[સ્વામી વિવેકાનંદે મૂળ બંગાળીમાં લખેલા પ્રથમ લેખ “વર્તમાન ભારતના મહાપ્રશ્નનો ઉકેલ”ના ભાષાંતરમાંથી સંકલિત.
તારીખ 14મી જાન્યુઆરી, 1899ના રોજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન તરફથી શરૂ કરાયેલ પાક્ષિક (પાછળથી માસિક) “ઉદ્બોધન” માટે આ લેખ પ્રવેશક તરીકે લખાયેલો હતો. –સં.]
આપણી પાસે એ હોવું જોઈએ કે જે આપણી પાસે નથી, કદાચ જે આપણા પૂર્વજો પાસે પણ નહોતું અને જે યવનો પાસે હતું; એ છે જબરજસ્ત શક્તિવાળો વિદ્યુતમય પ્રવાહ, કે જે એના પ્રાણસ્પંદનથી ધકેલાઈને યુરોપના વિશાળ ડાઈનેમોમાંથી સતત અને ઝડપભેર બહાર નીકળીને આખી દુનિયાને ચેતનાપૂર્ણ કરી મૂકે છે. આપણે એ જોઈએ છે. આપણે જોઈએ છે એ શક્તિ, એ સ્વાતંત્ર્યપ્રેમ, એ સ્વાશ્રયની ભાવના, એ અડગ સાહસ, એ કર્મકૌશલ્ય, એ એક જ લક્ષ્યસાધના, એ સુધારાની તૃષા. હંમેશાં ભૂતકાળ તરફ જોવાનું જરા સંયમમાં રાખીને, અનંત સુધી લંબાતી વિસ્તૃત દૃષ્ટિ આપણે જોઈએ છે. અને આપણે જોઈએ છે બળવાન રજોગુણ, ક્રિયાશીલતા કે જે આપણી નસેનસમાં આપાદમસ્તક થનગની રહી હોય.
ત્યાગ સિવાય વધારે શાંતિદાયક બીજું શું હોઈ શકે ? શાશ્વત સુખની સરખામણીમાં જરાક જેટલું સંસારનું ક્ષણભંગુર સુખ કંઈ વિસાતમાં નથી, એમાં તો શંકા જ નથી. સત્ત્વગુણ સિવાય બીજું શું વધારેબળ આપી શકે ? એ ખરેખર સાચું છે કે આત્મજ્ઞાનની સરખામણીમાં બીજાં બધી જાતનાં જ્ઞાન-અજ્ઞાન જ છે. પરંતુ હું પૂછું છું કે એ સત્ત્વગુણ મેળવવાને ભાગ્યશાળી દુનિયામાં કેટલા છે ? આ ભારતની ભૂમિમાં કેટલા છે ? “હું” અને “મારા”નો ખ્યાલ ખંખેરી નાખીને સર્વસ્વનો ત્યાગ કરી શકે એ ખાનદાનીભર્યું શૌર્ય કેટલાવામાં છે ? દુનિયાના ભોગોને સાવ પોકળમાં પોકળ દર્શાવનાર જ્ઞાનની દીર્ઘદૃષ્ટિ રાખવાવાળા ધન્ય પુરુષો કેટલા છે ? દિવ્ય આત્માના સૌંદર્ય અને મહિમાનું ધ્યાન કરતાં-કરતાં જેને પોતાના શરીરની પણ વિસ્મૃતિ થઈ જવાનો સંભવ હોય, એવો વિશાળહૃદયી માનવી ક્યાં છે ? આખા ભારતની વસ્તીના પ્રમાણમાં એવા તો માત્ર મુઠ્ઠીભર છે; અને આ લોકો પોતાની મુક્તિ મેળવે એટલા સારુ ભારતના લાખો-કરોડો નરનારીઓએ શું આજના પ્રચલિત સમાજ અને ધર્મના ચક્ર નીચે કચડાવાનું ?
અને આવા કચ્ચરઘાણમાંથી સારું શું નીપજી શકે ?
તમે જોતા નથી કે આ સત્ત્વગુણને બહાને દેશ ધીમેધીમે તમસ યાને ઘોર અંધકારના સાગરમાં ડૂબતો ચાલ્યો છે ? જ્યાં જડમાં જડ મનુષ્ય, શારીરિક કે માનસિક સર્વ કર્મોથી પર એવા સર્વોચ્ચ જ્ઞાનની ખોટી ઇચ્છા તળે પોતાની જડતાને છુપાવવાની આકાંક્ષા સેવે છે, જ્યાં આળસમાં જન્મીને આજીવન આળસમાં ઉછરેલો માનવી કામ કરવાની પોતાની અયોગ્યતા ઉપર ત્યાગ-વૈરાગ્યનું ઓઢણું ઓઢાડવા ઇચ્છે છે, જ્યાં રાક્ષસી સ્વભાવના માણસો પોતાની ક્રુરતાને તપસ્યાના ઓઢણા નીચે ધર્મના અંગ તરીકે દેખાડવા માગે છે, જ્યાં દરેકેદરેક માણસ પોતાની અણઆવડતનો વિચાર સરખો કર્યા વિના બધો જ દોષ બીજાઓ પર ઢોળી નાખવા તૈયાર છે, જ્યાં કેટલાંક પુસ્તકો કંઠસ્થ કરી નાખવામાં જ બધું જ્ઞાન સમાઈ જાય છે, જ્યાં બીજાઓના વિચારોને વાગોળવાને મહામેઘા ગણવામાં આવે છે અને જ્યાં પૂર્વજોનાં નામ લેવામાં ભારેમાં ભારે ગૌરવ સમાયું છે, ત્યાં દેશ તદ્દન તમોગુણની ગર્તામાં દિનપ્રતિદિન ડૂબતો જાય છે એ બતાવવા બીજા કોઈ પ્રમાણની જરૂર ખરી ?
એટલા માટે સત્ત્વ એટલે કે સંપૂર્ણ પવિત્રતા અત્યારે તો આપણાથી ઘણી દૂર છે. આપણામાંથી જેઓ હજી સંપૂર્ણ પવિત્ર પરમહંસ અવસ્થાને પહોંચવાને યોગ્ય નથી પણ તેવા થવાની આશા રાખે છે, તેમને માટે રજસ એટલે કે પ્રખર ક્રિયાશીલતા મેળવવી એ વધુમાં વધુ લાભદાયક છે. રજોગુણમાંથી પસાર થયા વિના માણસ સંપૂર્ણ સત્ત્વગુણની આશા શી રીતે રાખી શકે ? પહેલાં ભોગની તૃષા છિપાવ્યા વિના માણસ ઈશ્વર સાથે યોગની આશા શી રીતે રાખી શકે ? ભોગસુખની બધી મનોહરતા પ્રત્યે આસક્તિનો અભાવ યાને વૈરાગ્ય જ્યાં ન હોય ત્યાં ત્યાગ શી રીતે આવી શકે ?
બીજી બાજુએ રજોગુણ, ઘાસના ભડકાની પેઠે આવતાંની સાથે જ ઓલવાઈ જવાનો સંભવ છે. સત્ત્વની હાજરી અને નિત્ય યાને શાશ્વત સત્ય, એકબીજાની અતિ નજીક છે- સત્ત્વગુણ લગભગ નિત્ય છે. જે પ્રજામાં રજોગુણ મુખ્યત્વે હોય છે તે પ્રજા, એક પ્રજા તરીકે દીર્ઘજીવી નથી હોતી, પરંતુ જે પ્રજામાં સત્ત્વ ગુણ પ્રમુખત્વે હોય છે, તે જાણે કે અમર હોય છે. ઇતિહાસ આ હકીકતનો સાક્ષી છે.
ભારતમાં રજોગુણ લગભગ લુપ્ત છે, પશ્ચિમમાં એ જ અવસ્થા સત્ત્વગુણની છે. એટલા માટે એ નિર્વિવાદ છે કે પાશ્ચાત્ય દુનિયાનું સાચું જીવન ભારતમાંથી સત્ત્વગુણના યાને અતીન્દ્રિયતાના પ્રવાહના વેગપૂર્વક પ્રવેશ પર આધાર રાખે છે; અને એ પણ ચોક્કસ છે કે જો આપણે આપણા તમોગુણને તેથી ઊલટા જોરવાળા રજોગુણની ભરતીથી દબાવીને ડુબાવી નહીં દઈએ તો આપણે આ જીવનમાં કદીયે કશું ભૌતિક સુખ કે કલ્યાણ મેળવશું નહીં, અને એ પણ તેટલું જ ચોક્કસ છે કે આપણી પરલોક અંગેની પેલી ઉચ્ચ આકાંક્ષાઓ અને આદર્શોની અનુભૂતિના માર્ગમાં અનેક આકરાં વિઘ્નો આવીને ઊભાં રહેશે.
“ઉદ્બોધન” (શ્રીરામકૃષ્ણ મિશનનું એક બંગાળી માસિક જે આરંભમાં પખવાડિક હતું)નું એક માત્ર ધ્યેય અને હેતુ, પોતાની શક્તિ પ્રમાણે આ બે બળોનું જોડાણ અને મિલન કરવામાં સહાય આપવાનો છે.
એ ખરું, કે એમ કરવામાં એક મોટો ભય એ છે કે યુગોના સખત પરિશ્રમ વડે મેળવેલાં આપણાં બધાં અમૂલ્ય રત્નો, પાશ્ચાત્ય ભાવનાના આ જબરજસ્ત મોજાંથી ખેંચાઈ જાય; એ ખરું કે એવો ભય રહે કે રખે એના પ્રખર વમળમાં પડી જઈને ભરતભૂમિ પર પોતાનું ભાન ભૂલી જઈને ભૌતિક સુખભોગોની પ્રાપ્તિ અંગેના પ્રયત્નોમાં એક રણક્ષેત્રમાં ફેરવાઈ જાય; અરે, એવો પણ ભય છે, કે રખે અશક્ય અને અવ્યવહારુ પરદેશી પ્રથાઓની નકલ કરવા જતાં તેમની માફક આપણા રાષ્ટ્રીય રિવાજો અને આદર્શોને મૂળમાંથી ઊખેડી કાઢીને આ જીવનમાં જેને વહાલું ગણીએ છીએ તે પણ ગુમાવીએ અને પરલોક પણ ખોઈએ !
આ આફતોને ટાળવા માટે આપણી પોતાની કમાયેલી સમૃદ્ધિ આપણે સદા આપણી નજર સામે રાખવી જોઈએ, કે જેથી ઠેઠ સાધારણ જનતા સુધીનું સૌ કોઈ હંમેશાં જાણે અને જુએ કે પોતાના પૂર્વજોની સંપત્તિ શી છે. એ કરવા માટે આપણે ખૂબ પ્રયત્ન કરવો જોઈએ; સાથે-સાથે બહારથી આવતા તમામ પ્રકાશને દાખલ થવા માટે આપણાં દ્વાર ખુલ્લાં રાખવાની બહાદુરી પણ આપણે દાખવવી જોઈએ. પૃથ્વીના ચારે ખૂણેથી તીક્ષ્ણ વેગથી આવતાં વરસાદનાં ઝાપટાંની પેઠે પ્રકાશનાં કિરણો ભલે આવે; પશ્ચિમમાંથી પ્રકાશનાં ઘોડાપૂર ભલે દોડ્યાં આવે : એમાં શું થઈ ગયું ? જે કંઈ દુર્બળ અને સડેલું છે એ તો મરવાનું જ છે; આપણે એમાં શું કરવાના હતા ? એ જો વિનાશ પામે તો ભલે પામે; એથી આપણને નુકસાન શું થવાનું છે ? જે બળવાન અને સ્ફૂર્તિદાયક છે તે અવિનાશી છે. એનો નાશ કોણ કરી શકવાનું છે ?
સુરધૂનિ ગંગાના વિશાળ પ્રવાહ રચવા તથા તેને વેગપૂર્વક સમુદ્રાભિમુખ વહેતો કરવા માટે હિમાલયનાં સનાતન તુષારમંડિત શિખરોમાંથી નીકળીને કેટકેટલાં ધસમસતાં ઝરણાંઓ અને ગર્જના કરતા જળપ્રપાતો, કેટકેટલાં બરફાચ્છાદિત ઝરણાંઓ અને સદા પ્રવાહિત નાની-નાની નદીઓ એક સાથે મળીને વહેતાં હોય છે ! તે જ પ્રમાણે વિચારો અને ભાવનાઓની કેટકેટલી વિવિધતાએ અસંખ્ય સંતહૃદયોમાંથી તથા જુદાજુદા દેશોના મહામેધાવીઓનાં મસ્તિષ્કોમાંથી બહાર આવતા કેટકેટલા બળપ્રવાહોએ – વધુ ઉચ્ચ પ્રકારની માનવ પ્રવૃત્તિઓના પ્રદર્શન માટેના રંગમંચરૂપી કર્મભૂમિ ભારતને આવરી લીધી છે ! જુઓ તો ખરા ! અંગ્રેજોના રાજ્યમાં આ વીજળી, રેલવે અને આગબોટના જમાનામાં – વિવિધ ભાવનાઓ, રીતરિવાજો અને નીતિનિયમો કેટલા વિદ્યુતવેગે દેશભરમાં ફેલાઈ રહ્યા છે ! અમૃત આવી રહ્યું છે, તેમ સાથે-સાથે વિષ પણ આવી રહ્યું છે; સારાની સાથે નરસું પણ આવી રહ્યું છે. ગુસ્સાભર્યો પ્રતિકાર અને રક્તપાત પૂરતા પ્રમાણમાં થઈ ચૂક્યો છે; આ ભરતીને ખાળવાની શક્તિ હિંદુસમાજમાં નથી. યંત્રો દ્વારા ગળાયેલાં અને નળમાં થઈને આવેલાં પાણીથી માંડીને હાડકાંની ભૂકીથી સાફ કરાયેલી ખાંડ સુધીની બધી ચીજવસ્તુઓ, શાબ્દિક વિરોધના મોટા દેખાવ છતાં લગભગ દરેકેદરેક માણસ છૂટથી વાપરવા લાગ્યો છે, ધીમેધીમે ખૂબ જતનપૂર્વક જાળવી રાખેલા આપણા રિવાજો, કાયદાના આકરા ગોદા વડે રોજેરોજ ભાંગી પડતા જાય છે; એ રોકવાની આપણામાં તાકાત નથી. પણ એ શક્તિ નથી શા માટે ? શું સત્ય ખરેખર શક્તિહીન છે ? सत्यमेव जयते नानृतम् એ દિવ્ય વેદવચન શું ખોટું છે ? અથવા તો મને ખબર છે કે પાશ્ચાત્ય સાર્વભૌમત્વના કે પાશ્ચાત્ય શિક્ષણના પૂરના પ્રભાવે ઘસડાઈ જતા એ આચારો પોતે જ સાચા આચાર નહોતા પણ કેવળ અનાચાર જ હતા ? આ પણ ગંભીર વિચારણાનો વિષય છે.
बहुजन हिताय बहुजन सुखाय “લોકોના હિતને માટે, લોકોના સુખને માટે,” નિઃસ્વાર્થ ભાવે, પ્રેમ અને આદરભર્યા અંતઃકરણથી પોતાની માતૃભૂમિને ચાહનારા તમામ શાણા અને વિશાળ હૃદયવાળા સજ્જનોને આ મુદ્દાઓ ચર્ચવા અને આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે “ઉદ્બોધન” આમંત્રણ આપે છે; અને વૈરવૃત્તિ કે ધિક્કારની ભાવનાથી રહિત હોઈને, તથા કોઈપણ વ્યક્તિ કે સમાજ કે સંપ્રદાય પ્રત્યે અસભ્ય ભાષાપ્રયોગ કરવાથી દૂર રહેતું હોઈને સર્વ વર્ગોની સેવામાં તે પોતાની સમગ્ર જાતને અર્પણ કરે છે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
કર્મ કરવાનો આપણને અધિકાર છે; ફળ ઈશ્વરને હાથ છે. આપણે તો માત્ર પ્રાર્થના કરીએ : “ઓ સનાતન સત્ય ! અમને આધ્યાત્મિક બનાવ; –ઓ સનાતન શક્તિ ! અમને બળવાન બનાવ; ઓ સામર્થ્યશાળી આત્મા ! અમને સામર્થ્યશાળી બનાવ.”
[સંદર્ભ : સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, પુસ્તક 6, પૃ. 205-208]
Your Content Goes Here





