વિચારોની શક્તિ
અચેતન મનમાં રહેલા વિચારો વિશે અનેક ઘટનાઓ છે. જેનું વિવરણ અહીં આપવું સંભવ નથી. પરંતુ તમને એવો વિશ્વાસ તો થઈ ગયો હશે કે આપણા મનમાં પેલા ચિત્રગુપ્તના બધા ગુણો છે. સંક્ષેપમાં કહીએ તો મનુષ્ય માનસિક ચિત્રો દ્વારા જ વિચારે છે. આપણા અચેતન મનના ઊંડાણમાં દરેક અનુભવ તથા ભાવનું માનસિક ચિત્ર સંચિત થઈ જાય છે. મનુષ્યનું વ્યક્તિત્વ એના પાછલા અનુભવોની વિભિન્ન બૌદ્ધિક તથા ભાવાનાત્મક પ્રતિક્રિયાઓનું સંકલન કે એનો યોગ છે. કોઈ વ્યક્તિ એવી છે તથા તે કયા ભાવોનું પ્રતિનિધિત્વ કરે છે એ તે પોતાને, જીવનને તથા પોતાની આસપાસના લોકોને કઈ દૃષ્ટિએ જુએ છે એ વાત પર નિર્ભર રહે છે.
આ વાત સ્પષ્ટ છે કે વિચાર તથા ભાવ મનુષ્યના જીવનને પ્રભાવિત કરનારાં સર્વાધિક મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે. પ્રગતિના પથ પર ચાલવાની ઇચ્છા રાખનારા વ્યક્તિના વિચારોની આ મહાશક્તિને સમજી લેવી જોઈએ. ભય તથા શંકાની સાથે કરેલાં કર્મનું પ્રાય: ઊલટું ફળ મળે છે; આત્મવિશ્વાસ તથા આશા સહિત કરેલાં કાર્ય શુભ ફળ આપે છે. માનસિક શક્તિના વિશે એક પ્રમાણિત નિયમ આવો છે : ‘જે જેવો છે, તે એવાને જ આકર્ષે છે, એવું જ એને મળે છે, એ એવો જ બની જાય છે.’ અર્થાત્ સદ્વિચાર આપણને સારા માનવો તથા જીવનની સારી સારી બાબતો તરફ લઈ જાય છે અને કુવિચાર દુર્જનો તથા ખરાબ બાબતો તરફ દોરી જાય છે.
આધુનિક અનુસંધાન દ્વારા સમર્થિત થનાર આ સત્યને લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધે બતાવ્યું હતું: ‘આજે આપણે જે કંઈ છીએ તે આપણા વિચારોના ફળ સ્વરૂપે છીએ. આપણી વર્તમાન અવસ્થાનો આધાર આપણા વિચાર છે. જેમનાં વચન તથા કર્મ સદ્વિચારોથી પ્રેરિત હોય છે, સુખ એમની પાછળ પડછાયાની જેમ ચાલે છે. જો કોઈ માણસ કુવિચારોને આશ્રય આપીને એ પ્રમાણે કર્મો કરે તો રથના પૈડાં જેમ ઘોડાની પાછળ પાછળ ચાલે તેમ દુ:ખ એની પાછળ ચાલે છે.’ ભગવાન બુદ્ધની આ મહાન ઉક્તિ એક મહાન સત્યને વ્યક્ત કરીને વિચારોની મહાન શક્તિનું પણ દર્શન કરાવે છે.
અત્યાર સુધી ભલે આપણે અસંખ્ય દુર્બળ તથા અયોગ્ય વિચારોમાં ડૂબેલા હોઈએ પરંતુ જો આપણે પ્રગતિના પથ પર ચાલવું હોય તો આપણે તત્કાળ ક્રમશ: સદ્વિચારોને અપનાવીને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવવાના કાર્યમાં લાગી જવું જોઈએ. જો આપણું શરીર મેલું હોય તો રાડો પાડવાથી નહિ પરંતુ સ્નાન કરવાથી જ એ સ્વચ્છ થશે. આપણે સદ્વિચારો ગ્રહણ કરીને, એનું મનનચિંતન પણ કરતાં રહેવું પડશે. એને લીધે દુર્વિચારો પણ ધીમે ધીમે ત્યજતા જઈશું. આ દિશામાં એવા મહાપુરુષોના જીવનસંદેશ પર ચિંતનમનન કરવું ઘણું લાભકારી હશે કે જેઓ બધા અહંકારોથી મુક્ત હતા તથા સત્યના સાધક-શોધક હતા.
વિચારોના વાસ્તવિક સ્વરૂપના વિશે કેટલીક વાતો આવી છે: ‘જો તમારા મનમાં એક વાર કોઈ વિચાર જાગે તો એની પુન: જાગવાની પણ પૂરી સંભાવના છે અને જો કોઈ એક વિચાર ૫-૧૦ કે ૨૦ વાર પુનરાવર્તન પામે તો તે મનનું એક અંગ બની જાય છે. પછી ભલે આપણે એને પ્રયત્નપૂર્વક યાદ ન રાખીએ તો પણ એ વિચાર મનના ઊંડાણમાં રહી જાય છે. મનમાં નિહિત પ્રબળ વિચાર માત્ર તમારા નહિ પરંતુ તમારી સમીપના લોકો પર પણ પ્રભાવ પાડે છે. વિચાર એટલા બધા શક્તિશાળી હોય છે કે જો તમે કોઈનું બૂરું ઇચ્છો તો તે પણ અજાણતામાં તમારું બૂરું વિચારી શકે છે; જો તમે બીજાનું ભલું વિચારો તો તેઓ પણ તમારું ભલું વિચારશે.’
શ્રી અરવિંદ કહે છે : ‘ભાવ તથા વિચાર, તરંગો કે બીજા કોઈ અન્ય રૂપે કોઈ એમને ધારણ કરી શકે એવા મનની ખોજમાં વિચરતા રહે છે. મેં મનમાં બહારથી વિચારોને ઘુસવાની પહેલાં ક્યારેય સાંભળી ન હતી, પરંતુ મેં ક્યારેય એની સત્યતા કે સંભાવના વિશે સંશય-શંકા પણ કર્યાં ન હતાં અને મારા બેસતાં જ એવું થવા લાગ્યું. ક્ષણભરમાં જ મારું મન પર્વતશિખરના તરંગહીન વાયુ જેવું બની ગયું; ત્યારે મેં એક પછી એક વિચારોને બહારથી સાકાર રૂપે આવતા જોયા. એમના મસ્તિષ્કમાં પ્રવેશવાની પહેલાં જ મેં એ બધા વિચારોને ભગાડી મૂક્યા અને ત્રણ દિવસોમાં હું એમનાથી મુક્ત બની ગયો હતો.’
ઉત્સાહરુચિપૂર્વક બીજાના દોષ જોવાથી તમારું મન પણ દુર્વિચારોથી ભરાઈ જશે. તે બીજાના કચરા ભર્યા રહે એવી કચરાપેટી બની જશે. કહેવાય છે કે ઈશ્વરનું ધ્યાન કરવાથી એમની પ્રાપ્તિ થાય છે. બીજાના દોષો પર ધ્યાન દેવાથી આપણને આવા દુર્ગુણો મળે છે. શ્રીમા શારદાદેવીએ લોકોની આ પ્રવૃત્તિ જોઈને પોતાના અંતિમ ઉપદેશમાં કહ્યું છે : ‘જો તમે મનની શાંતિ ઇચ્છતા હો તો બેટા, બીજાના દોષ જોતા નહિ. દોષ જો જો પોતાના. આખી દુનિયાને પોતાની બનાવી લો. અહીં કોઈ પારકું નથી.’
ધીર સ્થીર ભાવે શું આવું વિચારવું આવશ્યક નથી કે આપણા મનમાં કેવા વિચારોને આવવા દેવા અને કેવા વિચારોને ન આવવા દેવા? રાતના સૂતા પહેલાં આપણા મનમાં કેવા વિચાર રહે છે એ વિશે આપણે વિશેષ રૂપે સતર્ક રહેવું પડશે. આપણું ચેતન-મન એ સમયે નિદ્રાળુ અવસ્થામાં હોય છે અને આપણા અચેતન-મનમાં સારા-નરસાનો વિવેક નથી હોતો. એમાં જે વિચાર આવે છે એની સાથે પોતાના તરફથી કંઈક જોડીને તે એ વિચારોને આવશ્યકતા પ્રમાણે ચેતન મનને આપી દે છે. કમ્પ્યુટરમાં ખોટા આકડા ભરવાની જેમ જો તમે પોતાના મનને ક્રોધ, ઘૃણા કે બીજા દુર્વિચારોથી ભરી દો તો ચોક્કસ તમારી ઊંઘ હરામ થઈ જવાની. ઊંઘ ઊડતાં એ દુષિત મન તમને એવા દુષ્કર્મોમાં પ્રવૃત્ત કરશે કે જે તમારા વ્યક્તિત્વને મલિન કરી દેશે. એટલા માટે સુપ્રસિદ્ધ લેખક વિક્ટર હ્યુગોએ કહ્યું છે: ‘સૂવા માટે સારી આશાઓ, પ્રેમ તથા ક્ષમાનો તકીયો બનાવો તો તમે સવારે ઘણા આનંદ અને ઘણી પ્રસન્નતા સાથે ઊઠી શકશો.’ આ વાત યાદ રહે કે તમારા મનમાં ચિત્રગુપ્ત બેઠા છે.
અભ્યાસનો ચમત્કાર
સેમ્યુઅલ સ્માઈલ્સ self-help (સ્વસહાય) નામના પોતાના પુસ્તકમાં રોબર્ટ પિલનું એક રોચક ઉદાહરણ આપે છે: ‘પિલના પિતા એને વ્યાખ્યાનકળામાં નિપુણ બનાવવા માગતા હતા. બાળક રોબર્ટ પિલને પ્રાય: મંચ પર બોલાવીને બોલવાનું કહેવામાં આવતું. અને એ પ્રમાણે એક દિવસ એમને કહેવાયું કે ગઈકાલે એણે ચર્ચમાં જે કંઈ સાંભળ્યું એ જ વર્ણવે. આરંભમાં કોઈ પ્રગતિ જોવા ન મળી પરંતુ ધીમે ધીમે રોબર્ટે ધ્યાન તથા એકાગ્રતાની અસાધારણ શક્તિ વિકસાવી. તે કોઈ પણ પ્રકારની નોંધની સહાયતા વિના લાંબા લાંબા વ્યાખ્યાનોનું યથાવત્ પુનરાવર્તન કરી શકતો. પછીથી જ્યારે તે સંસદમાં અનેક પ્રકારના ઉત્તર બરાબર સાચા ક્રમમાં આપતો ત્યારે લોકો તેની અસાધારણ સ્મરણશક્તિ પર મુગ્ધ બની જતા. મોટા ભાગના લોકોને એ વાતનું જ્ઞાન ન હતું કે તેણે એના પિતાના અનુરોધથી બાલ્યકાળથી જ ઘણા પ્રયાસપૂર્વક આ ક્ષમતાનો વિકાસ કર્યો હતો.
પઠનપાઠનની કલાનો વિકાસ થાય તે પહેલાં જ ભારતવાસીઓએ વેદ, ઉપનિષદ તથા હજારો કાવ્યોને કંઠસ્થ કરી લેવાની કળા વિકસિત કરી લીધી હતી. એના દ્વારા ભાષા તથા સાહિત્યના આ વિશાળ ભંડારને એમણે કોઈ પણ પ્રકારની ત્રુટિ વિના પછીની પેઢીઓ માટે સુરક્ષિત રાખ્યો. જો કે કંઠસ્થ કરવાનો આ અભ્યાસ થોડો થકવી દે તેવો જરૂર છે પણ નિયમિત અભ્યાસ દ્વારા આ વિલક્ષણ શક્તિની પ્રાપ્તિનું આ એક અકાટ્ય ઉદાહરણ છે.
નિયમિત પ્રયાસ તથા અભ્યાસથી જે ચમત્કારિક શક્તિઓ તથા ઉપલબ્ધિઓ આપણને સાંપડે છે એનું મૂર્ત ઉદાહરણ છે, સર્કસમાં તાલીમ પામેલા લોકોની અદ્ભુત તરકીબો. સર્કસ જોઈને કોનું મન ઉત્સાહ અને આનંદથી ભરાઈ નથી જતું? પરંતુ કેવળ ઇચ્છવાથી જ નવી આદત મળી જતી નથી. એને પોષિત કરવા તથા એને સુદૃઢ બનાવવા માટે અથક અને નિયમિત અભ્યાસ આવશ્યક છે.
Your Content Goes Here




