(ગયા અંકમાં શ્રીહંસમહારાજ સાથેની મુલાકાતમાં ટિયામાં આવેલ પરિવર્તનની વાત વિશે વાંચ્યું, હવે આગળ…)

 

સ્ફટિક-પિંજરું

અમે – ટિયા અને હંસજી મહારાજ – મૂગાં મૂગાં યાત્રા કરતા હતા.

શ્રીહંસે મને કોઈની સાથે વાત કરવાની મના કરી હતી. મારે તો માત્ર જોવાનું જ હતું. ‘દરેકથી અને હરેક સ્થળથી દૂર જ રહેવું’ હવે આ મારો સિદ્ધાંત બની ગયો હતો. ચુપ રહેવાથી મારી શક્તિ વધી રહી હતી. હું તણાવમુક્ત, શાંતચિત્ત અનુભવતો હતો. દરેક બાબતને વધારે સારા રૂપે સમજતો હતો, વાતોને હવે હળવાશથી લેતો હતો. જે વાત મારા માટે સારી હતી, એ વાત કરવામાં નુકસાન ન હતું.

મને વડલા પરની રાણી મધમાખીની ઘટના યાદ આવી. જે વડલા પર હું રહેતો હતો, ત્યાં મધમાખીનો એક મોટો મધપૂડો હતો. એ મધપૂડાની રાણી આડંબરી અને મૂરખ હતી. અને એ શા માટે ન હોય? એના આદેશને માનનારી લાખો મધમાખીઓ સતત એની આસપાસ ઘૂમતી રહેતી, એના માટે પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર રહેતી, એને શ્રેષ્ઠ મધ લાવી દેતી, એની આવશ્યકતા અને આરામની ચિંતા સેવતી, એને માટે જે કંઈ કરી શકે, તે કરવામાં પોતાને નશીબદાર ગણતી. આટલી સારસંભાળે એના શરીરને અમાપ આભાથી ચમકાવી દીધું હતું, સાથે ને સાથે મગજને મૂર્ખતાથી ભરી દીધું હતું. એણે જેટલી સુંદરતા મેળવી એટલી જ સમજદારી પણ ગુમાવી દીધી.

ક્યારેક ક્યારેક મને આ કમઅકલ રાણીની ઇર્ષા થતી. પરંતુ હું પોતાને એ વિશે ધીરજ બંધાવતો કે બીજા પર જીવનારની સુંદરતા કરતાં અકલવાળા અને મહેનતુ બનવું વધારે સારું. અને દરરોજ એ જ મધ પીવામાં વળી શી મજા? થોડા જ વખતમાં મને એ ખ્યાલ આવવાનો હતો કે મધનો આ અણગમો જ પોપટની લાક્ષણિકતા છે.

એકવાર મધમાખીઓમાં અહીંતહીં અત્યંત વેગે ઊડવાનો ચેપ લાગી ગયો. સ્વભાવથી જ મૂર્ખ હોવાને લીધે તે આમતેમ અમથી ઊડતી રહેતી. પણ એ દિવસે જાણે કે એના મધપૂડાની સાથે કોઈએ એના દિમાગમાં પણ દારૂગોળો ચાંપી દીધો ન હોય એવું લાગતું હતું! મને ખરેખર એની દયા આવતી હતી. એ વખતે મને હંમેશાં ખુશમન ભમરા પાસેથી જાણવા મળ્યું કે રાણી મધમાખી આટલું સારું ભોજન લેતી હતી અને એટલી એની સારસંભાળ લેવાતી હોવા છતાં તે માંદી પડી ગઈ. મેં મનમાં વિચાર્યું, ‘બીજાની મહેનતનું ખાનાર તે મહારાણી સાથે એવું જ થવું જોઈએ. નાનાં બાળકોને એમની માતા ખવડાવે-પિવડાવે તે સ્વાભાવિક છે; પરંતુ રાજા-રાણીઓ તો કદાચ મોટાં થયાં જ નથી. તેઓ આખી જિંદગી પોતાને ખવડાવવા અને એમની સારસંભાળ લેવા બીજા પાસે હક્કથી માગણી કરતાં રહે છે. સ્વાવલંબન નામની ચીજ તો એમનામાં હોતી જ નથી અને વળી તેઓ એ વિશે કંઈ જાણતાંય નથી.’

લાચાર મધમાખીઓનો ચિત્તભ્રમ થઈ ગયો હતો. એમની પાંખોનો ચીડવતો અવાજ વડલાનાં બધાં પક્ષીઓને હેરાન હેરાન કરી મૂકતો હતો, પણ અંતે એનો ઉકેલ મળી ગયો. એ ઉકેલ હતો ભયંકર – રાણી માખીએ એના મહેલમાંથી નીકળીને નીચે આવીને એક ઝડીબૂટીની ઝાડી સુધી જવાનું હતું અને એણે કડવા રસનો ઘૂંટડો ગળે ઉતારવાનો હતો. ઘણા ખચકાટ સાથે એ રાણીસાહેબે કડવી દવા પીધી, જેથી તે મીઠાશને ગટગટાવવાનું ફરીથી શરૂ કરી શકે.

મેં પોતાની જાતને કહ્યું કે રાણી સાહેબ પાસે જે પરાણે કરાવ્યું, એમ તો હું પણ કરી શકું. હું પણ મારા પોતાના સ્વભાવની વિરુદ્ધ જઈને શક્તિસંચય કરી શકું. શાંત રહેવાથી કોઈ સહાય મળવાની હોય તો હું ચૂપ રહીશ. લક્કડખોદજી કહેતા, ‘જો યુક્તિ સ્પષ્ટ હોય તો સમજ પણ સ્પષ્ટ થાય અને તેનાથી નિશ્ચય દૃઢ થાય છે.’ મને હંમેશાં લાગ્યું છે કે પોતાની ઇચ્છાશક્તિને વધારવા આ સૌથી સારી રીત હતી. અમારા વડલા પર રહેનાર કાગડા અને કબૂતર બેકાર પક્ષી હતાં, કારણ એ છે કે તેઓ શું ઇચ્છે છે, એનો એમને સ્પષ્ટ ખ્યાલ ન હતો.

 

***

 

હંસશ્રીએ ધીરેથી કહ્યું, ‘ટિયા, આ તો જુઓ!’ મારું શરીર ઝણઝણી ઊઠ્યું. અદૃશ્ય ઉપસ્થિતિની પાસે રહેવાની પોતાની જ હેરાનગતિ હોય છે. તમે એ ભૂલી જાઓ છો કે કોઈ બીજું પણ તમારી સાથે છે અને જ્યારે અચાનક જ અવાજ આવે છે ત્યારે ઝટકો લાગે છે.

મેં આસપાસ જોયું તો આ સ્થળના નિવાસીઓ ઉપર તરફ કોઈ ચીજને લાલચભરી નજરે જોઈ

રહ્યા છે.

મેં પણ ઉપર નજર નાખી અને જોયું તો ત્યાં બહુમૂલ્ય હીરાઝવેરાતથી મઢેલો એક વિશાળ કટોરો હવામાં લટકતો હતો.

આ શું હોઈ શકે? કોઈ પદાર્થ કે ચીજ આવી રીતે હવામાં કેવી રીતે લટકી શકતી હતી?

આ વિચિત્ર કોયડાનો ઉત્તર મેળવી શકું, તે પહેલાં મેં કેટલાક યુવકોને ભાગતા અને કટોરા સુધી પહોંચવા છલાંગ મારતા જોયા. ઠીક ઠીક સમય જોયા પછી મને ખ્યાલ આવ્યો કે યુવાનો ઠેકડા મારતાં જ ધડામ દઈને ઊંધે માથે પડતા હતા અને એમ ને એમ થોડીવાર પડ્યા રહેતા. વળી પાછા બેઠા પણ થઈ જતા. પડનારા આ વીરપુરુષોનાં શરીર અને મોં પર ઊંડા ઘા કે ચીરા પડી જતા. પછી તેઓ દવાખાને જઈને ઘા અને ચીરા પર મલમ લગાવતા. અને પછીનો બીજો કૂદકો મારવા તૈયાર થઈ જતા.

આ જગ્યા કૂદકો લગાવવાની અને નીચે પડવાની હતી. એટલે મેં હંસ મહારાજને એ વિશે પૂછ્યું.

હંસ મહારાજે કહ્યું, ‘ટિયા, વાસ્તવિકતા કંઈક એવી છે કે જેને તું કે તેઓ જોઈ શકતા નથી. આ કટોરો સ્ફટિકના ટાવરમાં રાખ્યો છે.

લોકો કટોરો અને એમાં રાખેલાં ઝવેરાતને જોઈ શકે છે, પણ પારદર્શી અને સખત સ્ફટિકને જોઈ શકતા નથી. કટોરાને સુરક્ષિત રાખનાર આ ટાવરને ચોતરફ સ્ફટિકની તીક્ષ્ણ ખીલીઓ છે, જે આ લોકોને વધુ ઈજા કરતી રહે છે.’

કૂદકો મારનારા આ લોકો દિવસમાં સરેરાશ બેવાર નીચે પડવાનો અનુભવ કરતા રહેતા. મગજની સીમિત શક્તિને કારણે એમની પાસે પડવું અને દુ :ખ પામવું એ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. આ લોકો ચંદ્રને મેળવવા ઇચ્છતા હતા, પણ એની માથાકૂટમાં કેવળ ઘા અને જખમ જ મેળવતા.

‘શ્રીમાન્, આમને જોઈને મને ઊંચે જ જોનારા ગગનૂની યાદ આવે છે, જે પાસે છે એને છોડીને જે નથી એને મેળવવાની કોશિશ કરે છે. હું આ બેવકૂફોને મદદ કરવા નથી ઇચ્છતો પણ શું અહીંના થોડાક સમજુ લોકોને કંઈક કહી શકું?’

હંસે કહ્યું, ‘દૂર રહે, સુરક્ષિત રહે.’

‘શ્રીમાન્, વણકહેલા શબ્દોના ભારથી મારું શરીર ફુલાઈ રહ્યું છે.’

હંસજી, ‘ફૂલવા દે. શબ્દ તને કામે લગાડશે અને પછી તું એમાં જ રત રહીશ. હરવખતે ભાગ્ય તને સાથ નહીં આપે. અદૃશ્ય પિંજરા (ટાવર) તરફ એક પછડાટ અને બસ પછી તું જિંદગીભર પછડાતો રહેશે.’

હું ઝડપથી આ સ્થળેથી ચૂપચાપ બહાર નીકળી ગયો.

સળગતું પૂંછડું

મેં અનુભવ્યું છે કે રોમાંચમાં ભાગ ન લેવાથી રોમાંચની પૂરી મજા જ મારી જાય છે. પરંતુ હવે હંસજી સાથેનો મારો દૃષ્ટિકોણ બદલાતો જાય છે. હું એ અનુભવી રહ્યો હતો કે રમતગમતમાં ભાગ લેવા કરતાં એને જોવામાં વધારે આનંદ આવે છે.

ત્યાર પછી અમે જે દેશમાં પહોંચ્યા, ત્યાંના લોકોની નાની નાની પૂંછડીએ આગ લાગી હતી અને એ સતત સળગતી હતી. એને સળગવા માટે ઇંધણ ક્યાંથી મળતું હશે, એ વિશે હું વિસ્મયપૂર્વક જિજ્ઞાસા અનુભવતો હતો.

કોઈ દુર્ઘટનાની આશંકાથી પોતાને બચાવવા તેઓ કોઈ ધાતુના પોશાકનો ઉપયોગ કરતા હતા પરંતુ એ વધારે અસરકારક જણાતો ન હતો.

આમ તો એ લોકો મજાના લાગતા હતા, પરંતુ જ્યારે તેઓ અહીંતહીં ઘૂમતા ત્યારે એમની સળગતી પૂંછડીથી આજુબાજુની ચીજોને આગ લાગવાનો ભય હતો અને વચ્ચે વચ્ચે એવું થતું પણ હતું.

ક્યારેક કોઈ કોઈનું ઘર સળગી ઊઠતું અને પછી એ જગ્યા પૂરે પૂરી ધધક ધધક કરતી સળગવા માંડતી. જ્યાં ક્યાંય આગ લાગતી તેને આ સળગતી પૂંછડીવાળા જીવ અને આગ લગાડનારા પણ આગ હોલવવા દોડી જતા.

જોરથી બરાડા પાડીને તેઓ પૂરા તનમનથી લોકોને બચાવવાના ભલા કામે લાગી જતા. એમનો આવો સારો એવો તાલમેલ જોઈને અમને પક્ષીઓને પણ શરમ આવતી.

અલબત્ત, એમના ઈરાદા અને પ્રયત્ન સરાહનીય હતા. પણ એમની કામ કરવાની રીત મૂર્ખતાભરી હતી.

આગ હોલવવાના પ્રયાસમાં તેઓ આગથી બચેલાં ઘરોમાં આગ લગાડતા હતા.

આગ લગાડવી અને વળી એને હોલવવી, આ બે જ કામ એ નેકદીલ આત્માઓનાં હતાં. વળી વચ્ચે વચ્ચે તેઓ પોતાના જખમો પર મલમપટ્ટા પણ કરતા.

હું મારી જાતને રોકી શકતો ન હતો, એ વાત તો સ્પષ્ટ હતી. ‘શ્રીમાન્, શું આ લોકો સમસ્યાઓનો ઉકેલ છે કે સમસ્યાઓનો હિસ્સો છે? કે વળી સમસ્યાઓ ઊભી કરનારાઓ છે? આમને જોઈને મને કામિલો-મીઠી છરીની યાદ આવે છે.’

હંસજી, ‘ટિયા, વિચારીશ તો જાણવા મળશે કે તું પણ એમના જેવો જ છે. દાન, દયા, સેવા અને ભલાઈ કરનારા લગભગ બધાની રીત આવી જ હોય છે. પહેલાં કોઈને સમસ્યામાં મૂકી દો અને પછી એમને બચાવવા કૂદી પડૉ. અને હવે તારી પૂંછડી પણ આગ ફેંકવા લાગે એ પહેલાં ચાલો, આપણે અહીંથી ચાલતા થઈએ.’ હંસ મહારાજ સાચું કહેતા હતા. મોટેભાગે હું પજવતો અને ખીજવતો અને પછી એમને શાંત કરવા જુદી જુદી તરકીબોનો ઉપયોગ કરતો.

મને મારી જાત પર શરમ આવી અને હંસજી ન હોય એ તરફ જોવા લાગ્યો. મારી પોતાની પૂંછડી પર આગ ચાંપવાનો મારો ઈરાદો ન હતો એટલે હું ત્યાંથી નીકળી ગયો. (ક્રમશ 🙂

Total Views: 413

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.