જ્યારે વિશ્વનો પ્રવાસ કરી વિમલાજી પરત આવ્યાં ત્યારે વિનોબાજીની એક મોટી સભા થઈ રહી હતી, તેમાં તેમને જવાનું હતું. વિનોબા ભાવેએ જાહેર જનતા સમક્ષ કહ્યું હતું, ‘પધારો, મોડર્ન સ્વામી વિવેકાનંદ, પધારો.’ તેઓને એટલી શરમ આવી કે તેઓ ત્યાંથી ભાગી ગયાં.
બેલુર મઠ, દક્ષિણેશ્વર કે અન્ય કોઈ પણ કેન્દ્રને તેઓ અતિ પવિત્ર સ્થળ માનતાં અને ત્યાં જતી વખતે ખાસ તે માટે જ રાખેલી સિલ્કની સાડી તેઓ પહેરતાં.
સ્વામી રંગનાથાનંદજી મહારાજ સાથે તેમને ઘણો ગાઢ સંબંધ હતો. તેઓ બંનેને અનેક દેશોમાં મળવાનું થતું. સ્વામીજીએ ભેટમાં આપેલો શ્રીરામકૃષ્ણદેવનો ફોટો તેમણે બધા દર્શન કરી શકે તેમ ‘શિવકુટીર’માં રાખ્યો હતો.
જ્યારે ૨૦૦૫માં રામનવમીના દિવસે વડોદરામાં સ્વામી વિવેકાનંદ મેમોરિયલ બન્યું ત્યારે તેમણે વિશેષપૂજા માટે સામગ્રી મોકલી હતી. તેઓ પોરબંદર કેન્દ્રમાં પણ ગયા હતાં અને જે ઓરડામાં સ્વામીજી રહ્યા હતા તે ઓરડામાં—ધ્યાનકક્ષમાં—એકાદ કલાક ધ્યાન પણ કર્યું હતું.
તેમના અનુયાયીઓ કહે છે કે તેઓ પોતાનાં પ્રવચનમાં શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામીજી વિશે વાતો કરતાં, પુસ્તકો અને વાર્તાલાપોમાં પણ તેઓનો ઉલ્લેખ કરતાં.
બાળપણથી જ ઈશ્વરની ખોજ અને તેનાં દર્શન પામવા માટેની ધૂન તેમનાં પર સવાર હતી. આ વિશે એક પ્રસંગ અહીં ઉલ્લેખનીય છે. ઈશ્વર વિશે તેઓ બધાને પૂછતા રહેતાં. અંતે કંટાળીને કોઈએ કહ્યું કે ઈશ્વર કૂવામાં મળશે અને તેઓ આ સાંભળીને કૂવામાં પડી ગયાં! આવી જ રીતે કોઈએ જ્યારે કહ્યું કે ઈશ્વર જંગલમાં મળશે ત્યારે તેઓ જંગલમાં સાત-આઠ માઈલ દૂર ઈશ્વરને શોધવા ગયાં. વકીલ પિતાજીના કોઈ સાથી એ સમયે ઘોડાગાડીમાં આવતા હતા. તેણે જોયું અને વાત જાણી તેઓને ઘેર પરત લાવ્યા. આવી તાલાવેલી જોઈને ઘરના બધા ગુસ્સે થયા.
તેમની સાથેની મુલાકાતો પર આધારિત સુશ્રી પ્રભા મર્ચન્ટનાં પુસ્તક ‘વિમલ સંસ્મરણો’માં તેઓ જણાવે છે કે વિમલાજી કહેતાં કે જ્યાં જ્યાં હું જાઉં છું, ઠાકુર મારું રક્ષણ કરે છે. તેઓ જ્યારે દક્ષિણેશ્વર ઠાકુરના ઓરડામાં ગયાં હતાં ત્યારે તેમને ભાવાવેશ થઈ આવ્યો હતો. તેઓ વારંવાર કહેતાં કે મેં એટલા સંતોને જોયા છે અને તેમના સંપર્કમાં આવી છું, પણ શ્રીરામકૃષ્ણની ચરણધૂલિ સમાન પણ તેમાંથી કોઈ નથી. આ પરથી આપણે જાણી શકીએ છીએ કે શ્રીરામકૃષ્ણ અને સ્વામીજી પ્રત્યે તેમને કેટલી અપાર શ્રદ્ધા હશે.
જ્ઞાનેશ્વરીના પ્રવચન સમયે શ્રીઅખંડાનંદ સરસ્વતી તેમની સામે બેઠા હતા. પ્રવચન સાંભળીને તેઓ એટલા તો ભાવપ્રવણ થઈ ગયાં કે તેઓ આંખમાં આંસુ રોકી શક્યાં નહિ. આ તેઓ એક વિદુષી, અધ્યાત્મ-નિષ્ઠાવાન અને ઉત્કૃષ્ટ શિખર પર પહોંચ્યા હતા તેનું પ્રમાણ છે. તેઓ અધ્યાત્મ, પવિત્રતા અને લજ્જાશીલતા જેવાં પ્રાચીન ભારતીય નારીના ગુણો અને સાહસ, નિપુણતા, બુદ્ધિમત્તા અને કૌશલ્ય જેવા પાશ્ચાત્ય નારીના ગુણોનો અદ્ભુત સમન્વય હતાં અને એક આદર્શ નારી હતાં.
સ્વામીજીએ કહ્યું હતું, ‘મા શારદાદેવીના આવિર્ભાવથી આપણા દેશમાં શક્તિનો પુનઃ ઉદય થયો છે અને ફરીથી આપણા દેશમાં ગાર્ગી, મૈત્રેયી જેવી નારીઓ જન્મ લેશે.’ વિમલાતાઈમાં એનું પ્રમાણ મળે છે.
માઉન્ટ આબુમાં તેમનાં ‘શિવકુટીર’માં નિવાસ દરમિયાન વૈશાખી પૂર્ણિમાના દિવસે રાત્રે દસ વાગ્યે નખી તળાવે ઓરડામાં પાછાં આવ્યાં ત્યારે તેમને એક અદ્ભુત દર્શન થયું. જે પૂજાગૃહ તેઓએ બનાવ્યું હતું અને જેમાં બુદ્ધની મૂર્તિ સ્થાપિત કરી હતી, તે અલમારીની પાસે જાણે કે શ્રીરામકૃષ્ણદેવ હાથ ટેકવીને ઊભા છે અને તેમની સામે જોઈ રહ્યા છે. તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. પરંતુ ઠાકુર સ્વયં ઉપસ્થિત હતા. ઠાકુરે કહ્યું, ‘તમારે બીજમંત્રનો જપ કરવાની જરૂર નથી. જે ચિંતા છે તેને દૂર કરો. (તે સમયે તેમને અધ્યાત્મ માર્ગમાં આગળ ન વધી શકવાની ચિંતા હતી.) ઉપવાસ વગેરે કરવાની પણ કોઈ જરૂર નથી. જે કરો છો તે કરતાં રહો. તેનાથી જ તમારું કલ્યાણ થઈ જશે.’ આ સાંભળીને તેઓ પથારીમાંથી નીચે ગબડી પડ્યાં અને તેમણે ઠાકુરનાં ચરણોને પકડી લીધાં અને પ્રણામ નિવેદિત કર્યાં. ઠાકુર તેમનાં મસ્તક પર હાથ ફેરવી રહ્યા છે એવી અનુભૂતિ થઈ અને કેટલીક ક્ષણો સુધી તેમને આ દિવ્ય આનંદ પ્રાપ્ત થતો રહ્યો.
પછી તેમણે પોતે જ લખ્યું છે, ‘મને સંશય થઈ આવ્યો કે શ્રીરામકૃષ્ણદેવ તો માનવદેહે આવ્યા હતા અને તેઓની મહાસમાધિને તો ઘણો સમય વીતી ગયો છે, તો શું ખરેખર આ સાચું છે કે કોઈ ભ્રમ છે?’ અને તરત જ ઠાકુર અદૃશ્ય થઈ ગયા. તેમનાં મનમાં અંતર્દ્વન્દ્વ ચાલ્યો. તેમણે નિશ્ચય કર્યો કે જો આ સત્ય હોય તો આજે જ મને કોઈ જે શ્રીરામકૃષ્ણદેવને ખૂબ ગમતું હતું, તે જાસૂદનું ફૂલ અને તેઓની પ્રિય મીઠાઈ (સંદેશ) આપશે તો હું માનીશ કે મને થયેલું એ દર્શન સત્ય છે. તેઓ કંઈ પણ ખાધા-પીધા વિના ઓરડામાં બેસી રહ્યાં. સાંજના ૬ વાગ્યે એક સંન્યાસી આવ્યા અને તેમણે જાસૂદનું એક ફૂલ અને સંદેશનું એક બોક્સ વિમલાતાઈના હાથમાં આપ્યું. વિમલાજી ચોધાર આંસુએ રડી પડ્યાં. સંન્યાસીએ તેમને કહ્યું, ‘મને આજે સવારે ઠાકુરે આ ફૂલ અને મીઠાઈ આપવાનો આદેશ આપ્યો હતો. તેઓ શા માટે તમને ભ્રમિત કરે!’
તેમનાં સમગ્ર જીવન પરથી આપણે જાણી શકીએ કે તેઓ સ્વામીજી કહેતા એવા સદ્ગુણોથી યુક્ત એક આદર્શ ભારતીય નારી હતાં. તેમને શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ પર કેટલી શ્રદ્ધા હતી અને તેઓથી વિમલાતાઈ કેટલાં પ્રેરિત થયાં હતાં!
Your Content Goes Here





