(ગતાંકથી આગળ)
મને એક અવાજ સંભળાયો – ‘તું કોઈ સાધારણ પોપટ નથી.’
કોઈ વિશેષ દિશાથી ન આવતા આ અસાધારણ શબ્દને સાંભળીને મારી ચેતના પાછી આવી. મેં એ શબ્દ બોલનાર અને એને સાંભળનારને જોવા માટે આજુબાજુ નજર ફેરવી પણ કંઈ દેખાયું નહીં. એ જોઈને હું હેરાન પરેશાન અને ચિંતિત થઈ ગયો. અમે પક્ષીઓ સાંભળવા કરતાં બોલવામાં વધારે વિશ્વાસ રાખીએ છીએ. અમારામાં શ્રોતા કરતાં વક્તા વધારે શક્તિશાળી ગણાય છે. અહીં તો હું કેવળ શ્રોતા ન હતો અને વળી હું વક્તાને જોઈ પણ શકતો ન હતો. કેવી ગભરાવી દેતી વાત !
આજુબાજુ તો કોઈ હતું નહીં તો પણ આ શબ્દ મને જ કહેવામાં આવ્યા હતા. એને લીધે મારા મગજમાં મૂંઝવણ થવા લાગી. મારામાં પણ કેટલાક એવા ગુણ હતા કે જેને લીધે હું બીજાથી થોડો જુદો તરી આવતો, એમાંય ખાસ કરીને કાગડાઓથી વધારે. પણ આનાથી હું કંઈ અસાધારણ બની જાઉં એવું ન હતું. આપણને બધાને પોતાના અનુભવમાંથી જ જ્ઞાન મળે છે. આજે આ વાત કહેતી વખતે હું મારી જાતને ટિયા પોપટ કે કંઈક એનાથી વધારે હોવાનું જાણું છું. પણ મારી પોતાની યુવાનીના એ દિવસોમાં હું પોતાની જાતને ટિયા-‘વડના ઝાડ પર રહેતો પોપટ’, એક મહત્ત્વહીન પક્ષીરૂપે ઓળખતો હતો. એટલે આ અદૃશ્ય અવાજના કથન પર પૂરેપૂરો વિશ્વાસ કરવો મારા માટે જરા મુશ્કેલ હતો.
પરંતુ આ પાંચ શબ્દોમાં જ મારું ‘મારાપણું’ ખદબદી ઊઠ્યું. પોતાની બડાઈ સાંભળીને ભાઈ કોણ ન ફુલાય અને એ પણ વળી સાચી નહીં, ખોટી! આ ખુશામતથી ઊપજેલ માનસિક ઉથલપાથલ વ્યક્તિત્વને પણ ફુલાવી દે છે. આવું મારી સાથે પણ થયું. અહંથી ભરપૂર બનીને મેં મારું માથું ગંભીરતાથી ફેરવ્યું. બની શકે કે કદાચ મેં ‘હા’ માં જ માથું હલાવ્યું હોય.
બીજી તરફ મને પરેશાની પણ થઈ કારણ કે હું ‘બધાં પક્ષીઓ એક સમાન’ એ સંસ્થાનો સભ્ય હતો. એની નીતિ હતી ‘બધાં પક્ષી એક સમાન છે.’ જે પક્ષી વધારે સફળ હતાં એમણે આમાં ‘કેટલાંક પક્ષી બીજાથી વધારે સમાન હોય છે’ એવું જોડવાની ઇચ્છા વ્યક્ત કરી પણ આ વાત પર ઘણો દેકારો થયો હતો. જ્યારે મેં ‘બધાં પક્ષી એક સમાન’ની પ્રતિજ્ઞા લીધી હતી ત્યારે એવામાં જ હું અસાધારણ છું એ વાત કેવી રીતે માની શકું ? મેં હંમેશાં વિચાર્યું હતું કે વડ અને તેનાં પક્ષીઓનું ભવિષ્ય મહદ અંશે મારા પર આધારિત છે. આ સિદ્ધાંતો પર ચાલતાં ચાલતાં હું મારી જિંદગી વિતાવતો હતો.
આશા, રોમાંચ, કુતૂહલ અને ચિંતા મને પાગલ બનાવી દેતાં. સ્થિતિને થોડી હળવી બનાવવા મેં કંઈ કહેવા ઇચ્છ્યું પણ લાગણીઓ તરફ ઝૂકેલા મારા અભિમાને મને રોક્્યો. મારા અહંકારને લીધે મનમાં કંઈક આવો સંઘર્ષ ચાલ્યો :
‘મારે એ અવાજ સાથે વાત કરવી જોઈએ.’ ‘તમે તમારા કામ સાથે સંબંધ રાખો.’ ‘હું એ જ કરવા ઇચ્છું છું.’ ‘તેની ઉપેક્ષા કરો એ જ વધારે સારું.’ ‘ઉપેક્ષામાંથી અજ્ઞાન આવે છે.’ ‘અજ્ઞાનમાં શાંતિ છે, મક્કમ બનો.’ ‘મારી ઇચ્છાશક્તિ હંમેશાં છિદ્રાળુ રહે છે.’ ‘પોતાની જાતને ન બોલવા માટે પ્રેરો.’ ‘બીજાને પ્રેરવું સરળ છે.’ ‘તમે સૂગ ચડે એવા બઘડમ છો.’
મેં ઊંડો શ્વાસ લીધો અને આ અવાજનો સામનો કરવાનું વિચાર્યું. તેને જવાબ આપવો સરળ હતો. હું સામે હતો અને તે અદૃશ્ય. મારા વિચાર પ્રમાણે એ વાત એની નબળાઈ સાબિત કરતી હતી. હું જેમના વિશે બહુ ઓછું જાણતો હતો એવી બાબતો વિશે એ દિવસોમાં વધારે બોલતો રહેતો. મારી આ ટેવે મને ઘણી વખત ચર્ચામાં વિજય અપાવ્યો હતો. વ્યક્તિ જેના વિશે બહુ ઓછું જાણે છે એ જ બાબત વિશે વધુ ભારપૂર્વક કહેતો રહે છે. જેમને એની સચ્ચાઈનો ખ્યાલ હોય છે તે તેની ઉપેક્ષા કરે છે અને જે એનાથી અજ્ઞાત હોય છે તેઓ તેના આત્મવિશ્વાસથી મુગ્ધ બની જાય છે. બંને રીતે તે પોતાના વિરોધીઓને ચૂપ કરીને મનમાં ને મનમાં સંતોષ અનુભવે છે. એટલે મેં આ આદર્શ બનાવી દીધો – જિંદગીમાં બીજા પર પ્રભાવ પાડવો પડે છે અને બોલે એના બોર વેચાય.
એ અવાજ આકાર વિનાનો હતો. એટલે કોઈ વિશેષ દિશા તરફ જોયા વિના કહ્યું : ‘આપ કોણ છો એની મને ખબર નથી. મારા વિશે આવા અજબગજબના વિચાર શા માટે ધરાવો છો ? મારી પાસે આપની શી અપેક્ષા છે ? વળી આપનો અવાજ સાકાર છે અને દેહ નિરાકાર શા માટે છે ?’
‘હં, સમજદાર છો, તમારા જેવા રોજ જન્મતા નથી.’
‘શું મારી પ્રસંશા કરાઈ હતી ? મને પૂરો વિશ્વાસ ન હતો, પરંતુ એટલું તો જાણી ગયો કે એ શબ્દો મને જ ઉદ્દેશીને કહેવાયા હતા. મારી ઉત્સુકતા એવું વિચારીને વધી ગઈ કે હું એક અસાધારણ છું.
હું ફુલાઈને ઢોલ થઈ ગયો અને મારા સિદ્ધાંતોથી પણ દૂર ભાગતો હતો. આ દુનિયામાં કોઈને ય સામાન્ય બનવું ગમતું નથી. એટલે જ જ્યારે કોઈને અસાધારણ ગણાવાય છે તો તે નિયમ કે કાયદાની સીમામાં બંધાયેલ કેમ રહે ?
મારે કહેવાનું કંઈ ન હતું અને એ અવાજે પછી કહ્યું : ‘જાણો છો ટિયા, તમારો આ જગ્યા સાથે કોઈ સંબંધ નથી.’
હું એકદમ ગભરાઈ ગયો. તેને મારા નામની ખબર કેમ પડી ? શું તે કોઈ જાદુગર હતો કે પછી ઘૂવડ દાદાના પૂર્વજોનું ભૂત હતો ? જેના પર હું બેઠો હતો તે ડાળી પર જાણે મારા પંજા ચોંટી ગયા.
થોડીવાર સુધી અમારા બંને વચ્ચે શાંતિ છવાઈ ગઈ. આ શાંતિ એના શબ્દો કરતાં વધારે ગંભીરતા ઊભી કરતી હતી. મેં ઘણા સમય સુધી રાહ જોઈ. નવમું નરક કંઈક આવું જ હશે – સળગતા રણમાં કંઈ અજુગતી ઘટના ઘટે એની રાહ જોવી રહી.
હું શ્રીમાન અવાજને ઘણા પ્રશ્નો પૂછવા ઇચ્છતો હતો, પણ કોઈ વણજોયેલ શક્તિના દબાળ હેઠળ મેં નિર્બળતા અને ક્ષુદ્રતા અનુભવી. થાકેલા અવાજે મેં ગમે તેમ કરીને કહ્યું : ‘શ્રીમાન આપ કોણ છો ?’
પણ કશો જવાબ ન મળ્યો. મેં મારી ચોતરફ વધતી જતી શક્તિ અને એના પ્રમાણમાં મારી પોતાની શક્તિને ગુમાવતો હોઉં એવો અનુભવ કર્યો. મારું કુદરતી જોમ ઠંડું પડતું અનુભવ્યું. હું મારી સ્વાભાવિકતા ગુમાવી બેઠો.
(ક્રમશ 🙂
Your Content Goes Here




