એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે સમયબદ્ધતા એ ટાઇમ મેનેજમેન્ટ નથી. તમે જાણો છો કે ગાંધીજી ચુસ્તપણે સમયપાલન કરતા. તેમણેે એક વખત ઉચ્ચ હોદ્દા પરના અંગ્રેજને બપોરે ૩.૪૦ વાગ્યે મળવાનો સમય આપ્યો. તે અધિકારી બે મિનિટ મોડા પહોંચ્યા તેથી તેમને રાહ જોવાનું કહેવામાં આવ્યું અને ૧૦ મિનિટ પછી તેમને ગાંધીજીને મળવા જવા દેવાયા. અધિકારીએ રોષ ઠાલવ્યો : ‘ગાંધી, મેં તો સાંભળ્યું છે કે તમે ખૂબ જ સમયપાલનમાં માનો છો. પરંતુ તમે તો મને ૧૦ મિનિટ રાહ જોવડાવી.’ ગાંધીજીએ કહ્યું, ‘તમારો મળવાનો સમય કયો હતો ? ૩.૪૦, ખરું ને ? મેં તમારી રાહ ૩.૪૧ મિનિટ સુધી જોઈ. તમે સમયસર ન આવ્યા, તેથી મેં બીજું કામ શરૂ કરી દીધું. મારું બીજું કામ નાસ્તો કરવાનું હતું. અને તમે એક સિનિયર અધિકારી હોવાના નાતે અપવાદરૂપે હું તમને સમય ફાળવી રહ્યો છું. હું એક મિનિટથી વધુ સમય વેડફી શકું નહીં.’ એ અંગ્રેજ અધિકારી પોતાની ભૂલ સમજી ગયા, એટલું જ નહીં તેમણે માફી પણ માગી.

તમે જ્યોર્જ વોશિંગ્ટનનું નામ સાંભળ્યું જ હશે. તે પણ સમયપાલનના ચુસ્ત આગ્રહી હતા. એક દિવસ તેમણે સેક્રેટરીને મોડા આવવાનું કારણ પૂછ્યું. જવાબમાં સેક્રેટરીએ જણાવ્યું, ‘મારી ઘડિયાળ બરાબર ચાલતી નથી.’ તે સાંભળીને વોશિંગ્ટને કહ્યું, ‘ઓ.કે., હવે આપણી પાસે બે વિકલ્પ છે, કાં તો તું ઘડિયાળ બદલાવી નાખ અથવા તો હું સેક્રેટરી બદલાવી નાખું.’

મારે અમેરિકા જવાનું થયું. ત્યાં પણ લોકો ખૂબ જ સમયપાલનમાં માને છે. સ્વામી વિવેકાનંદજી જ્યારે અમેરિકામાં હતા, ત્યારે તેમને એક ટ્રેનમાં જ્વાનું થયું. પરંતુ તેમને જરા મોડું થયું. તેમના મિત્રો કહેવા મંડ્યા : ‘સ્વામીજી, દોડો દોડૉ. ટ્રેન આવી જ ગઈ હશે. તમે ચૂકી જશો.’ ત્યારે સ્વામીજીએ શાંતિથી કહ્યું, ‘તેના પછી બીજી કોઈ ટ્રેન જ નથી ?’

એક વખત સ્વામીજીને લેકચરમાં જવામાં ખૂબ મોડું થયું. જે સન્નારીએ આ કાર્યક્રમ યોજ્યો હતો, તેણે પહેલાં ક્યારેય ન જોયું હતું, ક્ંઈક એવું જોયું. તેણીએ જોયું કે સ્વામીજી વારંવાર ડ્રોઇંગરૂમમાં જઈ એક મોટા અરીસા સામે ઊભા રહીને પોતાની જાતને નિરખતા હતા. આપણે જાણીએ છીએ કે સ્વામીજી પોતાના બાહ્ય દેખાવને બહુ મહત્ત્વ ન આપતા. પરંતુ તે દિવસે તો તેઓ કંઈક જુદું જ વર્તન કરતા હતા. તે સ્ત્રીને પણ સ્વામીજીનું આવું વર્તન જોઈને આશ્ચર્ય થયું. સ્વામીજી શા માટે લેક્ચર હાૅલમાં જતાં પહેલાં વારંવાર અરીસામાં જોતા હતા, એમ તે વિચારતી હતી.

સ્વામીજીએ પછીથી આવા વર્તન અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું, ‘મારી માનસિક અવસ્થા એટલી હદે ઊર્ધ્વ થઈ જતી હતી કે હું દેહથી પર થઈ જતો હતો. હું મારી જાતને દેહ અને સમયથી પર અનુભવતો હતો. તેથી હું મારી જાતને સતત પ્રતીતિ કરાવતો હતો કે તું દેહધારી છો. એટલે હું વારંવાર અરીસા સામે જઈને ઊભો રહી જતો હતો. પરંતુ હું જેવો અરીસાથી દૂર જતો કે તરત જ હું દેહભાન ગુમાવી દેતો અને હું કેવો છું તે બધું ભૂલી જતો હતો !’ પરંતુ એ તો સ્વામી વિવેકાનંદ હતા ! કહેવાની જરૂર નથી કે આપણે તેમના જેવા ન થઈ શકીએ. તેથી આપણે આપણી ક્ક્ષામાં રહેવું જોઈએ.

ડૉ. કલામ સાહેબ ભારતના રાષ્ટ્રપતિ બન્યા એ પહેલાંની વાત છે. મને થયું કે તેમને હું પોરબંદર આવવાનું નિમંત્રણ આપું અને તેઓ આવીને યુવાનોને સંબોધે તેમજ એક સ્કૂલબિલ્ડીંગનું ઉદ્‌ઘાટન પણ કરે. મેં તેમને ટેલીફોન કર્યો અને તેમણે જવાબ આપ્યો કે હાલ તો તેઓ ખૂબ જ વ્યસ્ત છે, પરંતુ પછીથી ચોક્કસ આવશે. એક વખત મને સમાચાર મળ્યા કે તેઓ ડિસેમ્બર – ૨૦૦૧માં રાજ્કોટની ક્રાઇસ્ટ કોલેજના કાર્યક્રમમાં હાજરી આપવા આવવાના છે. પોરબંદરથી રાજકોટ નજીક જ છે, તેથી હું જાતે જ રાજકોટ પહોંચી ગયો. રોડરસ્તે ત્રણેક કલાકની મુસાફરી. મેં ત્યાં પહોંચીને ડૉ. કલામ સાહેબને સંદેશો મોકલ્યો : ‘હું તમને વ્યક્તિગત આમંત્રણ આપવા ઇચ્છું છું અને હું તમને મળવા માગું છું. મને આપ કહો કે હું આપને ક્યાં મળું ? એરપોર્ટ પર કે પછી જ્યાં આપ રોકાયા છો તે સ્થળે ?’

તેમણે મને તરત જ વળતો સંદેશો મોકલ્યો : ‘સ્વામીજી, આપ તો સંન્યાસી છો. મારે જ તમને મળવા આવવું જોઈએ.’

જુઓ ! કેટલા વિનમ્ર માનવ ! પછી મેં અમારા રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામીને કહ્યું કે ડૉ. કલામ આપણને મળવા આવે છે. અધ્યક્ષ સ્વામીના ઉદ્ગારો આવા હતા, ‘એ કેવી રીતે બની શકે ? આપણે તો તેમને કોઈ નિમંત્રણ પણ પાઠવ્યું નથી ?’ મેં કહ્યું, ‘પરંતુ એક કલાક પછી તેઓ એરપોર્ટ જતી વખતે આશ્રમની મુલાકાત લેવાના છે.’ અને ખરેખર તેઓ કોઈપણ જાતના ઔપચારિક નિમંત્રણ વગર સાંજે ૬.૦૦ વાગ્યે રાજકોટ આશ્રમમાં પધાર્યા. તેમને અમે સૌ પ્રથમ પ્રદર્શન જોવા લઈ ગયા. પછી તેમને મંદિરમાં જવાનું કહેવું કે નહીં, તે બાબતે અમે થોડા અવઢવમાં હતા. અમે તેમને પૂછ્યું તો તેઓ તરત જ બોલી ઊઠ્યા, ‘હા, હા, મને મંદિરમાં જવું ચોક્કસ ગમશે.’ તે વખતે મંદિરમાં સાંજની પ્રાર્થનાનો સમય હતો. જેવા તેઓ મંદિરમાં પ્રવેશ્યા કે તરત જ તેમણે પૂછ્યું, ‘સ્વામીજી, હું આ બધા વિદ્યાર્થીઓની સાથે નીચે બેસીને પ્રાર્થનામાં જોડાઈ શકું?’ કેટલાક છાત્રો મૂર્તિની સામે જોઈને બેઠા હતા. અમે સૌ પાછળના ભાગેથી પ્રવેશ્યા હતા. તેથી તેઓ આગળ સુધી ચાલીને ગયા અને પ્રાર્થના ગાતા વિદ્યાર્થીઓની સાથે નીચે બેસી ગયા. તેમનું મન એટલું નિર્મળ હતું કે જેવા તેઓ બેઠા કે તરત જ ઊંડા ધ્યાનમાં સરી ગયા. મોડું થઈ જવાના કારણે તેમની સાથેના અધિકારીઓ ખૂબ જ ચિંતિત હતા, કારણ કે તેમણે સમયસર એરપોર્ટ પહોંચવાનું હતું. પછી અમારા સ્વામીજીએ કહ્યું, ‘ડૉ. કલામ, આપને મોડું થઈ રહ્યું છે.’ પરંતુ તેઓે તો પોતાની અલગ દુનિયામાં મગ્ન બની ગયા હતા. થોડી વાર પછી જ્યારે તેમને ખભા પરના સ્પર્શથી જગાડવામાં આવ્યા, ત્યારે તેઓ ઊભા થયા અને ખૂબ ઉતાવળે મુખ્ય દરવાજા તરફ ચાલતા થયા. તેમના બૂટ સીડીની નીચે કાઢેલા હતા, તે પણ તેમણે પહેર્યા નહીં અને બૂટ હાથમાં લઈને પોતાની કારમાં જઈને પહેર્યા. અમે પૂછ્યું, ‘ડૉ. કલામ, શું થયું ?’ તેમણે કહ્યું, ‘સ્વામીજી, અદ્‌ભુત સંગીત હતું, પ્રાર્થનાનું! આ દિવ્ય સંગીત પ્રથમ મારા કાનમાં પ્રવેશ્યું, ત્યાંથી મારા મનમાં, મનમાંથી મારા હૃદયમાં અનેે હૃદયમાંથી મારા આત્મામાં પ્રવેશ્યું અને અંતે હું તેમાં જ ખોવાઈ ગયો.’

મેં તેમને એક વખત પોરબંદર આવવાનું નિમંત્રણ આપ્યું અને તેઓ ૧૩ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ પોરબંદર આવ્યા. પોરબંદરમાં જ્યાં સ્વામી વિવેકાનંદ ધ્યાનમાં બેસતા તે રૂમ અમે ધ્યાન માટે જ અલગ જાળવી રાખ્યો છે. ડૉ. કલામ પણ તે રૂમમાં ધ્યાન માટે બેઠા. તેઓ ત્યાં એટલા ધ્યાનમગ્ન બની ગયા કે અમારે રીતસર ઢંઢોળીને તેમને બહાર લઈ જવા પડ્યા ! તેમના નીકળવાનો સમય થઈ ગયો હતો. આ જ કારણે જ્યારે તેઓ ૩૦ માર્ચ, ૨૦૦૮ના રોજ વડોદરા આશ્રમની મુલાકાતે આવ્યા, ત્યારે મેં તેમને ધ્યાનમાં બેસવા કહ્યું જ નહીં. જો તેઓ ધ્યાનમાં બેસી જાય તો પછી તેમને ઊભા કરવા મુશ્કેલ હતું. તેથી તેઓ બે થી ત્રણ મિનિટ એક ચિત્તે ઊભા રહ્યા અને પછી નીચે આવ્યા. તેમણે પણ પોતાના પુસ્તક ‘Ignited Minds’ માં લખ્યું છે : ‘રાજકોટ અને પોરબંદરમાં એ ધ્યાનમગ્ન અવસ્થામાં હું મારી જાતને ભૂલી ગયો હતો !’ તેમણે કોલકાતાના એક કાર્યક્રમમાં પણ શ્રોતાઓને જણાવ્યું હતું કે રાજકોટ અને પોરબંદરમાં ધ્યાનમાં બેસતી વખતે તેમને ધ્યાનનો અદ્‌ભુત અનુભવ થયો હતો અને પ્રથમ વખત અનુભવ્યું કે સમયથી પર બની જવાય છે ! પણ જ્યાં સુધી આપણે સમયથી પર નથી જતા ત્યાં સુધી આપણે સમયનું પાલન કરવું પડશે.

ટાઇમ મેનેજમેન્ટના ફાયદાઓ

આપણે સમયનું મહત્ત્વ સમજવું જોઈએ, આપણે માટે અને આપણે જેમને રાહ જોવડાવીએ છીએ તેમના માટે પણ. હવે આપણે ટાઇમ મેનેજમેન્ટના ફાયદા વિશે સમજીએ. પહેલો ફાયદો એ કે જો તમે સમયપાલન કરો તો તમે ઓછા સમયમાં વધુ કામ કરી શકો છો. બીજું, તમારી કાર્યદક્ષતા પણ વધે છે. ત્રીજું, ઉત્પાદનક્ષમતા વધે છે અને જ્યારે ઉત્પાદનક્ષમતા વધે એટલે સ્વાભાવિક રીતે તમે વધુ પૈસા પણ કમાઈ શકો છો. માત્ર એટલું જ નહીં, પરંતુ ટાઇમ મેનેજમેન્ટના કારણે તમારી શારીરિક અને માનસિક સ્વસ્થતા પણ વધુ બહેતર બને છે અને તમારો માનસિક તણાવ પણ ઘટે છે.

થોડાં વરસો પહેલાં ‘ધ રીડર્સ ડાઇજેસ્ટ’માં એક આર્ટિકલ પ્રસિદ્ધ થયો હતો. એમાં એક ખાસ બેંક વિશે વાચકોને માહિતી આપવામાં આવી હતી; જે દરરોજ તમારા ખાતામાં અમુક રકમ જમા કરેે, પરંતુ સાથે શરત પણ મૂકવામાં આવતી કે આ રકમ તમારે સાંજ સુધીમાં વાપરી નાખવી પડે. જો તમે એ રકમ ખર્ચ કરી ન શકો, તો એ રકમનો તમે બીજા દિવસે ઉપયોગ કરી શકો નહીં. નવા દિવસે તમે નવી રકમ મેળવી શકો. આને ‘ટાઇમ ડીપોઝીટ’ તરીકે આપણે ઓળખીએ છીએ. આ બેંકમાં આપણા માટે દરરોજ ૨૪ કલાક જમા થાય છે. જેટલી ક્ષણો, મિનિટોનો તમે યોગ્ય રીતે ઉપયોગ કરી શકો તેટલી તમારી; જ્યારે બાકીનો બધો સમય તમે ગુમાવી દો છો. પછીના દિવસે ફરીથી તમારા ખાતામાં ૮૬૪૦૦ સેકન્ડ જમા થઈ જાય છે. તેમાંથી આપણે એ જોવાનું રહે છે કે કેટલો સમય સૂવામાં, ખાવા-પીવામાં, શાળાએ જવામાં, તેમજ ઇન્ટરનેટના માધ્યમથી ‘ચીટિંગ-ચેટિંગ’માં પસાર કરી દઈએ છીએ. હાલ તો ચીટિંગ-ચેટિંગ એક સાથે જ ચાલતું જોવા મળે છે. (ક્રમશ 🙂

Total Views: 470

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.