તાણ-મુક્તિનું રહસ્ય – જે ઘણા લોકો માટે પરમ દુર્બોધ રહસ્ય છે – આખરે છે શું? એ જ કે સાચી રીતે જીવો અને જીવન તરફ સાચું વલણ પેદા કરો.
આ છે તેના દસ નિયમ :
૧. ઘણાં બધાં કામ સાથે કરવાની કોશિશ ન કરો. આપણામાંથી ઘણા માત્ર આ જ કારણસર ખીજાયેલા અને ક્લાંત રહે છે. તેઓ આખો દિવસ પોતે જે કરવા માગતા હોય તેના પર જ વિચાર્યા કરે છે.
આખા દિવસની એક યોજના બનાવો. ક્યાં કામ સૌથી મહત્ત્વનાં છે તે પસંદ કરી લો અને તેના પર જ ચિત્ત એકાગ્ર કરો. બાકીની બાબતો મગજમાંથી કાઢી નાખો.
૨. એક સાથે ઘણાં બધાં કામ પતાવવાની ચેષ્ટા ન કરો. એક કામ પૂરું કર્યા પછી જ બીજું શરૂ કરો. જો હાથમાં લીધેલું કામ જટિલ હોય તો, તેને જુદા જુદા તબક્કામાં વહેંચી દો અને તબક્કાને ક્રમવાર પૂરો કરો. એક કામ અધૂરું મૂકીને બીજામાં કૂદી પડતાં બચો.
૩. તમે જે કામ સારી રીતે કરી શકો તેમ હો, તેટલું જ કામ હાથ પર લો. કાર ચલાવતાં કે ટ્રેન, બસ વગેરેમાં મુસાફરી વખતે વચ્ચે વચ્ચે થોડો સમય આરામ માટે પણ રાખો. થોડા ઊંડા શ્વાસ લઈને, તાણ દૂર કરીને ચિત્તને સ્વસ્થ બનાવો.
૪. તર્કયુક્ત મહત્ત્વાકાંક્ષાઓ જ રાખો. જાત પ્રત્યે પ્રમાણિક રહો. તમે શું શું કરી શકો છો, શું વધુ સારી રીતે કરી શકો છો અને શું નથી કરી શકતા તે જાણો. જે વસ્તુની સમુચિત સંભાવના હોય તેની જ કામના કરો.
૫. અતિ મહત્ત્વાકાંક્ષી ન બનો. સફળતાનું – પોતાના બંધુ-મિત્ર-પરિચિતોથી આગળ નીકળી જવાનું – ભૂત માથા પર સવાર ન થવા દો. અને એવું ન થવા દો કે મહત્ત્વાકાંક્ષા જ તમને હંકારતી રહે કે તમે કદી તેનાથી સંતુષ્ટ ન થાવ; વીસને બદલે ઓગણીસ વસ્તુ મેળવીને તમને જરાય પ્રસન્નતા ન થાય એવું ન થવા દો. ખરી વાત તો છે યોગ્ય રીતે જીવવાની.
૬. બીજાઓની ઈર્ષ્યા ન કરો. તમારી પાસે જે છે તેને માટે ઇશ્વરનો આભાર માનો. તેનો પૂરો આનંદ લો. પાડોશીઓની બરાબરી કરવા માટે ઉછાળા ન મારો. લોકોને પછાડવાની ઈચ્છા કરવાને બદલે તેમને ખુશ જોઈને આનંદ પામવાની ટેવ પાડો.
૭. બધા તમારી સાથે સહમત થાય અને તમારા કહ્યા પ્રમાણે અને તમારી ઈચ્છા પ્રમાણે જ ચાલે એવી અપેક્ષા કદી ન રાખો. તમને જો આ આદત હોય તો તમે એક ક્ષણ પણ તાણ-મુક્ત નહિ રહી શકો. કારણ, તમે કોઈને કોઈની સાથે કોઈને કોઈ બાબત અંગે સંકળાયેલા રહેશો. ચૂપચાપ તમારું કામ કરતા રહો, બીજાઓને તેમના હિસાબ પ્રમાણે ચાલવા દો.
૮. બધા તમારા જેવા જ હોય એવી અપેક્ષા ન રાખો. દરેકને ખુશ રાખવાની કોશિશમાં ન થાકો-હારો, ન વ્યગ્ર બનો. બધાંને રીઝવવા અશક્ય છે. એથી તમે નાહકના અશાંત, ચિંતિત અને ક્ષુબ્ધ થશો. બસ શિષ્ટ, સહૃદય, મૈત્રીપૂર્ણ અને નિષ્કપટ રહેવાનો પ્રયત્ન કરો. એટલું ઘણું છે.
૯. બધાએ તમારી વાતો ધ્યાનથી સાંભળવી જોઈએ. બધાએ તમારામાં રસ લેવો જોઈએ અને બધાએ તમારી મદદમાં આવવું જોઈએ એવું ન વિચારો. લોકોને પોતાની પસંદ પ્રમાણે આવવા-જવા દો. મિત્રો પર લાગણીઓનાં સ્તરે અવલંબન ન રાખો કે જેથી એ તમને છોડી જાય તો તમને માઠું લાગે.
૧૦. તમારી જીવન-પદ્ધતિ વિવેકપૂર્ણ બનાવો. દરેક ક્ષણ-પળને કામકાજથી ભરી દેવાની, મોડી રાત સુધી કામમાં રચ્યા પચ્યા રહેવાની અને હંમેશાં ઉતાવળમાં રહેવાની ટેવથી બચો. દિવસમાં થોડો વખત શાંત ચિત્તે ખાલી બેસવાની ટેવ પાડો. તમારા આરોગ્ય તેમ જ ભોજન પાછળ પણ નિરાંતનો સમય આપો.
સંકલન : શ્રી ભૂપેન્દ્ર દોશી
Your Content Goes Here




