આજની નવી પેઢીને સૌથી વધારે કોઈ પ્રિય શબ્દ હોય તો તે ‘સફળતા’ છે. વિશ્વના બધા જ યુવાનોને સફળ થવું છે. તેમને ઘર, શાળા-કોલેજમાં કે સમાજમાં સતત સૂચના કે પ્રેરણા એ જ આપવામાં આવે છે કે ‘ગમે તેમ કરીને સફળ થવાનું છે.’ અને અભ્યાસ કરતા હોય ત્યારથી જ તેઓ આ સફળ થવાની દોડ શરૂ કરે છે.
સફળ થવું કે તેની ઇચ્છા રાખવી, એમાં કશું અયોગ્ય નથી. વ્યક્તિને પોતાને જે ક્ષેત્ર ગમતું હોય તેમાં સફળ થવું એ ઇચ્છા તદ્દન યોગ્ય છે. પણ અહીં તકલીફ એ થાય છે કે આ સફળતા કેમ મેળવવી એ નથી કહેવાતું. સફળતા એ તાલીમનો વિષય છે. તે માટે વ્યવસ્થિત તાલીમ લેવી પડે છે. તેની સાધના કરવી પડે છે. પુષ્કળ મહેનત પછી સફળતા મળે છે.
તાલીમ કેમ લેવાય?
તે માટેના સૂત્રો જાણવા પડે અને તેનો અમલ કરવો પડે.
સદ્ભાગ્યે આપણા યુવાનોને તો માર્ગદર્શન આપી શકે તેવા ગુરુ હાજર છે. તેમને આપણે સ્વામી વિવેકાનંદ નામે ઓળખીએ છીએ. સ્વામી વિવેકાનંદ એક એવી અદ્ભૂત વ્યક્તિ છે, જેમને વિદાય લીધે આજે દોઢ સદીથી પણ વધારે સમય થઈ ગયો હોવા છતાં તેમના વિચાર આજે પણ ફૂલ જેવા તાજા છે. દોઢસો વર્ષ પહેલાં વ્યક્ત કરેલા વિચારો કે ત્યારે ભારતીય પ્રજાને – ખાસ કરીને યુવાનોને – આપેલ માર્ગદર્શન એટલું તો નક્કર અને સનાતન તત્ત્વ ધરાવે છે કે આજે એકવીસમી સદીના યુવાનોને પણ તે એટલું જ ઉપયોગી છે. એટલે સફળતા વિશે જ્યારે યુવાનો વિચારે કે તેના પગલાં શોધે, ત્યારે તેમણે સ્વામીજીના સાહિત્ય પાસે જવું જ જોઈએ. તે તેમને સફળતાના મેનેજમેન્ટ તરફ અવશ્ય દોરી જશે.
સ્વામી વિવેકાનંદે સફળતાનો એક પાયાનો સિદ્ધાંત, એક સૂત્ર આપેલ છે. તે સૂત્ર આમ તો બહુ જ જાણીતું છે. બધા જ યુવાનો તેને જાણે છે, વારંવાર બોલે પણ છે, પણ તે એક પાયાનો સિદ્ધાંત છે, એમ હજી તેમને ખ્યાલ આવતો નથી. તેથી તેને ગંભીરતાથી લેતા નથી અને તેના પર ઊંડો વિચાર કરતા નથી. પણ તેના પર ચિંતન કરે, મનન કરે અને થોડો પણ અમલ કરે, તો સફળતા ખોળામાં આવી પડશે.
વિવેકાનંદનો આ વિચાર છે ‘ઊઠો, જાગો અને ધ્યેય માટે મંડ્યા રહો.’
પણ આ વાક્ય માત્ર બોલવા માટે જ નથી. તેના પર ઊંડું ચિંતન કરવાનું છે. તેનો અર્થ જાણવાનો છે અને પછી તેનો અમલ કરવાનો છે. તે માટે આ વાક્યના એક એક શબ્દને વાગોળવા પડશે.
પહેલાં કહે છે ‘ઊઠો.’
શા માટે કહ્યું કે ‘ઊઠો’? તો શું આપણે સૂતા છીએ? અને જો હા, તો સૂતા હોવું એટલે શું?
હકીકત એ છે કે વિશ્વના મોટા ભાગના લોકો સૂતેલા જ છે. સૂતેલા હોવું એટલે કશા હેતુ વગર જ જીવવું, અભાન રીતે જીવવું, કોઈ પણ હેતુ વગર જીવવું. જેના જીવનમાં કોઈ ધ્યેય કે હેતુ ન હોય, તે વ્યક્તિ જાગવા છતાં સૂતી જ છે, એમ માની શકાય. એટલે સ્વામીજી પહેલાં કહે છે કે – ઊઠો, એટલે કે જાગ્રત થાઓ. પોતે રૂટિન-ઘરેડિયું જીવન જીવે છે, તે માટે સભાનતા કેળવો.
પણ માત્ર ઊઠવાથી કશંુ ન વળે. ઊઠ્યા પછી જો ખ્યાલ ન રખાય તો વ્યક્તિ ફરી થોડા સમયમાં સૂઈ જાય. સભાન ન રહે તો ફરી ઊંઘમાં સરી જાય. એટલે ઊઠ્યા પછી તરત બીજું કામ કરવાનું છે – ‘જાગવાનું.’ એટલે કહે છે – ‘જાગો.’
તો સવાલ એ થાય કે ઊઠવામાં અને જાગવામાં શું ફર્ક? દેખાવમાં તો કોઈ ફર્ક ન દેખાય, પણ દરેક શબ્દનો વિશિષ્ટ અર્થ હોય છે. બે શબ્દોના પોતીકા અર્થાે હોય છે. તે સંદર્ભમાં ‘ઊઠો’ અને ‘જાગો’ શબ્દોમાં પણ અર્થનો ફર્ક છે.
ઊઠવું એટલે સભાન થવું. જાગૃત થવું. રૂટિનમાંથી બહાર આવવું. પણ પછી શું કરવું ? તો કહે છે કે ‘જાગો’. જાગો એટલે જીવનમાં ધ્યેય નક્કી કરવાનું છે. જીવનનો કોઈ એક હેતુ નકકી કરવાનો છે. જીવનની દિશા નક્કી કરવાની છે. આ કરવું એટલે ‘જાગવું.’ ઊઠવું કદાચ ભૌતિક ક્રિયા છે. જાગવું એ માનસિક ક્રિયા છે. તેમાં વિચાર કરવાનો છે. અને અહીં ધ્યેય નક્કી કરવાનું છે એ વિચાર કરવાનો છે.
માની લો કે ધ્યેય તો નક્કી કરી લીધું. પણ કેવળ ધ્યેય નક્કી કરી લેવાથી કશું નથી વળતું. તેને સિદ્ધ કરવાનું છે. તે કેમ કરવું? માત્ર વિચારવાથી કશું ન વળે. તે માટે મહેનત કરવી પડે. એટલે સ્વામીજી કહે છે કે ‘ધ્યેય માટે મંડ્યા રહો.’ એટલે કે ધ્યેય નક્કી કર્યા પછી તેને માટે મહેનત કરવાની છે.
પણ અહીં એક શબ્દ ધ્યાન ખેંચે છે. તે છે ‘મંડ્યા રહો.’ સ્વામીજી એમ નથી કહેતા કે ‘ધ્યેય માટે મહેનત કરો.’ તે કહે છે ‘ધ્યેય માટે મંડ્યા રહો.’ મહેનત કરવી અને મંડ્યા રહેવું વચ્ચે તફાવત છે. મહેનત તો થોડી વાર થાય. પછી કદાચ અટકી પણ જાય. પણ મંડ્યા રહેવું એટલે જ્યાં સુધી ધ્યેય સિદ્ધ ન થાય, ત્યાં સુધી મહેનત છોડવાની જ નથી. હિન્દીમાં કહે છે ને કે ‘લગે રહો’-તે. સંસ્કૃતમાં પણ કહ્યું છે કે ‘ કાર્યં ધર્મં સાધયામિ વા દેહં પાતયામિ.’ એટલે કે કાં તો કાર્ય સિદ્ધ થશે અથવા શરીર પડી જશે. એનો અર્થ જ મંડ્યા રહેવું. ધ્યેય સિદ્ધ કરવા ચોવીસે કલાક તેનું જ ચિંતન કરવું અને મહત્તમ કલાકો તે સિદ્ધ કરવાના પ્રયાસો કરવાના, સતત પ્રેક્ટિસ કરવાની, સતત મહેનત કરવાની. વિશ્વ વિખ્યાત ટેનિસ ખેલાડી બ્રોજોન બોર્ગ પોતાની આત્મકથામાં લખે છે કે તે ટેનિસ શીખતો ત્યારે રોજના ચૌદથી પંદર કલાક તેની પ્રેક્ટિસ કરતો. માઈક્રોસોફ્ટના વડા બિલ ગેટ્સ કમ્પ્યુટર શીખતા ત્યારે વીસ વીસ કલાક મહેનત કરતા. આનંુ નામ જ ‘મંડ્યા રહેવું.’ એવું નહીં કે આજે કલાકેક મહેનત કરી, બીજા દિવસે એટલી જ મહેનત કરી. બે ચાર દિવસ કશંુુ ન કર્યું ફરી શરૂ કરવું… ના આ તો ચોવીસ કલાકની મહેનત છે. ચિંતન-મહેનત-ચિંતન, સ્વપ્નાં પણ તેના આવે.
સફળ થવાની આ જ પાયાની શરત છે – ‘મંડ્યા રહેવું.’ સ્વામી વિવેકાનંદને ભારતની સેવા કરવી હતી. તો પહેલાં આખો દેશ ફર્યા, દેશના લોકોનો અને તેની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. પછી કામ કરવા માટે પૈસા મેળવવા બે વાર અમેરિકા અને યુરોપ ગયા. ત્યાં પણ પુષ્કળ મહેનત કરી. ત્યારે પોતાને જે મિશન શરૂ કરવું હતું તે કરી શક્યા. જીવનની છેલ્લી પળ સુધી તે આ કામમાં મંડ્યા રહ્યા, ત્યારે આજે ‘રામકૃષ્ણ મિશન’ વિશ્વમાં પ્રસરી શક્યું છે અને અદ્ભૂત કામો કરે છે.
શરત? ઊઠવું, જાગવું, ધ્યેય નક્કી કરવું અને પછી એ ધ્યેય સિદ્ધ કરવા મંડી પડવું અને તે સિદ્ધ ન થાય ત્યાં સુધી મંડ્યા રહેવું.
અને આ પ્રક્રિયા પૂરાં ઉત્સાહ અને ધીરજથી કરવામાં આવે અને પોતા પર પૂરો આત્મવિશ્વાસ રાખવામાં આવે, તો ધ્યેય ચોકકસ સિદ્ધ થશે. પાકી ગેરન્ટી!
Your Content Goes Here




