સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ગુણવંત શાહ પોતાના આ વિદ્વતાપૂર્ણ લેખમાં વૈદિક, જૈન અને બૌદ્ધ દર્શનના સમાન તત્ત્વોનું નિરૂપણ કરી દર્શાવે છે કે ભારતની ભૂમિ એ સ્વભાવે જ સમન્વય ભૂમિ છે.
મહાવીર અને બુદ્ધ જન્મ હિન્દુ હતા, ક્ષત્રિય હતા. આ બંને સમકાલીન મહામાનવોએ તે કાળના વૈદિક ધર્મમાં પેઠેલા સડા અંગે ઉહાપોહ (‘ઉહાપોહ’ શબ્દ ચાલુ અર્થમાં નથી લેવાનો. ઉહ એટલે ‘તર્ક’, ‘પરીક્ષણ’ અને ‘અપોહ’ એટલે ‘પ્રતિતર્ક’ કે ‘શંકાનિવારણ’. આમ, ‘ઉહાપોહ’માં ખંડન અને મંડન એમ બંને પ્રસ્થાપનોના મેળથી થતી ચર્ચાનો ભાવ રહેલો છે.) કરીને એક જબરદસ્ત વૈચારિક ક્રાંતિનાં મંડાણ કર્યાં. કાળક્રમે કોઈ પણ ધર્મમાં વિચારજડતા અને સડો પેસે જ છે. ધર્મને છમકારવાનું, એમાં પેઠેલા દોષો દૂર કરવાનું કામ મહામાનવો દ્વારા થતું રહેવું જોઈએ. આમ ન થાય તો વહેણ અટકે અને ધર્મમાં પાખંડ વધી જાય. વૈદિક પરંપરાનાં ઉત્તમ તત્ત્વો લગભગ ભુલાયાં અને એની જગ્યાએ હિંસા, કર્મકાંડ, અંધશ્રદ્ધા, શોષણ, જડબેસલાક વર્ણપ્રથા, અસ્પૃશ્યતા અને પાખંડની બોલબાલા વધી ગઈ. મહાવીર તથા બુદ્ધે લોકો સમક્ષ નવું જીવનદર્શન રજૂ કરીને ક્રાંતિની શરૂઆત કરી. તે વેળાની બ્રાહ્મણ પરંપરાનાં સ્થાપિત હિતો સામે થવાનું જરાય સહેલું ન હતું, પરંતુ મહાવીર અને બુદ્ધમાં રહેલું જન્મજાત ક્ષાત્રતેજ ઉપકારક નીવડ્યું. બ્રાહ્મણોએ એમને હેરાન કરવામાં કશું બાકી નહીં રાખ્યું હોય, પરંતુ નિર્ભય અને નિર્વૈર રહીને બંને મહાનુભાવો પોતાની વાતો લોકો સમક્ષ મૂકતા રહ્યા. લોકોને સમજાય તે માટે સંસ્કૃતને બદલે પ્રાકૃત (અર્ધમાગધી અને પાલી) ભાષાઓ પ્રચલિત કરીને બંને મહામાનવો પોતે જે પામ્યા તેને લોકભોગ્ય ઢબે રજૂ કરતા રહ્યા. બંને નિરીશ્વરવાદી હતા તેથીય તથાકથિત ધાર્મિક લોકોએ એમનો ભારે વિરોધ કરેલો. બંને મહાનુભાવોએ ચંડાળને નીચો ગણીને અળગો ન રાખ્યો અને દીક્ષા આપવામાં ભેદભાવ ન રાખ્યો. વળી, પ્રથમ મહાવીરે અને પછી બુદ્ધે સ્ત્રીઓને મોક્ષનો અધિકાર આપ્યો અને સંઘમાં સ્થાન આપ્યું. એ જમાનામાં સ્ત્રીઓને વેદ ભણવાનો અધિકાર ન હતો; પુરાણ કે ભાગવત વાંચવાની છૂટ હતી.
મહાવીર અને બુદ્ધે જે પરંપરા સામે આવી મોટી ક્રાંતિ કરી તે પરંપરામાં જ એમનાં મૂળ (Roots) હતાં. વળી, એ પરંપરાનાં સારાં તત્ત્વોનો સ્વીકાર ન કરવાનું કોઈ કારણ ન હતું. બંને મહાનુભાવોએ ખુલ્લા મને આમ કર્યું. ખરી વાત તો એ કે, મહાવીર આજના ચીલાચાલુ અર્થમાં ‘જૈન’ ન હતા અને બુદ્ધ ‘બૌદ્ધ’ ન હતા. બંનેએ માણસને બંધનમુક્ત થવાનો રસ્તો બતાવ્યો. જીવનભર તેઓ આ જ કામ કરતા રહ્યા અને પરમ પદને પામ્યા. ભારતની ધર્મવલ્લભ સંસ્કૃતિને પોતાના પ્રદાન દ્વારા તેઓએ ગરિમા અને સ્વચ્છતા બક્ષી, જીવદયાની સંકલ્પનાને મહાવીરે અહિંસાના અને બુદ્ધે કરુણાના વ્યાપક સંદર્ભમાં મૂકી આપી અને જીવનની મૂળભૂત એકતાનો સ્વીકાર કર્યો. મહાવીર તો જીવમાત્ર પ્રત્યેના આદરને સૂક્ષ્મ અર્થમાં સમજાવી અને અહિંસાયુક્ત જીવનદૃષ્ટિની ભેટ જગતને આપી. એમ કરીને એમણે અહિંસાને પરમ ધર્મની ઊંચાઈ પર પ્રતિષ્ઠિત કરી. સમગ્ર માનવ ઈતિહાસમાં મહાવીરના આવા ઉત્કૃષ્ટ પ્રદાનનો જોટો જડવો મુશ્કેલ છે.
વૈદિક, જૈન અને બૌદ્ધ વિચારધારા છેલ્લાં અઢી હજાર વર્ષોથી સમાનાંતરે વહેતી રહી છે. નદીનું મૂલ્ય એમાં કેટલી માછલીઓ તરે છે તે પરથી આંકવાનું ન હોય. જૈનોની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય તેથી જૈનદર્શનની મૌલિકતાનું મહત્ત્વ કોઈ રીતે ઘટતું નથી. આ ત્રણે પરંપરાઓ વડે ભારતીય ઉપખંડનો પિંડ બંધાયો છે. ત્રણે પરંપરાઓમાં રહેલા સમાન તત્ત્વોમાં નીચેની પાયાની સંકલ્પનાઓ રહેલી છે :
(૧) કર્મનો સિદ્ધાંત (કર્મવાદ)
(૨) પુનર્જન્મ
(૩) મોક્ષ (બ્રહ્મનિર્વાણ, નિર્વાણ (ળિવ્વાણં)
વૈદિક (હિંદુ) દર્શન ઈશ્વરવાદી છે જ્યારે જૈન અને બૌદ્ધ દર્શન નિરીશ્વરવાદી છે. જૈન તથા વૈદિક દર્શનમાં આત્માનો તથા પરમાત્માનો સ્વીકાર છે જ્યારે બૌદ્ધ દર્શન આત્માનો સ્વીકાર નથી કરતું. વૈદિક દર્શનમાં અહિંસાનો આદર્શ (દૈવી સં૫દ્) તરીકે સ્વીકાર છે પણ એને કેન્દ્રીયતા આપવામાં નથી આવી. ગીતામાં ,અહિંસા, શબ્દ ચાર વખત વપરાયો છે, પરંતુ સમગ્રપણે હિંદુ ધર્મમાં અહિંસાને ઊંચું આસન આપવામાં નથી આવ્યું. હિંસાના તાંડવ વચ્ચે ઘેરાઈને મહાભારતમાં (ગીતામાં) અહિંસા માંડ ઊભી છે, પરંતુ વ્યવહારમાં અહિંસાનો વિનિયોગ શી રીતે થઈ શકે એની રૂપરેખા ક્યાંય મળતી નથી. એ ખરેખર મળે છે, જૈન દર્શનમાં.
નીચે ત્રણે દર્શનોમાં રહેલી સમાન સંકલ્પનાઓની યાદી આપી છે. એ પરથી ત્રણેમાં રહેલાં સમાન તત્ત્વોનો થોડોક ખ્યાલ આવી શકશે. ખરેખર તો આ એક ઊંડા સંશોધનનો વિષય ગણાય, પરંતુ ત્રણેના ગુરુત્તમ સાધારણ અવયવનો ખ્યાલ મળી રહે તેવા આશયથી અહીં નમ્ર પ્રયત્ન કર્યો છે.
કેટલીક સમાન સંકલ્પનાઓ
વૈદિક દર્શન જૈન દર્શન બૌદ્ધ દર્શન
કર્મ સિદ્ધાંત કર્મ સિદ્ધાંત કર્મ સિદ્ધાંત
કર્મ કર્મ (પરમાણુસમૂહ) કર્મ (સંસ્કારસમૂહ)
પુનર્જન્મ પુનર્જન્મ પુનર્જન્મ
અપરિગ્રહ અપરિગ્રહ આકિંચન્ય આકિંચન્ય
મોક્ષ, નિર્વાણ મોક્ષ, નિર્વાણ (કર્મક્ષય) નિર્વાણ
બ્રહ્મનિર્વાણ (ળિવ્વાણં) અમૃત – પદ
ધ્યાન ધ્યાન ધ્યાન
સ્થિતિપ્રજ્ઞતા કેવલજ્ઞાન, એર્હત્ત્વ સમ્યક્ સમાધિ
બ્રાહ્મીસ્થિતિ અયોગી – કેવલી, જિનત્વ સંબોધિ, બુદ્ધત્વ
વૈરાગ્ય વિરાગચારિત્ર, નિર્વેદ વીતરાગચારિત્ર, વૈરાગ્ય
સમાધિ સમાધિ સમાધિ
સિદ્ધ સિદ્ધ બુદ્ધ
સમત્વ સમતા, મધ્યસ્થભાવ સમતા
સંયમ સંયમ (સંવર) સંયમ, સંવર, નિગ્રહ
—- સંઘ સંઘ
બ્રાહ્મણ શ્રમણ શ્રમણ
આત્મા આત્મા, જીવ —
પરમાત્મા પરમાત્મા, જિન —
ત૫ ત૫ ત૫
આસન આસન આસન
ગુરુ ગુરુ, આચાર્ય ગુરુ, કલ્યાણમિત્ર
અસંગ અસંગ અસંગ
બંધ બંધ સંયોજન, સંયોગ
માર્ગ માર્ગ માર્ગ, પ્રતિપદા
પરલોક પરલોક પરલોક
યોનિ યોનિ યોનિ
મોહ મોહ મોહ
વૈતરણી વૈતરણી —
વ્રત વ્રત વ્રત
સંસાર સંસાર સંસાર
નિવૃત્તિ, સંન્યાસ શ્રામણ્ય પરિવ્રજ્યા
અહિંસા અહિંસા અહિંસા, કરુણા
પ્રજ્ઞા પ્રજ્ઞા (નિશ્ચયન્ય) અચિંત્ય પ્રજ્ઞા
ધર્મ ધર્મ ધર્મ (ધમ્મ)
દર્શન દર્શન દર્શન
દીક્ષા દીક્ષા દીક્ષા
યોગ યોગ યોગ
સાધુ અનગાર, સાધુ, ભિખ્ખુ, સાધુ
મૂઢતા મૂઢતા (લોકમૂઢતા, દેવમૂઢતા, ગુરુમૂઢતા) મૂઢતા
સમચિત્તત્વં સમતા ઉપેક્ષા
ત્યાગ ત્યાગ ત્યાગ
આર્જવ આર્જવ ઋજુક્તા
આ યાદી સંપૂર્ણ નથી, પણ એના પરથી થોડોક ખ્યાલ આવી શકશે. જૈન અને વૈદિક પરંપરા વચ્ચેની સગાઈ ઐતિહાસિક છે. એક ઉદાહરણ આ રહ્યું. ‘પાર્શ્વનાથ’ પહેલાં બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિ થઈ ગયા. એ શલાકા-પુરુષ શ્રીકૃષ્ણના કાકાના દીકરા હતા. શ્રીકૃષ્ણે ગાયની સેવા અને ગોરસ (દૂધ આદિ)નો જે પ્રચાર કર્યો તે ખરી રીતે જોઈએ તો અહિંસક સમાજરચના માટે થયેલો એક મંગળ પ્રયાસ હતો…. રાજર્ષિ નમિ મિથિલાના હતા અને રાજા જનકના વંશજ હતા. એમની આધ્યાત્મિક વૃત્તિનું જૈન આગમમાં સુંદર ચિત્રણ આવે છે. ઇતિહાસમાં વખતોવખત નામો બદલાતાં રહ્યા હશે, પણ આ ધર્મપરંપરા અને સંસ્કૃતિનું મૂળ, સિદ્ધાંત -બીજ તો આજે છે તેનું તે જ હતું – આત્મવાદ અને અનેકાંતવાદ. આ જ આત્મવાદની ભૂમિ પર જૈન – ધર્મ પરંપરાનું કલ્પવૃક્ષ વધતું ગયું છે. જૈનધર્મી સાધુ આજે પણ શ્રમણ કહેવાય છે. શ્રમણ શબ્દ શ્રમ, સમતા અને વિકાર-શમનનો સૂચક છે. (‘સમણસુત્ત’, યજ્ઞપ્રકાશન સમિતિ, ભૂમિપુત્ર, હુજરાતપાગા વડોદરા, પાનું -૧૨)
ભારતની ભૂમિ એ સ્વભાવે જ સમન્વયભૂમિ છે. દુનિયાના તમામ ધર્મોની પ્રયોગશાળા એટલે ભારત. ભારતીય દર્શનના ત્રણ મહાનદ તે, વૈદિક (હિન્દુ) દર્શન, જૈન દર્શન અને બૌદ્ધ દર્શન. આખરે તો કોઈ પણ દર્શન જીવનમાં સંક્રાંત થવું જોઈએ. આ ત્રણે દર્શનોમાં મૌલિક્તા, ઊંડાણ અને સૂક્ષ્મતા રહેલાં છે.
(‘મહામાનવ મહાવીર’માંથી સાભાર)
Your Content Goes Here




