હરુ નામનો એક ઠીંગણો અને ચીબા નાકવાળો કદરૂપો છોકરો હતો. કઢંગા પોશાકવાળા આ ગરીબ છોકરાની સારસંભાળ એની વિધવા માતા રાખતી.
તે અભણ હતો તેથી સખત મહેનત કરીને માંડ માંડ થોડું રળતો. પણ આ કમાણીમાંથી તેની માતા ઘરનું ગાડું ગબડાવ્યે રાખતી. બસ, આપણા હરુભાઈ ખુશ ખુશ. પણ તેને એક વાતનું દુ:ખ કે આખા ગામના છોકરાં આ હરુભાઈને ‘ચીબો’ કહીને પજવતાં. વર્ષો વીત્યાં; ને હરુભાઈ થયા જુવાન માટી. એમાં હરુભાઈનાં મા રામશરણ પામ્યાં ને તેના દુઃખનો પાર ન રહ્યો. માના મૃતદેહને પ્રણામ કરીને રડતાં રડતાં બોલ્યો : ‘તું તો આમ ચાલી ગઈ પણ હવે મારું કોણ? મને કોણ રાંધીને ખવડાવશે?’ આડોશી પાડોશી આવ્યાં ને હરુને દિલાસો આપવા લાગ્યાં. ગામના વડીલોએ સંતલસ કરીને માના મૃતદેહથી દૂર બેસાડ્યો.
થોડા દિવસ પછી મુખીએ કહ્યું ‘બેટા હરુ, જો ભાઈ, તારી મા તો મૃત્યુ પામી. અને ઘરની દેખભાળ રાખનારું કોઈ નથી. એટલે અમારું માનવું છે કે તું પરણી જા તો સારું, તું શું માને છે?’ આવા સૂચનથી હરુભાઈ તો શરમાઈ ગયા! પણ એ વાત ગળે ઊતરી. થોથવાતાં હરુએ કહ્યું : ‘આ વિશે વિચાર કરીને કાલે આપને જણાવીશ.’
માની બધી ઉત્તરક્રિયા પતાવીને હરુભાઈ ઘરે આવ્યા પણ બધું સૂમસામ. તેણે વિચાર્યું, મુખીની વાત સાચી છે. હવે મારે લગ્ન કરી લેવાં જોઈએ. પછી ઓસરીમાં બેઠાં બેઠાં દાઢીએ હાથ ફેરવતાં પોતાના લગ્નના વિચારમાં ડૂબી ગયો. ‘મારે સુંદર સ્ત્રી સાથે લગ્ન કરી લેવાં જોઈએ.’ આખો દિવસ આ જ વિચાર કરતો રહ્યો.
પણ તરત જ મનમાં એક બીજો વિચાર આવ્યો : ‘અરે ભાઈ, હું ક્યાંથી સુંદર સ્ત્રી સાથે પરણી શકું? અને પરણું ને પેલા ગામના તોફાની ટેણિયાંની જેમ મને એ ‘ચીબો’ કહીને પજવે તો શું કરવું?’ આમ કેટલાય તુક્કા આવ્યા ને ગયા, પણ અંતે હરુભાઈએ પરણવાનો નિર્ણય કર્યો.
બીજે દિવસે મુખીને મળ્યો અને વિનયપૂર્વક કહ્યું : ‘હું લગ્ન કરવા તૈયાર છું પણ છોકરીય ચીબી હોવી જોઈએ.’ મુખીએ પૂછ્યું : ‘ભાઈ, તું આમ કેમ કહે છે?’
શરમથી નીચી નજર રાખીને હરુએ કહ્યું, ‘એમ ન કરું ને ન કરે નારાયણ ને મારી પત્ની મને ચીબો કહીને પજવે તો!’ વૃદ્ધ મુખી હસ્યા અને કહ્યું : ‘સારું થયું ભાઈ, તેં પરણવાનો નિર્ણય કર્યો એટલે મને આનંદ થયો. હવે તારી પસંદગીની કન્યા હું શોધી કાઢીશ.’
એક દૂરના ગામમાં આવી કન્યા મળી ગઈ. હરુનાં લગ્ન થયાં. બંને સુખેથી જીવન જીવતાં હતાં. પણ થોડા જ વખતમાં હરુને પજવનાર લોકો પતિ-પત્નીને ‘ચીબાં’ કહીને હસવા લાગ્યાં.
હૃએ લોકોને વાર્યા, પણ વળ્યા નહીં. વળે એ બીજા! બાંયો ચડાવીને પજવનારની પાછળ એ શેરીઓમાં દોડતો, ગામના મોટેરાં પાસે દાદ-ફરિયાદ કરતો પણ બધું જ પાણીમાં જતું.
એક રાત્રે ઊંડા વિચારમાં પડ્યો : ‘ગામમાંથી કોઈ મદદે નહીં આવે અને ગામના લોકોની ઠઠ્ઠા મશ્કરીનું પાત્ર બનવુંય નથી ગમતું. હે ભગવાન, મારે હવે કરવું શું?’ એકાએક મનમાં વિચારની વીજળી ચમકી ઊઠી: ‘ભગવાને જ આ દેહ આપ્યો છે. હવે મારા દર્દની દવાય એની પાસેથી માગવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.’
ઉત્તેજના સાથે તેણે પોતાની પત્નીને બોલાવીને કહ્યું : ‘હું પાછો આવું ત્યાં સુધી ઘરે જ રહેજે.’ ધડામ દઈએ ઘરનું બારણું બંધ કરીને ભાઈ તો ઉપડ્યા વનમાં તપ કરવા. એક ગાઢ જંગલમાં ઊંડી ખીણમાં હરિયાળી વચ્ચે રળિયામણો ડુંગર તેની નજરે ચડ્યો. તેની એક શિલા પર બેસીને પ્રભુને સહાય માટે પ્રાર્થના કરવા માંડ્યો. આખો દિવસ વીતી ગયો. બિલકુલ હલ્યા ચલ્યા વિના, આજુબાજુનું સહેજ પણ ધ્યાન રાખ્યા વગર એણે અવિરત આરાધના શરૂ કરી. એની હૃદયની ભક્તિથી પ્રસન્ન થઈને તેના ઈષ્ટદેવે દર્શન દીધાં. સાક્ષાત્ ઇષ્ટદેવને પ્રકટ થયેલા જોઈને હરુભાઈ તો આનંદવિભોર થઈ ગયા. ખૂબ જ નમ્રતાથી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને ઊભા થઈ ઘૂંટણિયે પડીને હાથ જોડીને પ્રાર્થનાઓ કરવા માંડ્યો : ‘હે પ્રભુ, હે ભગવાન, મારા પર કૃપા કરો, દયા કરો, કૃપા કરી મને વરદાન આપો!’ કૃપાળુ દેવે પ્રસન્ન થઈને ત્રણ વરદાન માટે ત્રણ પાસા આપ્યા.
આ શુભ સમાચાર આપવા તે ઘરે દોડી ગયો. જોરથી બારણું ખખડાવીને પત્નીને બૂમ પાડી : ‘વહાલી, ઘરનાં બારણાં ખોલ, આપણું ભાગ્ય ખૂલી ગયું છે!’ બારણું ખૂલતાંની સાથે તે સીધો પોતાના ખાટલા પર રાજાની અદાથી બેસી ગયો. પત્ની તો અચંબામાં પડી ગઈ અને પતિના આ વિચિત્ર હાવભાવને બાઘાની જેમ જોઈ રહી.
‘પાણીનો લોટો ભરી લાવ’ – હરુનો હુકમ છૂટયો. પણ સ્તબ્ધ બનેલી પત્ની એક ડગલુંય ન ભરી શકી. ઘરના ઊંબરે જ ઊભી રહીને પતિને નીરખતી રહી.
‘તને શું થયું છે? જા, જલદી જા, અને પાણી લાવ.’ હરુભાઈ તો તાડુકી ઊઠ્યા. પોતાનું કપાળ કૂટીને પત્ની બોલી : ‘અરે, અરે! તમને થયું છે શું? તમને કોણે આવા ગાંડા કરી મૂક્યા છે?’
આ સાંભળીને હરુભાઈ તો બરાડી ઊઠ્યા : ‘તારો બકવાસ બંધ કર, મૂરખી.’ પછી સાવ ધીમા અવાજે કાનમાં કહ્યું : ‘અરે, સાંભળ તો ખરી. મારા નસીબ આડેનું પાંદડું ખસી ગયું છે…’ આમ કહીને પત્નીને બધી વાત માંડીને કહી. પત્ની તો આનંદથી ઓરડામાં ગોળ ગોળ ફરીને નાચવા લાગી. પતિની પાસે આવીને બેઠી અને પટાવવા લાગી;
‘તમે હવે આપેલા વરદાન માટે પાસો ફેંકીને પહેલાં તો ધન-દોલત જ માગી લો.’ હરુ બોલી ઊઠ્યો : ‘ના, ના, પૈસાને શું કરવા છે? આપણને સૌ પહેલાં તો સુંદર નાકની જરૂર છે. લોકો ઠેકડી કરે એવું ચીબું નાક છે. એટલે સૌ પ્રથમ તો પોપટની ચાંચ જેવાં નાક જ માગીએ.’
પણ પત્નીને ધન-દોલતનો આગ્રહ હતો એટલે વરદાન માગવાના પાસા ફેંકતાં અટકાવવા પતિનો હાથ પકડી રાખ્યો. હરુભાઈએ તો અધીરા બન્યા. ક્રોધાવેશમાં હાથ છોડાવીને એક પાસો ફેંકીને બોલી ઊઠ્યો : ‘હે પ્રભુ, અમને સુંદર મજાનાં નાક જ આપો. એ સિવાય કંઈ નથી ખપતું.’
તરત જ બંનેનાં શરીર પર અપરંપાર નાક લાગી ગયાં. પત્નીના દેહ તરફ નજર કરીને હરુ બોલ્યો : ‘હે પ્રભુ, દયા કરો, દયા કરો. અરે! તું કેવી બેડોળ લાગે છે?’
પત્નીએ ચીસ પાડી : ‘તમેય કેવા કઢંગા લાગો છો?’ એકબીજાનાં કઢંગા શરીરને જોઈને બંને હેબતાઈ ગયાં. એમને સુંદર નાક તો મળ્યાં પણ એવી મૂર્ખાઈ કરી કે બીજો પાસો બધાં નાક પાછાં લઈ લેવા ફેંક્યો.
અને પાસો ફેંકતાંની સાથે હતાં એ નાકે ય ગયાં! પસ્તાવાનો પાર ન રહ્યો. પતિ પત્નીએ બેબાકળા થઈને જોયું તો હવે તો પહેલાં કરતાં વધુ બેડોળ લાગતાં હતાં.
રડમસ અવાજે હરુએ પત્નીને કહ્યું : ‘મેં આ શું કર્યું? તારી વાત મારે સાંભળવી જોઈતી હતી. હવે તું જ કહે, આ છેલ્લો પાસો સુંદર નાક માટે જ ફેકું કે?’ પોતાનો નકટો ચહેરો છુપાવીને પત્નીએ કહ્યું : ‘હવે નવું સુંદર નાક માગશે તો લોકો પૂછાપૂછ કરશે. અને સાચી વાત જાણશે તો આવાં વરદાનનો લાભ ન લેનાર આપણને પરમ મૂરખ જ ગણશે. પૈસાદાર થઈએ તોય નકટા તરીકે જીવવું અશક્ય. હવે આપણાં જૂનાં ચીબાં નાક જ માગી લઈએ. હવે ખ્યાલ રાખજો. આ છેલ્લી તક છે, નહીં તો ગયા સમજજો.’
પોતાની ભયંકર ભૂલનું ભાન થતાં પોતાની કમનશીબીનો વસવસોં કરતાં પતિ બોલી ઊઠ્યો : ‘હું કેવો મૂરખ છું! આવેલા સદ્ભાગ્યનેય ગુમાવ્યું!’ પણ તેમની આંખ ઘણી મોડી ઊઘડી. પોતાની બાળકબુદ્ધિનો વિચાર કરતાં ઘૂંટણિયે પડીને ત્રીજો પાસો ફેંકતાં પ્રભુને બે હાથ જોડી પ્રાર્થના કરી : ‘અમને બંનેને અમારાં ચીબાં નાક જ પાછા આપો, પ્રભુજી.’ પ્રભુએ એની પ્રાર્થના સાંભળી અને એમનાં મુખ પર કડવાશભર્યું સ્મિત ફરકી રહ્યું.
બોધ :
જીવનમાં આવતા સુઅવસરનો વિવેકપૂર્વક ઉપયોગ કરતાં શીખો.
(‘વિવેકાનંદની સચિત્ર બોધકથાઓ’માંથી સંકલિત)
Your Content Goes Here





