(ગતાંકથી આગળ)

સાધુજીવન અને ભજન

કોલાલંપુર સેન્ટરનો ચાર્જ સંભાળવા એ બાજુ જવાની વાત થઈ. મહાપુરુષ મહારાજે (સ્વામી શિવાનંદજીએ) કહ્યું: ‘જિતેન, તારે ત્યાં જવાનું છે.’ હું હતપ્રભ થઈ ગયો. આ તો મહાપુરુષ મહારાજનો આદેશ અને એનું ઉલ્લંઘન કરવું શક્ય ન હતું. એ સમયે તો હું ચૂપ જ રહ્યો.

બે દિવસ પછી પ્રણામ કરતી વખતે મેં કહ્યું: ‘મહારાજ, સાધન-ભજન તો જોઈએ ને!’ તેમણે તરત કહ્યું: ‘જરૂર, સાધુજીવનમાં એ સિવાય બીજું છે શું, કહે તો ખરો?’ મેં કહ્યું: ‘અને મહારાજ હું જે દેશમાં જવાનો છું ત્યાં તો વળી કેવા વિપરીત આચાર-વિચાર!’ મહાપુરુષ મહારાજે કહ્યું: ‘ના, ના. તારે ત્યાં જવાનું નથી. આ વાત હું બીજા ટ્રસ્ટીઓને જણાવી દઈશ.’

કાશીધામના યાત્રાપથે

આજકાલ તો તીર્થયાત્રીઓ બસમાં બેસીને બદરી-કેદાર જાય છે. (લેખક (સ્વામી વિશુદ્ધાનંદ) આ બદરી-કેદારની ચારધામની યાત્રામાં જઈ શક્યા નહિ. એનું કારણ એ હતું કે એ યાત્રા માટે માર્ગ જાણતા ન હતા. શ્રીમા શારદાદેવીની આજ્ઞાને લીધે અને એમના પરની શ્રદ્ધાભક્તિને લીધે આ દુર્ગમ અને કઠિન યાત્રાએ જવાનો વિચાર છોડી દીધો. શ્રીઠાકુરે પોતાના મુખે ઉચ્ચારેલી એક ઉક્તિ છે: ‘કેટલાક સાધુઓ એક ધામની યાત્રા બાકી રાખે છે, એટલે મૃત્યુ સમયે એનું સ્મરણ થઈ આવે.’) કેટલાક દિવસો પછી કદાચ વિમાનમાં બેસીને પણ જવાનું થશે. આ બધાં સ્થળો પગપાળા ન જવાય તો એનો સાચો આનંદ મળે નહિ. શ્રીઠાકુરના પિતાશ્રીએ પગે ચાલીને ગયાધામ અને રામેશ્વરધામનાં દર્શન કર્યાં હતાં. અમારી તરુણ અવસ્થામાં ગયા સુધી જવામાં પણ ઘણું કષ્ટ પડતું.

ત્યારે મારી ઉંમર ચોવીસ વર્ષની હશે. ઘરબાર ત્યાગ કરવાનો સમય થયો છે કે કેમ? એ પથે જવું યોગ્ય છે કે કેમ? એ વિશે હું કંઈ જાણતો ન હતો. નિત્યગોપાલ અવધૂતજીની પાસે જઈને પૂછતાં તેમણે કહ્યું: ‘હવે સમય પાકી ગયો છે.’

એ વખતે હું દક્ષિણેશ્વર જતો-આવતો, પણ બેલૂર મઠ ન જતો. શ્રીઠાકુરના સંતાનો પાસે જવાની હિંમત જ ન થતી. અને મઠ-મિશનમાં જોડાઈશ એવો તો મનમાં કોઈ સંકલ્પ પણ ન હતો. એકમાત્ર ઈશ્વરપ્રાપ્તિ જ ઉદ્દેશ હતો. 

એ વખતે પ્રવર્તમાન સમાજમાં એક એવી સંકલ્પના હતી કે પ્રવ્રજ્યા (સંન્યાસ) લઈએ એટલે ચારધામની યાત્રાએ જવું જોઈએ. એટલે અમે ત્રણ જણાએ મળીને શ્રી શ્રીમા પાસે જયરામવાટીમાં જઈને બે હાથ જોડીને પ્રાર્થના કરતાં કહ્યું: ‘મા, અમને ભિન્ન ભિન્ન ભાવે એકલા-એકલા પગે ચાલીને ચારધામ જવાની ઇચ્છા છે. અને પછી પહાડ-જંગલમાં ક્યાંક બેસીને ભગવાનને પોકારતા પોકારતા શરીર ચાલ્યું જાય એવી અમારી ઇચ્છા છે.’

નાના હતા એટલે મનમાં ઘણો વૈરાગ્યભાવ હતો. અને મનમાં વિચારતો કે કેટલાય જન્મો આમને આમ વીતી ગયા. આ વખતે એવું ન થાય અને ભલે આ દેહ ચાલ્યો જાય (એવી પહાડ-જંગલમાં જઈને તપસ્યા કરીશ). જો શ્રીમા એકવાર માથે હાથ મૂકીને આશીર્વાદ આપે તો પછી બીજું જોઈએ શું? ગમે તેમ હોય પણ શ્રીમાએ આ સાંભળીને કહ્યું: ‘થોડા દિવસ મારી પાસે રહો, પછી હું કહીશ.’… એક એક કરીને દિવસો પસાર થયા. એ વિશે શ્રીમાએ એક શબ્દેય ન ઉચ્ચાર્યો. અમે તો ખાઈ-પીઈને મનનો આનંદ મેળવતા હતા. ત્યાર પછી એકાએક શ્રીમાએ બોલાવીને કહ્યું: ‘વત્સ, તમારે શા માટે આટલી કઠોરતા વેઠવી જોઈએ? જેને કરવું હોય એને કરવા દો. શ્રીઠાકુરના ચરણોમાં જ તમને અર્પણ કરું છું. અને હું તો છું જ, તો વળી તમારે કઈ ચિંતા! છતાં પણ તમારી આટલી તીવ્ર ઇચ્છા છે તો પગે ચાલીને કાશીધામ સુધી જાઓ. હું અદ્વૈત આશ્રમમાં તારકને (સ્વામી શિવાનંદજીને) ચિઠ્ઠી લખી આપું છું.’ શ્રીમાના આદેશથી એ જ દિવસે અમારી મુંડનવિધિ થઈ. પછીના દિવસે શ્રીમાએ અમારા હાથમાં ભગવાં કપડાં અને કૌપીન આપ્યાં. અમે પણ શ્રીમાની પાસેથી વિદાય લઈને કામારપુકુર ચાલ્યા ગયા. ત્યાં કેટલાક દિવસો રહીને કાશીધામની યાત્રાએ નીકળી પડ્યા.

શ્રાવણ મહિનો – ચાતુર્માસકાળ. દામોદર નદીના કિનારે પહોંચીને જોયું તો પૂરના પ્રવાહમાં મોટાં મોટાં વૃક્ષો પણ તણાતાં જતાં હતાં. એ વખતે એક નૌકા જતી હતી તેમાં બેસીને નદી પાર કરીને વર્ધમાન શહેરમાં પહોંચ્યા. ત્યાંથી ગ્રાંટ ટ્રંક રોડ પકડ્યો.

કોલકાતાનો છોકરો, ખુલ્લે પગે પ્રથમવાર યાત્રાએ નીકળ્યો છે. જ્યારે શિયારશોલે ગામ પહોંચ્યો ત્યારે પગમાં ઘારાં પડી ગયાં. ત્યાં આઠ-નવ દિવસ રોકાવું પડ્યું. એનું કારણ એ પણ હતું કે ગિરજાનંદને ઘણો તાવ આવ્યો હતો. શિયારશોલે છોડ્યા પછીના બે દિવસ પછી વૈદ્યનાથ ધામ પહોંચ્યા. ત્યાં એક બંગાળી ઇજનેરના ઘરે ઉતર્યા. એમનાં વિધવા બહેન ભગવાન દામોદરનાં ભક્ત. સંધ્યા પછી અમે જ્યારે એમના મકાને ગયા ત્યારે તેઓ પોતાના આરાધ્યદેવને ભોગ ધરાવતાં હતાં. અમને જોઈને અત્યંત પ્રસન્ન થઈને કહ્યું: ‘આજે મારી પૂજા સાર્થક થઈ!’ ખૂબ પ્રેમથી ભોજનપ્રસાદ પીરસ્યો. અમે થોડા દિવસ ત્યાં રહીએ એવી એમની ઇચ્છા હતી. અમને એટલો વિશ્રામ પણ મળી રહે, એટલે થોડા દિવસ ત્યાં રહ્યા. એક દિવસ એમણે કહ્યું: ‘મહારાજ, તમારાં ઘરનિવાસ ક્યાં છે? મા-બાપને કેટલાં બધાં રડાવ્યાં છે? સરનામું કહો તો ત્યાં તાર-બાર કરું.’ અમે એમને વાળવા પ્રયત્ન કર્યા. 

પછી મેં એ બહેનને કહ્યું: ‘એ બધાની કંઈ જરૂર નથી. પહેલાં અમે કાશી જઈશું. અત્યારે તો બધું સારું છે, કંઈક સાજામાંદા થઈશું ત્યારે જોયું જશે.’ અમે એકાએક ચાલતા ન થઈ જઈએ એટલે એમણે અમારી એકાદ-બે વસ્તુઓ સંતાડીને રાખી મૂકી. આવું બધું જોઈને અમે એ જ રાત્રે નીકળી જવાનું નક્કી કર્યું. ગ્રીષ્મકાળ છે, રાતના ત્રણ વાગ્યે ઊઠ્યા અને ત્રણેય જણા ચૂપચાપ ચાલી નીકળ્યા. વિષ્ણુ ગયામાં એક સારા આશ્રમમાં ઉતારો કર્યો. સ્વામીજી છેલ્લીવાર ગયાધામમાં ગયા હતા અને તેઓ જે મઠમાં રહ્યા હતા એ જ મઠમાં અમે કેટલાક દિવસ રહ્યા. ત્યાંના મહંતે અમારો ઘણો આદરસત્કાર કર્યો. 

ત્યાંથી રસ્તામાં શોણનદી આવે છે. પાસે પૈસા-બૈસા કંઈ ન હતા. હોડીવાળાઓને કહ્યું: ‘કૃપા કરીને અમને નદી પાર કરાવી દો.’ તેઓ તૈયાર ન થયા. એમને મનમાં એવું હતું કે અમે પૈસા છુપાવી રાખ્યા છે. આવી રીતે અનેક કંગાલ-ફકીરો નદી પાર કરી જતા. નિરુપાયે નદીમાં તરીને પાર કરવાનું નક્કી કર્યું. પછી શ્રીઠાકુરની છબિ, ‘કથામૃત’ અને શ્રીમાએ આપેલ ભગવાં વસ્ત્રોને પોટલીની જેમ માથે બાંધી રાખ્યા. આ બધું જોઈને નાવિકોને ખાતરી થઈ કે ખરેખર અમારી પાસે પૈસા નથી. તેમણે જ અમને નદી પાર પહોંચાડ્યા.

કેટલાક દિવસ પછી કાશી પહોંચ્યા. અમે જ્યારે મહાપુરુષ મહારાજ પાસે અદ્વૈત આશ્રમમાં ગયા ત્યારે આશ્રમ હજુ શિશુ અવસ્થામાં હતો.

ભિંગાના મહારાજાએ સ્વામી વિવેકાનંદને કાશીમાં વેદાંતના પ્રચાર-પ્રસાર માટે ૫૦૦ રૂપિયા આપ્યા હતા. સ્વામીજીએ એ જ ૫૦૦ રૂપિયા મહાપુરુષ મહારાજના હાથમાં આપીને તેમને કાશી મોકલ્યા. મહાપુરુષ મહારાજ તો કાશીમાં જઈને સાધન-ભજનમાં લીન થઈ ગયા. વેદાંતના પ્રચાર-પ્રસારનું કાર્ય એ વખતે આટલું જ થયું હતું. (મોરાબાદી આશ્રમ, ૧૦.૮.૫૪)

કાશીધામમાં સ્વામી પ્રેમાનંદ મહારાજનો ભાવાવેશ

અમે કેટલા ભાગ્યવાન! મહાન પુણ્યના પ્રતાપે શ્રીઠાકુરના દરબારમાં પહોંચી ગયા છીએ. આ જ કાશીધામમાં બાબુરામ મહારાજ વાતવાતમાં એવા તો ભાવવિભોર બની ગયા કે એ જોઈને અમે એકદમ સ્તબ્ધ બની ગયા. મહાપુરુષ મહારાજની પાસે બેસીને જમતાં જમતાં સ્વામી પ્રેમાનંદજી મહારાજે કહ્યું: ‘તારકદા, આપણા મહાભાગ્યને પ્રતાપે શ્રીઠાકુરે આપણને એમની પાસે લઈ લીધા, નહિ તો કેવી દશા થઈ હોત, કહો જોઈએ! ક્યાંયના ક્યાંય તણાઈ જાત, એનું કંઈ ઠામ-ઠેકાણું ન રહેત! શ્રીઠાકુરે આપણા પર દયા કરીને આપણી રક્ષા કરી, અને એટલે જ તો આપણે બચી ગયા. અહા! તેમની કેવી અપાર કરુણા, અસીમ કૃપા!’

અત્યંત આવેગ પૂર્વક આ કથાવાત કરતાં જ ભાવોન્મત્ત બનીને જમણો હાથ ઊંચો કરીને ‘જય રામકૃષ્ણ! જય રામકૃષ્ણ!’ એવો ઉચ્ચ સ્વરે નાદ કરતાં કરતાં જમવાનું પણ ભૂલી ગયા. એમની ભાવાવસ્થા જોઈને મહાપુરુષ મહારાજે અભિભૂત થઈને કહ્યું: ‘તમે તો આજીવન શુદ્ધ અને પવિત્ર! તમારી વાત જ અલગ; પરંતુ શ્રીઠાકુરે મારે માટે શું શું કર્યું નથી! એક પછી એક આવતાં સંકટોમાંથી મને બચાવીને એમની પોતાની પાસે લઈ લીધો! મારા માટે તો બાબુરામદા, નેરોએસ્કેપ-સાંકડી નેળમાંથી નીકળવા જેવું હતું!’ શ્રીઠાકુરની કૃપા અને કરુણાને યાદ કરીને તેઓ બંને જાણે કે એક અનન્ય વિશ્વમાં ચાલ્યા ગયા! (સેવાશ્રમ, કાશી, ૪.૧૧.૫૪)

મામનુસ્મર યુદ્ધ્યશ્ચ

‘મત્કર્મકૃત મત્પરમો મદ્‌ભક્ત: સંગવર્જિત: નિર્વેર: સર્વભૂતેષુ’ આ જ ગીતાનો સાર છે. મત્પરમ: થાય તો મત્કર્મકૃત થઈ શકે. મદ્‌ભક્ત: થાય તો મત્પરમ: બની શકે. અને વળી સંગવર્જિત: થાય તો મદ્‌ભક્ત બની શકાય, આ જ છે ગીતાનો કર્મયોગ. સ્વામીજીએ આનો વધારે વિસ્તાર કરી દીધો છે. ‘મત્કર્મ = ઈશ્વરકાર્ય, ઈશ્વરસેવા’; આ જ ઈશ્વર બધા પ્રાણીઓમાં રહેલો છે. એટલે જ બધા જીવોની સેવા એ એમની જ સેવા. આ છે સ્વામીજીનો કર્મયોગ. શ્રીઠાકુર પ્રત્યે પ્રેમભક્તિ આવે તો સેવાધર્મ ઠીકઠીક થઈ શકે. 

સ્વામી સર્વાનંદજીએ પૂછ્યું: ‘સર્વત્યાગી સાધુઓમાં મનમનાંતર કેમ થાય છે?’ મહારાજ (સ્વામી બ્રહ્માનંદજીએ) કહ્યું: ‘એમના પર (શ્રીઠાકુર પર) સાચો પ્રેમભાવ નથી એટલે મનમનાંતર દેખાય છે.’

૧૯૦૮માં મહારાજ મદ્રાસમાં હતા. પહેલા સેવક બેંગલોર ગયા છે, ત્યાં શીતળાથી એમનું દેહાવસાન થયું. હવે હું સેવક છું. મહારાજની સેવા કરતાં અત્યંત આનંદ મળે છે. જપધ્યાન ન કરતો. ગાડીમાં મહારાજ સાથે શશી મહારાજ, કૃષ્ણલાલ મહારાજ અને હું ટ્રિપ્લીકેન જતા હતા. કૃષ્ણલાલ મહારાજે રાજા મહારાજને કહ્યું: ‘જિતેન આપનો સેવક બની રહેવા ઇચ્છે છે. બીજી જગ્યાએ જવાની એની ઇચ્છા નથી.’ મહારાજે ઉત્તેજિત મને કહ્યું: ‘એઝ એ ફ્રેન્ડ એન્ડ એઝ એ બ્રધર, આઈ ટેલ યુ વર્ક એન્ડ વર્શીપ મસ્ટ ગો ટુગેધર’ – ‘એક મિત્ર રૂપે અને એક બંધુ તરીકે હું તને આટલું કહું છું કે કર્મ અને સેવાપૂજા સાથે સાથે ચાલવાં જોઈએ.’ મહારાજે મને પૂછ્યું: ‘જપધ્યાન કરે છેને?’ મેં કહ્યું: ‘ના, આપની સેવાથી જ ઘણો આનંદ મળે છે.’ તેમણે કહ્યું: ‘ના, જપધ્યાન કરજે. કર્મ સાથે જપધ્યાન કરવાં જોઈએ- એમના (શ્રીઠાકુર) પર પ્રેમભાવ ભક્તિ લાવવા માટે એ અનિવાર્ય છે.’

શશી મહારાજનું જીવન આદર્શરૂપ હતું. મદ્રાસ મઠમાં તેઓ પોતે જ શ્રીઠાકુરને જગાડતા. સવારે શાકભાજી સુધારવા બેસતા. એ વખતે મનુસંહિતા અને બીજાં શાસ્ત્રોની વ્યાખ્યાચર્ચા પણ કરતા. ત્યાર પછી સ્નાન કરીને પૂજામાં બેસતા. બપોર પછી વર્ગચર્ચા કે વક્તવ્ય આપીને પાછા ફરતી વખતે નિશ્ચિત સમયે સંધ્યાઆરતી કરતા. બહારના વર્ગોમાં સાત-આઠ જણ આવતા – ઓફિસ કાર્ય પછી એ લોકોમાંથી કેટલાક ઝોલાં ખાતા તો વળી કેટલાક બેઠા બેઠા જ નિદ્રાધીન થઈ જતા. એનાથી શશી મહારાજ વિક્ષિપ્ત ન થતા. તેઓ સેવાભાવથી વર્ગો લેતા હતા. કોઈ પૂછે તો શશી મહારાજ કહેતા: ‘કોણ સૂતું છે, કોણ શું કરે છે, એમાં મારે શી લેવા દેવા? હું તો શ્રીઠાકુરને કહી સંભળાવું છું.’ 

સ્વામીજીના એકમાત્ર અનુરોધથી જ તેઓ મદ્રાસ ચાલ્યા ગયા. ૧૧ વર્ષ સુધી શ્રીઠાકુરનાં ભસ્માસ્થિની સેવાપૂજામાં એકનિષ્ઠભાવથી લાગી ગયા હતા. અંગ્રેજી તો ઘણું ભૂલી ગયા હતા; મદ્રાસ જઈને કિડિ પાસે (સિંગારાભેલૂ મુદલિયર) ફરી શીખ્યા. વર્ગમાં ભાષાની ભૂલ થાય તો કિડિ કહેતા: ‘સ્વામીજી, આજે આ ભૂલ થઈ હતી.’ તમિળમાં કિડિ એટલે પક્ષી. પક્ષીની માફક જ તેઓ સ્વલ્પાહારી હતા. એટલે જ સ્વામીજીએ એમનું નામ ‘કિડિ’ પાડ્યું હતું.

શશી મહારાજ સ્વામીજીની છબિ સામે હાથ જોડીને કહેતા: ‘જુઓ, મારા મનમાં નામજશની વાસના ન જાગે.’

સ્વામી યતીશ્વરાનંદ ‘પ્રબુદ્ધ ભારત’ના તંત્રી બન્યા છે. એમણે બે હાથ જોડીને કહ્યું: ‘હું શું જાણું? શું લખું?’ રાજા મહારાજે કહ્યું: ‘સાંભળ, લખતાં પહેલાં શ્રીઠાકુરનું ચિંતન-મનન કરવું, વચ્ચે વચ્ચે પણ એમનું જ ચિંતન-મનન કરતા રહેવું અને અંતે પણ એ થતું રહેવું જોઈએ. પછી જોજે, કેવું લખાય છે તે.’ કામ તો ઘણું સારું ચલાવ્યું. 

મહારાજ ગંગાકિનારે આરામખુરશીમાં બેઠા છે. પ્રભાસ મહારાજને બોલાવીને કહ્યું: ‘તારે વૃંદાવનમાં ચાર્જ સંભાળવાનો છે.’ તેમણે કહ્યું: ‘આપનો આદેશ છે એટલે અવશ્ય જઈશ. પણ ત્યાં હું શું કરીશ?’ મહારાજે કહ્યું: ‘થોડું થોડું હોમિયોપથિનું ઔષધ આપજે, બીજું શું કરવાનું હોય?’ પ્રભાસ મહારાજે કહ્યું: ‘હું તો હોમિયોપથિનો ‘હ’યે જાણતો નથી.’ મહારાજે કહ્યું: ‘સાંભળ, નજીક આવ; રોગીની વાત સાંભળજે, પછી ચોપડી સાથે મેળવણી કરજે. ત્યાર પછી જરા ચિંતન કરજે. જે ઔષધ તારા મન સમક્ષ ચમકારાની જેમ આવે તે દવા આપજે. જુઓ, સ્વામી કલ્યાણાનંદ સામે. લોકો ડોક્ટરને છોડીને એમને બોલાવે છે.’

પ્રભાસે પછીથી સારી દાક્તરી કરી હતી. શ્રીઠાકુરનું સર્વદા સ્મરણ કરવું પડશે. (સેવાશ્રમ, કનખલ, ૨૫-૫-૫૬)

(ક્રમશ:)

Total Views: 178

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.