(સ્વામી જ્ઞાનલોકાનંદજી રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ હાઉસ એન્ડ કલ્ચર, કોલકાતાના સચિવ છે. – સં.)
આ કેન્દ્ર, જે “રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ હાઉસ એન્ડ કલ્ચર” તરીકે ઓળખાય છે, ૩૫ વર્ષના લાંબા સંઘર્ષ બાદ મિલકતના હસ્તાંતરણ અને આશરે ૫ વર્ષના પુનઃસ્થાપન તથા પુનર્નિર્માણ પછી, વર્ષ ૨૦૦૪માં જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અહીં જ સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ના રોજ, મકર સંક્રાંતિના પાવન દિવસે, વિશ્વનાથ દત્ત અને ભૂવનેશ્વરી દેવીના મોટા પુત્ર તરીકે થયો હતો. વારાણસીના વીરેશ્વર શિવ પાસે દીર્ઘકાળ સુધી કરેલી તીવ્ર પ્રાર્થનાના ફળરૂપે તેમનો જન્મ થયો હતો. તેમનો જન્મ શ્રીરામકૃષ્ણની દિવ્ય દૃષ્ટિ દ્વારા પણ પુષ્ટિ પામ્યો હતો. એક પ્રસંગે શ્રીરામકૃષ્ણે વારાણસીથી કલકત્તા તરફ આકાશમાં પ્રકાશની એક રેખા જોઈ હતી. તેમણે નિશ્ચિતપણે માન્યું કે સપ્તર્ષિ મંડળના મહાન ઋષિ, જેમને તેમણે પૃથ્વી પર આવવા આમંત્રણ આપ્યું હતું, તેઓ આવી પહોંચ્યા છે. આનંદમાં ઉલ્લાસિત થઈ તેમણે કહ્યું હતું, “મારી પ્રાર્થના પૂર્ણ થઈ છે. એ મહાપુરુષ એક દિવસ મારી પાસે આવશે.”
પુનઃસ્થાપિત આ ઇમારતને ગ્રેડ-૧ હેરિટેજ સ્મારક તરીકે માન્યતા પ્રાપ્ત થયેલ છે અને આજે તેને ‘વિવેકાનંદ મ્યૂઝિયમ’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સ્વામીજીએ ઉપયોગમાં લીધેલાં કેટલાંક વસ્ત્રો તથા જે ભાગમાં તેના જીવનમાં પ્રસંગો બનેલા હતા તેને સંરક્ષિત કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રવેશદ્વારેથી પ્રવેશ કરતાં, જ્યાં માર્બલની તખ્તી પર સ્વામી વિવેકાનંદનું ઘર હોવાનું ઉલ્લેખ છે, ત્યાં ડાબી બાજુ પુરુષો માટેના કક્ષો, આગળ આઠ સ્તંભો અને સુંદર કોતરણીવાળી કમાનો ધરાવતું પૂજાગૃહ અને આંગણાની સામે જમણી બાજુ બે માળનો સ્ત્રીઓ માટેનો વિભાગ જોવા મળે છે. આ વિભાગની છત પર જ સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. તે સમયની પરંપરા મુજબ, બાળકના જન્મ માટે છત પર વાંસથી બનાવેલો અસ્થાયી કક્ષ બનાવવામાં આવ્યો હતો. હાલ તેમના જન્મસ્થાને અર્ધ-સ્થાયી કક્ષ બનાવવામાં આવ્યો છે અને ત્યાં મધ્યમાં સ્વામીજીનું ચિત્ર તથા બન્ને બાજુ શ્રીઠાકુર અને શ્રીમાનાં ચિત્રો સાથે સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે. સ્વામીજીના કક્ષની નીચે વીરેશ્વર શિવનું મંદિર આવેલ છે, જેનું નામ વારાણસીના પ્રસિદ્ધ મંદિર પરથી રાખવામાં આવ્યું છે. અહીં ભગવાન શિવની દૈનિક પૂજા થાય છે.
સમયના વહેણ સાથે ઇમારતના કેટલાક ભાગોનો નાશ થવા છતાં આજે પણ તે સ્થળ જોવા મળે છે, જ્યાં માતા ભૂવનેશ્વરી દેવી નાના નરેનને શાંત કરવા માટે તેના મસ્તક પર પાણી રેડતી અને વ્યથા સાથે કહેતી, “અરે! મેં શિવ પાસે પુત્ર માટે પ્રાર્થના કરી હતી, પણ તેમણે તો મને પોતાનો એક ભૂત મોકલી આપ્યો છે.” અહીં એ સ્થાન પણ જોઈ શકાય છે, જ્યાં જાતિભેદનો અનુભવ કરવા માટે નરેન પોતાના પિતાના વિવિધ જાતિના ગ્રાહકો માટે રાખવામાં આવેલી લાંબી હૂકાઓની કતારમાંથી એક પછી એક હૂકો પીતો. તે કક્ષ પણ જોવા મળે છે જ્યાં નરેનને એક શાંત સંન્યાસીનું દર્શન થયું હતું, જેને તેમણે પછી ભગવાન બુદ્ધ તરીકે ઓળખ્યા હતા; જ્યાં સાધુઓ અને ભિક્ષુકોને બધું દાન ન કરી દે તે માટે તેને બંધ કરી દેવામાં આવતો; તેમજ જ્યાં નરેન મિત્રો સાથે ‘ધ્યાન’ નામની રમત રમતો હતો અને એક નાગ આવી ચઢ્યો ત્યારે નરેન સિવાય બધા ભાગી ગયા, તે બધા કક્ષ પણ જોવા મળે છે.
આ પૂજાગૃહ અને તેના સામેનું આંગણું નાનાં નરેનના ઊર્જાવાન અને ખેલકૂદથી ભરપૂર વર્ષોનું કેન્દ્ર હતું. નરેન આશરે છ વર્ષનો હતો ત્યારે તેના પિતાએ એક શિક્ષક રાખીને આ પૂજાગૃહમાં નરેનના ભણતરની શરૂઆત કરાવી હતી. પૂજાગૃહમાંથી નીચે આંગણા તરફ જતી સીડીઓ નરેનની મનપસંદ ‘અદાલત’ રમવાની જગ્યા હતી. તે પરિવારના અને પડોશના ૧૦-૧૨ છોકરાઓ સાથે આંગણામાં કબડ્ડી, ગોટી, ભમરા અને પતંગ ઉડાવવાની રમતો રમતો.
એક દિવસ, નરેન મિત્રો સાથે પૂજાગૃહમાં રમતો હતો. રમતાં રમતાં તે અચાનક સીડીઓ પરથી લપસી પડ્યો અને બેભાન થઈ ગયો. ભારે લોહી વહેવા છતાં તે ઇજા જીવલેણ નહોતી. તેની જમણી ભ્રૂ ઉપર ઘા પડ્યો હતો અને તેનું નિશાન આખી જિંદગી રહ્યું. બાદમાં શ્રીરામકૃષ્ણે કહ્યું હતું, “તે દિવસે થયેલી ઇજાથી જો તેની શક્તિ થોડી ઘટી ન હોત, તો નરેન પોતાની શક્તિથી દુનિયાને ઉથલાવી નાખે તેમ હતો.”
આ પૂજાગૃહમાં જગદ્ધાત્રી માતાની પૂજા થતી હતી. સ્વામીજીની માતા ભૂવનશ્વરી દેવીએ ૧૯૦૧માં સ્વામીજીની દેખરેખ હેઠળ અહીં દેવીની પૂજા કરી હતી, જેમાં સ્વામીજીના અનેક શિષ્યો અને ભાઈ સંન્યાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીજીના જન્મસ્થાનના સંરક્ષણ અને પુનઃસ્થાપનનો હેતુ માત્ર આ પવિત્ર સ્થળ અને રાષ્ટ્રીય સ્મારકને વિશ્વભરના અસંખ્ય ભક્તો અને પ્રશંસકો માટે ફક્ત સુરક્ષિત રાખવાનો નથી, પરંતુ તેને જ્ઞાનના કેન્દ્ર તરીકે વિકસાવવાનો પણ છે. આ હેતુસર આજે અહીં દૈનિક પૂજા અને પ્રાર્થનાસભામાં આધ્યાત્મિક પ્રવચનો ઉપરાંત પાઠ્યપુસ્તક ગ્રંથાલય, દાનાત્મક એલોપેથીક તથા હોમિયોપેથીક દવાખાનું, કમ્પ્યુટર શિક્ષણ, વિદેશી ભાષાઓ, અંગ્રેજી અને સંસ્કૃત, મૂલ્યશિક્ષણ જેવી વર્ગો ચલાવવામાં આવે છે.
ઉપરાંત, યુવક-યુવતીઓ અને તેમનાં માતા-પિતાઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને મૂલ્યપ્રેરણાના કાર્યક્રમો યોજાય છે. સ્વાવલંબન માટે વિશેષ તાલીમ, આર્થિક અને પ્રાથમિક સહાય, કુદરતી આફતોના પીડિતોને મદદ, દૂરના વિસ્તારોમાં નિ:શુલ્ક કોચિંગ કેન્દ્રો અને વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક સ્પર્ધાઓ પણ આ કેન્દ્ર આયોજિત કરે છે. અહીં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સેન્ટેનરી કોલેજ, રહરા અંતર્ગત એક સંશોધન કેન્દ્ર પણ કાર્યરત છે. આ સંસ્થા રામકૃષ્ણ મિશન વિવેકાનંદ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બેલુર મઠનું ‘ઓફ-કેમ્પસ કેન્દ્ર’ પણ છે. કેન્દ્ર પાસે સુસજ્જ ઓડિટોરિયમ અને ત્રણ અન્ય વ્યાખ્યાન મંડપો છે. વર્ષો દરમિયાન પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થતાં હાલની જગ્યા ટૂંકી પડે છે.
દેશભક્ત અને મહાન ઋષિ સ્વામી વિવેકાનંદના જન્મસ્થાનની મુલાકાત ખરેખર એક તીર્થયાત્રા સમાન છે – અહીં ભૂતકાળની ગૌરવમય ઝાંખી અને વર્તમાનના પવિત્ર વાતાવરણ સાથે સક્રિય સેવાકાર્યો જોવા મળે છે. અહીં સ્વામીજીની જીવંત હાજરીનો અનુભવ થાય છે, પ્રેરણા મળે છે, તેમની જીવનપોષક વિચારોને આત્મસાત્ કરવાની તક મળે છે અને જીવનનો સામનો કરવા માટે નવી શક્તિ પ્રાપ્ત થાય છે.
Your Content Goes Here




