(એક હિન્દુ અભિગમ)
અસ્તિત્વ માટેનો સંઘર્ષ ઉચ્ચતર ઉત્ક્રાંતિનો માર્ગ નથી
ન્યૂટનની દ્વૈતવાદી વિચારણાએ પદાર્થથી ચિત્તને નોખું તારવ્યું અને પછી ધીમે ધીમે માણસથી માણસ, ઈશ્વરથી માણસ અને અંતમાં રાષ્ટ્રથી રાષ્ટ્રને ભિન્ન ગણવાના દૃષ્ટિબિંદુએ જગતને આણી મૂક્યું. ન્યૂટનના આ દ્વૈધી વિશ્વના દર્શનમાં ‘અસ્તિત્વ માટે સંઘર્ષ’ અને ‘બળવાનનું જ અસ્તિત્વ’નો ખ્યાલ ભળ્યો અને ‘રક્તરંગી નખદંત’ વાળી સંસ્કૃતિ ઊભરી આવી.
સને ૧૮૯૫માં પોતાના યુરોપવાસ દરમિયાન, ‘અસ્તિત્વના સંઘર્ષ’ અને ‘શાસ્ત્રીય ભૌતિકવાદ’ ઉપર આધારિત પાશ્ચાત્ય સંસ્કૃતિનું કાળું ભાવિ સ્વામી વિવેકાનંદ જોઈ શક્યા હતા. અને વૈજ્ઞાનિક શોધોનો ઉપયોગ પરસ્પરના સંહાર માટે કરવામાં આવ્યો હતો તેવાં બે વિશ્વયુદ્ધોએ એ આગાહી સાચી પાડી હતી. નીતિશાસ્ત્ર પરસ્પર પ્રેમને અને સેવાને ઉત્તેજન આપે છે. વિજ્ઞાનના વ્યવહારુ અમલમાં મનુષ્યજાતે નીતિશાસ્ત્રને નેવે મુકાતું નિહાળ્યું.
૧૧ સપ્ટે.’૦૧ એ ન્યૂયોર્કનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર વિઘાતક હવાઈ હલ્લાના ભોગે કડડભૂસ કરતું પડ્યું અને ૫૦૦૦ નિર્દોષ લોકો તરત મરણ શરણ થયા ત્યારે શેક્સપિયરના હેમ્લેટ નાટકમાંના ડેન્માર્કના નાગરિકોની માફક જગતને ભાન થયું, ‘ડેન્માર્કના રાજમાં કશુંક અંધેર છે.’ (અંક ૧ : ૪).
‘તલવાર લઈને નીકળનારા તલવાર સાથે જ નાશ પામે છે’, એમ ઈસુએ કહ્યું છે. સ્વામીજીના કહ્યા પ્રમાણે આવાં ઐતિહાસિક વિનાશનાં કૃત્યો ‘ઐતિહાસિક વેરને નોતરે છે.’
શોભાયમાન ઓર્કિડ સાથેનાં પુષ્પોની ઉત્ક્રાંતિના પોતાના વિસ્તૃત અભ્યાસ દરમિયાન ડાર્વિન સહ-ઉત્ક્રાંતિના સિદ્ધાંતની તારવણીએ પહોંચ્યા; પ્રયોગો દ્વારા સાબિત થયું કે પુષ્પો અને જીવાત એકમેક પર અસર કરે છે. પોતાના અદ્યતન પુસ્તક ઉત્ક્રાંતિ (Evolution) માં કાર્લ ઝિમર લખે છે: ‘ઓટિજિન ઓફ ફિઝિક્સ લખ્યા પછી થોડા જ સમયમાં ડાર્વિને શોધી કાઢ્યું કે પુષ્પો અને જીવાત એકમેક પર અસર કરે છે? આ સહ-ઉત્ક્રાંતિ (Co-evolution) ની નવી વિભાવના હતી.
વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના આવા સંકુલ સહકાર ઉપર વનસ્પતિ ઉત્ક્રાંતિ આધારિત હોય તો ક્યાંય ઉચ્ચતર માનવ-ઉત્ક્રાંતિને મનુષ્યો અને પર્યાવરણમાંનાં બીજાં જીવરૂપો વચ્ચે વધારે સંકુલ અને વધારે વિચારપૂર્ણ સહકારની આવશ્યક્તા નહીં રહે શું?
પતંજલિનાં યોગસૂત્રોનું અર્થઘટન કરતાં (રાજયોગ : સ્વામી વિવેકાનંદ), ‘અસ્તિત્વ માટે સંઘર્ષ’ના ડાર્વિની સિદ્ધાંતનો વિરોધ કરીને સ્વામી વિવેકાનંદે સભાન વરણી (conscious choice) અને વિચારશક્તિ દ્વારા ઉચ્ચતર ઉત્ક્રાંતિની હિંદુ વિભાવના સ્પષ્ટ કરી હતી.
જીવન માટે ચડસાચડસી કે કામવાસનાની તૃપ્તિ માત્ર ક્ષણિક નિરુપયોગી અને અજ્ઞાનજન્ય બહિર્ પ્રયત્નો છે. બધી ચડસાચડસી (હરીફાઈઓ) પૂરી થશે ત્યારે પણ પ્રત્યેક વ્યક્તિ પરિપૂર્ણ ન થાય ત્યાં લગી પાછળ રહેલી આ પૂર્ણ પ્રકૃતિ આપણને આગળ ધપાવશે – અને દરેક વ્યક્તિ પૂર્ણતાને પામશે ત્યાં સુધી એ મંડી રહેશે. એટલે પ્રગતિને માટે હરીફાઈ જરૂરી છે તેમ માનવા માટે કોઈ કારણ નથી. પ્રાણી રૂપમાં મનુષ્ય દબાયેલો હતો પણ દરવાજો ખોલાતાં મનુષ્ય બહાર ધસી આવ્યો. આમ અજ્ઞાનનાં સાંકળો અને તાળાં પાછળ ગોપિત ઈશ્વર મનુષ્યમાં રહેલો છે. આ બંધનોને જ્ઞાન તોડે છે ત્યારે ઈશ્વર પ્રગટ થાય છે. જાગ્રત આત્મા સિદ્ધ ન કરી શકે તેવું આ પૃથ્વી પર કશું નથી, જરૂર છે માનવીમાંના ઉચ્ચતર આત્માને, પરમાત્માને જગાડવાની.
‘વોટ ઈઝ લાઈફ?’ નામના પોતાના પ્રભાવક પુસ્તકમાં નોબેલ પદાર્થવિજ્ઞાનની અર્વિન સ્ક્રોડિન્જર લખે છે કે કોઈ જીવયોનિનું અસ્તિત્વ ટકાવવા માટેની વરણીની ખાતરી માટે, ‘વર્તન’ અને ‘જીવનની ટેવો’ ખૂબ અગત્યનાં એ નિર્ણાયક પરિબળો છે. આ ઘટના વિના જીવયોનિઓની ઉત્પત્તિ સમજી શકાય નહીં, એમ સ્ક્રોડિન્જર જણાવે છે. અને આ વર્તન અને ટેવો શું છે? એ આપણા વિચારો અને ઇચ્છાઓની નીપજ છે – બંને માનવચેતનાની નીપજ છે.
અને અસ્તિત્વની છેલ્લી અવસ્થા સાથેનો સભાન સંઘર્ષ સૌથી અગત્યનો ભાગ ભજવે છે. સ્ક્રોડિન્જર લખે છે: ‘આ સ્વીકાર્ય ગણીએ તો ચેતના અને સંઘર્ષ વચ્ચે અવિનાભાવી સંબંધ છે એમ ફલિત થાય છે; વળી એ બંને એકબીજાના પ્રવાહમાં જ હોવાં જોઈએ. આ વદતોવ્યાઘાત લાગશે પરંતુ સર્વકાળના અને લોકોના શાણાજનોએ આ આ બાબત સાક્ષી પુરાવી ખાતરી આપી છે, તે નરનારીઓ માટે આ જગત જ્ઞાનની જ્યોતથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને આપણે જે કલાકૃતિને માનવજાત કહીએ છીએ તેને જેમણે પોતાના જીવન અને શબ્દ વડે તેને ઘડ્યું છે અને પરિવર્તિત કર્યું છે તેઓ આંતરિક વિસંવાદની વેદનાથી ભાંગી પડ્યા છે. આનાથી જે પીડાય છે તેને પણ આ આશ્વાસન આપશે; એના વિના ટકી શકે એવું કશું કદી સર્જાયું નથી. સંયોજનાના દૃઢ સિદ્ધાંતોથી વિચારશક્તિની સહાયથી ઉચ્ચતર સંયોજનકક્ષાઓએ જીવન ક્રમશ: પ્રગતિ કરે છે.અમેરિકાના વ્યક્તાતીત માનસશાસ્ત્રી અબ્રહેમ મેસ્લોએ કહ્યું છે કે જેને દોડતાં શીખવું હોય તેણે ઓલિમ્પિક દોડવીરને અનુસરવું હિતાવહ છે. સર્વોચ્ચ માનવ-ઉત્ક્રાંતિ શું છે તેની શોધ કરનારે ઈસુ, બુદ્ધ કે રામકૃષ્ણ ભણી જ વળવું પડે.
ભારતનાં પતંજલિ-યોગસૂત્રોએ (૪.૨ અને ૪.૮માં) ઉત્ક્રાંતિ માટે બે શરતો લાદી છે. પહેલી: એક જીવયોનિની બીજીમાં ઉત્ક્રાંતિ પ્રકૃતિની આંતરપૂરણીથી થાય છે (जात्यन्तरपरिणाम प्रकृत्या पूरात) અર્થાત્ જીવને જણાતી ઊણપ એ જીવના દેહમાં કરેલા નવા વધારાથી દૂર થાય છે. મોટી ભૂખી માછલીઓનો શિકાર બનતી નાની માછલીઓ મોતના મોંમાંથી બચવા માટે પાંખો વિકસાવી પંખી બની ગઈ હશે. વળી પતંજલિ કહે છે કે નવું પર્યાવરણ જીવની સુષુપ્ત ઇચ્છાઓને જાગ્રત કહે છે, જે નવા પર્યાવરણમાં તૃપ્ત કરી શકાય છે. (तत: तत् विपाक अनुगुणम्, एव अभिव्यक्तर् वासनानाम्). જીવના બાહ્ય પર્યાવરણને અને તેની આંતરિક સુષુપ્ત શક્યતાઓને લક્ષમાં લીધા સિવાય જીવન કે જનીનો (genes) ની સંકલ્પના પૂર્ણ થશે નહીં.
જનીનવિજ્ઞાનને નવી અભિમુખતાની આવશ્યક્તા છે
બધા જીવોનું મૂળ તત્ત્વ જનીન (genes) છે. જનીન શું છે? ૨૦૦૩ના પોતાના પ્રકાશનમાં ફ્રિટ્જોફ કાપ્રા લખે છે: ‘જનીનો વિશે આપણે એટલું જ કહી શકીએ કે તેઓ સતત કે અસતત ડીએનએ (deoxyribonucleic acid) નું સંક્ષિપ્ત રૂપ છે; પોતાની મેળે બાહ્ય સહાય વિના વધે તેવા વિભાગો છે; એમનાં બંધારણ-કાર્યો જનીન બાહ્ય જાળ પર આધારિત છે, સંજોગાનુસાર પરિવર્તન પણ પામે.’
જનીન ઉદ્યોગ ૧૯૬૦ના દાયકામાં આરંભવ્યો. ત્યારે જનીન એન્જિનિયરિંગ (genetic engineering) દ્વારા નવી પુષ્પજાતો ઉછેરવા માટે અધિકારો અપાયા હતા… ૧૯૮૦માં યુએસ સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જનીન રીતે રૂપાંતરિત સૂક્ષ્મ જીવોનો પેટંટ લઈ શકાય. એને પરિણામે વૈજ્ઞાનિકોના એક જૂથે જીવનના નિર્દોષ પેટંટ કઢાવવાથી આગળ વધેલા બાયોટેક સંશોધનની સહાય દ્વારા બજારનું ઈજારીકરણ કરી લીધું. નવી ધમકીઓ ઉપસી આવી. જેનેટિક એન્જિનિયરિંગ – ડ્રીમ ઓર નાઈટમેર? નામના પોતાના પુસ્તકમાં માઓ-વાન્-હો લખે છે: ‘એ ગાળા દરમિયાન નવાં જનીન એન્જિનિયરિંગના મોટા પાયા પરના વેપારીકરણ સાથે નવા વાઈરસો અને એન્ટિ-બાયોટિકનો સામનો કરવાની શક્તિ ઉદ્ભવ્યાં હતાં.’
ફ્રિટ્જોફ કાપ્રા વિશેષમાં લખે છે: ‘જનીન અભિવ્યક્તિનો આધાર જનીની તેમજ કોષીય પર્યાવરણ ઉપર છે અને જનીનોને નવા પર્યાવરણમાં મુકાતાં એમાં પરિવર્તન આવે છે. જનીન વિજ્ઞાનીઓ જનીનોથી પર જઈ અખંડ કોષના સંકુલ તંત્ર પર લક્ષ કેન્દ્રિત નહીં કરે ત્યાં સુધી પરિસ્થિતિમાં પરિવર્તન થવાનો સંભવ ઓછો છે’, તેમ પ્રાયોગિક ધોારણે પુરવાર થઈ ચૂક્યું છે. યુ.એસ.એ.ના નેશનલ ઈન્સ્ટિયૂટ ઓફ મેન્ટલ હેલ્થના એક નિયામક ડો. કેડેન્સ પર્ટે પોતાના સફળ પ્રયોગને અંતે આમ કહેવાનું પસંદ કર્યું છે: ડીએનએ માત્ર દેહ માટે જ નથી પણ મન માટે પણ તેટલું જ અગત્યનું છે. એ દેહમન શબ્દ વાપરે છે. ‘જનીનોને નવા પર્યાવરણમાં મૂકીને પોતાનું કાર્ય કરવા માટે તેમને ઉત્તેજના આપતા પરમાણુ (molecular) જનીનશાસ્ત્રીઓને અતિ કઠિન કાર્ય જણાયું છે,’ તેમ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ઇન્સ્ટિયૂટ ઓફ મોલેક્યૂલર મેડસિનના ડાઈરેકટર ડેવિડ વેધરોલ જણાવે છે. વિજ્ઞાન ઇતિહાસકાર ફોક્સ નેલર લખે છે: ‘કોષ (cell)ના સમગ્રપણાના કાર્યની સંકુલ નિયંત્રક ગતિશાસ્ત્રમાંથી જનીન કાર્યનું અંતિમ ચિત્ર ઉપસે છે. જીવનની સમગ્ર પશ્ચાદ્ભૂના જ્ઞાનને અભાવે, જનીન વિકાસના કે ભાંગ્યા તૂટ્યા જનીનને રોગો માટે સાધવાના કાર્યનું સ્વપ્ન દૂર ભાવિમાં હડસેલાઈ જાય છે.’
ઔષધિ વિજ્ઞાન માટે નીતિશાસ્ત્ર અને હિંદુ ધર્મ
માંદગીમાંથી તુરત મુક્ત થવા માટે તેમજ દીર્ઘકાલીન લાભ માટે ઔષધિઓની સહાય લેવામાં આવે છે. જેમની અસર લાંબા સમય સુધી ટકે તેની સારવાર પસંદ કરવી જોઈએ. પરંતુ આયુમર્યાદા લંબાવવા માટેની અને જીવનની ગુણવત્તા સુધારવા માટેની ઔષધિકીય સગવડોનો લાભ સૌને સમાન રીતે સુલભ નથી. વર્લ્ડ બેન્કના તાજેતરના અહેવાલ મુજબ ઈ.સ. ૨૦૦૦માં વિકસિત દેશોમાં ૬૦ કરોડ લોકો ભયંકર ગરીબીમાં સપડાયેલા હતા. કુપોષણ, નિરક્ષરતા, રોગ, બાળમરણનું મોટું પ્રમાણ અને ટૂંકી આયુમર્યાદાનાં કારણોથી આ નિર્ણય કરવામાં આવ્યો છે અને માનવ સભ્યતાની મર્યાદાની બહાર એ લોકો છે. આ સંજોગોમાં પોષણના અભાવથી અને સુકતાનથી મૃત્યુ પામતાં હજારો બાળકોને જેના અંશ જેટલી રકમથી બચાવી શકાય તેટલી મોટી રકમ વિશેષાધિકાર ભોગવતાં થોડાંક માણસો (કે રાષ્ટ્રો)ના જીવનવ્યાપારને માટે કિંમતી ઔષધોનો વધુ પડતો ઉપયોગ ચાલવા દઈ શકાય ખરો?
તબીબી સાધનો વડે કરાવાતા ગર્ભપાત અને એ રીતે અટકાવાતા બાળજન્મ સામાજિક-નૈતિક પ્રશ્નોની હારમાળા ઊભી કરે છે. રૂઢિબદ્ધ સંસ્કૃતિઓમાં એને ઉત્તેજન અપાતું નથી અને એને પાપ ગણવામાં આવે છે. બાળકના જન્મવાથી માતાના જીવને ખતરો હોય તેવા સ્પષ્ટ તબીબી સંજોગોમાં એનો આશરો લઈ શકાય. હમણાં તાજેતરમાં જ ગર્ભપાતને કાનૂની માન્યતા અપાઈ છે. જેથી વૈશ્વિક અર્થતંત્રને અસર પહોંચાડતો વસતી વિસ્ફોટ અટકાવી શકાય. હિન્દુ ધર્મ અનુસાર ભૃણહત્યા મહાપાતક છે.
હિન્દુ સંસ્કૃતિ કેવળ જીવનમાં આદર્શ રાહ ચીંધે છે એટલું જ નહીં પણ મૃત્યુની આદર્શ રીત પણ દર્શાવે છે. વાસ્તવમાં ભારતની ભક્તિપરાયણ વ્યક્તિ શાસ્ત્રનિર્દિષ્ટ મરણ માટે જીવનભર તૈયારી કરે છે. વ્યક્તિના ગૌરવ અને એના આત્મનિર્ણયના અધિકાર ઉપર અર્વાચીન વૈજ્ઞાનિક અભિગમે વારંવાર ભાર મૂક્યો છે. પરંતુ સ્વાસ્થ્ય જાળવણી બાબતે સમાજે ભજવવાના ભાગ પર ભારતીય સંસ્કૃતિએ ખૂબ ભાર મૂક્યો છે. ગર્ભનિરોધ, ગર્ભપાત કે જનીન-એન્જિનિયરિંગ જેવી જન્મને લગતી પ્રક્રિયાઓમાં માથું મારવાની બાબતને ભારતીય પરંપરા ઉત્તેજન આપતી નથી. ગર્ભાધાનથી ભિન્ન આનંદ માટેની કામવાસનાને પણ માનવવર્તનમાં હલકી ગણવામાં આવે છે. પ્રજોત્પત્તિ માટે કે, એવી શક્યતા માટે દેહસંબંધની છૂટ આપવામાં આવી છે. એઈડ્ઝના રોગનો સાચો પ્રતિકાર હિંદુ અને ભારતીય સંસ્કૃતિના સ્વીકાર મુજબ કામવાસના પર સંયમ છે.
સારાં બાળકોના જન્મ માટે હિંદુ ધર્મે પ્રાયોગિક ધોરણે એક શાસ્ત્ર – વિજ્ઞાન- પણ વિકસાવ્યું હતું. સંત જેવું બાળક ઇચ્છતી માતા થનારી નારી સાધુસંતોની વાર્તાઓ સાંભળે અને પોતાની સગર્ભાવસ્થાનો કાળ પૂજાભક્તિમાં વ્યતીત કરે. વીર બાળક ઝંખતી નારી યુદ્ધોની અને યોદ્ધાઓની કથાઓ વાંચે સાંભળે. જૈન માન્યતા અનુસાર જન્મ્યા પૂર્વેનો ભગવાન મહાવીરનો ગર્ભ એક બ્રાહ્મણ સ્ત્રીના ઉદરમાંથી કાઢી ઉદાર રાણીના ઉદરમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. હિન્દુ પરંપરામાં આવાં અનેક દૃષ્ટાન્તો નોંધાયેલાં છે. પોતાની સગર્ભા પત્નીની ઉપસ્થિતિમાં એક ઋષિ મંત્રપાઠ કરી રહ્યા હતા એ પાઠ સાંભળીને એ સ્ત્રીના ઉદરમાં રહેલા ગર્ભે કહ્યું: ‘પિતાજી, આપના સ્વરોચ્ચાર દૂષિત છે.’ ઋષિ કોપાયમાન થયા. ગર્ભમાંના બાળકને એમણે શાપ આપ્યો: ‘તારું મન આવું વક્ર છે તેવું તારું શરીર પણ વક્ર થાઓ.’ આઠ ખોડ સાથે જન્મેલો એ બાળક મહાન બુદ્ધિશાળી મુનિ અષ્ટાવક્ર નામે ઓળખાયો. મહાભારતના મહારથી અર્જુનને અભિમન્યુ નામે પુત્ર હતો. એ માતાના ઉદરમાં હતો ત્યારે એની માતાને એનો પિતા અર્જુન યુદ્ધનાં શસ્ત્રાસ્ત્રોના રહસ્યની કોઈ વાત કરતો હતો. પણ એની માતા ઝોલે ચડી જતાં એ પૂરું રહસ્ય સાંભળી શકી નહીં એટલે અભિમન્યુને પણ એ શસ્રરહસ્ય જ્ઞાન પૂરું પ્રાપ્ત ન થયું. આ જ્ઞાનની સહાયે શત્રુઓએ ગોઠવેલા ચક્રવ્યૂહને ભેદવા એ સમર્થ થયો પણ એના અધૂરા જ્ઞાનને કારણે એ એમાંથી બહાર નીકળી શક્યો નહીં અને એ મૃત્યુ પામ્યો. ધર્મપ્રિય પાંડવો ઉપરના અતિદ્વેષને કારણે અમોઘ બ્રહ્માસ્ત્રનો પ્રહાર કરીને અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભમાંના પરિક્ષિતનો નાશ કરવા પ્રયત્ન કર્યો. એ પાંડવોનો એક માત્ર વંશ જ હતો. મનુષ્ય રૂપે અવતરેલા ઈશ્વર એવા શ્રીકૃષ્ણે એ ગર્ભનું રક્ષણ કર્યું હતું. કપાળમાં ખુલ્લા પીડાદાયક ઘાનો શાપ અશ્વત્થામાને આપવામાં આવ્યો હતો અને દીર્ઘકાળ પર્યંત એણે અસહ્ય પીડા ભોગવી હતી. આ બે ભારતીય નીતિશાસ્ત્રના આધારસ્તંભો છે.
હિન્દુ પુરાણોમાં બ્રહ્મા બુદ્ધિના દેવ છે. એટલે બ્રહ્માસ્ત્ર બુદ્ધિની ભેટ દ્વારા મળેલું શસ્ત્ર છે. આમ અશ્વત્થામાની કથા ગર્ભવિનાશ માટે વપરાયેલી બુદ્ધિનું પ્રતીક છે ને એ અક્ષમ્ય અપરાધ ગણાય છે. માના પેટમાંના ગર્ભમાં વિકાર શક્ય છે એમ આ કથાઓ કહે છે તે છતાં એ ભયમુક્ત નથી. માતાના ઉદરમાંના જીવ પ્રત્યે આદર અને પ્રસૂતા માટે સારા બૌદ્ધિક-આધ્યાત્મિક વાતાવરણનો પ્રબંધ- આ બે બાબતો ભારતીય નીતિશાસ્ત્રના આધારસ્તંભ છે.
એક પ્રશ્ન પૂછવામાં આવે છે. ‘ક્લોનિંગ (cloning) જનન વ્યાપાર વિના પ્રજોત્પત્તિ)નું ભાવિ શું છે? એક જ- ભૌતિક દેહના પુન:નિર્માણની વાત આ ક્લોનિંગ કરે છે- સર્જનની એ ભયંકર એકવિધતા છે. અણુશક્તિની શોધના જેવી આ ક્લોનિંગ પણ વિજ્ઞાનની અતિ સમર્થ શોધ છે જે વિવેક વિના વપરાશે તો કદીક ભયંકર પણ બની શકે છે એમ આ વિશે ભારત કહેશે. નાગાસાકી અને હિરોશિમા પણ અણુબોમ્બ ફેંકાયા હતા ત્યારે અણુશક્તિના ઉપયોગે આખા જગતને ગભરાવી મૂક્યું હતું. જાપાન જેવા અનેક દેશોએ એનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આજે એ જ અણુશક્તિ વિદ્યુત-ઉત્પાદન જેવાં શાંતિનાં કાર્યો માટે તેમજ એકદમ અટપટી શલ્યક્રિયા (સર્જરી) માટે જાપાન વાપરી રહ્યું છે. શાસ્ત્રીય સંશોધનને કોઈ બળથી રુંધી શકે ખરું? વિવેકહીન રીતે ક્લોનિંગનો ઉપયોગ કરીને કોઈ આઈન્સ્ટાઈનનું મગજ અને દેહ ઉત્પન્ન કરે પણ તેમાં આઈન્સ્ટાઈનનું ઉચ્ચ ચિંતન ન હોય તો એ મગજ ૧૧ સપ્ટે.’૦૨ના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના વિનાશના જેવો સંસ્કૃતિ-વિનાશ કરે. એથી ઊલટું સારી ફસલ માટે સારા શાકભાજી માટે કે માનવકલ્યાણમાં વૃદ્ધિ કરતી કોઈ અન્ય બાબત માટે ક્લોનિંગનો ઉપયોગ જગત આવકારશે. સર્જનમાં સંપૂર્ણ એકવિધતા એટલે મૃત્યુ એમ હિન્દુ ધર્મ માને છે- હાથની બધીયે આંગળીઓ એક સરખી લંબાઈની થાય તો શું થાય? એથી હાથની કાર્યશક્તિમાં વધારો થશે? જગતની બધી સ્ત્રીઓ મોના લિઝા જેવી દેખાય તો? પછી જગતમાં સૌંદર્ય ક્યાં વસશે? આઈન્સ્ટાઈનની ગણતરી મુજબ ઉષ્ણતામાનમાં એકવિધતા ‘ઉષ્ણતા મૃત્યુ’ આણશે, આ ગ્રહ ઉપર જીવનનું અસ્તિત્વ નહીં રહે. એકવિધતા સંસ્કૃતિનો નાશ નોતરે છે. વિવિધતામાં એક્તા સમૃદ્ધ જીવન વૈવિધ્ય પેદા કરે છે અને ઉચ્ચતર સંસ્કૃતિ ભણી લઈ જાય છે.
નીતિશાસ્ત્ર અને વિજ્ઞાનનું વૈશ્વિક માનવનું દર્શન
વિજ્ઞાને આપણી સમક્ષ બે રાહ ખોલી આપ્યા છે : શક્તિ અને જ્ઞાન. શક્તિસત્તા ભ્રષ્ટ બનાવે છે અને અમર્યાદ સત્તા અમર્યાદ ભ્રષ્ટાચાર લાવે છે, ટેક્નોલોજીએ આણેલી ક્રાંતિને લઈને લોકોને વિજ્ઞાનના સત્તા-લક્ષણનું ખૂબ આકર્ષણ રહે છે. ટેક્નોલોજીના આંજી દેતા પ્રકાશમાં વિજ્ઞાનના જ્ઞાન પાસાને આપણે કેટલીક વાર ઉવેખીએ છીએ: એ પાસુંજ સર્વાંગીણ (holistic) નીતિશાસ્ત્રને ઉત્તેજન આપે છે અને વૈયક્તિક સ્વકેન્દ્રી અસ્તિત્વની મોહજાળમાંથી આપણને બહાર ખેંચે છે અને સમસ્ત માનવજાત જોડે આપણને જોડે છે. પૂર્વ અને પશ્ચિમના ટેક્નોલોજીમાં આગળ વધેલા સમાજો ગહનતર સામાજિક-નૈતિક-ધાર્મિક વમળમાં પડ્યા છે. ૪૮ % બંદૂકો વાપરતા અમેરિકનો પોતાની જાતને ‘બંદૂક સભ્યતા’માં ખૂંપેલા – જુએ છે. માત્ર સેન્ટ પીટર્સબર્ગ શહેરમાં જ રોજના ૭૦૦૦ ગુનાના કેસો અને ૧૫૦૦૦ ગુનાને લગતી ફરિયાદો ૧૯૯૭માં રોજ સેન્ટ પીટર્સબર્ગમાં આવી હતી. (એશિયા વીક, ૧૦ ઓક્ટો,’૯૭ ) વિજ્ઞાન અને ટેક્નોલોજીએ બાહ્ય જીવનમાં હજારો રીતે સુધારા વધારા કર્યા છે પણ આંતરિક જીવનમાં વધુ ને વધુ ખાલીપો ભર્યો છે અને નૈતિક મૂલ્યોમાં ગૂંચવાડો ઊભો કર્યો છે.
ફ્રાન્સિસ ક્રિક અને જેય્મ્સ વોટસન જોડે ૧૯૬૨માં ઔષધ વિજ્ઞાનના નોબેલ પુરસ્કારમાં સહભાગી બનનાર પ્રોફેસર મોરિસ વિલિયમ્સે ૧૯૮૬ના જાન્યુઆરીમાં મુંબઈમાં એક મુલાકાતમાં કહ્યું હતું : ‘મોટા ભાગના વૈજ્ઞાનિકો રાજકીય, મનોવૈજ્ઞાનિક, આધ્યાત્મિક અને બીજાં પરિમાણોથી ભડકે છે. માત્ર આધ્યાત્મિક અને બીજાં પરિમાણોનો સમગ્ર પ્રશ્ન સામાન્ય રીતે આઘો હડસેલી મૂકવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે સ્ટીફન હોકિંગ માને છે: સૃષ્ટિને છેડે શું બની રહ્યું છે તેની પર નજર રાખવા એક ચોકીદાર ભગવાનની જરૂર છે. પણ હોકિંગનો ભગવાન કાર્યકારણ અને તાર્કિક સંબંધોનો સિદ્ધાંત માત્ર છે. ‘એને નીતિ સાથે કશું સગપણ નહીં હોય.’ એમ હોકિંગ જણાવે છે. એથી ઊલટું, નોબેલ પુરસ્કાર વિજેતા પદાર્થવિજ્ઞાની સ્ટીવન વાઈનબર્ગે ૧૯૭૯માં ભારપૂર્વક જે વિચાર રજૂ કર્યો હતો તેને અધ્યાત્મવાદીઓની કે સોફોકિલસ કે શેકસપિયર જેવા કરુણ નાટકો લખનાર જેવાની ભાષા સાથે અદલબદલ કરી શકાય છે. ‘વિશ્વને સમજવાનો પ્રયત્ન એવી એક બાબત છે કે એ મનુષ્ય જીવનને ફારસમાંથી થોડું બહાર ખેંચી ટ્રેજડી (કરુણાંતિકા)ની થોડી છટા બક્ષે છે.’
પાશવી આવેગોમાંથી માનવીને મુક્ત કરીને દેવ બનાવે તે સાચું જ્ઞાન છે (सा विद्या या विमुक्तये). હિંદુ ધર્મ કહે છે : મનુષ્યમાં રહેલા દેવને જાગ્રત કરે તે જ જ્ઞાન આ વિચારનો પડઘો આઈન્સ્ટાઈનના આ પ્રખ્યાત કથનમાં પડે છે: ‘જે ઉત્તમ ભાવના આપણે અનુભવી શકીએ તે આધ્યાત્મિક છે. સર્વ સત્ય, કલા અને વિજ્ઞાનની એ શક્તિ છે. આ ભાવનાથી જે પરાયો છે તે મરેલા સમાન છે. આપણે માટે જે દુર્ભેદ્ય છે તે અસ્તિત્વ ધરાવે છે અને ઉચ્ચતમ જ્ઞાન અને દેદીપ્યમાન સૌંદર્ય તરીકે જે આવિષ્કૃત થાય છે જેને આપણી બુઠ્ઠી શક્તિઓ એમના પ્રાથમિક રૂપમાં જ ગ્રહણ કરી શકે છે – આ જ્ઞાન આ ભાવના સાચી ધાર્મિકતાને કેન્દ્રે છે. આ અને આ જ અર્થમાં હું હું ખૂબ ધાર્મિક લોકોની હરોળમાં આવું છું. રાષ્ટ્રની અને ધર્મની દીવાલોને ભેદીને સમગ્ર માનવજાતના શ્રેય માટે જીવે તેવા માનવો પેદા કરવા તે વિજ્ઞાનનું સર્વોચ્ચ ધ્યેય છે. વિજ્ઞાનમાં જૈવિક-નીતિશાસ્ત્રનું પણ ધ્યેય તે જ છે.
Your Content Goes Here




