જાન્યુ. ’૯૭નો અંક સુંદર બન્યો, વાંચીને આનંદ થયો. નમ્રતાપૂર્વક એક સૂચન કરવાનું મન રોકી શકતો નથી. આપણાં જ્યોતનું સામાજીકરણ કરવાની આવશ્યક્તા જણાય છે. લોકોપયોગી, લોકોને વધુ રસ પડે તેવા લેખો ઉમેરાય તે જોશો, માત્ર તે પ્રચારાત્મક ન રહેવું જોઈએ.
– હરજીવન થાનકી, પોરબંદર

સમાજમાં સદ્વિચારો અને સદાચારના પ્રસાર માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા પ્રકાશિત ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ એક પ્રબળ માધ્યમ બન્યું છે.
– બલદેવભાઈ ઓઝા, રાજકોટ

‘શાંતિ વિશેષાંક’ મેળવી, વાંચી ખૂબ આનંદ થયો. આ અંક માહિતીપ્રદ અને અસરકારક છે.
– દીપક સચદે, માનદ્ મંત્રી, કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકિટવિટિ કાઉન્સિલ, રાજકોટ

અશાંતિની આગમાં સતત શેકાતા આજના ભૌતિક અને ઝડપી યુગમાં શાંતિ વિશેષાંક પોતાની ગોદમાં આવનારને ચોક્કસ શાતા પમાડનારું છે. શબરીના બોરની જેમ મધમીઠા શાંતિ લેખો વાંચીએ છીએ, મિત્ર મંડળને વંચાવીએ છીએ અને દરેક અંકના પ્રત્યેક લેખ દ્વારા નવી પ્રેરણા મેળવીએ છીએ. આધ્યાત્મિક અને સામાજિક જીવનમાં આંગળી ઝાલી આગળ વધારનારા આપના પ્રયત્નો કમાલ છે! ખૂબ ખૂબ ધન્યવાદ! ઈશ્વર આપના કાર્યને પહોંચી વળવા શક્તિ આપે એ જ અભ્યર્થના.
– તૃપ્તિ જે. ગોહેલ, તારાપુર

ડિસેમ્બર માસનો અંક મળ્યો. એક જ બેઠકમાં સમગ્રપણે વાંચી નાખ્યો. શું થાય? એક મહિનાથી લાગેલી ક્ષુધાને તો તૃપ્ત કરવી પડે ને! આંધ્રપ્રદેશમાં મિશનનાં રાહતકાર્યોનો લેખ વાંચી ખૂબ જ હર્ષ થયો. સંપદ તવ શ્રીપદ, સ્વામીશ્રી વીરેશ્વરાનંદજીનો લેખ, શાંતિ અને ટ્રેન્કિવલાઈઝરો વગેરે તથ્યપૂર્ણ જણાયા. જ્યારે આધુનિક યુગનો રાહ ભૂલેલો યુવાન રામકૃષ્ણના સંપર્કમાં આવે છે ત્યારે ૧૮૦૦નું પરિવર્તન પામે છે.
– ગૌરાંગકુમાર એમ. ભાવસાર, સરખેજગામ

આપના તરફથી મોકલેલ બન્ને અંકો મળી ગયા છે. આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખરેખર બન્ને અંકો સુંદર છે. મારું માનવું એવું છે કે આ માસિકમાં ઉપનિષદ વિશે પણ કંઇક લખાય. રેગ્યુલર કૉલમ શરૂ થવી જોઇએ.
– હિતેશ ઍસ.ગોહેલ, ભરૂચ

‘શિક્ષણ વિશેષાંક’થી હું ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો વાર્ષિક ગ્રાહક બન્યો છું. ત્યારથી ડિસેમ્બર ૧૯૯૬ સુધીના અંકો મને નિયમિત મળ્યા છે, નિવૃત્ત શિક્ષક છું પણ બધા અંક સારા વિદ્યાર્થીની રીતે અક્ષરશઃ વાંચું છું. અનેક પાનાની અનેક લીટીઓ નીચે અંડર લાઈનો કરું છું. દરેક અંકના ત્રણ ત્રણ વખત રિપિટિશન કરેલ છે. બીજાં ઘણાં મૅગૅઝિનોની જેમ આપણા મૅગૅઝિનમાં અનુસંધાન પાના જેવું નથી હોતું એ વિશેષતાને લીધે રસક્ષતિ નથી થતી એ ખૂબ ગમ્યું. રાષ્ટ્રીય ચારિત્ર્યને નુકસાનકર્તા અનેક મૅગૅઝિન – ટી.વી. સિનેમા જેવા માધ્યમોની સામે એ પ્રદૂષણને ખાળવા માટેની એક મજબૂત દિવાલ સમાન ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો દરેક સમજદાર નાગરિક ઋણી ગણાય. આ ‘જ્યોત’નો પ્રકાશ વિશ્વમાં ફેલાય અને એના સાત્ત્વિક ઉજાસમાં આજના વર્તમાન અનેક ક્ષેત્રોમાંના અંધારા ઉલેચાય એવી લાગણીભરી શુભેચ્છા.
– હસુભાઈ ઠાકર, ચોટીલા

આ વખતનો દીપોત્સવી અંક ખરેખર સુંદર હતો. રૅફરન્સ માટે રાખી મૂકવા જેવો છે.
– સીતા ગાંધી, અંક્લેશ્વર

આ વખતના અંકના બધા લેખો ખૂબ જ ગમ્યા છે. ‘ચાલ્યા અમે’ ગઝલ તેમ જ શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા ‘આળસુ ખેડૂત’ ખૂબ જ ગમી. અંકમાં એક બે ગઝલ આવે છે, વધારે ગઝલ આવે એવી અપેક્ષા.
– ગીજુ એલ.પુરોહિત, સાવરકુંડલા

તમારો દિવાળી અંક તેમ જ ત્યાર પછીનો અંક ડિસેમ્બર ૯૬ સવિશેષ રહ્યા. ભવિષ્યમાં આવો વિશેષાંક આપતા રહેશો એવી અપેક્ષા છે. આપશ્રીને સૂચન છે કે તમો તમારા અંકમાં ‘અરસ-પરસ’ જેવો પત્રવ્યવહાર ચાલુ કરશો તો તેમાં તમોને ઘણાં સૂચન મળી શકશે. રામકૃષ્ણ આશ્રમની વિશેષ પ્રવૃત્તિ જાણી ઘણો આનંદ થાય છે. યુવાનોમાં વધુ ને વધુ આ માસિક વંચાય એ જરૂરી છે.
– ધર્મેન્દ્ર કાબરવાલા, ભરૂચ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ વિશે શું લખું? બધા અંકોમાં – જીવન ઉત્તરોત્તર આધ્યાત્મિક દિશા તરફ આગળ વધે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય એવી સામગ્રી મળતી રહી. બે વિશેષાંકોની માહિતી અને લેખો ખૂબજ ગમ્યા. આગામી વર્ષમાં ગીતા વિશેષાંક/યુવા વિશેષાંક પ્રકાશિત થાય તેમ કરશો.
– આર. વી. પાંધી, પોરબંદર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના દીપોત્સવી અંકને તો બે વખત વાંચી ગયો. દરેક વખતે એક તાજગીનો અનુભવ થયો. તેમાંય હિમાલયની ગોદમાં વસેલાં આધુનિક શાંતિધામોનો લેખ તો વારંવાર વાંચવાનું મન થાય છે. જાન્યુ’૯૭નો અંક પણ મળ્યો. વાંચીને આનંદ થયો. ગુણવત્તાસભર સુંદર લેખો પ્રગટ કરીને સાચા અર્થમાં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ‘જ્યોત’ પ્રગટાવે છે.
– ભૂપેન્દ્ર આર. પટેલ, ડભોઈ

Total Views: 146

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.