(સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ. પ્ર.) કેન્દ્રના વડા છે.)
સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે:
“જેના દ્વારા ઈશ્વરનું દર્શન થઈ શકે એ ધર્મનો તાત્ત્વિક આધાર છે. આ ભારતીય દર્શનનું તાત્પર્ય છે.”૧
જાણ્યે-અજાણ્યે પણ આપણું જીવન કેટલીક જ્ઞાત કે અજ્ઞાત જડ થયેલી ધારણાઓથી ચાલે છે. આ ધારણાઓ અસંસ્કૃત, રૂઢ કે અમૌક્તિક પણ હોઈ શકે અથવા સંસ્કૃત, સુષ્ઠ કે ચિંતનશીલ તત્ત્વપૂર્ણ પણ હોઈ શકે. આપણું જીવન આ ધારણાઓને આધારે ઘડાયેલું હોવાથી જેવું આપણી ધારણાઓનું બંધારણ તેવું આપણું જીવન.
આપણા વિચારો અને આપણી ધારણાઓનો આપણા જીવન પર ઊંડો પ્રભાવ પડે છે. જીવ, જગત, જીવનનું ઉદ્દેશ્ય, મનુષ્યનું ભાવિ, જન્મ, મૃત્યુ વગેરે બાબતોમાં આપણા વિચારો અને ધારણાઓ આપણા વ્યાવહારિક જીવનને ઘણા પ્રભાવિત કરે છે. કોઈ વ્યક્તિ એમ માને કે “મારા જીવનનું કોઈ ધ્યેયબિંદુ નથી. મને કોઈ તત્ત્વજ્ઞાનમાં વિશ્વાસ નથી.” આમ કોઈ તત્ત્વજ્ઞાનમાં વિશ્વાસ ન હોવો કે જીવનનું ધ્યેયબિંદુ ન હોવું તે જ તેના જીવનનું લક્ષ્ય છે. આવા લક્ષ્યને કારણે ઘણું કરીને તેનું જીવન ઉદ્દેશ્યહીન, અસ્તવ્યસ્ત અને નિમ્નકોટીનું બની જાય છે. આવી વ્યક્તિના જીવનમાં કોઈ ગંભીરતા કે ઊંચાઈ દેખાતાં નથી. કારણ કે ઉચ્ચ અને ગંભીર જીવનદર્શન પર જ જીવનની ગંભીરતા અને ઊંચાઈનો આધાર રહેલો છે.
જીવનનું તત્ત્વજ્ઞાન જેટલું સત્ય આધારિત, ઉચ્ચ અને સરળ એટલે કે ટૂંકમાં તે જેટલું સમ્યક તથા ઉન્નત હશે તેટલું જ જીવન પણ સમ્યક્ અને ઉન્નત થશે. મહર્ષિ મનુએ તો ત્યાં સુધી કહ્યું છે કે બંધન અથવા મુક્તિનો આધાર, સમ્યક્ અથવા અસમ્યક્ તત્ત્વજ્ઞાન પર રહેલો છે.
सम्यग्दर्शनसम्पन्नः कर्मभिर्न निबध्यते।
दर्शनेन विहीनस्तु संसारं प्रतिबध्यते।।
– मनुस्मृति 6/4
“સમ્યગ્દર્શનસંપન્ન વ્યક્તિ કર્મબંધનમાં બંધાતી નથી તથા દર્શન વગરની વ્યક્તિ સંસારમાં ફસાઈ જાય છે.”
અનુભૂતિ દર્શનનો આધાર અને કસોટી છે. આધ્યાત્મિક અનુભૂતિથી સંપન્ન વ્યક્તિ જ્યારે પોતાની અનુભૂતિઓની તર્કબદ્ધ રજૂઆત આપણી સમક્ષ કરે છે ત્યારે આપણને તે અનુભૂતિઓ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવે છે. એટલે પછી તે આપણે માટે એક વ્યાવહારિક જીવનદર્શન થઈ જાય છે. આ પ્રમાણે યથાવત ઉપયુક્ત સાધના કરવાથી જે અનુભૂતિ તે દર્શનના પ્રણેતાઓએ કરી હોય, તે આધ્યાત્મિક તત્ત્વોની અનુભૂતિ આપણે પણ કરી શકીએ છીએ. દર્શનની આ જ વ્યાવહારિકતા છે.
તત્ત્વજ્ઞાનનું ક્ષેત્ર જો કે સર્વવ્યાપી છે છતાં પણ તે જીવન અને જગત સંબંધી કેટલાંક મૌલિક તથ્યો પર સૌ પ્રથમ વિચાર કરે છે. વિવેચનની સગવડતા ખાતર આ મૌલિક તત્ત્વોને ચાર વિભાગમાં મૂકીશું:
૧ જીવ- ખાસ કરીને માનવ જીવન
૨ જગત – ચરાચર વિશ્વ બ્રહ્માંડ
૩ ઈશ્વર – જગત કારણ.
૪ માનવનું ભાવિ.
આ ચાર તત્ત્વોની બાબતમાં આપણી ધારણા કઈ છે? આપણી માન્યતાઓ કઈ છે? એ બાબત પર આપણું જીવનદર્શન આધાર રાખે છે.
જીવન અને જગત સંબંધી આ મૌલિક તત્ત્વો પરના પેાતાના ગહન અધ્યયન અને ઉચ્ચ આધ્યાત્મિક અનુભૂતિના આધારે સ્વામી વિવેકાનંદજીએ આપણને એક સર્વાંગીણ પૂર્ણ વ્યાવહારિક જીવનદર્શન આપ્યું છે. આ દર્શનનું સમ્યક્ આચરણ કરીને કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં એ આધ્યાત્મિક અનુભવોની પ્રતીતિ કરી શકે છે, જેનું પ્રતિપાદન સ્વામીજીએ પોતાના દર્શનમાં કર્યું છે.
આપણે એ બાબત જરૂર યાદ રાખવી પડશે કે સ્વામીજીને આ જીવનદર્શન પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવ પાસેથી પ્રાપ્ત થયું હતું. સ્વામીજી દ્વારા પ્રતિપાદિત જીવનદર્શન, ભગવાન શ્રીરામકૃષ્ણમાં મૂર્તિમંત થાય છે. રામકૃષ્ણ વિવેકાનંદ જીવનદર્શનના મનીષી અધ્યેતાઓએ સાચું જ કહ્યું છે કે શ્રીરામકૃષ્ણ આ મહાન જીવનદર્શનનાં સૂત્રો છે તો સ્વામી વિવેકાનંદ ભાષ્ય છે.
માનવ
સંસારમાં જેટલા સભ્ય અને ઉન્નત સમાજ થઈ ગયા, જેટલી સભ્ય અને ઉન્નત જાતિઓ થઈ ગઈ અને જેના જીવિત વંશવારસદારોમાં તેમની સભ્યતા અને સંસ્કૃતિનો આભાસ આજે પણ દેખાય છે તે બધી જાતિઓનું એક જીવનદર્શન રહ્યું છે. આ જાતિઓના દર્શને તેમને મનુષ્ય જીવનનું એક ‘પ્રયોજન’ આપ્યું છે. ભારત અને ચીન જેવા દેશો તથા ચિરંજીવી હિન્દુ અને ચીની સમાજ આના જ્વલંત પ્રમાણો છે. આ બન્ને દેશોના મહાપુરુષોએ પોતાના દેશવાસીઓને ધર્મના રૂપમાં એક એવું જીવન દર્શન આપ્યું હતું કે જેમાં જુદા જુદા રૂપે મનુષ્યની મહાનતા અને તેના અમરત્વની ધારણા નિહિત હતી. આટલું હોવા છતાં પણ આ દેશોમાં સમયે સમયે એવા માણસો થયા અને આજે પણ છે કે જેમણે મનુષ્યના આ દિવ્યરૂપની અવહેલના કરી. એટલું જ નહીં પરંતુ તેને મિથ્યા દેખાડીને મનુષ્યને ફક્ત એક ભૌતિક પદાર્થ જ માની લીધો. પ્રાચીન ભારતના ચાર્વાક તથા આધુનિક ચીનમાં માઓવાદી સામ્યવાદીઓ તેના ઉદાહરણ રૂપ છે.
માનવ સ્વભાવ જ એવો છે કે તે અસીમ આનંદ, અસીમ જ્ઞાન તથા અમરત્વ ઇચ્છે છે. આ માટે જ તે સંસારના અનેકવિધ ભોગો ભોગવે છે અને તેની પ્રાપ્તિ અર્થે દોડધામ કરે છે. જ્યાં સુધી તેનું શરીર અને મ સ્વસ્થ અને સમર્થ હોય, તેમજ થોડે ઘણે અંશે પરિસ્થિતિ પણ અનુકૂળ હોય ત્યાંસુધી તે તાત્કાલિક સુખ અને પ્રાપ્તિમાં અટવાયેલો રહે છે. તેને એ ખ્યાલ જ નથી આવતો કે આ સુખ અને પ્રાપ્તિ સ્થાયી કે અનંત નથી. સંસારમાં કોઈ એવી વ્યક્તિ નથી જેને જીવનમાં પ્રતિકૂળતા ન આવી હોય, અસફળતા ન મળી હોય કે આત્મીય વ્યક્તિના મૃત્યુનું અસહ્ય દુ:ખ ન વેઠવું પડયું હોય. આ જીવનની ભૂલભૂલામણીમાં માણસ ભલે થોડો વખત અટવાયેલો રહે પરંતુ જયારે આપણી કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ થાય અથવા આપણે પોષેલું સ્વપ્ન ભંગ થાય ત્યારે ભલે થોડીવાર માટે પણ આપણને પ્રશ્ન થાય છે કે શું મૃત્યુ સાથે બધું પૂરું થઈ જાય છે? બધું ખલાસ થઈ જાય છે? મૃત્યુ પછી શું હોય છે? દેહના નાશ પછી પણ શું એવું કંઈ રહી જાય છે કે જેનો વિનાશ નથી થતો? જે મૃત્યુને અધીન નથી? અનાદિકાળથી આ પ્રશ્નો મનમાં ઊઠતા રહ્યા છે અને તેના મનને મથતા રહ્યા છે. જુદાજુદા દેશકાળ પ્રમાણે તેના વિભિન્ન જવાબો દેવામાં આવે છે. આ જવાબોને આધારે જીવનદર્શન ઘડાયું અને તેના આધારે સમાજ રચના થઈ.
સ્વામીજીએ પોતાના સમયના પૂર્વના અને પશ્ચિમના જીવન દર્શનનું ગહન અધ્યયન કર્યું હતું. તેના પર ચિંતન અને મનન કરીને તેમણે આ મૌલિક પ્રશ્નોના બે સંભવિત જવાબો પ્રત્યે આપણું ધ્યાન ખેંચ્યું છે. તેમણે કહ્યું છે “ઉપર્યુક્ત પ્રશ્નોના બે જવાબો છે. એક તો શૂન્ય વાદીઓની જેમ એમ માનવું કે બધું શૂન્ય છે. આપણે કંઈ જાણી શકતા નથી – ભૂત, ભવિષ્ય, કે વર્તમાનના અનુસંધાને કંઈ જાણી શક્તા નથી …આ તો એવું થયું કે માતાપિતાના અસ્તિત્વનો અસ્વીકાર કરીને સંતાનના અસ્તિત્વનો સ્વીકાર કરવો. બેઉ સમાન રૂપે યુક્તિ સંગત છે. ભૂત અને ભવિષ્યના અસ્વીકારનો અર્થ એ છે કે વર્તમાનનો પણ અસ્વીકાર કરવો. આ મત શૂન્યવાદીઓનો છે. પરંતુ આજસુધી મેં એક પણ માણસ એવો નથી જોયો કે જે એક ઘડી માટે પણ શૂન્યવાદી થઈ શકે – મોઢેથી બોલવું જો કે ઘણું સહેલું છે.”ર
બીજો જવાબ એ છે કે “સત્યને શોધવું. આ નિત્ય પરિવર્તનશીલ જગતમાં સત્ય શું છે તેની શોધ કરવી.”
સ્વામીજીએ પોતે જ આ બીજા પ્રશ્નનો જવાબ શોધ્યો. તેમજ તેમણે સત્યનો સાક્ષાત્કાર અને અનુભવ કર્યો. સત્યના સાક્ષાત્કારથી કૃતકૃત્ય થઈને શુકદેવજીની જેમ તેઓ શાંત અને મૌન નિર્વિકલ્પ સમાધિમાં લીન ન થઈ ગયા. પરંતુ શાક્ય સિંહ ભગવાન બુદ્ધની જેમ સ્વાનુભવથી પ્રાપ્ત .આ અમૃતદાયી જીવનદર્શનનો બહુજન હિતાય બહુજનસુખાય પ્રચાર અને પ્રસાર માટે તેમણે જીવનની આહુતિ આપી દીધી.
મનુષ્યના સ્વરૂપ અંગે સ્વામીજીએ જે શાશ્વત સત્યો આપ્યાં છે તેને સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે મૂકી શકાય:
૧ સંસારના બધા ધર્મોમાં એવી માન્યતા છે કે આ મનુષ્ય સ્થૂળ દેહ માત્ર નથી. આ સ્થૂળ દેહની પાછળ એક એવી સત્તા કામ કરે છે કે આ સ્થૂળ દેહના નાશ સાથે તેનું અસ્તિત્વ નાશ નથી પામતું. પરંતુ એમ ને એમ ટકી રહે છે.3
૨ મનુષ્ય કેવળ એક માંસલજંતુનો (Molluse) ક્રમિક વિકાસ માત્ર ન હોઈ શકે. સ્વામીજી કહે છે- “પ્રત્યેક ગતિ ચક્રાકારમાં હોય છે. આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિથી જોઈએ તો પણ એ પૂરવાર નથી થતું કે મનુષ્ય કેવળ ક્રમિક વિકાસનું પરિણામ છે. ક્રમ વિકાસ કહીએ તો સાથે સાથે ક્રમ સંકોચની પ્રક્રિયાને પણ માનવી પડે. અસત્ (કંઈ ન હોવું)માંથી કોઈ દિવસ સત્ (હોવું) ઉત્પન્ન થઈ શકે નહીં. જો માનવ, પૂર્ણ માનવ – બુદ્ધ માનવ ઈસા માનવ આ ક્ષુદ્ર માંસલજંતુનો જ ક્રમિક વિકાસ હોય તો આ શુદ્ધ જંતુને પણ ક્રમિક સંકુચિત બુદ્ધ કહેવા પડશે. જો એમ ન હોય તો આ બધા મહાપુરૂષોનો ઉદ્ભવ ક્યાંથી થયો ? અસમાંથી કદી પણ સત્ ની ઉત્પત્તિ થતી નથી.”૪
न असतः विद्यते भावः
न अभावः विद्यते सतः
ગીતાના આ શાશ્વત સિદ્ધાંતને આધારે સ્વામીજીએ બહુચર્ચિત અને બહુમાન્ય ડાર્વિનના વિકાસવાદના સિદ્ધાંતની એક મૌલિક ભૂલ તરફ વિશ્વના વિદ્વાનોનું ધ્યાન ખેંચ્યું.
વડના બીજમાં વિશાળ વડનું વૃક્ષ છુપાયેલું હોય છે. અનુકૂળ વાતાવરણ, ખાતર, પાણી વગેરે મળતાં યથા સમયે વિશાળ વૃક્ષના રૂપમાં મહોરી ઊઠે છે. જો એ બીજમાં વૃક્ષ છુપાયેલ ન હોત તો ગમે તેટલું ઉત્તમ વાતાવરણ, ખાતર, પાણી વગેરે સાથે મળીને પણ પેલા બીજને વૃક્ષમાં વિકસિત ન કરી શકત. જો આમ થઈ શક્યું હોત તો રેતીના કણ વાવીને પણ વૃક્ષ ઉગાડી શકાત, પરંતુ એમ થઈ શકતું નથી.
આના આધારે જ સ્વામીજીએ આપણને વૈજ્ઞાનિક સિદ્ધાંત આપ્યો કે જીવાણુમાં (protoplasm) પૂર્ણમાનવ, પૂર્ણપુરુષ અવ્યક્ત સ્થિતિમાં પડેલો છે. વેદાંતમાં આ અવ્યક્ત શક્તિને જ બ્રહ્મ તરીકે ઓળખાવવામાં આવી છે. જીવનની જુદીજુદી અવસ્થાઓ, યોનિઓ વગેરે દ્વારા ક્રમશ: આ બ્રહ્મ જ પોતાને અધિકાધિક અભિવ્યક્તિ કરવાના પ્રયત્ન કરે છે. આ સત્યને જાણીને જો કોઈ વ્યક્તિ વિધિવત્ અને જ્ઞાનપૂર્વક પોતામાં રહેલા અવ્યક્ત બ્રહ્મને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે તો તે પોતાની જીવનયાત્રા ખૂબ સુખરૂપ, કુદરતી વિકાસની સરખામણીમાં ખૂબ જલદીથી પૂર્ણ આત્મવિકાસના ચરમ લક્ષ્ય સુધી પહોંચી શકે છે. સ્વામી વિવેકાનંદનું જીવનદર્શન આપણને આ જ કરવા માટે આહ્વાન કરે છે. “ઊઠો – જાગો – ધ્યેયને પ્રાપ્ત કરો.”
(ક્રમશ:)
ભાષાંતર: શ્રીમતી પુષ્પાબહેન પંડ્યા
સંદર્ભ:
- Philosophy in India means that through which we see God; it is the rational of religion. INSPIRED TALKS, Swami Vivekananda, Page 110. Eleventh Edition. Pub: Ramakrishna Math, Madras.
- ૨. જ્ઞાનયોગ, સ્વામી વિવેકાનંદ, આઠમી આવૃત્તિ, પાનું ૪૧-૪૨, રામકૃષ્ણ મઠ – નાગપુર.
- ૩. સરખામણી કરવી. જ્ઞાનયોગ, પાનું ૪૨
- ૪. જ્ઞાનયોગ – પાનું ૪૬-૪૭
Your Content Goes Here




