કોઈ માણસને, ઈશ્વરને કે જગતમાં કોઈને દોષ ન દો. જ્યારે તમને લાગે કે તમે દુ:ખી થાઓ છો, ત્યારે પોતાનો જ દોષ શોધો, અને વધુ સારા થવાનો પ્રયત્ન કરો.

પ્રશ્નનું નિરાકરણ માત્ર આ જ છે. જેઓ બીજાને દોષ દે છે – અને અફસોસની વાત છે કે તેવાઓની સંખ્યા રોજરોજ વધ્યે જ જાય છે – તેઓનાં મગજ નબળાં પડી જાય છે, અને તેઓ સાધારણ રીતે દુઃખી થાય છે. તેઓ પોતાની જ ભૂલોથી એ દશાએ પહોંચ્યા હોય છે અને છતા દોષનો ટોપલો બીજાઓને માથે ઓઢાડે છે. પણ એથી કાંઈ તેમની દશા બદલાતી નથી; એથી એમને કંઈ લાભ પણ નથી થતો. બીજાઓ ઉ૫૨ દોષ ઢોળી નાખવાનો તેમનો પ્રયત્ન ઊલટાના તેમને વધુ નબળા બનાવે છે. માટે તમારા પોતાના જ દોષને માટે અન્ય કોઈનો વાંક કાઢો નહિ; તમારા પોતાના પગ પર ખડા રહો અને બધી જવાબદારી પોતાને માથે લો. એમ બોલો કે “જે આ દુઃખ હું ભોગવું છું તે મારી પોતાની જ કરણીનું ફળ છે; અને એ હકીકત પોતે જ બતાવે છે કે એનો ઉપાય મારે એકલાએ જ કરવો પડશે.” જે આપણે સર્જ્યું તેનો નાશ આપણે કરી શકીએ; પણ જે બીજા કોઈકની કૃતિ હોય તેનો આપણાથી કદી નાશ કરી શકાય નહિ, માટે ખડા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ. બધી જવાબદારી પોતાને શિરે ઓઢી લ્યો, અને સમજો કે તમારા નસીબના ઘડનારા તમે પોતે જ છો. જે કાંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ છે તે તમારી પોતાની અંદર જ છે; માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો. “ગઈ ગુજરીને યાદ કરવાની જરૂર નથી.” તમારી સામે અનંત ભાવિ પડેલું છે; હંમેશાં યાદ રાખજો કે જે દરેક શબ્દ તમે ઉચ્ચારો, જે દરેક વિચાર તમે સેવો અને જે દરેક કાર્ય તમે કરો તે તમારા માટે સંસ્કારનું ભંડોળ ભેગું કરે છે; અને જેમ ખોટા વિચારો અને ખોટાં કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવાને તૈયાર હોય છે, તેમ જ બીજે પક્ષે પ્રેરક આશાનાં કિરણો પણ છે કે સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા સહસ્ર દેવતાઓની શક્તિથી સર્વદા અને સદાને માટે તૈયાર હોય છે.

-સ્વામી વિવેકાનંદ

(‘મરણોત્તર જીવન’ (દ્વિતીય સંસ્કરણ), પૃ.૩૪-૩૫, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ)

Total Views: 219

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.