(સ્વામી જિતાત્માનંદની પ્રૉ. જ્હોન એ. વ્હીલ૨ સાથે મુલાકાત)

જ્હોન એ. વ્હીલર વિશ્વના ભૌતિકશાસ્ત્રીઓમાંના એક છે. ગયા જુલાઈ (ઈ.સ. ૧૯૯૯) મહિનામાં અમને તેમના તરફથી એક પત્ર મળ્યો. પત્ર ઉપનિષદોમાં સમાયેલા ઊંડા જ્ઞાન, જેણે નીલ્સ બોહેર (Niels Bohr) જેવા મહાન ભૌતિકશાસ્ત્રીઓને પ્રેરણા આપી હતી, અને તેમને બાહ્ય વિશ્વના વાસ્તવિક સ્વરૂપ અંગે એક તદન નવા જ દૃષ્ટિકોણથી વિચારતા કર્યા હતા- તે અંગેનો હતો. એ પત્રના અંતમાં પ્રો. જ્હોન એ. વ્હીલરે એવી આશા વ્યક્ત કરી હતી કે, ઉપનિષદોમાં સમાયેલાં ચિંતનો અને એ ચિંતનોનું આધુનિક વિજ્ઞાન-વિશ્વના સંદર્ભમાં વિશેષ સંશોધન આપણને જીવન વિષેના ‘મહાપ્રશ્ન’નો ઉત્તર મેળવવામાં ઉપયોગી થઈ પડશે.

આ સમગ્ર પત્ર નીચે પ્રમાણે છે :

પ્રિન્સ્ટન યુનિવર્સિટી

ભૌતિક શાસ્ત્ર વિભાગઃ
જોસેફ નરી પ્રયોગશાળા સંકુલ
જેડવીન હૉલ, PO.Box No, ૭૦૮
પ્રિન્સ્ટન, ન્યુ જર્સી ૦૮૫૪૪-૦૭૦૮
જૂન ૧૦, ૧૯૯૯

પ્રિય સ્વામી જિતાત્માનંદ
C/o. પ્રકાશક:એસ. રામક્રિષ્ણન્
કાર્યકારી મંત્રી, ભારતીય વિદ્યાભવન
કુલપતિ મુનશી માર્ગ
મુંબઈ – ૪૦૦ ૦૦૭. (ભારત)

પ્રિય સ્વામી જિતાત્માનંદ,

થોડા સમય પહેલાં આપે કૃપા કરીને આપનું આપનું ‘આધુનિક ભૌતિકશાસ્ત્ર અને વેદાંત’ નામનું નવું પુસ્તક મોકલ્યું, તે બદલ ખૂબ ખૂબ આભાર. મારા સમર્થ માર્ગદર્શક ગુરુ નીલ્સ બોહર ઉપનિષદોમાં ઊંડો રસ ધરાવતા હતા, તેમને, તેમના કહેવા મુજબ, ઉપનિષદોમાંના ઉત્તરો કરતાં પ્રશ્નોમાં વધારે રસ હતો. મને લાગે છે કે, કોઈકે ભારતની ઊંડી ચિંતનધારાઓ કઈ રીતે ગ્રીસ અને ત્યાંથી આપણા સમયના તત્ત્વદર્શન સુધી પહોંચી ગઈ, તેનું પગેરું શોધી કાઢવું જોઈએ.

નીલ્સ બોહર કૉપરહેગનના પ્રૉફેસર હૅરલ્ડ હૉફફડીંગ (Hoffding)ના ભારે પ્રશંસક હતા, તેઓ નીલ્સ બોહરના ગુરુ હતા, અને પાછળથી નીલ્સ પોતે જે સન્માનનીય સ્થાન ધરાવવાના હતા, તે સ્થાન-હોદ્દા ઉપર હતા. એક વખત હેઝનબર્ગ (Heisenberg) અને બોહર વચ્ચે અનિશ્ચિતતાના સિદ્ધાંત વિષે એક સાંધ્ય-વાર્તાલાપ ચાલતો હતો, ત્યારે પ્રૉ. હૉડીંગે બંને છેડે ખુલ્લી એક સાંકડી ભૂંગળી અને તેને છેડે રહેલી એક ફોટોગ્રાફિક પ્લેટ વચ્ચેની એક આકૃતિ ઉપર આંગળી મૂકીને પૂછ્યું : ‘(આમાં) ઈલેકટ્રોન કર્યા હોવાનું કહી શકાય?’ અને બોહરે તેનો ઉત્તર આપ્યો, તે અમર બની ગયો છે. તેણે કહ્યું : ‘હોવાનું? હોવાનું? હોવાનું? આ ‘હોવાનું’ એટલે વળી શું?’ (ઉપનિષદોના) મહાન પ્રશ્નોનું આપનું અદ્‌ભુત પૃથ્થકરણ આપણને સૌને ઉપનિષદોના, પ્લેટોના ‘વાર્તાલાપ’ના તથા આધુનિક વિજ્ઞાનના અંતસ્તત્ત્વોની ખોજમાં પ્રેરણા આપે તેમ છે.

ફરી એક વખત, આપની માયાળુ ભેટ માટે આભાર. હાર્દિક શુભેચ્છાઓ.

આપનો સહૃદયી
(સહી) જ્હોન એ. વ્હીલર

આ પત્ર મળ્યો ત્યારથી એક સમયે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં આઈન્સ્ટાઈન જે હોદ્દો શોભાવતા હતા, તે હોદ્દો સંભાળી રહેલા આધુનિક ભૌતિકશાસ્ત્રના આ વયોવૃદ્ધ (૮૮ વર્ષ) મહાનુભાવેને મળવાનું (મારું) સ્વપ્ન હતું. ઈશ્વરકૃપાએ આ લેખકના તેમના ન્યુયોર્ક વિસ્તારમાંના પ્રવાસ સમયે જ્યારે એ મહાનુભાવે પોતાના પ્રિન્સ્ટનના ઘરે ચર્ચા માટે નિમંત્રણ આપ્યું, ત્યારે એ સ્વપ્ન ફળીભૂત થયું. ઈ.સ. ૨૦૦૦ના જાન્યુઆરીની ૭મી તારીખની એ અતિ આકરી ઠંડીવાળી સવાર હતી; ઈન્ફલ્યુએન્ઝાને કા૨ણે થોડા બીમાર એવા એ વયોવૃદ્ધ ભૌતિકશાસ્ત્રીએ પોતાના ખંડમાં આ લેખકને પ્રેમપૂર્વક આવકાર્યા, પોતાની પત્ની સાથે તેમનો પરિચય કરાવ્યો, અને પછી તેમને પોતાના બેઠક ખંડમાં ચર્ચા માટે દોરી ગયા. તે પછી લગભગ એક કલાક સુધી (અમારી વચ્ચે) વાર્તાલાપ ચાલ્યો. પ્રૉ. વ્હીલર બીમાર હતા, ફલ્યુને કારણે ગળું લગભગ બેસી ગયું હતું; તેમ છતાં તેમણે બહુ સરસ, જીવંત ચર્ચા ચલાવી. આ સમગ્ર ચર્ચાને અમારા ન્યુ જર્સીના મિત્ર રાજેન ગોહિલે ટેપ કરી લીધી. અત્રે એ રેકર્ડ કરેલી મુલાકાત રજૂ કરવામાં આવી છે.

સ્વામી જિતાત્માનંદ : આપે મારા ઉપરના પત્રમાં વિજ્ઞાનના જે મહાપ્રશ્નનો ઉલ્લેખ કર્યો હતો, તે પ્રશ્ન ક્યો છે? 

જ્હોન એ. વ્હીલ૨ : ઓહ! એ મહાપ્રશ્ન છે – અસ્તિત્વ કઈ રીતે ઉદ્‌ભવ્યું? મને લાગે છે કે, તમને ખ્યાલ છે કે, આવતા સો વર્ષની અંદર આપણને તેનો નવો ઉત્તર મળી જશે.

સ્વામી જિતાત્માનંદ : આપે સો વર્ષની અંદર આપણને તેનો નવો ઉત્ત૨ મળી જશે, તેમ કહ્યું, તેનાથી મને આનંદ થયો.

જ્હોન એ. વ્હીલર : તમે જાણો છો કે, ફિલસૂફી એ એટલી બધી મહત્ત્વની બાબત છે કે, તેને માત્ર દાર્શનિકો પાસે જ રહેવા દેવાય નહીં.

સ્વામી જિતાત્માનંદ : પ્રોફેસર, હવે ભૌતિકશાસ્ત્રીઓએ બાહ્ય-વિશ્વની ઘટનાઓની જાણકારી મેળવવા માટે ભૌતિક સિવાયના – અભૌતિક – સત્ય વિષેના વિજ્ઞાનને સ્વીકારવું જ પડે, અને તેને ભૌતિક-વિજ્ઞાનની સાથે સાંકળતા શીખવું પડે, તેવો સમય આવી લાગ્યો છે. આપ શું માનો છો?

જ્હોન એ. વ્હીલર : આ અંગે આસ્પેકટ (Aspect) નામના ફ્રેંચ વિદ્વાને કરેલો પ્રયોગ આપણી સામે છે.

સ્વામી જિતાત્માનંદ : ઓહ, એલન (Alain) આસ્પેકટ! તેમણે બેલના પ્રમેયને ચકાસવા માટેનો પ્રયોગ કર્યો હતો, અને પ્રયોગના અંતે તેઓ એ નિષ્કર્ષ ઉપર આવ્યા,કે સમગ્ર વિશ્વના પાયામાં એકમેવ એકત્વ જ રહેલું છે. બરાબર?

જ્હોન એ. વ્હીલર : હા! અને આ જ તો નવું સંશોધન છે. તમે જાણો છો કે, તમે કોઈપણ બાબતનો નિર્દેશ અહીંથી ત્યાં પ્રકાશની ગતિ કરતાં પણ વધારે ઝડપથી કરી શકો છો?

સ્વામી જિતાત્માનંદ : પ્રકાશાતીત અનુસંધાન! તમે એમ કહ્યું કે, હું અહીં એક બાબત પસંદ કર્યું, અને તેની અસર પ્રકાશાતીત અનુસંધાનને લીધે અત્યંત દૂરના અંતરે અનુભવાશે. એલન આસ્પેકટે આમ જ કરેલું. ખરેખર, રસપ્રદ વ લાગે છે.

જ્હોન એ. વ્હીલર : હા, આપણે એમ માનતા હતા કે, પેલી બાજુ જે બનવાનું છે તે ક્યારનું ય નિયત થઈ ગયેલું હોય છે. પરંતુ આ બતાવે છે કે, આ બાજુ જે બને છે તેની અસર પેલી બાજુ પડતી હોય છે.

સ્વામી જિતાત્માનંદ : અદ્‌ભુત! આપણે એક વખત અહીં જેને પસંદ કરીએ – સ્વીકારીએ, તે ત્યાં જે બનવાનું છે. જ તેને નિર્ધારિત કરે છે. બરાબર?

જ્હોન એ. વ્હીલ૨ : હા.

સ્વામી જિતાત્માનંદ : તે બતાવે છે કે પદાર્થ (પ્રકૃતિ) કરતાં ચેતનાનું મહત્ત્વ વધારે છે.

(પ્રોફેસરનો અવાજ કફને લીધે અસ્પષ્ટ બન્યો, તેમ છતાં તેમણે વાર્તાલાપ ચાલુ રાખ્યો.)

જ્હોન એ. વ્હીલ૨ : મારો અવાજ બરાબર સંભળાય છે ને? યુજીન વિગનર (Eugene wigner) નામના એક અદ્દભુત સાથીદારે-

સ્વામી જિતાત્માનંદ : હા, તેણે ૧૯૬૧માં નોબેલ – ઈનામ પ્રાપ્ત કરેલું.

જ્હોન એ. વ્હીલર : તે તો હજુ પણ એમ જ દલીલ કરતા કે, જે કંઈ અહીં રહીને ત્યાંની પરિસ્થિતિને બદલે છે, તે  —  ચેતનાને કારણે જ બને છે. નીલ્સ બોહરનું વલણ જુદું હતું, અને મને લાગે છે કે, તેઓએ તેને કદી સ્વીકાર્યું ન હતું. વાસ્તવમાં કોઈપણ અવલોકન (કે મંતવ્ય) નક્કર ચકાસણી દ્વારા સાબિત ન થાય ત્યાં સુધી અવલોકન ગણાતું નથી.

સ્વામી જિતાત્માનંદ : હેસન બર્ગ (Heisenberg) કહે છે તેમ, અવલોકન પ્રયોગના અંતિમ પરિણામને બદલતું નથી?

જ્હોન એ. વ્હીલર : તેમ થયું જ છે.

સ્વામી જિતાત્માનંદ : આપ જે થોડા અવલોકનો રજૂ કરી છો, તેનાથી મને ઘણો આનંદ થયો. તે માટે હું આપનો ઘણો ઋણી છું. હું છેક ભારતથી આપને મળવા માટે આવ્યો છું.

જ્હોન એ. વ્હીલર : તમે ભારતમાં કઈ જગ્યાએથી આવ્યા છો?

સ્વામી જિતાત્માનંદ : હું ગુજરાત  —  જે મુંબઈની નજીક છે  — માં આવેલા રાજકોટનો છું. હું જ્યારે હૈદરાબાદમાં રહેતો હતો ત્યારે મેં બે પુસ્તકો લખેલાં, અને ત્યારે હું આપના ગ્રંથોના નિયમિત સંપર્કમાં હતો. આપના આકાશીતતા (Super-Space)ના ખ્યાલ વિષે પૂછવાનું છે  — વાસ્તવમાં એ શું છે?

જ્હોન એ. વ્હીલર : સંપૂર્ણ ગણિતલક્ષી  — હજી સુધી તો છે જ. જો કે સામાન્ય દુનિયાદારીની રીતે તેને વ્યક્ત કરવાનું નહીં આવડે.

સ્વામી જિતાત્માનંદ : ડેવિડ બોહમ (Bohm) સાથે આપને કોઈ સંપર્ક થયેલો ખરો?

જ્હોન એ. વ્હીલ૨ : તેને બર્કલીથી પ્રિન્સ્ટન લાવનાર જ હું. પરંતુ જ્યારે તેને ‘અમેરિકન એફેર્સ કમિટી’ સાથે તકલીફ થઈ ત્યારે હું અહીં (પ્રિન્સ્ટનમાં) ન હતો. પરંતુ તે ઘણા વર્ષો સુધી (આ ક્ષેત્રમાં) મુખ્ય વ્યક્તિ રહ્યો. તેણે બોનમાં કામ કરી રહેલા એક ફ્રેન્ચ સાથીદાર સાથે કામ કરેલું. મને તેનું નામ યાદ નથી આવતું. 

સ્વામી જિતાત્માનંદ : એ જ દિશામાં (બેલના પ્રમેયની પ્રયોગાત્મક ચકાસણી ઉપર) ક્લોસર (Clauser) અને ફ્રીડમેન (Freedman) નામના બે અન્ય મહાનુભાવો પણ કામ કરતા હતા.

જ્હોન એ. વ્હીલ૨ : બરાબર.

સ્વામી જિતાત્માનંદ : બેલના પ્રમેય અંગે હેઝનબર્ગનું આખરી મંતવ્ય શું છે?

જ્હોન એ. વ્હીલર : આહ! તેમના અવસાન પછી તો ઘણું ઘણું બની ગયું છે.

સ્વામી જિતાત્માનંદઃ આપ સ્ક્રોકડીન્જર (Schrodinger) ને મળેલા?

જ્હોન એ. વ્હીલ૨ : તેમને કદી મળ્યો તો નથી, પરંતુ તેમના અવસાન પછી એમણે જે સંસ્થામાં કાર્ય કરેલું, તે સંસ્થામાં મેં એક મહિનો ગાળેલો. મને લાગ્યું કે, મારે તેમનું કાર્ય ઉપાડી લેવું જોઈએ. પરંતુ તે કાર્ય આયર્લેન્ડના એક ગણિતના અધ્યાપકે કર્યું. તેનું નામ હતું ડી વેલેરા (De Valera), તે એક ક્રાંતિકારી હતો, અને તેણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ‘ઈસ્ટર-દિન’ ક્રાંતિમાં ભાગ લીધો હતો. જો કે ત્યારે પોસ્ટ ઓફિસને ઘેરી લેનાર બધા ક્રાંતિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. ડી. વેલેરાને જેલમાં પૂરવામાં આવ્યો. તેણે વિચાર્યું, આ જેલ-જીવનનું શું કરવું?

તે ગણિતના સઘળા અદ્‌ભુત કોયડાઓ વિષે વિચારવા લાગ્યો. તેણે વિલિયમ હેમિલ્ટને શોધેલા સૂત્ર ઉપર સવિશેષ ધ્યાન આપ્યું. તે કહેતો કે, હેમિલ્ટન પોતાની પત્નીના સાથમાં કામ કરતા હતા. આમ તેના મનમાં ઘણા નવા વિચારો આવવા લાગ્યા. તેમાંથી એકને તેણે પોતાની પથ્થરની પથારી ઉપર કોતરી લીધો. આનું સૂત્ર છે : i2 = j2 = k2 = ijk = 1

સ્વામી જિતાત્માનંદ : આ સમીકરણમાં કઈ વિશેષતા છે?

જ્હોન એ. વ્હીલ૨ : i2 =j2 = k2 = ijk = 1 આમાં i એટલે ઈલેકટ્રોનનું x ધરી ઉપરનું 90° અંશે પરિભ્રમણ, જેનો અર્થ દિશાની ફેરબદલી પણ થાય છે.

સ્વામી જિતાત્માનંદ : તેણે આ બધું જેલમાં રહીને શોધ્યું?

જ્હોન એ, વ્હીલ૨ : બોહરે તેની સાથે કામ કરેલું, પરંતુ પછી તેઓ ઈંગ્લેન્ડ પાછા ફરેલા. પૉલ ડિરાક (Dirac) તેનો (બોકરનો) વિદ્યાર્થી હતો. સથરફોર્ડ કહેતો, ‘તેને પોલ ડિરાકી ભલામણ મેં કરેલી.’ પોલ ડિરાકને રસ પડ્યો, બોહર (તેને બાબત છે. વિષે) કહેતા, ‘હું એમ માનતો હતો કે, તે અવલોકન કરી શકે છે, પરંતુ હવે મન લાગે છે કે, તે વિચારી પણ શકે છે.’ (વ્હીલર હસે છે). તે (સૂ) ઈલેક્ટ્રોનના ભ્રમણનો પાયો હતો.

સ્વામી જિતાત્માનંદ : ઈલેક્ટ્રોનના ભ્રમણનો તે પાયો હતો?

જ્હોન એ. વ્હીલર : i2 = j2 = k2 = ijk = 1 ઈલેક્ટ્રોનના ભ્રમણનો તે પાયો હતો.

તમને યાદ હશે કે, તેઓ કૅમ્બ્રિજમાં આવ્યા અને ત્યાંથી કોપનહેગન ગયા. ત્યાં તેઓ i2 = j2 = k2 = ijk = 1ની ઈલેકટ્રોનના પ્રમાણભૂત નિરુપણ તરીકે ચર્ચા કરતા હતા. ત્યાં નીલ્સ બોહર રુથરફોર્ડને મળ્યા, ત્યારે રુથરફોર્ડે કહ્યું, ‘મારી પાસે એક યુવાન છે, જેની હું તમને ભલામણ કરું છું. તે બહુ બોલતો નથી.’ તે ઉપરથી એક સંબંધીએ કહ્યું : “તમે પેલા પોપટને કેળવવાનો પ્રયત્ન કરતા માણસની વાત સાંભળી છે? તેણે પોપટને કેળવવાના પ્રયત્નો કર્યા ખરા, પરંતુ છેવટે તે પેલા પોપટને જ્યાંથી ખરીદ્યો હતો તે દુકાને લઈ ગયો અને કહ્યું : ‘હું પોપટને કેળવી શક્યો નથી.’ ત્યારે દુકાનદારે કહ્યું ‘અરે, ભારે નવાઈ જેવું મેં તો જોયું હતું કે, તમે બોલતા હતા અને પોપટ કેળવણી આપતો હતો!’ (હસે છે).

સ્વામી જિતાત્માનંદ : આપે કહ્યું કે સો વર્ષ પછી ભૌતિકશાસ્ત્રમાં નવા પ્રકારે વિચારસરણીઓનો વિકાસ શક્ય છે, તો આ નવા પ્રકારની વિચારસરણીઓ કઈ હોઈ શકે?

જ્હોન એ. વ્હીલ૨ : તે એ કે, આપણે માત્ર પ્રેક્ષક નથી, પરંતુ સૌથી વધુ તો આપણે સહભાગી પણ છીએ.

સ્વામી જિતાત્માનંદ : આ તો ચેતનાને મહત્ત્વ આપવા જેવું ન ગણાય? આપણે માત્ર નિષ્ક્રિય પ્રેક્ષક નથી, પરંતુ સહભાગી પણ છીએ. આપના કહેવાનો આ જ અર્થ છે ને?

જ્હોન એ. વ્હીલર : સહભાગી.

સ્વામી જિતાત્માનંદ : હેઝનબર્ગે ઈ.સ. ૧૯૭૩માં પોતાના છેલ્લા પ્રમુખકીય પ્રવચનમાં કંઈક આપના જેવી જ આગાહી કરી હતી. તેણે કહ્યું હતું કે, આપણા અવસાન પછીની ભૌતિકશાસ્ત્રીઓની એક નવી પેઢી કદાચ તદ્દન નવી જ રીતે વિચારવાનું શરૂ કરશે. આપ પણ તેમ જ કહો છો, ‘ન્યુયોર્ક ટાઈમ્સ’માં આપની એક મુલાકાતનો અહેવાલ છપાયો હતો. મેં મારા પુસ્તકમાં તેનો ઉલ્લેખ કર્યો છે. તેમાં આપે કહ્યું હતું કે, એક દિવસ એક જ સાદું સૂત્ર શોધાશે, જે આ બધી ઘટનાઓનું રહસ્ય સમજાવી દેશે. આપે ‘એક જ સાદા સૂત્ર’ની વાત કરી હતી, તો તે ‘એક જ સાદું સૂત્ર’ ક્યું?

જ્હોન એ. વ્હીલર : એ તો માત્ર એક આશા છે.

સ્વામી જિતાત્માનંદ : હા, પરંતુ આશા જ તો મોટી બાબત છે 

જ્હોન એ. વ્હીલ૨ : (મંદ હાસ્ય સાથે) આમ કહેવા માટે તમારો આભાર.

સ્વામી જિતાત્માનંદ : આશામાંથી જ દરેક વસ્તુ ઉદ્‌ભવે છે. અમે ભારતીયો એમ માનીએ છીએ કે, અમારા ઋષિ મુનિઓએ જે ઉકેલ શોધ્યો હતો, તે જ મહાન ઉકેલ છે, કે ‘સાન્ત’ (Finite) માં ‘અનંત’ (Infinite) સમાયેલું છે. સાન્ત અનંત સાન્તમાં અનંત છૂપાયેલું છે. આત્મન્ = બ્રહ્મન્. આ છે અમારી પ્રાચીન વિચારધારા. આપ તેના વિષે શું માનો છો?

જ્હોન એ. વ્હીલર : તમે તે કાગળ ઉપર લખી શકશો?

સ્વામી જિતાત્માનંદ : જરૂર, હું લખી આપું (મેં એક કાગળ ઉપર લખ્યું) ભારતીય દર્શનમાં, ઉપનિષદોના ઋષિઓના મંતવ્ય પ્રમાણે, સાન્તમાં અનંત સમાયેલું છે. સાન્ત અનંત સાથે અવિચ્છિન્નપણે સંકળાયેલું છે. આ છે અમારું પ્રાચીન…

જ્હોન એ. વ્હીલર : ઉપનિષદો? આ તેમાં છે?

સ્વામી જિતાત્માનંદ : બધા ઉપનિષદોમાંથી આ જ આખરી સત્ય તરી આવે છે. આ જ આખરી મુદ્દો છે. આત્મન્ (વ્યક્તિગત આત્મા) = બ્રહ્મન્ (વિશ્વ-આત્મા)

એક અત્યંત નાનો ઈલેકટ્રોન, એક અત્યંત સૂક્ષ્મ અણુક વૈશ્વિક-સત્યની સાથે સંકળાયેલો છે. એક સૂક્ષ્માતિસૂક્ષ્મ કણ, સૂક્ષ્માતિસૂક્ષ્મ પીંડ અનંત બ્રહ્માંડની સાથે સંકળાયેલો છે. આ છે ઉપનિષદોનો અંતિમ નિષ્કર્ષ, હું એ બધું આપને માટે લખી આપું છું.

જ્હોન એ. વ્હીલર : હાલમાં ભારતમાં તથા અન્ય સ્થળોએ આ વિચારોના જ્ઞાતા, તથા તેમની નોંધ રાખનારા લોકો કેટલા?

સ્વામી જિતાત્માનંદ : બહુ થોડા; પરંતુ હું કદાચ તેઓમાંનો એક છું. અને લાંબા સમયથી આ દિશામાં કાર્ય કરૂં છું. હું આ પ્રાચીન (સનાતન) સત્યોનો અર્વાચીન ભૌતિકશાસ્ત્રની છેલ્લામાં છેલ્લી શોધો સાથે સંબંધ બાંધી રહ્યો છું; અને મેં મારાં બે પુસ્તકો આપને મોકલેલાં છે. જો કે બીજા બે કે ત્રણ ભૌતિકશાસ્ત્રીઓ પણ આ દિશામાં કાર્ય કરી રહ્યા છે.

જ્હોન એ. વ્હીલર : તમારી જાણમાં આ વિચારો ભારતમાંથી કઈ રીતે ગ્રીસમાં, અને ત્યાંથી પાશ્ચાત્ય દુનિયામાં આવ્યા, તેનું કદી પૃથક્કરણ કરવામાં આવેલું છે? 

સ્વામી જિતાત્માનંદ : હા, આ અંગે મહાન ભારતીય વિદ્વાનોએ ગ્રંથો લખ્યા છે, જેમાં ‘એક જ સત્ય’નો આ ખ્યાલ ગ્રીસમાં કઈ રીતે ગયો હતો, તે દર્શાવ્યું છે. ત્યાં તે ‘નૌ-મેનન’ (Nou-manom) (એક જ સત્ય) તરીકે ઓળખાય છે. આ ‘નૌ મેનન’ જ ઘટનાઓ (અનેક સત્યો)ને જન્મ આપે છે. આ ભારતીય વિચાર છે – એકમાંથી અનેક ઉદ્ભ‌વે છે; એક અભૌતિક (Non-material) સત્યમાંથી જ બધાં ભૌતિક સત્યો ઉત્પન્ન થાય છે. જ્યારે મૂર-આક્રમણોને કારણે કોન્સ્ટન્ટીનોપલ ભાંગી પડ્યું, ત્યારે આ વિચાર ત્યાંથી ગ્રીસમાં ગયો. ત્યાં તેઓએ ‘ઘટના’ (Phenomenon) અને ‘એક સત્ય’ (Nou-manon) ના વિચારનો વિકાસ કર્યો – ‘નૌ-મેનન (એક સત્ય) ફીનોર્મનન’ (ઘટનાઓ અનેક સત્યો)ના જન્મદાતા છે. આ રીતે આ વિચાર ભારતમાંથી ગ્રીસમાં ગયો.

જ્હોન એ, વ્હીલર : આશ્ચર્યજનક! અદ્‌ભુત!

સ્વામી જિતાત્માનંદ : આ થયું પાયાનું સૂત્ર. બાકીનું બધું આપણને તેમાંથી  — ‘એકત્વ’માંથી પ્રાપ્ત થાય છે. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ઘટનાત્મક સત્ય, બધું જ. બધું જ સત્યો આ એકત્વ’માંથી, આ અસાધારણ બિન્દુમાંથી ઉદ્‌ભવે છે.

જ્હોન એ. વ્હીલ૨ : ઉપનિષદોમાંથી સૌથી નજરે ચડે તેવી (આશ્ચર્યજનક) પ્રગતિ કઈ થયેલી કહી શકાય?

સ્વામી જિતાત્માનંદ : ઉપનિષદીય – વિચારસરણીમાંથી સૌથી મહાન ઉકેલ એ પ્રાપ્ત થાય છે કે, સમગ્ર વિશ્વ એક છે. (તેથી) તમે અન્ય લોકોને ધિક્કારી ન શકો, બધા જ ધર્મો એક જ ધર્મમાંથી ઉદ્‌ભવ્યા છે; બધી જ સંસ્કૃતિઓ એક જ (માનવ) સંસ્કૃતિમાંથી ઉદ્‌ભવી છે. સમગ્ર માનવજાતિના બધા લોકો પાયામાં એક કુટુંબ તરીકે એકબીજાની સાથે એક જ અસ્તિત્વમાં સંકળાયેલા છે. આ છે (ઉપનિષદોના) આધ્યાત્મિક ચિંતનનું સૌથી નજરે ચડે તેવું પરિણામ.

અમે બધા ધર્મો પ્રત્યે પ્રેમ રાખીએ છીએ. અમે ભારતમાં બધા ધર્મોનું પાલન કરીએ છીએ. અમે બધા લોકોને પ્રેમ અને સન્માન સાથે આવકારીએ છીએ, કારણ, અનેક એ એકની જ પ્રતિચ્છાયા છે. બસ, પુરું.

જો આપણે ભૌતિક રીતે એકબીજા સાથે સંકળાયેલા હોઈએ, તો બધા માનવો પણ પરસ્પર સંકળાયેલા છે. આમ અખિલ વિશ્વ એક એકમ છે. તેમાં ધિક્કારને કોઈ સ્થાન નથી; ત્યાં માત્ર પ્રેમને જ સ્થાન છે. ભારત પરાપૂર્વથી આંતરરાષ્ટ્રવાદ માટેનું, અને વિશ્વવ્યાપી વિચારસરણી માટેનું સ્થાન રહ્યું છે.

જ્હોન એ. વ્હીલ૨ : તમે રક્તપિત્ત જેવા ભયંકર રોગના દર્દીને જોયો છે? 

સ્વામી જિતાત્માનંદઃ હા, જરૂર.

જ્હોન એ. વ્હીલર : આજકાલ આ દેશમાં ધૂમ્રપાન કરનારાઓનો એટલો બધો ડર ફેલાઈ ગયો છે કે, ક્યારેક તેઓ બધાથી દૂર રહેવા લાગે છે. રક્તપિત્તના દર્દીઓ ક્યારેક એકબીજાની સોબત માટે સાથે રહેવા લાગે છે; (તે રીતે) આજે ધૂમ્રપાન કરનારાઓ પ્રત્યે (સમાજમાં) એટલો બધો ધિક્કાર છે કે, તેઓ સોબત માટે ભેગા રહેવા લાગ્યા છે.

સ્વામી જિતાત્માનંદ : સાચું, પરંતુ ભારતમાં અમે એમ નથી માનતા. ના, જરા પણ નહીં. અમે ધૂમ્રપાન કરનારને તેની એ ખરાબ ટેવ છોડાવવા માટે મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે કોઈને ધિક્કારતા નથી. અમે ધૂમ્રપાન કરનાર પોતાની ટેવ છોડી દે તે માટે તેની પાસે જઈએ છીએ, તેને વિનંતિ કરીએ છીએ, તેને પ્રેમ કરીએ છીએ.

જ્હોન એ.વ્હીલર : પણ તેને ધિક્કારતા નથી, એમ ને?

સ્વામી જિતાત્માનંદઃ ભારતમાં અમે તેમ કરતા જ નથી. અમારી અત્યંત પ્રિયપાત્ર વ્યક્તિઓ ધૂમ્રપાન કરતી હોય છે, (પરંતુ) ભારતમાં કોઈને અળગા રખાતા નથી, નહીં જ.

જ્હોન એ. વ્હીલર : સદીઓ થયાં માનવીઓ ભયંકર રોગો સામે કઈ રીતે ઝઝૂમતા આવ્યા છે, તે હું જાણું છું.

સ્વામી જિતાત્માનંદ : હા, પરંતુ ભારતમાં અમે પ્રેમ જ કર્યો છે. અમે ધૂમ્રપાન કરનારાઓને કદી ધિક્કાર્યા નથી, અમે લોકોને પ્રેમ કરીએ છીએ. અમે રક્તપિત્તિયાઓને કદી ધિક્કારતા નથી. અમે તેમને જીવનના મુખ્ય પ્રવાહમાં પાછા લાવવાનો પ્રયત્ન કરીએ છીએ.

જ્હોન એ. વ્હીલર : ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપી શકાય તેમ તમને લાગે છે? 

સ્વામી જિતાત્માનંદ : જરૂર, પ્રૉફેસર, આવતીકાલે સવારે જ શાંતિ સ્થાપી શકાય તેમ છે.

જ્હોન એ. વ્હીલ૨ : કઈ રીતે?

સ્વામી જિતાત્માનંદ : જે ઘડીએ રાજકારણીઓ વચ્ચેથી ખસી જશે તે ઘડીએ જ શાંતિ આવશે, એટલું જ નહીં, પરંતુ તે લાંબા સમય સુધી ટકી રહેશે. જ્યારે કટ્ટરવાદી વિચારસરણી દૂર થશે, ત્યારે એક કલાકમાં શાંતિ આવી જશે. પાકિસ્તાનના બાળકો ભારતના બાળકોને ચાહે છે; પાકિસ્તાનના દાર્શનિકો ભારતના દાર્શનિકોને ચાહે છે; પાકિસ્તાનના સંગીતકારો ભારતના સંગીતકારોને ચાહે છે. માત્ર પાકિસ્તાનના રાજકારણીઓ, ઝનૂની કટ્ટરપંથીઓ જ ભારતને ધિક્કારે છે. જે દિવસે આ ઝનૂની કટ્ટરવાદી વિચારસરણી હટી જશે, તે દિવસે એક જ કલાકમાં શાંતિ સ્થપાઈ જશે.

જ્હોન એ. વ્હીલ૨ : હા, તે ઘણું અગત્યનું છે. આ દેશે.ઘણા બધા બળવા અનુભવ્યા છે.

સ્વામી જિતાત્માનંદ : આ બધાંનું મૂળ પેલી ઝનૂની કટ્ટરવાદી વિચારસરણી છે કે, મારો ધર્મ જ એકમાત્ર ધર્મ છે, અને તમારો ધર્મ એ ધર્મ છે જ નહીં. સમગ્ર સમસ્યાનું મૂળ જ અહીં છે. આવું જ શ્રીલંકામાં બની રહ્યું છે. પરંતુ અમે આનો અંત આણવા માગીએ છીએ, કારણ, અમારી વિચારસરણી મૂળથી જ વૈશ્વિક છે, વિશાળ છે. પ્રોફેસર, મને કહેવા દો કે, ભારતનું એ સ્વપ્ન છે – એ ઋગ્વેદ (પ્રાચીન વેદ)માંથી છે. અમારૂં સ્વપ્ન સમગ્ર વિશ્વને એક એવો માળો બનાવવાનું છે, માં બધાં જ પક્ષીઓ આવીને આરામ કરે – ‘યંત્ર વિશ્વ ભવતિ એકનીડમ્.’ આ સ્વપ્ન સિદ્ધ થવાનું બાકી છે. અમે એક એવા એક અને અદ્વિતીય વિશ્વની રચના કરવા માગીએ છીએ, જ્યાં બધા જ દેશોના બધા જ લોકો, એક જ માળામાં એક સાથે રાત્રે નીંદ માણતા પક્ષીઓની જેમ, એક સાથે શાંતિથી રહી શકે.

જ્હોન એ. વ્હીલર : ઓહ, અદ્‌ભુત ચિત્ર!

સ્વામી જિતાત્માનંદ : અમારું એ સ્વપ્ન છે. આ એક જ સ્વપ્નને સિદ્ધ કરવા માટે અમે મથી રહ્યા છીએ, મંડી રહ્યા છીએ, ભારત એક અને અદ્વિતીય આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિની સ્થાપના માટે થાક્યા સિવાય પ્રયત્નો કરી રહ્યું છે. અમે આપનો ઘણો બધો સમય લીધો. હું આપનો આભારી છું; આપે મને જે સરસ પત્ર લખ્યો તે માટે પણ ઘણો ઘણો આભારી છું. પરમાત્મા આપને દીર્ઘાયુ અર્પે. પરંતુ અમારો ઉકેલ તો એક જ છે, એક અને અદ્વિતીય આધ્યાત્મિક વિશ્વની રચના, સાન્ત અનંતની સાથે સંકળાયેલું છે; સાન્તમાં અનંતનું પ્રતિબિંબ પડે છે. બસ. સમગ્ર વિશ્વ એ એક અને અદ્વિતીય માનવ-સંસ્કૃતિ છે. 

જ્હોન એ. વ્હીલર : એ એક વિલક્ષણ દુનિયા હશે.

સ્વામી જિતાત્માનંદ : હા, એ અમારું સ્વપ્ન છે, અને પ્રૉફેસર, તેને સાકાર કરવા અમે કામ કરવાના જ છીએ. એ માટે જ હું છેક ભારતથી આપને મળવા અહીં આવ્યો છું. 

જ્હોન એ. વ્હીલ૨ : મારું એ બહુમાન છે.

સ્વામી જિતાત્માનંદ : આપની એ મહાનુભાવતા છે, પ્રૉફેસર.

જ્હોન એ. વ્હીલર : તમે વ્યાખ્યાનો આપો છો?

સ્વામી જિતાત્માનંદ : હા, હું ઘણી યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનો આપું છું.

જ્હોન એ. વ્હીલર : કોઈક દિવસ હું તમને સાંભળું તેવી આશા રાખું છું. 

સ્વામી જિતાત્માનંદ : આભાર. પ્રૉફેસર, તબિયતનું ધ્યાન રાખજો. હવે હું જ્યારે ફરી વખત પ્રિન્સ્ટન આવીશ, ત્યારે આપની સાથે જરૂર વાતો કરીશ. પરંતુ પહેલાં આપ તબિયત સારી કરી નાખો, પછી આપની સાથે વાતો કરવામાં કદાચ આવતા ઉનાળામાં – મને વધારે આનંદ આવશે:

જ્હોન એ. વ્હીલ૨ : તમે નીલ્સ બોહરને મળેલા?

સ્વામી જિતાત્માનંદઃ ના, નીલ્સ બોહરને હું મળ્યો નથી. વાસ્તવમાં, મારી જિંદગીમાં જો હું કોઈ મહાન ભૌતિકશાસ્ત્રીને મળ્યો હોઉં તો તે આપ જ છો. મેં નીલ્સ બોહરના ગ્રંથો સારી રીતે વાંચ્યા છે, પરંતુ તેમને મળ્યો નથી.

જ્હોન એ. વ્હીલ૨ : હું તેમની સાથે કામ કરવા માટે ગયો હતો, પરંતુ દિવસો સુધી તેઓ પ્રયોગશાળામાં દેખાયા નહીં. શું બન્યું હતું, તેની મને પાછળથી ખબર પડી. તેઓ ધીરે ધીરે ભાન (બુદ્ધિ) ગુમાવતા જતા હતા. તેમનો પુત્ર ક્રિશ્ચિયન બોહર ડેન્માર્ક અને સ્પેનની વચ્ચેના સમુદ્રમાં કોઈક જગ્યાએ ડૂબી ગયો હતો, તે વાત તેમણે તેમના એક પુરાણા મિત્રને કરી હતી.

સ્વામી જિતાત્માનંદ : નીલ્સ બોહરનો પુત્ર ગુજરી ગયો!

જ્હોન એ. વ્હીલ૨ : ક્રિશ્ચિયન બોહર, તેનું એક જહાજમાંથી (સમુદ્રમાં) પડી જવાને કારણે અવસાન થયું, અને બોહર તેને બચાવી ન શક્યા.

સ્વામી જિતાત્માનંદ : આ બનાવની તેમના જીવન ઉપર જરૂર અસર પડી હશે.

જ્હોન એ. વ્હીલ૨ : અરે, ઘણી ભયાનક! એ કઈ રીતે બન્યું, તે મને હજુ પણ યાદ છે. મને યાદ છે કે, હું તેમની પ્રયોગશાળાએ ગયો, ત્યારે મેં એક મજુરને કાચ સાફ કરતો જોયો; પરંતુ મેં જરા નજદિકથી જોયું તો તે મજુર અન્ય કોઈ નહીં, પણ ખુદ નીલ્સ બોહર જ હતા!

હા, કોપનહેગનની મારી (નીલ્સ બોહર સાથેની) ટ્રેનની મુસાફરી વિષે તમે જાણો છો. ટ્રેનમાં તેમની સાથે મેં ખાસ્સો લાંબો સમય મુસાફરી કરી હતી. હું ધારું છું કે, ફરી વખત ન્યુયોર્કમાં પણ હું તેમની સાથે રહ્યો હતો, પરંતુ વર્ષો પછી હું જ્યારે કોપનહેગનમાં હતો, ત્યારે તેમણે મને પોતાની સાથે સમુદ્રકિનારે ફરવા આવવાનું આમંત્રણ આપ્યું. ત્યારે અમે આડાઅવળા ઘણા બધા વિષયો ઉપર વાતો કરી હતી. આ વાતચીત દરમિયાન બોહરે કહેલું કે, દરેક ધાર્મિક નેતા-સંત- પાસે મૃત્યુ પ્રસંગે લોકોને આશ્વાસન આપવાની એક અદ્‌ભુત શક્તિ હોય છે. તેમણે પેલા પોતાનો એકનો એક પુત્ર જેમણે ગુમાવ્યો હતો તે માતાપિતાની વાત કરી. તેમના પડોશીઓ (તેમને કઈ રીતે આશ્વાસન આપવું તે અંગે) મુંઝવણમાં પડ્યા. એકે કહ્યું : ‘તમે આ પુત્રને બુદ્ધની પાસે લઈ જાઓ. તેઓ તેને સાજો કરી દેશે.’ આથી તે માતાપિતા બુદ્ધની પાસે ગયા. બુદ્ધે કહ્યું : ‘હું જરૂ૨ તેને સાજો કરીશ, પરંતુ એક શરતે  — તમે મને જે વ્યક્તિને કદી દુઃખ પડ્યું ન હોય તેવી વ્યક્તિ પાસેથી રાઈના દસ દાણા લાવી આપો.’ કદાચ આ બહુ જૂની કથા છે.

સ્વામી જિતાત્માનંદ : હા, જરૂર અને તે તમને નીલ્સ બોહરે કહેલી?

જ્હોન એ. વ્હીલ૨ : હા, સાચ્ચે જ અને હું ત્યારે એટલો મૂઢમતિ કે, મને ત્યારે ખ્યાલ ન આવ્યો કે એ કથા નીલ્સ બોહરને પોતાને કેટલી નજદિકથી લાગુ પડતી હતી.

સ્વામી જિતાત્માનંદ : વાસ્તવમાં, નીલ્સ બોહર પોતાની જ કહાની કહી રહ્યા હતા!

જ્હોન એ, વ્હીલર : ખરેખર, તેમનો પુત્ર અવસાન પામ્યો હતો, અને કદાચ ડૂબવાને કારણે,

સ્વામી જિતાત્માનંદ : નીલ્સ બોહરે પોતાનો પુત્ર ગુમાવ્યો હતો, અને પતિપત્નિ શાંતિ માટે બુદ્ધની પેલી કથાને શરણે ગયા હતા, જેમાં બુદ્ધે દુઃખી માતાપિતાને જે ઘરમાં કદી દુઃખનો પડછાયો પણ ન પડ્યો હોય તે ઘરમાંથી રાઈના દાણા લાવવાનું કહ્યું હતું  — તે બધાંની મને ખબર ન હતી. પરંતુ આ બહુ મોટી બનાવ ગણાય,

જ્હોન એ. વ્હીલર : મને આમાંથી એ જાણવા મળ્યું કે, દરેક મહાન ધાર્મિક નેતા પાસે મૃત્યુ પ્રસંગે લોકોને આશ્વાસન આપવાની આવી શક્તિ હોય છે.

અહીં વાર્તાલાપ પૂરો થયો. વાર્તાલાપને અંતે પ્રૉફેસર પોતે ઊઠીને મારી સાથે ફોટોગ્રાફ લેવા માટે કેમેરા લઈ આવ્યા. તેમણે મને તે પછીના સોમવારે (૧૦-૧-૧૯૯૯) પ્રિન્સ્ટનના વૈજ્ઞાનિકોને વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરી, પરંતુ તા. ૧૦મી જાન્યુઆરીથી આ લેખકના સાનફ્રાન્સિસ્કો – વિસ્તારમાં વ્યાખ્યાનો નિયત થયેલા હોઈને તેઓ તેમણે આપેલી તારીખ સ્વીકારી શક્યા નહીં. જ્યારે પ્રૉફેસરે તે પછીની કોઈ તારીખ આપવા કહ્યું ત્યારે આ લેખકે તેમને વચન આપ્યું કે, તે વહેલામાં વહેલી તકે, બનશે તો આવતા ઉનાળામાં, પાછા પ્રિન્સ્ટન જરૂર આવશે. છેવટે પ્રૉફેસરે એક કાગળ અને પેન લીધાં, અને આ લેખકને પોતે ક્યા વિષય પર બોલવાનું પસંદ કરશે તે લખવા એને નીચે પોતાના નામની સહી કરવા માટે તે આપ્યા – મેં વિષય લખ્યો : ‘વિજ્ઞાન અને જીવન વચ્ચે એકત્વની ખોજ’, : અને તેમની પેન વડે મારા નામની સહી કરી. ને પછી પ્રૉફેસરે તે કાગળ અને પેન લઈને, કાગળ પોતાના ખિસ્સામાં મૂકો. તેમની નાદુરસ્ત તબિયત હોવા છતાં, તેઓ આ લેખકને છેક તેની કાર સુધી વળાવવા આવ્યા, અને જ્યાં સુધી કાર દેખાયા કરી, ત્યાં સુધી તેમણે પોતાનો હાથ તથા સફેદ રૂમાલ હલાવ્યા કર્યા.

વિશ્વના શ્રેષ્ઠ ભૌતિકશાસ્ત્રીઓમાંના એક એવા આ મહાનુભાવ સાથેનો આ યાદગાર અનુભવ હતો. પોતે આટલા મહાન ભૌતિકશાસ્ત્રી હોવા છતાં કેટલા બધા નમ્ર ઉપનિષદોની ચિંતન ધારાઓ પ્રત્યે, અને ચિંતનધારાઓને જે લોકો વિજ્ઞાન-વિશ્વ સાથે અને આધુનિક સમયના ભૌતિકવાદી, વ્યવહારલક્ષી વિશ્વ સાથે મેળ બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેવા લોકો પ્રત્યે તેમને કેટલો બધો અહોભાવ! પોતાની શાંત, પ્રસન્ન મુખમુદ્રા અને એક દાર્શનિક જેવાં મનવાળા તેઓ મહાન વિચારો અને મહાન ભાવનાઓમાં મગ્ન એવા કોઈ પ્રાચીન સમયના ઋષિ જેવા લાગતા હતા.

અનુવાદક : દેવેન્દ્ર હ. ભટ્ટ

Total Views: 288

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.