પાત્રો : અશોક : મગધનો રાજા

મંત્રી

સેનાપતિ

પ્રથમ સૈનિક

બીજો સૈનિક

ઉપગુપ્ત : એક બૌદ્ધ ભિક્ષુ

દૃશ્ય : યુદ્ધ શિબિરનો અંદરનો ભાગ. એમાંથી પાછળના પડદા ઉપર કલિંગના રણક્ષેત્રની એક બાજુ જોઈ શકાય છે. સમય સાંજનો છે. સાંધ્ય આકાશમાં આથમતા સૂર્યનો લાલ પ્રકાશ અને યુદ્ધક્ષેત્રમાં સળગતો અગ્નિ જોઈ શકાય છે. (બે સૈનિકો વાતો કરે છે).

પહેલો સૈનિક : ઓહ, કેટલો ભયંકર અને ખૂનખાર જંગ! બસ, યુદ્ધ, યુદ્ધ ને યુદ્ધ જ! રણભેરીઓ, મારો, કાપો, તૈયાર! અરે, આ તો ભયાનક! આ કલિંગવાસીઓ જેવો તાકાતવાન શત્રુ તો મેં કદીયે જોયો નથી. પરંતુ, (ક્રોધથી) મારા પ્યારા દોસ્ત, હું તને કહી દઉં છું કે, વિજય તો અવશ્ય આપણો જ છે. આ કલિંગીઓ ઉપર આપણો જબરદસ્ત વિજય થવાનો જ છે.

બીજો સૈનિક : અને આજ સાંજ સુધીમાં તો એ વિજય આવી જ રહ્યો છે.

પહેલો સૈનિક : એમાં વળી શંકા શેની છે? ગમે તેમ તોયે આપણા વીર મહારાજા મહા યોદ્ધા અશોક છે તો મહાન ચંદ્રગુપ્તના પૌત્રને?

બીજો સૈનિક : અને ચંદ્રગુપ્ત તો કલ્પના પણ ન થઈ શકે એવડી મોટી સેના પાછળ મૂકતા ગયા છે. વળી, આજે આપણે ભૂમિ ઉપર કે સાગર પર પણ અણનમ રહેવાની શક્તિ ધરાવીએ છીએ.

પહેલો સૈનિક : સાવ સાચી વાત છે. પહેલે જ દિવસે જ્યારે આપણે કલિંગ ઉપર આગળના ભાગથી આક્રમણ કર્યું, ત્યારથી જ મંત્રીશ્રી આપણી નૌસેનાને સાગરમાર્ગે કૂચ કરવા દેવાની મહારાજાને સલાહ આપતા રહ્યા છે.

બીજો સૈનિક : અને મહારાજા અશોકે તો જહાજોને સાગરમાર્ગે કૂચ કરવાનો આદેશ પણ આપી દીધો છે.

પહેલો સૈનિક : પણ મને તો આપણી નૌશક્તિનો ઉપયોગ કરવાનું કંઈ જરૂરી જણાતું નથી. આપણું ભૂમિ પરનું આક્રમણ જ એટલું બધું ભયાનક અને એટલું બધું મોટું હતું કે ઇતિહાસમાં ક્યારેય નોંધાયું નહિ હોય. (ધીરેથી) એય, જુઓ, મહારાજા, તેમના મંત્રીશ્રી અને સેનાપતિજી પધારી રહ્યા છે.

(આશ્ચર્યથી સફાળો પડદાની વીંગમાં જુએ છે).

(અશોક, મંત્રી અને સેનાપતિ પ્રવેશે છે).

અશોક : છેવટે સ્વપ્ન સાકાર થયું ખરું! કલિંગ વિજયનું સ્વપ્ન મારા પિતામહ ચંદ્રગુપ્તનું પણ હતું, મારા પિતાજી બિંદુસારનું પણ આ જ સ્વપ્ન હતું અને હું પોતે પણ મારા શૈશવકાળથી કલિંગ વિજયનું આ સ્વપ્ન સેવતો રહ્યો છું. સેનાપતિ, મંત્રીશ્રી અને મારા સૌ સૈનિકો, આ સ્વપ્ન સફળ બનાવવામાં તમે દાખવેલા પરિશ્રમ માટે તમને સૌને મારી વધાઈ છે.

સેનાપતિ : મહારાજા, હજુ તરતમાં જ વિજય સાંપડી જાય એવું તો મને લાગતું નથી. આપણે હજુ યુદ્ધનો છેલ્લો તબક્કો જોવો બાકી છે. છેલ્લા બે દિવસોથી આપણા સૈનિકો કલિંગની રાજધાની સર કરવા માટે જોરદાર યુદ્ધ ખેલી રહ્યા છે અને કલિંગના લોકો પોતાના નગરને રક્ષવા માટે એટલો જ જોરદાર મુકાબલો કરી રહ્યા છે.

અશોક : સેનાપતિ! શું તમે એમ ધારો છો કે, કલિંગના લોકો આપણો સામનો કરવા શક્તિશાળી છે? ગમે તેમ તોય ઠેઠ ચંદ્રગુપ્તના જમાનાથી આપણા સૈનિકો ગ્રીસનાં સંહારક યુદ્ધશસ્ત્રાસ્ત્રો વાપરતાં શીખી ચૂક્યા છે. તમે તો જાણો જ છો કે, મારા પિતામહ સાથે સંધિકરાર કરવા જ્યારે સેલ્યુક્સ મજબૂર બન્યો હતો, ત્યારે તેની પાસેથી આપણે એ લઈ લીધાં હતાં.

સેનાપતિ : એ તો સાચું છે. પણ મને લાગે છે કે, આ યુદ્ધનો અંત લોહી રેડ્યા વગરનો અને સરળ તો નથી જ.

અશોક : સેનાપતિ! શત્રુઓના લોહીથી ભલે આ ખેતરો ઊભરાઈ જાય. તેથી શું? આ અશોક માટે એની કશી વિસાત નથી. આ અશોકે પાટલીપુત્રના કારાગારની કાળકોટડીમાં પોતાના સગાં ભાઈબહેનોને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં અને કારાગારની દીવાલોને ભેદીને તેમના સહનનો એક શબ્દ સરખોય બહાર ક્યાંય સંભળાવા પામ્યો ન હતો. બધું જ સીધુંસરળ અને શાંત જ રહ્યું હતું.

મંત્રી : આપણા મહારાજાનો અમલ તો એઓશ્રીના પિતામહના અમલ કરતાં પણ વધારે શાણપણવાળો છે. ચંદ્રગુપ્તે પોતાનાં સગાંસંબંધીઓને મારી નાખ્યાં હતાં પણ તેમની એ યોજના બહાર પડી ગઈ હતી. પણ સેનાપતિજી, જુઓ તો ખરા, આપણા મહારાજાની રીતો કેવી અડચણ વગરની છે?

સેનાપતિ : એ બધુંય સાચું, પણ મહારાજ! શાહી કેદખાનામાંના એકાન્ત સહન કરતાં ખુલ્લા સમરાંગણની મરણચીસોના અવાજો વધારે બળવાન હોય છે.

અશોક : તમે શું કહેવા માગો છો, સેનાપતિ!

સેનાપતિ : મહારાજા, છેલ્લા પાંચ પાંચ દિવસથી કલિંગનાં ખેતરોમાં મરી રહેલા સૈનિકોના ક્રંદનો આકાશને આંબી રહ્યાં છે. સમરાંગણમાં અત્યાર સુધીમાં દસ લાખ અને પચાસ હજાર કલિંગી સૈનિકો હોમાઈ ચૂક્યા છે અને અત્યારે માનવમુડદાંની ઉજાણી માણવા ગીધડાંનાં ટોળેટોળાં કલિંગના આકાશને છાઈ વળ્યાં છે, અને હજુ તો એક જ અઠવાડિયાં પહેલાં જે ખેતરો અંકુરિત અને લીલાંછમ હતાં, ત્યાં આજે કેવળ બળેલાં ઠૂંઠાં જ ઊભેલાં નજરે પડે છે.

અશોક : તો પછી એ મુડદાંને સૈનિકેને છાજે એવી રીતે શા માટે દાટી દેવામાં આવતાં નથી?

સેનાપતિ : મહારાજા, તો તો આપણે આખીય કલિંગભૂમીને જ ખોદવી પડે. આ અગણિત મૃત શરીરોને દાટવાનું કે બાળવાનું અસંભવ છે. એમાંનાં ઘણાંખરાં તો કાં તો અડધાં બળેલાં છે, અથવા તો વિકલાંગ થઈ ગયેલાં છે. કેટલાક જે હજુ તે સ્થળે જીવી રહ્યાં છે, તેઓ ભૂખ, તરસથી તરફડીને મરી રહ્યાં છે.

અશોક : તો પછી કલિંગના નાગરિકોને પાછા ફરીને એ ઘાયલોની સારવાર કરવાનું શા માટે ન કહેવડાવ્યું?

સેનાપતિ : કલિંગમાં હવે કોઈ નાગરિક જ રહ્યો નથી.

અશોક : કેમ? બધાં ક્યાં ગયા?

સેનાપતિ : તેઓ કાં તો નાસી છૂટ્યા છે અથવા તો મરી પરવાર્યા છે. હજુયે કેટલાંક વધુ અઠવાડિયાં સુધી રાત અને દિવસ આપણે એ મરતા સૈનિકોની અસહ્ય અને ભયંકર ચીસો સાંભળવી પડશે. એ કપાયેલાં અંગોવાળાં મડદાંને દાટવા માટે કે એમના મરણ સમયે પાણીનું એક ટીપુંય એમના મોઢામાં કોઈ આપવા માટે ત્યાં કોઈ જ નથી.

અશોક : સેનાપતિ, તમે શું એમ કહેવા માગો છો કે, આ ઐતિહાસિક યુદ્ધ પછી આપણે છેવટે ફક્ત એક વિશાળ સ્મશાનભૂમિ ઉપર જ વિજય હાંસલ કર્યો છે?

સેનાપતિ : મહારાજા! મને તો લાગે છે કે, આપણે એક નરક જ હાંસલ કર્યું છે.

અશોક : (પ્રેક્ષકો તરફ ફરીને) મેં તો સ્વપ્નામાં ઝંખી હતી એક સૌંદર્યભૂમિ, એક કલાભૂમિ, એક ચિત્રભૂમિ! (એકાએક સેનાપતિ તરફ ફરીને સખ્ત સ્વરે) સેનાપતિ, (ક્રોધથી) હું પોતે જ સમરભૂમિ ઉપર જઈને એ બધું જોઈશ જ. (મંત્રી તરફ પોતાની આંગળી ચીંધીને) વિજય મહોત્સવની બધી તૈયારીઓ કરાવો. સંગીત અને શિકાર! કલિંગ તો શિકાર માટેનું અનોખું અને અચ્છું સ્થળ છે તો!

મંત્રી : મહારાજા, વિજય મહોત્સવની બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે. અમે તો આપના છેવટના આદેશની જ રાહ જોઈ રહ્યા છીએ.

અશોક : ઘણું સરસ. સેનાપતિ, અંતિમ યુદ્ધના છેલ્લા તબક્કાનું સુકાન હું પોતે જ સંભાળીશ અને જોઈશ કે, આ કલિંગનું યુદ્ધ આવતા યુગોમાં મળનારા વિજયોમાં સૌથી મોટા વિજય તરીકે ઇતિહાસમાં આલેખાશે.

(અશોક અને સેનાપતિનું પ્રસ્થાન)

બીજો સૈનિક : મને લાગે છે કે આપણા સેનાપતિએ જે કહ્યું, એનો કંઈક અર્થ તો છે. આજે સવારે જ આપણી સેનાએ જે કૂચ કરી હતી, એનો વિચાર કરતાં તો હું પણ કંપી ઊઠું છું.

પહેલો સૈનિક : હેં? તમે પણ શું આપણા સેનાપતિની વાતને માનો છો? હવે વિજય તો હાથવેંતમાં જ છે. મહારાજા અશોકે તો કહી મૂક્યું છે કે, રસ્તામાં આપણા શત્રુઓમાંનો કોઈ પણ મળે તો એને મારી જ નાખજો.

બીજો સૈનિક : તમે શું ધારો છો? રસ્તામાં મળતા ગમે તેને બસ, મારી જ નાખવો? આ તો ખરેખર કંઈ યુદ્ધની આચારસંહિતા ન કહેવાય.

મંત્રી : તારી વાત તો સાવ સાચી છે, મારા પ્રિય સૈનિક! પણ આચારસંહિતા તો કેવળ પોથીઓમાં પુરાયેલી હોય છે. યુદ્ધની જ્વાળાઓ તો માનવહૈયામાં પાંગરેલી સંવેદનશીલતાના એકેએક તણખલાને એના મૂળ સહિત બાળીને ભસ્મ કરી નાખે છે.

બીજો સૈનિક : પણ આ નિર્દોષ-નિર્દંશ બાળકો, આ નિ:સહાય માતાઓ અને પરાજિત સૈનિકોની આ સામૂહિક કત્લેઆમ, આપણને એક ઘોર અને ઘાતક વિજય કરતાં વધુ શું અપાવી શકશે? આ મરી રહેલા લાખોની ચીસો આપણા વિજયોત્સવના આનંદને બગાડી નહિ મૂકે શું?

મંત્રી : ના, રે ના, પ્રિય સૈનિકો! તરસથી તરફડતા આ લાખો લોકોનાં કલેજાં ચીરતાં ક્રંદનો તો એ વિજયરાત્રિની આપણા ઉજાણીનું સંગીત જ બની રહેશે. (બીજા સૈનિક તરફ ફરીને) આવા બાયલા હૈયે તું ભલા યુદ્ધમાં આવ્યો જ શા માટે? સંવેદનશીલતા કે અંતરાત્મા તો અશક્ત હૃદયોની કાયમી નિર્બળતા હોય છે અને એને તમે કરુણાનું રૂડું નામ આપો છો. દયા, મૃદુતા, સહાનુભૂતિ, પ્રેમ…. હા, હા, હા, (આવેશથી ઊછળીને) અમે એ જોવા માગીએ છીએ કે ઇતિહાસમાં મહારાજા અશોક એક અત્યંત ભયાનક અને ક્રૂર યોદ્ધા તરીકેની નામના પામે. અત્યાર સુધી જેટલા વિજયી થયા છે અને ભવિષ્યમાં જે વિજય થશે તે બધા ટચુકડા વિજયો તો આ કલિંગ વિજય આગળ શરમથી માથું નમાવશે. આ ભયંકર કલિંગ યુદ્ધ આગળ તો બહાદુર એલેક્ઝાંડરે વેરેલો યુદ્ધ વિનાશ પણ કશી વિસાતમાં નથી. હવે તો વિજય ઝળુંબી રહ્યો છે. શત્રુઓના લોહીઝરણામાં આપણા હાથ ઝબોળવા આપણે ઝંખીએ છીએ. હા, અરે સૈનિક, જા અને જો તો ખરો કે, મહારાજા પાછા આવે છે ને!

(પહેલો સૈનિક રંગભૂમિ છોડી જાય છે)

બીજો સૈનિક : પણ અમાત્યજી, મેં તો મહારાજા અશોકને એમનાં પોતાનાં સગાંસંબંધીઓ કરતાં પણ વધારે નજીકથી જોયા જાણ્યા છે. હું છેલ્લાં વર્ષથી તેમના શિબિરોની રખેવાળી કરી રહ્યો છું. મને લાગે છે કે, તેમને આ પ્રકારનો ભયંકર આનંદ માણવાનું ગમશે નહિ, તેઓ આ ક્રૂર આનંદ નહિ લઈ શકે.

મંત્રી : અરે, એ એમને ગમશે. એટલું જ નહિ પરંતુ, એ પોતે આ આનંદમાં ભાગ પણ લેશે. આજે ને બસ આજે જ આ મરી રહેલાં માનવીઓનાં આંસુઓ ઉપર અને કલિંગનાં આ લોહિયાળ ખેતરો ઉપર મહાન મગધ સામ્રાજ્યનો વિજયસ્તંભ રોપવાના છીએ. આ જ તો મહારાજાનું સ્વપ્ન હતું અને અમારું પણ એ સ્વપ્ન હતું. આજે એ સ્વપ્ન સફળ થાય છે. ચાલો, હવે વિજય મહોત્સવની તૈયારીઓમાં લાગી જઈએ. અરે. એય, તમે ક્યાં છો? ઓ સંગીતકારો, ઓ મૃદંગવાદકો, ઓ નર્તકો, ઓ ગાયકો, ચાલો, ચાલો, તૈયાર થઈ જાઓ; મહાવિજયની સંધ્યા આવી રહી છે. મહારાજા અને તેમના સેનાપતિનું વિજયઘોષોથી સામૈયું કરવાનું છે.

(પરસેવે રેબઝેબ થયેલો પહેલો સૈનિક હાંફતો હાંફતો પ્રવેશે છે)

પહેલો સૈનિક : અમાત્યજી, વિજય પ્રાપ્ત થઈ ચૂક્યો! (દૂર જોતાં) મહારાજા પોતે જ તેમના સેનાપતિ સાથે શિબિર તરફ પુન: પધારી રહ્યા છે. પણ અમાત્યજી, આપણા શત્રુઓના હજારો સૈનિકો મરતાં મરતાં છેલ્લે પાણીનાં થોડાં ટીપાં માટે તરફડીને બૂમો પાડી રહ્યા છે અને એ બધા વળી આપણા પડાવની પાસે જ ધલવલી રહ્યા છે.

મંત્રી : મહારાજાને તેમના પ્રત્યે કેવી લાગણી થાય છે?

પહેલો સૈનિક : મહારાજને તો એ જોઈને ખૂબ ઊંડો આઘાત થયો છે; તેઓ અસ્વસ્થ બની ગયા છે, તેમને ધ્રૂજ વછૂટી રહી છે, તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા છે, એમનામાં કોઈક અજાણ્યો ભય પેસી ગયો છે. આપણા સેનાપતિ પોતાના બધા પ્રયત્નોથી તેમને સ્વસ્થ કરવા મથામણ કરી રહ્યા છે, પણ અમાત્યજી! અરે, એ તો કેટલા બધા ઉદ્વિગ્ન, કેટલા બધા અસ્વસ્થ છે! તેમની આંખોમાં આંસુ ઉભરાવાની અણી ઉપર છે. હજુય રણભૂમિ છોડવી તેમને ગમતી નથી. તેઓ તો બસ મડદાંના ઢગલા વચ્ચે ઊભા રહી ગયા છે. એટલું જ નહિ પરંતુ, પાણી ભરેલો ઘડો ઉપાડીને મરતા સૈનિકો પાસે જઈ પણ રહ્યા છે! અમાત્યજી! ચાલો ને આપણે રણક્ષેત્રમાં દોડી જઈએ અને તેમને અહીં તંબુમાં આવીને આરામ કરવા માટે આજીજી કરીએ.

બીજો સૈનિક : સાંભળો, મહારાજા અહીં જ પધારી રહ્યા છે. જુઓ, એ જાણે કોઈ જુદા જ માનવી હોય એવા દેખાય છે. જુઓ, જુઓ, એ થાકેલા અને કરમાયેલા જણાય છે.

મંત્રી : (ખૂબ ખૂબ ધીમેથી) અરે… એઓશ્રી તો… સાવ ફિક્કા પડી ગયેલા જણાય છે. એમનો ચહેરો જ બદલાઈ ગયો છે! (રંગમંચની પાર્શ્વભૂમિકામાં આનંદનું સંગીત ધીરું ધીરું ચાલુ રહે છે) (અશોક સેનાપતિ અને સેવકો સાથે પ્રવેશે છે. આનંદસંગીત ધીરે ધીરે વધુ સંભળાતું જાય છે).

અશોક : અરે અમાત્યજી, સેનાપતિજી અને સૈનિકો! બંધ કરો આ સંગીત! (કોઈક એકદમ બહાર દોડી જાય છે અને સંગીત બંધ થાય છે). ના, હવે વધારે સંગીત ન હોય. આજે તો દિવસ છે શોકનો! (બધા એકબીજાની અને મહારાજાની સામે જુએ છે). હા, આજનો દિવસ તો છે મૌનનો! આજે જ્યારે લાખ્ખો ખીલતાં જીવનોને કાયમી વિનાશ માટે મોતની કાળી ખીણમાં ધકેલાઈ જવા માટે મજબૂર બનાવી દેવામાં આવ્યાં છે, ત્યારે વળી સંગીત શાનું? શું આ જ મારી એ અપેક્ષિત ભૂમિ છે કે જેને મૌર્યોના મહેલમાં બેઠો બેઠો હું મારા શૈશવકાળથી ઝંખ્યા કરતો હતો? કલિંગ હવે જરાય કમનીય રાજ્યભૂમિ રહ્યું નથી. હવે તો એ સાવ મરેલાં માનવીઓને પણ ડરાવી દેતી, એમને પણ પાછા ભગાડતી એક વિશાળ સ્મશાનભૂમિ બની ગઈ છે. બધું યુદ્ધ હવે ખતમ થયું છે અને એની સાથોસાથ હવે બધા તલવારોના ચળકાટો અને ભાલાંબરચ્છીની ટકરામણો પણ ખતમ થઈ ગઈ છે. (થોડી શાંતિ) અને હા, એ બધાં સાથે આપણે જેને જીવન કહીએ છીએ તે પણ ખતમ થઈ ગયું છે. હવે કલિંગ તો છે માત્ર ભેંકાર શાંતિ અને મોતનું ત્રાસદાયી રાજ્ય! હવે અહીં નથી ઘોડેસવારોની કુચો કે નથી બાળકોના કલ્લોલ! અરે, ક્યાંય કોઈ હેતાળ માતાનો કે પત્નીનો રુદનનો એકાદ શબ્દ સરખોય સંભળાતો નથી! (પાર્શ્વભૂમિમાંથી એકાએક આવતા અવાજને સાંભળીને) શેનો છે આ લાંબી શોકચીસ સમો અવાજ?

મંત્રી : મહારાજા, એ તો મરી રહેલા સૈનિકોની મરણસીચો અને ગીધડાંની ચિચિયારીઓ છે.

સેનાપતિ : મહારાજા, આપ ખૂબ થાકીને લોથપોથ થઈ ગયા છો. આજે ઠેઠ વહેલી સવારથી આખા યુદ્ધનું સુકાન આપે જ સંભાળ્યું છે. હવે અત્યારે તો આપશ્રીએ આરામ લેવો જ જોઈએ, અને સ્વસ્થ થવું જોઈએ.

અશોક : અરે, જેણે આ શાંત અને સાલસ એવા લાખો નિરપરાધ કલિંગવાસીઓનાં શાંતિ અને આરામ હણી નાખ્યાં, એવા માણસને તે વળી આરામ અને શાંતિ ક્યાંથી મળી શકવાનાં હતાં? જ્યાં સુધી એમના સખ્ત પરિશ્રમથી તેમનાં ખેતરોમાં મબલખ ઊતરતો રહેતો, ત્યાં સુધી આ રમણીય હરિયાળી ફળદ્રુપ ભૂમિમાં તેઓ પોતાનાં ઢોરો ચરાવતા રહેતા હતાં અને આજે? અરે, આ તો હતો ચિત્રકારોનો, શિલ્પીઓનો, કવિઓનો વંશ! અને આ હત્યારા અશોકે તેમના કોઈ જ વાંકગુના વગર તે બધાને એકાએક રહેંસી નાખ્યા! સેનાપતિ, શું આ અશોક હવે વધારે આરામ અને શાંતિ ભોગવી શકે ખરો?

સેનાપતિ : મહારાજા, આપે થોડોક તો આરામ કરવો જ જોઈએ અને થોડું મધુર સંગીત સાંભળવું જોઈએ.

અશોક : સંગીત? સાંભળો, સેનાપતિ! આ અંધારછાયાં ખેતરમાંથી હજુયે મને બોલાવી રહેલું ક્રંદનગીત સાંભળો. સંભળાય છે ને? (પાર્શ્વભૂમિકામાં ગીધોની ચિચિયારીઓ અને મરી રહેલા સૈનિકોની ચીસો સંભળાય છે). સેનાપતિ, જ્યારે મેં મારાં સગા ભાઈઓ અને બહેનોને મારી નાખ્યાં હતાં, ત્યારે તો કદીય તેમના રુદનનો અવાજ સાંભળ્યો ન હતો. તો આજે આ મને સંભળાતો અવાજ શું તેમનો જ હશે?

મંત્રી : પણ મહારાજ, આ તો ઈતિહાસને પાને કદીય ન લખાયેલો હોય એવો સહુથી મોટો વિજય આપણને સાંપડ્યો છે.

અશોક : હા, એ વિજય છે, પણ જીવનનો વિજય નથી, સુખનો વિજય નથી, આ તો છે મોતનો વિજય! જો કલિંગનું યુદ્ધ, વિજય લેખાય તો મહારાજ અશોકને ઈતિહાસ ક્રૂર અશોક તરીકે નોંધશે. આપણે શું આવો વિજય ઝંખતા હતા? ના, ના, આ વિજય નથી; પરાજય છે. આ તો શાન્તિનો પરાજય છે; આ તો આરામ અને જીવનનો પરાજય છે; આ તો માનવતાનો પરાજય છે અને કેટલીય સદીઓ સુધી અશોકના કપાળમાં ચોટેલો આ શાપ એણે વેંઢાર્યા કરવો પડશે. આ જબરદસ્ત હત્યાકાંડ આખા વિશ્વમાં હવે થનારા હત્યાકાંડ ઉપર બહુ બહુ તો ફક્ત લગામ મૂકશે. વહાલા સેનાપતિ! ઈતિહાસ પોતાની પુનરાવૃત્તિ કર્યા કરે છે. ઓહ! અશોકને એક હત્યારા તરીકે યાદ કરવામાં આવે, એવું વિચારવું પણ કેટલું બધું ભયાનક છે. કેટલું બધું ઉદ્વેગકારી છે એ? અને એની મહત્ત્વાકાંક્ષાએ એને સંહાર કરવા પ્રેર્યો! (થોડાં ડગલાં આગળ વધે છે.) કોણ છે એને નવો પ્રકાશ આપનાર? કોણ છે એને નવા માર્ગ પર દોરી જનાર? એને શાન્તિને માર્ગે દોરી જનાર છે કોઈ પ્રેમળ જ્યોતિ? આ લોહીતરસ્યા અશોકના હાથમાંથી બધું લોહી ધોઈ નાખે એવો કોઈ મહાન યજ્ઞ શું કોઈ જ નહિ હોય? સંહાર કરાયેલાં લાખ્ખોનાં ક્રંદનોને શાંત કરે એવો કોઈ જ પ્રેમળ અવાજ નહિ જ હોય? લોહિયાળ લડાઈની દૃશ્યોને હું ભૂલી જઈ શકું, એવા કોઈ શાન્તિના શબ્દો નથી શું? ઓ મારા ભગવાન, હે પ્રભો! (ડૂસકાં ભરતે ચહેરે ઘૂંટણિયે પડે છે).

(પાર્શ્વભૂમિમાં એકાકી સ્વરમાં મીઠું કોમલ ઉચ્ચારણ સંભળાય છે).

बुद्धं शरणं गच्छामि
संघं शरणं गच्छामि
धर्मं शरणं गच्छामि

(બધા સ્તબ્ધ થઈને સાંભળે છે સંગીત પાસે ને પાસે આવતું જાય છે. પ્રકાશ ઝાંખો થાય છે).

ઉપગુપ્ત : (પડદા પાછળ) છે કોઈ તરસથી તરફડી મરતો અહીં? હું એને માટે ભગવાન બુદ્ધનું પાવનકારી જળ લઈ આવ્યો છું. છે કે કોઈ એવો? મારા પ્રિય બંધુ, કોઈ પણ જીવંત વ્યક્તિને મારો ભય રાખવાનું કારણ નથી. હું ભગવાન બુદ્ધનો એક સેવક છું. હું તમને અમર જીવનનું એક બિન્દુ પાવા માટે આવ્યો છું.

અશોક : (કોમળ સ્વરે) આ આશ્ચર્યકારક અવાજ કોનો છે? આ અમર જીવનનું દાન આપનાર કોણ છે?

(અમાત્ય બહાર ધસી જાય છે અને જોઈને જલદી પાછા આવે છે).

મંત્રી : એ તો છે કોઈક લાંબાં પીળાં વસ્ત્રો પહેરેલો, માથું મૂંડાવેલો અસ્તવ્યસ્ત અને અનોખો માણસ! ઘણું કરીને તો એ કોઈ સાધુ હોવો જોઈએ. એ છે તો જાણે નિર્ભય! વિધ્વસ્ત રણભૂમિમાં મરી રહેલા સૈનિકોનાં મોંમાં એ એકલો-અટૂલો શાંતિ અને સ્વસ્થતાથી પાણી ટોઈ રહ્યો છે.

(પાર્શ્વભૂમિમાં ફરી વખત પેલું આગલું ઉચ્ચારણ સંભળાય છે).

અશોક : (અપૂર્વ આશાથી ઊભો થઈ જાય છે). મોતની મરણભૂમિમાં આ જીવનનો અવાજ કેટલો મધુર છે! અમે તો એક પખવાડિયામાં લાખ્ખો લોકોનાં જીવન હરી લીધાં છે અને આ અવાજ એમને અમર જીવનની પાછી ભેટ આપવા આવ્યો છે! (સેનાપતિ તરફ ફરીને) સેનાપતિ! એ સાધુને બોલાવો. (પ્રેક્ષકો તરફ ફરીને) એ કેવી રીતે મરેલાને જીવન બક્ષે છે, એ મારે જોવું છે.

(સેનાપતિ બંને સૈનિકો સાથે બહાર દોડી જાય છે. થોડી ક્ષણો પછી સેનાપતિ અને બંને સૈનિકોને અનુસરતા સાધુ પ્રવેશે છે).

ઉપગુપ્ત : હું છું ભગવાન બુદ્ધનો એક નમ્ર સેવક – ઉપગુપ્ત. આ વિશ્વમાં જ્યાં દુ:ખ છે, ત્યાં હું ભગવાનની કરુણાની અમીવર્ષા લઈ આવું છું. આશા-તૃષ્ણાની આગ, કંઈ વધારે આશા-તૃષ્ણાઓ સેવતા રહેવાથી કદીય ઓલવાઈ જતી નથી. પ્રેમ અને શીતપાવન વર્ષાથી જ એ શમી શકે છે.

અશોક : આ મરતા માનવીઓની વચ્ચે આવવાનું તમને કોણે કહ્યું?

ઉપગુપ્ત : ભગવાન બુદ્ધે. જેવી રીતે તમારી વિજયની મહત્ત્વાકાંક્ષા, તમને ઠેઠ પાટલીપુત્રથી અહીં લાખ્ખો નિર્દોષ માનવીઓની હત્યા કરવા ખેંચી લાવી, તેવી રીતે સકલકરુણાનિધાન ભગવાન બુદ્ધે આ દુર્ભાગી લોકો ઉપર પ્રેમ અને કરુણાની અમીવૃષ્ટિ લાવવા મને મોકલ્યો છે.

અશોક : પણ બુદ્ધ તો સદીઓ પહેલાં અવસાન પામ્યા છે, એ શું ખરું નથી?

ઉપગુપ્ત : હા, પણ બુદ્ધ એ કોઈ શરીર નથી. એ તો અનંત પ્રેમ અને અનંત કરુણાનું ચૈતન્ય. અને એટલા માટે એ તો લાખ્ખો માનવોના મનમાં જીવી રહ્યા છે. પ્રેમમાં તેઓ અમર જ છે.

અશોક : મરી રહેલા માનવોમાં તમે અમર પ્રાણ – અમર જીવન કેવી રીતે લાવી શકો છો?

ઉપગુપ્ત : તરસે તરફડી મરનારાઓને હું મારા પાણીના ઘડામાંથી પાણી પાઉં છું અને જેઓ શરીરમાં તો જીવે છે, પણ આત્મામાં જીવનનાં હજારો દુ:ખોથી પિડાઈ રહ્યા છે, તેવા વધારે દીનહીનો માટે હું નિર્વાણની અમૃતવર્ષા લાવું છું.

અશોક : એ નિર્વાણ શું છે?

ઉપગુપ્ત : નિર્વાણ એટલે બધી આશાતૃષ્ણાઓનો અંત. પ્રિય સમ્રાટ, તમારી તૃષ્ણાએ તમને આ લોહીતરબોળ વિજય આપ્યો અને તમારા એ મોટા વિજયે લાખોના પ્રાણ હર્યા. શું તમે એમ માનો છો કે આ વિજય તમને શાંતિ આપશે? હું તો તમને તૃષ્ણાના રોગી તરીકે ભાખું છું. હું તો જોઉં છું કે, આ તમારા સેનાપતિ અને સૈનિકો પણ તૃષ્ણાના, યુદ્ધના અને ખૂનામરકીના રોગીઓ જ છે.

અશોક : કહો હે મહાત્મા, તો શાંતિનો ક્યો માર્ગ છે?

(સેનાપતિ અને સૈનિકો મહારાજાની પાછળ અદબભેર ઊભા રહે છે)

ઉપગુપ્ત : સ્વાર્થી મહત્ત્વાકાંક્ષાઓનો ત્યાગ જ શાંતિનો સાચો માર્ગ છે. હિંસાનો નહિ પણ હેતનો માર્ગ જ શાંતિનો સાચો રાહ છે. વિજ્યનો માર્ગ યુદ્ધ દ્વારા નહિ પણ ધર્મ દ્વારા – સત્યમય પવિત્ર જીવન દ્વારા – જ સાંપડે છે, વિજયનો માર્ગ મૃત્યુ દ્વારા નહિ પણ કરુણા, પ્રેમ અને આત્મબલિદાન દ્વારા જ મેળવી શકાય છે. તમારા સેનાપતિને, તમારા અમાત્યને અને તમારા સૈનિકોને કહો કે મોતને આરે ઊભેલાઓ પાસે દોડી જાય અને તેમના જીવનની અંતિમ ક્ષણોમાં પણ તેઓ તેમના ઉપર પ્રેમ પાથરે. આ ‘સમ્યક્ કર્મ’ તેમને માટે શાંતિના દરવાજા ખોલી દેશે.

અશોક : (સેનાપતિ, મંત્રી અને સૈનિકોને) સાંભળો છોને આ શાંતિની વાણી? અત્યારે જ એ મરણશરણ થનારાઓ પાસે પહોંચી જાઓ. (બધા જાય છે) હે પુણ્યપુરુષ! આપે સંભળાવેલી આ અમૃતવાણીનું ઋણ હું કેવી રીતે અદા કરીશ?

ઉપગુપ્ત : પણ પ્રિય સમ્રાટ, હું તો મરતાંને પાણી પાવા આવ્યો છું.

અશોક : ખરેખર તો તેઓ નથી મરી રહ્યા, મરી તો રહ્યો છે બલિષ્ઠ વિજેતા અશોક, વિજયની વચ્ચે ઘવાયેલા અંતરાત્માવાળો એ જ મરી રહ્યો છે. મને – આ અભિશાપિત વિજેતાને ઉપદેશ આપો, જીવનનો નવો માર્ગ ચીંધો. (ઘૂંટણીયે પડે છે).

ઉપગુપ્ત : (આશીર્વાદ આપવાની મુદ્રામાં) ભગવાન બુદ્ધનાં પાવન ચરણોનો આશ્રય લો. બુદ્ધ તમને શાંતિમાર્ગની યાત્રા કરાવશે, તમને ધર્મવિજય અને શાંતિ સાંપડશે. પ્રિય સમ્રાટ, ઘાતક યુદ્ધોના વિજયો કરતાં એ વધારે ઝળકશે, વધારે યશોદાયી નીવડશે. ભગવાન બુદ્ધના નામે તમારો નવો જન્મ -થાઓ!

बुद्धं शरणं गच्छामि
संघं शरणं गच्छामि
धर्मं शरणं गच्छामि

(પડદો પડે છે)

અનુવાદક : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 387

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.