(ગતાંકથી આગળ)
પાંચમી મહત્ત્વની વાત છે E – elimination, દૂર કરવું. એવી ઘણી બાબતો હોય છે જે ખૂબ જ નિરર્થક હોય છે અને આપણો સમય બગાડે છે. આવી બાબતોને આપણા શેડ્યુલમાંથી સરળતાથી દૂર કરી શકાય છે. કેવી રીતે ? – જે તમને લાભકર્તા હોય એવી જ પ્રવૃત્તિઓ હાથમાં લો. પછી જે પ્રવૃત્તિ હાથમાં લો તેના પર જ તમારું ધ્યાન પૂરેપૂરું કેન્દ્રિત કરો. જ્યારે ગુરુ દ્રોણાચાર્યે અર્જુનને પૂછ્યું, ‘તને ઝાડ પરનું પક્ષી દેખાય છે ?’ અર્જુને જવાબ આપ્યો, ‘ના, મને તો માત્ર પક્ષીની આંખ જ દેખાય છે,’ કારણ કે તેની ધનુર્વિદ્યાની તાલીમમાં તેને તે જ શીખવવામાં આવ્યું હતું. તેથી તમે પણ જે પ્રવૃત્તિ કરો તેમાં સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરો.
F નો અર્થ જ અહીં focus એમ કર્યો છે.
હવે આવે છે G અને H. G એટલે કે gossiping – ગપ્પાં મારવાં. જો કોઈ સારા કાર્ય માટે સમય ફાળવવો હોય તો ગપ્પાં મારવાનું ટાળો. H એટલે કે harmony – સંવાદિતા. આપણાં કાર્ય અને કાર્યવિધિ વચ્ચે – આપણાં ઓફિસનાં કામ અને ઘરનાં કામ વચ્ચે સંવાદિતા રાખવી જોઈએ. સંતુલનનું મહત્ત્વ ખૂબ જ છે. તમે જોશો કે નોકરી કરતી સ્ત્રીઓ કેવી કુશળતાથી પોતાની ઓફિસનું કામ અને ઘરનું કામ જવાબદારીપૂર્વક નિભાવતી હોય છે.
I એટલે કે interference – અવરોધ, જે આપણી એકાગ્રતાને અસર કરે છે. માનો કે હું કોઈ કાર્ય ખૂબ જ ઉત્સાહપૂર્વક હાથમાં લઉં છું અને કરવા માંડું છું. ત્યાં જ મિત્રનો SMS આવે. આપણું મગજ તરત જ તે SMS તરફ વળી જાય છે. તેથી આવા અવરોધો ઓછામાં ઓછા આવે કે ન જ આવે તે બાબતે આપણે કાળજી લેવી જોઈએ.
J એટલે કે judging – લેખાંજોખાં, અર્થાત્ તમારું પોતાનું પરીક્ષણ. ટાઇમ મૅનેજમેન્ટના સંદર્ભમાં જોઈએ તો પોતાનું પરીક્ષણ એટલે સ્વમૂલ્યાંકન.
K એટલે કે keeping to the time – અર્થાત્ આપણે સૌએ સમયસાવધ બનવાનું છે. જીવનમાં ઘણી બધી અનિશ્ચિતતાઓ હોઈ શકે, પરંતુ તેમનો સામનો કરવા માટે આપણે તૈયાર રહેવું પડશે. ખાસ કરીને આપણે મુસાફરીમાં, કોઈને મળવામાં કે કોઈ અગત્યની મુલાકાતમાં હાજરી આપવાની હોય, ત્યારે સમયનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. તમને મારા જીવનમાં બનેલી એક ઘટના જણાવું. બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. તેઓ મિશનમાં એક શિસ્તબદ્ધ સૈનિકની જેમ જ વર્તતા. આમ પણ રામકૃષ્ણ મઠ અને મિશનમાં બધું શિસ્તબદ્ધ રીતે જ ચાલતું હોય છે. પરંતુ ગંભીરાનંદજી મહારાજ શિસ્તના ખૂબ જ આગ્રહી હતા. તેઓ પોતાના દરેક કાર્ય માટે સમયપાલનને એટલી સખતાઈથી વળગી રહેતા કે તમે તેમનું કામ જોઈને તમારી ઘડિયાળને મેળવી શકો. દરરોજ સવારે ૪.૦૦ વાગ્યે ધ્યાનમાં બેસવાનું, ૬.૧૫ વાગ્યે મોર્નિંગ વોકમાં જવાનું, ૭.૦૦ વાગ્યે સવારનો નાસ્તો કરવાનો, ૭.૩૦ વાગ્યે ઉપનિષદનો વર્ગ લેવાનો, ૮.૦૦ વાગ્યે સ્નાન કરવાનું, ૮.૩૦ વાગ્યે શંકરાચાર્યના બ્રહ્મસૂત્રભાષ્યનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનુંં – બધા માટેનો સમય નિશ્ચિત જ. તમે તેમનું કામ જોઈને ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે તે નક્કી કરી શકો.
બેલુર મઠની વાત છે. હું મિશનમાં સૌથી જૂનિયર હોવા છતાં ભયમુક્ત રીતે રહેતો. ગંભીરાનંદજી મહારાજ ત્યારે જનરલ સેક્રેટરી હતા. હું તો સાવ નવો હતો. એ સમયે ગંભીરાનંદજી મહારાજની આંખો થોડી નબળી પડી. તેથી કોઈ વાંચે અને મહારાજ સાંભળે તેવું થતું. મને જાણ થઈ કે મહારાજ બપોરે જમ્યા પછી થોડો આરામ કરીને ૨.૦૦ વાગ્યે નવું પ્રકાશિત થયેલ પુસ્તક સાંભળતા. કોઈ ને કોઈ તેમની પાસે બેસીને પંદર મિનિટ વાંચતું. એક દિવસ મેં જઈને કહ્યું , ‘મહારાજ, હું દરરોજ ૨.૦૦ વાગ્યે આવીને તમારી પાસે વાંચી શકું?’ મને ખબર નહોતી કે સ્વામીજી ખૂબ જ ગંભીર હતા અને તેમની પાસે આવી રીતે જઈને વાત કહેવાની કોઈ હિંમત ન કરતું. પરંતુ હું તો અજાણ અને ભયમુક્ત મનનો હતો. એટલે તેમની પાસે જઈને બોલી ગયો. તેમણે સંમતિ આપી – ‘ભલે, આવતી કાલથી આવજો.’ બીજે દિવસે મેં સાંભળ્યું કે સ્વામીજી સમયના ખૂબ જ આગ્રહી છે, તેથી હું કોઈ કસર રાખવા નહોતો માગતો.
૧૨ વાગ્યાથી જ હું થોડા ટેન્શનમાં હતો અને મહારાજના રૂમની સામે જ બાંકડા પર ગોઠવાઈ ગયો. બરાબર ૨.૦૦ વાગ્યે મહારાજે રૂમનો દરવાજો ખોલ્યો અને હું પુસ્તક લઈને અંદર પ્રવેશ્યો. તેમણે મને બેસવા કહ્યું. મેં વાંચવાનું શરૂ કર્યું. બરાબર ૨.૧૫ વાગ્યે તેમણે કહ્યું, ‘સારું, હવે તમે જઈ શકો છો.’ ત્રણ દિવસ સુધી આમ ને આમ બરાબર ચાલ્યું. ચોથા દિવસે મેં થોડી હળવાશ અનુભવી અને મેં જરા વાર ઝોકું ખાઈ લીધું. જ્યારે ઊંઘ ઊડી, ત્યારે જોયું તો બે વાગી ચૂક્યા હતા. તેથી હું મોં ધોઈને દોડ્યો. બે ઉપર પાંચ મિનિટ પસાર થઈ ગઈ હતી અને મહારાજના રૂમનું બારણું તો ખૂલી ગયું હતું. મેં ઉદ્વિગ્નતા અનુભવી. જ્યારે હું અંદર દાખલ થયો, ત્યારે તેઓ એકપણ શબ્દ બોલ્યા નહીં અને ત્યાં પડેલી ઘડિયાળ તેમણે મારી સામે ફેરવી. મારી દશાની કલ્પના તો કરો ! બીજા જ દિવસથી ઝોકું લેવાની ટેવ પડતી મૂકી અને બપોરે જમી લીધા બાદ તરત જ મહારાજના રૂમની સામેના બાંકડા પર બેસી જવાનું શરૂ કર્યું. મારા માટે એ એક બોધપાઠ હતો. આવી સમયબદ્ધતા આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે.
હવે આવે છે L એટલે કે learn to say no – અર્થાત્ ‘ના’ પાડતાં શીખો. મોટે ભાગે આપણે બીજા પર ઉપકાર કરવાનું જ ઇચ્છતા હોઈએ છીએ. પરંતુ સમય આવ્યે આપણામાં ‘ના’ કહેવાની પણ હિંમત હોવી જોઈએ. તમારો મિત્ર તમને કહે, ‘હું ક્રિકેટ રમવાનો છું, તારે જોવા આવવું પડશે.’ પરંતુ તમારે ઘણું જ અગત્યનું કામ હોવા છતાં તમે કહેશો, ‘હા.. હા, હું ચોક્કસ આવીશ.’ બીજો મિત્ર બીજું કાંઈક કહેશે, તેને પણ તમે ‘હા’ કહેશો. પરંતુ તમારે જ તમારા કામનો અગ્રતાક્રમ નક્કી કરવાનો છે. તેથી સમય આવ્યે નમ્રતાપૂર્વક પરંતુ મક્કમતાથી ‘ના’ કહેવાનું શીખવું ખૂબ જ જરૂરી છે.
M એટલે કે managing physical health – શારીરિક તંદુરસ્તી જાળવવા કસરત ખૂબ જ જરૂરી છે. તમારા પોષાક, ખોરાક વગેરેનું યોગ્ય આયોજન કરીને તમારું રોજિંદું કાર્ય કરતા રહો.
N સૂચવે છે ‘now or never’ અર્થાત્ ‘અત્યારે જ અથવા ક્યારેય નહીં.’ હાથમાં લીધેલાં કાર્યને કાલ ઉપર ક્યારેય મુલતવી ન રાખો, કારણ કે કાલ કદાચ ન પણ આવે. આવું પ્રમાદી વર્તન એ તમોગુણી પ્રકૃતિ છે.
O એટલે કે organize your work – તમારા કાર્યનું સુચારુ સંચાલન કરો. તમારા કાગળોને ફાઈલ કરવાથી લઈને દરેક કાર્યમાં યોગ્ય સિસ્ટમ હોવી જોઈએ. શ્રીરામકૃષ્ણ પરમહંસ પણ એટલી ચોક્કસાઈ રાખતા. તેમની પાસે માત્ર એક જ કબાટ હતો, પરંતુ કઈ વસ્તુ કઈ જગ્યાએ પડી છે, તે તેઓ સારી રીતે જાણતા હતા. અમારા ૧૦મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદ હતા. મને તેમની સેવામાં રહેવાની તક મળી હતી. તેમની આંખો ખૂબ જ નબળી હતી, પરંતુ તેઓ પોતાની પાસે આવેલી ઘણી વસ્તુઓનાં સ્થાન વિશે ખૂબ જ ચોક્કસ રહેતા. એક વખત સેવક મહારાજે તેમને જોઈતી શાલ માટે કહ્યું કે ત્યાં શાલ પડી નથી. પરંતુ વીરેશ્વરાનંદજી મહારાજે કહ્યું કે ‘અમુક કબાટનું ત્રીજું ખાનું ખોલો.’ તે શાલ જે તે ભક્ત તરફથી આવી હતી તેનું નામ પણ તેમણે કહ્યું. આમ વસ્તુઓ પ્રત્યેની કાળજી, ચોક્કસાઈ આપણો સમય બચાવે છે.
P એટલે કે planning – આયોજન પણ એટલું જ અગત્યનું છે. જો તમે આયોજન ન કરો તો તમે ટાઇમ મૅનેજમેન્ટ કરી શકો નહીં. અમેરિકાના એક મોટા ઉદ્યોગપતિએ એક ટાઇમ મેનેેજમેન્ટ કન્સલ્ટન્ટને કહ્યું, ‘જો તમે મને ટાઇમ મૅનેજમેન્ટ ટેકનીક શિખવાડો તો હું ૨૫૦૦૦ ડાૅલર આપીશ.’ મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટે તે ઉદ્યોગપતિને એક પેડ અને થોડાં પાનાં આપ્યાં અને કહ્યું : ‘દરરોજ રાત્રે સૂતાં પહેલાં પછીના દિવસે તમારે કરવાનાં કામની અગ્રતાક્રમ પ્રમાણે નોંધ કરવી.’ એક મહિના પછી તે ઉદ્યોગપતિએ તેમને ૨૫૦૦૦ ડાૅલરનો ચેક મોકલાવી દીધો. આમ, તમારા ટૂંકા ગાળા કે લાંબા ગાળાનાં ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્લાનીંગ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.
Q એટલે કે quit. ઈ.સ.૧૯૪૨માં ‘Quit India – હિંદ છોડો’નું આંદોલન થયું હતું અને અંગ્રેજોએ ભારત છોડવું પડ્યું હતું. પરંતુ અત્યારે તો આપણે ટી.વી. સામે બેસી રહેવાની આદતને છોડવાની છે. હાલ અમેરિકામાં ટી.વી. જોનારી આ ત્રીજી પેઢી છે. ઈ.સ. ૧૯૬૪માં ટી.વી. બજારમાં આવ્યું. ત્યાં થયેલાં સંશોધનોના અંતે એ તારણ આવ્યું કે જે લોકો છ કલાકથી વધુ ટી.વી. જોતાં હતાં તેમનાં બાળકો ખૂબ જ સારી દૃષ્ટિચેતાઓ સાથે જન્મ્યાં. તેઓ ૧૦ કલાક ટી.વી. જોઈ શકે તેવી શક્તિ ધરાવતાં હતાં. પરંતુ તેમનામાં પૃથક્કરણાત્મક ચેતાઓનો સદંતર અભાવ હતો. તેમની કલ્પનાશક્તિ પણ ગાયબ હતી. મનોરંજનના નામે આ ‘ઇડીયટ બોક્સ’ (ટી.વી.) આપણા ચિત્ત અને મગજનું બ્રેઇનવોશ કરી રહ્યાં છે. તેથી તમને જે બિનુપયોગી હોય તેને છોડવાનું શીખો. ધારો કે તમારો કોઈ એક મિત્ર નશાખોર હોય અને દરરોજ તમને પણ નશાનો આગ્રહ કરે તો તમે શું કરશો? તે મિત્રને છોડી દો. તમે કેવા પ્રકારના લોકો સાથે જોડાયેલા છો તે જ તમારું ભવિષ્ય નક્કી કરે છે. તમારાં વ્યક્તિત્વવિકાસ, ચારિત્ર્યનિર્માણ, પ્રગતિ કે અભ્યાસના માર્ગે જે કંઈ અવરોધરૂપ બને તેને છોડી દો. તમારે એ બાબતમાં અત્યંત મક્કમ અને અડગ રહેવાનું છે.
R એટલે કે “fixed routine’ – અર્થાત્ આપણી પાસે આપણા ૨૪ કલાકનું ટાઇમટેબલ હોવું જોઈએ. ધારો કે તમે સવારે ૫.૦૦ વાગ્યે ઊઠવા એલાર્મ સેટ કર્યો. પહેલા દિવસે કદાચ એવું બનશે કે તમે ઊઠીને એલાર્મ બંધ કરીને ફરી કલાક સૂઈ જશો. એમાં કાંઈ વાંધો નથી. આવું તો બને. પરંતુ બીજા દિવસે ફરી એલાર્મ સેટ કરો. આ વખતે એલાર્મ ક્લોકને તમારાથી થોડે દૂર મૂકો જેથી તેને બંધ કરવા તમારે ઊભા થવું પડે. ઊભા થઈને તરત જ તમારા ચહેરા પર પાણી છાંટો અને થોડી કસરત કરી લો. હવે તમને ફરી ઊંઘ નહીં આવે. થોડા દિવસ આ નિત્યક્રમને અનુસરવું કંટાળાજનક લાગશે. જો તમે બાળપણથી જ સ્કૂલે જતા હો એટલે તમને સ્કૂલે જવાનો કંટાળો આવતો નથી. પરંતુ નવા નિત્યક્રમને અનુસરવું થોડું મુશ્કેલ લાગે. તેમ છતાં તેને વળગી જ રહેવું પડે. તમારે થોડો સમય ધ્યાન અને પ્રાર્થના માટે પણ ફાળવવો જોઈએ. એનાથી તમારી એકાગ્રતા વધશે અને કાર્યદક્ષતા પણ વધશે. મન આપણા અંકુશ હેઠળ નથી, આપણે મનના અંકુશ હેઠળ છીએ. આપણા મનને કેવી રીતે કાબૂમાં રાખવું – આપણા જીવનને સંયમિત કરીને. આપણા જીવનને કેવી રીતે કાબૂમાં રાખીશું – એક ચોક્કસ નિત્યક્રમ જાળવીને. થોડાક સમય પછી આપણું મન પણ એ જ નિત્યક્રમને અનુકૂળ થઈને રહેશે. પરંતુ તમારો નિત્યક્રમ એટલો બધો આદર્શ ન બનાવો કે તેને અનુસરવું મુશ્કેલ બને અને તમે તેને પાળવાનું માંડી વાળો. જેને તમે સહજ સરળ રીતે અનુસરી શકો એવોે નિત્યક્રમ પોતે નક્કી કરો.
S એટલે કે saving – એક એક મિનિટની બચત. ટીપે ટીપે સરોવર ભરાય. જો તમે કલાકો ન બચાવી શકો, તો મિનિટો તો બચાવો જ. દા.ત. તમે જમવામાં ૩૦ મિનિટ લો છો, તેને ઘટાડીને ૨૦ મિનિટ કરી શકો.
T એટલે કે tame the monkey – અર્થાત્ વાંદરાને પાળવો. વાંદરો આપણા મનની અંદર બેઠેલો છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે મનને વશમાં રાખવું કેટલું કઠણ છે ? મનને પાગલ વાંદરા સાથે સરખાવવામાં આવે છે. એક વાંદરો હતો, બીજા વાંદરાઓની જેમ જ ચંચળ. એટલું જ પૂરતું ન હોય તેમ વળી કોઈએ તેને દારૂ પિવડાવ્યો અને તે વધુ તોફાની બન્યો. પછી એવું બન્યું કે એક વીંછી તેને કરડ્યો. જ્યારે કોઈ માણસને વીંછી કરડે ત્યારે તે લાંબો સમય પીડાથી કૂદાકૂદ કરે છે. તેમ વાંદરાની દશા તેનાથી પણ વધુ ખરાબ થઈ. તેની દુર્દશામાં વધારો કરવા વળી તેનામાં શેતાને પ્રવેશ કર્યો. વાંદરાની આ પરિસ્થિતિનું કઈ ભાષામાં વર્ણન કરી શકાય ? માનવમન પણ આ વાંદરા જેવું જ છે. મન નિરંતર ચંચળ જ રહેવા ટેવાયેલું છે. વળી તે ઇચ્છારૂપી મદિરાનું સેવન કરે છે અને તેનાં તોફાનો વધવા માંડે છે. આટલું અધૂરું હોય તેમ ઇચ્છાપૂર્તિ કરવા જતાં ઇર્ષ્યારૂપી વીંછી તેને ડંખ મારે છે. અને છેલ્લે અહંકારરૂપી રાક્ષસનો પ્રવેશ થાય છે. એને કારણેે તે સ્વકેન્દ્રી અને સ્વાર્થી બની જાય છે. આવા મનને વશ કરવું કેટલું કપરું કામ છે !
જો આવા ચંચળ વાંદરા જેવા મનને નિયંત્રણમાં ન રાખી શકો તો ટાઇમ મૅનેજમેન્ટમાં તમે સફળ થવાના નથી. એટલે સ્વયંશિસ્ત જ ઘણી મોટી અને મહત્ત્વની વાત છે.
U એટલે કે utilizing time management tools અર્થાત્ ટાઇમ મૅનેજમેન્ટ માટેનાં ઉપકરણોનો સદુપયોગ. આ ઉપકરણો કયાં ? તેમાં એલાર્મ ક્લોક, પ્લાનીંગ કેલેન્ડર, નોટ-પેડ વગેરેનો સમાવેશ કરી શકાય.
V એટલે કે verify – ચકાસણી. તમે કોઈને મળવા ઇચ્છો છો અને તેને મળવા નક્કી કરેલા સ્થળે પહોંચી જાઓ છો. ત્યાં પહોંચીને તમને ખબર પડે કે તે વ્યક્તિ તો ત્યાં છે જ નહીં. સમય અને શક્તિનો કેટલો વ્યય ? એટલે નીકળતાં પહેલાં બરાબર ખાતરી કરી લો કે તે વ્યક્તિ નક્કી કરેલા સમયે જે તે સ્થળે હાજર છે કે નહીં.
હવે, W એટલે કે wastage of time – સમયનો દુર્વ્યય. આપણે બધા જાણીએ છીએ કે આપણો સમય કઈ રીતે અને ક્યાં વેડફાઈ જાય છે. કઈ ફળદાયી પ્રવૃત્તિઓ તમે કરો છો તેની નોંધ રાખો અને નિરુપયોગી કાર્યો પર ચોકડી મારો.
X એટલે કે xerox. તમારા શેડ્યુલની નકલ બનાવો અને બીજાઓને પણ તમારાં આયોજનો અને વ્યસ્તતાની જાણ કરો. એનાથી તમારો અને અન્ય વ્યક્તિઓનો સમય બચાવી શકાશે. ઉપરાંત તમે અનિચ્છનીય અને બિનજરૂરી સમસ્યાઓથી પણ મુક્ત રહેશો.
Y નો અર્થ છે ‘yes’. કોઈ પણ કાર્ય કરવા તમે શક્તિમાન છો તેમ તમારી જાતને કહો. તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. ‘હા, હું તે કામ કરીશ જ. કદાચ થોડું થઈ શકે પણ ચોક્કસ કરીશ.’ ધીમે ધીમે તમે એ કાર્ય પૂર્ણ કરી શકશો. હકારાત્મક પરિવર્તનોને અપનાવો અને જોવા મળશે કે આત્મવિશ્વાસથી ભરપૂર વ્યક્તિમાં તમારું રૂપાંતરણ થઈ રહ્યું છે.
Z એટલે કે zoom. રાત્રે સારી ઊંઘ કરો. જો તમે સારી ઊંઘ કરશો તો તમે સવારે એટલી જ તાજ્ગી અનુભવશો અને નવી ઊર્જાના સંચાર સાથે તમે તમારાં બધાં જ કાર્યો સમયસર પૂરાં કરી શકશો. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ લખ્યું છે – ‘જે લોકો ખોરાક અને આનંદપ્રમોદમાં સંયમ રાખે છે, જે લોકો કાર્યોમાં અનાસક્ત અને સંયમી રહે છે, જે સૂવામાં અને ધાર્મિક જાગરણોમાં નિયમિત રહે છે, તે સંસારની વેદનાઓમાં પણ સ્થિરતાને પામે છે.’
અને છેલ્લે, મનની એકાગ્રતા કેવી રીતે કેળવવી? યાદ રાખો ‘C’ એ સીધું જ “P’ ના સપ્રમાણમાં રહે છે – જ્યાં C એટલે concentration – એકાગ્રતા અને P એટલે purity of mind – મનની શુદ્ધતા. જેટલું મન પવિત્ર હશે તેટલી જ એકાગ્રતા વધશે. જો તમે યોગ્ય રીતે ટાઇમ મૅનેજમેન્ટ નહીં કરો તો તમારો તણાવ વધશે; જો તમે તણાવને સંયમિત નહીં કરો તો તમે ટાઇમ મૅનેજમેન્ટમાં નિષ્ફળ જશો. એટલે કે તણાવ અને ટાઇમ મૅનેજમેન્ટ બન્ને પરસ્પર એકબીજા પર આધારિત છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે જો આપણે વધુ શાંત હોઈશું અને ઓછામાં ઓછા વિક્ષેપિત થઈશું, તો જ આપણે બીજાઓને વધુ સારી રીતે ચાહી શકીશું અને આપણાં કાર્યો પણ એટલાં જ સુંદર હશે. તેથી જો તમે તણાવમુક્ત હશો તો તમે વધારે સારું પરિણામ મેળવી શકશો. કાર્યદક્ષતા, કાબેલિયત, નિપુણતા, મનની એકાગ્રતા અને તણાવ તેમજ ટાઇમ મૅનેજમેન્ટ – આ બધાં એકબીજા સાથે વણાયેલાં છે.
Your Content Goes Here





