સ્ત્રીઓની સ્થિતિ સુધાર્યા સિવાય જગતનું કલ્યાણ શક્ય નથી. પક્ષી માટે એક પાંખે ઊડવું અશક્ય છે. તેથી જ રામકૃષ્ણ – અવતારમાં સ્ત્રીનો ગુરુ તરીકે સ્વીકાર છે, તેથી જ તેમણે સ્ત્રીના સ્વાંગમાં અને સ્ત્રીભાવે સાધના કરેલી અને તેથી જ સ્ત્રીઓ જગદંબાનાં પ્રતીક છે એમ કહીને તેઓ સ્ત્રીને માતૃત્વની ભાવનાથી જોવાનો ઉપદેશ આપતા.

જો તમે કોઈને સિંહ નહીં થવા દો, તો તે શિયાળ બનશે. સ્ત્રીઓ એક શક્તિ છે, માત્ર હમણાં તે અનિષ્ટરૂપે વિશેષ છે. અને પુરુષ સ્ત્રી ઉપર જુલમ કરે એટલે તે અત્યારે શિયાળ છે. પણ જ્યારે તેના ઉપર જુલમ ગુજારવામાં આવશે નહીં ત્યારે તે સિંહ બની જશે.

કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિની સારામાં સારી પારાશીશી તે દેશની સ્ત્રીઓ પ્રત્યેની તેની વર્તણૂકમાં રહેલી છે. પ્રાચીન ગ્રીસમાં પુરુષ અને સ્ત્રીની સ્થિતિમાં બિલકુલ ભેદભાવ હતો નહીં; પૂરેપૂરી સમાનતાનો વિચાર અસ્તિત્વમાં હતો. પરણ્યો ન હોય ત્યાં સુધી કોઈ હિંદુ પુરોહિત થઈ શકે નહીં; તેની પાછળ ભાવના એ છે કે કુંવારા માનવી કેવળ અર્ધમાનવી છે, અપૂર્ણ છે. સંપૂર્ણ સ્ત્રીત્વની ભાવના સંપૂર્ણ સ્વાતંત્ર્ય છે. આધુનિક હિંદુ મહિલાના જીવનની મુખ્ય ભાવના તેનું સતીત્વ છે. પત્ની એક એવા વર્તુળનું કેન્દ્ર છે, જેની મજબૂતી પત્નીના સતીત્વ પર આધાર રાખે છે. હિંદુ સ્ત્રીઓ ખૂબ આધ્યાત્મિક ને ઘણી ધાર્મિક છે; કદાચ જગતની કોઈ પણ સ્ત્રીઓ કરતાં આ બાબતમાં તેઓ મોખરે છે. આ સુંદર ગુણો જો આપણે જાળવી રાખી શકીએ ને સાથોસાથ જો આપણે સ્ત્રીઓનો બોદ્ધિક વિકાસ સાધી શકીએ, તો ભવિષ્યની હિંદુ નારી જગતની આદર્શ સ્ત્રી બનશે.

મારા મત મુજબ, કોઈ પણ પ્રજા સંપૂર્ણ પવિત્રતાના આદર્શને પહોંચી શકે તે પહેલાં તેણે લગ્નની અવિચ્છેદ્યતા ને પવિત્રતા દ્વારા માતૃત્વ માટેના મહાન સન્માનની ભાવના કેળવવી જોઈએ. રોમન કૅથલિકો અને હિંદુઓએ લગ્નને પવિત્ર ને અવિચ્છેદ્ય ગણીને પ્રચંડ શક્તિશાળી અતિ પવિત્ર નરનારીઓને ઉત્પન્ન કર્યાં છે. અરબોને મન લગ્ન ઈચ્છા મુજબ તોડી નાખી શકાય તેવો એક કરાર અથવા તો બળજબરીપૂર્વકનો કબજો છે. પરિણામે ત્યાં આપણને કૌમાર્ય અથવા બ્રહ્મચર્યની ભાવનાનો વિકાસ જોવા જ મળતો નથી. આધુનિક બૌદ્ધ ધર્મે લગ્નની ઉત્ક્રાંત અવસ્થાને હજી પહોંચી નથી એવી જાતિઓમાં પડવાને લીધે – સંન્યાસની હાંસી જ કરી છે. તેથી જ્યાં સુધી જીવનમાં (પરસ્પરનાં આકર્ષણ અને પ્રેમથી અલગ) લગ્નનો એક મહાન ને પવિત્ર આદર્શ વિકસે નહિ, ત્યાં સુધી મને તો લાગતું નથી કે ત્યાં મહાન સાધુઓ અને સાધ્વીઓ કેવી રીતે પાકી શકે. જેમ તમે જોયું છે કે જીવનનો મહિમા છે પવિત્રતા; તેમ, થોડીક આજીવન ચારિત્ર્યવાન વિભૂતિઓ ઉત્પન્ન થઈ શકે એટલા માટે વિશાળ જનસમુદાય માટે આ મહાન પવિત્ર આદર્શની આવશ્યકતા તરફ મારી આંખો પણ ખૂલી ગઈ છે.

અત્યારના કાળમાં ઇશ્વરની ‘માતા’ તરીકે – અનંત શક્તિ તરીકે ઉપાસના કરવી જોઈએ. આથી પવિત્રતા આવશે, અને જબરદસ્ત શક્તિ આવશે.

સ્વામી વિવેકાનંદ

(સ્વામી વિવેકાનંદની અભયવાણી પૃ.૭૩.૭૪)

Total Views: 178

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.