(દ્યા દ્વિવેદાની નીતિમંજરી પર આધારિત)
(૧) કક્ષીવાનની કથા
પ્રજાપતિએ યજ્ઞ દ્વારા ભૃગુ, અંગિરા અને અવિ – એમ ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા, તેમાં અંગિરાને ઉતથ્ય અને બૃહસ્પતિ – એમ બે પુત્રો થયા. એમાં મોટાભાઈ ઉતથ્યને દીર્ઘતમા નામે પુત્ર થયા અને એ દીર્ઘતમાના જ પુત્ર એટલે કક્ષીવાન. આ કક્ષીવાન ઋષિ, ઉપર બતાવેલી રીતે અંગિરા કુળના, ઉચ્ચ ઋષિકુળના જ વારસદાર હતા. તેઓ અત્યંત તપસ્વી અને ઋગ્વેદનાં લગભગ અગિયાર સૂક્તોના દૃષ્ટા હતા. (ઋગ્વેદ ૧/૧૧૬-૧૨૬) આમ છતાં પણ એમને હલકા કુળના ગણવામાં આવ્યા છે. કારણ કે એમનાં માતા એક દાસી હતાં.
એ કથા બૃહદ્દેવતા પ્રમાણે એવી છે કે કોઈ એક દિવસે અંગદેશનો રાજા પોતાની રાણીઓ સાથે ગંગા નદીમાં જલક્રીડા કરી રહ્યો હતો. એ વખતે જ ખૂબ વૃદ્ધ થઈ ગયેલા એવા દીર્ઘતમા ઋષિને એનાં પત્ની-પુત્રો-નોકરો વગેરેએ, ‘આ હવે કશું જ કરી શકે તેમ નથી’ – એવું જાણીને ઘૃણાથી ગંગામાં ફેંકી દીધા. હવે એ ઋષિ કોઈક નાવની સહાયથી જ્યાં અંગરાજ જળક્રીડા કરી રહ્યા હતા ત્યાં આવ્યા.
રાજાએ તે ઋષિની મહત્તા અને સર્વજ્ઞતા પારખી લીધી. એણે એમને નાવમાંથી ઉતારીને કહ્યું : ‘હે ઋષિ, મારે પુત્ર નથી. આ મારી રાણી વિશે પુત્ર ઉત્પન્ન થાય તેવું કંઈક કરો. ઋષિએ ‘હા’ પાડી અને રાણીએ પણ ‘હા’ તો પાડી દીધી ઋષિનાં રૂપરંગ જોઈને ઘૃણાથી ‘આ ‘બૂઢિયા’ પાસે હું ‘વિધિ’ નહિ કરાવું’ એમ વિચાર કરીને પોતાની ‘ઉશિક્’ નામની એક દાસીને રાણીના વસ્ત્રાલંકારોથી શણગારીને ઋષિ પાસે મોકલી.
ઋષિ તો સર્વજ્ઞ હતા. એમણે એ ‘ઉશિક્’ નામની દાસી પર પવિત્ર મંત્ર-જળ છાંટીને એને પવિત્ર ઋષિપત્ની બનાવી દીધી. એનાથી જે પુત્ર થયો એ જ કક્ષીવાન નામના સમર્થ મંત્રદૃષ્ટા ઋષિ થયા. અંગરાજે પણ એમને દત્તકપુત્ર તરીકે સ્વીકાર્યા હતા.
કક્ષીવાનના જીવનનો આ પ્રસંગ એ બોધ આપી જાય છે કે રૂઢિવાદી જનસમાજે વંશીયતાને મુખ્ય ગણીને હલકી ગણેલ વ્યક્તિ પણ પોતાના પૌરુષથી ઉચ્ચપદ પામી શકે છે. મંત્ર દ્વારા કક્ષીવાન એવા પૌરુષ સમ્પન્ન ઋષિ હતા.
આ કક્ષીવાન ઋષિ સોમવલ્લીની અભિષવકલામાં સોમરસ કાઢવાની અતિદુર્લભ કુશળતામાં પણ પૂરા પારંગત થઈ ગયા. આ કળા ભલભલા દેવો અને ઋષિઓને પણ દુર્લભ છે. એ યુગમાં આ કળાને ઊંચું સ્થાન અપાતું. મેધાતિથિ જેવા મહાન મંત્રદૃષ્ટા ઋષિ પણ એ કળા પામવા તલપાપડ બન્યા હતા. આ મેધાતિથિ પણ જેવી તેવી વેદકાલીન વિભૂતિ ન હતા. ઋગ્વેદના ૧/૧૨-૨૩; ૮/૨, ૩૨; વગેરેના અને છૂટીછવાઈ ઋચાઓના તેઓ દૃષ્ટા હતા. તેમનું ‘મેધાતિથિ’ નામ જ અન્વર્થક હતું. સોમયજ્ઞના સન્માનનીય અતિથિવિશેષ તરીકે એમની ઉપસ્થિતિ અતિઆવશ્યક જ ગણાતી.
આટલા મોટા વેદકાલીન સમર્થ અને સુવિખ્યાત દૃષ્ટા ઋષિ મેધાતિથિ પણ સોમરસ નિષ્પાદક વિધિમાં કુશળતા મેળવવા બ્રહ્મણસ્પતિને ગાયત્રી છંદથી નીચેના મંત્ર દ્વારા યાચના કરતી વખતે કક્ષીવાનને કેવી રીતે બિરદાવી રહ્યા છે? જુઓ :-
सोमानं स्वरणं कृणुहि ब्रह्मणस्पते ।
कक्षीवन्तं य औशिज: ॥
(ऋ. वे. १-१८-१)
પદચ્છેદ :- हे ब्रह्मणस्पते, હે બ્રહ્મણસ્પતિ; सोमानम्, સોમરસ કાઢવામાં કુશળ – એના વિધિનું અનુષ્ઠાન કરનારા; (माम्, મને); (देवेषु प्रकाशनवन्तम्, દેવોમાં પ્રકાશ ફેલાવતો) कृणुहि, કરો; (कम् इव, કોની પેઠે); औषिज:, ઉશિકનો પુત્ર य:, ને (છે) (તે) कक्षीवन्तम्, કક્ષીવાન જેવો;
અહીં ‘मंत्राधीना: देवा:’નું સત્ય પણ બતાવાયું છે. મેધાતિથિ ઋષિએ અહીં પોતાને કક્ષીવાનની સમકક્ષ ગણાવવાની વાંછા કરી છે. કારણ કે એ અનુષ્ઠાનકર્તાઓમાં શ્રેષ્ઠ મુનિ સાબિત થયા છે. તાત્પર્ય એ છે કે ઉશિકનો પુત્ર હોવા છતાં પણ સોમવિધિમાં નિપુણ છે એટલે એ મોટો જ ગણાય. તો પછી કુલીન હોય અને સોમવિધિમાં પણ નિપુણ હોય એની તો વાત જ શી? એવું સૂચન અહીં છે.
પણ કક્ષીવાન ઋષિએ આવું નૈપુણ્ય પ્રાપ્ત કેવી રીતે કર્યું? એ તો સ્વાભાવિક જ છે કે એમને જ્ઞાનનો નિધિ તો વારસામાં જ મળ્યો હતો. પણ જીવનમાં કેટલાક એવા સંજોગો પણ આવે છે કે જ્યારે એ જ્ઞાનને અજ્ઞાનાન્ધકારમાં ઢંકાઈ જવું પડે છે. એકવાર કોણ જાણે કેવીય પરિસ્થિતિ આવી કે કક્ષીવાન બધું ભૂલી ગયા? હવે ફરીથી એકડો કેમ ઘૂંટવો? કક્ષીવાન વિદ્વાનોની સંગસોબતનો મહિમા સમજાવતા હતા એમણે નીચેના મંત્ર દ્વારા વિદ્વાન અશ્વિનીકુમારોની સ્તુતિ કરી :-
युवं नरा स्तुवते पज्रियाय कक्षीवते अरदतं पुरन्धिम् ।
कारोतराच्छफादश्यवस्य वृष्ण: शतंकुंभों असिश्चतं सुराया: ॥
(ऋ. वे. १-११६-७)
પદચ્છેદ :- नरा:, નેતા સ્વરૂપ અશ્વિનીકુમારો; युवम् (युवाम्), તમે બન્ને; स्तुवते, તમારી સ્તુતિ કરતા એવા; पज्रियाय, આંગિરસ કુળમાં ઉત્પન્ન થયેલા એવા (पज्रि એટલે આંગિરસ); कक्षीवते, કક્ષિવાનને- મને; पुरन्धिं, ખૂબ બુદ્ધિ; अरदतम्, લખી આપી (એટલે કે બધા જ પદાર્થોને વિષય કરી શકે તેવી બુદ્ધિ આપી છે; (વળી,) कारोतरात्, ‘કારોતર’ નામના એક ખાસ चर्मवेष्टित। (ચામડાથી મઢેલ) પાત્રથી; सुराया: स्रावणं क्रियते, (જેવી રીતે) સુરાનું સ્રાવણ થાય છે- સુરા ભરી દેવામાં આવે છે- સુરા રેડનારાઓ સુરા સુરાને રેડે છે; एवम् एव , એ જ રીતે; युवाम्, તમે બન્ને; वृष्ण:, રેડવાના કાર્યમાં સમર્થ એવા; (युष्मदीय) अश्चस्य, તમારા ઘોડાની शफात्, ખરીથી; सुराया:, સુરાના; शतकुम्भान्, અસંખ્ય ઘડાઓને; असिश्चतम्, ભરી દીધા.
નોંધ : (૧) અહીં ‘સુરા’નો અર્થ માન્ય વિદ્વાનોને મતે સાદા કહેવાતા મદ્ય કરતા જુદો છે એક વનસ્પતિના ઘાટા રસને એ નામ અપાયું છે.
(૨) અહીં સાયણાચાર્યે જણાવ્યું છે કે ‘કારોતર’ પાત્રને સ્થાને કામમાં લવાતી તમારા ઘોડાની ખરીમાંથી જે સુરા વહે છે, તેનાથી તમે અસંખ્ય ઘડાઓ ભરી દીધા છે. જે મનુષ્યો સૌત્રામણિ વગેરે કાર્યોમાં તમારે માટેના યજ્ઞ અર્થે સુરા માગે છે. તેમના ઘડા તમે ભરી દો છો.
કક્ષીવાનની આવી સ્તુતિથી પ્રસન્ન થઈને અશ્વિનીકુમારોએ એને ખૂબ તીવ્ર બુદ્ધિ આપી હતી.
આ પ્રસંગ એ બોધ આપી જાય છે કે વિદ્વત્તાથી કામના કરનાર મનુષ્યે વિદ્વાનોની કદર-પ્રશંસા-કરવી જ જોઈએ. વિદ્વાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી વ્યક્તિ તેમજ સમાજ ને પણ લાભ છે.
આ દીર્ઘતમાના પુત્ર કક્ષીવાન ઋષિએ પોતાના અથાક પુરુષાર્થ દ્વારા સોમરસને બનાવવાની કુશળતા પ્રાપ્ત કરી હતી. ઘણા લાંબા વખત સુધી તેમણે બ્રહ્મચર્યનું પાલન કરીને ગુરુને ઘેર રહીને સારી રીતે વેદાભ્યાસ કર્યો હતો; ઘણાં વ્રતોનું પાલન કર્યું હતું. ત્યાર પછી ગુરુની આજ્ઞા લઈ, જ્યારે તેઓ પોતાના ઘર તરફ પાછા વળી રહ્યા હતા, ત્યારે માર્ગમાં રાત પડી ગઈ એટલે વચ્ચે જ રાતવાસો કર્યો અને નિદ્રાધીન થયા. સવારે ઊઠીને જુએ છે ત્યાં તેમણે ભાયવ્યના પુત્ર સ્વનયન નામના રાજાને નોકરચાકર સાથે એકાએક જ પોતાની સામે આવતો જોયો. રાજા ચર્યા માટે નીકળ્યો હતો. કક્ષીવાન તો જાગીને જલદી જલદી ઊભા થઈ ગયા. રાજાએ ઋષિને જોયા, એમનું આકર્ષક સૌંદર્ય નિહાળ્યું અને હાથ પકડીને પોતાના આસન પર બેસાડીને પોતાની કન્યા એને આપવાના ઈરાદાથી એને પૂછ્યું : ‘ભગવન્, આપ કોના પુત્ર છો? આપનું નામ શું છે?’ કક્ષીવાને પોતાનાં અને પોતાના માતાપિતાનાં નામઠામ અને વૃત્તાન્તો કહ્યાં. રાજાએ ‘આ સન્માન્ય છે’ – એવું માનીને ઋષિને પોતાને ઘેર લાવીને તેની મધુપર્ક વગેરેથી પૂજા કરીને તેમને પોતાની દશ કન્યાઓ, દશ રથો, દશ સ્વર્ણભાર, સો ઘોડા, સો બળદ અને એક હજાર સાઠ ગાયો વગેરે આપ્યાં. વધારામાં અગિયાર બીજા રથો પણ આપ્યા. કક્ષીવાને આ બધું વારાફરતી લઈ જઈને દીર્ઘતમા પાસે જઈ રજૂ કર્યું. અને ત્રિષ્ટુભ છંદની ઋચાથી (ઋ ૧/૧૨૫) સ્વનયનનાં વખાણ કર્યાં. (આ પ્રસંગ બૃહદેવતાના ત્રીજા અધ્યાયના શ્લોકો ૧૪૦ થી ૧૫૦માં વર્ણવાયો છે).
કક્ષીવાને સ્વનયની આ ત્રિષ્ટુભ છંદમાં પ્રશંસા કરી:
मा पुणन्तो दुरितमेन आरन्मा जारिषु: सूरय: सुव्रतास: ।
अन्यस्तेषां परिधिरस्तु क!चिदपृणन्तमभिसंयन्तु शोफा: ॥
(ऋ. १-१२५-७)
પદચ્છેદ :- पृणवन्त:, દાનીઓ અથવા हविष् વગેરેથી દેવો વગેરેને ખુશ કરતા મનુષ્યો; दुरितम्, પાપ કે દુ:ખ; मा आरन् , પ્રાપ્ત કરતા નથી; ये सूरय:, જે વિદ્વાનો; सुव्रतास:, દેવીનું પૂજન કરનારા છે અથવા તો કૃચ્છ-ચાન્દ્રાયણ વગેરે સારાં વ્રતનિયમો આચરનારા છે; मा जारिषु:, (તેઓ) ઘડપણથી ક્ષીણ થતા નથી (ન થાઓ); (પરન્તુ); तेषाम्, તે દાનીઓ તેમજ વિદ્વાનોથી अन्य: બીજો- જુદો એટલે કે દાન કરનારો અને વિદ્વાન ન હોય તેવો; कश्चित्, કોઈક; परिधि:, પાપોને વેઠનારો – ધારણ કરનારો; अस्तु, થાઓ; अपृणन्तम्, દાન ન આપનારને; અથવા તો દેવોને ખુશ ન કરનારને; शोका:, દુ:ખો-શોકો; अभि, સામે જ; संयन्तु, આવી મળો. (એટલે કે દાતા સુખી અને વિદ્વાન અજર હોય છે, એમ સિદ્ધ થાય છે).
આ પ્રસંગ એ બોધ આપે છે કે દાન દેનાર હમેશા સુખી અને કૃતાર્થ થાય છે અને વિદ્વાન હમેશા અજર – ઘડપણ વગરનો બને છે – સદા યુવાન – યુવાનીના ઉત્સાહવાળો બને છે. દાન ન આપનાર સ્વકેન્દ્રી મનુષ્ય પાપ જ ખાય છે. અને દુ:ખી તેમજ શોકમગ્ન જ રહે છે.
(ક્રમશ:)
Your Content Goes Here




