ભારતની પુણ્યભૂમિમાં વિભિન્ન સામાજિક પ્રણાલીઓનું સર્જન થયું છે. ગુરુશિષ્ય પરંપરા એવું જ એક સફળ અને મહાન પ્રદાન છે. આપણી શિક્ષાપદ્ધતિઓમાં ગુરુગૃહવાસ જેવી પદ્ધતિ પણ હતી. વિદ્યાર્થી ઉપવીત-સંસ્કાર થાય પછી ગુરુને ત્યાં આશ્રમમાં રહે, નિષ્ઠાથી ભણે, ગુરુની સેવા કરે, આશ્રમનાં કાર્યો કરે. આશ્રમની એક અભિન્ન વ્યક્તિ તરીકે શિષ્યનો વિકાસ થાય છે. યુવક થાય ત્યાં સુધીમાં શાસ્ત્ર, અસ્ત્ર-શસ્ત્ર, કલા અને સાધારણ જનશિક્ષા પૂરી થાય. જ્યારે જૂના છાત્રોને વિદાય માટે સમાવર્તન યોજાય ત્યારે કેટલાક મહત્ત્વના ઉપદેશો આપવામાં આવે. અંતેવાસીઓ પોતાનું જીવન ધન્ય કરે અને સમાજને કશુંક આપે તેવો ઉદ્દેશ આવા આશ્રમનો હોય છે. જેમ કે સત્યં વદ-સત્ય બોલજે. ધર્મં ચર-ધર્મનું આચરણ કરજે. સ્વાધ્યાયાન્મા પ્રમદ :-સ્વાધ્યાય કરવામાં આળસ કરીશ નહીં. આચાર્યાય પ્રિયં ધનમાહૃત્ય પ્રજાતંતું મા વ્યવચ્છેત્સી :- આચાર્યને દક્ષિણારૂપે પ્રિયવસ્તુ આપજે, વંશ પરંપરા ચાલુ રાખજે. સત્યાન્ન પ્રમદિતવ્યમ્-સત્ય આચરણમાં પ્રમાદ ન કરીશ. ધર્માન્ન પ્રમદિતવ્યમ્-ધર્મના આચરણમાં પ્રમાદ ન કરીશ. કુશલાન્ન પ્રમદિતવ્યમ્-શુભકર્મો કરવામાં પ્રમાદ ન કરીશ. ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ્-ઉન્નતિના પ્રયાસમાં પ્રમાદ ન રાખીશ. સ્વાધ્યાયપ્રવચનાભ્યાં ન પ્રમદિતવ્યમ્-જે ભણ્યો છે તેનો પ્રચાર-પ્રસાર કરતો રહેજે. દેવપિતૃકાર્યાભ્યાં ન પ્રમદિતવ્યમ્ -દેવ અને પિતૃઓનાં કાર્યમાં પ્રમાદ કરતો નહીં. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્યદેવો ભવ, અતિથિદેવો ભવ -માતા, પિતા, આચાર્ય અને અતિથિને દેવતુલ્ય ગણીને તેમની સાથે યથાયોગ્ય વર્તનવ્યવહાર કરજે.
આમ આ મૂળભૂત તત્ત્વો શિષ્યોને વિદાય વેળાએ કહેવાતાં. વળી, યાન્યનવદ્યાનિ કર્માણિ ઇત્યાદિ કહેવામાં આવે છે : નિર્દાેષ કર્મોનું આચરણ કરજે, બીજાં દોષપૂર્ણ કર્મોનું નહીં. જેઓ જ્ઞાની હોય, તેને સન્માન આપજે. શ્રદ્ધાપૂર્વક દાન આપજે, અશ્રદ્ધાથી કશું જ આપતો નહીં. જે કંઈ છે તે પરમાત્માનું છે તેમ સમજીને વિનયપૂર્વક આપજે. અને હા, જો તને કર્તવ્યની કે સદાચારની બાબતમાં સંદેહ થાય તો નજીકના વિચારવાન, પરામર્શદાતા અને ખાસ તો શુભ આચરણ કરનારા, મૃદુ સ્વભાવના, ધર્મનિષ્ઠસજ્જનો પાસેથી જ વર્તન-વિચાર વગેરે શીખજે. આને જ શાસ્ત્રની આજ્ઞા કહેવાય. એતદનુશાસનમ્ એવમ્ ઉપાસિતવ્યમ્ – એટલે કે પરંપરાગત પ્રાપ્ત આ શિક્ષણ અને જ્ઞાનનું જીવનમાં આચરણ કરજે.
ખરેખર તો આ સમાવર્તન શુભ હેતુથી કરવામાં આવતું. આજકાલના પદવીદાન સમારોહો એક ઔપચારિકતા માત્ર બની રહે છે કારણ કે કદાચ ગુરુ-શિષ્યનો ઘનિષ્ઠ અને પવિત્ર સંબંધ ઓછો થઈ ગયો છે, શિષ્યોમાં અભ્યાસ પ્રાપ્તિનો ઉત્સાહ લુપ્ત થઈ રહ્યો છે અને ગંભીરતા પણ ઓછી થતી જાય છે.
પ્રાચીન વિદાયસભાઓ વિશિષ્ટ હતી. અંતેવાસીઓ નતમસ્તક થઈને આચાર્યનો ઉપદેશ ગ્રહણ કરતા. ગુરુ-શિષ્યોના લાંબા સહવાસને લીધે શિષ્યોની વિદાયવેળાએ ગુરુ પ્રેમ અને શુભકામના વરસાવતા. સમાજનાં અંગો જેવાં કે માતાપિતા, આચાર્યો કે જેણે પાળી-પોષીને સંસ્કારો સિંચ્યા છે, તેમને અંતેવાસી ક્યારેય ન ભૂલે, સમાજ પ્રત્યેનું પોતાનું કર્તવ્ય શું છે તે ન ભૂલે, સમય આવ્યે ઋણ ઉતારે અને પ્રાપ્ત કરેલ વિદ્યા ભુલાઈ ન જાય તે બાબતો પર ભાર દેવામાં આવતો. ઉપરાંત સદાચાર તથા ભૌતિક અભ્યુદયની પણ ઉપેક્ષા ન થાય તેવું કહેવામાં આવતું અને અગત્યની વાત તો એ હતી કે ગુરુ પોતાને સર્વજ્ઞ માનતા નહીં અને તેવા ભ્રમથી મુક્ત પણ હતા. સમાજમાં મારાથી બીજા કોઈ જ્ઞાનમાં ચડિયાતા હોય તો વિદ્યાર્થી તેની ઉપેક્ષા ન કરે તેવું કહેતા. કેવા નિખાલસ હશે તે ગુરુઓ! તેઓ જાણતા કે આ સંસારમાં કોઈ સર્વગુણસંપન્ન નથી, બધામાં અધૂરપ રહેલી હોય છે. એટલે જ્યાંથી સારું મળે ત્યાંથી મધમાખીની જેમ આહરણ કરવાની પણ અંતેવાસીઓને સલાહ આપતા. અંતે તેઓ તેમના અંતેવાસીઓને એ કહેવું ન ભૂલતા કે તારું કર્તવ્ય કેવળ અમારા પ્રત્યે નથી પણ સમગ્ર સમાજ પ્રત્યે છે. વિદ્યાના વિતરકો હોય કે દીનદરિદ્રો, બધાં પ્રત્યે ઉદારભાવ રાખજે. એટલે જ વર્તમાન યુગના મહાન જયોર્તિધર વિવેકાનંદ કહે છે : દરિદ્રદેવો ભવ, મૂર્ખદેવો ભવ, ચંડાલદેવો ભવ. કદાચ ભવિષ્યમાં જો સંપત્તિવાન બને તો કૃપણ ન થતો. તું તો સંપત્તિનું કેવળ રક્ષણ કરનાર છે. તારી સંપત્તિનું સમાજમાં વિતરણ કરતો રહેજે. આમ આશ્રમ અંતેવાસી વિનમ્ર, નિરંકારી અને ઉદાર મનોભાવવાળો બને તેવો જ આ બધા સમાવર્તન સમારોહોેનો ઉદ્દેશ હતો.
જ્યારે આચરણની વાત આવે છે ત્યારે આપણા સુભાષિતમાં કહ્યું જ છે, ‘આચિનોતિ ચ શાસ્ત્રાર્થમ્ આચારે સ્થાપયતિ—। સ્વયમ્ ચ આચરિત યસ્માત્ તસ્માત્ આચાર્યમ્ ઉચ્યતે—।।’ શિક્ષણનો મર્મ જાણીને જીવન વ્યવહારમાં ઉતારે એ જ સાચો શિક્ષક. પોતે પણ આચરે અને બીજાને પણ આચરણ કરાવે. શિક્ષક તો એ જ છે કે જે વિદ્યાર્થીની પીડા જાણે, પોતે ભણેલી વિદ્યાને સહજ સરળ બનાવીને વિદ્યાર્થીને સમજાવે. આ માટે શિક્ષકે પોતાનો જ્ઞાનભંડાર હંમેશાં તાજો રાખવો પડે છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા, ‘જ્યાં સુધી જીવતો રહું ત્યાં સુધી શીખતો રહું.’ જે શિક્ષક હંમેશાં વિદ્યાર્થી હોય તે જ શિક્ષક વિદ્યાર્થીની સમસ્યા જાણે છે. શિક્ષકે હંમેશાં નવું નવું શીખવું અને વિદ્યાર્થીઓને શીખવતા રહેવું. કેવળ પુસ્તકિયું નહિ પણ પોતાના અનુભવોનું જ્ઞાન આપવું. તેથી જ કેટલાક શિક્ષકો વિદ્યાર્થીસમાજમાં બહુ માન-સન્માન મેળવતા હોય છે. શિક્ષકે વિદ્યાર્થીને જીવનઘડતરનાં મૂલ્યો આપવાનાં હોય છે. શિક્ષકોનો સાચો હેતુ સમાજમાં આદર્શ માનવો બનાવવાનો હોય છે. દા.ત. એક લોખંડનો સળિયો કારખાનામાં કેટલીય પ્રક્રિયાઓ પૂરી થયા બાદ એન્જિનની શાફ્ટ બને છે જેની કિંમત સાદા લોખંડ કરતાં હજારો ગણી હોય છે અને તેની ઉપયોગિતા પણ વધે છે. તેમ એક સાધારણ વિદ્યાર્થી પણ શિક્ષણ-સંકુલમાંથી બહાર નીકળે ત્યારે તેનું મૂલ્ય અનેક ગણું વધવું જોઈએ અને ઉપયોગિતા તો અવશ્ય વધવી જોઈએ. આમ શિક્ષકના ખભા પર કેટલો ભાર છે! તેથી શિક્ષક તો ચારિત્ર્યવાન જ હોવો જોઈએ. એ કેવળ પોતાના પરિવારના પાલનપોષણ માટે નોકરી નથી કરતો પણ કેટલાય વિદ્યાર્થીનાં પણ ભવિષ્ય ઉજ્જવળ બનાવતો હોય છે. ઉત્તમ શિક્ષક તે છે જે વિદ્યાર્થીમાં રહેલી અપાર શક્યતાઓ અને સંભાવનાઓને સમજદારીપૂર્વક બહાર લાવે. આવો શિક્ષક વિદ્યાર્થીને સમાજોપયોગી, રાષ્ટ્રોપયોગી અને સાચો નાગરિક બનાવે છે; ભાંગફોડ્યિો, આંદોલનકારી નહીં. પ્રત્યેક વિદ્યાર્થી અપ્રગટરૂપે શિક્ષક, ડોકટર, ઈજનેર, વકીલ કે નેતા છે. તેની અંદર રહેલી અપ્રગટતાને સમજીને બહાર લાવવી એ જ શિક્ષકનું સાચું કર્તવ્ય છે. વિદ્યાર્થીને પ્રેમથી સમજાવીને તેની આંતરિક-બાહ્ય પ્રવૃત્તિ પર નજર રાખવી પડે ત્યારે જ નિષ્ઠાવાન, સાચો અને ઉદાર શિક્ષક વિદ્યાર્થીઓની નજરમાં સ્વજન લાગે. વિદ્યાર્થીના ચારિત્ર્યગઠન પર ધ્યાન આપવું. વિદ્યાર્થી એક એવી જમીન છે કે જેમાં શિક્ષકે વિચારને વાવવા પડશે અને કાર્ય લણવું પડશે. ફરી આ કાર્યને વાવવું અને ટેવ લણવી અને ત્યારબાદ ટેવ વાવીને ચારિત્ર્ય લણવું. આમ મહાન ચારિત્ર્યનું ઘડતર થાય છે. પંચશીલના સિદ્ધાંતો શિક્ષકે પોતાનામાં પણ સિંચવા પડશે અને વિદ્યાર્થીઓમાં પણ સિંચવા પડશે. આ પંચશીલ એટલે આત્મવિશ્વાસ, આત્મસંયમ, આત્મનિર્ભરતા, આત્મત્યાગ અને આત્મસાક્ષાત્કાર.
આત્મહત્યાના વધતા જતા બનાવો સૂચવે છે કે છાત્રસમાજ નિર્બળ બની ગયો છે. પરીક્ષા અને જીવન જાણે એક વસ્તુ, પરીક્ષા બગડી એટલે જીવન બગડ્યું. તેઓ માનવજીવનની મહત્તા સમજતા નથી કારણ કે ઘરમાં, સમાજમાં, બધે જ કેવળ સ્પર્ધા શીખે છે. કોણ તેમને જીવનની મહત્તા શિખવાડશે? ભાઈ, પરીક્ષા બગડી એટલે જીવન બગડ્યું એવું નથી. જીવન એક ઉચ્ચ વસ્તુ છે. પરીક્ષા તો વારંવાર આવશે, હતાશા તો આવશે. મનુષ્યનું મહામૂલું જીવન શું વારેવારે મળશે? આનંુ મહત્ત્વ શિક્ષકોએ જરૂર સમજવું જોઈએ.
Your Content Goes Here




