શ્રદ્ધા! એક નાના ઉદાહરણથી આપણે એનું અનુમાન કરી શકીએ.

મદ્રાસ મઠના રસોડામાં બેસીને હું હુક્કો પીઉં છું. પરંતુ એ પ્રદેશમાં સાધુ માટે હુક્કો પીવો નિંદાને પાત્ર ગણાતો. એ દિવસે કોઈ વિશેષ કામ પ્રસંગે ઓચિંતાના શશી મહારાજ રસોડામાં આવી ચડ્યા. મારા હાથમાં હુક્કો જોઈને અત્યંત ગંભીર ભાવે કહ્યું: ‘તું હુક્કો પીએ છે એની તો મને ખબરેય નહોતી!’ શશી મહારાજ પોતે હુક્કો ન પીતા અને પોતાના સહકાર્યકરો હુક્કો પીએ એ એમને પસંદ ન હતું. તત્ક્ષણ મને બોલાવીને રાજા મહારાજ સમક્ષ મારી ફરિયાદ કરી. રાજા મહારાજે સાંભળીને કહ્યું: ‘શશી ભાઈ, એમાં શું થઈ ગયું? મેં તો નાની ઉંમરમાં જ હુક્કો પીવાનું શરૂ કર્યું હતું. થોડો હુક્કો પીવા દો.’ આ શબ્દો સાંભળીને શશી મહારાજ એક પણ શબ્દ ન બોલ્યા. થોડા ઘણા ખિન્ન પણ ન થયા. રાજા મહારાજે અનુમતિ આપી છે એટલે હવે કંઈ કહેવાનું નથી. આવી હતી એમની શ્રદ્ધાભક્તિ. (કાશીસેવાશ્રમ, ૨૩-૧૦-૫૧)

સ્વામીજીની દિવ્યવાણી

સ્વામી વિવેકાનંદની ‘ઈન્સ્પાયર્ડ ટોક્સ’ – ‘દિવ્યવાણી’ના પ્રકાશનકાર્યમાં ભગિની દેવમાતાએ સક્રિય ભાગ ભજવ્યો હતો. રાજા મહારાજનો પણ ઘણો આગ્રહ હતો. એના માટે અલગ હિસાબ પણ રખાયો હતો. શશી મહારાજ વચ્ચે વચ્ચે એ ખાતામાંથી પૈસા ઉધાર લેતા હતા, કારણ કે મહારાજ મઠમાં આવતાં મઠનો ખર્ચ વધી ગયો હતો. પુસ્તક વેંચાણનો હિસાબ અને રકમ મારી પાસે રહેતાં. સર્વદૃષ્ટા રાજા મહારાજને એક સમયે ખ્યાલ આવી ગયો કે શશી મહારાજ મારા એ હિસાબમાંથી ઉધાર લે છે, પણ એની રસીદ-બસીદ કંઈ રહેતી નથી. એક દિવસ રાજા મહારાજે મને પૂછ્યું અને એમનું એ અનુમાન સાચું હતું તે જાણી લીધું. એમણે કહ્યું: ‘આ બરાબર નથી. તું શશી મહારાજ પાસેથી રસીદ મેળવીને રાખજે.’ હું તો ભયસંકટમાં પડી ગયો. શશી મહારાજ પાસે મારે રસીદ કેવી રીતે માગવી? રાજા મહારાજે મારી પરિસ્થિતિ જાણીને કહ્યું: ‘તું મારું નામ આપીને કહેજે.’ બીજી વખતે પૈસા દેતી વખતે રાજા મહારાજની સૂચના જણાવતાં જ શશી મહારાજે સસંભ્રમ સાથે કહ્યું: ‘જરૂર, જરૂર. એક કાગળ લેતો આવ. હું હમણાં જ પૈસાની રસીદ લખી દઉં છું.’ 

થોડા મહિના પછી જ્યારે મારું બેંગલોર જવાનું નક્કી થયું ત્યારે શશી મહારાજને આ પુસ્તક વેંચાણનો હિસાબ અને રકમ સમજીજાણી લેવા વિનંતી કરી. એમણે આ વાત કાને ન ધરી. વારંવાર કહ્યું ત્યારે એક દિવસ એ કામ કરવા માટે બેઠા, પરંતુ હિસાબના ચોપડામાં ઉપાડની મોટી રકમ જોઈને તેઓ બોલી ઊઠ્યા: ‘આટલા બધા રૂપિયા મેં ક્યારે લીધા? જવા દે ભાઈ, તારી પાસે જે કંઈ રકમ બાકી પડી હોય તે આપીને ચાલ્યો જા. હિસાબ-કિતાબ માટે આટલી બધી ચિંતા કરવાની તારે જરૂર નથી.’ મેં તરત જ એમની સહી કરેલી રસીદ કાઢી અને એમને કહ્યું: ‘બરાબર, આ રસીદ અને મેં ઉપાડેલી રકમનું મેળવણું કરી લો એટલે બધું પતી જશે.’ એમણે પોતે જ આ રસીદ અને ઉપાડનું મેળવણું જોયું અને એમને થયું કે મારો લખેલો હિસાબ ભૂલવિહોણો હતો. અને હું બોલી ઊઠ્યો: ‘અરે! હું માંડ માંડ બચ્યો.’ જો રસીદ ન હોત તો શશી મહારાજના મનમાં સંભ્રમ કે વહેમ રહેત. હું આવું વિચારી-અનુભવીને મનમાં ઘણો ઉદ્વિગ્ન થયો. રાજા મહારાજની સૂક્ષ્મ અને દૂરદૃષ્ટિ તો જુઓ! તમારે જેને કોઈને રૂપિયાપૈસા લઈ-દઈને કામ કરવાનું આવે છે, તે મારી આ વાત પરથી શીખી શકે છે. ત્યારે જ મોટી ચિંતામાંથી મુક્તિ મળશે.

‘ઈન્સ્પાયર્ડ ટોક્સ’ – ‘દિવ્યવાણી’ પુસ્તકના વધુ પ્રચાર માટે રાજા મહારાજ પોતે ઘણો રસ લેતા. ત્યાંના ‘હિંદુ’ સામયિકમાં તેનું અવલોકન આપીને એની પ્રેસની પ્રત જાળવી રાખી હતી. પછી ‘બોમ્બે ક્રોનિકલ’માં મોકલીને તેનું અવલોકન કરવા માટે શશી મહારાજને કહ્યું હતું. એની સાથે ‘હિંદુ’ સામયિકનો મતાભિપ્રાય પણ ટાંક્યો હતો. શશી મહારાજે કહ્યું: ‘પ્રેસ કટિંગ મોકલવાની જરૂર નથી. ‘બોમ્બે ક્રોનિકલ’ના લોકો મદ્રાસના ‘હિંદુ’ સામયિકના મતાભિપ્રાયને જાણવા રાજી નહિ થાય.’ આ વાત રાજા મહારાજના ગળે ન ઊતરી. એ સમયે અલબત્ત મહારાજે કંઈ કહ્યું નહિ. થોડા સમય પછી મને બોલાવીને કહ્યું: ‘પંચાંગ લાવ તો.’ પંચાંગ જોઈને, મને આપીને પુરીના એક ભક્ત પર પત્ર લખાવ્યો: ‘હું અમુક દિવસે અમુક ગાડીમાં પુરી પહોંચું છું.’ આ ઘટના શશી મહારાજની સન્મુખ ઘટી. અને એમને ખ્યાલ આવ્યો કે મારા મંતવ્યથી ખિન્ન થઈને રાજા મહારાજ મદ્રાસ છોડીને ચાલ્યા જવા તૈયાર થયા છે. પત્ર લઈને ટપાલપેટીમાં નાખતી વખતે મેં જોયું તો શશી મહારાજ ગંભીરભાવે ટહેલતા હતા. તેમણે મારા હાથમાંથી પત્ર લઈ લીધો. પત્ર તો ટપાલપેટીમાં ન પડ્યો અને મહારાજને શું કહેવું? શશી મહારાજે કહ્યું: ‘જા, તારે કંઈ કહેવાનું નથી.’ આમ કહીને તરત જ મહારાજની પાસે જઈને શશી મહારાજના પગે પડીને પોતાના અપરાધની માફી માગી. મહારાજે ક્ષુબ્ધ બનીને કહ્યું: ‘ભાઈ, તમે વિદ્વાન, બુદ્ધિમાન છો; આટલું બધું કામકાજ કરો છો; હું તો અકર્મી અને મૂર્ખ છું. અમારામાં કંઈ બુદ્ધિશુદ્ધિ છે ખરાં?’ શશી મહારાજે દુ:ખી થઈને કહ્યું: ‘રાજા, તમારા નિજગુણને ધ્યાનમાં રાખીને અમને ક્ષમા કરો. હું જાણું છું કે તમારી ચરણરજથી શત-શત શશી ઊભા થાય! હું સમજણ વિના તમારાં ચરણમાં આ મહા અપરાધ કરી બેઠો. તમે મને માફ કરો, માફ કરો.’ ત્યારે રાજા મહારાજ શાંત થયા. પછી પુરી જવાની વાત ન કરી. પત્રની વાત પણ મારી પાસેથી એમણે પાછળથી સાંભળી. આ બધાને પરસ્પર કેટલાં બધાં ગહનપ્રેમ અને શ્રદ્ધા હતાં એની કલ્પના પણ તમે ન કરી શકો.

મદ્રાસ મઠમાં મહારાજ મને દરરોજ સવારે ૪ વાગે સમયસર અને સમયબદ્ધ જપધ્યાન કરવા માટે ઉઠાડી દેતા. સાધન-ભજનમાં તેઓ ઉત્સાહિત કરતા અને પ્રેરતા પણ રહેતા. આવી રીતે રાજા મહારાજે મને અયાચિત પ્રેમસ્નેહ સંબંધે બાંધી રાખ્યો હતો. એમની મુખકાંતિ પ્રોજ્જ્વલ લાગતી. હંમેશાં તેઓ અંતર્મુખ રહેતા. શશી મહારાજ એમને ઠાકુરના ભાવે જ જોતા. દક્ષિણેશ્વરમાં શ્રીઠાકુરના ઓરડામાં જેવી રીતે નાનો અને મોટો ખાટલો નજીક-નજીક રહેતો તેવી જ રીતે માયલાપુર, મદ્રાસ મઠમાં પણ રાજા મહારાજ માટે બરાબર એવી જ વ્યવસ્થા ગોઠવી હતી. હજી એક-બે વાત કહીને આજની પ્રસંગચર્ચા પૂરી કરીશું.

શશી મહારાજ ચેન્નઈ શહેરમાં ઘણે સ્થળે વર્ગો લેતા અને વ્યાખ્યાનો આપતા. મઠમાં પાછા ફરીને સ્વામીજીની છબિની નીચે ઊભા રહીને કહેતા: ‘તમે જ મને અહીં લઈ આવ્યા છો. જુઓ ભાઈ! નામયશના મોહમાં જો જો હું ન ડૂબી જઉં! અને જો હું ડૂબી જઉં તો જવાબદારી તમારી જ રહેશે, એ તમારા મનમાં યાદ રાખજો. પ્રતિષ્ઠાની અંશમાત્ર પણ આકાંક્ષા મારા મનમાં ન ઊગે, એવું કરજો.’

કર્કવૃત્તની નજીક હોવાને કારણે ચેન્નઈ ઘણી ગરમીવાળું સ્થળ છે. ગ્રીષ્મ સમયે લાચાર બનીને શશી મહારાજ ઘણો સમય શ્રીઠાકુર મંદિરના હૉલમાં નીચે જ સૂઈ રહેતા. અમે લોકો તાલપત્રનો મોટો પંખો બનાવીને પવન નાખતા રહેતા. એક દિવસ ગરમીમાં અકળાતાં અકળાતાં ઓચિંતાના ઊઠીને શ્રીઠાકુર મંદિરનું બારણું ખોલીને શ્રીઠાકુરની છબિને પંખો નાખવા લાગ્યા. ત્યાં જઈને પંખો નાખીને દેહભાવ વિહોણા બની ગયા. થોડા વખત પહેલાં જે ગરમીથી ત્રસ્ત અને દુ:ખી લાગતા હતા તે જ શશી મહારાજ સંપૂર્ણપણે બીજા જ માનવી બની ગયા. અમારું એ મહાન સદ્‌ભાગ્ય હતું કે આવા મહાપુરુષોને અમે અમારી આંખે જોયા છે. અહા! કેવું અનુપમ જીવન! શ્રીઠાકુરના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્યોને નજરે ન જોયા હોત તો ધર્મ શું છે, શ્રદ્ધાભક્તિ અને પ્રભુની સેવાપૂજા શું છે, ઈશ્વર ચિંતન કરતાં કરતાં સાધક કેવી રીતે પોતાના દેહભાવને વિસરી જાય છે, આ બધાની ધારણા કરવી અશક્ય બની જાત. (કાશી સેવાશ્રમ, ૨૪-૧૦-૫૧)

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.