(ગતાંકથી આગળ)
રચનાવલિ-ગ્રંથાવલિ માહાત્મ્ય
વૃદ્ધ સંન્યાસી: ‘તું કંઈ શાસ્ત્રપાઠ વગેરે કરે છે?’ સાધુ (સસંકોચ): ‘હા, અત્યારે સ્વામીજીની ગ્રંથાવલિ વાંચું છું.’ વૃદ્ધ સંન્યાસી: ‘વાહ, ઘણું સારું.’
મદ્રાસના જૂના મઠના હૉલમાં રાત્રે બેસીને હું સ્વામીજીની ગ્રંથમાળાનું વાચન કરતો હતો. મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) ધીમે પગલે મારી પાછળ આવ્યા અને મારી પીઠ થાબડીને મને પ્રેર્યો. એ સમયે એમણે મને કહ્યું: ‘સ્વામીજીની ગ્રંથમાળા પ્રયત્નપૂર્વક વાચીએ તો પછી બીજાં કેટલાંય શાસ્ત્રો વાચવાની આવશ્યકતા રહેતી નથી. એ ગ્રંથમાળામાં સ્વામીજીએ શાસ્ત્રોનો નિચોડ અદ્ભુત રીતે રજૂ કર્યો છે. એમાં બધું જ છે.’
હું પણ કહું છું કે તમે પણ નિષ્ઠાપૂર્વક સ્વામીજીની ગ્રંથમાળા વાચજો. (સેવાશ્રમ, કાશી, ૨૬.૨.૬૧)
શ્રીશ્રીમાનાં ચરણચિહ્નો
શ્રીમા જીવતાં હતાં ત્યારે રાસબિહારી (સ્વામી અરૂપાનંદ) મહારાજે શ્રીશ્રીમાનાં ચરણચિહ્નોની છાપ મારે માટે લીધી હતી. શ્રીશ્રીમાની ચરણછાપ મારી પાસે રાખું એવી મારી મનોકામના હતી અને મારી એ મનોકામના પૂર્ણ થઈ. એ છાપ મારી પાસે મેં ઘણાં વર્ષ સુધી રાખી હતી.
ત્રિબાંકુરામાં જઈને એ ઇચ્છા મેં એક શ્રીશ્રીમા અને ઠાકુરના એક અનન્ય ભક્તને જોઈને ત્યજી દીધી. ત્યાં સ્વામી સિદ્ધેશ્વરાનંદજીના વૃદ્ધ પિતા સાથે મારે મળવાનું થયું. તેઓ પરમભક્ત હતા. શ્રીઠાકુર અને શ્રીમાનાં શ્રીચરણોમાં એકાંતિક ભક્તિ જોઈને હું તો અભિભૂત થઈ ગયો. મારી પાસે ઘણા સમયથી રાખેલ શ્રીશ્રીમાનાં પદચિહ્નોની છાપ તેમને આપી દીધી.
એમની અત્યંત ભક્તિભાવના જોઈને હું વિચારમાં પડી ગયો: ‘હું તો દરરોજ એકવાર આ ચરણચિહ્નને મસ્તકે લગાડી દેતો, એટલું જ બસ. એથી વિશેષ મેં કંઈ કર્યું નથી. અને એ તો પરમ
ભક્ત! એમની પાસે રહેશે તો આ ચરણચિહ્નની પૂર્ણમર્યાદા જળવાઈ રહેશે.’
ચરણચિહ્ન મેળવીને વૃદ્ધ ભક્ત તો આનંદવિભોર બની ગયા. એ તો માથે મૂકીને નાચવા લાગ્યા, નાચવાનું સતત ચાલુ જ રહ્યું! એ જોઈને મેં જે સંતૃપ્તિ અનુભવી તેનું તો શું વર્ણન કરું! તે ભક્ત પોતાના ઠાકુર ઘરમાં એને રાખીને નિત્યપૂજા કરતા. એમના દેહાવસાન પછી સ્વામી સિદ્ધેશ્વરાનંદજીનાં માતાએ એમને ખૂબ પ્રેમભાવથી રાખ્યાં હતાં. પછી ત્રિબાંકુરાના સ્ત્રીમઠ (શારદા મઠ)ની માતાજીઓને આ વાતની ખબર પડી. તેમણે અનેકવાર વિનંતી કરી અને સ્વામી સિદ્ધેશ્વરાનંદજીનાં માતા પાસેથી એ ચરણચિહ્નોની છાપ મેળવીને પોતાના મઠમાં રાખી. એમની તેઓ નિત્યપૂજા કરે છે. (સેવાશ્રમ, કાશી, ૧૨.૮.૬૧)
સમસામયિક સાધકો અને ભક્તો
સ્વામી નિરંજનાનંદજી મહારાજ ૧૯૦૪માં હરદ્વારમાં શ્રીઠાકુરનાં ચરણોમાં લીન થયા. એમનાં દર્શનનો લાભ મને નથી મળ્યો. પૂજ્યપાદ નિરંજનાનંદ મહારાજ, યોગીન મહારાજ, સ્વામીજી અને ત્રિગુણાતીતાનંદ મહારાજ – આ ચાર પાર્ષદોનાં દર્શનનું સદ્ભાગ્ય મને સાંપડ્યું ન હતું.
એ સિવાયના શ્રીઠાકુરના બીજા બધા સંન્યાસી શિષ્યોનાં દર્શનનો લાભ મળ્યો હતો. પૂજ્યપાદ રાજા મહારાજ (સ્વામી બ્રહ્માનંદ), શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદ), મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ), ખોકા મહારાજ (સ્વામી સુબોધાનંદ)નાં ઘનિષ્ઠ સાંનિધ્ય અને સ્નેહકરુણા મેળવીને હું ધન્ય બન્યો છું.
શ્રીઠાકુરના ગૃહસ્થ ભક્તો પૈકી પૂજ્ય માસ્ટર મહાશય, ગિરીશબાબુ, પૂર્ણબાબુ અને પલ્ટુબાબુને મેં જોયા છે. શિવનાથ શાસ્ત્રી મહાશયને પણ મેં જોયા છે. નિત્યગોપાલદેવ (જ્ઞાનાનંદ અવધૂત) અને બીજા કેટલાકને જોયા તો છે પણ બરાબર યાદ નથી. માસ્ટર મહાશય અને ગિરીશબાબુ સાથે સવિશેષ મિલનસંપર્ક રહ્યો હતો.
સાધિકાઓમાં – યોગીન મા, ગોલાપ મા, ગૌરી મા અને લક્ષ્મીદીદીને જોયાં છે. શ્રીરામબાબુનાં મા કૃષ્ણભાવિનીદેવી અને નવગોપાલનાં ભક્તિમતી પત્નીને પણ જોયાં છે. ભગિની નિવેદિતાને પણ જોયાં છે.
પુરીના શશી નિકેતનમાં રહું છું. ત્યાં સ્વામી માધવાનંદજી આવ્યા હતા. ત્યારે એમણે ગૃહત્યાગ કર્યો ન હતો. એમણે મને પૂછ્યું: ‘મહાશય, સારું ધ્યાન કેમ નથી થતું?’ મેં કહ્યું: ‘તેમના પર સાચો પ્રેમ ન હોય તો સારું ધ્યાન કેવી રીતે થાય?’ સ્વામી માધવાનંદ હજુ પણ આ વાત કરે છે. (સેવાશ્રમ, કાશી, ૨૭.૮.૬૧)
શ્રીશ્રી મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી)નો આદેશ
સવારે સેવકસાધુ મારા શરીર પરના ઘાને સાફસૂફ કરી જતો હતો. ત્યારે તે સાધુને પાછો બોલાવીને મેં કહ્યું: ‘(શ્રીમંદિરમાં નિયમતિપણે) પ્રણામ ચાલે છે ને!… ખૂબ સારું. એ નિષ્ઠાપૂર્વક કરતા રહો. મને એનાથી આનંદ મળે છે એટલે તમને કહું છું. વધુ એક કામ કરજો, રોજ ઓછામાં ઓછા હજાર જપ કરવા. કરીને જુઓ – નિશ્ચય આનંદ મળશે.’
શ્રી શ્રીમાએ મને ત્રણ મંત્રો આપ્યા હતા – શ્રીઠાકુરનો, મા કાલીનો અને શિવનો. એ ત્રણેય મંત્રોનો ૧૦૮ વાર જપ કરવાનું કહ્યું હતું.
પછી શ્રી શ્રીમહારાજે મારી પાસે આ સાંભળ્યું ત્યારે તેમણે કહ્યું: ‘તું થોડા વધુવાર જપ કર ને – ઓછામાં ઓછા હજારવાર કર. મેં પોતે તેનાથી ખૂબ લાભ મેળવ્યો છે. એટલે તને કહું છું. તું પણ કરીને જો, આનંદ મળશે.’ ત્યારથી શ્રી શ્રીમહારાજના આદેશનું પાલન કરું છું. (સેવાશ્રમ, કાશી, ૪.૧૦.૬૧)
શ્રીમાના આશિષ
શ્રીમાના આશીર્વાદ મસ્તકે ધારણ કરી અમે ત્રણ સાધુઓ (સ્વામી ગિરિજાનંદ, સ્વામી શાંતાનંદ અને સ્વામી વિશુદ્ધાનંદ) કામારપુકુર થઈ અને કાશી જતા હતા ત્યારે અહા, અમારા માટે શ્રીમાને કેટલી ચિંતા! તેણે કરુણભાવે શ્રીઠાકુર પાસે અમારા માટે પ્રાર્થના કરી!
અમારી પાસે એક જૂનો પુરાણો એક ધાબળો, એક લોટો અને બે-ચાર કપડાં હતાં. શ્રીરામકૃષ્ણ કથામૃતનો પ્રથમ ખંડ અને શ્રીરામકૃષ્ણદેવનો એક ફોટો (સંભવત: સિંહાસનરૂઢ શ્રીઠાકુરનો આ ફોટો સ્વામી શાંતાનંદજી મહારાજે આજીવન પોતાની પાસે રાખ્યો હતો.) અમારી પાસે હતો.
શ્રીમા બાડુજ્યપુકુર સુધી અમને લોકોને વિદાય આપવા માટે આવ્યાં. કેવું કરુણાસભર અદ્ભુત દૃશ્ય! તે દિવસની વાત જ્યારે પણ યાદ આવે ત્યારે ખૂબ અભિભૂત થઈ જવાય છે. (સેવાશ્રમ, કાશી, ૨૧.૧૦.૬૧)
અવતારવરિષ્ઠાય
અવતારપુરુષોનું કેવું અદ્ભુત રૂપ હોય છે! મહાપ્રભુને જુઓ, ઈશુખ્રિસ્તને જુઓ, બુદ્ધદેવને જુઓ, દિવ્યકાંતિ!
આ અવતારમાં બધું અલગ, સામાન્ય દેહાકૃતિ અને સાધારણ ચહેરો, પરંતુ દિવ્યભાવ!
શ્રીમાનું પણ એવું જ! શ્રીમાની સાથે ગોલાપ મા દક્ષિણ ભારતમાં ગયાં હતાં. ગોલાપ માનો ચહેરો ધૂમાવતિ દેવી જેવો સુંદર હતો. ભક્તો બધા આવીને ગોલાપ માને સાષ્ટાંગ પ્રણામ કરે છે, શ્રીમા પાસે ચૂપ કરીને બેઠાં છે – એકદમ પાતળું શરીર. ગોલાપ મા ખૂબ ક્રોધે ભરાઈને બોલવા લાગ્યાં: ‘અરે મૂર્ખાઓ, મને નહિ, અહીં, અહીં શ્રીમાને પ્રણામ કરો. આવો સુંદર ચહેરો શું મનુષ્યનો હોય!’
આ વખતે આવી જ રીતે લીલા! (શ્રીરામકૃષ્ણ મઠ, કામારપુકુર, ૨૫.૧.૫૯)
(ક્રમશ:)
Your Content Goes Here




