એક વાર એક સંન્યાસી કેટલાક લોકોની સાથે નાવમાં ગંગા પાર જઈ રહ્યા હતા. સાથે એક ડૉક્ટર મિત્ર પણ હતા. નદીની વચ્ચે પહોંચતાં જ અચાનક તોફાન આવી ગયું અને ક્રમશઃ વાયુ વેગે વધવા લાગ્યું. તોપણ તે સંન્યાસી નિશ્ચિત ભાવે બેસીને હુક્કો પી રહ્યા હતા. પાણીનાં બે-ચાર મોજાં નાવમાં પ્રવેશ્યાં એટલે પેલા ડૉક્ટર મિત્ર સંન્યાસીનું આવું નિર્વિકાર આચરણ સહન ન કરી શક્યા. એમણે સંન્યાસીના હુક્કામાંથી તમાકુની ચલમ કાઢીને નદીમાં ફેંકી દીધી અને ઉત્તેજિત અવાજે બોલ્યા, ‘ખરા માણસ છો તમે તો! અહીંયાં નાવ ડૂબી રહી છે અને તમે છો, કે હુક્કો પીધા કરો છો!’ સંન્યાસીએ સ્થિર ભાવે ઉત્તર આપ્યો, ‘હુક્કો ન પીઉં, તો શું નાવ પાણીમાં ડૂબ્યા પહેલાં જ પાણીમાં છલાંગ લગાવી દઉં?’

આ બાજુ આંધી-તોફાનોની વચ્ચે પણ નાવ ઘાટ પર આવી પહોંચી. આ નિર્વિકાર સંન્યાસી કોઈ બીજું નહીં પણ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી સારદાનંદજી મહારાજ જ હતા.

ઘણી વાર જોવામાં આવે છે કે પરિસ્થિતિ જરાક વિષમ કે જટિલ થઈ નથી કે આપણે આપણા મનનો સંયમ ગુમાવી દઈએ છીએ અને અસમંજસમાં આવીને અનુચિત નિર્ણય કરી બેસીએ છીએ.

જો મનને યથોચિતરૂપે સંયમિત કરવામાં આવે તો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ મનનું સંતુલન જળવાઈ રહેશે, મન તણાવમુક્ત રહેશે. આવી અપેક્ષિત સંતુલન કે સંયમિત મનની અવસ્થા નિરંતર પ્રયાસો વડે પ્રાપ્ત થાય છે અને એ અવસ્થા પ્રાપ્ત કરવી જરૂરી છે, કારણ કે દુર્બળ અને અસંયમિત મન જ તણાવ અને ચિંતાગ્રસ્ત થાય છે.

તણાવનાં કારણો:

મૂળભૂત રૂપે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે ઘટના સાથે જોડાયેલ આપણી અપેક્ષાઓની ઇચ્છા જ તણાવનું કારણ બને છે. આ ઇચ્છાની વિરુદ્ધ જો કંઈ પણ થાય, તો તણાવ પેદા થાય છે. આવી અતૃપ્ત વાસના જ તણાવને જન્મ આપે છે.

જ્યારે આપણી સમક્ષ સમસ્યાઓ આવે છે ત્યારે આપણે તેને હલ કરવાનો પ્રયાસ કરીએ છીએ. મોટી સમસ્યાઓનું યોગ્ય સમાધાન કરીએ ત્યારે તેનાથી મળનાર યશ અને આનંદનો લોભ રાખીએ છીએ, પણ સમાધાન કરવામાં નિષ્ફળ થવાથી તણાવગ્રસ્ત થઈ જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે જેવું વિચારીએ છીએ, જેવું ઇચ્છીએ છીએ, હંમેશાં એવું થવાનું નથી.

જીવનમાં કેટલીક ઘટનાઓ એવી ઘટે છે, જેની આપણને કદી અપેક્ષા હોતી નથી અને એનો ઉત્તર પણ હોતો નથી, પરિણામે આપણે અશાંત થઈ જઈએ છીએ. આપણામાંથી અધિકતર લોકો આવી સ્થિતિમાં પોતાનો કાબૂ ગુમાવી બેસે છે. સાચા-ખોટાનો નિર્ણય ન કરી શકવાને કારણે આપણું જીવન તણાવગ્રસ્ત થઈ જાય છે.

આઠમી શતાબ્દીના એક બૌદ્ધ સંત શાંતિદેવનો એક સુંદર ઉપદેશ છે-

‘જો સમસ્યાનું નિદાન થઈ શકે એમ છે, તો ચિંતિત થવાની શું આવશ્યકતા? અને જો સમસ્યાનું નિદાન છે જ નહીં, તો ઉદાસ થવાનું શું પ્રયોજન?’

ઉપાય:

‘Things you can’t cure,
must be endured.’

જેને તમે સુધારી ન શકો , એને સહન કરો , ખમી જાઓ. ઘણી ઘટનાઓ આપણા હાથમાં નથી હોતી.

     જેને આપણે control ન કરી શકીએ, નિયંત્રિત ન કરી શકીએ, એને સહન કરવી જ પડે છે. ઘણી વાર લોકો ભાગ્યને દોષ આપે છે અને વિલાપ કરે છે કે આવું મારી સાથે જ કેમ થયું, પરંતુ હતાશ થઈ ભાગ્યને દોષ દેવા કરતાં, પ્રતિકૂળ પરિસ્થિતિને ધૈર્યપૂર્વક સહન કરવી એ જ બુદ્ધિમાનનું લક્ષણ છે.

એક વાર ભગવાન બુદ્ધ પોતાના શિષ્યો સાથે પ્રવાસ કરી રહ્યા હતા. શહેરથી દૂર એક વનમાં વિશ્રામ કરવા બેસીને બુદ્ધદેવે પોતાના એક પ્રિય શિષ્યને કહ્યું, ‘મને તરસ લાગી છે, નજીકના સરોવરમાંથી થોડું પાણી લઈ આવને!’ શિષ્યે ત્યાં જઈને જોયું તો એ સરોવરમાં થઈને ઘોડાઓનું એક દળ જઈ રહ્યું હતું, જેનાથી ત્યાંનું પાણી ગંદું થઈ ગયું હતું. એ પાણી પીવાલાયક નથી એમ સમજી તે શિષ્ય બુદ્ધદેવ પાસે આવ્યો અને એમને પાણી ન લાવવાનું કારણ જણાવ્યું. થોડી વાર પછી ભગવાન બુદ્ધે ફરી કહ્યું, ‘મને તરસ લાગી છે, થોડું પાણી લઈ આવ.’ શિષ્ય ફરી સરોવર પાસે ગયો અને જોયું કે સરોવરનું પાણી હજુ પીવાલાયક નથી થયું. તે ફરી ગૌતમ બુદ્ધ પાસે ખાલી હાથે આવ્યો અને એમને વિનંતી કરી, ‘સરોવરનું પાણી હજી પીવાલાયક નથી થયું એટલે પાણી માટે નગરમાં જવું ઠીક રહેશે.’ કંઈ ન કહેતાં બુદ્ધ શાંત ભાવે ત્યાં જ બેસી રહયા. થોડી વાર પછી બુદ્ધ ભગવાને ફરી એ શિષ્યને સરોવરમાંથી પાણી લાવવાનો આગ્રહ કર્યો. શિષ્ય ખિન્ન થઈને સરોવર પાસે ગયો પરંતુ આ વખતે એણે જોયું કે પાણી પીવાલાયક નિર્મળ થઈ ગયું છે. તે પાત્રમાં પાણી લઈને બુદ્ધદેવ પાસે આવ્યો. જળ ગ્રહણ કર્યા પછી ભગવાન બુદ્ધે શિષ્યને પૂછ્યું, ‘આને સ્વચ્છ કરવા માટે તેં શું કર્યું?’ શિષ્ય મૌન રહેતાં એમણે સ્વયં ઉત્તર આપ્યો, ‘તેં એને યોગ્ય સમય આપ્યો, જેનાથી માટી નીચે બેસી ગઈ અને જળ નિર્મળ થઈ ગયું.’

પછી બુદ્ધદેવ ઉપદેશ દેતાં કહે છે, ‘જીવનમાં ઘણા બધા પ્રસંગો એવા હોય છે, જેનાથી મન તણાવગ્રસ્ત થઈ જાય છે, પરંતુ સમયના વહેણ સાથે મનમાં ઊઠતાં આંધી-તોફાનો સ્વતઃ શાંત થઈ જાય છે. દરેક ઘટનાનો સમજયા વિના પ્રતિકાર કરવો ન જોઈએ.’

મોટા ભાગે સમય અને સમજણ જ સમસ્યાના સમાધાન માટે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.

Total Views: 352

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.