વિજ્ઞાનનાં સત્યો અને માનવીય મૂલ્યો વૈશ્વિક હોય છે
વિજ્ઞાન એ વિશુદ્ધ જ્ઞાનની ખોજ, નિર્મળ ગવેષણા અને વિશ્વનાં રહસ્યોમાં કરવામાં આવેલી તલાશ છે. વૈશ્વિક સત્યોની શોધમાં વિજ્ઞાનીઓને આનંદ આવે છે અને સમગ્ર માનવજાતિના લાભ માટે જ્યારે તેમની શોધખોળનો ઉપયોગ કરવાની તેમને તક મળે છે ત્યારે તેમને વધુ આનંદ થાય છે.
નિર્ભય રીતે સત્યની ખોજમાં મંડ્યા રહેવું અથવા ‘મનની નિખાલસતા’ એ બધાં વૈજ્ઞાનિક સંશોધનોનો પાયો છે એમ નૉબેલ પુરસ્કાર વિજેતા વિજ્ઞાની ડૉ. વિલ્કિન્સનો મત છે.
‘બાળપણ નહીં તો કાયમી તરુણાવસ્થા’ એ વિજ્ઞાનનું વિશિષ્ટ લક્ષણ છે. સત્ય પ્રત્યેનો એનો અભિગમ સનાતન રેખા જેવો હોય છે. તે કદી અટકતો નથી. પદાર્થ વિજ્ઞાનીઓની ટ્રિએસ્ટમાં મળેલી વિજ્ઞાન પરિષદમાં એક વિજ્ઞાનીએ આવો મત વ્યક્ત કર્યો હતો.
આધુનિક વિજ્ઞાનીઓમાં સૌથી મોટા આઈન્સ્ટાઈને પોતાના વિદ્યાર્થીઓને ‘પવિત્ર જિજ્ઞાસા’ વિકસાવવા માટે અનુરોધ કર્યો હતો. અર્થાત્ દૂરસુદૂરની ક્ષિતિજો સુધી સત્ય માટે પ્રયત્નો જારી રાખવા અને ધર્મ, સરકાર, રાજકારણ કે સમાજની ભીતિ વિના એ સત્યોનો અમલ કરવો.
ન્યૂટનના ગતિના નિયમો અથવા આઈન્સ્ટાઈનના સમીકરણો E=mc2 જેવી વૈજ્ઞાનિક વિભાવનાઓ વિશ્વવ્યાપી છે. તેમને દેશકાળ કે ધર્મનાં બંધનો અવરોધી શકતાં નથી. તે જ રીતે વિશુદ્ધ આધ્યાત્મિક સત્યો જેવાં સમીકરણો આત્મા-બ્રહ્મ અથવા સમગ્ર અસ્તિત્વની પશ્ચાદ્ભૂમિકામાં કલ્યાણ રહેલું છે, એવી માન્યતાઓ પણ વૈશ્વિક છે, વંશીય, જડ, સૈદ્ધાંતિક કે સ્થાનિક નથી. ઉપર્યુકત સત્યો પર આધારિત માનવમૂલ્યો- ત્યાગ, નિઃસ્વાર્થ પ્રેમ, સર્વભૂતોમાં રહેલી દિવ્યતા પ્રત્યે આદર, સત્યનિષ્ઠા, અહિંસા, અન્યને ઈજા ન કરવાની ભાવના, માણસોમાં રહેલી મહત્તા માટે આદર વગેરે પણ એવાં જ વિશ્વવ્યાપી છે. વંશીય, સ્થાનિક, જાતિગત કે સામુદાયિક સંસ્કારોમાં જન્મેલાં વિજ્ઞાન અને માનવમૂલ્યોને જ્યાં સુધી એ જ વર્તુલમાં ગોંધી રાખવામાં આવે છે ત્યાં સુધી તેઓ વૈશ્વિક બની શકતાં નથી. તેમનાં આનુષંગિક જીવનમૂલ્યો પણ વંશીય કર્મકાંડ અથવા સામુદાયિક ભાવનાઓથી ઉપર ઊઠી શકતાં નથી અને ઋગ્વેદે બહુ જ સુંદર રીતે ઉદ્ઘોષિત કરેલ વિશ્વવ્યાપી દૃષ્ટિકોણ ધરાવતા આદર્શ – एकं सत् विप्रा बहुधा वदन्ति (સત્ય એક છે અને વિદ્વાનો તેને જુદાં જુદાં નામો આપે છે) ને આત્મસાત્ કરી શકતાં નથી. વેદાન્ત આપણને વિશ્વવ્યાપી સત્યો આપે છે, કેમકે તે વેદનાં કર્મકાણ્ડાત્મક અને વંશીય પરિમાણોથી ઉપર ઊઠેલું હતું. ‘જ્યારે માણસને અંતિમ વાસ્તવિકતા (પરમ તત્ત્વ)નો સાક્ષાત્કાર થાય છે ત્યારે વેદો તેને માટે બંધનકારક બની શકતા નથી (તત્ર વેદોડવેદો ભવતિ) એમ બૃહદારણ્યક ઉપનિષદ કહે છે. ‘તમારા પડોશીને તમારી જાત જેટલા જ ચાહો’ અથવા ‘ઈશ્વરનું સામ્રાજ્ય તમારી અંદર જ રહેલું છે’ એ વિશ્વવ્યાપી આદર્શો છે. બધા એનો સ્વીકાર કરી શકે છે. જ્યારે ‘મારો પયગંબર એ છેલ્લો પયગંબર છે’ અથવા ‘ઈશ્વરનો, એકમાત્ર જન્મેલો પુત્ર એ મારો ભગવાન છે’ એવાં વિધાનો કટ્ટરતાવાદી લોકોને એમ નહીં માનનારા લોકોને મારી નાખવાની પ્રેરણા પૂરી પાડે છે. વિજ્ઞાન અને ટૅકનૉલોજી એને પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે અને વિજ્ઞાનીઓ પોતે તેમને મદદ કરે છે.
આઈન્સ્ટાઈન કહે છે કે ‘સાચો વિજ્ઞાની પ્રશંસાથી કે નિન્દાથી વિચલિત થતો નથી; વળી તે ઉપદેશ પણ આપતો નથી. તે વિશ્વ ઉપરથી પડદાને હટાવી લે છે અને લોકો ઉત્સુકતાથી તેની પાસે આવે છે. તેમને ધક્કો મારવાની જરૂર પડતી નથી. તેઓ એક નૂતન આવિર્ભાવનું, વ્યવસ્થાનું, સુસંવાદિતાનું અને સૃષ્ટિની ભવ્યતાનું દર્શન કરવા માટે વિજ્ઞાની પાસે જાય છે.’ તેમનું સ્વપ્ન હતું કે વિજ્ઞાનીઓ એક દિવસ વૈશ્વિક ધર્મને જન્મ આપશે, તેના પાયામાં વૈશ્વિક સત્યો અને માનવીય મૂલ્યો રહેલાં હશે.
એક મિત્રને એમણે ખાનગી વાતચીત દરમ્યાન કહેલું : ‘મારું કહ્યું માનો. જાતિઓ અને ધર્મો વચ્ચેના અવરોધોને દૂર કરવાનું જે કાર્ય ધર્માચાર્યો કદી કરી શક્યા નથી, તે આપણા યુગના વિજ્ઞાનીઓ કદાચ કરી બતાવશે.’
વિજ્ઞાનીઓ માને છે કે ચોથું વિશ્વયુદ્ધ નહીં થાય
આપણામાંના કેટલા લોકોએ ચોથા વિશ્વયુદ્ધ વિષે સાંભળ્યું છે? તે છતાં એક દિવસ એ હતું જ. સને ૧૯૮૫માં અમેરિકાએ ચોથા વિશ્વયુદ્ધ માટે કમર કસી હતી. ચોથુ વિશ્વયુદ્ધ લડવા માટે રૅગન પ્રશાસને ૪૦ મિલિયન ડૉલરના કાર્યક્રમનું અમલીકરણ શરૂ કરી દીધું હતું. ત્રીજું વિશ્વયુદ્ધ અણુબૉંબ દ્વારા લડાયેલું યુદ્ધ બની રહ્યું હતું. અને રશિયાએ તેમાં ૧૦૦ અણુશસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. તેના પરિણામે લાખો અમેરિકનોનાં મોત થયાં હતાં, તે છતાં ૪૦ મિલિયન ડૉલરની યોજના ચોથા વિશ્વયુદ્ધ માટે મોટા પાયા પર ઘડી કાઢવામાં આવી હતી. આ યોજનામાં સમગ્ર દેશમાં ૮૦૦ મિલિયન ડૉલરને ખર્ચે ૧૫૦થી ૨૦૦ ટાવર ઊભાં કરવાના કામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વૉશિંગ્ટન પોસ્ટનો અહેવાલ દર્શાવતો હતો કે લશ્કરે અમેરિકાને ચોથા વિશ્વયુદ્ધ માટે તૈયાર કરવા માટે કમાન્ડ કન્ટ્રોલ સંદેશાવ્યવહાર અને જાસુસી તંત્ર લગભગ ૨૦ બિલિયન ડૉલરને ખર્ચે ગોઠવ્યું હતું. રશિયાના રડારયંત્રમાં ન આવી શકે તેવાં બાઁબર વિમાનો ટૂંકી નિશાન મર્યાદાવાળાં પ્રક્ષેપાસ્ત્ર-૨ની પણ રચના કરવામાં આવી હતી. ગમે ત્યારે ધાર્યો ફેરફારો કરી શકાય તેવી આ વ્યૂહરચના હતી.
જો ખરેખર આ અણુયુદ્ધ ફાટી નીકળે તો આવતાં ૨૦૦૦ વરસ સુધી આ પૃથ્વી પર જીવન જેવી કોઈ વસ્તુ નહીં રહે. ‘કોઈ જીવતું રહેશે ખરું?’ એવા એક પ્રશ્નના ઉત્તરમાં આઈન્સ્ટાઈને કહ્યું હતું : ‘થોડાક ફરીથી માનવજાતિના શ્રીગણેશ કરી શકાય તેટલા શક્ય છે કે બચી જાય. પણ અણુયુદ્ધની વિનાશક અસરો સમગ્ર સજીવ સૃષ્ટિ પર થશે અને જો તેઓ ચોથું વિશ્વયુદ્ધ શરૂ કરશે તો હથિયાર તરીકે ગદાનો ઉપયોગ કરવામાં આવશે.’
ડૉ. જ્હૉન કૉગટ સુપ્રસિદ્ધ ભૌતિક વિજ્ઞાની છે અને ગ્રહયુદ્ધની વિરુદ્ધ વિજ્ઞાનીઓની મંડળીના અગ્રણી સદસ્ય છે. તેમણે એક ભારતીય પત્રકારને રૂબરૂ મુલાકાત દરમ્યાન કહ્યું હતું કે ગ્રહયુદ્ધ તરીકે ઓળખાતી (S.D.I.) આ વ્યૂહરચના ટૅકનૉલોજીની દૃષ્ટિએ અસ્થિર, આર્થિક રીતે ન કરવા જેવી અને અવ્યવસ્થા- અસ્થિરતા ઊભી કરી દે તેવી છે. વિજ્ઞાનને લગતી પરીકથાઓમાં તેનું સ્થાન હોઈ શકે. નૉબેલ પુરસ્કાર બે વખત મેળવનારા ડૉ. બારડીન એકમાત્ર ભૌતિકવિજ્ઞાની છે. તેમને એક વખત ટ્રાન્ઝિસ્ટરની શોધ માટે અને બીજી વખત સુપર કન્ડકિટવિટીનો સિદ્ધાંત શોધી કાઢવા માટે આ પુરસ્કાર મળ્યો હતો.) તેઓ વિજ્ઞાન પરિષદના સદસ્ય હતા. વિજ્ઞાનને લગતી બધી બાબતો માટે આ પરિષદ અમેરિકાના પ્રમુખને સલાહસૂચના આપતી હોય છે તે છતાં પ્રમુખ રૅગને રાષ્ટ્ર સમક્ષ જાહેરાત કરી એ પહેલાં આ પરિષદ સાથે ગ્રહયુદ્ધને લગતી દરખાસ્તોની ચર્ચા કરી ન હતી. કેમકે પ્રમુખ રૅગનને મન સેના એ સરકારની સર્વપ્રથમ જવાબદારી છે અને રશિયાને પરાસ્ત કરવું એ સૌથી મહત્ત્વની કામગીરી છે રશિયાના લોકોનો ઉલ્લેખ તેઓએ ‘૩૦૦૦ મિલિયન રાક્ષસો’ કહીને કર્યો છે. ડૉ. જ્હૉન કૉગટ કહે છે કે, ‘અમે તેને ‘રાક્ષસોનું શાસ્ત્ર’ કહીએ છીએ. અત્યારે અમારી પાસે જે યંત્રતંત્ર છે, તેના વડે અમે ગ્રહયુદ્ધો જે આકાર લેશે તેના માટે મૂર્ખતા રહિત તંત્રની રચના કરી શકીએ એમ નથી….એક નાની સરખી ભૂલ પણ અણુયુદ્ધની જામગરી ચાંપી શકે અને પછી પ્રમુખ રૅગન કાલગ્રસ્ત થઈ જશે, અણુશસ્ત્રો નહીં.’
યુરોપીય સામ્યવાદના ઐતિહાસિક રીતે તૂટી પડ્યા પછી આજે સૉવિયેતના લોખંડી પડદાએ અને પૂર્વ તથા પશ્ચિમમાં જર્મનીનું વિભાજન કરતી બર્લિનની દીવાલે વિદાય લીધી છે. દશકા પહેલાં આપણે કલ્પના કરી શકીએ તેના કરતાં રશિયા અને અમેરિકા એકબીજાની વધારે નજીક આવી ગયાં છે. સૉવિયેત રશિયાએ બનાવેલાં ૨૭૦૦ અણુશસ્ત્રોનો ખોરાકની શોધમાં સૉવિયેત બ્લૉકના રશિયા સહિતના દેશોએ ક્યારનો ય ત્યાગ કરી દીધો છે. અણુશસ્ત્રોના નાશ માટે અમેરિકા રશિયાને મદદ કરી રહ્યું છે. જો આમ ન થાય તો એ વિકિરણની આફતને જન્મ આપે.
જડ સિદ્ધાન્તવાદ અને શાહીવાદ વિજ્ઞાનને યુદ્ધ અને નિષ્ફળતાને માર્ગે દોરી જાય છે :
ગિઓર્ડિનો બ્રુનો મૌલિક તત્ત્વચિંતક હતા. પોતાના મરણ પહેલાં તેમણે પોતાના અનુયાયીઓને કહ્યું : ‘મને બાળી મૂકવાની જે આજ્ઞા આપવામાં આવી છે, તેનો સ્વીકાર કરતાં હું જેટલો ડર નથી અનુભવતો તેનાથી વધુ ડર તમે એ વાક્ય બોલતાં અનુભવો છો.’ બ્રુનો ધાર્મિક તત્ત્વચિંતક હતા. તેમનો અનુભવ બેનમૂન હતો. આઈન્સ્ટાઈને કહ્યું છે : ‘આ દુનિયામાં લોકો જે વસ્તુ જુએ છે તેનો આધાર તેઓ દેશ અને કાળમાં જે સ્થાન ધરાવે છે, તેના પર આધારિત હોય છે.’ મધ્યકાલીન ચર્ચના જડ સિદ્ધાંતો બ્રુનોના વિચારોથી વિરુદ્ધ હતા. ચર્ચે તે વિચારકને જીવતા બાળી મૂક્યા હતા. આઈન્સ્ટાઈને એવો વિચાર વ્યક્ત કર્યો છે કે થોડા સૈકા પહેલા તેમને સાપેક્ષતાના સિદ્ધાંતને માટે બાળી મૂકવામાં આવ્યા હોત અથવા ફાંસી દેવામાં આવી હોત.
મધ્યપૂર્વમાં આવેલા શિયાપંથી ઈરાન અને સુન્નીપંથી ઈરાક વચ્ચે જે સંઘર્ષ થયો હતો, તેમાં ૧૪૦૦ કિશોરોને જેલની છાવણીઓમાં ગોંધી દેવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય પત્રકારોના જૂથ સમક્ષ તેમણે જે વાતો પ્રકટ કરી હતી, તે ચોંકાવી મૂકે તેવી હતી. અહમદ હુસેન ઈસ્માઈલ નામના ૧૩ વરસની ઉંમરના એક કિશોરને રસ્તા પરથી ઉઠાવી જવામાં આવ્યો હતો. એનાં માબાપને તેની કશી માહિતી આપવામાં આવી ન હતી. આ ઈસ્માઈલ અને તેના ૪૦૦ સહાધ્યાયીઓને મિસાન સૅકટરમાં મોકલી દેવામાં આવ્યા હતા. રેડક્રૉસ સંસ્થા અને રાજકારણી સંસાધનોના જણાવ્યા અનુસાર ઈરાકી છાવણીઓમાં કેદીઓની સંખ્યા ૩૫થી ૪૦ હજારની હતી. નૅશનલ જ્યૉગ્રાફીના અહેવાલ અનુસાર ઓછામાં ઓછા ૪૫ હજાર જુવાન ઈરાની લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ઈરાકના ૨૦ હજાર મૃતકો તો જુદા.
નાઝી વિશ્વયુદ્ધ દરમ્યાન યહૂદી લોકો પર જે જુલમો કરવામાં આવ્યા હતા તેના વિષે આઈન્સ્ટાઈનની લાગણી જાણીતી છે. તેઓ કહેતા: ‘નાઝી જર્મનીમાં જે વ્યાપક હિંસા આચરવામાં આવી હતી, તેવી ઇતિહાસમાં કદાપિ આચરવામાં આવી નથી. આ અત્યાચારની છાવણીઓ આગળ ચંગીઝખાનનાં કરતૂતો બાળકની રમત જેવાં લાગે છે. પણ હું ધ્રૂજી ઊઠું છું એનું કારણ એ છે કે ચર્ચ મૂંગું રહે છે.’ પોલેન્ડના યહૂદીઓને તેમની કબર સમુહમાં ખોદવાની ફરજ પાડવામાં આવતી હતી. પછી મોઢું જમીનને અડે એ રીતે એક સાથે પચાસ જણાંએ ઊંધા, નિર્વસ્ત્ર સૂઈ જવાનું; પછી નાઝી સૈનિકો ખાઈની બન્ને બાજુ બેસે અને મશીનગનથી આગ વરસાવે.
પયગંબરની અદાથી આઈન્સ્ટાઈને કહ્યું હતું : ‘કેટલાક નિયમો વૈશ્વિક હોય છે તેમને પ્રાર્થના કે ધૂપદીપની લાંચ આપીને બદલી શકાતા નથી.’ ૧૯૩૩ના જુલાઈની ૨૦મી તારીખે હિટલરે રોમન કૅથોલિક ચર્ચ સાથે કરવામાં આવેલી જે સંધિ પર સહી સિક્કા કર્યા તેના સમાચારથી તેમને ઊંડો આધાત લાગ્યો હતો. આઈન્સ્ટાઈને કહ્યું હતું: ‘પોપ પાયસ ૧૬માએ સમસ્ત જર્મન પ્રજા રાઈક (Reich)ને આશીર્વાદ આપવા પ્રાર્થના કરી તે પછી હિટલરે યહૂદીઓની દુકાનોનો બહિષ્કાર જાહેર કર્યો, તેણે ઘોષણા કરી : ‘હું માનું છું કે યહુદીઓની સાથે યુદ્ધ કરવામાં ઈશ્વરની ઈચ્છા સાથે એકસંપ થઈને હું કામ કરું છું. અને ઇશ્વર વતી યુદ્ધ કરું છું.’
હિટલરે કહ્યું હતું, ‘અંતરાત્માનો પોકાર એ યહૂદીઓની શોધ છે.’ આઈન્સ્ટાઈને પયગંબરની જેમ હાકલ કરતાં કહ્યું : ‘વૈશ્વિક નિયમોએ સમય ૫૨ વેર વાળવું જોઈએ. જર્મનોને ખાળી રાખવા માટે આઈન્સ્ટાઈને અણુબૉંબ બનાવવામાં મદદ કરી. અને એ બૉંબે માણસજાતિ ઉપર વિજ્ઞાનની સૌથી પહેલી મહા આપત્તિ નોતરી. હિરોશિમા અને નાગાસાકીમાં જે વિસ્ફોટો થયા ત્યારે તેમનો પસ્તાવો અનંત હતો. સૌથી મોટો વિજ્ઞાની સૌથી મોટો શાન્તિવાદી બની ગયો. તેઓ ઇતિહાસનો એક મોટો દુ:ખદ કટાક્ષ બની રહ્યા. જોરદાર પસ્તાવાને લીધે પછી આઈન્સ્ટાઈને આદર્શ વિજ્ઞાની માનવતાવાદીની શોધ શરૂ કરી દીધી, વૈશ્વિક માનવની શોધ જેમાં બધા વિજ્ઞાનીઓ સાથે તેમનો પોતાનો પણ સમાવેશ થતો હતો.
તેમને આશા હતી કે વિજ્ઞાનીઓ એક નવા ધર્મનું, વૈશ્વિક ધર્મનું, જાગતિક ધર્મનું સર્જન કરશે. ગૅલીલિયો, કૅપ્લર અને ન્યૂટનની પરંપરા પાસેથી આ પ્રેરણા મળવી જોઈતી હતી. અનેક નિષ્ફળતાઓ મળી હોવા છતાં અને અનેક અત્યાચારો સહન કરવા છતાં ય આ માણસોએ આ વિશ્વ એક જ પદાર્થ છે’ એવું સિદ્ધ કરવા માટે પોતાનાં જીવન ગાળી નાખ્યાં. તેમણે એમ પણ કહ્યું છે કે માણસને જેમ જેમ સુસંવાદિત રીતે વિશ્વ પર શાસન ચલાવતા મહાન નિયમોનું ભાન થતું જાય છે, તેમ તેમ એને ખાતરી થતી જાય છે કે તે પોતે કેટલો ક્ષુદ્ર છે. ગેલીલિયો અને સૉક્રેટિસ જેવા મહાન ગુરુઓને માર્ગે તેઓ હતા.
વિજ્ઞાન અને માનવમૂલ્યો વચ્ચેની કટોકટી જમણા અને ડાબા મગજના વિકાસની અસમતુલાને લીધે છે
આજે વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવર્તમાન કટોકટીના મૂળમાં સભાનતાના બે પ્રકારો વચ્ચે પ્રવર્તતી અસમતુલા રહેલી છે. યુગોથી એ પ્રકારોને માનવસ્વભાવના બે પૂરક તરીકે ઓળખાવવામાં આવે છે. સામાન્ય રીતે ચીનના ચિંતકો એને યાન અને યિન એવાં નામો આપે છે. આમાં યાન સક્રિય, તર્કશીલ, સ્પર્ધાત્મક હોય છે અને યિન આંતરિક સ્ફૂર્તિવાળું, સહકારાત્મક, લાગણી પ્રધાન અને રહસ્યમય હોય છે. આ બન્ને આપણા મનનાં પાસાં છે.
આમાંથી વિશુદ્ધ યાનને આપણે ડાબા મગજનો સંસ્કાર કહી શકીએ. વિલિયન ઍચ. કાલ્પિને જેને ‘ડાર્વિન-યંત્રો’ કહ્યાં છે, તેવા માનવોનું ઘડતર આને લીધે થાય છે. તેઓ પરસ્પરના વિનાશ કરતા સંઘર્ષ દ્વારા પોતે જીવતા રહેવા માટે લડતા રહે છે. તેઓને ‘કામકાજ કરતા જીવતા રૉબૉટ કહેવામાં આવ્યા છે. જ્યારે કાર્લ કાપેકે પ્રથમ વખત આ ઝૅક શબ્દ ‘રૉબૉટ’નો પ્રયોગ કર્યો, ત્યારે તેનો અર્થ ‘પરવશતા’ થતો હતો. રૉબૉટો માનવમૂલ્યોથી સંપૂર્ણ રીતે અભાન રહીને કોઈના દૂરના નિયંત્રણથી કામ કરતા હોય છે.
તો શું વિજ્ઞાન અને ટૅકનૉલોજીએ સાધેલા ડાબા મગજ પર આધારિત વિકાસની કોઈ ઉપયોગિતા જ નથી? કોણ એમ કહે છે? આધુનિક વિજ્ઞાન અને ટૅકનૉલોજીએ એક સ્થળ અને બીજા સ્થળ વચ્ચેના ભૌગોલિક અંતરને લગભગ દૂર કરી દીધાં છે, શરીરશ્રમ ઓછો કરી દીધો છે, સરેરાશ જીવનગાળો વધારી દીધો છે, લાખો લોકોને ખોરાક પૂરો પાડ્યો છે, કમ્પ્યુટરો દ્વારા માહિતીના ક્ષેત્રમાં ક્રાન્તિ ખડી કરી દીધી છે અને ભૂતકાળમાં જે રોગોને જીવલેણ માનવામાં આવતા હતા, તેમનો ઉપચાર પૂરો પાડી દીધો છે. આજની સંસ્કૃતિમાં આપણે જે સુવિધાઓ ભોગવીએ છીએ અને અન્ય લાભો ઉઠાવીએ છીએ તે બધાં વિજ્ઞાને સર્જેલાં આશ્ચર્યોની આસપાસ જ કેન્દ્રિત થયેલાં છે. પરંતુ આગ્રહ એ છે કે વિજ્ઞાનના ઉપયોગી ફાયદાઓનો વિકાસ સુસંવાદી રીતે થવો જોઈએ. અને આ લક્ષ્ય તો જ સાધી શકાય જો જમણા મગજ સાથે સંકળાયેલા શુભ સંકલ્પોવાળું મન અને આધ્યાત્મિક સંસ્કારજનિત કલ્યાણકારક દૃષ્ટિકોણ એની સાથે જોડાયેલાં હોય.
સમગ્ર આધુનિક શિક્ષણને એક પ્રકારનો રોગ લાગુ પડી ગયો છે. આનો નિર્દેશ જુલિયન જેન્સ નામની વિદુષીએ પોતાના ગ્રંથ ‘ધ બ્રેક ડાઉન ઓફ અ બાઈકૅમૅરલ માઈન્ડ’ (બેવડી શક્તિ ધરાવતા મનનું ભંગાણ) શીર્ષકથી સૂચિત કરેલ છે. આ શિક્ષણ પ્રત્યેક ક્ષેત્રમાં ડાબા-મગજવાળાં વ્યક્તિત્વો ઉત્પન્ન કરે છે. તેઓ વ્યક્તિવાદી, તર્કશીલ, લડાયક, આક્રમક અને તરલ હોય છે; આંતરિક સૂઝબૂઝવાળાં, શિવસંકલ્પવાળાં, સહકારપ્રિય, પ્રેમાળ અને આત્મત્યાગી મનુષ્યો હોતાં નથી. આ છેલ્લે બતાવ્યાં તે જમણા મગજના સંસ્કારવાળાં હોય છે.
જમણા અને ડાબા મગજનાં કાર્યો વિષે ધ કૅલિફૉર્નિયા ઈન્સ્ટિટ્યુટ ઑફ ટૅકનૉલોજીમાં ખૂબ મોટું કામ કરવા માટે ૧૯૮૧માં ડૉ. રોજર ડબલ્યૂ સ્પૅરીને નૉબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમણે દર્શાવ્યું છે કે ખૂબ ભણેલા હોય એવા તેમના મોટા ભાગના દર્દીઓમાં જમણા મગજનો ઉપયોગ બહુ જ ઓછો થયો હોય છે. આવા સંશોધનથી તેમણે દુનિયાને ચમકાવી દીધી છે. શુદ્ધ યાંત્રિક અને વ્યાપારી સંસ્કૃતિનો આ શાપ છે. આ સંસ્કૃતિનો જન્મ ભૌતિક વિજ્ઞાનોમાંથી થયો છે. તે વિજ્ઞાનોએ પોતાની ‘આર્થિક અવમૂલ્યનવાદ’ની વિચારધારાથી મનુષ્યોને આર્થિક પ્રાણીઓની કક્ષાએ ઉતારી દીધાં છે. તેઓ પૈસા બનાવવાનાં યંત્રો બની ગયાં છે. આ પરિસ્થિતિ આપણને ક્યાં લઈ ગઈ? મોજમજાવાદના વિરોધાભાસમાં વધી ગયેલાં આવેગ અને ઉશ્કેરાટથી પ્રેરાઈને તેઓ જેમ જેમ ક્ષણજીવી ઈન્દ્રિયોના વિષયોના ઉપભોગ તરફ સુખ માટે શોધ કરવા લાગ્યા તેમ તેમ સુખ તેમનાથી દૂર ને દૂર ખસતું ગયું છે.
આ પ્રકારના મોટા ભાગના કિસ્સાઓમાં જીવનનો અંત આજકાલ યુરોપમાં જેને ‘નૂર્જન ન્યૂરોસિસ’ (Noogene Neurosis) કહેવામાં આવે છે તેમાં આવે છે. આમાં માણસને એક પ્રકારની અપરાધની ભાવના લાગ્યા કરે છે, થાકની ભાવના થાય છે, નિરર્થકતા લાગે છે અને ઘણા પ્રકારની નિરાશા આવી જાય છે.
વિજ્ઞાનની રીતે વિકસેલાં રાષ્ટ્રોમાં આનું પરિણામ આત્મહત્યાના અસામાન્ય વધારામાં અને માનસિક ગેરશિસ્તમાં આવે છે. આ અવિચારીપણાને લીધે જાપાને ૧૯૯૩માં ઉચ્ચ કક્ષાના વહીવટકારો માટે સો માનસચિકિત્સાલયો ઊભાં કર્યાં છે. માનચેસ્ટર બિઝનેસ સ્કૂલમાં બ્રેઇન સ્ટૉર્મિંગ સેશન શરૂ થાય તે પહેલાં મગજને શાન્ત પાડવાની (ધ્યાનની) બેઠક ગોઠવવામાં આવે છે. હાર્વર્ડ મેડિકલ કૉલેજના પ્રૉફેસર હર્બર્ટ બૅન્સનના પુસ્તક ‘ધ રીલૅક્સૅશન રિસ્પૉન્સ’માં ધ્યાન દ્વારા કેવા હકારાત્મક પરિણામો મળી રહ્યા છે તેની વિસ્તૃત ચર્ચા કરી છે. ભૌતિક વિજ્ઞાનની ડાબા મગજ પર આધારિત સંસ્કૃતિએ પૂર્ણતા મેળવવા માટે જમણા-મગજ પર આધારિત સંસ્કૃતિ તરફ પ્રયાણ કરવાના શ્રીગણેશ કરી દીધા છે.
ઉપનિષદોના કાળથી ભારતીય સંસ્કૃતિએ બધા માટે બે પ્રકારની વિદ્યાનો આગ્રહ રાખ્યો છે; મુંડક ઉપનિષદ કહે છે :
द्वै विद्ये वेदितव्ये परा चैव अपरा च ।
માણસ પાસે બે પ્રકારની વિદ્યા હોવી જોઈએ :
(૧) પરા અને
(૨) અપરા
(૧) આંતરિક સિદ્ધિઓ મેળવવા માટેની (આધ્યાત્મિક વિજ્ઞાનોની) (૨) બહારની સિદ્ધિઓ મેળવવા માટેની (ભૌતિક વિજ્ઞાનોની)
ઈશ ઉપનિષદ કહે છે :
अविद्यया मृत्युं तीर्त्वा विद्यया अमृतमश्नुते
માણસ જીવનની યાતનાઓ અને અવરોધોને બહારની સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની વિદ્યા દ્વારા (ભૌતિક વિજ્ઞાનો દ્વારા) પાર કરી જઈને, પરા વિદ્યા દ્વારા (આધ્યાત્મિક વિજ્ઞાનો દ્વારા) અમૃતત્વ અને કલ્યાણકારક જીવનદૃષ્ટિ માટે પ્રયાસ કરવો જોઈએ.
ભવિષ્યના ઉત્ક્રાન્ત માનવજાતિના મનમાં ડાબા તથા જમણા બન્ને મગજનાં અડધિયાંનો સુયોગ થવો જોઈએ. ડાબા મગજની સંસ્કૃતિવાળો ગ્રીસદેશ, બધી જ કલાઓ અને વિજ્ઞાનોમાં પ્રગતિ સાધી હોવા છતાં, વિનાશ પામ્યો કેમ કે તે એમાં નૈતિક અને આધ્યાત્મિક જીવનમૂલ્યોનો વિકાસ સાધતી જમણા મગજની સંસ્કૃતિનો અભાવ હતો. રોમ કાયદા અને રાજ્યબંધારણની ડાબા-મગજની સંસ્કૃતિની બાબતમાં પૂર્ણતાએ પહોંચેલું હતું, પણ જમણા-મગજની સંસ્કૃતિના અભાવને લીધે વિકસેલ ક્રૂરતા અને જંગાલિયતને લીધે વિનાશ પામ્યું. આપણે જાણીએ છીએ કે જમણા-મગજની સંસ્કૃતિ કરુણા, પ્રેમ અને સહકારની ભાવનાની જનેતા છે. આ બન્ને સંસ્કૃતિઓ નાશ પામી એનું કારણ એ છે કે અધ્યાત્મ સ્થૂળતાને માર્ગદર્શન પૂરું પાડવામાં નિષ્ફળ નીવડ્યું હતું. વૈદિક સંસ્કૃતિએ બધા તર્કશાસ્ત્ર અને આત્મવિષયક વિજ્ઞાનનો વિકાસ સાધ્યો હતો અને તે છતાં પાછળના સમયમાં તેમાં સંગઠન અને કાર્યનાં તત્ત્વોનો અભાવ વર્તાવા લાગ્યો હતો. ઉક્ત તત્ત્વો આ કલ્યાણકારી સત્યોને અમલમાં મૂકવાનું કામ વૈશ્વિક પ્રેમ, પરોપકાર અને આત્મત્યાગના આદર્શોને જન્મ આપીને સાધી આપે છે.
પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણના જીવનમાંથી પ્રેરણા લઈને સ્વામી વિવેકાનંદને દૃઢ પ્રતીતિ થઈ ગઈ હતી કે ભવિષ્યની સંસ્કૃતિમાં ગ્રીક સંસ્કૃતિની કલાપૂર્ણતા હશે, પણ તેની અનીતિમત્તા નહીં હોય; રોમન સંસ્કૃતિની કાયદા અને રાજ્યબંધારણની પૂર્ણતા હશે, પણ એની જંગાલિયત નહીં હોય; અને હિન્દુ સંસ્કૃતિની આધ્યાત્મિક વિચારધારાની પૂર્ણતા હશે, પણ તેની વ્યવહારદક્ષતાનો અભાવ નહીં હોય. આ બધાનો સમન્વય થશે. અન્યત્ર સ્વામી વિવેકાનંદે ભવિષ્યવાણી ઉચ્ચારી છે કે હિન્દુધર્મની અમલમાં મૂકવામાં આવેલી આધ્યાત્મિકતાનો સમન્વય પાશ્ચાત્ય બુદ્ધિપ્રામાણ્ય અને ગતિશીલતા સાથે થશે અને ભવિષ્યની માનવજાતિના આદર્શ માનવનું સર્જન થશે. તેમણે ન્યૂટન અને ગૅલીલિયોને વિજ્ઞાનના પયગંબરો કહ્યા છે અને વેદના ઋષિઓને આધ્યાત્મિકતાના પયગંબરો કહ્યા છે. જગતને જરૂર છે બન્નેના સમન્વયની. જાણીતા ફ્રેંચ લેખક રોમાં રોલાંએ લખ્યું છે ‘યુરોપ અને એશિયા આત્માનાં બે અડધિયાં છે. હજી – એવો પૂર્ણ માણસ જન્મ્યો નથી. જન્મશે ખરો.’
જીવનમૂલ્યોનો ઉદ્ભવ આધ્યાત્મિકતામાંથી થતો હોય છે
જીવનમૂલ્યોનો જન્મ યંત્રમાંથી કે આર્થિક પ્રાણી કહેવાતા માનવના જીવનમાંથી થતો નથી. તેઓ તો જન્મતાં હોય છે સમગ્ર સૃષ્ટિ પ્રત્યેની કલ્યાણકારક સમજથી. ‘નીતિશાસ્ત્ર એટલે એકતા નહીં તો બીજું શું છે?’ એમ સ્વામી વિવેકાનંદ કહેતા, નિમ્નલિખિત જીવનમૂલ્યો :
તું ચોરી કરતો નહીં કે ખૂન કરતો નહીં,
તું કોઈનો તિરસ્કાર કરતો નહીં,
તું તારા પડોશીને તારી જાતની જેમ ચાહજે,
– ના પાયામાં સમગ્ર સૃષ્ટિની મૂલગત એકતા અને એકબીજા સાથે સંકળાયેલા હોવાની ભાવ રહેલો છે. ‘હું અને મારો ભાઈ એક છીએ.’ જ્યારે કૅઈને ઍબ્રેલની હત્યા કરી ત્યારે તેણે ભગવાનને બૂમ પાડીને પૂછ્યું : ‘શું હું મારા ભાઈના જીવનનો રક્ષક છું?’ ભગવાને મૌનમાં જવાબ આપ્યો. મૅકબેથે ઊંઘી રહેલા પોતાના મહેમાન રાજા ડંકનનું ખૂન કર્યું ત્યારે મનમાં ને મનમાં બોલી ઊઠેલો : ‘મૅકબેથે ઊંઘની હત્યા કરી છે તેથી મૅકબેથને હવે પછી ઊંઘ નહીં મળે.’
સર્વવ્યાપક એકમાત્ર ચેતનાનો સાક્ષાત્કાર જીવનમૂલ્યોના પાયામાં રહેલો હોય છે. શ્રી શ્રૉડેિન્જર બૌદ્ધિક રીતે આ નિર્ણય પર આવ્યા હતા અને ડૅવિડ બૉહ્મ તથા અલેઈન આસ્પેક્ટે આ વાત બેલના પ્રમેયની પ્રાયોગિક કસોટી કરીને સાબિત કરી આપી છે. આ તબક્કે વ્યક્તિગત રીતે અંદર અને બહારથી વિશ્વાત્માની સાથે ઐકયની લાગણી થાય છે.
વિજ્ઞાનીમાં પોતામાં જ એકમાત્ર સર્વવ્યાપક ચેતના (વૈશ્વિક ચેતના)ને કઈ રીતે જાણવી? શ્વેતાશ્વતર ઉપનિષદ જમણા મગજની સંસ્કૃતિ વિષે કહે છેઃ
हृदा मनीषा मनसाभिक्लृप्तो
य एतद् विदुरमृतास्ते भवन्ति ॥
આત્મા (વ્યક્તિગત મન-શરીર-સંઘાત)નું જ્ઞાન
– ઈન્દ્રિય વિષયક અને સ્વાર્થપરક ભાવનાઓથી મુક્ત હૃદય દ્વારા
– વ્યક્તિગત અને અહંપૂર્ણ ચાલનાઓથી મુક્ત બુદ્ધિ દ્વારા અને
– સ્વકેન્દ્રી તથા શરીરકેન્દ્રી જીવનની બધી તૃષ્ણાઓથી રહિત વિશુદ્ધ મન દ્વારા મેળવી શકાય છે.
ઉપનિષદો કહે છે કે જે માણસ આત્મજ્ઞાની થયો છે, તે અમૃત બની જાય છે. અમૃતત્વનો માર્ગ ક્યો છે? કેનોપનિષદ કહે છે :
भूतेषु भूतेषु विचिंत्य धीराः ।
प्रेत्य अस्मात् लोकात् अमृता भवन्ति ॥
જ્યારે કોઈ સ્ત્રી કે પુરુષ બધાં જીવંત ભૂતોમાં પોતાની જાતને જુએ છે, ત્યારે શરીરકેન્દ્રી ચેતનાની પાર જઈને સમગ્ર વિશ્વની સાથે એકત્વ અનુભવે છે. અને આ રીતે અમૃતત્વની પ્રાપ્તિ કરે છે.
શ્રીરામકૃષ્ણ પરમહંસ કહેતા :
‘નિર્મલ મન, નિર્મલ બુદ્ધિ અને વિશુદ્ધ આત્મા આ બધાં એક ને એક જ છે.’
નૉબેલ પારિતોષિક વિજેતા ભૌતિક વિજ્ઞાની પાસે બુદ્ધનું હૃદય અને વેદાન્તીનું મગજ હોવાં જોઈએ
૧૯૬૨નું મૅડિસિન માટેનું નૉબેલ પારિતોષિક ફ્રાન્સિસ ક્રિક, જૅમ્સ વૉટસન અને પ્રૉ. મોરીસ ઍચ. વિલ્કિન્સને સંયુક્ત રીતે પ્રદાન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રૉ. વિલ્કિન્સે ૧૯૮૬ના જાન્યુઆરીમાં ચોંકાવનારું નિવેદન કર્યું હતું, ‘દુનિયાના લગભગ અડધા વિજ્ઞાનીઓ અને ઈજનેરો અત્યારે વિશ્વયુદ્ધના કાર્યક્રમોમાં રોકાયેલા છે.’ મુંબઈમાં વિજ્ઞાન અને ધર્મને લગતી એક રૂબરૂ મુલાકાતમાં ૧૯૮૬માં તેમણે કહ્યું હતું : ‘મને દૃઢ પ્રતીતિ થઈ રહી છે કે આજ કાલ મોટા ભાગના વિજ્ઞાનીઓ મર્યાદિત વિચારણાઓમાં વધુ ને વધુ દોરવાઈ રહ્યા છે. તેમનાં મન બહુ ખુલ્લાં નથી. તેઓ સ્થૂળ જરૂરિયાતો પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છે. મોટા ભાગના વિજ્ઞાનીઓ રાજકીય, મનોવૈજ્ઞાનિક, આધ્યાત્મિક તથા બીજાં પરિમાણોથી દૂર જઈ રહ્યા છે. તેમનાં સંશોધનોમાં તેઓ આ બધાને લગતું કાંઈ કરતા નથી. એને લીધે એમની વર્તણૂક એવી લાગે છે જાણે કે આ પરિમાણોનું અસ્તિત્વ જ ન હોય… તેમાંના કેટલાકને ધર્મ સામે પણ ચીડ હોય છે. આધ્યાત્મિક અને બીજાં પરિમાણોનો આખો પ્રશ્ન જ જાણે કે દુનિયાના નકશાની બહાર ધકેલાઈ ગયો છે. માત્ર બૌદ્ધિક અને મગજની સંસ્કૃતિ પર મૂકવામાં આવેલા વધારે પડતા ભારનું પરિણામ અપૂર્ણ માનવની ઉત્ક્રાન્તિમાં આવ્યું છે. એમાં જીવનનાં લાગણીપ્રધાન આધ્યાત્મિક અને પરોપકાર વિષયક પાસાંનો યોગ્ય રીતે વિકાસ થયો હોતો નથી અથવા તો તેમને સાવ દબાવી દેવામાં આવ્યાં હોય છે. પરિણામે વિજ્ઞાન અને માનવશાસ્ત્રોની સંસ્કૃતિ વચ્ચે ચોક્કસ ભેદની મોટી દીવાલ અથવા ખાઈ ઊભી થાય છે. ઘણા વખત પહેલાં સર સી.પી. સ્નોએ પોતાના ગૌરવપૂર્ણ ગ્રંથ ‘ધ ટુ કલ્ચર્સ’માં આના વિષે આંગળી ચીંધી હતી. સર સ્નોએ આ બન્ને પ્રકારના વિજ્ઞાનીઓ વચ્ચે સંપૂર્ણ સંવાદિતા માટે એક સાદો ઉકેલ દર્શાવ્યો હતો; કે જીવનના માનવતાપૂર્ણ પાસાંનો વિકાસ સાધવા માટે એમણે શેકસ્પિયરે લખેલાં પાંચ કરુણાન્ત નાટકો વાંચવાં જોઈએ અને કલાકારો અથવા જે લોકો વિજ્ઞાનીઓ ન હોય તેમણે થર્મોડાયનામિકસના બીજા નિયમનો અભ્યાસ કરવો જોઈએ. ઉકેલ આટલો સાદો સીધો નથી, જો કે બન્ને પ્રકારની સંસ્કૃતિઓના મિલન માટેની એક સાદી સીધી શરૂઆત એ કદાચ બની શકે.
પોતાના અનુયાયીઓને આઈન્સ્ટાઈન કહેતા : ‘બુદ્ધિને પોતાનો દેવ બનાવનારા લોકોને તમારે ચેતવવા જોઈએ. બુદ્ધિ પદ્ધતિનું જ્ઞાન ધરાવે છે, પણ ભાગ્યે જ તેમાં મૂલ્યોનું જ્ઞાન હોય છે. મૂલ્યો લાગણીમાંથી જન્મતાં હોય છે. જો કોઈ માણસ પોતાની સંપૂર્ણ રીતે રચનાત્મક ભૂમિકા ન ભજવે તો તે માનવ કહેવડાવવાને લાયક નથી. તેણે પોતાના જીવનધ્યેયને છેહ દીધો છે એમ કહી શકાય.’
તેઓ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના પૂરકપણાને જાણતા હતા. ‘જો તત્ત્વજ્ઞાનના પાયામાં વિજ્ઞાન ન હોય તો એ તત્ત્વજ્ઞાન ખાલીખમ છે. વિજ્ઞાન શોધી કાઢે છે, તત્ત્વજ્ઞાન એનું અર્થઘટન કરે છે’ એવો આઈન્સ્ટાઈનનો મત છે. વિજ્ઞાનીઓએ શોધખોળોનું અર્થઘટન માનવજાતિના ભલા માટે કરવું જોઈએ, અને ક્ષુલ્લક સ્વાર્થ માટે નહીં.
ભૌતિકવિજ્ઞાની ફ્રિત્ઝૉફ કાપ્રા કહે છે : જ્યારે આણવિક વિનાશ આપણી સામે ડોળા કાઢી રહ્યો છે, ત્યારે જરૂર છે સમન્વયની, પર્યાવરણીય દૃષ્ટિબિન્દુની અને કલ્યાણકારક વિચારધારાની, બીજા લોકોની પેઠે કાપ્રાને લાગે છે કે અસ્તિત્વ માટેનો સંઘર્ષ કુદરતી વરણી અને અનુકૂલનની ડાર્વિને આપેલી વિભાવના ઉત્ક્રાન્તિની સમગ્ર ઘટનાને કદી નહીં સમજાવી શકે. તેઓ કહે છે કે આપણને ઉત્ક્રાન્તિ પ્રત્યેના રીતસરના દૃષ્ટિકોણની જરૂર છે, જેમાં પોતાની જાતથી પર થવાનો આદર્શ રહેલો હોય, બધાં જીવંત તંત્રો નવા માળખાનું રચનાત્મક રીતે નિર્માણ કરવા માટે અને સંગઠનોની નવી તરાહો ઊભી કરવા માટે પ્રયત્નશીલ હોય. નવી જરૂરિયાત છે કલ્યાણકારક, પર્યાવરણીય સલામતી બક્ષતા વૈશ્વિક દૃષ્ટિબિન્દુની. દર્શનશાસ્ત્રમાં આટલો ફેરફાર કરવાની જરૂર છે.
ફિત્ઝૉફ કાપ્રા અને ડૅવિડ બૉહ્મ જેવા ભૌતિક વિજ્ઞાનીઓની રૂબરૂ મુલાકાતમાં રૅનૅ વેબરે એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે આજના નૉબેલ પારિતોષિક વિજેતા ભૌતિકવિજ્ઞાનીઓએ બુદ્ધ પણ થવું જોઈએ. સર્વોચ્ચ વૈજ્ઞાનિક માનસ સાથે ઉમદામાં ઉમદા બુદ્ધ-હૃદયનો યોગ થવો જોઈએ. કાપ્રા માને છે કે આઈન્સ્ટાઈન અને બૉહ્મ મુખ્યત્વે ધ્યાનયોગી અને અંતઃસ્ફૂરણાવાળા હતા અને સાથે સાથે સૌથી મોટા ભૌતિક વિજ્ઞાનીઓ પણ હતા. કાપ્રા કહે છે કે બૉહ્મને કોઈ આધ્યાત્મિક પ્રશિક્ષણ મળ્યું ન હતું અને હું નથી માનતો કે તેઓ નિયમિત રીતે ધ્યાન ધરવાની પ્રક્રિયા કરતા હોય; પરંતુ તેમનું કામ જ તેમના માટે ધ્યાન હતું. બૉહ્મનું વિજ્ઞાન તેના માટે અધ્યાત્મ હતું. પૌરસ્ત્ય પરંપરા એવી છે કે સૌથી વધુ જ્ઞાની (પ્રબુદ્ધ માનવ) સૌથી વધુ સામાન્ય માણસ બની રહે છે. અને તેથી આ સંતો લાકડાં કાપતા રહ્યા અને પાણી ભરતા રહ્યા.
આ બાબતમાં સ્વામી વિવેકાનંદના વિચારો સર્વગ્રાહી અને તર્કસંગત છે. આદર્શ માનવનું જીવન ચાર પ્રકારના યોગના જ્ઞાનથી સમૃદ્ધ બનેલું હોવું જોઈએ. તે જ્ઞાની હોવા જોઈએ. તે પરોપકારી કાર્યો કરનારો માનવ પણ હોવો જોઈએ. અલખના ચિંતનથી તેનું જીવન આધ્યાત્મિક રીતે વિકાસ પામેલું હોવું જોઈએ અને અન્તતોગત્વા તેણે પોતાના હૃદયને જીવનના ઊર્મિપ્રધાન અને કારુણ્યપૂર્ણ પાસાં (ભક્તિથી) પોતાના હૃદયને વિકસાવવું જોઈએ. સ્વામી વિવેકાનંદ કહે છે કે આદર્શ માનવ આકાશ જેટલો વિશાળ અને મહાસાગર જેટલો ઊંડાણવાળો હોવો જોઈએ. તેઓ એવું સ્વપ્ન સેવતા હતા કે વિજ્ઞાન અને ટૅકનૉલૉજી, વિચાર શક્તિ અને ગતિશીલતાના વિકાસની સાથે સાથે તેટલા જ પ્રમાણમાં કલ્યાણકારક પ્રેમ અને સહકાર ભાવનાના વિકાસને લીધે એક નવા પ્રકારના માનવનું સર્જન થશે અને તે માનવમાં શંકરાચાર્યની બુદ્ધિનિષ્ઠા અને બુદ્ધના હૃદયનો સુમેળ સધાયો હશે. સ્વામી વિવેકાનંદ તેમને મહા માનવ (Superman) અને મહા નારી (Superwoman)કહેતા. આવા માનવો આધ્યાત્મિક પૂર્વની આધ્યાત્મિક અને તર્કાતીત પરંપરા અને વૈજ્ઞાનિક પશ્ચિમની તર્કપૂર્ણ તથા પ્રયોગશીલ પરંપરાઓનો સુમેળ સાધવા શક્તિમાન બની રહેશે. ભવિષ્યનાં આ નરનારીમાં તેમને આધ્યાત્મિક માનવજાતિની ઉત્ક્રાન્તિનું દર્શન થતું. તેમના મતે આ પ્રકારનાં માનવોમાં પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓનાં શ્રેષ્ઠ તત્ત્વોનો સમન્વય થયો હશે.
અમેરિકાના લેખક લૅકસ હિકસને શ્રીરામકૃષ્ણ પરમહંસ વિષે લખ્યું છે, ‘શ્રીરામકૃષ્ણ એક વિશિષ્ટ ધાર્મિક પશ્ચાદભૂનું પ્રતિનિધિત્વ કરતી પ્રાચીન સંસ્કૃતના વિચિત્ર માનવ નથી, તેઓ નજીકના ભવિષ્યમાં આવનારી ગ્રહોની સંસ્કૃતિના આઈન્સ્ટાઈન પણ છે. તેઓ માનવજાતિની ભાવિ ઉત્ક્રાન્તિનું ઉછેર કેન્દ્ર પણ છે.’ આ લેખકના મતે શ્રીરામકૃષ્ણ બધી સંસ્કૃતિઓ અને બધાં હૃદયોને ખોલવા માટેની ગુરુચાવી છે. કૅન વિલ્બર અને હસ્ટન સ્મિથ જેવા લેખકો અધ્યાત્મના મૂર્તિમાન સરલ સ્વરૂપ એવા શ્રીરામકૃષ્ણ વિષેની આ રજૂઆતને એકવીસમી સદીની સમીપમાં વિવેકશીલ પશ્ચિમમાં આવકારે છે; કેમ કે શ્રીરામકૃષ્ણનું હૃદય વારંવાર દૈવી ચેતનાની દિશામાં ઉડ્ડયનો કરી શકતું હતું અને તે છતાં પાર્થિવ જીવન પ્રતિ પાછું ફરી શકતું હતું. એટલું જ નહીં પ્રત્યેક પદાર્થમાં ભગવાનનાં દર્શન કરી શકતું હતું અને તેનું વાત્સલ્ય માણી શકતું હતું. શ્રીરામકૃષ્ણદેવ ઈન્દ્રિયાતીત અનુભૂતિનાં ઉડ્ડયનો કરી શકતા હોવા છતાં સર્વોચ્ચ કક્ષાના તર્કપૂર્ણ વિચારક પણ હતા. એ જ વેળાએ તેઓ કલ્યાણકારી દર્શનના પ્રકાશમાં પોતાની પ્રત્યેક પળ જીવતા હતા અને કોઈ પણ પ્રકારના પંથ, વર્ણ કે રાષ્ટ્રીયતાની ગણના કર્યા વિના જ પ્રત્યેક માનવ પ્રત્યે અનંત અનુકંપા દર્શાવી શકતા હતા. આજના વિજ્ઞાનીઓ માટે આ આદર્શરૂપ છે.
કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિમાં લખ્યું છે : ‘ભવસાગરને કાંઠે બાળકો રમી રહ્યાં છે. તેમને તરતાં આવડતું નથી કે મોતી વેરતાં પણ આવડતું નથી. જ્યારે વેપારીઓ વહાણો હંકારી રહ્યા હોય છે, ત્યારે બાળકો કાંઠે બેસીને છીપલાં વીણતાં હોય છે અને ફરીથી તેમને આમતેમ ફગાવી પણ દેતાં હોય છે. તેઓ કદી નિષિદ્ધ ખજાનાની ખોજ કરતાં નથી. તેમને જાળ નાખવાનું પણ આવડતું નથી…
‘બાળકો ભવસાગરને કાંઠે રમી રહ્યાં છે’ એ શબ્દોનું અર્થઘટન કરતાં ડબલ્યુ બી. યીટ્સ લખે છે : ‘જ્યારે ટાગોર બાળકો વિષે વાતો કરે છે ત્યારે તેઓ જાણે કે પોતાના હૃદયના ટુકડાની વાત કરતા હોય એમ લાગે છે અને એમ નથી લાગતું કે તેઓ સંતોની પણ વાત નથી કરતા?’
વિજ્ઞાન આવા સંતો, સંપૂર્ણ માનવોની વિશ્વમાનવોની, માનવજાતિનાં બાળકોની ખોજમાં છે. એની નેમ છે વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના ઉત્તમ ગુણોને એક સાથે ગૂંથી લેવાની. તેનું લક્ષ્ય છે એક માત્ર માનવજાતિનું મંગલ દર્શન કરવાનું, બહુમતીના લાભાર્થે, બહુમતીના સુખાર્થે (બહુજન હિતાય, બહુજન સુખાય) બુદ્ધ પણ પોતાના શિષ્યોને માનવજીવનમાં પરિપૂર્ણતા લાવવા માટે આ જ ઉદ્બોધન કર્યું હતું!
અનુવાદ : શ્રી ચંદુભાઈ ઠકરાલ
Your Content Goes Here




