ભૂતકાળને વાગોળવામાં અને ભવિષ્યની ચિંતામાં આપણે વર્તમાનનો આનંદ ખોઇએ છીએ. જીવન જીવવાની કળાનો આ સિદ્ધાંત સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણવત શાહ સંક્ષેપમાં પોતાની આગવી શૈલીમાં રજૂ કરે છે. – સં.

મળસકે પાંચ વાગ્યા છે. સમણાં નાઈટ-ડ્યૂટી પૂરી કરીને પરવાર્યા છે. જીવનમાં એક પછી એક, એમ વર્ષો ઉમેરાતાં જાય છે; હજી વરસોમાં જીવન ઉમેરવાની કળા આવડી નથી. જીવનમાં ઘણી આદતો પડી જાય છે, એમ જીવવાની પણ એક આદત પડી જાય છે. હૃદયને ધબકવાની આદત પડી છે. અને નાક તથા ફેફસાં હવાની અવરજવરથી ટેવાઈ ગયાં છે. હવાની અવરજવર અટકી જાય એટલે માણસ મરેલો જાહેર થાય છે. માત્ર આ અવરજવરને કારણે જ ‘જીવતા’ માણસોની વસ્તી-ગણતરીમાં આપણો નંબર લાગે છે એ આપણું સદ્ભાગ્ય છે.

રોજની ઘટમાળ શરૂ થાય છે. એ જ ટૂથબ્રશ અને પેસ્ટ; એ જ બાથરૂમ, એ જ માથું; એ જ કાંસકી અને ધીરે ધીરે ખબર ન પડે એમ ઘોળા થતા જતા એ જ વાળ. કાળની સેંથીને માણસ કાંસકી વડી સમાર્યા કરે છે. ટેવને કારણે જ નોકરીએ ચઢીએ છીએ અને સાંજે પાછા પણ ફરીએ છીએ. એ જ દીવાનખાનું, એ જ ચાના કપ, એ જ ડાઈનિંગ ટેબલ, એ જ દુનિયાદારી ગપસપ, એ જ બેડરૂમ અને દિવસનું ઉઠમણું. માણસ જન્મે, મોટો થાય, નિશાળે જાય, ભણી રહે, પરણે, સંતાનો થાય, નોકરી કરતો કરતો ઘરડો થાય અને રિટાયર થઈ મરે. આ બધું જાણે ટેવને આધારે જ થયા કરે છે. આ આખી ઘટમાળમાં ક્યાંય ખલેલ ન પહોંચે તો માણસને લોકો સુખી કહે છે. ઘાણીના બળદના જીવન જેટલું એકધારાપણું આપણને એવું તો સદી ગયું છે કે મૃત્યુ એમાં ખલેલ પાડે તે પણ આપણને ગમતું નથી. અરે મૃત્યુના પ્રકારમાં પણ ખલેલ પડે તે આપણને ખૂંચે છે! ખાટલે પડ્યા હોઈએ ને આપણો શ્વાસ બંધ પડે ત્યારે સ્વજનોનાં ડૂસકાં ચાલુ રહે, એ સ્થિતિમાં જ મરવાની ત્રેવડમાં માણસ હોય છે.

કોઈ જરા જુદી રીતે પરણે, જરા જુદી રીતે જીવે, જરા જુદી રીતે કપડાં પહેરે કે જરા જુદી રીતે મરે, એટલે સમાજમાં વાતો થવા માંડે છે. જેમ ડેરીના દૂધમાં એકસરખા ‘ફેટ’ની અપેક્ષા રાખીએ છીએ, તેમ જીવનમાં પણ સમાજે નક્કી કરેલાં ધોરણો પ્રમાણે જ જીવન વિતાવવાની હવે આદત પડી ગઈ છે.

એચ.જી. વેલ્સની એક વાત યાદ આવે છે. એક માણસ માળ પરની બારી આગળ સ્ટેન્ડ પર સાઈકલ ટેકવીને પૅડલ માર્યા કરે છે. પાછલું પૈડું અધ્ધર છે અને પૅડલ મારતો બારીની નીચે રસ્તા પરથી પસાર થતી દુનિયાને જોઈ જોઈને ઘણું ફર્યાનો સંતોષ એ માને છે. માણસ કદાચ જીવનભર આ જ પ્રમાણે પૅડલ મારતો રહે છે.

ભારે વરસાદ અને તોફાનને કારણે એક આદમીનું ઘર પડી ગયું. સામાન ભાંગી ગયો. ઘરવખરી તણાઈ ગઈ અને અનાજ બગડી ગયું. પહેરેલે કપડે એ માંડ બચ્યો અને ઘરની સામે બેસીને ભંગારના ઢગલાને જોઈ જોરથી રડી પડ્યો. એને શરાબ પીવાની ટેવ પડી હતી. ગામલોકોએ આશ્વાસન આપ્યું. એની પાસે બે બાટલી હતી અને તેને છાતીએ વળગાડીને એ રડતો જ રહ્યો. એનું દુઃખ ઘટે એ ઈરાદે ગામલોકોએ એને કહ્યું : ‘ભાઇ, થોડો શરાબ પીને સૂઈ જા. બધું થઇ રહેશે.’ પેલા આદમીએ કહ્યું, ‘આ બાટલી હું નહિ પીઉં. ઈમરજન્સી વખતે કામ આવે તે માટે જ એ રાખી છે.’ આપણા જીવનમાં રોજ ઈમરજન્સી આવે છે, પણ આપણે ચેતનાનો અનાદર કરતા રહીએ છીએ. પ્રત્યેક ક્ષણને ભરપેટ માણવાને બદલે વાયદા પાડતા રહીએ છીએ. ‘ઉધાર બંધ છે’ એવાં પાટિયાં વાંચવા મળે છે પણ જીવનને માણવાની બાબતમાં આપણે ઉધારી ચલાવીએ છીએ. જીવન માણવાની વાત આવે ત્યારે આપણા મોમાંથી ‘ઘર બંધાઈ જાય પછી; બદલી થઈ જાય પછી; દેવું પતી જાય પછી; પરદેશ જવાનું થાય પછી; વાંકડો મળી જાય પછી; વીમો પાકે પછી; વાહન આવી જાય પછી; કૉર્ટનો ચુકાદો આવી જાય પછી’ આમ ‘પછી’માં પુરાઈ મરતી વાર્તાવલિઓ જ નીકળતી રહે છે. જીવનને આપણે વાયદાનો વેપાર બનાવી મૂક્યું છે. જીવનમાં અહીં અને અત્યારે જેવું કશું રહેવા દીધું નથી.

ભૂતકાળનો ઓથાર અને ભવિષ્યનાં સમણાંના ભારથી બેવડ વળી જતી અને નષ્ટપ્રાય થતી વર્તમાન ક્ષણ વીતી જાય છે અને આપણે કટોકટી માટેનું બૅન્ક-બૅલેન્સ સૂંઘતા રહીએ છીએ. ઑસ્કાર વાઈલ્ડે ક્યાંક મજાની વાત કરી છે. એ કહે છે કે જિંદગી એક એવી ઇસ્પિતાલ છે કે જેમાં દરેક દરદી પોતાનો ખાટલો બદલવા તલપાપડ રહે છે. આપણું જીવન એવું તો વાસી થઈ જાય છે કે એક નવું ચલચિત્ર, નવું કૅલેન્ડર, નવું ટૂથપેસ્ટ કે જરા ફેરફાર સાથે આવતી નવી ફેશન પણ આપણને થોડોક ચેન્જ આપી જાય છે.

કલમને પણ લખવાની ખજવાળ આવે છે. સામેના ફ્લાવર બેડમાં કેનાનું મજાનું ફૂલ ખીલ્યું છે. બાગને ખૂણેખાંચરે અજવાળું વેરતી સવારનું એ સ્વાગત કરવા ઊભું છે. બાગમાં રોજ રોજ પુષ્પોની સ્વાગત સમિતિ નિમાય છે. રોજ રોજ ઊગતા સૂર્યનું સ્વાગત થતું રહે છે. કેનાનું ફૂલ આજે સ્વાગત સમિતિના પ્રમુખસ્થાને છે. કલમને સફેદ કાગળ પર કાળી શાહીના ચાસ પાડવાની ટેવ પડી છે. જીવનની ઘટમાળનો આ પણ એક ભાગ જ હશે કે? કલમને પણ લખવાની ‘આદત’ પડી જાય તો?

સામે કૅશિયાના વૃક્ષ પર બેઠેલી ચકલીઓના સૂત્રોચ્ચારમાં આ પ્રશ્નોના જવાબ દબાઈ જાય છે. નવો દિવસ અને જૂનું જીવન હવે શરૂ થાય છે. ઉંમરમાં વરસો ઉમેરાતાં જાય છે. જોન નુવીનનું વાક્ય યાદ આવે છે : ‘કોઈ પણ નવા વિચારના સંપર્કમાં આવતાં તમે જેટલી વેદના અનુભવો તેના પરથી તમારી ઉંમરનો અંદાજ લગાવી શકશો.’

વાળના રંગ પરથી ઉંમરનો અંદાજ લગાવવાની આદત આપણે ક્યારે છોડીશું?

વડોદરા-અમદાવાદ સ્ટેશન પરથી આકાશવાણીના મંગળપ્રભાતના કાર્યક્રમ પહેલાં આજની તારીખ, આજનો વાર વગેરે જાહેર થાય છે. ફેરિયો આવીને છાપું નાખી જાય છે. દૂધવાળો ઘંટડી વગાડે છે.

લાગે તો છે કે હજી આપણે મર્યા નથી. દરરોજ સવારે રેડિયો વાગે છે, છાપું આવે છે, દૂધ આવે છે, બપોરે ઑફિસ જઈએ છીએ, રાત્રે પિકચર જોવા જઈએ છીએ. તેથી આપણે જીવીએ છીએ એવો ‘વહેમ’ રોજ પાકો થતો જાય છે.

Total Views: 604

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.