શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્યોમાંના એક શ્રીમત્ સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે એમણે પોતે લખેલ પુસ્તક ‘અધ્યાત્મ માર્ગ પ્રદીપ, પૃ. ૪૦,૬૭’ માંથી કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે – સં.
‘કોઈ પણ કાર્યમાં સફળ થવા માટે તમારે તે કાર્યને જ તમારા આદર્શ તરીકે લેખવું જોઈએ. તમને એક-બે દિવસ માટે કોઈ કાર્ય કરવાનો શોખ થઈ આવે પણ તેમાંથી રસ ઊડી જાય કે, તરત જ તે કામ છોડી દો. આ બરાબર નથી. શશી મહારાજે (સ્વામી રામકૃષ્ણાનંદે) કામ કેમ કરવું તે પોતાના જીવન દ્વારા બતાવ્યું છે. સોળ વર્ષ સુધી એક જ જગ્યાએ એક જ પ્રકારનું કામ તેમણે કર્યા કર્યું. કોઈ વાર તો તેઓને એટલી બધી મુશ્કેલી પડતી કે, કડવા શબ્દોમાં તેઓ ઠાકુરને અને સ્વામીજીને ગાળો આપતા. છતાંય પોતાને સોંપેલું કામ તેમણે છોડ્યું નહિ.’
અ. : સ્વામીજીને એક વખત પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, ‘જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગમાંથી શ્રેષ્ઠ કયું?’ સ્વામીજીએ જવાબ આપ્યો, ‘એને માટે નકામી માથાકૂટ કરો મા. તમને જે ગમે તે એકને લઈને પૂરી શક્તિથી તને અનુસરો.’
સ્વામી તુરીયાનંદ : ‘કામને ખાતર કામ કરો. તમારું સંપૂર્ણ મન એ કામ ઉપર કેન્દ્રિત થવું જોઈએ. એ કામને જ તમારો આદર્શ, જીવન-સર્વસ્વ બનાવો. સફળતા મળે કે નિષ્ફળતા તેની પરવા કદીય ન કરો.’
માણસના વિચાર અને વચન બંધબેસતાં હોવાં જોઈએ. મન જેની સંમતિ ન આપે તેવાં વચન ઉચ્ચારવાં તે બરાબર નથી. મન જેવો વિચાર કરે છે, તે જ વાણીમાં આવવું જોઈએ. જે શબ્દો એક વાર મોઢામાંથી બહાર નીકળ્યા તે ગમે તે ભોગે પણ પાળવા જોઈએ. જે આમ કરે છે, તેને બધું જ અનુકૂળ બની જતું દેખાય છે. તમે કાલે જે નસીબની વાત કરતા હતા, તેનો કશો અર્થ નથી. જો તેમ હોય તો દુનિયામાં કંઈ કરી શકાય નહિ, પાપ અને પુણ્યનું પણ અસ્તિત્વ હોય નહિ. નિયતિનું ક્ષેત્ર લાગુ પડે છે એકને જ માટે, ભક્તની સંપૂર્ણ નિર્ભરતા – શરણાગતિના કિસ્સામાં જ. આવો ભક્ત યંત્રવત્ કામ કરે છે. તેની અને ઈશ્વરની ઇચ્છામાં કશો ફેર નથી, પણ તેમાંય કસોટી છે – આવા માણસથી કોઈપણ દુષ્કાર્ય થઈ શકે નહિ. તે કદીયે ખોટું પગલું ભરે નહિ.
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥
ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः ।
युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकांचनः ॥
(ગીતા : ૬.૫-૮)
‘માણસે મનની મદદથી આત્માને ઊંચે લાવવો જોઈએ. કદીયે મનને નિરાશ થવા ન દેવું. મન જ મનુષ્યનો મિત્ર છે અને તે જ તેનો શત્રુ છે. જેનું મન જ્ઞાન અને આત્મસાક્ષાત્કારથી સંતોષ પામ્યું છે, જે બધાં સંજોગોમાં એક સરખો રહે છે, જેણે ઇન્દ્રિયોનો સંયમ કર્યો છે, અને જે માટી, પથ્થર કે સોનાના ટુકડાને સમાન દૃષ્ટિએ જુએ છે, તે જ યોગી છે.’
Your Content Goes Here




