શ્રીરામકૃષ્ણ – ભકતમાલિકા-દ્વિતીય ભાગ, લે. સ્વામી ગંભીરાનંદ, પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, ૧૯૯૨ અનુવાદક: શ્રીમતી જ્યોતિબહેન થાનકી, મૂલ્ય રૂ. ૫૬/-

શ્રીમદ્ ભગવદ્ગીતાના ત્રીજા અધ્યાયના અંત સુધીનો શ્રીકૃષ્ણ અને અર્જુનનો વાર્તાલાપ જોતાં અર્જુનને અને શ્રીકૃષ્ણાવતારથી અજાણ વાચકને પણ, શ્રીકૃષ્ણ અતીવ બુદ્ધિશાળી, ચિંતનસભર, ઊંડી સમજવાળા અને ધીરગંભીર પ્રકૃતિના તથા ગમે તેવી મૂંઝવણભરી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાનું સામર્થ્ય ધરાવતા લોકોત્તર મનુષ્યરૂપે દેખાય છે. પરંતુ, ચોથા અધ્યાયના આરંભમાં તેઓ કહે છે કે ‘આ યોગ મેં પૂર્વે વિવસ્વાનને કહ્યો હતો, એણે મનુને …એમ આગળ ચાલતાં, કાલક્રમે એ નષ્ટ થયો હતો અને, તું મારો પ્રિય ભક્ત છે, મિત્ર છે તેથી તને કહું છું!’ આ શબ્દો સાંભળી અર્જુનના મનમાં શંકાનો કીડો સળવળવા લાગે છે ને તે, વિવેકપૂર્ણ ભાષામાં શ્રીકૃષ્ણને પૂછે છે: ‘તમારો જન્મ હમણાં થયો છે, વિવસ્વાન પૂર્વે થઈ ગયા. તો, તમે એને અગાઉ કહ્યું હતું. તે મારે કેમ સમજવું?’ યુદ્ધમાં લડવા ન લડવા બાબતની અર્જુનની મૂળ સમસ્યાને એનો આ સવાલ બાજુએ હડસેલી દે છે અને, એના આ પ્રશ્નના ઉત્તરથી આરંભાતો ગીતાનો જુદો લાગતો પ્રવાહ વહેતો-વહેતો દસમા અધ્યાયે આવી ઊભે છે. ત્યાં એ પ્રચંડ વેગ ધારણ કરે છે. ત્યાં, અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં, શ્રીકૃષ્ણ ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે.

અર્જુનની ઉત્કંઠા વધારે જાગૃત થાય છે અને પોતાની ખાતરી માટે, એ વિવેકપૂર્ણ ભાષામાં, શ્રીકૃષ્ણના પરમ ઐશ્વર્યમયરૂપને જોવા માટે પ્રાર્થે છે. ‘ઠીક ત્યારે, એ રૂપે ય જોઈ લે. પણ એ જોવા માટે હું તને દિવ્ય દૃષ્ટિનું પ્રદાન કરું છું’, કહી પોતાના દિવ્ય, વિરાટ, વિશ્વવ્યાપી વિશ્વરૂપનું દર્શન, ભગવાન અર્જુનને કરાવે છે. એ ભવ્યાતિભવ્ય વિશ્વરૂપમાં, અગાઉ વર્ણવેલી અને નહીં વર્ણવેલી બધી વિભૂતિઓનું આંખો આંજી નાખતું દર્શન એકી સાથે અર્જુનને સાંપડે છે.

શ્રીરામકૃષ્ણ મિશનના દિવંગત પરમાધ્યક્ષ સ્વામી ગંભીરાનંદજી મહારાજે ‘શ્રીરામકૃષ્ણ-ભક્તમાલિકા’ના બે ભાગમાં આપણને શ્રીરામકૃષ્ણ પરમહંસના મુખ્ય શિષ્ય – અને ભક્ત-વૃંદરૂપી વિભૂતિઓનું પૃથક્ દર્શન કરાવવાની સાથે સાથે, એ દરેકમાં અનુસ્યેત રહેલી, એ દરેકમાંથી હેરણાં હેરતી શ્રીરામકૃષ્ણની સર્વવ્યાપી મૂરતનુંયે અદ્ભુત દર્શન કરાવ્યું છે. આ દિવ્યભાવ પ્રેરક, અદ્ભુત પુસ્તકનું શીર્ષક ‘શ્રીરામકૃષ્ણ-ભક્તમાલિકા’ પદ સંયોજિત છે એ પણ, જાણે કે અનાયાસપણે, શ્રીરામકૃષ્ણ અને આ સર્વ વિભૂતિઓ વચ્ચેના અવિનાભાવી બંધનું સૂચન કરતું નથી લાગતું?

‘ભક્તમાલિકા’ના પ્રથમ ભાગમાં, શ્રીરામકૃષ્ણના બાર અંતરંગ પાર્ષદો કે, જ્યોતિર્ધરો, શ્રીરામકૃષ્ણ સાથે તાણાવાણાની માફક કેવી રીતે વણાઈ ગયા તેની કથા છે તો, આ બીજા ભાગમાં ચાર સંન્યાસી શિષ્યો, વીસ ગૃહસ્થ ભક્તો અને છ ત્યાગી, તપસ્વિની નારી રત્નોના જીવનમાં શ્રીરામકૃષ્ણ કેવી રીતે મેઘની જેમ છવાઈ ગયા અને એમની ૫૨ અમૃતની વર્ષા વરસાવી ગયા તેની મધુર કથા છે.

આ ત્રીસ ભક્તોમાંથી એક, રાણી રાસમણિ સને ૧૭૯૩માં જન્મેલાં હતાં તે અને એ રાણીના જમાઈ તથા એમની જમીનજાયદાદ અને માલમિલક્તના વહીવટદાર મથુરનાથ વિશ્વાસ – પુસ્તકમાં એમની જન્મ તારીખ નથી અપાઈ, એ સાસુજમાઈ બંને શ્રીરામકૃષ્ણના કરતાં વયમાં મોટાં હતાં. રાણી રાસમણિ શ્રીરામકૃષ્ણ કરતાં તેતાળીસ વરસ મોટાં હતાં અને શ્રીરામકૃષ્ણે રાણીના કાલીમંદિરમાં પૂજારી થવાનું સ્વીકાર્યું અને એ રીતે તે બંનેનો પરિચય થયો ત્યારે, રાણી રાસમણિ પૂરાં ત્રેસઠ વરસનાં હતાં. મોટાભાઈ રામકુમારની આંગળી પકડીને દક્ષિણેશ્વર ગયેલા શ્રીરામકૃષ્ણ ત્યારે ઓગણીસ વરસના, લવરમૂછિયા, યુવાનીને ઉંબરે પગ મૂકતા છોકરડા હતા. રાણીના જમાઈ મથુરબાબુ પણ અનુમાન છે કે, શ્રીરામકૃષ્ણથી પચ્ચીસ-ત્રીસ વર્ષ મોટા હશે.

શ્રીરામકૃષ્ણ કામારપુકુરને ગામડેથી આવતા હતા, પોતાના મોટાભાઈ રામકુમાર જેવા વેદપારંગત કે શાસ્ત્રજ્ઞ ન હતા એ તો ઠીક, તેઓ બહુ જ થોડું ભણેલા હતા, કશાં સાધના તપસ્યા કર્યાં ન હતાં. રાણી અને મથુરબાબુ માલિક અને ‘મોટા માણસ’ હતાં અને પોતે તેમના મંદિરમાં પૂજારી તરીકે જોડાયેલા તાજા જ આશ્રિત કર્મચારી હતા તે છતાં, બીજા કેટલાક કર્મચારીઓને ધૂની, પાગલ લાગતા ભટ્ટાચાર્ય મહાશય, વયમાં પોતાથી મોટાં, પોતાનાં આશ્રયદાત્રી, એ સર્વ સંપત્તિનાં માલિક રાણી રાસમણને ભજન સંભળાવતાં અચાનક અટકી જઈ, તમાચો મારી, ‘અહીં પણ સાંસારિક ચિંતા?’ બોલ્યા ત્યારે અવધિ આવી ગઈ હતી.

મંદિરના નાનામોટા સૌ કર્મચારીઓમાં દેકારો મચી જાય એવું આ ધૃષ્ટ કૃત્ય હતું, એ બધા એ સમયે ત્યાં દોડી આવ્યા હશે અને નાના ભટ્ટાચાર્યને પાંસરા કરવાનો અને એમ કહી રાણીને તથા મથુરબાબુને વહાલા થવાનો, મોકો ઠીક હાથ આવ્યો એમ માનતા હશે. કોઈકના હાથમાં તો ચળેય આવતી હશે. કરી નાખીએ એ પાગલને પાંસરો ત્યારે, એ રીતે જાહેરમાં પોતાના પર હાથ ઉગામનાર આશ્રિત બ્રાહ્મણ છોકરડા પર ક્રોધ કરી એને કશી શિક્ષા ફરમાવવાને બદલે રાણી રાસમણિ નિખાલસ એકરાર કરે છે: “ભટ્ટાચાર્ય મહાશયનો કોઈ દોષ નથી. તમે લોકો એમને કંઈ ન કરશો.” (પૃ. ૨૯૨) અને રાણી પરના ‘હુમલા’નો બદલો લેવા એકઠા થયેલા, રોષે ભરાયેલા કર્મચારીઓને પાછા કાઢી, સૌને આશ્ચર્યચકિત કરી દે છે.

આ નાનકડા પ્રસંગમાં રાણીરાસમણિની સત્યનિષ્ઠા તો જોવા મળે જ છે પણ, એ રાણીમાં એ સત્યનિષ્ઠાને પ્રેરનારા શ્રીરામકૃષ્ણમાં નિહિત રહેલા ગુરુભાવના દૈવી તત્ત્વના પાણી પરના પ્રભાવનું પણ દર્શન આપણને થાય છે. કદાચ રાણીને એ તત્ત્વની ઝાંખી થઈ એની પૂર્વે એની ઝાંખી મથુરબાબુને થઈ ગઈ હશે. ઉપર્યુક્ત પ્રસંગ ઉપરાંત, ગોવિંદજીની મૂર્તિનો પગ ખંડિત થયો ત્યારે શ્રીરામકૃષ્ણે જે કહ્યું તે પ્રસંગમાં (પૃ.૨૯૧-૨૯૨), શિવમંદિરવાળા પ્રસંગમાં (પૃ.૯૪) કે લાલ ફૂલના જાસૂદ વૃક્ષપર ખીલેલા સફેદફૂલના પ્રસંગમાં (પૃ.૯૩) તથા, પૂર્વ-પશ્ચિમ વરંડામાં આંટો મારતા ઠાકુરમાં, હિસાબમાં ડૂબેલા મથૂરબાબુને થયેલાં મા અને મહાદેવનાં ભિન્નભિન્ન દર્શનોવાળા પ્રસંગમાં (પૃ.૯૬) ઠાકુરની આવિર્ભૂત દિવ્ય શક્તિના પ્રભાવની જ ઝાંખી થાય છે.

આ પુસ્તકમાં ત્રીસ વ્યક્તિઓના ઠાકુર-સંબંધની કથા આપવામાં આવી છે. આ તેમની જીવનકથા નથી. એ પ્રત્યેક વ્યક્તિ શ્રીરામકૃષ્ણના સંબંધમાં કેવી રીતે આવી, એ સંબંધ કેવી રીતે વિકસતો ગયો અને એ દરેકના જીવનમાં, નજીકથી કે દૂરથી પોતાની હયાતી દરમિયાન કે પોતાના મહાનિર્વાણ પછીથી, ઠાકુર કેવા છાઈ રહ્યા છે તે આ પવિત્ર ગ્રંથને પાને-પાને આપણને જોવા મળે છે. શ્રીરામકૃષ્ણની આ વિભૂતિઓ અનેક બાબતોમાં એકમેકથી ભિન્ન છે. સમૃદ્ધિને શિખરે બેઠેલાં રાણી રાસમણિ કે ગરીબ ગોપાલ મા હોય, વ્યવહારમાં રમમાણ રહેતા મથુરાનાથ હોય કે સંસારથી સર્વથા અલિપ્ત રહેતા નાગમહાશય હોય, પિતા તરફથી લગ્ન માટે દબાણ થતાં ઘરનો ત્યાગ કરનાર શારદાપ્રસન્ન (સ્વામી ત્રિગુણાતીતાનંદ) હોય કે પિતાની આજ્ઞાને વશ વર્તી લગ્ન કરનાર પૂર્ણચન્દ્ર ઘોષ હોય, ગિરીશ જેવો મહાન નાટ્યકાર હોય, મહેન્દ્રનાથ ગુપ્ત (માસ્ટર મહાશય) જેવો અધ્યાપક હોય, ત્રેસઠ વર્ષનાં રાસમણિ હોય કે નવ વર્ષનો ગંગાધર (સ્વામી અખંડાનંદ) હોય, વ્યસન અને વ્યભિચારમાં રાચતા ગિરીશ ઘોષ હોય કે શુચિતાની મૂર્તિસમા ગૌરી મા હોય, કૃપાસિંધુ રામકૃષ્ણ પ્રત્યેકના જીવનમાં આધ્યાત્મિકતાનાં અમીનું સિંચન કરવામાં નિમિત્ત બન્યા હતા. આમાં અપવાદરૂપ હતા, હરમોહન. સ્વામી વિવેકાનંદના એ સહાધ્યાયી મિત્રને ‘સાંગોપાંગ’ ભક્તવર્ગમાં મૂકવા છતાં (પૃ. ૨૫૦), હરમોહને લગ્ન કર્યા પછીથી એમની પ્રત્યે ઠાકુર થોડા ઉદાસીન બની ગયા હતા અને વિશેષ તો એ કે ૧૮૮૬ના જાન્યુઆરીની પહેલી તારીખે, કાશીપુરના ઉદ્યાનગૃહમાં અહૈતુક કૃપાસિંધુ ઠાકુર બધા ભક્તો પર “ચૈતન્ય થાઓ” બોલતાં કૃપાવૃષ્ટિ કરવા લાગ્યા હતા ત્યારે, માત્ર હરમોહનને ઠાકુરે કહ્યું હતું! “આજે રહેવા દો” (પૃ. ૨૫૮) આ માટે ઠાકુરને પોતાનું કારણ હશે જ. રુચિ, પ્રકૃતિ, આર્થિક સ્થિતિ, સામાજિક દરજજો, જ્ઞાતિ, બૌદ્ધિક પ્રતિભા, ચૈતસિક કક્ષામાં ગમે તેટલી ભિન્નતા હોય, આ ત્રીસેય વ્યક્તિઓ અને પ્રથમ ભાગમાં જેમને વિશે કહેવામાં આવ્યું છે તે બાર પણ ખરી – શ્રીરામકૃષ્ણ પરમહંસની વિભૂતિઓ જ છે. ને વિભૂતિઓ કદી સમાન હોઈ શકે નહીં. ઈન્દ્રધનુષના આપણી આંખે દેખાતા અને નહીં દેખાતા, એના બહારના તથા અંદરના અને એનાં બે દૂરતમ બિંદુઓની વચ્ચે આવેલા બધા રંગો, રંગોનાં બધાં મિશ્રણો, બધી આભાઓ ને છટાઓ સમી એ સૌ વ્યક્તિઓ ઠાકુરની શ્રીમત, ઊર્જિત, ભિન્ન વિભૂતિઓની પાછળથી ઠાકુરનું સર્વવ્યાપી લીલામય સ્વરૂપ લટકાં કરી રહ્યું છે, દરેકને હૃદયપાલણે ઠાકુર ઝૂલી રહ્યા છે, દરેકના આત્મદર્પણમાં ઠાકુર પ્રતિબિંબિત થઈ રહ્યા છે.

એ પ્રત્યેક ભક્તનું વિશિષ્ટ વ્યક્તિત્વ ખીલવવામાં સહાયરૂપ થવું એ ઠાકુરની વિશિષ્ટતા હતી. કોઈનાયે મનમાં કશું ઠોકી બેસાડવામાં આવતું ન હતું, કોઈનેયે પોતાના વલણમાં કશું જ પરિવર્તન કરવાનું કહેવામાં આવતું ન હતું – શરાબી ગિરીશ નશાનાં તોરમાં ગાડીમાં બાટલી ભૂલી આવ્યા હતા તે કોઈ પાસે તે મગાવી શ્રીરામકૃષ્ણે તેને આપી હતી – અને છતાં સૌ પોતપોતાની રીતે આધ્યાત્મિક ઉન્નતિ સાધતું હતું. ઠાકુર પાસે બધાના જ કક્કા ખરા હતા અને સૌ તે ઘૂંટી ઉત્તમ પ્રાવીણ્ય પ્રાપ્ત કરી શકતાં હતાં. અભણ જેવાં ગોપાલની માને મુખેથી, ગોપાલપ્રેર્યો, ઉત્તમ બોધ ઝરી શકે છે. દૂર અમેરિકાથી જગદ્ગુરુ વિવેકાનંદ ગૌરી માને બિરદાવી શકે છે, ભાષાના, વર્ણના, વયના, શિક્ષણના, સંસ્કૃતિના બધા ભેદ ભૂલી ભગિની નિવેદિતા લક્ષ્મીદીદી સાથે એકાત્મતા સાધી તરેહતરેહના વેશમાં જોડાઈ શકે છે (પૃ.૩૪૪-૩૪૫). લક્ષ્મીદીદી અને યોગિનમા તથા અન્ય સ્ત્રી ભક્તો, આચારને તિલાંજલી આપી નિવેદિતા, શ્રીમતી બુલ, શ્રીમતી મૅકલોડ જેવી પરદેશી સ્ત્રી ભક્તો સાથે તાદાત્મ્ય સાધે છે તેની પાછળ, તેમને જોડતું રામકૃષ્ણ-વિવેકાનંદનું અને રામકૃષ્ણ-શારદામાનું અદૃશ્ય સૂત્ર રહેલું છે. ‘ભક્તમાલિકાના આ ભાગમાં જેમની કથા આલેખાયેલી છે તે સૌ વ્યક્તિઓના જીવનમાં શ્રીરામકૃષ્ણ કેટલા ને કેવા વ્યાપેલા છે તે, આ પ્રત્યેક કથાની પંક્તિએ પંક્તિએ જોવા મળે છે. ઠાકુર પોતાની અસાધારણ શક્તિ અને કૃપા વડે કોઈનો જીવ મુકદ્દમામાંથી, કોઈનો જીવ ભેટમાં મળેલાં ચાર લુંગડાંની બચકીમાંથી અને કોઈના મનમાંથી ક્રોધને, બહાર કાઢે છે. તેમના સંપર્કમાં આવનાર પ્રત્યેકનું ઠાકુર ઊર્ધ્વીકરણ કરે છે.

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકે – એમની કથા પણ આ ગ્રંથમાં છે, તેમણે પોતાના અદ્ભુતસુંદર ભાવનિર્ઝર ગ્રંથમાં અનેક વાર ‘આનંદના બજાર’નો ઉલ્લેખ કર્યો છે. સ્વામી ગંભીરાનંદજીની આ ‘ભક્તમાલિકા’માં એ આનંદ બજારના બજારિયાઓને આપણે નાચતા, રાચતા, ગાતા, અરે, મૃત્યુની સન્મુખેય આનંદતા જોઈએ છીએ. શ્રીરામકૃષ્ણની પરમકૃપાથી તેઓ સૌ ‘અમૃતનાં સન્તાનો’ બની ગયાં છે.

સ્વામી ગંભીરાનંદજી પોતે, ઠાકુરના શિષ્ય અને શ્રીરામકૃષ્ણ મિશનના દ્વિતીય ૫૨માધ્યક્ષ સ્વામી શિવાનંદજી-ઠાકુરના તથા વિવેકાનંદ વગેરે ગુરુભાઈઓના પ્રિય ‘તારક’ના શિષ્ય હતા. આ ‘ભક્તમાલિકા’ના લેખન માટે જે ગ્રંથોનો આધાર ગંભીરાનંદજીએ લીધો છે તે સર્વના વાચન ઉપરાંત, તેમણે શિવાનંદજી પાસેથી તથા તેમની પાસે આવતા-જતા તેમના કોઈને-કોઈ સમવયસ્કો પાસેથી આ બધી વિભૂતિઓ વિશે કેટલીયે હિંસક વાતો સાંભળી હશે. આ ‘ભક્તમાલિકા’માંની કોઈ વ્યક્તિનું દર્શન કરવાનું સદ્ભાગ્ય પણ તેમને સાંપડ્યું હશે. આમ તેમણે આ બધી વિભૂતિઓ વિશે કેટલીયે રસિક વાતો સાંભળી હશે, વાંચી હશે. એથી તેઓ આ ભક્તિરસભરપુર કથા લખવા અને એ રીતે પોતે માણેલા આનંદમાં વિશાળ જનસમુદાયને સહભાગી બનવા પ્રેરાયા હશે.

સ્વામી ગંભીરાનંદજીની શૈલી મહાનદ ગંગાના પ્રવાહ સમી ધીરગંભીર છે. ગંગાના વક્ષસ્થળ પર તરતી નૌકાઓ સમા વિવિધ પ્રસંગોનું મધુર નિરૂપણ તેમાં થયેલું જોવા મળે છે. આ ગંગાનાં નીર વાચકની વિષયતૃષ્ણા વિગત કરવામાં સહાયરૂપ બને અને સકલકલુષનો ભંગ કરે તેવાં પાવક અને પુણ્યાત્માઓનો સંગ કરાવનારાં છે.

આવા ભક્તિપ્રેરક, ચારિત્ર્યશીલ, ગુણના પુંજ સમાં નરનારી રત્નોનું તેજ સુંદર અનુવાદ દ્વારા ગુજરાતમાં રેલાવવાના મંગલ કાર્ય બદલ સૌ સુજ્ઞ વાચકો શ્રીમતી જ્યોતિબહેન થાનકીનાં ઋણી રહેશે.

– દુષ્યંત પંડયા

Total Views: 98

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.