૬૩, સેન્ટ જ્યોર્જીઝ રોડ, લંડન,
૭મી જૂન, ૧૮૯૬
પ્રિય મિસ નોબલ,
મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવ જાતને તેનામાં રહેલી દિવ્યતાનો અને જીવનની દરેક પ્રવૃત્તિમાં તેને કેવી રીતે વ્યક્ત કરવી, તેનો ઉપદેશ આપવો.
દુનિયા વહેમની શૃંખલામાં સપડાયેલી છે. દરેક દબાયેલ સ્ત્રી કે પુરુષ પ્રત્યે મને દયા આવે છે. ખાસ કરી જેઓ દબાવનારા છે તેમની મને વિશેષ દયા આવે છે.
જે એક વિચાર હું સૂર્યપ્રકાશ જેટલો સ્પષ્ટ જોઉં છું તે એ છે કે, દુ:ખ ‘અજ્ઞાન’થી આવે છે, બીજા કશાથી જ નહીં. દુનિયાને પ્રકાશ કોણ આપશે? ભૂતકાળમાં આત્મભોગ તે ‘કાયદો’ હતો, અને અફસોસ કે યુગો સુધી તે રહેવાનો જ. ‘બહુજન હિતાય બહુજન સુખાય’ દુનિયાના વીરોમાંય શૂરવીર અને શ્રેષ્ઠમાંયે સર્વ શ્રેષ્ઠ લોકોએ પોતાનું બલિદાન આપવું પડશે. અનંત પ્રેમ અને અમાપ દયાવાળા સેંકડો બુદ્ધોની (દુનિયા માટે) જરૂર છે.
જગતના ધર્મો નિર્જીવ મશ્કરીઓ જેવા થઈ ગયા છે. દુનિયા ચારિત્ર્ય માગે છે. જેમનું જીવન એક નિ:સ્વાર્થ જ્વલંત પ્રેમરૂપ છે, તેવા પુરુષોની દુનિયાને જરૂર છે. એવા પ્રેમનો પ્રત્યેક શબ્દ વજ્ર જેવી અસર કરશે.
તમારામાં વહેમ નથી, એની મને ખાતરી છે. દુનિયા હલાવનારનું તમારામાં ઘડતર છે. અને બીજાઓ પણ આવશે. વીરતાભર્યાં વચનો અને એથીયે વધુ વીરતાભર્યાં કાર્યોની જ આપણે જરૂર છે. જાગો, ઓ મહાનુભાવો! જાગો, દુનિયા દુ:ખમાં બળી રહી છે. તમારાથી સૂઈ રહેવાય કે? ચાલો, સૂતેલા દેવો જ્યાં સુધી જાગે નહીં, જ્યાં સુધી અંદર રહેલો દેવ જવાબ ન આપે, ત્યાં સુધી પોકાર પાડ્યા જ કરો. જીવનમાં બીજું વધારે છે શું? એથી વિશેષ મહાન કામ છે ક્યું? જેમ જેમ હું આગળ વધું છું, તેમ તેમ વિગતો મને સૂઝતી આવે છે. હું કદી (અગાઉથી) યોજના કરતો નથી. યોજનાઓ પોતે વિકસે છે અને પોતાની મેળે કાર્ય કરતી થાય છે. હું તો એટલું જ કહું : ‘જાગો, બસ જાગો!’
તમારા ઉપર સદાય સર્વે આશીર્વાદ ઊતરો!
સસ્નેહ તમારો,
– વિવેકાનંદ
(ભગિની નિવેદિતાને લખેલ પત્ર, ‘સ્વામી વિવેકાનંદના પત્રો’ (૨) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. પૃ.૧૧૭)
Your Content Goes Here




