વ્યક્તિત્વ ખીલવો ખંતથી:

લે. ડૉ. મધુભાઈ કોઠારી

પ્રકાશક: આર. અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ,

૧૯૮૯, મૂ. રૂ. ૧૫.

નાનામાં નાનું કામ ચોકસાઈથી, ચીવટથી, ધીરજથી અને એ કામ કરવાની શાસ્ત્રીય ઢબથી કર્યું હોય તો જ, એ સમયના, શક્તિના કે ચીજવસ્તુના બગાડ વિના અને સારું થાય છે. વિજ્ઞાનની શાખાઓના શાસ્ત્ર હોઈ શકે તેમ, ચા બનાવવા જેવી સરળ ક્રિયાનું પણ શાસ્ત્ર હોઈ શકે. ડૉ. મધુભાઈ કોઠારી લિખિત આ પુસ્તિકામાં વ્યક્તિત્વ ખીલવવાના, જીવનમાં અતિ ઉપયોગી, શાસ્ત્રની વાત કરવામાં આવી છે. પોતાનું વ્યક્તિત્વ ખીલવવા ઈચ્છનાર સૌ કોઈને તેમ જ બીજાના વ્યક્તિત્વની ખીલવણીમાં સહાયરૂપ થનાર સૌ વડીલોને તથા છાત્રાલયોના ગૃહપતિઓને આ નાનું પુસ્તક સહાયરૂપ નીવડે તેવું છે.

બાર પ્રકરણના આ પુસ્તકમાંના પહેલાં બેમાં લેખકે સાચા વ્યક્તિત્વનાં વ્યાવર્તક લક્ષણો રજૂ કર્યો છે. બાહ્ય ટાપટીપ નહીં પણ, આંતરિક ગુણવિકાસ પર, ઈચ્છાશક્તિના ઘડતર પર, લેખક ભાર મૂકે છે તે યોગ્ય જ છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ, મહાત્મા ગાંધી કે વિનોબાજી બાહ્ય ટાપટીપ જરીયે કરતા ન હતા. તેમનાં વ્યક્તિત્વ તેમના આંતરિક ગુણવિકાસના જ દ્યોતક હતાં. અન્યત્ર લેખકે ડૉ. સી.વી. રામનનું દૃષ્ટાંત આપ્યું છે તેમ આ દાખલાઓ આપ્યા હોત તો પુસ્તકની શોભા વધત.

ત્રીજા પ્રકરણમાં રામન, વોલ્ટ ડિઝની, ફેરેડે જેવી વ્યક્તિઓએ પરિશ્રમથી, ખંતથી, નિષ્ઠાથી પોતાનાં વ્યક્તિત્વો કેવી રીતે વિકસાવ્યાં તેનાં આકર્ષક ઉદાહરણો છે. રામન ઉપરાંત બીજી ભારતીય વ્યક્તિઓના વિકાસનાં ઉદાહરણો અપાયાં હોત વાચકોને લાગત કે આવો વિકાસ કંઈ પરદેશીઓનો જ ઈજારો નથી. શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ડૉ. આનંદી ગોપાળ શેઠ, શ્રી નાનજીભાઈ કાળીદાસ મહેતા, લક્ષ્મીબાઈ, ટિળક, દયાનંદ સરસ્વતી વગેરેનાં જવલંત ઉદાહરણો છે જ.

પ્રકરણ ૪થી ૧૧માં લેખકે વ્યક્તિત્વ વિકાસ માટે જરૂરી ગુણો કેળવવાની બાબત ચર્ચી છે. પ્રામાણિકતા, સાદાઈ, સચ્ચાઈ, નિખાલસતા, વચનબદ્ધત્તા વગેરે ગુણો વ્યક્તિત્વના ઘડતર માટે પાયાના છે. એ ગુણો વિના આંતરિક વિકાસ શક્ય નથી. છઠ્ઠા પ્રકરણમાં લઘુતાગ્રંથિ દૂર કરવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. જે વેદાન્તની સાથે સુસંગત છે.

‘દરેક આત્મામાં દેવત્વ નિગૂઢ રહેલું છે,’ એ સ્વામી વિવેકાનંદનું પ્રિય વાક્ય યાદ આવે છે.

તે પછીનાં ચાર પ્રકરણોમાં સારી ટેવોનું મહત્ત્વ અને કઈ સારી ટેવો વિકસાવવાથી વ્યક્તિત્વ ખીલવવામાં સહાય મળે તે લેખક દર્શાવે છે. અગિયારમા પ્રકરણમાં વ્યક્તિત્વ અને વ્યવસાયને સાંકળી, અંતિમ પ્રકરણમાં લેખકે મૅનેજરના વ્યક્તિત્વની ચર્ચા કરી છે.

પુસ્તકમાં પ્રકરણોને આરંભે અપાયેલાં અવતરણો અને પુસ્તકમાંના દૃષ્ટાંતો પરથી કોઈને કદાચ લાગે કે કાર્નેગી, સ્વેટ માર્ડન, જેમ્સ એલન જેવા કોઈ લેખકના પુસ્તક – કે પુસ્તકો – પરથી અનુવાદ કે રૂપાંતર રૂપે નહિ તો પણ, તેની અસર હેઠળ આ નાનું પુસ્તક લખાયું હોય. આમ હોય તો, લેખકે ઋણ સ્વીકાર કરવો જોઈએ.

પુસ્તક કિશોરોને, યુવાનોને અને એમના ઘડતરમાં ભાગ ભજવનાર સૌને ઉપયોગી જણાશે.

દુષ્યંત પંડ્યા

સાભાર – સ્વીકાર

સંકીર્તનકારનું જીવન-સંગીત: લેખક: શ્રી શાંતિશંકર મહેતા.

પ્રકાશક: સદૃવિચાર પરિવાર, મંગલમૂર્તિ, આશ્રમ રોડ, અમદાવાદ.

પૃષ્ઠ સંખ્યા: ૬૦. કિંમત રૂા. ૩

ગિદવાણી-ગુટિકા (અમૃત-સંજીવની): લેખક: શ્રી વી. પી. ગિદવાણી, સંકલન: શ્રી વરધીભાઈ પી. ઠક્કર, પ્રકાશક: પ્રા-યોગ ટ્રસ્ટ પ્રકાશન, ૨, નાલંદા સોસાયટી, નારણપુરા રેલ્વે ક્રોસિંગ પાસે, અમદાવાદ ૩૮૦૦૧૩, પૃષ્ઠ સંખ્યા: ૩૬. (કિંમત જણાવેલ નથી.)

શ્રીમદ્ ભગવદ્ ગીતા (સમશ્લોકી ભાષાંતર): લેખક અને પ્રકાશક: શ્રી મકરંદ દેસાઈ, તખ્તેશ્વર પ્લોટ, ચંદ્રભુવન-૨, ભાવનગર. ‘નંદકુટિર’ શ્રી કોલોની-૫, રાજકોટ-૪.

ગીતામૃત બિંદુઓ તથા શ્રીમદ્ ભગવદ્ગીતા પદ્યસાર: શ્રી મકરંદ દેસાઈ, તખ્તેશ્વર પ્લોટ, ચંદ્રભુવન-૨, ભાવનગર. ‘નંદકુટિર’ શ્રી કોલોની-૫, રાજકોટ-૪. પૃષ્ઠ સંખ્યા: ૧૬, કિંમત રૂા. ૩

Total Views: 98

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.