(ગતાંકથી આગળ)
અધ્યક્ષનો દરબાર
એક અન્યતમ અંતરંગ સેવકનાં સંસ્મરણો :
હાવરા – બેલૂર મઠ, ૭ માર્ચ, ૧૯૬૨-૬૩,
બંગાબ્દ ૨૩ ફાલ્ગુન ૧૩૬૮, બુધવાર
સવારે ૯.૫૫ વાગ્યે અમૃતસર મેઈલ હાવરા સ્ટેશનમાં આવીને ઊભો રહ્યો અને શ્રીમત્ સ્વામી અભયાનંદજી, નિર્વાણાનંદજી, દયાનંદજી, ગહનાનંદજી, સંતોષાનંદજી, વિશોકાનંદજી – આ મુખ્ય દસ વરિષ્ઠ સંન્યાસીઓ રામકૃષ્ણ મઠ મિશનના આઠમા પરમાધ્યક્ષ રૂપે પૂજ્ય સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજને અત્યંત સન્માનપૂર્વક સ્ટેશને લેવા આવ્યા હતા. એમને તેઓ બેલૂર મઠ લઈ ગયા. ૧૫ જૂના ભક્તો અને ૨ સ્ત્રીભક્તો પણ સ્ટેશને ઉપસ્થિત હતાં.
સ્વામી ચિત્તસુખાનંદ, સ્વામી તદ્ગતાનંદ અને કૃષ્ણદાસ બ્રહ્મચારી સાથે નવા અધ્યક્ષ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ શિવધામ કાશીથી દેવભૂમિ બેલૂર મઠ પધાર્યા હતા.
બેલૂર મઠ,
૮/૩/૬૨
આજે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૨૭મી જન્મજયંતી છે. મહાનગર કોલકાતાનાં વિવિધ કેન્દ્રોના તેમજ બાજુના કસબાના આશ્રમમાંથી સાધુબ્રહ્મચારીવૃંદ અને ભક્તજનો સવારથી જ પવિત્ર મઠમાં ઉપસ્થિત થવા લાગ્યા. આજે ઈદની રજા પણ છે; અસંખ્ય ભક્તો આવ્યા છે.
સુયોગ સાંપડતાં બધા લોકો ઓછામાં ઓછા એકવાર મઠના મકાનના પહેલા માળે જઈને નવા પરમાધ્યક્ષનાં દર્શન કરીને પાછા ફરી રહ્યા છે. નવા પરમાધ્યક્ષ જાણે કે બધા ભક્તોને ઓળખે છે. તેઓ એકાદ-બે પ્રશ્નો પૂછીને અને એમની સાથે પ્રેમઉષ્મા સાથે વાર્તાલાપ કરીને બધાને ખુશખુશાલ કરી રહ્યા છે. ભક્તોને જોઈને અધ્યક્ષશ્રીને કેટલો બધો આનંદ થાય છે! ભક્ત લોકો પણ પ્રેમપૂર્વક એમના મુખારવિંદને નિહાળી રહ્યા છે. આવા છે સ્વામી વિશુદ્ધાનંદ; તેઓ ચિરનૂતન અને ચિર-પુરાતન છે. ૧૪ માસના સ્વલ્પ કાળ પછી તેઓ શ્રીરામકૃષ્ણલોકમાં લીન થઈ ગયા; પરંતુ આજે તેઓ અમારી સમક્ષ ન હોવા છતાં પણ એમની આ પરમાધ્યક્ષ રૂપેની પુણ્ય સ્મૃતિ એવો જ આનંદ આપી રહી છે.
એ સ્મૃતિ કથાની વાત આવી છે :
મધ્યાહ્ને આમ્રકુંજ નીચે ઊભા કરેલા સમિયાણામાં બેસીને દસ હજાર જેટલાં ભક્ત ભાઈ-બહેનોએ શ્રીઠાકુરનો પ્રસાદ લીધો.
અત્યારે સાંજના ૫ વાગ્યા છે. પૂજ્ય અધ્યક્ષ મઠના પહેલા માળના ઓરડાના ગંગા નદી તરફના વરંડામાં એક ખુરશીમાં બેઠાં બેઠાં ગંગાદર્શન કરી રહ્યા છે. કેટલાંક ભક્ત ભાઈ-બહેનો એમનાં ચરણતળે બેઠાં છે.
અધ્યક્ષશ્રી જાણે કે સ્વગત બોલી રહ્યા છે : ‘શ્રીઠાકુર કહેતા, ઈશ્વરની ઇચ્છા સિવાય વૃક્ષનું પાંદડુંયે હલતું નથી. હું તો સમજતો હતો કે મારું કાર્ય પૂરું થયું છે. કાશીથી હું પાછો આવીશ નહિ. મારા હિસાબ-કિતાબની જેમ મેં આ બધું સુનિશ્ચિત કરી રાખ્યું હતું. મારા હિસાબની ભૂલ પકડાઈ ગઈ. સારી રીતે હિસાબ-કિતાબ ન રાખ્યો ને! શ્રીઠાકુરનો હિસાબ તો સાવ પાકો. તેઓ કેટલા મોટા ઓડિટર! મારા હિસાબને અવગણીને મને તેઓ અહીં લઈ આવ્યા. મારા અંતિમ દિવસો કાશી વિશ્વનાથના દરબારમાં જ ગાળીશ એમ મેં વિચાર્યું હતું, પરંતુ આ જગન્નાથના દરબારમાં આવવું પડ્યું છે. મેં તો ‘કાશીવાસ’નું જમાખાતું લખ્યું હતું, પણ એ ખાતાને કાપીને એમણે મને આપ્યો ‘મઠવાસ’. એમના હિસાબમાં ક્યાંય ભૂલચૂક ન જ હોય.
એટલે જ અહીં આવવાનું થયું અને બેસવું પણ પડ્યું. હું તો વૃક્ષતળે બેસનારો ફકીર છું. આ બધું મને નથી ગમતું. શું મારી ઇચ્છાથી કામ થાય છે ખરું? જીવન એક અભિનય જેવું જ છે, એ તો એક ચલચિત્ર જેવું છે, પહેલેથી જ આ ચિત્ર એમણે ખેંચી લીધું છે. શેષ પરિણામ શું આવશે એનો મને ખ્યાલ નથી; પરંતુ જેમણે આ ચલચિત્રની છબિઓ પાડી છે તેઓ જ બધું જાણે છે.
શરણાગતિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ભરત મહારાજ એકવાર મને પી.સી.સરકારનો જાદુ બતાવવા લઈ ગયા હતા. કેટકેટલા જાદુઈ પ્રયોગોના આશ્ચર્યકારક ખેલ બતાવ્યા હતા! જાદુગરને ખબર છે કે આ બધું મિથ્યા છે. અમે પણ જાણીએ છીએ કે આ બધું મિથ્યા છે. પણ જાદુગરીને પામવાની અમારી ક્ષમતા નથી.
રંગમંચ પરથી ઊતરીને જાદુગર બધાની સામે કાગળનાં બે પેકેટ બનાવ્યાં, પછી એમાં પાણી નાખ્યું. એ બંને પેકેટને ઊંધુંચતું કરીને એમાં એક ટીપુંયે પાણી નથી એ બતાવ્યું. પેકેટને ટેબલ પર ફેંકીને જાદુગર રંગમંચ પર ચડી ગયો. બધાને કેવા તો બનાવ્યા!
શ્રીઠાકુર અત્યારે મને સાથે રાખીને આવો જ અભિનય કરે છે. એ ખેલ ક્યાં ખતમ થશે એ તેઓ જ જાણે છે. બાજીગર જ સાચા અને એનો જાદુ મિથ્યા છે.
કાશી મહાચૈતન્યમય સ્થાન છે. કેટકેટલા લોકો આવીને કાશી વિશ્વનાથ બાબાની પૂજા કરે છે, ભક્તિ ઉપહાર ધરે છે! આ તો શિવમય સ્થાન, ત્વરિત ચૈતન્ય જાગ્રત થાય તેવું સ્થાન. મારી પાસે જે લોકો આવતા હતા એમને હું કહેતો – વિશ્વનાથ બાબાનાં દર્શન કર્યાં? જાઓ જાઓ, પહેલાં બાબાની પૂજા કરીને આવો. એક પંડાની જેમ હું આ વાત એમને વારંવાર કહેતો.
કેટલાક પંડાઓ એવા છે જે મંદિરે બેસીને માત્ર ગપસપ કરે છે. દૂરથી આવીને કેટકેટલા લોકો બાબાની પૂજા કરે છે અને પોતાનો ઉદ્ધાર પણ કરી લે છે. જુઓને, મા ગંગા આપણી કેટલી નજીક છે! સાવ જાગ્રત અને જીવંત! આ માહાત્મ્ય શું આપણે સમજી શકીએ? પરંતુ શ્રીઠાકુર મા ગંગાની કેટલી ભક્તિ કરીને ગયા! મૂળ વાતનો ખ્યાલ છે ખરો? એ સમજવા તો મનની જરૂર છે. મન શુદ્ધ હોય તો એ સમજાય નહિ તો કંઈ ન થાય.’
(ક્રમશ:)
Your Content Goes Here




