વિહંગ, ઊડ! જો લસે અખૂટ વ્યોમ આશાભર્યાં!
ચડે નયન જે દિશા નભ નવીન તે દાખવેઃ
ચહે હૃદય રંગ જે સુ૨કમાન તે ખીલવીઃ
વિહંગ ઊડ ઊડ રે! ઉડણ ધન્ય હો તાહરાં!
થશે ઉડણ છાત્તિએ જમવ જોમ તે માપનાં.
હશે દૃગ ઉદારતા મતિવિકાસ તેવાં બલઃ
વિકાસ, દિલના રતિઝરણ જેમ ઊંડા વિમલઃ
રતીઝરણ ઝીલશો કિરણ જેહવાં આત્મનાં.
ભવે ઉડણ વાટ આ નિયતિ જ્યોતિ એ ભૂલ મા!
થશે ભુલ ફરી ફરી શ્રમ-વિષાદ તો તાવશેઃ
કુસંગતિ ફરી ફરી રતિ સુધાય ફણાવશેઃ
જશે કથિળ લોહીમાં કસ બધાય ઉત્સાહનાઃ
પરંતુ નિયતિ સ્થિર ધ્રુવ પ્રબોધ દે પાત્રનેઃ
વિહંગ નિયતિજ્ઞ! ઊડ! નહિ સીમ આનંત્યને!
– બળવંતરાય ક. ઠાકોર
એ સાચું કે ‘સૉનેટ’ કાવ્ય-પ્રકાર આપણે ત્યાં અંગ્રેજીમાંથી ગુજરાતીમાં પારસી કવિઓને હાથે અવતર્યો, કિન્તુ એ સ્વરૂપને કલાઘાટમાં ઢાળવાનું કામ બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને હાથે થયું. ‘સૉનેટ’માં પ્રસ્ફૂટ થતી વ્યંજનાનો રણકો સાહિત્યરસિકોને એમણે સંભળાવ્યો! એમણે ખાસ્સાં સૉનેટો લખીને સૉનેટની વિભાવના સ્થિર કરી આપી. પરિણામે સૉનેટ કાવ્ય સ્વરૂપ બ. ક. ઠાકોરના નામ સાથે અવિભાજ્ય રીતે સંકળાઈ ગયું!
એમની સૉનેટ રચનાઓમાં આત્મલક્ષિતા સાથે સાથે ૫૨લક્ષિતાના ભાવોનું સામંજસ્ય અનુભવાય છે. સમાજદર્શન અને ચિંતન એ પણ એનાં લક્ષણો છે. અહીં આપેલ સૉનેટમાં કવિ નવયુવાનને સંબોધન કરે છે. પક્ષીના પ્રતીક દ્વારા એ વાત અસરકારક રીતે રજૂ કરી છે. ઉડ્ડયોન્મુખ-ઊડવા માટે તત્પર જીવન કારકિર્દી આરંભવા ઉત્સુક નવયુવાન એમ શીર્ષકમાં જ એ સ્પષ્ટ થયું છે.
સૉનેટ એટલે ચૌદ પંક્તિનું કાવ્ય. અહીં અષ્ટક અને ષષ્ટક એમ બે વિભાગમાં પંક્તિઓ વ્હેંચાયેલી છે. આ પેટ્રાર્કન શૈલીનું સૉનેટ છે.
કયા યુવાનને અખૂટ આશાઓ નથી હોતી? એ અખૂટ આશાઓના આભ તો નિત્ય નવીન જ હોય છે. મેઘધનુષના સાત રંગો એ હૃદયની આશાના રંગો જ છે. મેઘધનુની રમણીયતા એ આશાની ઉત્સાહપ્રેરક રમણીયતા જ. માટે હે ઊડવા ઉત્સુક પંખી, ઊડ! તારી છાતીમાં બળ ભરી ઊડ!
‘હશે દૃગઉદારતા મતિવિકાસ તેવાં બલ:’
તારી યુવાનીમાં, તારી દૃષ્ટિમાં જેટલી ઉદારતા હશે, વિશાળતા હશે, નવીન આશા હશે…એટલો તારો બુદ્ધિવિકાસ થશે. તારી યથાશક્તિ, તારો યથામતિ વિકાસ સાધશે. હૃદયની ઊંડી વિશુદ્ધિ અને હૃદયની પવિત્રતા જ તને દિવ્યસ્નેહના પ્રદેશમાં વિહાર કરાવશે. દિવ્યપ્રેમની અનુભૂતિ માટે કવિનું દર્શન સ્પર્ધા વિના રહેતું નથી.
બુદ્ધિશક્તિના વિકાસ માટે વિમલ દિલ, વિમલ પ્રેમ અને હૃદયની ઉદારતા જેવા ગુણો જ જરૂરી છે. એ ન હોય તો વિકાસ રૂંધાય. આમ, યુવાન જ પોતાના ભાગ્યનો સાચો વિધાતા છે, આ સત્ય છે. કવિ કહે છે:
‘થશે ભુલ: ફરી ફરી શ્રમ-વિષાદ તો તાવશે:’
અંગ્રેજીમાં કહેવત છે, ‘To err is human’. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ થાય, થઈ જાય પણ પછી એમાંથી બહાર નીકળવું એ જ મહત્ત્વનું. ભૂલ પિછાનવી એ જ અગત્યનું. એમાંથી ઉગ૨વા ફરી ફરી શ્રમ પ્રયત્ન કરવો. એ જ તાવણી એ જ કસોટી. કદાચ કુસંગતિયે લાધે. પણ આ સૌ અવરોધો ટાળી દેવા એ જ યુવાનનું કર્તવ્ય. કુસંગતિ સ્નેહના વિમલ ઝરણાને સૂકવે તે પહેલાં તારે તારા લક્ષ્યમાં ઊડવું રહ્યું. હે પક્ષી! જીવનમાં પોતાને માટે શું યોગ્ય… શું અયોગ્ય એ નિયતિના અફર નિયમો વચ્ચેય જાણવું પડે. હે ઉડ્યોન્મુખ નવયુવાન, એ માટે તારી શક્તિને ઝંકૃત ક૨. કેમકે અનંતતાને કોઈ સીમા નથી હોતી. કોઈ સ૨હદ નથી હોતી!
‘વિહંગ નિયતિજ્ઞ! ઊડ! નહિ સીમ આનંત્યને!’ રાષ્ટ્રીય શાયર મેઘાણીની પંક્તિઓ અહીં સ્મૃતિ ૫૨ ઊઠી છે: આ જ કાવ્યનો જાણે સાર ન હોય-
ઘટમાં ઘોડા થનગને, આતમવીંઝે પાંખે,
અણદીઠેલી ભોમ ૫૨, યૌવન માંડે આંખ…
વિશ્વને રૂપાળું કરવા, જીવન સાચું સમૃદ્ધ ક૨વા જેના ઘટમાં ઘોડા થનગનતા હોય…જે યુવાન ઊડવા ઉત્સુક હોય…જેના આત્માની પાંખ એ અસીમ અનંતના પ્રતિ ઊડવા વીંઝાતી હોય…એ યુવાન સાચો યુવાન. આમ, આ સૉનેટ જીવન વિકાસમાં આવતાં ભયસ્થાનોનો નિર્દેશ કરી, ઉન્નત આદર્શો સાથે આત્મબળ વડે નિઃસીમ વિકાસ પ્રતિ ઊડવા પ્રબોધે છે. એ ભાવને કાવ્યનો પૃથ્વીછંદ પણ પોષક નીવડ્યો છે. મમળાવવું ગમે એવું આ સૉનેટ ફરી એકવાર વાંચીએ. અસ્તુ…
Your Content Goes Here




