ભારત વિશ્વમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે નેતૃત્વ લઈ શકે તેમ છે એવા આત્મવિશ્વાસની-શ્રદ્ધાની પુનઃસ્થાપના આપણા દેશમાં કરવાની આવશ્યકતા છે. ભારતે વિજ્ઞાન-ઊર્જા, ઉદ્યોગ, કૃષિ, કોમ્પ્યુટર વિજ્ઞાન, સાયબર સ્પેસ ટેકનોલોજીમાં અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરી છે. વિશ્વના ફલક પર એક મહાન રાજકીય, આર્થિક, લશ્કરી મહાસત્તા તરીકે પણ આપણું રાષ્ટ્ર ઊભરી રહ્યું છે. વિજ્ઞાન-ટેકનોલોજી અને અર્થકારણનાં ક્ષેત્રે જે હરણફાળ ભરી છે તેના કરતાં આજના ભૌતિક સુખની બોલબાલાવાળા વિશ્વમાં સાચી શાંતિની સ્થાપના માટે ભારત પોતાના સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના વિચારોથી મોટું યોગદાન આપી શકે તેમ છે.
આજે ૪૮% અમેરિકનો બંદૂક સાથે રાખીને જીવે છે. ૫૩% સ્વિડીશ, જાપાની, અમેરિકન યુવાનો ભયંકર માનસિક અસંતુલન અનુભવે છે અને આપઘાત- ખૂનામરકીના પથે ચાલતા થયા છે. ભૌતિક-દૈહિક સુખોપભોગ પર આધિપત્ય ધરાવતો માનવની ભીતર રહેલી દિવ્યતાનો સંદેશ, ભારત વિશ્વ સમક્ષ રજૂ કરે છે. સ્વામી વિવેકાનંદ કહે છે: ‘માનવની ભીતર રહેલી દિવ્યતાને પ્રગટ કરવી એ સભ્યતા-સંસ્કૃતિ છે.’ સંસ્કૃતિ એટલે ગ્રાહકની લોભ-લાલચ-વૃત્તિ અને માનવ સુખ-સગવડતાઓ પ્રાપ્ત કરવા માટેની ધનપ્રાપ્તિની દોડ અને સત્તા નથી. આ બધી વાતો આજનું પશ્ચિમ ભારતના સંદેશમાંથી શીખી રહ્યું છે. પોતાના સર્વોચ્ચ અને દિવ્યઅસ્તિત્વની કક્ષાએ પહોંચવા હાર્વર્ડની ધ્યાન-અધ્યાત્મ ઉન્નતિની સ્કૂલ અને માંચેસ્ટરની બિઝનેસ સ્કૂલ વધારે ને વધારે પશ્ચિમવાસીઓને અધ્યાત્મ સિદ્ધિઓના અનુભવ પ્રત્યે આકર્ષી રહી છે.
આજે કટ્ટરતાવાદના નામે ચેચન્યામાં એક લાખ લોકોની, પૂર્વ તિમોરમાં બે લાખ લોકોની, શ્રીલંકામાં પચાસ હજાર અને કાશ્મિરમાં વીશ હજાર લોકોની કતલ કરવામાં આવી છે. ધર્મઝનૂન અને ધાર્મિક કટ્ટરતાવાદને નામે આવી કત્લેઆમ વિશ્વભરમાં ચાલી રહી છે. એક ધર્મ બીજા ધર્મમાં માનતો નથી. પોતાના ધર્મમાં ન માનનારને પતાવી દેવાની વાત કેટલાક ધર્મો ચલાવી રહ્યા છે. આ ક્ષણે ભારતના મહાન સંદેશ – ‘એકમ્ સત્ વિપ્રા: બહુધા વદન્તિ’ – સત્ય તો એક છે પણ પ્રાજ્ઞ પુરુષો એને જુદા જુદા નામે ઓળખાવે છે- ની વિશ્વને સૌથી વધુ આવશ્યકતા છે. વેદ, ઉપનિષદ અને ગીતાના આ સંદેશને માનવજાતના ઈતિહાસમાં સૌ પ્રથમવાર શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યો છે. એક હિન્દુ હોવા છતાં એમણે ઇસ્લામ અને ખ્રિસ્તીધર્મની પણ સાધના કરી. નોબેલ પારિતોષિક વિજેતા આર્નોલ્ડ ટોયન્બી કહે છે કે સમગ્ર વિશ્વને ધર્મો-ન્યુક્લીયર યુદ્ધથી -વિનાશક અણુયુદ્ધથી બચાવવા માટે શ્રીરામકૃષ્ણનાં જીવનસંદેશ જ એક માત્ર ઉપાય છે.
આજના સમાજમાં સ્ત્રી માત્ર સુખોપભોગનું સાધન બની રહી છે. ભારત વિશ્વને, આજના વિશ્વને –‘પુરુષ શિવનું – પૂર્ણ જ્ઞાનનું – પૂર્ણતાનું પ્રતીક’ છે અને દરેક સ્ત્રી ‘બ્રહ્માંડની માતા – નારાયણીનું પ્રતીક છે’- એ સંદેશ આપે છે. ઉપનિષદ અને પુરાણોના આ મહાન સંદેશની-શ્રીરામકૃષ્ણદેવે ઊંચ-નીચ બધી સ્ત્રીઓમાં એ દિવ્યમાતાનાં દર્શન કરીને અને પોતાની પત્ની શ્રીશારદાદેવીની ષોડશોપચારે પૂજા કરીને – આજના વિશ્વને ઐતિહાસિક પ્રીતિ કરાવી છે. એટલા માટે જ પશ્ચિમમાંથી વધારે ને વધારે બહેનો ભારતમાં આ દિવ્યમાતાની સન્માનભરી લાગણી અનુભવવા આવે છે. આજે તેઓ પોતાને પવિત્ર અને દિવ્ય માનવા લાગી છે.
આજે વિશ્વભરમાં પ્રસરેલી વ્યાપારી-સંસ્કૃતિએ માનવને માત્ર ‘આર્થિક પ્રાણી’ કે ‘યંત્ર સર્જતા પ્રાણી’ જેટલો નીચે ઉતારી દીધો છે. આજના વિશ્વને ભારતનો મહાન સંદેશ એ છે કે આ આર્થિક પ્રાણી રૂપી માનવ કરતાં એની ભીતર રહેલો ‘દિત્ય માનવ’ કેટલોય ચડિયાતો છે. દરેક માનવ અમૃતનું સંતાન છે. એટલે ભારતીય દૃષ્ટિએ દરેક કાર્ય એ માનવની દિવ્યતાની પૂજા છે. શિક્ષકો માટે વિદ્યાર્થીઓ એના ઈશ્વર છે, ડૉક્ટર માટે દરદીઓ એના દેવ છે, શાસકો અને અમલદારો માટે આ દેશનાં સ્ત્રી-પુરુષો આ દિવ્યતાનાં પ્રતીક છે. એ બધાં પૂજા કરવા યોગ્ય છે. ધર્મનું અનુસરણ મંદિરોમાં જ કરવાનું નથી પણ તેનું આચરણ ઝૂંપડપટ્ટીઓમાં, કુદરતી કે માનવસર્જિત વિનાશ-કે ખાનાખરાબીના સમયે સેવા દ્વારા કરવાનું છે. સંતો-પયગંબરોએ આપેલા જીવમાં રહેલી શિવની ‘શિવજ્ઞાને જીવસેવા’ના સૌથી મહાન સંદેશને આધ્યાત્મિક સાધના જેટલું ઐતિહાસિક મહત્ત્વ સ્વામી વિવેકાનંદે આપ્યું છે. પોતાના ગુરુએ આપેલા આ સંદેશને ભારતના આજના માનવ માટેના સૌથી મહાન સંદેશનો એમણે પ્રચાર-પ્રસાર કર્યો છે.
સર્વધર્મ સમભાવ, સર્વની એકતા અને દિવ્યતા તેમજ આજના વિજ્ઞાન-ટેકનોલોજીનું આધ્યાત્મિક સંસ્કૃતિ સાથે સંયોજન એ વિશ્વને માટે મહાન સંદેશ છે. આ સંદેશ સાથે ૨૧મી સદીમાં ભારત વિશ્વ-સંસ્કૃતિમાં અગ્રેસર બનશે. આ છે ભારતનો વિશ્વ માટેનો દીપાવલિ સંદેશ.
Your Content Goes Here




