સર્વોત્તમ શાસક

ખાસ જરૂર છે ત્યાગની – ત્યાગની ભાવના વિના બીજાની સેવા માટે કોઇ હૈયું રેડીને કામ કરી શકે નહિ. ત્યાગી બધાને સમદૃષ્ટિએ જુએ છે અને સર્વની સેવામાં પોતાની જાતને સમર્પી દે છે. સત્ય, પ્રેમ અને સંનિષ્ઠાની આડે કશું અવરોધક બની ઊભું રહી શકશે નહિ. તમે સાચા નિષ્ઠાવાન છો? જીવનની પણ પરવા ન કરો એવા આત્મત્યાગી છો? અને તમારામાં પ્રેમની લાગણી છે? તો કશી ભીતિ રાખશો નહિ; મરણથી યે ડરશો નહિ. બીજાની સેવા કરતાં કરતાં તમે જેમ જેમ આગળ વધતા જશો તેમ તેમ તમે જ્ઞાન માર્ગમાં પણ સમાંતર રેખાએ એકસરખા આગળ વધતા જશો. મારા વીર, ઉદાત્ત, સુચરિત સંતાનો, હંમેશાં કાર્યમાં જ રચ્યાપચ્યા રહો, ભાવનાને કાર્યરૂપે મૂર્ત કરતા રહો – અટકી પડેલા રથચક્રને ચલાવવા તમે ખભેખભા મિલાવીને મંડી પડો! નામ, કીર્તિ કે એવું કશું તુચ્છ પામવાની લાલચે પાછળ ફરીને જોશો નહિ. સંપૂર્ણ આત્મસમર્પણ કરીને કાર્યમાં ઓતપ્રોત થઇ જાઓ.

સત્તા ચલાવવાનો શોખ અને ઇર્ષ્યા – આ બે વસ્તુથી સદા ચેતતા રહેજો. નેતાનો સ્વાંગ સજીને તમે ઊભા રહેશો તો કોઇ તમને મદદ કરશે નહિ. જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો અહમ્‌ભાવને સમૂળગો મારી નાખજો. તમારા ભાઇઓને દોરવાનો પ્રયત્ન કરશો નહિ, પણ એમની સેવા જ કરજો. નેતા બનવાની જંગલી ઘેલછાએ જીવનનાં જળમાં કેટલાંય વહાણોને ડુબાડી દીધાં છે, એનાથી ખાસ ચેતતા રહેજો… શાસક થવાનો કદીએ પ્રયત્ન ન કરશો. જે સારી સેવા કરી જાણે છે તે જ સર્વોત્તમ શાસક બની શકે છે.

– સ્વામી વિવેકાનંદ

(‘આપણા હાથમાં ભારતનું ભાવિ’ ચતુર્થ સંસ્કરણ, પૃ. ૨૯ અને ૩૦ – શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ)

Total Views: 257

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.