ઈ.સ.૧૮૯૫માં લખાયેલો સ્વામીજીનો સાત પાનાનો પત્ર છે અને એ પત્રને ત્રણ પાનાંની તાજા કલમ જોડાયેલી છે. એમાં રવામીજી અનેક વ્યવહારુ સૂચનો આપે છે.૪૧ એક વર્ષનો કૂદકો માર્યા પછી, ૧૮૯૬ની ૨૭મી એપ્રિલે ઈંગ્લેન્ડમાંથી લખાયેલા ગુરુભાઈઓ પરના પત્રમાં૪૨ પણ, મઢ મિશને કરવાની પ્રવૃત્તિઓની અને દૈનિક કાર્યક્રમોની રૂપરેખા સ્વામીજી આપે છે. મઠવાસીઓએ અનુસરવાની નિયમાવલી પણ સ્વામીજી ત્યાં આપે છે, સ્વામીજીની યોજનાશક્તિ કેવી પ્રચંડ છે તે અહીં પ્રતિબિંમ્બિત થાય છે.

પોતાને પાછા ભારત કરવામાં આગ્રહ કરતા સ્વામી બ્રહ્માનંદની વાતને સ્વામીજી ફગાવી દે છે, અને એ જ પત્રમાં, પરદેશ જવાની સ્વામી શિવાનંદની તત્પરતા પર એ ટાઢું પાણી રેડી દે છે, તેને બદલે, ભારતમાં જ મઠનાં બીજાં કેન્દ્રોને કાર્યરત કરવાનું સૂચન સ્વામીજી કરે છે. અને બંનેને પાછા કહે છે કે, આમ છતાં, કોઈપણ વ્યક્તિ પોતાને, યોગ્ય લાગે તે કરે તે સામે મારે વાંધો નથી.’ અહીંથી ગયેલા પત્રમાં જે કંઈ રજુઆત થઈ હશે તે સ્વામીજીને પસંદ પડી જણાતી નથી, અને અહીં થઈ રહેલા કાર્યના પ્રકારથી અને વેગથી પોતાને સંતોષ નથી એનો અંગુલિનિર્દેશ સ્વામીજી કરે છે. ખાસ કરીને પોતે પશ્ચિમમાં પોતાની જાતને ઘસી નાખતા હતા ત્યારે, કોઈનો પ્રમાદ એમનાથી ન સાંખી શકાય એ સહજ છે.

કંપ્લીટ વર્ક્‌સના વો ૬ –માંનો પહેલો પત્ર૪૩ બાબુ પ્રમદાદાસ મિત્રને લખાયેલો છે, પોતાના પરિભ્રમણશીલ જીવનમાં, સ્વામીજીનો, કદાચ એ પ્રથમ પત્ર છે. બાબુ પ્રમદાદાસની વિદ્વત્તા પ્રત્યેનો ઊંડો આદર આ પત્રમાં જોવા મળે છે પત્ર પૂરો ઔપચારિક છે ‘વારાણસી આવી મારા આત્મા માટે આપના આશીર્વાદ પ્રાપ્ત કરી, આપની સાથે સરસ વાતે ફી વળગવાનું મને ખૂબ મન છે…’ એમ સ્વામીજી કલકત્તેથી લખેલા પોતાના બીજા પત્રમાં લખે છે. પછી, ૧૮૮૯ના ૧૭મીના પત્રમાં,૪૪ પોતાના કશાક ખોટા ખ્યાલને પ્રમદાદાસે સુધાર્યાનો આભારભર્યો ઉલ્લેખ છે અને, પ્રમદાદાસને પૂરા ડઝન પ્રશ્નો-શંકાઓ- સ્વામીજી પૂછે છે, પ્રમદાદાસના જ્ઞાન પ્રત્યેના આદરથી પ્રેરાઈ, ૧૮૯૦ના ૨૬મી મેના પત્રમાં૪૫ પોતાના ગુરુ, શ્રી રામકૃષ્ણનું સ્મારક ઊભું કરવા માટે જમીન ખરીદવા બાબત સ્વામીજી પ્રમદાદાસ પાસે માર્ગદર્શન માગે છે ત્યારે, સ્વામીજીને વિચિત્ર ઉત્તર સાંપડે છે: ‘ઈશ્વરની ઇચ્છા પ્રમાણે બધું થશે’ અને, નથી પોતે કશી સલાહ આપતા, નથી આર્થિક સહાયની તત્પરતા દાખવતા, એમ જણાય છે.

પછી આવે છે લાંબો મૌનનો ગાળો, પૂરાં સાત વર્ષોનો. દરમિયાન, દંડ કમંડળ સાથે ભટકતા, કોઈ ઘેર જઇ, ‘નમો નારાયણ’ કહી ભિક્ષા માગતા, હરદ્વાર અને પ્રયાગના મેળાઓમાં ગંગાસ્નાન કરતા, કોઈ ગામે ચાતુર્માસ રોકાઈ કથા-વાર્તા કરતા સામાન્ય સંન્યાસી વિવેકાનંદ નથી રહ્યા. એમના ગુરુએ ભાખ્યા,મુજબ એમણે જગતને ધ્રુજાવ્યું છે, હિન્દુ ધર્મને એના સંકુચિત કોચલામાંથી બહાર કાઢી એનું નવસંસ્કરણ કર્યું છે અને, અણપ્રીછ્યા સંન્યાસીમાંથી કીર્તિને શિખરે ઊડી, જગદ્‌ગુરુનું સ્થાન તેમણે પ્રાપ્ત કર્યું છે. પોતાના ભારત ભ્રમણ દરમિયાન અશેષ દારિદ્રયના, બ્રાહ્મણો, સંન્યાસીઓ અને સાધુઓની જડ રૂઢિચૂસ્તતાનાં સમાજના નીચલા વર્ગોના અને અછૂતોના શોષણનાં, રાજા મહારાજાઓની પોકળ મહત્તાનાં અને, નેતાગીરીના અભાવનાં સ્વામીજીએ દર્શન કર્યાં હતાં તેને પરિણામે, એમનામાં જાગેલી ઊંડી દેશભક્તિની અને, ધર્મની સાચી સમજ સ્વામીજીમાં પ્રગટ્યાં હતાં. ‘દરિદ્ર દેવો ભવ,’ ‘મૂર્ખ દેવો ભવ,’ આ યુગધર્મનીમાગને સમજી શકવા પ્રમદાદાસ અસમર્થ હતા. સંન્યાસી હાથમાં સાવરણો લઈને સફાઈ કરવા જાય, માંદાની માવજત કરવા જાય, દુષ્કાળપીડિતોને અનાજ આપવાની વ્યવસ્થા કરે- આવી બધી બાબતો પ્રમદાદાસને માન્ય ન હતી.

આલમોડાથી, ૧૮૯૭ના મેની ૩૦મીએ૪૬ લખેલા પત્રમાં સ્વામીજીની કલમ તગતગતા તેજનું રૂપ ધારણ કરે છે. અને, રામાનુજ તથા શંકરાચાર્ય, કેવલ પંડિતો હતા, હૃદયની ખૂબ સંકુચિતતા વાળા તેમ તેઓ કહે છે ચૈતન્ય, નાનક, કબીર સાચા અવતારો હતા કારણ, તેમના હૃદય વ્યોમવિશાળ હતાં અને, એ સૌની ઉપર શ્રી રામકૃષ્ણને સ્થાપે છે, પ્રમદાદાસ માટે આ પાણીપતના પરાજય સમાન છે. સ્વામીજીના આ પુણ્યપ્રકોપે પ્રમદાદાસનું હૃદય પરિવર્તન કેટલું કર્યું તે કોણ જાણે પરંતુ, ત્યાર પછી એમણે મૌન ધારણ કરી લીધું હતું, પ્રમદાદાસ પરનો આ છેલ્લો પત્ર છે. સ્વામીજીના પત્રનો એ પ્રભાવ.

કુમારી જોસેફાઈન મેકલેઑડ સ્વામીજીના ૪૩ પત્રો મેળવવા ભાગ્યશાળી બન્યાં હતાં. જુન ૧૮૯૫માં લખાયેલા૪૭ પહેલા અને ૧૯૦૨ના મેમાં ‘પ્રિય જો’ ને લખાયેલા છેલ્લા૪૮ પત્રથી જો સાથેના સ્વામીજીના આત્મીયતાભર્યા સંબંધનું દર્શન થાય છે, જો પરના પત્રોમાંની સ્વામીજીની શૈલી પણ રસિક અને રસળતી છે. બંને વચ્ચે એક અદ્ભુત સ્નેહગાંઠ બંધાઈ ગઈ છે.

સને ૧૯૯૭માં પ્રકાશિત થયેલા ૯માં વોલ્યુમમાં શ્રીનગરથી અમરનાથની યાત્રાએ જતાં સ્વામીજીએ કુ.મેકલેઓડને-અને અથવા સારા બુલને- લખેલા બે પત્રો સ્વામીજીના વ્યક્તિત્વનું વિશિષ્ટ પાસું દર્શાવે છે, એ બેઉ પત્રોમાં૪૯ પ્રવાસના વિધવિધ ખર્ચમાં પાઈનો પણ હિસાબ રજૂ કરતા સ્વામીજી પોતાનું નામાકૌશલ બરાબર દાખવે છે.ખર્ચની રકમની સામે, જરૂર છે, ત્યાં ખરીદીનો દર પણ સ્વામીજીએ માંડ્યો છે. ‘હિસાબ પાઈનો !’ એ વાત સ્વામીજી બરાબર પુરવાર કરે છે.

ખેતડીના મહારાજાને લખાયેલા ડઝન કરતાં વધારે પત્રો સ્વામીજીના વ્યક્તિત્વનું એક જુદું પાસું પ્રગટ કરે છે. એ મહારાજા સાથે સ્વામીજીનો સંબંધ ખૂબ નિકટનો હતો. મહારાજાને સ્વામીજી માટે એટલો બધો આદર અને પ્રેમ હતા કે, અમેરિકા જતાં પહેલાં, ૧૮૯૩ના ઉનાળામાં, મહારાજાને ત્યાં થયેલા પુત્ર જન્મના પ્રસંગે, મહારાજાના આગ્રહને માન આપી સ્વામીજી ઠેઠ મદ્રાસથી ખતેડી ગયા હતા. અને, સ્વામીજી માટે સ્ટીમરની પહેલા વર્ગની ટિકીટની તથા, અમેરિકા માટે ઉપયોગી લાગતી ચીજવસ્તુઓની સંપૂર્ણ જવાબદારી મહારાજાએ આનંદથી ઉઠાવી હતી. સ્વામીજી મહારાજાને મન આદરણીય ગુરુ હતા અને, ગુરુનો પડતો બોલ ઝીલવા મહારાજા સદા તત્પર હતા.

પશ્ચિમના દેશોમાં સાડાત્રણ વર્ષોના પોતાના પરિભ્રમણ બાદ પોતાની તબિયત સાવ નંખાઈ ગઈ હતી ત્યારે, ૧૮૯૭ના જાન્યુઆરીમાં સ્વામીજી પાછા સ્વદેશ લોટયા હતા. પોતે અમેરિકા હતા ત્યારે, પોતાને મળતા પૈસામાંથી સ્વામીજી પોતાનો નિર્વાહ કરતા અને, ‘બ્રહ્મવાદિન’ સામયિક માટે તેમજ, મઠમાંના ગુરુભાઈઓને તેઓ કંઈ ને કંઈ મોકલતા. પોતે તો નિઃસ્પૃહી, અકિંચન સંન્યાસી હતા. પોતાની નાદુરસ્ત તબિયત અંગે દવાદારુનો ખર્ચ કયાંથી કાઢવો? મઠનો પૈસો પોતાને માટે કંઈ વાપરી શકાય? આ ઉપરાંત એક બીજી ચિંતા પણ સ્વામીજીને પીડતી હતી, પોતાનાં માતુશ્રીની. સ્વામીજીનો નાનોભાઈ કંઈ ઠરીઠામ થયો ન હતો. પિતાના અવસાન પછી ઘરની પરિસ્થિતિ તદ્દન પલટાઈ ગઈ હતી. પિત્રાઈઓએ ઝઘડા કરી ઘર પણ પચાવી પાડયું હતું. પોતાનો દેહ લાંબો નથી ટકવાનો તે સ્વામીજી જાણતા હતા. અત્યારે પણ આર્થિક વિટંબણા ભોગવતી પોતાની માતાની પછી શી સ્થિતિ થશે ?

સ્વામીજીના ચિત્તની આ પરિસ્થિતિમાં ૧૮૯૮ના નવેમ્બરની ૨૨મીએ૫૦ અને, ડિસેમ્બરની ૧લી તારીખે૫૧ બેલુડ મઠમાંથી મહારાજા અજિતસિંહને સ્વામીજીએ લખેલા પત્રો ખુબ વેધક છે. પોતાના શિષ્ય છે પણ મહારાજા છે એટલે, સ્વામીજી વિવેકપૂર્ણ ભાષામાં લખે છેઃ

‘આપ નામદારની સમક્ષ મારું હૈયું ખોલવામાં જરાય શરમ વિના અને, આપને મારા એકમાત્ર મિત્ર તરીકે જાણીને, મારા જીવનના એક મહત્વતમ અગત્યના કાર્ય માટે, આપ નામદાર સમક્ષ હું આ રજુઆત કરું છું.’ કયું છે એ મહત્ત્વતમ અગત્યનું કાર્ય ? સ્વામીજી લખે છે કે, “એક મહાપાપનું મૂળ મારી છાતીમાં ભોંકાઈ રહ્યું છે.’૫૨ પણ પોતાનાં માતાની પોતે પૂરી અવગણના કર્યાનો એકરાર સ્વામીજી મહારાજા સમક્ષ કરે છે. ‘મારી અંતિમ ઈચ્છા છે મારાં બાની સેવા કરવાની અને, એમને માટે નાનકડું પણ સુઘડ ઘર બંધાવી આપવાની.’ કારણ, ‘બા અત્યારે ગંદી ખોલીમાં રહે છે.૫૩ પત્રમાં આગળ સ્વામીજી જણાવે છે જે, ‘યુરોપથી જે પૈસો પણ હું લાવ્યો હતો તે સઘળો (મઠ-મિશનના) કામ માટે હતો અને એ પૈસો પણ એ કાર્ય માટે મેં આપી દીધો છે…. ૫૪ હું હવે હારેલો-થાકેલો છું, હૃદયની બીમારી ભોગવું છું અને, મરણને ખોળે બેઠેલો છું.’ મહારાજા પાસે આર્થિક સહાયની માગણી કરતાં, સ્વામીજી લખે છે. ‘મારી ઉપર આ છેલ્લું મહાન દયાકૃપા કરો તે મારી વિનંતિ છે; આપના મહાન અને ઉદાર સ્વભાવને એ અનુરૂપ છે…’પપ અને સ્વામીજી તા.ક ઉમેરેછે, ‘આ બાબત તદન ખાનગી છે!

પોતાના પત્રમાં સ્વામીજીએ નિર્દેશ્યા પ્રમાણે, ઉદાર મહારાજા સ્વામીજીને તાર કરી, સહાય કરવાની પોતાની તત્પરતાની જાણ સ્વામીજીને કરે છે. અગાઉના પત્ર પછી, માત્ર નવમે દહાડે, અર્થાત્, ૧૮૯૮ના ડિસેમ્બરની ૧લી તારીખના પોતાના પત્રનો પ્રારંભ કરતાં સ્વામીજી લેખે છેઃ ‘આપના તારથી મને થયેલા આનંદનું વર્ણન કરવા શબ્દો નથી,’૫૬ આગળ ચાલતાં, એ પત્રમા ઘર માટેના અંદાજિત ખર્ચની રકમ, માના નિભાવ માટેની માસિક રકમ તેમજ, દહાડે દહાડે, પોતાની બગડતી જતી તબિયત માટેની જરૂરતની રકમ પણ સ્વામીજી જણાવે છે.૫૭

બધા સાંસારિક સંબંધોનો ત્યાગ કરનાર સંન્યાસી પોતાની માતાના નિભાવ માટે આમ સહાય યાચે એ વિચિત્ર લાગવાનો પૂરો સંભવ છે. પરંતુ, પોતાની માતાના મૃત્યુ પછી એના દહને અગ્નિદાહ દેવા શંકરાચાર્યે વચન આપ્યું હતું અને તેનું પાલન કર્યું હતું. પોતાનાં પત્નીનો અને પુત્રનો નિદ્રામાં ત્યાગ કરી તેમને અંધારામાં રાખનાર તથાગત બુદ્ધ, પોતાને બોધિ પ્રાપ્ત થયા પછી અને, અનેક શિષ્યો કર્યા પછી તથા પોતાનો સંદેશ દૂરસુદૂર ફેલાવ્યા પછી, પોતાને વતન કપિલવસ્તુ પાછા ફર્યા હતા. ગઈ સદીના પ્રારંભના પ્રખ્યાત ગુજરાતી કવિ બોટાદકરે ‘બુદ્ધનું ગૃહાગમન’ નામનું સુંદર કાવ્ય રચ્યું છે અને, એ કાવ્યમાં યશોધરા અને બુદ્ધના પુનર્મિલનની વેધક રજુઆત તેમણે કરી છે.’ ‘શા સંબોધનથી સમાદર કરું, શી વિધ સત્કારું હું ?’ આ મૂંઝવણ અનુભવતી યશોધરા, મહેલને દરવાજે વિચારમગ્ન ઊભી હતી ત્યાં, ‘દૂરથી દોડતો આવી, પતિ પાયે પડી ગયો.’ અને પછી, તથાગતે યશોધરાને કહ્યું કે, ‘જે ભૂતમાત્રને ચાહે છે તે તને પણ ચાહે છે ! પોતાની જનેતાના નિભાવ માટે વ્યવસ્થા કરનાર સ્વામી વિવેકાનંદ, ગુરૂદીધા મંત્ર, ‘શિવજ્ઞાને જીવસેવા’ને જ અનુસરતા ન હતા શું ? સ્વામીજીમાં કેવી ઊંડી માતૃભક્તિ હતી તેનું દર્શન આપણને અહીં સાંપડે છે.

અંતમાં એક અંગ્રેજ ગૃહસ્થ, ઈ.ટી.સ્ટર્ડી પરના પત્રોના ઉલ્લેખથી આપણે વિરમીએ. બધી વ્યક્તિઓ પરના બધા પત્રો વિશે લખવા માટે પુસ્તક પણ પૂરું ન પડે, આ સ્ટડીને સ્વામીજીએ ૩૮ પત્રો લખ્યા છે. ન્યૂયોર્કથી ૧૮૯૫ના એપ્રિલની ૨૪મીએ સ્વામીજીએ લખેલો પત્ર૫૮ સ્ટડીના પત્રનો ઉત્તર જણાય છે એ ઔપચારિક પત્ર કોઈ વિશેષ વિષયને લાગતો નથી પણ, સામાન્ય પ્રકારનો છે. ન્યૂયોર્કથી જ લખાયેલો ચોકકસ તારીખના નિર્દેશ વગરનો સ્વામીજીનો બીજો પત્ર૫૯ સ્ટર્ડીએ સ્વામીજીને ઈંગ્લેંડ આવવાના નિયંત્રણનો જવાબ જણાય છેઃ ‘તમારા નિમંત્રણને હું ઈશ્વરનો સાદ સમજું છું.’ ૧૮૯૫ના ઓગષ્ટની બીજી તારીખના૬૦ સ્ટર્ડી પરના સ્વામીજીના પત્ર પરથી લાગે છે કે, તે સમયે, સ્વામીજી સ્ટડીથી પ્રભાવિત થયા હતા કારણ, સ્ટર્ડીએ સ્વામીજીને સંસ્થા સ્થાપવા સૂચન કર્યું હતું. બરાબર એક અઠવાડિયા પછી, ૧૮૯૫ના ઓગષ્ટની ૯મીએ લખેલા જરા લાંબા પત્રથી૬૧ જણાય છે કે બંને વચ્ચેનો સંબંધ ગાઢ થવા લાગ્યો છે, પોતાના એ પત્રમાં સ્ટર્ડી સાથે ગંભીર ચર્ચા-વિચારણા કરે છે અને, સ્ટર્ડીમાં સ્વામીજીને કેટલો રસ પડયો છે તેનું નિદર્શન કરે છે. સ્વામીજીને માટે સ્ટર્ડી હવે ‘વહાલા મિત્ર’ (ડિયર ફ્રેન્ડ) બની ગયા છે.

પેરિ(સ)થી, એકાદ મહિના પછી- સપ્ટેમ્બરની પાંચમીએ- લખાયેલા પત્રમાં૬૨ સ્વામીજીનું સંબોધન ‘ડિયર એન્ડ બિલવેડ ફ્રેન્ડ’નુંરૂપ ધારણ કરે છે અને તે નૈકટય નિર્દેશે છે. પોતાના અતિથિ થવાનું સ્ટર્ડીએ આપેલું નિમંત્રણ સ્વામીજી ભાવપૂર્વક સવીકારે છે. અમેરિકામાં રિજલી મેનરથી,૬૩ ૧૮૯૯ની ૧૪મી સપ્ટેમ્બરે લખેલા પત્રમાં એટલે કે, ચાર વર્ષો વીતી ગયા પછી, પણ, એ સંબંધ વૃધ્ધિ પામતો નહીં પણ અકબંધ જળવાઈ રહેલો જોવા મળે છે, એ પત્રમાંનું એક વાક્ય યાદગાર રહી જાય તેવું છેઃ ‘મારા સ્વભાવને અને સિધ્ધાંતને હું વળગી રહું છું- એક વારનો મિત્ર તે સદાનો મિત્ર, અને… મને મળતા અણગમાના અને તિરસ્કારનાં દરેક મોજા માટે મારો ને મારો જ દોષ છે !૬૪

એ જ રિજલી મેનરથી પછીના તારીખ વગરના પત્રમાં સ્વામીજી સ્ટર્ડીને કંઈ નમતું જોખતા જણાય છેઃ ‘તમારી ટીકાનો મોટો ભાગ, કદાચ, વાજબી અને સાચો હોય…. હું જરાય નાસીપાસ થયો નથી. તમારા મનમાં કડવાશ નહીં હોય એવી આશા હું રાખું છું.’૬૫

પરંતુ વાત અહીં પૂરી થતી જણાતી નથી. પોતાના પત્રમાં સ્ટર્ડીએ સ્વામીજીને કશું અઘટિત અને કદાચ વિવેકહીન ભાષામાં લખ્યું હશે એટલે સ્વામીજીનો પુણ્યપ્રકોપ જાગી ઊઠે છે. ન્યૂયોર્કથી લખાયેલો એ પત્ર ક્ષેપકાની માફક પોતાને નિશાને પહોંચ્યો લાગે છે. ઈંગ્લેન્ડ માંનું પોતાનું કૃત્યોનું અને ૧૮૯૬નું રોકાણ આરામદાયક હતું એમ પોતાના મનને મનાવવાને સ્વામીજી જોરદાર પ્રયત્ન કરતા હતા. કંઈ નહીં તો સંન્યાસીની ઉપેક્ષાવૃત્તિથી એ અગવડોને સ્વામીજીએ લક્ષમાં લીધી ન હતી અને બધું નિભાવી લીધું હતું. ૧૮૯૯ના ન્યૂયોર્કથી લખેલા પત્રમાં૬૬ પોતાના મન પરના એ ઢાંકપિછોડાને સ્વામીજીએ સદંતર દૂર કર્યો જણાય છે. અત્યુક્તિઓ અને, ખોટા આરોપોથી ભરેલા સ્ટર્ડીના પત્રના સ્વામીજી લીરેલીરા ઉડાડે છે. સ્ટર્ડીના એ પત્રે સ્વામીજીના ચિત્તમાં કેવો તો ક્ષોભ પેદા કર્યો હશે તેની પ્રતીતિ સ્વામીજીના આ શબ્દો આપે છેઃ ‘મારા સૂકાભઠ્ઠ જીવનરણમાં એક મીઠી વિરડી છે એવા ભ્રમથી મારા મનને મેં સંમોહિત કર્યું હતું, દુઃખ અને નૈરાશ્યના સમગ્ર જીવનમાં જાણે એક દીવડો ઝબુકતો હતો. પરંતુ તમારો છેલ્લો પત્ર વીજળી પડચા જેવો છે અને એણે મારા એ સ્વપ્નને ઉડાડી મેલ્યું છે.૬૭

આ પત્રની ચોથી કંડિકાનો આરંભ જુઓ;૬૮ ‘રીડિંગમાંના તમારા ઘરનું આતિથ્ય મને યાદ છે; બાફેલું કોબી અને બટાટા, અને ભાત અને બાફેલી દાળ દહાડામાં ત્રણ વાર મને પીરસાતું અને, તમારાં પત્નીની ગાળો ઉપર સોસ તરીકે ભભરાવવા મળતી. સિલિંગની કે પેનીની કોઈ સિગાર તમે મને આખ્યાનું મને સ્મરણ નથી. તેમજ, તમારે માટે સતત કામ કરતાં છતાં, ચોરની જેમ થરથરતા રહેવાનું આવ્યું હતું તે છતાં, તમારે ત્યાંના મારે ભાણે પીરસાતા ખોરાકની કે તમારા પત્નીની અવિરત ગાળોની કદી ફરિયાદ કર્યાનું યાદ નથી.’ પોતાની પ્રત્યેની સઘળી અપમાનજનક વર્તણૂંકને સ્વામીજીએ ઉદારતાથી સહી લીધી હતી અને માફ કરી દીધી હતી તે બધી સ્વામીજીના ચિત્તમાં સળવળી ઊઠે છે. ‘મને બરાબર યાદ છે. ‘સ્વામીજી લખે છે કે, તમારે ઘેર તમારાં પત્નીએ એક રાતે વાળું અને આશરો આપ્યા પછી, વળતી સવારે તમારા પત્ની બબડતાં હતાં, ‘આ કાળો જંગલી, ગમે ત્યાં આંટા મારતો ને ધૂમ્રપાન કરતો, ઘર કેટલું ગોબરું કરી મૂકે છે?’૬૯ પછી સ્વામીજી સ્ટર્ડીને સવાલ કરે છે: ‘લંડનમાં જે કાળી કોટડીમાં તમે મને ઉતારો આપ્યો હતો અને, મરી જાઉં એટલું કામ મારી પાસે કરાવીને, લગભગ મને ભૂખે માર્યો હતો, એ અંધારી ઘોલકીયામાં તમે એનાં (તમારાં) બાળકોને કદી રાખશો ?’૭૦

પોતાનો પુણ્યપ્રકોપ આમ સ્પષ્ટ શબ્દોમાં ઠાલવ્યા પછી, સાચા સંન્યાસીની નિસ્પૃહતાથી અને નિર્મોહિતાથી, પોતાનો પત્ર પૂરો કરતાં સ્વામીજી લખે છે: ‘અમર પ્રેમનું, અવિચલ શ્રધ્ધાનું, માત્ર રીતરિવાજોમાં જ નહીં પણ, પ્રેમમાંયે, નિષ્ઠામાંયે અને મિત્રતામાં યે અડગ ભારત, સ્ટર્ડી, આજે પણ જીવી રહ્યું છે.’ અને, સ્ટર્ડી! એ ભારતનો નાચીઝ બાળ એવો હું એ ભારતીય સ્નેહથી તમને ચાહું છું અને, તમારા ભ્રમમાંથી તમને મુકત કરવા માટે હજાર જન્મો ધારણ કરવા તૈયાર છું.૭૧ સ્ટર્ડીના પત્રમાંના કેટલાક અઘટિત શબ્દોએ સ્વામીજીના અંતરને હલાવી નાખ્યું. હતું એ સાચી હકીકતોને શબ્દદેહ આપીને સ્વામીજી પરિસ્થિતિ પર પ્રકાશ ફેંકે છે, સ્વામીજીની કલમ આગઝરતી છે પરંતુ, કોઈ પ્રત્યે ધિક્કાર કે ગાળો એ વરસાવતી નથી. અને સનાતન પ્રેમના શાંત નિર્વેદથી પત્ર પૂર્ણ થાય છે. 

સ્વામીજીની વિપુલ પત્રધારાનાં આ થોડાં આશ્રમનો સ્વામીજીની અનેકમુખી પ્રતિભાના કેટલાય પહલુઓ દર્શાવે છે. અને, સ્વામીજી ખૂબ આર્થિક ભીડમાં હતા, એ ચલક ચલાણું કરતા રહેતા, રોજરોજ નવાંનવાં માનવીઓ સાથે પનારો પાડતા રહેતા, કોઈ મહાસમર્થ વ્યક્તિત્વ પણ ઢીલું ઢફ થઈ જાય એવી પરિસ્થિતિઓમાં મુકાતા હતા તેવા સંજોગોમાં, ખૂબ કામના દબાણ હેઠળ પોતે હતા તેવા સંજોગોમાં લખાયેલા આ પત્રો સ્વામીજીની સંન્યાસીની નિર્લેપતા વ્યકત કરે છે, એમની સહનશીલતા દર્શાવે છે, એમના ચિત્તની પ્રસન્નતાની તે ભાગીરથીમાં નવરાવે છે. કોઈ કોઈ વાર તો એવા સંજોગોમાં પણ સ્વામીજી મુકાયા હશે કે પોતે બીજી સવારે કયાં હશે ને શું ખાશે તેની પણ જાણ તેમને નહીં હોય. કેથી સેન્બોર્નને, પ્રો. જોન રાઇટને, શિકાગોનાં શ્રીમતી મેરીંકયુલને, સિસ્ટર ક્રિસ્ટીનને, જોને, લગેટને, નિવેદિતાને, ખેતડીના મહારાજાને, દીવાન હરિદાસ દેસાઈને, લીંબડીના ઠાકોર સાહેબને, આલાસિંગાને, કિડીને…. અસંખ્ય લોકોને પોતે મળતાં ભેગાં જ પોતાના સ્નેહપાશથી સ્વામીજી કેવાં તો બાંધી લે છે ! આ લોકો કોઈ ગાડર ન હતાં, હાથમાં ભસ્મ કાઢવાના કે, કોઈની ઈપ્સિત વસ્તુ આપવાના, દોરા ધાગા માદળિયાના કે બીજા કોઈ ચમત્કાર સ્વામીજીએ કર્યા ન હતા તે સો ટકા સાચું છે. આમ છતાં, શંકર પંડિત જેવા વિદ્વાનને, લીંબડી, કચ્છ, રામનદના રાજકર્તાઓને, હરિદાસ દેસાઈ જેવા કુશળ વહીવટદારને, મદ્રાસના યુવાનોને, ઓપેરા ગાયિકા માદામ કાલ્વેને, કોટયાધિપતિ રોકફેલરને ઓલેબુલને સેવિયર દંપતીને, ગુડિવનને ઉપર જેમનાં નામોનો ઉલ્લેખ કર્યો છે તે સૌને, આપણા સંસ્કૃતજ્ઞોએ જેમને પંડિત મોક્ષમુલર કહ્યા છેતે મેક્ષમુલરને, વિદ્વાન પ્રો.ડૉયસનને…. સૌને મુગ્ધ કરી, સૌના હૃદયમાં પોતાનું પ્રેમ સામ્રાજ્ય સ્થાપનાર અને, પોતાને પડતે બોલે અનેકને પોતાની પાછળ ચાલી આવતા કરનાર, હજારો માઈલ દૂરથી ગુરુભાઈઓને અને ઈતર શિષ્યોને કાર્યની દિશા સુઝાડનાર સ્વામીજીનું વ્યક્તિત્ત્વ કેવું તો દિવ્ય પ્રકાશથી ઝળહળાં છે ! સ્વામીજીએ વાવેલા પ્રેમનાં બીજો ક્યારે ફળશે તે કોણ કહી શકે ? ન્યૂયોર્કની વાચવ્યમાં આવેલા ફ્રેન્સિસ લગેટનો રિજલી મેનર સ્વામીજીનો નિવાસસ્થાન બન્યા પછી, પૂરાં સો વર્ષે, લગેટવંશીઓ એ મેનર અને એની આસપાસની વિશાળ જગ્યા રામકૃષ્ણ મિશનને ભેટ આપે છે. ઘર આંગણે, લીંબડીનું રાજકુટુંબ, જે રાજ મહેલમાં સ્વામીજીએ પોતાની ચરણરજ પાથરી હતી ને ભવ્ય રાજમહેલ રામકૃષ્ણ મિશનને ભેટ આપે છે. અને, પોરબંદરના બ્રિટિશ નિયુક્ત રાજવહીવટદાર શંકર પાંડુરંગ પંડિતનો બંગલો, ગુજરાતની સરકાર રામકૃષ્ણ મિશનને સુપ્રત કરે છે ! આ સઘળા નિધનોત્તર ચમત્કારો નહીં કહીં શકાય? પાશ્ચાત્ય પ્રજાનાં ગુણગાન ગાવામાં સ્વામીજી પાછા નથી પડતાં ત્યાંની સ્ત્રીઓની સામાજિક સ્થિતિ ત્યાંની સંસ્થાઓ અને સંસ્થા સંચાલન શક્તિ, ત્યાંના કેદખાનાં ઈત્યાદિ અનેક બાબતોથી સ્વામીજી પ્રભાવિત થાય છે તો, ત્યાંની પોકળતા, દિશાદોરહીનતા, ધર્મ વિશેની સાચી સમજનો અભાવ પણ સ્વામીજી સ્પષ્ટ રીતે ઉલ્લેખે છે. પૂરી અનિશ્ચિતતામાં અડગ ટકી રહેવાનું ધૈર્ય સ્વામીજી પૂરું દાખવે છે. બીજા પ્રતિનિધિઓની જેમ પૂરી તૈયારી કરીને પોતે વિષધર્મ પરિષદમાં ગયા ન હતા. તે વાતનો એકરાર છે તો, પરિષદમાં મળેલી અનન્ય કીર્તિથી જરા પણ વિચલિત ન થવાનું સ્થિત પ્રજ્ઞનું ધૈર્ય પણ એમનામાં છે, જો ઓલે બુલ પરના પત્રમાં પાઈએ પાઈનો હિસાબ આપવાનું કૌશલ ધરાવતા સ્વામીજી પોતાની આવશ્યકતા માટે તદ્દન બેપરવા છે. બધા ધર્મો પ્રત્યે સહિષ્ણુતા, સૌ ધર્મોનો આદર અને તેમનો સ્વીકાર વિશ્વના મંચ પરથી ઉદ્ઘોષિત કરનારી પ્રથમ પ્રતિભા સ્વામીજીની છે. પોતાના ધર્મ વિશે કે પોતાની સંસ્કૃતિ વિશે વાત કરતાં કયાંય સ્વામીજી ગર્વ નથી લેતા, એ સર્વ માટે ગૌરવ લે છે. પોતાની સંકુચિતતાની છીપમાં પુરાઈ રહેલા હિન્દુ ધર્મને એ બંધિયારપણામાંથી મુક્ત કરી, ધર્મનું નવસંસ્કરણ કરનાર યુગપુરુષ સ્વામીજી છે. પોતાના ગુરુભાઈ સ્વામી અખંડાનંદે આદરેલા દુષ્કાળ નિવારણના સેવાકાર્યના મંડાણથી સ્વામીજી પ્રફુલ્લિત થઈ તેમની પીઠ થાબડે છે તો, પોતાના ગુરુભાઈઓને ‘શિવજ્ઞાને જીવસેવાનાં’ ગુરુમંત્ર તરફ ધ્યાન દોરનાર પણ સ્વામીજી છે, આમ એમનાં પત્રોમાં સ્વામીજીના વિરાટ વ્યક્તિત્વનો પૂર્ણકલાપ પ્રગટતો આપણને જોવા મળે છે. 

: સંદર્ભ :

૪૧. વો ૬, પૃ.૩૨૫, ૪૨. વો.૭ પૃ.૪૯૧, ૪૩. વો. ૬, પૃ.૨૦૧, ૪૪. એજન, પૃ.૨૦૯, ૪૫. એજન, પૃ.૨૩૯, ૪૬. એજન, પૃ.૩૯૨-૩૯૫, ૪૭.વો.૮, પૃ.૩૩૮, ૪૮. વો.૫, પૃ.૧૭૯, ૪૯ વો.૯, પૃ.૧૦૫-૧૦૬; ૧૭૭– ૧૭૮. ૫૦.એજન, પૃ.૧૦૮, ૫૧. એજન, પૃ.૧૧૦, પર. એજન, પૃ. ૧૯, ૫૩. એજન, પૃ.૧૦૯, ૫૪. એજન, પૃ.૧૦૯, ૫૫. એજન, પૃ.૧૦૯, ૫૬. એજન, પૃ.૧૧૦, ૫૭. એજન, પૃ.૧૧૦, ૫૮. વો.૮, પૃ.૩૩૫, ૫૯. એજન, ૧૩૩૬, ૧૦. એજન, પૃ.૩૪૬, ૬૧. એજન, પૃ.૩૪૭, ૬૨. એજન, પૃ.૩૫૦, ૬૩. એજન, પૃ.૪૭૦-૪૭૨, ૬૪. એજન, પૃ.૪૭૨-૬૫- એજન, પૃ.૪૮, ૬૬. વો.૭, પૃ.૫૧૫-૫૧૯, ૬૭. એજન, પૃ.૫૫૫. ૬૮ એજન, પૃ.૫૧૬, ૧૯. એજન, ૫૧૬, ૭૦. એજન, પૃ.૫૮, ૭૧.ગેજન, પૃ.૫૧૯

Total Views: 178

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.