ગેલિલીમાં એક સમયે એક સુથારનો દીકરો પોતાનો જીવનસંદેશ ફેલાવવાના કાર્ય માટે કેટલાક શુદ્ધ અને સાત્ત્વિક આત્માઓની શોધમાં હતો. આ કાર્ય માથે લેનાર સર્વપ્રથમ હતા બે માછીમાર બંધુઓ. માછલાં પકડવાની પોતાની જાળને નાવમાં જ છોડીને તેઓ પોતાના સ્વામીની પાછળ પાછળ નીકળી પડ્યા. તેઓનો સંદેશ તેમણે હૃદયે જડી દીધો હતો, “આવો, હું તમને માણસોમાં, અને નહીં કે માછલીઓમાં, માછીમારીનું કામ શીખવીશ.” આ બંધુઓએ ઘણાં વર્ષો સુધી માનવોને આકર્ષવાનું કામ કર્યે રાખ્યું. “અને જો હું ઉચ્ચતા પામીશ તો સર્વે માનવોને મારામાં ઊંચકી લઈશ,” જીસસે તેમને પોતાના આત્માને જાગૃત કરતાં વચન આપ્યું હતું.

આવા ‘માછીમારો’ જેમણે પયગંબર સમાન સ્વામી વિવેકાનંદની પાછળ પાછળ ચાલવામાં પહેલ કરી હતી તેમાં શ્રીરામકૃષ્ણ પરમહંસના શિષ્યગણમાંના એક, તેમના જ ગુરુભાઈ, સ્વામી અખંડાનંદ હતા. આ સ્વામી અખંડાનંદ તેમના આત્માની ખૂબ જ નજીક જઈ શક્યા હતા. તેઓના ગુરુ શ્રીરામકૃષ્ણના નિધન બાદ આ બહાદુર અને સાહસી સાધુ એકલપંડે હિમાલયની યાત્રાએ નીકળી પડ્યા. ત્યાંથી તેમણે ત્રણ વખત તિબેટમાં પ્રવાસ પણ કર્યો. તેઓને દર વખતે ત્યાં ત્રણ વખત કેદી પણ બનાવાયા. છેલ્લી વખતે કેદ કરતી વખતે તિબેટની પોલિસે તો એમના ૫૨ બ્રિટિશરોના જાસૂસ તરીકે કામ કરતા હોવાનો પણ આરોપ મૂક્યો. છેવટે સ્વામી વિવેકાનંદે કાશ્મીરના બ્રિટિશ રૅસિડન્ટ ઑફિસરને પત્ર લખી તેમને છોડાવી લીધા.

પૂર્વજીવનમાં ગંગાધર નામે ઓળખાતા સ્વામી અખંડાનંદ શોષિત અને દુખિયારા માણસો પ્રત્યે સ્વયંસ્ફુરિત આર્દ્ર લાગણી ધરાવતા હતા. તિબેટમાં સાદી ઝૂંપડીઓમાં રહેતા લોકોની કંગાળ સ્થિતિ જોતાં જ તેઓ દ્રવી ઊઠ્યા. તેમણે એકલાએ જ આ ગરીબોને સાથ આપ્યો અને સંપત્તિવાન મઠો અને તેમાંના માલદાર લામાઓ સામે તેઓ માટે અવાજ ઉઠાવ્યો.

હિમાલયના પ્રવાસ પછી સ્વામીજીની શોધમાં તેઓ પશ્ચિમ ભારતમાં ફર્યા. આ પ્રવાસમાં તેઓની સમક્ષ સામાન્ય ભારતીય જનોનાં દુઃખ અને ગરીબીનાં સ્વરૂપ છતાં થયાં. રાજપૂતાનામાં આવેલ ખેતડીમાં જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે ત્યાંના રાજા તો સ્વામીજીના શિષ્ય બની જ ચૂક્યા હતા. રાજાને તેમના તહેસીલદારો ગરીબ પ્રજાને કસાઈની જેમ કેવી રીતે પીડે છે તેનું વર્ણન કરતાં કરતાં સ્વામી અખંડાનંદ ભર્યા દ૨બા૨માં લાગણીવશ થઈ રોવા લાગ્યા. સ્તબ્ધ અને શાંત દરબારનું મૌન તોડતાં રાજાએ કહ્યું, “આજે મને એક મોટો બોધપાઠ મળ્યો છે. એક મહાન ભૂલ મારે સુધારવી જોઈશે.” ત્યાર પછી તુરત જ પોતાની પ્રજાનાં દુઃખો દૂર કરવા તેમણે એક પછી એક પગલાં ભરવા માંડ્યાં. ૧૮૯૩માં સ્વામી વિવેકાનંદ જ્યારે ખેતડીમાં આવ્યા હતા ત્યારે તેઓએ રાજાને તેની પ્રજાની ભયંકર ગરીબી દૂર કરવાના પ્રયત્નો માટે સમજાવ્યા હતા જ. સ્વામી અખંડાનંદે હવે એ રાજાની મદદથી ત્યાં એક વેદશાળાની સ્થાપના કરી અને ઝૂંપડામાંના લોકોની સેવાનું કામ ઉપાડી લીધું.

તેમ છતાં લોકોનાં દુઃખોનું સ્વરૂપ અને વ્યાપ વિશાળ હતાં તેથી તેઓ હંમેશાં અજંપામાં રહેતા. પોતાના જીવનના નવા સ્વરૂપ વિષે સ્વામી અખંડાનંદના જ શબ્દો જોઈએ: “સર્વપ્રથમ તો મેં ભીડભાડ છોડી દીધી અને તિબેટ તેમ જ હિમાલયમાં એકલો જ પ્રવાસે નીકળી પડ્યો. ચાર પાંચ વર્ષ સુધી, ત્યાર બાદ, હું ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ અને રાજપૂતાનાનાં ગામો અને શહેરોમાં ફર્યો. આ પાછળના પ્રવાસનાં વર્ષોમાં મને જે પર્વતોમાં વીતાવેલા સમયમાં નહોતું સમજાયું તે કિસાનો અને કામદારોની સાચી પરિસ્થિતિ સમજાવા લાગી.

“આંગળીને વેઢે ગણાય તેટલા પૈસાદાર લોકોને જ્યારે તેમના ઓછા ભાગ્યશાળી ભાઈઓની સંપત્તિને ઉડાવતા જોયા ત્યારથી મારા મનની શાંતિ અને સુખ જાણે જીવનના અંત સુધી ઊડી ગયાં છે. જ્યાં સુધી મારા દેશનું દુ:ખ અને દર્દ નહીં ફીટે, ત્યાં સુધી મારે મારા મનની શાંતિ માટે આશા ક૨વી વ્યર્થ છે. મને હતું કે હું તો એક સંન્યાસી છું, તેથી મનની શાંતિ અનાયાસે જ મેળવી લઈશ. પરંતુ આ આશા તો સ્વપ્નાની માફક ઊડી ગઈ. મને તો ઉલટાનું એમ લાગ્યું કે મારું પૂર્ણ જીવન દુઃખ અને ગ્લાનિથી જ ભરાઈ ગયું છે. મેં ભારતના લોકોને એકદમ અધમ પરિસ્થિતિમાં જીવન વીતાવતા જોયા. આ એ જ ભારત, જયાં એક સમયે ઉદારતા અને દાનધર્મનો વસવાટ હતો. સુખમય જિંદગી વિશેનું મારું સ્વપ્ન સદાને માટે તૂટી ગયું.

“આ જ સમયે આપણા પૂજનીય સ્વામીજીનો સ્વર અને સંદેશ અમેરિકાખંડમાં વિજયડંકા વગાડતો હતો. મેં તેઓને મારા દેશવાસીઓની સ્થિતિ જોઈને થયેલી મારા મનની હાલત વિષે જણાવતો પત્ર વિગતે લખ્યો.”

ત્યાર પછીની સ્વામી અખંડાનંદની ચળવળ બંગાળમાં શરૂ થઈ. કલકત્તાના વરાહનગર મઠથી ફરી એકલપંડે તેમણે બંગાળમાં વેદિક શાળાની શોધમાં પ્રવાસ આદર્યો. તેઓ જેમ જેમ ઉત્તર તરફ આગળ વધતા ગયા તેમ તેમ તેમના ધ્યાનમાં આવતું ગયું કે ત્યાંના ગામડાંઓ ઉજ્જડ થઈ રહ્યાં છે, અને ત્યાં પ્રવર્તમાન દુષ્કાળને લઈને ભૂખમરો ફેલાતો જાય છે. આ દયનીય પરિસ્થિતિ જોઈને આ યુવાન સંત ખળભળી ઊઠ્યા. તેમણે જોયું કે એક ભયંકર દુકાળના ઓળા બંગાળનાં ગામો પ૨ ઉતરવા લાગ્યા છે. એક રાત્રે તેમણે ખિસ્સામાં પોતાની પાસેના છેલ્લા ચાર આના સાથે એક દુકાનના ઓટલે રાતવાસો કર્યો. સવારે એક ચીસ સંભળાતાં જ તેઓ જાગી ગયા અને જોયું તો એક મુસ્લિમ બાળા પોતાનો પાણીનો ઘડો ફૂટી જવાથી રડતી હતી. તેણે ઘણા દિવસોથી કંઈ અન્ન ખાધું ન હતું. દિવસોથી તેણે અને તેનાં કુટુમ્બીજનોએ માટલામાંના પાણીથી જ ગુજારો કર્યો હતો. બાળા ખૂબ રોતી હતી. બાજુમાં આવેલી એક દુકાનેથી ગંગાધરે બે આનાની માટલી તેને અપાવી અને બાકીના બે આનાના મમરા પણ તેને ખરીદી આપ્યા.

આ બનાવ પછી ગંગાધરે નિર્ધન સ્થિતિમાં જ સેવાકાર્ય ઉપાડ્યું. પોતે જ ભૂખ્યા રહીને તેઓ ઘરે ઘરે જઈ અન્યો માટે અન્ન ઉઘરાવી લાવતા, મરણ પામતાં લોકોની સારવાર અને સફાઈ પણ કરી લેતા. ધીમે ધીમે તેમના આ દેવતાઈ અને સેવાભાવી સ્વભાવથી વધુ ને વધુ લોકો તેમની પાસે અનાજ અને કપડાં પામવા આવવા લાગ્યાં. દુકાળ ભૂખ્યાં લોકોને જાણે એક લાઠીધારી પિતા જ મળી ગયો હતો. હવે સહુ સ્વામી અખંડાનંદને ‘દંડી સ્વામી’ તરીકે ઓળખવા લાગ્યા. દિવસમાં તો તેમને ભારે મહેનત પડતી જ, પરંતુ રાત તો ભયંકર થઈ પડતી કેમ કે રાત્રે પણ તેમને કાને દૂર દૂરથી અન્ન અને પાણી માટેના પોકારો પડ્યા કરતા. સાંજ પછી લગભગ બધાં ઘરોમાં દીવા ઓલવાઈ જતા. કેટલીક વાર ગરીબોનાં શરીરો ઉ૫૨ નાનું વસ્ત્ર પણ ન રહ્યું હોય તેવાં દૃશ્યો તેઓ જોતા. પરંતુ આવે સમયે ગુરુ શ્રીરામકૃષ્ણને યાદ કરી અશ્રુસહ પ્રાર્થના કરવા સિવાય તેઓ કરે પણ શું?

એકલવાયા સ્વામી અખંડાનંદે મુર્શિદાબાદ જિલ્લામાં ઉપાડેલ દુકાળરાહતના કાર્યના સગડ વરાહનગર મઠમાં પહોંચી ગયા. અહીંના રહેવાસી સંન્યાસીઓ પોતે પણ આ મઠના જર્જરિત મકાનમાં અને સાધનામાં સમય વિતાવતા હતા. છતાં સ્વામી અખંડાનંદે ઉપાડેલ કાર્યની વિરાટતાને પામી જનાર હતા સ્વામી બ્રહ્માનંદ, જેમણે અખંડાનંદને મઠમાં પાછા ફરી જવા કહ્યું. પરંતુ સ્વામી અખંડાનંદે તો દુકાળમાં મરણોન્મુખ માણસો પાછળ ભેખ લીધો હતો. આ દરમ્યાન સ્વામીજી પશ્ચિમી દેશોના પ્રવાસેથી ભારત પાછા ફર્યા, અને તેમને આ ચળવળના સમાચાર વિગતે મળ્યા. તુરત જ તેમણે સ્વામી અખંડાનંદને પૈસા અને બે માણસોની મદદ મોકલી. પછી તો દુકાળરાહતનું કાર્ય ભારતના ઈતિહાસમાં પ્રથમ વાર મોટે પાયે ધરવામાં આવ્યું અને તે શ્રીરામકૃષ્ણના અનુયાયી સાધુઓએ જ ઉપાડ્યું. કલકત્તાની ‘મહાબોધિ’ સંસ્થાએ થોડો સમય પૈસાની મદદ મોકલી. અને જ્યારે એ મદદ મળવી બંધ થઈ ત્યારે ગંગાધરે આ ભયંકર દુષ્કાળ વિષે મદ્રાસથી પ્રગટ થતા સામયિક ‘બ્રહ્મવાદિન્’ને પત્ર લખવા માંડ્યા, જે કલકત્તાના સામયિકોમાં પણ પ્રગટ થયાં. આને લઈને તો પછી દાનનો મોટો પ્રવાહ આવી પહોંચ્યો. બ્રિટિશ ઑફિસરો અને કૅથૉલિક પાદરીઓ સુધ્ધાં અખંડાનંદની મદદે પહોંચ્યા. તેમણે કરેલો અકલ્પ્ય ત્યાગ અને તેમનો જુસ્સો એ સર્વને સ્પર્શી ગયાં. સ્થાનિક ચળવળના એક સમયે એક બ્રિટિશ ઑફિસરે કહ્યું, “સ્વામીજી, અમે તમારી સાથે જ છીએ,” તેમના એક સંપત્તિવાન મિત્રે, (શ્રી પ્રમદાદાસ મિત્ર)- મદદ કરવાની ચોખ્ખી ના પાડી, એટલું જ નહિ, પણ આ યુવાન સાધુને સલાહ આપી કે તમે તો પૈસા સાથે સંબંધ ન રાખો. ત્યારે બ્રહ્મના જાણકાર જેટલા આત્મવિશ્વાસ અને સત્તાધારી અદાથી સ્વામી અખંડાનંદે પ્રત્યુત્તર વાળ્યો, “જે આપણા બધામાં વિરાજમાન છે, સર્વત્ર વ્યાપેલા છે, તેવા ૫૨મેશ્વ૨ને હું કહેતાં સાંભળું છું, “હે પુત્ર! વેદિક ઋષિઓ માનવ હતા, રામ અને કૃષ્ણ પણ માનવનો અવતાર લઈને આવ્યા હતા. શું તું એ ‘માનવ’ની અવદશા નથી નિહાળતો?’ જે કોઈ આ દૈવી શબ્દોને સાંભળે તે પછીથી જંપી શકે શું? મેં મારા આ જન્મને માનવની સેવા માટે સમર્પિત કર્યો છે, અને આથી વધુ કેટલા જન્મો સમર્પિત કરવા પડશે તે હું કહી નથી શકતો.”

બહુ સમય પહેલાં તેમના ગુરુ શ્રીરામકૃષ્ણ તેમને દક્ષિણેશ્વરમાં કાલીમાતાના મંદિરે લઈ ગયા હતા. તે સમયે ત્યાં નીચે સ્થપાયેલા શિવજીને જોઈને તેમને જણાયું હતું કે જાણે તે જીવંત છે અને વળી શ્વાસોચ્છ્વાસ પણ લે છે! આજે તેઓ એ જીવંત શિવને આસપાસના ભૂખ્યા લોકોમાં જોઈ રહ્યા હતા. દુકાળમાં લાવારિસ થઈ ગયેલા લોકોને તેઓ સઘળું અનાજ આપી દેતા. અને પોતે તો તે પાંચ મહિના થોડાં કઠોળ અને કંદમૂળ ઉપર જ જીવ્યા અને પોતાના આરોગ્યને જોખમમાં મૂક્યું.

એક વખત જ્યારે તેઓ દુકાળની સ્થિતિનો અહેવાલ તૈયાર કરી રહ્યા હતા ત્યારે તેમનાં મનઃચક્ષુ સામે શ્રીરામકૃષ્ણ દેખાયા, અને તેમણે પૂછ્યું, “તું કોને ચાહે છે? મને કે લોકોને? તેમની આંખોમાંથી ગાલ ઉપર અશ્રુપ્રવાહ વહેવા લાગ્યો. સ્વામી અખંડાનંદે પોતાના ગુરુનું શરણ ગ્રહી લીધું અને તેમને જ શક્તિના, બળના અને સહાયના સ્રોત માન્યા. અને પછી તો તેમને મળી આવતી મદદમાં કોઈ પ્રકારે ખલેલ પડી નહિ.

સ્વામી અખંડાનંદના નેતૃત્વ હેઠળ, રામકૃષ્ણ મિશનના નેજામાં સારગાચી (જિ. મુર્શિદાબાદ)માં એક અનાથાલય ઊભું થયું, જે સ્વામી વિવેકાનંદના સંતોએ કરેલી દરિદ્રનારાયણની, પ્રભુ ભક્તિની, ઐતિહાસિક ઈમારત તરીકે ઊભું છે.

ઉત્તર પ્રદેશના એક રેલ્વે-સ્ટેશનના સ્ટેશન માસ્ટર સ્વામી વિવેકાનંદના ‘મસ્ત ચક્ષુયુગ્મના પ્રેમમાં’ પડ્યા. અને તેમની સાથે જ પ્રવાસે નીકળી પડ્યા. પરંતુ ભીખવું અને છત્ર વિનાની જગ્યાએ રાત્રિઓ ગુજારાવી એવી જિંદગીથી આ યુવાન જરા પણ ટેવાયેલો ન હોવાથી હિમાલયની તળેટીમાં પહોંચતાં જ તેની તબિયત બગડી. પોતાના પ્રથમ અને નવાસવા ચેલા, સ્વામી સદાનંદને તેના ગુરુએ સ્વયં ઊંચકી લીધો અને તેને પગરખાં સહિત જ પોતાને ખભે ચડાવ્યો અને સારવારની વ્યવસ્થા કરી. આ સદાનંદે થોડા જ સમયમાં સ્વામીજીના અનુયાયીઓનું મોટું જૂથ ઊભું કરી દીધું. ૧૮૯૯માં કલકત્તામાં ચાલેલી પ્લેગની મહામારીના સમયે ભય અને મરણથી ઘેરાયેલા સેંકડોને રાહત પહોંચાડવા સાધુઓએ ચલાવેલ આંદોલનનું નેતૃત્વ પણ તેમણે કર્યું. આ વર્ષો જાણે કલકત્તા શહેરના ઈતિહાસનું એક ખૂબ કારમું પ્રકરણ હતું. શહેરના ત્રીજા ભાગના લોકો તો અન્યત્ર ચાલ્યા ગયા હતા. હાવરા પુલ ૫૨ અનેક લોકો, જેમાં ભદ્ર મહિલાઓ પણ હતી, કલકત્તા છોડીને નાસી જવા દોડતા હતા. આ દરમ્યાન વળી કોમી રમખાણ પણ ફાટી નીકળ્યું. સ્વામીજીની દો૨વણી હેઠળ સ્વામી સદાનંદ અને સિસ્ટર નિવેદિતા રામકૃષ્ણ મિશનના નામે એક પરિપત્ર વહેંચવા માંડ્યાં, જેમાં ભયત્રસ્ત શહે૨વાસીઓને કલકત્તા છોડી જવાનો વિચાર ટાળવા કહ્યું હતું. પ્રજાને સંબોધીને આ પત્ર લખાયેલો હતો: ‘આપણે સેવા કરતાં કરતાં જ જો મૃત્યુને ભેટીએ, તો આપણા જીવનનો એ એક મહાન આશીર્વાદ ગણાય, કારણ કે અમારે મન તો તમે સહુ ૫રમેશ્વરનાં જ સ્વરૂપ છો જે અમારી સમક્ષ છે,’ થોડાં અઠવાડિયાનું તેમનું કાર્ય જાણે પ્લેગની મહામારીની સામે યુદ્ધ જ આદર્યું હોય તેમ કામ ધમધોકાર ચાલ્યું. દરદીઓની શુશ્રૂષા, તેમનાં જાજરૂની સફાઈ, નબળા રોગીષ્ટોને મુખમાં પણ દવા પાવી. રોગગ્રસ્ત ઝૂંપડાની સંપૂર્ણ સફાઈ વગેરે અનેક સેવાકાર્યો હાથમાં લઈ લીધાં હતાં.

તેમાં જ્યારે સફાઈ કામદારોએ રોગમાં સપડાયેલાં ઝૂંપડાંને સાફ કરવાની નામરજી જણાવી ત્યારે સ્વામી સદાનંદે જાતે જ આ કામ હાથમાં લીધું. તેમણે શાંતિથી પાવડો ઉપાડ્યો. અને દર્દીઓ અને ઝૂંપડાંના મળાદિનો કચરો સાફ કરવાના કામે લાગી ગયા. તેમના યુવાન અનુયાયીઓ આ કચરાને ઉકરડે ફેંકવાના કામે લાગી ગયા. આવા આઠ દસ બનાવો પછી સફાઈ કામદારોએ ક્ષમા માગી અને કામે લાગ્યા. ઘણા યુવાનો વિવેકાનંદના આ શિષ્યના દૈવી અને કલ્પનાતીત ગુણોથી પ્રભાવિત થયા હતા. અને તેમને હરેક પળે મદદ કરવા તત્પર રહેતા. તેઓને ‘સદાનંદના (વફાદાર) કૂતરાઓ’ તરીકે ઓળખવામાં આવતા. તેમને સદાનંદની શીખ હતી, ‘સ્વામીજીનાં દર્શન અને વચનોને સાંભળનારને માટે એ જ વાજબી છે કે તે એમના શબ્દોને કાર્યમાં ઉતારે.’ સિસ્ટર ક્રિસ્ટીનના મતે તો સ્વામી વિવેકાનંદના પ્રથમ અને સર્વોત્તમ શિષ્ય સ્વામી સદાનંદ હતા. બન્ને ભદ્ર કુટુંબના નબીરા હતા, આધ્યાત્મવાદી હતા, અને એકદમ ઉદારહૃદયી હતા. પોતાની મૌલિક જરૂરિયાતની ચીજ પણ તેઓ એક ક્ષણમાં ત્યાગી દેવા તૈયાર રહેતા. સ્વામી સદાનંદને મન એક માત્ર પ્રભુ હતા – સ્વામી વિવેકાનંદ. રાતોની રાતો અને દિવસોના દિવસો સુધી તેઓ પોતાના આ ગુરુ ઉપર જ ધ્યાન ધરતા. તેઓ કહેતા. “અમે પયગંબરોની પંક્તિમાં છીએ.” સ્વામીજી ઉપર વક્તવ્ય આપવાનું જો કોઈ તેમને કહેતું તો તેમની છાતી ગજ ગજ ફૂલતી અને તે કહેતા, “ઓહો! હું એમનું વર્ણન કઈ રીતે કરું? એ તો પ્રેમનો સાગર છે બલ્કે જાણે પ્રેમના અવતાર જ છે.”

૨૪ વર્ષના દક્ષિણારંજન પૂર્વબંગાળના યુવાન હતા. સ્વામીજી પાસે આવી તેમણે એક દિવસ પ્રાર્થના કરી કે કોઈ મહાન કાર્ય કરવામાં તેમનું માર્ગદર્શન કરે. તેમણે ગુરુના આર્શીવાદ મેળવ્યા. એક વાર સ્વામીજીએ પોતાના આ યુવાન શિષ્યને પૂછ્યું, ‘ધારો કે મને એકાએક પૈસાની ખૂબ જ જરૂર પડી અને એ માટે તને ચાના બગીચામાં મજૂર તરીકે વેચી નાખવા માગું તો શું તે માટે તું સંમત થઈશ?” શિષ્યે ઘણા હર્ષથી હકાર ભણ્યો. ગુરુએ એમને છેવટે વેચી કાઢ્યા – ચાના બગીચામાં નહીં બલ્કે હરદ્વાર અને ઋષિકેશના હજારો મૃત્યોન્મુખ યાત્રીઓ અને સાધુઓની સેવાર્થે. થોડા જ સમયમાં સંપત્તિવાન પિતાનો આ પુત્ર ભીખ માગતો હતો, અન્ન અને ઔષધોની, જેથી હરદ્વારમાં આવનાર દર્દીઓ અને રોગીઓની સા૨વા૨ થઈ શકે અને લાવારિસ મૃત્યુ પામનારાઓની યોગ્ય અંત્યેષ્ટિ પણ. પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ તે આ સેવાઓ કરવા લાગ્યો. પછીથી સ્વામી કલ્યાણાનંદજીના નામે ખ્યાતિ પામેલ આ શિષ્યે વખત જતાં ઉત્તરમાં – હિમાલયમાં – સૌથી પ્રથમ મોટી હૉસ્પિટલ સ્થાપી જે રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કનખલ, તરીકે વિખ્યાત છે.

તેજસ્વી અને સિંહણ સમાન સાહસી આયરિશ યુવતી માર્ગારેટ નોબલ જ્યારે સ્વામીજીને પ્રથમ નિહાળે છે, ત્યારે તેને જાણે ‘સીસ્ટીન ચાઈલ્ડ’ના બાળકનો ચહેરો જ નિહાળતી હોય તેવી ભાવના થાય છે. જેમાં ‘મુદુતા તેમ જ ગરિમાનો સુભગ સંગમ’ હતો, અને જે કેટલાક જ ધ્યાનીઓના ચહેરામાં જોઈ શકાય છે. શ્રીમા શારદાદેવી જેને ‘પશ્ચિમનું પુષ્પ’ કહેતાં તે આ શુદ્ધાત્મા ત્યાર બાદ સ્વામી વિવેકાનંદના ‘તેમના જ લોકો પ્રત્યેના તેમના પ્રેમ’ને સમર્પિત થઈ ગયાં. પરિવર્તિત સ્વરૂપે ‘સિસ્ટર નિવેદિતા’ તરીકે અને ‘લોકોની માતા’ તરીકે તેમણે ભારતભરમાં ખ્યાતિ મેળવી. રાષ્ટ્રીય ચળવળની શરૂઆતનાં વર્ષોમાં જ તેમણે ભારતવાસીઓને જાણે વિજળીનો આંચકો આપી જાગૃત કર્યા. હતપ્રભ અને ખંડિત તથા અરાષ્ટ્રીય બની ગયેલા ભારતને સ્વામી વિવેકાનંદે સિસ્ટર નિવેદિતાનું નજરાણું ધર્યું. જેણે ભારતીય પ્રજાને પોતાની ખુમારી અને સ્વમાન પ્રત્યે સજાગ કરવાનું નીમ લઈ લીધું હતું.

બનારસમાં ત્રણ મિત્રો સ્વામી વિવેકાનંદનાં અમર વચનો ઉપર વિચારવિમર્શ કરતા હતા, ‘મિત્ર, શું તમે પ્રભુને તેની અસંખ્ય માનવમૂર્તિઓને અવગણીને શોધશો?’ એ રાત્રે માનસિક મંથન જાણે જામી પડ્યું. ચારુ પોતાના બે મિત્ર – યામિનીરંજન અને કેદારનાથ-પાસે દોડી ગયા અને ત્રણે જણે જાણે ગુરુના મોહક સાદને સાંભળ્યો: ‘માનવમાંના પ્રભુની સેવા કરો.’ બીજી જ સવા૨થી એક નવા ધર્મની શરૂઆત બનારસમાં જાણે થઈ ગઈ.

ગંગાતટે જતા યામિનીરંજને એક ચીસ સાંભળી અને ત્યાં નજર નાખી તો એક વિધવા સ્ત્રી ગંદવાડમાં પડેલી હતી અને મરણોન્મુખ જ હતી. ત્રણે મિત્રોએ તેને ઊંચકી લીધી અને એક દવાખાને લઈ ગયા જ્યાં તેના સાજા થયા પર્યંત સા૨વા૨ કરી. આમ કાર્યની શરૂઆત થઈ ચૂકી હતી. ત્રણે મિત્રોએ ‘દરિદ્ર દુ:ખ પ્રતિકાર સમિતિ’ નામે સંસ્થાની સ્થાપના કરી, જેમાં ગરીબોના ક્લેશોને શાંત પાડવાના જ પ્રયત્નો બધાએ કરવાના હતા. ૧૯૦૨માં જ્યારે સ્વામીજી બનારસ આવ્યા ત્યારે આ ત્રણે યુવાનો એમના શિષ્યો બન્યા. ચારુનું નવું નામ શુભાનંદ પડ્યું, જ્યારે કેદારનું અચલાનંદ, યામિનીરંજને ગૃહસ્થ શિષ્ય બનવાનો નિશ્ચય કર્યો. ૧૯૦૦થી ૧૯૦૨ના ટૂંકા ગાળામાં જ આ સંસ્થાએ ૬૪૭ દરદીઓની સારવાર કરી હતી. જેઓ મોટે ભાગે મરવા જેવી હાલતમાં તેમની પાસે આવ્યા હતા તેઓને સમાજે તો માત્ર અવગણના અને તિરસ્કાર જ આપ્યાં હતાં. આ દરદીઓમાંથી ૩૪૪ સ્ત્રીઓ હતી અને ૩૦૩ વયસ્ક પુરુષો હતા, જેમાંના ૨૬૫ બ્રાહ્મણો, ૬ ક્ષત્રિયો, ૯૫ કાયસ્થો, ૧૧ વૈશ્યો, ૫૩ સાધુઓ, ૨૧ મુસ્લિમો અને અન્ય ૬૩ અજાણ્યાં હતાં. સ્વામીજીએ તેઓને આશ્વાસન પણ આપ્યું કે કોઈ માણસથી દુનિયાનાં સમસ્ત દુઃખો દૂર થઈ શકે નહિ. માટે પ્રયત્નો કરવા અને સેવા ચાલુ રાખવી તેવો જ આપણો ધર્મ છે. સ્વામીજીના નિધન પછી બે માસમાં જ આ સંસ્થાને ‘રામકૃષ્ણ મિશન સેવાશ્રમ’નું નામ આપવામાં આવ્યું. કાશી જેવા પવિત્ર અને શિવજીના અનુયાયીઓના મહાન કેન્દ્રમાં સૌથી પ્રથમ વાર હિન્દુ સાધુઓએ ‘શિવજીની ભક્તિ એટલે મરણોન્મુખ અને હતાશ માનવીઓની મદદ’ એવા સિદ્ધાંતના પાલનમાં ગૌરવ અનુભવ્યો. થોડા જ સમયમાં તે સંસ્થાએ અન્ય અગ્રણી નાગરિકોને પણ આકર્ષ્યા. માનવસેવાના આ મંદિરની મુલાકાતે તેઓ આવવા લાગ્યા. ઍસ. ઍન. બૅનરજી, શ્રી કૃષ્ણસ્વામી અય્યર, લાલા લાજપત રાય, આચાર્ય પી.સી.રૉય, જવાહરલાલ નહેરૂ, સરોજિની નાયડુ, અને સખારામ ગણેશ દેવસ્કર જેવા ઉદ્મવાદીઓ અને બીજા પણ ઘણા ખ્યાતનામ લોકો આવતા હતા. વેદાન્ત ધર્મના નવા સ્વરૂપના જન્મને આકાર આપતી આ સંસ્થા પ્રત્યે સહુને ઘણો અહોભાવ જાગતો. સિસ્ટર નિવેદિતાના મતે આ સંસ્થા ‘ભારતમાતાના હિન્દુત્વના હાર્દમાં નાગરિક અને સામાજિક જરૂરિયાતો પ્રત્યેની સભાનતાનું નવસંસ્કરણ’ કહી શકાય. કાઉન્ટ કાયસરલિંગ, જેઓ જર્મનીના એક મહાન ચિંતક હતા, તેમણે પણ આ આશ્રમની મુલાકાત લીધી ત્યારે લખ્યું,

“આટલા આનંદદાયક વાતાવરણવાળું દવાખાનું મેં કયારેય જોયું નથી. મુક્તિની બાંહેધરી બધાં દુઃખોને હરે છે. પુરુષ નર્સોનો દરદીઓ-પ્રત્યેનો ઉભરાતો પ્રેમ ખૂબ જ આલ્હાદક છે. આ પુરુષો તો ખરેખર રામકૃષ્ણના સાચા અનુયાયીઓ છે, જેઓ પોતે પ્રભુ જેટલા મહાન હતા. પ્રેમસભર, સમજદા૨, જરા પણ ઝનૂન વિનાના અને છતાં સ્વમાન અને ગૌ૨વવાળા આ લોકોને જોતાં જ થાય છે કે બધા ‘માનવના મિત્રો’ આવા જ હોવા જોઈએ.”

એક અતિબુદ્ધિશાળી યુવાન, અજયબિહારી બંદોપાધ્યાય, કલકત્તાના એક રસ્તે ચાલ્યા જાય છે. ત્યાં એક સ્ત્રીને રડતી જુએ છે. તે સ્ત્રી રડતાં રડતાં રસ્તામાં વેરાયેલા થોડા દાણા વીણી રહી છે. જે તેના ભીખવાના પાત્રને કોઈ હડસેલો મારી વેરી નાખ્યા હોય છે. હૃદયમાં ઉભરાતી દયાથી આ યુવાન ચિત્કારી ઊઠે છે, “આ પ્રભુ કરે છે શું? જો તેનું અસ્તિત્વ હોય, તો શું એ આવું દયામણું કાર્ય થવા દે ખરો?” આવા બે ચાર અનુભવે તેમને પ્રભુ પ્રત્યે વાળ્યા, અને પોતાના અજ્ઞાનની ભીંત તોડવા તત્પર થયા, જેથી આવાં દુ:ખોના મૂળમાં શું છે તે સમજી શકાય. છેવટે તેમને સ્વામી વિવેકાનંદના ચરણોમાં શાંતિ મળી.

આ શુદ્ધાત્મા જ્યારે તેમના અનુયાયી બન્યા અને બેલુર મઠમાં આવ્યા ત્યારે વિવેકાનંદે બધાને જણાવ્યું, ‘આજે આપણને એક પ્રાપ્તિ થઈ છે, તેમનું નવું નામ પડ્યું સ્વરૂપાનંદ. હિમાલયના એકાંતમાં સ્વરૂપાનંદે માયાવતીનાં જંગલોમાં મહાન તપશ્ચર્યા અને ધ્યાનમાં સમય ગુજાર્યો અને બુદ્ધિ કૌશલ્ય ખૂબ વધાર્યું. ‘પ્રબુદ્ધ ભારત’ના નવા તંત્રી તરીકે તેમણે આ સામયિકને બે જ માસમાં પુનર્જીવન આપ્યું. તેની ઊંચી કક્ષાની પરંપરાની જ નહિ તેનાં મૂળ પણ ઊંડા ઉતર્યા તે સ્વરૂપાનંદજીનું જ પ્રદાન છે.

આ કાર્યમાં તેમને સ્વામીજીના બે અન્ય પશ્ચિમી શિષ્યો-કૅપ્ટન અને શ્રીમતિ સેવિય૨-ની ખૂબ મદદ મળી. તે બન્નેએ ત્યાગી જીવન અને પરિશ્રમી સિદ્ધાંતોને લઈને અમરતા પ્રાપ્ત કરી છે. એક વખત લંડનમાં કૅપ્ટન સેવિયરે સ્વામીજીનું પ્રવચન સાંભળ્યું પછી સપત્નીક આ હિન્દુ સાધુ પાસે આવી પોતાના શેષ જીવનનું સમર્પણ તેઓને ક૨વાની ઇચ્છા બતાવી. પછી છેક હિમાલય સુધી સ્વામીજીના સાન્નિધ્યમાં તેઓ રહ્યા. બે વર્ષના સખત પરિશ્રમ અને ત્યાગ ભર્યાં કાર્યો પછી તેમણે “માયાવતી અદ્વૈત આશ્રમ”ની સફળ સ્થાપના કરી, પરંતુ ત્યાર બાદ કૅપ્ટનનું મૃત્યુ થયું. આ દંપતિએ પોતાના ગુરુની ઇચ્છા-કે નિરાકાર પ્રભુની ભક્તિનું એક કેન્દ્ર ઊભું થાય- પરિપૂર્ણ કરી અને એક એવી સંસ્થા ઊભી કરી જેમાં પૂર્વ અને પશ્ચિમનો સુભગ સમન્વય થયો.

કૅપ્ટનના મૃત્યુ બાદ ભાવાંજલિ આપતાં સ્વામીજીએ કહ્યું કે તેઓ આપણા કાર્ય માટે શહીદ થયા છે. આ કેન્દ્રની વ્યવસ્થા ત્યાર બાદ સ્વરૂપાનંદને સોંપાઈ. ખૂબ જ તપશ્ચર્યા કરનાર આ સાધુ પણ પાંત્રીસ વર્ષની યુવાન વયે જ હિમાલયમાં મૃત્યુ પામ્યા અને વિવેકાનંદના કાર્યમાં શહીદ થયા.

ક્રિસ્ટીન ગ્રીનસ્ટીડોલ નામની યુવતીએ ડીટ્રોઈટ યુનિટેરિયન ચર્ચમાં વિવેકાનંદનું એક જ પ્રવચન સાંભળ્યું અને તેમની અનુયાયી બની ગઈ. તે પણ ભારત આવી પહોંચી અને તેમને ‘સિસ્ટર ક્રિસ્ટીન’ તરીકે નવું નામ મળ્યું. તેઓ સિસ્ટર નિવેદિતાના જમણા હાથરૂપ બની ગયાં. શ્રી મા શારદામણિ દેવીના આશીર્વાદ સાથે તેમણે બાગબાઝારમાં કન્યાઓ માટે નિશાળ શરૂ કરી. ક્રિસ્ટીન પણ અત્યંત શુદ્ધાત્મા હતાં અને ગુરુના ઉચ્ચ આધ્યાત્મિક શિષ્યોમાંનાં એક ગણાતાં હતાં. સ્વામી વિવેકાનંદને તેમની મહાનતામાં કોઈ જ શંકા નહોતી. સિસ્ટર ક્રિસ્ટીને ‘રેમિનિસન્સ ઑફ સ્વામી વિવેકાનંદ (સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો)’ નામના પુસ્તકમાં લખ્યું છે, ‘માનવ એક દીપ્તિમાન હસ્તી છે, જે એક અન્ય અને વધુ ઊંચા સ્તરે બિરાજમાન હસ્તીમાંથી ઉદ્ભવ્યો છે અને તેના જીવનમાં કોઈ એક ચોક્કસ હેતુ હોય છે.” આ શબ્દોથી જ આપણને સિસ્ટર ક્રિસ્ટીનના માનવમાત્રના પ્રત્યેનો પ્રેમાદર અને જીવનની મહાનતા વિષેની ઊંડી સમજણ હતી જાણવા મળે છે.

જે. જે. ગુડવીન નામના એક યુવાનને એક દિવસ સ્વામીજીનાં પ્રવચનોની નોંધ લેવા માટે રોકવામાં આવ્યો. કૉર્ટમાં ઝડપી નોંધ લેના૨ આ નોંધકાર (અં. સ્ટેનોગ્રાફ૨)ને મોટી રકમ પણ ચૂકવવાની હોય. તેની નોંધવાની ઝડપ હતી મિનિટના બસો શબ્દો, જે ઘણી વધુ કહી શકાય. ત્રીજે જ દિવસે પોતે કરેલા કામના પૈસા લેવાની ગુડવીને ના પાડી અને કહ્યું, “જો સ્વામી વિવેકાનંદ દુનિયા માટે પોતાનું જીવન પણ આપી દે છે, તો હું આટલી નાની સેવા તો એમને જરૂર આપી શકું.” એક બાળક અને વફાદાર સેવકની જેમ ત્યાર બાદ ગુડવીન જ્યાં જ્યાં સ્વામી વિવેકાનંદ દુનિયામાં ફર્યા ત્યાં ત્યાં ફર્યા અને તેમના મુખમાંથી નીકળતાં અમૂલ્ય મોતી જેવાં વચનો ઝીલી લીધાં જે કદીક લંડન, ન્યુયૉર્ક, કોલમ્બો, રામનાડ, કુમ્ભકો૨મ, મદ્રાસ, કલકત્તા, કે ભારતની અન્ય જગ્યાઓએ વેરાયાં. આ શુદ્ધાત્માને લીધે જ આપણી પાસે સ્વામી વિવેકાનંદનાં સમસ્ત લેખોના અને પ્રવચનોનાં પુસ્તકો હાજર છે. આ પરિશ્રમ અને ભક્તિ માટે આવનાર પેઢીઓ જે. જે. ગુડવીનની ખૂબ જ આભારી રહેશે, અને તેમનું ઋણ કદી ચૂકવી શકાશે નહિ. યુવાન અને સાચા એવા આ અનુયાયી ઓચિંતા જ મૃત્યુ પામ્યા ત્યારે તેઓ ઉટાકામંડમાં હતા. જ્યારે આ સમાચાર સ્વામી વિવેકાનંદને પહોંચ્યા ત્યારે તેમને ખૂબ જ આઘાત પહોંચ્યો અને દુઃખ પામ્યા. થોડા દિવસો કશું જ બોલ્યા વિના શોકાતુર રહ્યા બાદ તેમણે છેવટે કહ્યું, ‘મારા છેવટના જાહેર ઉદ્ગારો હવે નથી રહ્યા.’ ત્યાર બાદ તેમણે ભાગ્યે જ સભા સમક્ષ ભાષણ કર્યું હશે.

Total Views: 375

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.