(ગતાંકથી આગળ)
એમનું (મહાપુરુષ મહારાજ – સ્વામી શિવાનંદજી) નામ સાંભળીને કુનૂરમાં એક મુસ્લિમ ડોક્ટર એમનાં પત્ની અને બાળકો સાથે આવ્યા. એમનાં પત્ની શ્રીકૃષ્ણના પરમભક્ત હતાં. તેઓ શ્રીકૃષ્ણને ગોપાલભાવે ભજતાં. એમની વાત સાંભળીને મહાપુરુષ મહારાજે એમના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા. એ વખતે એ બહેનની આંખમાં આનંદનાં અશ્રુ સતત વહેવાં લાગ્યાં. થોડીવાર પછી તેઓ શાંત થયા ત્યારે એમને મિષ્ટાન્નનો પ્રસાદ આપ્યો.
કુનૂરમાં મહાપુરુષ મહારાજે ઘણાને દીક્ષા આપી હતી. ઊટી (ઉટાકામંડ)માં જઈને પણ એમણે સર્વ કોઈમાં શ્રીઠાકુરનો ભાવ વહેતો કર્યો અને અનેક જિજ્ઞાસુઓને (ભગવાનું નામ) મંત્રદીક્ષા આપી હતી. બેંગલોર આશ્રમની પાસે નીચેના ભાગમાં થોડો દૂર એક હરિજનવાસ હતો. આ હરિજનવાસનાં બાળકો મહાપુરુષ મહારાજ પાસે આવીને એમને વીંટળાઈ વળતાં. મહાપુરુષ મહારાજ એ બધાંને પૈસા અને બિસ્કીટ, ચોકલેટ વગેરે આપતા; એ બધાં કેટલા બધા આનંદિત થઈ જતાં! મહાપુરુષ મહારાજ એમની કન્નડ ભાષા જાણતા ન હતા, પરંતુ ઈંગિત ઇશારાથી એમનાં દુ:ખકષ્ટને જાણી જતા અને એને દૂર કરવાનો પ્રયત્ન કરતા. બેંગલોર ઠંડી હવાવાળો પર્વતીય પ્રદેશ છે. આ હરિજન અને વળી ગરીબ છોકરાં લગભગ નિર્વસ્ત્ર અવસ્થામાં રહેતાં. મહાપુરુષ મહારાજે એમને નવાં વસ્ત્રોની વ્યવસ્થા કરાવી આપી. એક દિવસ મહાપુરુષ મહારાજ સાથે સવારે અમે હરિજનવાસમાં ગયા. અત્યંત ગંદકીભરી ગલીઓ, તેઓના ચહેરા પણ કાળામેશ! સાધુ બાબા આવે છે, સાધુ બાબા આવે છે, એવી વાત સાંભળીને આ વિસ્તારમાં આનંદ આનંદ થઈ ગયો. બધાંય એમની આજુબાજુ વીંટળાઈ વળ્યાં. મહાપુરુષ મહારાજે આ આખો હરિજનવાસ નિહાળ્યો. એ બધાંને ઘરબાર અને રસ્તા ગલીઓને સાફ રાખવા કહ્યું. પછી એમના દેવસ્થાને તેઓ ગયા. મંદિર નાનું હતું અને માથું નીચું નમાવીને અંદર જવું પડે. મંદિરમાં સિંદૂર લગાડેલી કેટલીક નાની નાની મૂર્તિઓ હતી. એમણે બૂટમોજાં બહાર કાઢ્યાં. મંદિરની અંદર જઈને, બંને હાથ જોડીને, આંખો મીંચીને થોડીવાર સુધી ઊભા રહ્યા. ત્યાર પછી દસ રૂપિયા પ્રણામીના ધરીને કહ્યું: ‘આ બધાંને ખીરપ્રસાદ મળે તેવી વ્યવસ્થા કરજો.’ આ હરિજનવાસમાં ઉચ્ચવર્ણના કોઈ લોકો જતાં નહિ. મહાપુરુષ મહારાજ ત્યાં ગયા, એમના દેવસ્થાનના દેવોને પ્રણામ કર્યા. એનાથી આ વાસના લોકો ખૂબ આનંદિત થયા અને મહાપુરુષ મહારાજને ભાવપૂર્વક વારંવાર પ્રણામ કરવા લાગ્યા. મહાપુરુષ મહારાજે પણ એમને અંતરના આશીર્વાદ આપ્યા.
દેવસ્થાનમાં જઈને મહાપુરુષ મહારાજ ભાવાવેશમાં આવી ગયા. એ દિવસે આશ્રમમાં આવીને એમણે કહ્યું: ‘સર્વ કોઈ એક જ ભગવાનની આરાધના કરે છે ને! એમના દેવતા કંઈ અલગ નથી. અરે! એમનો કેવો ભક્તિભાવ!’ તે દિવસે મહાપુરુષ મહારાજ જાણે કે એ વાસના લોકોના કલ્યાણ માટે જ ગયા હતા. થોડા દિવસ પછી ફરતાં ફરતાં એ બાજુએ હું ગયો અને મેં જોયું કે આખા વાસની સિકલ જ જાણે કે બદલાઈ ગઈ ન હોય! એ લોકોએ આખા વાસની સાફસફાઈ કરી હતી અને મંદિરમાં ચૂનો લગાડીને મંદિરને સ્વચ્છ સુંદર બનાવી દીધું હતું. હું અવાક્ બની ગયો. મહાપુરુષ મહારાજના ઉપદેશથી જ એ લોકોમાં આવું પરિવર્તન આવ્યું.
કુનૂરમાં જોયું હતું કે તેઓ માળીનાં છોકરાંને પૈસા આપતા અને એમનું ક્ષેમકુશળ પૂછતા. બેંગલોરમાં દક્ષિણના એક ભક્તે ૧૦૦૦ રૂપિયા ગુરુદક્ષિણામાં આપ્યા હતા. દીક્ષા વખતે આટલી મોટી પ્રણામી એ સમયે તરત નજરમાં આવી ગઈ. આ ભક્તે ઘણા મોંઘા મદ્રાસી કાપડની પણ ગુરુપ્રણામી રૂપે ભેટ આપી હતી. શ્રીઠાકુરની વિશેષ પૂજા અને ભોજનપ્રસાદ માટે પણ પૈસા આપ્યા હતા. ગુરુદક્ષિણાનો એક પણ પૈસો મહાપુરુષ મહારાજે ન લીધો અને કહ્યું: ‘હું ગુરુ નથી, શ્રીઠાકુર જ ગુરુ છે, જગદ્ગુરુ છે. એમણે જેમ કહ્યું એમ જ કર્યું.’ દક્ષિણાના બધા પૈસા કોઈ આશ્રમમાં મોકલાવી આપ્યા અને આવેલાં કપડાં સાધુ-સંન્યાસીઓમાં વહેંચી દીધાં. પૈસા-ટકાનું એમને જરાય આકર્ષણ નહિ. એમનું જીવન અદ્વિતીય! કેટલા બધા ત્યાગી અને તપસ્વી! એટલે જ સ્વામીજી એમને મહાપુરુષ કહીને બોલાવતા.
૧૯૦૮માં શ્રી મહાપુરુષ મહારાજ વર્તમાન સેવાશ્રમના ભવનાદિનું શિલારોપણ કરવા કાશીમાં આવ્યા હતા. એ વખતે સેવાશ્રમ રામાપુરાના ભારાવાડીમાં હતો. એક દિવસ જોયું તો ઉપરના ઓરડામાં સ્વામી શુદ્ધાનંદ આવ્યા હતા. એમને મેં પ્રથમ વખત જ જોયા હતા.
હું શ્રીઠાકુરનો એક ચમત્કાર!
મહાપુરુષોની જીવનમીમાંસા પહેલાં કરતાં અત્યારે વધારે જરૂરી છે. અમે શ્રીઠાકુરના સંતાનોનું સાંનિધ્ય મેળવીને ધન્ય બન્યા છીએ. એમના મુખે શ્રીઠાકુરની કથા સાંભળી છે. એમનાં અનુપમ જીવનને સ્વનજરે જોયાં છે. એ સુભગ સંયોગ આજે તમારી સામે નથી. અમને જોઈને પણ તમને વિશેષ લાભ નહિ મળે. એનું કારણ એ છે કે એમની જેમ અમે જીવનઘડતર કર્યું નથી. તો પછી એનો ઉપાય શો? અમારી પાસેથી એ બધાની કથા થોડી થોડી સાંભળવા મળશે. એ પછી એ તક પણ નહિ મળે.
‘શ્રીઠાકુરને નજરે નિહાળનાર ભક્તો કોણ હતા અને ક્યાં રહેતા હતા એ કથામૃતનો પહેલો ભાગ વાંચીને જાણ્યું. એ ભક્તો પાસે જઈ જઈને જિજ્ઞાસાપૂર્વક શ્રીઠાકુર વિશે જેટલું જાણી શકાય તેટલું જાણી લીધું.
ગિરિશબાબુને મળવા પહેલી વખત ગયો હતો. મને દૂરથી જોઈને કહ્યું: ‘અરે, આવ, આવ. મને જો! કેવો હતો અને કેવો બનાવી દીધો! સાવ દેવતા બનાવી દીધો છે! તેઓ (શ્રીઠાકુર) કેવા હતા એ મને જોઈને જ સમજી જશો. મહાપ્રભુ ચૈતન્યે જગાઈ-માધાઈનો ઉદ્ધાર કર્યો હતો. એ લોકો વળી શું? જરા વિચારી જુઓ. એમણે મારા જેવા પાખંડીને પણ શરણ આપ્યું હતું. એ પહેલાં હું આટલું જાણતો હોત કે તેઓ આટલી મોટી કચરાપેટી છે (જીવનના પાપોને ધોનાર અને પવિત્ર બનાવનાર) તો જીવનમાં કેટકેટલાય ભોગ ભોગવી લેત. મને જુઓ, હું તો શ્રીઠાકુરનો અદ્ભુત ચમત્કાર છું!’
ગિરિશબાબુના જીવનમાં બનેલી એક ઘટના સાંભળો: ‘શ્રીઠાકુર એક વખત લાટુ મહારાજ અને બીજા એક-બેને સાથે લઈને એમના (ગિરિશબાબુના) થિયેટરમાં ગયા હતા. એ દિવસે એમણે થોડો વધારે નશો કરી લીધો હતો એટલે ગિરિશબાબુમાં સંતુલન ઘટી ગયું હતું. શ્રીઠાકુરને જોઈને એમને ન કહેવાનાં વેણ સંભળાવ્યાં. શ્રીઠાકુર સાથે આવેલા લાટુ મહારાજ અને એમની સાથેના બીજા બંનેને આ જોઈ-સાંભળીને ઘણો આઘાત લાગ્યો અને ભયાનક ગુસ્સો આવ્યો. એમણે શ્રીઠાકુરને તત્કાળ પાછા ચાલ્યા જવા વિનંતી કરી અને કહ્યું: ‘અમે હવે ગિરિશબાબુનું મોં જોવા માગતા નથી.’ પરંતુ શ્રીઠાકુરે શાંત રહીને આ બધું સાંભળી લીધું અને એમણે નાટ્યાભિનય જોયો પણ ખરો.
ત્યાર પછી જેમને મળવાનું થતું તેઓ ગિરિશબાબુના દુર્વ્યવહાર અને લાટુની યુક્તિની વાત કરીને એ વિશે એમનો અભિપ્રાય પૂછતા. તેઓ લાટુ મહારાજની સલાહનું સમર્થન કરતા. એ વખતે એક દિવસ એક વૃદ્ધભક્ત શ્રીરામચંદ્ર દત્ત મહાશય આવ્યા હતા. ભક્તોએ શ્રીરામબાબુના મતને વધારે મહત્ત્વ આપ્યું. શ્રીઠાકુરને પણ આ બધું કહ્યું છતાં પણ શ્રીઠાકુરે ગિરિશનો જ પક્ષ લીધો.
Your Content Goes Here




