યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ રૂપે ઊજવવાની જાહેરાત ૨૦૧૪માં થયા પછી સ્વાભાવિક રીતે સમસ્ત વિશ્વના લોકોમાં યોગ પ્રત્યે આકર્ષણ ઊભું થયું, પણ વિડંબણા એ છે કે જે યોગનો પ્રચાર-પ્રસાર બધા દેશોમાં થઈ રહ્યો છે, એ ‘યોગા’ના નામે યોગાસનોના રૂપે થઈ રહ્યો છેે અને આપણો દેશ પણ એમાંથી બાકાત નથી. યોગાસનો હઠયોગનો ભાગમાત્ર છે અને હઠયોગ તો રાજયોગનો એક ભાગ છે. રાજયોગ ચાર યોગોમાંનો એક છે.
આ ‘યોગ’ શબ્દની ઉત્પત્તિ ‘યુજ્’ ધાતુ પરથી થઈ છે. એનો અર્થ છે ‘જોડાવું’. યોગ એટલે જીવાત્મા અને પરમાત્માનું મિલન, વ્યક્તિગત ચેતના સાથે વૈશ્વિક ચેતનાનું મિલન. યોગનો ઉદ્દેશ છે દિવ્યતાનું પ્રગટીકરણ; અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત જીવનની પ્રાપ્તિ. યોગાસનો દ્વારા શારીરિક સ્વાસ્થ્ય મેળવવું હિતાવહ છે, ધ્યાન દ્વારા ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ’ પણ હિતાવહ છે. પણ યોગનો અર્થ માત્ર શારીરિક સ્વાસ્થ્ય નથી. યોગ શબ્દ વ્યાપક અર્થ ધરાવે છે. એ એક જીવનપદ્ધતિ છે. યોગનું લક્ષ્ય છે—શાશ્વત જીવન, શાશ્વત સુખ, અને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવી, તેમજ દૈનિક જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવી.
આજે આપણને જેની સૌથી વધુ જરૂરિયાત છે, તે છે મનની શાંતિ. વિદ્યાર્થીઓ હોય, શિક્ષકો હોય, વાલીઓ હોય, અધિકારીઓ હોય કે કોઈ પણ ક્ષેત્રના પ્રોફેશનલ્સ હોય, પછી એ પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે વૃદ્ધ, ગરીબ હોય કે તવંગર હોય, બધાં મનની શાંતિની શોધમાં છે. આધુનિક માનવ શાંતિની શોધમાં છે. પણ શાંતિ માટેના કેટલાય પ્રયત્નો કરવા છતાં શાંતિ મળતી નથી. એનું કારણ શું છે? કારણ એ છે કે આપણે ખોટી જગ્યાએ તે શોધી રહ્યા છીએ.
એક ડોસીમા હતાં, તે ઘરના વરંડામાં બેઠાં બેઠાં રડી રહ્યાં હતાં. એક યુવકે પૂછ્યું, ‘માજી, શા માટે રડો છો?’ ડોસીમાએ કહ્યું, ‘જોને બેટા, મારી સોય ખોવાઈ ગઈ છે, જડતી નથી.’ બન્નેએ ખૂબ શોધી, પણ સોય મળી નહીં. યુવકને અચાનક વિચાર આવ્યો. તેણે ડોસીમાને પૂછ્યું, ‘માજી, તમારી સોય ક્યાં ખોવાઈ ગઈ હતી?’ ડોસીમાએ કહ્યું, ‘અંદરના ઓરડામાં.’ ‘અરે માજી, સોય અંદર ખોવાણી અને તમે શોધો છો અહીં બહાર વરંડામાં. તો તે ક્યાંથી મળે?’ એટલે ડોસીમાએ કહ્યું, ‘બેટા અંદર બહુ અંધારું છે, અહીં બહુ અજવાળું છે, એટલે હું અહીં શોધું છું.’ આ આપણા બધાની વાર્તા છે.
શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્રોત દરેક મનુષ્યમાં રહેલો છે. પણ આપણે એને શોધી રહ્યા છીએ આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં, આધુનિક વસ્ત્રોમાં, ધન-સંપત્તિમાં. આપણા મનમાં એક સમીકરણ ઘર કરી ગયું છે H α M. H = HAPPINESS અને M = MONEY. જેટલો વધુ પૈસો એટલું વધુ સુખ, વધુ શાંતિ, પણ ખરેખર એવું થતું નથી. આંકડાકીય પૃથક્કરણ કહે છે કે વિકસિત દેશો કે જ્યાં માથાદીઠ આવક વધુ છે, ત્યાં આત્મહત્યાનું પ્રમાણ વધુ છે, માનસિક દરદીઓનું પ્રમાણ વધુ છે, નશાકારક દ્રવ્યોના સેવનનું પ્રમાણ વધારે છે. આ બધું ત્યારે થાય જ્યારે માણસ ખૂબ દુઃખી હોય. એટલે ‘જેટલો વધુ પૈસો એટલું વધુ સુખ, વધુ શાંતિ’ એ સમીકરણ ભ્રામક છે, ખોટું છે.
કઠોપનિષદમાં કહ્યું છે—
एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते।
दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः॥
‘આ આત્મા કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા જીવોમાં છુપાયેલો છે, અને પ્રગટ થતો નથી. પરંતુ જે સૂક્ષ્મદર્શી છે, તેણે તે આત્માનાં દર્શન કર્યાં છે.’
સ્વામી વિવેકાનંદ વિદ્યાર્થી અવસ્થામાં કાન્ટ, હેગલ, જ્હોન સ્ટુઅર્ટ મીલ, ડૉ. હર્બર્ટ સ્પેન્સર વગેરે પાશ્ચાત્ય વિદ્વાનોનાં પુસ્તકો વાંચીને અજ્ઞેયવાદી બની ગયા હતા. અને તેઓ કહેતા કે હું ઈશ્વરમાં માનતો નથી કારણ કે એનો કોઈ પુરાવો નથી. એટલે કોલકાતામાં કોઈ સંત આવે ત્યારે ત્યાં પહોંચી જતા અને પૂછતા, ‘ઠીક છે, આપ ઈશ્વરની બધી વાતો કરો છો. પણ મારા એક પ્રશ્નનો ઉત્તર આપો. શું આપે પોતે એ ઈશ્વરનાં દર્શન કર્યાં છે?’ અને કોઈ તેમના એ પ્રશ્નનો સંતોષકારક ઉત્તર આપી શકતા ન હતા. એમને સત્યનો સાક્ષાત્કાર કરવાની વ્યાકુળતા હતી. એક દિવસે સ્કોટિશ ચર્ચ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનો ક્લાસ લેવા પ્રિન્સિપાલ વિલિયમ હેસ્ટી આવ્યા. તેઓ વર્ગમાં વર્ડ્સવર્થની કવિતા ‘The Excursion’ ભણાવી રહ્યા હતા. તેમાં વર્ણન આવે છે કે કવિ પ્રાકૃતિક સૌન્દર્ય જોઈને અતિચેતન અવસ્થામાં ચાલ્યા જાય છે, સમાધિ અવસ્થામાં ચાલ્યા જાય છે. વિદ્યાર્થીઓએ પૂછ્યું કે આવું સંભવ હોઈ શકે? ત્યારે પ્રૉ.વિલિયમ હેસ્ટીએ કહ્યું કે ‘હા, એવું બની શકે. મેં પોતે એક મનુષ્યનાં દર્શન કર્યાં છે, જેને વારંવાર આવી સમાધિની અવસ્થા થાય છે. તમે ઇચ્છો તો તમે પણ એમનાં દર્શન કરી શકો છો. એ મનુષ્ય અહીં કોલકાતામાં દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં જ રહે છે, એમનું નામ છે રામકૃષ્ણ પરમહંસ.’
નરેન્દ્રનાથ દત્ત (સ્વામી વિવેકાનંદ) દક્ષિણેશ્વર પહોંચી ગયા. ઈશ્વર સંબંધે થોડી વાતચીત કર્યા પછી નરેન્દ્રે સીધો જ પ્રશ્ન કર્યો, ‘શું આપે પોતે ઈશ્વરનાં દર્શન કર્યાં છે?’ અને પહેલી વાર નરેન્દ્રને સંતોષજનક ઉત્તર મળ્યો, ‘હા બેટા, મેં પોતે ઈશ્વરનાં દર્શન કર્યાં છે. જેમ તને જોઉં છું એથી પણ વધુ પ્રત્યક્ષરૂપે હું તેમનાં દર્શન કરું છું. જો તું ચાહે તો તને પણ તેમનાં દર્શન કરાવી શકું છું.’
આથી મોટી સાબિતી શી હોઈ શકે? પણ એ માટે આધ્યાત્મિક પ્રયોગશાળામાં સાધના કરવી પડે. નરેન્દ્રનાથે સાધના કરી અને પછી તેમને કાશીપુર ઉદ્યાનવાટિકામાં નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થઈ. અને એ અનુભૂતિને કારણે શિકાગોમાં આયોજિત વિશ્વધર્મપરિષદમાં શ્વેતાશ્વેતર ઉપનિષદનો શ્લોક સંભળાવી શક્યા હતા—
‘शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा आ ये धामानि दिव्यानि तस्थुः……’
એટલે તેઓ પોતાની પ્રત્યક્ષ અનુભૂતિ અને ઉપનિષદો તેમજ પતંજલિ યોગસૂત્રના આધારે કહેતા કે પ્રત્યક્ષ અનુભૂતિ એ જ સત્યનું એકમાત્ર પ્રમાણ છે. રાજયોગ પ્રમાણે સમાધિની અવસ્થા પ્રાપ્ત કરવી, જ્ઞાનયોગીના મત પ્રમાણે આત્મસાક્ષાત્કાર કરવો, ભક્તની ભાષામાં ઈશ્વરનાં દર્શન કરવાં, કર્મયોગની ભાષામાં સંપૂર્ણ નિ:સ્વાર્થ થવું—આ બધું એક જ છે, એક એવી સ્થિતિ છે કે જેમાં અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, પણ જ્યારે આ સાધના કરવામાં આવે છે ત્યારે પણ દૈનિક જીવનમાં સુખ અને શાંતિ આવે છે.
કઠોપનિષદમાં કહેવામાં આવ્યું છે—
नित्योऽनित्यानां चेतनश्चेतनानामेको बहूनां यो विदधाति कामान्।
तमात्मस्थं येऽनुपश्यन्ति धीरास्तेषां शान्तिः शाश्वती नेतरेषाम् ॥ (કઠોપનિષદ ૨/૨/૧૩)
‘નિત્ય આત્માની અંદર જે નિત્ય પરમાત્મા છે, ચૈતન્ય તત્ત્વની અંદર જે પરમ ચૈતન્ય તત્ત્વ છે, એ પરમાત્માના જેમણે દર્શન કર્યાં છે, એમને જ આ પરમ શાંતિ મળે છે, બીજા કોઈને મળતી નથી.’
આ શાશ્વત શાંતિનો સ્રોત દરેક મનુષ્યની અંદર છે. એટલે કબીર સાહેબ કહે છે—‘મોકો કહાઁ તૂ ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં; ખોજોગે તો અભી મિલુંગા, પલભર કી તલાશ મેં’. પણ આપણને એની અનુભૂતિ થતી નથી. શા માટે? એનું કારણ છે, અજ્ઞાનનો પડદો આવી ગયો છે, માયાનો પડદો આવી ગયો છે, અહંકારનો પડદો આવી ગયો છે. એટલે કબીર કહે છે, ‘ઘૂંઘટ કા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે, કટૂક વચન મત બોલ રે તોહે પિયા મિલેંગે.’ તમને પ્રિયતમનાં દર્શન અવશ્ય થશે. તમે અજ્ઞાનનો પડદો ખોલી નાખો, તો તમને શાશ્વત સુખ-શાંતિનો સ્રોત મળી જશે.
પણ આ અજ્ઞાનનો પડદો ખૂલે કેવી રીતે? એના ચાર ઉપાયો છે. સ્વામી વિવેકાનંદે આપણાં ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરીને તેનો સાર એમણે પોતાના ગ્રંથોમાં આપ્યો છે. તેઓ રાજયોગના પોતાના ગ્રંથમાં કહે છે—
‘પ્રત્યેક આત્મા અપ્રકટ રૂપે પરમાત્મા છે. મનુષ્ય-જીવનનું ધ્યેય છે બાહ્ય તેમજ આંતર પ્રકૃતિ પર કાબૂ મેળવીને અંદર રહેલા પરમાત્મભાવને પ્રકટ કરવો. આ જ મનુષ્ય-જીવનનો ઉદ્દેશ્ય છે. એ તમે કર્મ દ્વારા કે ઉપાસના દ્વારા કે યોગ દ્વારા કે તત્ત્વજ્ઞાન દ્વારા કરો, એક દ્વારા કે એકથી વધારે દ્વારા કરો કે પછી આ બધા દ્વારા કરો અને મુક્ત થાઓ. ધર્મનું સમગ્ર તત્ત્વ આ છે. અને સિદ્ધાંતો કે સાંપ્રદાયિક માન્યતાઓ કે કર્મકાંડ કે શાસ્ત્રગ્રંથો કે મંદિરો કે મૂર્તિઓ એ બધાં ગૌણ વિગતો માત્ર છે.’
સ્વામીજી કહે છે કે આ બધા ચારેય યોગ (રાજયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ) સ્વતંત્ર રીતે પરમાત્મા સુધી પહોંચાડવા માટેના માર્ગ છે. પરંતુ આધુનિક માનવ માટે સરળ માર્ગ છે સમન્વયાત્મક યોગ, એટલે આ ચારેય યોગોનો સમન્વય કરીએ તો આપણને જલદીથી દિવ્યતાનું પ્રકટીકરણ થશે. જલદીથી શાશ્વત સુખ, શાશ્વત શાંતિ, શાશ્વત આનંદ મળશે. અને જ્યારે આ સાધના કરતા હોઈશું ત્યારે દૈનિક જીવનમાં પણ સુખ અને શાંતિ પ્રાપ્ત થશે.
આપણને બે પ્રકારની શાંતિ જોઈએ છીએ. એક, શાશ્વત શાંતિ, કાયમી શાંતિ અને બીજી દૈનિક જીવનમાં શાંતિ. જેમ જેમ આપણે આ યોગોનો અભ્યાસ કરીશું, તેમ તેમ આપણને દૈનિક જીવનમાં આ શાંતિ પ્રાપ્ત થતી જશે અને અંતે અનંત શાંતિની પ્રાપ્તિ થશે. જે આપણા જીવનનો ઉદ્દેશ્ય છે.
આપણા દેશની સંસ્કૃતિના જો કોઈ સૌથી પહેલા વાહક હોય કે જે પશ્ચિમના દેશોમાં ગયા હોય તો તે છે સ્વામી વિવેકાનંદ. અમેરિકામાં તેમણે ચારેય યોગો વિશે પ્રવચનો આપ્યાં અને પહેલી વાર વિશ્વમાં યોગનો પ્રચાર પ્રારંભ થયો. અમેરિકાના તેમના પ્રવચન પછીના સમાચારપત્રોમાં પ્રકાશિત તેમના વિશેના અભિપ્રાયોથી આપણે પરિચિત છીએ.
રામકૃષ્ણ મિશનનું જે ચિહ્ન છે તે સ્વામી વિવેકાનંદે તૈયાર કર્યું છે. તેમાં સાપ, જળની લહેરો, કમળનું ફૂલ, સૂર્ય અને હંસ છે. સાપ કુંડલિની શક્તિનું પ્રતીક છે. મૂલાધાર(નીચે)થી સહસ્રાર (મસ્તક) સુધી સુષુમ્ણા નાડી દ્વારા સર્પાકારે જતી કુંડલિની શક્તિ એટલે રાજ્યોગ (ધ્યાન). આ કુંડલિની શક્તિ જ્યારે વચ્ચેનાં છ ચક્રોનું ભેદન કરી સહસ્રાર સુધી પહોંચે છે, ત્યારે સમાધિની અવસ્થા પ્રાપ્ત થાય છે. જળની લહેરો કર્મયોગનું પ્રતીક છે. કમળનું ફૂલ પ્રેમનું પ્રતીક છે (ભક્તિયોગ). સૂર્ય જ્ઞાનનું પ્રતીક છે (જ્ઞાનયોગ). અને હંસ પરમાત્માનું પ્રતીક છે. નીચે લખ્યું છે “તન્નો હંસ: પ્રચોદયાત્” એટલે કે આવી રીતે, ચારેય યોગોના સમન્વય થકી પરમાત્માનાં દર્શન થાય છે.
રાજયોગના અનુસરણ માટે કોઈ સિદ્ધ ગુરુનું માર્ગદર્શન જરૂરી છે, નિરંતર અને દીર્ઘકાલ સુધી આ અભ્યાસ કરવો પડશે, ત્યારે સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. ધૈર્ય વગર રાતોરાત સમાધિ પ્રાપ્ત કરવા જતાં કદાચ વધુ અભ્યાસથી માનસિક વિકૃતિ આવી શકે છે. આ ભયને દૂર કરવા રાજયોગ સાથે સેવા દ્વારા કર્મયોગ કરો. માત્ર સેવાયોગ કરવાથી અહંકાર આવશે. અહંકાર આવવાથી આધ્યાત્મિક રીતે પાછળ રહી જવાશે, દિવ્યતાનું પ્રગટીકરણ નહીં થાય. એટલે સેવાની સાથોસાથ ભક્તિયોગ ભેળવી દો. ‘મેં નથી કર્યું, ઈશ્વરે મને શક્તિ આપી છે, મારા પર કૃપા કરી છે.’ માત્ર ભક્તિયોગથી મનુષ્ય ભાવનામાં વહી જાય છે અને અવ્યાવહારિક બની જાય છે. તેથી ભક્તિયોગ સાથે જ્ઞાનયોગને ભેળવી દો. માત્ર જ્ઞાનયોગ શુષ્ક છે. તેમાં ભક્તિયોગ મેળવવાથી તે મધુર થશે. આવી રીતે ચારેય યોગોના સમન્વયથી ચારેય યોગોથી થતો લાભ મળશે અને તેમાં રહેલી મુશ્કેલીઓ દૂર થઈ જશે. આમ ચારેય યોગોના સમન્વયથી આપણને શાશ્વત સુખ અને શાંતિ પ્રાપ્ત થશે.
ચારેય યોગો અને પતંજલિનાં યોગસૂત્રોનું વિષદ અર્થઘટન કરનાર સ્વામી વિવેકાનંદ માત્ર યુગાચાર્ય જ નથી પરંતુ યોગાચાર્ય પણ છે. યોગ એટલે જોડાવું. વ્યક્તિગત ચેતના સાથે વૈશ્વિક ચેતનાનો યોગ થવો એ છે યોગ. યોગાસનો શારીરિક સ્વાસ્થ્ય માટે સારાં છે. પરંતુ શાંતિ માટે ચારેય યોગોનો અભ્યાસ જરૂરી છે. IQ (બુદ્ધિમત્તાનો આંક) શિખવાડે છે જીવનની રમત કેવી રીતે રમવી, EQ (ભાવનાત્મક આંક) શિખવાડે છે પરિસ્થિતિ બદલાતાં જીવનની રમત વધુ સારી રીતે રમવી અને SQ (આધ્યાત્મિકતાનો આંક) શિખવાડે છે, શા માટે જીવનની રમત રમવી? જીવનનો ઉદ્દેશ્ય શું છે? આપણે શા માટે પૃથ્વી પર આવ્યા છીએ? મનુષ્ય-યોનિનું લક્ષ્ય શું છે?—એ આધ્યાત્મિકતાનો આંક શીખવે છે.
ચોર્યાસી લાખ યોનિમાંથી માત્ર મનુષ્યને જ ઈશ્વર-પ્રાપ્તિ થઈ શકે, કે સમાધિની પ્રાપ્તિ થઈ શકે, આત્મસાક્ષાત્કાર થઈ શકે, નિર્વાણની પ્રાપ્તિ થઈ શકે. આપણાં શાસ્ત્રો કહે છે—
आहार निद्रा भय मैथुनं च सामान्यमेतत् पशुभिर्नराणाम्। धर्मो हि तेषामधिको विशेष: धर्मेण हीनाः पशुभिः समानाः।।
‘માણસ અને પ્રાણીમાં આહાર, નિદ્રા, ભય અને મૈથુન (સંતાન-ઉત્પત્તિ) જેવી શારીરિક જરૂરિયાતો સમાન હોય છે, પરંતુ ધર્મ દ્વારા માણસનું જીવન વધુ અર્થપૂર્ણ અને વિશેષ બને છે. ધર્મના અભાવમાં માણસ એક પ્રાણી જેવો છે.’
લિંકન બાર્નેટ પોતાના પુસ્તક ‘આઇન્સ્ટાઇન એન્ડ યુનિવર્સ’માં કહે છે, ‘મનુષ્ય પાસે જ એવી શક્તિ છે જે પોતાનાથી બહાર જઈ શકે અને પોતાની જાતને ઓળખી શકે.’
ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરેલ નીલ બોહ્ર કહે છે, ‘આપણે અભિનેતા પણ છીએ અને સાથે-સાથે દર્શક પણ છીએ. એક સાથે આ બન્ને વસ્તુ માત્ર મનુષ્ય-યોનિ કરી શકે.’ એટલા માટે જ આપણાં શાસ્ત્રોમાં મનુષ્ય-યોનિને સર્વશ્રેષ્ઠ યોનિ ગણાવી છે. આધુનિક વિજ્ઞાનના મત પ્રમાણે S.Q. માત્ર મનુષ્ય-યોનિ પાસે જ છે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘દરેક મનુષ્યમાં આ દિવ્યતા સુષુપ્તપણે રહેલી છે. મનુષ્ય-જીવનનો ઉદ્દેશ્ય છે તે દિવ્યતાને અભિવ્યક્ત કરવી.’ આ દિવ્યતાનું પ્રગટીકરણ કરવાનો એક સરળ ઉપાય છે ‘રાજયોગ’. રાજયોગને ‘અષ્ટાંગ-યોગ’ પણ કહે છે. મનને નિયંત્રિત કરવાનું વિજ્ઞાન છે ‘રાજયોગ’.
રાજયોગનાં આઠ સોપાનો છે—યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આમાંથી યમ અને નિયમ એ પાયો છે.
યમમાં પાંચ બાબત છે—સત્ય (મન, વચન, કાયાથી સત્યનું પાલન કરવું), અસ્તેય (ચોરી ન કરવી), બ્રહ્મચર્ય, અપરિગ્રહ (સંચય ન કરવો) અને અહિંસા.
નિયમમાં પણ પાંચ વાત છે, શૌચ (બહારની અને અંદરની સ્વચ્છતા), સંતોષ, તપ (તપસ્યા), સ્વાધ્યાય (સદ્ગ્રંથોનું અધ્યયન કરી ચિંતન કરવું) અને ઈશ્વર-પ્રણિધાન (ઈશ્વરને શરણાગત થવું).
આસન : ગમે તે આસનમાં બેસી શકાય. જેમ કે સુખાસન, પદ્માસન વગેરે. ખુરશીમાં બેસીને પણ ધ્યાન થઈ શકે. એમ કહેવાય છે કે ત્રણ પ્રકારની નાડીઓ મેરુદંડ (કરોડરજ્જુ)માંથી પસાર થાય છે—ઇડા, પિંગલા અને સુષુમ્ણા. એમાંથી સુષુમ્ણા એ વચલી નાડી છે અને સાધક જેમ જેમ સાધના કરતો જાય તેમ તેમ મૂલાધારથી કુંડલીની શક્તિ સર્પાકારે ઉપર ચડતી જાય છે અને ષટ્ચક્રનું ભેદન કરી સહસ્રારમાં આવે છે. મૂલાધાર, મણિપુર અને સ્વાધિષ્ઠાન, આ ત્રણ ચક્રો શરીરના નીચેના ભાગમાં આવેલાં છે. જ્યારે અનાહત-ચક્ર (હૃદયમાં), વિશુદ્ધ-ચક્ર (કંઠમાં), આજ્ઞા-ચક્ર (કપાળમાં) અને સહસ્રાર-ચક્ર (મસ્તિષ્કમાં) સહુથી ઉપર આવેલાં છે. એટલે ટટ્ટાર બેસવું જોઈએ, મેરુદંડ (કરોડરજ્જુ) સીધો હોવો જોઈએ.
સ્થળ અને સમયની અગત્ય—જે સ્થળ પવિત્ર હોય ત્યાંનાં સ્પંદનો-તરંગો પણ પવિત્ર હોય છે અને તેવાં સ્થળોએ જલદીથી મન ધ્યાનમાં લાગી જાય છે, જેમ કે મંદિર, પ્રાકૃતિક રમણીય સ્થળ. આના વિશે સ્વામીજી રાજયોગમાં એક વ્યાવહારિક સૂચન કરે છે. જો ઉપર દર્શાવેલાં સ્થળોએ જવું શક્ય ન હોય તો તમારા ઘરમાં એક નાના ઓરડાને અથવા તો પાર્ટિશન કરી ઓરડાના એક ખૂણાને અલગ પૂજાઘર બનાવો. ત્યાં ચંપલ પહેરીને ન જવું. સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને જવું, સ્વચ્છ લોકોને જ ત્યાં આવવા દેવા. આમ શુદ્ધ મનથી, શુદ્ધ શરીરથી તે સ્થળે પ્રવેશ કરવો. ઓરડાની મર્યાદા અને પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ. ભજન, સ્તોત્રપાઠ, ધ્યાન વગેરેની નિયમિતતાથી એ ઓરડો કે ખૂણો સ્પંદિત થઈ ઊઠશે.
ધ્યાન માટે જો બ્રાહ્મમુહૂર્ત (સૂર્યોદય પહેલાં દોઢ કલાકનો સમય) સાચવી શકાય તો ઉત્તમ છે. એવી જ રીતે સાંજનો સમય-સંધ્યા સમય (દિવસ-રાતનો સંધિકાળ) હોય ત્યારે પણ ધ્યાન કરી શકાય. બ્રાહ્મમુહૂર્ત અને સંધ્યા સમય બંને વખતે એક વિશેષ પ્રકારના આધ્યાત્મિક તરંગો વાતાવરણમાં ફેલાતા હોય છે.
જો આ બંને સમય અનુકૂળ ન હોય તો એક એવો નિયમ બનાવી લેવો કે સવારનું ધ્યાન કર્યા પહેલાં અને રાતના ધ્યાન કરતાં પહેલાં નાસ્તો કે ભોજન લેવું નહીં. અને આ સંકલ્પને નિયમિત બનાવો.ધ્યાનની શરૂઆત કરો ત્યારે સૌથી પહેલાં એક પ્રાર્થના કરો—
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्।।
“સર્વે સુખી રહો, સર્વે સ્વસ્થ રહો, સર્વે શુભને પ્રાપ્ત થાઓ, કોઈને પણ એકેય દુઃખ પ્રાપ્ત ન થાય.”
પ્રાણાયામ : શ્વાસ અને ઉચ્છ્વાસ પર નિયંત્રણ કરવું. રેચક અને પૂરક કરી શકાય. અનુલોમ-વિલોમ પણ કરી શકાય. આથી મન પર નિયંત્રણ આવશે. ગુરુના વ્યક્તિગત માર્ગદર્શન વગર કુંભક ન કરવો જોઈએ.
પ્રત્યાહાર : આપણું મન ચારે તરફ ભાગતું હોય, તેને પકડીને આપણા ઇષ્ટ-દેવતામાં વારંવાર લાવવું. ધ્યાનના અનેક પ્રકારો છે, પરંતુ પતંજલિ યોગસૂત્ર પ્રમાણે ધ્યાનની પ્રક્રિયા છે—મનની એકાગ્રતા, જેમાં કોઈ પણ પ્રત્યય ઉપર આપણા મનને એકાગ્ર કરવાનું છે, કોઈ દેવી-દેવતાનું ચિત્ર, કોઈ મૂર્તિ કે કોઈ જ્યોત ઉપર મનને એકાગ્ર કરવું.
ધારણા : કોઈ પણ પસંદ કરેલ પ્રત્યય પર આપણું મન ૧૨ સેકંડ સુધી કોઈ પણ જાતના વિક્ષેપ વગર કેન્દ્રિત રહે એ છે ધારણા.
ધ્યાન : નિરંતર, વિક્ષેપ વગર ૧૨ × ૧૨ = ૧૪૪ સેકંડ (લગભગ અઢી મિનિટ) સુધી કોઈ પણ પસંદ કરેલ પ્રત્યય પર આપણું મન કેન્દ્રિત રહે એ છે ધ્યાન.
સમાધિ : અને ૧૨ × ૧૨ × ૧૨ = ૧૭૨૮ સેકંડ એટલે કે લગભગ અડધી કલાક સુધી એક પણ સેકંડના વિક્ષેપ વગર કોઈ એક પ્રત્યય પર આપણું મન કેન્દ્રિત રહે, લીન થઈ જાય,એનું નામ સમાધિ.
પરંતુ આ સહેલી વાત નથી, પરંતુ અશક્ય પણ નથી. આનો અભ્યાસ નિરંતર, દીર્ઘકાળ સુધી કરવો પડશે. તો અવશ્ય આપણને સફળતા મળશે.
સ્વામી વિવેકાનંદ કહે છે કે જ્યારે તમે ધ્યાન કરવા બેસો ત્યારે સૌથી પહેલાં પોતાના મનને કહો કે ‘મારું શરીર સબળ છે, મારું મન સબળ છે. હું આ જ શરીર અને આ જ મન દ્વારા, આ જ જન્મમાં પરમાત્માની પ્રાપ્તિ કરીશ, હું એ સમાધિની અવસ્થા પ્રાપ્ત કરીશ. અને આ જ જન્મમાં હું એ પૂર્ણતાની પ્રાપ્તિ કરીશ. પૂર્ણતાનું પ્રગટીકરણ એ જ મારા જીવનનું લક્ષ્ય છે.’
સ્વામીજીનું વાક્ય આપણે યાદ રાખીએ, “ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.” ધ્યેય છે પૂર્ણતાનું પ્રગટીકરણ, ધ્યેય છે ઈશ્વરની પ્રાપ્તિ, ધ્યેય છે સમાધિ અવસ્થાની પ્રાપ્તિ.
Your Content Goes Here




