ગરવી ગુજરાત! ગુણવંતી ગુજરાત! ગુજરાતની અસ્મિતા. સંસ્કૃતિ, તેની શૌર્યભરી ગાથાઓ, ભક્તિની અમ૨ગાથા તેમજ સ૨વાણીએ કેટલાંયની પ્રશંસા મેળવી છે. ગુજરાતના ગૌરવભર્યાં ઇતિહાસે, અહીંના મિલનસાર સરળ લોકોએ કેટલાય મહાપુરુષોનાં દિલ જિત્યાં છે. ગરવી ગુજરાતની આ મહાન ભૂમિ પર કેટલાય મહાત્માઓ જન્મ્યા છે અને તેણે કેટલાય મહાત્માઓ પર પોતાનો જાદુઈ પ્રભાવ પાડ્યો છે. ગુજરાતના આવા જાદુઈ પ્રભાવથી પ્રભાવિત થનારાઓમાંના એક હતા, આપણા હૃદયમાં વિરાજેલા સંન્યાસી સ્વામી વિવેકાનંદ. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ, (૧૬ ઑગસ્ટ, ૧૮૮૬) પછી કૉલેજના વિદ્યાર્થી નરેન્દ્રનાથ દત્તે ‘આત્મનો મોક્ષાર્થ જગત્ હિતાય ચ’- ‘ઈશ્વર રાક્ષાત્કાર અને શિવજ્ઞાનથી જીવસેવા’ એવા દ્વિવિધ ઉદ્દેશથી પ્રેરાઈને સંન્યાસ ગ્રહણ કર્યો અને બન્યા સ્વામી વિવેકાનંદ. તેમના અન્ય ગુરુભાઈઓ રાખાલ, તારક, ગંગાધ૨, કાલી, શશી વગેરે બન્યા સ્વામી બ્રહ્માનંદ સ્વામી શિવાનંદ, સ્વામી અખંડાનંદ, સ્વામી અભેદાનંદ, સ્વામી રામકૃષ્ણાનંદ વગેરે. કલકત્તામાં વરાહનગરના એક ભૂતિયા મકાનમાં રામકૃષ્ણ સંઘના પહેલા મઠની સ્થાપના થઈ પણ, ઈશ્વર સાક્ષાત્કાર માટેની તાલાવેલી તેઓને વારંવાર મઠમાંથી બહાર ખેંચી જતી. જુલાઈ ૧૮૯૦માં સ્વામી વિવેકાનંદ નીકળી પડ્યા સમસ્ત ભારતના ભ્રમણ માટે, ભારતને પિછાણવા, પોતાના જીવનના ઉદ્દેશને સમજવા, અંતરની અણજાણી મહત્ત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા, એક હાથમાં દંડ, બીજા હાથમાં કમંડળ લઈ અને પોટલામાં ગીતા અને “Imitation of Christ” વગેરે પુસ્તકો લઈ તેઓ એકલા જ નીકળી પડ્યા. કયારેક ‘વિવેકાનંદ’ કયારેક‘સચ્ચિદાનંદ’તો કયારેક ‘વિવિદિશાનંદ’આમ પોતાને છુપાવવા વિભિન્ન નામો ધારણ કરી, ‘પૈસાનો સ્પર્શ પણ નહિ કરું’, એવા સંકલ્પ સાથે, મોટે ભાગે પગપાળેઅને ક્યારેક કોઈ ટ્રેનની ટિકિટ કરી આપે ત્યારે ટ્રેનમાં – આમ, તેઓ હિમાલયથી કન્યાકુમારી સુધી સમસ્ત દેશમાં (જુલાઈ ૧૮૯૦થી ડિસેમ્બર ૧૮૯૨ દરમિયાન) પરિવ્રાજકરૂપે ફર્યા. ગુજરાતનું કેવું સદ્ભાગ્ય કે આસમયગાળાનો કદાચ સૌથી મોટો અંશ તેમણે ગુજરાતમાં ગાળ્યો! નવેમ્બર’૯૧માં તેમણે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કર્યો અને ૨૬ મી એપ્રિલ, ૧૮૯૨ માં તેમણે વડોદરા છોડ્યું ત્યાં સુધી તેઓ ગુજરાતનાં કેટકેટલાં સ્થળોએ અમદાવાદ, વઢવાણ, લીંબડી, ભાવનગર, ભૂજ, વેરાવળ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, માંડવી, પાલિતાણા, નડિયાદ, વડોદરા ઘૂમી વળ્યા ગરવી ગુજરાતની એવી તે કઈ જાદુઈ અસર હશે કે જે સ્વામી વિવેકાનંદ જેવા મહામાનવને આટલા મહિનાઓ સુધી જકડી રાખે! સ્વામી વિવેકાનંદના જીવનમાં તેમનો ગુજરાત પ્રવાસ એક મહત્ત્વપૂર્ણ અંશ બની રહ્યો અને ગુજરાત માટે? ગુજરાતના ઇતિહાસમાં તેમનો આ ગુજરાત પ્રવાસ કેટલો મહત્ત્વપૂર્ણ છે તેનું સંશોધન, આલેખન હજુ બાકી છે. આ સમયગાળામાં તેમણે પોતે શું મેળવ્યું અને ગુજરાતને શું આપ્યું તે ખરેખર તો મોટા સંશોધનનો વિષય છે. અમદાવાદના સબ જજ લાલશંકર ઉમિયાશંકર, લીંબડીના મઘરાજા યશવંતસિંહ, ભાવનગરના મહારાજા તખ્તસિંહજી, કચ્છના મહારાવ ખેંગારજી ત્રીજા, પોરબંદરના મહારાણા વિક્રમાતજી, જૂનાગઢના દીવાન હરિદાસ બિહારીદાસ દેસાઈ, કચ્છના દીવાન મોતીલાલ લાલચંદ, વડોદરાના દીવાન શ્રી મણિલાલ જશાભાઈ વગેરે સાથે તેમણે દેશની,રાજ્યની જટિલ સમસ્યાઓ વિષે ચર્ચાઓ કરી હતી! વળી, આ બધી ચર્ચાની અસર ગુજરાતના વિકાસ પર અવશ્ય થઈ હશે. શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી, શ્રી ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠી વગેરે ચિંતનશીલ સાહિત્યકારો પર અને તેમના સાહિત્ય પર સ્વામી વિકાનંદનો કેવો પ્રભાવ પથરાયો હશે! આ બધું પણ સંશોધનને યોગ્ય કાર્ય છે. આ લેખમાં તો આપણે ઉપલબ્ધ સામગ્રીના આધારે સ્વામી વિવેકાનંદના ગુજરાત પ્રવાસનું શક્ય તેટલું પણ સંક્ષેપમાં વર્ણન કરીશું. જો કે એ વાત સ્વીકારવી જ રહી કે આજે એકસો વર્ષ પછી સ્વામીજીના પ્રવાસને લગતી વિસ્તૃત માહિતી એકઠી કરવી એ અત્યંત દુષ્કર સંશોધન કાર્ય છે. પણ આ લેખ આવા સંશોધન કાર્ય કરવામાં કોઈને પ્રેરક બને, તો અમારું આ લેખન કાર્ય સાર્થક થશે.

અમદાવાદમાં સ્વામી વિવેકાનંદ:

પોતાના શિષ્ય ખેતડીના મહારાજા સાથે અઢી મહિના ગાળી બધી માયા ખંખેરીને સ્વામીજીએ ઑક્ટોબ૨ ૧૮૯૧માં અજમે૨ ત૨ફ પ્રયાણ કર્યું અને ત્યાં હરબિલાસ શારદા અને શ્યામજી કૃષ્ણ વર્મા સાથે બે અઠવાડિયા ગાળ્યા પછી તેઓ અમદાવાદ ભણી વળ્યા. જૂના જમાનામાં કર્ણાવતી તરીકે ઓળખાતું અમદાવાદ ગુજરાતના સુલતાનોનું પાટનગર હતું અને દેશના સુંદરમાં સુંદર શહેરોમાં તેની ગણના થતી.

અમદાવાદ પહોંચી સ્વામી વિવેકાનંદે થોડા દિવસો ભિક્ષાવૃત્તિથી ચલાવ્યું. એક દિવસ અમદાવાદના સબજજ શ્રી લાલશંકર ઉમિયાશંક૨ ત્રવાડી અમદાવાદ રેલવે સ્ટેશનથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમણે પીપળાના વૃક્ષ નીચે આ ભવ્ય સંન્યાસીને બેઠેલા જોયા. આ સંન્યાસીના પ્રશાંત મુખમંડળનાં દર્શન માત્રથી તેઓ પ્રભાવિત થઈ ગયા અને તેમની પાસે જઇને તેમની સાથે વાતચીત શરૂ કરી. થોડીવારની વાતચીતથી જ તેમને ખબર પડી કે આ સંન્યાસી ફક્ત અંગ્રેજીમાં જ પારંગત નથી, પણ જ્ઞાનનું કોઈપણ ક્ષેત્ર તેમની બૌદ્ધિક પ્રતિભાની સીમાની બહાર નથી. આ સંન્યાસીની અસામાન્ય મેધા અને તેમના શાસ્ત્ર જ્ઞાનથી મુગ્ધ થઈને તેમણે તેમને પોતાને ઘે૨ ૨હેવાનું નિમંત્રણ આપ્યું. બન્ને ઘોડાગાડીમાં બેઠા અને થોડી જ વા૨માં લાલશંક૨ના ઘે૨ (૩૬, અમૃતલાલ પોળ, ખાડિયા) પહોંચી ગયા. ઘ૨ મોટું હતું, તેમ છતાં સ્વામી વિવેકાનંદને પોતાના ધ્યાન અને સ્વાધ્યાય માટે અનુકૂળ શાંતિમય વાતાવ૨ણ ન મળવાથી લાલશંકર આ સૌમ્ય સંન્યાસીને પોતાના બીજા ઘેર એલિસબ્રીજના ટાઉનહોલની પાછળવાળા ઘરે લઈ ગયા. અહીં તેમને સાંભળવા લોકોનો મેળો જામતો. વેદ, દર્શન અને અન્ય વિષયો ૫૨ના તેમનાં પ્રવચનોથી લોકો મુગ્ધ બનીજતા.

અમદાવાદમાં સ્વામી વિવેકાનંદજીએ ઘણાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. જૈન મંદિરોની અને મસ્જિદોની કલા સમૃદ્ધિથી તેઓ પ્રભાવિત થયા. વિદ્વાનો પાસેથી તેમણે જૈનધર્મ વિષે ઊંડું જ્ઞાન મેળવ્યું. આમ લગભગ ૧૧ દિવસો ગાળી સ્વામીજીએ વઢવાણ ત૨ફ પ્રયાણ કર્યું.1

સાધુ ભયમેં હૈ

વઢવાણમાં થોડા દિવસો ગાળી ત્યાંનાં પ્રસિધ્ધ રાણકદેવીના મંદિરના દર્શન કરી, ભારતીય સંસ્કૃતિમાં વિવાહ સંસ્કાર-સંબંધની ઉદાત્તતા પરના વિચારો કરતાં-કરતાં સ્વામીજી એક દિવસ સાંજના સમયે લીંબડી પહોંચ્યા. મુસાફરીમાં પરિશ્રમથી થાકી ગયા હતા, એટલે શહે૨ની બહા૨ એક શિવમંદિ૨માં રાતવાસો કરવાનું વિચાર્યું. પણ મંદિરના વૃદ્ધ, પૂજારીએ કહ્યું કે ત્યાં રહેવાની સગવડ નથી, બાજુમાં એક જગ્યા છે, જ્યાં સાધુઓને ઉતારો આપવામાં આવે છે. સ્વામીજીએ બાવાઓનાં અડ્ડામાં આશ્રય લીધો. જમી ૫૨વારીને સૂતી વખતે એમને ખબર પડી કે એ તો વામ માર્ગીઓનો અડ્ડો છે. તેમણે તરત જ ત્યાંથી ભાગી છૂટવાનું વિચાર્યું. પણ બાવાઓ કંઈ ઓછા ચબરાક ન હતા. તેઓએ ઓરડીની બાહર સાંકળ ચડાવી દીધી હતી. એટલે સ્વામીજીથી નાસી જવાનું અશક્ય બની ગયું. બાવાઓના મહંતની વિચિત્ર માગણીથી સ્વામીજી એકદમ ભડકી ગયા. મહંતે કહ્યું“તમે કોઈ પ્રભાવશાળી સાધુ છો. વર્ષોથી બ્રહ્મચર્યનું પાલન કરો છો. તો તમારી લાંબી તપશ્ચર્યાનું ફળ અમને આપો. અમારી એક ખાસ સિદ્ધિ માટે તમારો બ્રહ્મચર્યનો ભંગ કરાવવો પડશે. તેના વડે અમને અમુક સિદ્ધિની શક્તિ પ્રાપ્ત થશે.”સ્વામીજી ગભરાયા પણ સમયસૂચકતા વાપરી કશું બોલ્યા નહિ. બીજે દિવસે સવારે દૂધ દેવા માટે એક છોકરો આવ્યો તેની સાથે સ્વામીજીએ મિત્રતા કરીને તેને સહાય માટે વિનંતી કરી. બાજુમાં એક માટીના ઘડાનો ટુકડો પડ્યો હતો તેના ૫૨ તેમણે કોલસાથી લખ્યું.“સાધુ ભય મેં હૈ” અને તેને સંતાડીને આ સંદેશો લીંબડીના ઠાકોર સાહેબને પહોંચાડવાનું કહ્યું. છોકરો દોડીને રાજમહેલમાં પહોંચી ગયો. પણ ત્યાંના દ૨વાનોએ તેને અંદર આવવા દીધો નહિ. ઠાકોર સાહેબ ત્યારે મહેલની છત પર લટાર મારતા હતા. તેમણે જોયું કે નીચે દ૨વાનો છોકરાની સાથે પ્રવેશ માટે રકઝક કરી રહ્યા છે. કોણ જાણે તેમને શું સૂઝ્યું, તેમણે દ૨વાનોને ઉ૫૨થી જ છોકરાને પ્રવેશ આપવાની આજ્ઞા કરી. છોકરાએ સ્વામીજીનો સંદેશો આપ્યો કે તરત જ ઠાકોર સાહેબે સિપાહીઓને બાવાઓના અડ્ડામાં મોકલાવી તેમને છોડાવ્યા અને સ્વામીજીને પોતાની સાથે રાજમહેલમાં જ રહેવાની વિનંતી કરી.

તો હું લીંબડીમાં ૨હેવા આવીશ

લીંબડીના ત્યા૨ના ઠાકોર સાહેબ યશવંતસિંહજીનો જન્મ ૨૩ મે ૧૮૫૯ ના થયો હતો. ૧૮૭૭માં તેઓ ગાદીએ બેઠા તે પહેલાં જ તેમણે ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ભારતના ગણ્યાગાંઠ્યા જ રાજવીઓ તે જમાનામાં વિદેશ જઈ ઉચ્ચ શિક્ષણ પામ્યા હતા. ઠાકો૨ સાહેબે સ્વામીજીને પોતાના વિદેશના અનુભવોની વાત કરી અને તેમને પણ વિદેશ જવા માટેનું સૂચન કર્યું. આમ સ્વામીજીને વિદેશમાં જઈ દિગ્વિજય ક૨વા માટેની પ્રે૨ણા આપવામાં કદાચ તેઓ સૌથી મોખરે હતા.

ઠાકોર સાહેબ યશવંતસિંહજીને કોઇ સંતાન ન હતું. તેઓ સ્વભાવથી જ આધ્યાત્મિક વલણ ધરાવતા હતા. વળી, જ્યારે સ્વામીજી લીંબડી પધાર્યા તેના થોડા દિવસો પૂર્વે જ તેમના નાના ભાઈનું અવસાન થયું હતું. એટલે તેઓ અધ્યાત્મ અને દર્શનની કથાઓ સાંભળવા ખૂબજ આતુર રહેતા. સ્વામીજી પાસેથી મંત્રદીક્ષા મેળવી તેઓ તેમના શિષ્ય બની ગયા. આ સમયે ગોવર્ધન મઠના શંકરાચાર્ય પણ ત્યાં આવેલ હતા. યશવંતસિંહજી સ્વામીજીના શિષ્ય બન્યા તેથી તેઓ રાજી થયા. તેમની સાથે પણ સ્વામીજીની અન્ય પંડિતોની હાજરીમાં સંસ્કૃતમાં ઘણી ચર્ચા થતી.થોડા દિવસો રહી સ્વામીજીએ જ્યારે લીંબડી છોડ્યું ત્યાં સુધીમાં તો લીંબડીમાં અદ્ભુત આધ્યાત્મિક વાતાવ૨ણ સર્જાઇ ગયું હતું.

સ્વામીજીએ ગુજરાત પ્રવાસ પૂરો કર્યા પછી મુંબઈ, પૂના થઈ ઉનાળો ગાળવા મહાબળેશ્વ૨ની મુલાકાત લીધી ત્યારે ઠાકોર સાહેબ પણ ત્યાં આવ્યા છે એ જાણી તેઓ ખૂબ આનંદિત થયા. ઠાકોર સાહેબ પણ પોતાના ગુરુની સાથેની આ અણધારી મુલાકાતથી રાજીના રેડ થઈ ગયા. જેટલા દિવસો તેઓ એક સાથે રહ્યા ત્યાં સુધી વિભિન્ન આધ્યાત્મિક વિષયો પર ચર્ચા કરી, ઠાકોર સાહેબે તે બધું પોતાની નોંધપોથીમાં લખી રાખ્યું.૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૮, ૨૩, ૨૫ અને ૨૮ મેના દિવસોની નોંધપોથીમાં આ ઊંડી આધ્યાત્મિક ચર્ચાના મુદ્દાઓ ઠાકોર સાહેબે લખેલ છે. ૧૫મી જૂન સુધી ઠાકોર સાહેબ સાથે મહાબળેશ્વરમાં રહીને સ્વામીજી પૂનામાં આવ્યા અને ત્યાં પણ તેમની સાથે કેટલાક દિવસો ગાળ્યા. ઠાકો૨ સાહેબનેસ્વામીજીની એવી માયા લાગી ગઈ કે તેમણે તેમને કહ્યું, “સ્વામીજી મારી સાથે લીંબડી ચાલો અને ત્યાં જ હંમેશ માટે રહો.” સ્વામીજીએ જવાબ આપ્યો, “હમણાં નહિ, મહારાજ! મારે હજી ઘણાં કાર્ય કરવાનાં બાકી છે. પણ જો ક્યારેય નિવૃત્તિનો સમય આવશે તો જરૂ૨ હું લીંબડીમાં તમારી સાથે રહેવા આવીશ.”આવી ઇચ્છા હોવા છતાંયે સ્વામીજી ક્યારેય લીંબડી પાછા આવી ન શક્યા. કા૨ણ કે સઘન પ્રવૃત્તિમયતથા અતિ શ્રમમય જીવનને કા૨ણે માત્ર ૩૯ વર્ષની વયે તેમણે પોતાનો ભૌતિક દેહ છોડી દીધો. મહારાજા યશવંતસિંહજીએ પણ ૧૯૦૭માં દેહત્યાગ કર્યો. પણ દૈવી શક્તિ અને કૃપાથી ગુજરાત-સૌરાષ્ટ્રની યશગાથામાં સુવર્ણ અક્ષરે નવું જ પ્રકરણ ઉમેરાયું શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, લીંબડીના સંસ્થાપક શેઠ સ્વ. શ્રી છબીલભાઇ શાહને આ પ્રાર્થના મંદિર માટે રાજમહેલની માગણી કરવાની દૈવી પ્રે૨ણા થઇ આવી. રાજમાતા પ્રવીણાકુંવ૨બાને પણ આ મહેલ સોંપી દેવાની દૈવી પ્રેરણા થઇ અને ૧૯૬૮ માં લીંબડીના વર્તમાન ઠાકોર સાહેબ છત્રસિંહજીએ આખોયે રાજમહેલ ‘શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર’ ટ્રસ્ટને અર્પણ કરી દીધો. આજે આ રાજમહેલના નીચેના ભાગમાં ઔષધાલય, પુસ્તકાલય વગેરે સેવા પ્રવૃત્તિઓ ચાલે છે અને જે રાજદ૨બા૨માં બેસીને સ્વામીજી અને મહારાજા યશવંતસિંહજી વચ્ચે આધ્યાત્મિક શાસ્ત્ર ચર્ચાઓ દિવસો સુધી ચાલી હતી ત્યાં મંદિરની સ્થાપના થઇ. શ્રીરામકૃષ્ણ દેવ, શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદની છબીઓ, શ્રીરામકૃષ્ણદેવની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે. નિત્ય પૂજા, દૈનિક આરતી, આધ્યાત્મિક ચર્ચાઓ વગેરે આ સભાખંડમાં યોજાય છે. કેટલાક ભક્તોનું માનવું છે કે સ્વામીજીએ પોતાનું વચન પાળ્યું તેઓ લીંબડી પધાર્યા પણ, ભૌતિક દેહે નહિ, સૂક્ષ્મ દેહે અને એકલા ન પધાર્યા, સાથે શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શા૨દાદેવીને લઈ આવ્યા.3

ભાવનગ૨ અને સિહોરમાં:

મહારાજા યશવંતસિંહ પાસેથી તેમના જૂનાગઢ અને અન્ય સ્થાનોના મિત્રો પ૨ પરિચય પત્રો લઈને સ્વામીજી લીંબડીથી જૂનાગઢ જવા રવાના થયા. માર્ગમાં તેમણે ભાવનગ૨ અને સિહો૨ની મુલાકાત લીધી. એમ કહેવાય છે કે સ્વામીજીએ સિહો૨માં ગૌતમેશ્વ૨ મહાદેવના મંદિ૨માં ઘણીવા૨ સુધી ઊંડું ધ્યાન કર્યું હતું. ભાવનગરના મહારાજાતખ્તસિંહજી સાથે તેમની શું વાતચીત થઈ અને ભાવનગ૨માં કઈ જગ્યાએ ઉતારો હતો, કેટલા દિવસો તેઓ રહ્યા, તેની માહિતી હજુ અપ્રાપ્ય છે; પણ ભાવનગ૨ના મહારાજા સાથે તેઓ સંપર્કમાં અવશ્ય આવ્યા હશે, કારણ કે તેમણે સ્વામીજીને કોલ્હાપુરના મહારાજા ૫૨ પરિચય પત્ર લખી આપ્યો હતો.

ગિરનારમાં તપસ્યા:

જૂનાગઢના દીવાન સુપ્રસિદ્ધ હરિદાસ વિહારીદાસ દેસાઇએ સ્વામીજીને જૂનાગઢમાં આવકાર્યા. તેઓ સ્વામીજીથી એટલા પ્રભાવિત થઈ ગયા કે દ૨રોજ પોતાના અધિકારીઓ સાથે તેમના નિવાસ સ્થાને મળવા આવતા અને મોડી રાત સુધી અધ્યાત્મ તેમ જ દેશની સમસ્યાઓ વિષે વિસ્તૃત ચર્ચાઓ કરતા. ગિ૨ના૨ની ગુફાઓ વિષે સ્વામીજીએ ઘણું સાંભળ્યું જ હશે, વળી ગાઝીપુરના પવહારીબાબાએ પણ ત્યાં તપસ્યા કરી હતી એવું જાણીને સ્વામીજી પોતે ગિરનાર ચડી એક ગુફામાં દિવસો સુધી ધ્યાનમગ્ન રહ્યા. તે વખતે દીવાનજીએ તેમની કેવી સારસંભાળ રાખી હતી તેનો ખ્યાલ સ્વામીજીએ ગિ૨ના૨થી તેમને લખેલ પત્ર પ૨થી આવે છેઃ

“મારા સ્વાસ્થ્ય અને સગવડ વિષે કુશળ સમાચાર પૂછાવીને આપે કૃપા કરી, ક્ષ-ને મોકલ્યો. પણ આ તો આપના પિતૃહૃયનો પરિચય આપે છે, હું અહીં મજામાં છું. આપની સહૃદયતાએ મારે માટે કંઈ પણ ચાહવાનું બાકી રાખ્યું નથી. થોડા જ દિવસોમાં આપને મળવાની આશા રાખું છું. નીચે ઉતરતી વખતે મારે કોઇ વાહનની આવશ્યકતા નથી. ઉતરાણ બહુ ખરાબ હોય છે અને ચઢાણ તો સૌથી વધારે દુષ્કર હોય છે. સંસારમાં બધી વસ્તુઓ માટે આ જ નિયમ લાગુ પડે છે. મારી હાર્દિક કૃતજ્ઞતા સાથે, આપનો વિશ્વાસુ, વિવેકાનંદ.”

જૂનાગઢદર્શન:

ઇતિહાસમાં વિશેષ રસ ધરાવતા સ્વામીજીને જૂનાગઢમાં જોવા લાયક ઘણાં ઐતિહાસિક સ્થળો મળી ગયા. ઉ૫૨કોટ નામનો જૂનો કિલ્લો છે, પ્રાચીન કૂવા, બૌદ્ધ યુગની ખાપરા-ખોડિયાની ગુફાઓ (જેનો ઉપયોગ કદાચ સાધુઓના મઠ તરીકે થતો અને અશોકનો શિલાલેખ વગેરે સ્થળો તેમણે જોયાં. આપણે અનુમાન કરી શકીએ કેગિ૨ના૨ના ૨સ્તા ૫૨ આવેલ દામોદ૨ કુંડ, મુચકુંદની ગુફાવગેરેની પણ તેમણે મુલાકાત લીધી હશે અને ગિર જંગલમાં જઈ જગલના રાજા સિંહનાં દર્શન પણ કર્યા હશે.

જૂનાગઢમાં સ્વામીજીએ પોતાના વાર્તાલાપોમાં ઇશુખ્રિસ્ત વિષે ઘણી વાતો કરી. તેમણે કહ્યું કે તેઓ પાશ્ચાત્ય જગતમાં નીતિધર્મનું પુનત્થાન ક૨વામાં ઈશુ ખ્રિસ્તના પ્રભાવને ઘણા સમયથી સમજ્યા હતા. ઓજસ્વી ભાષામાં તેઓ કહેતા, યુરોપની મહાનતા-રાફેલના ચિત્રો, આસિસીના સંત ફ્રાન્સિસની ભક્તિ, યુરોપની રાજનીતિ, તેના સાધુ સંઘો, ધાર્મિક જીવન-આ બધાં સંન્યાસી ખ્રિસ્તના ઉપદેશોથી સંકળાયેલા હતા. આ પછી તેઓ સનાતન ધર્મની વિશેષતાઓનું વર્ણન કરવા લાગ્યા. દેશભક્તિના ભાવમાં તેમણે સમજાવ્યું કે હિન્દુ ધર્મની પાશ્ચાત્ય ધર્મ ૫૨ કેટલી મોટી અસર હતી! તેમણે દક્ષિણેશ્વરના સંતના જીવન સંદેશ વિષે પણ કહ્યું અને આમ જૂનાગઢના લોકો શ્રીરામકૃષ્ણદેવ વિશે જાણતા થયા. જૂનાગઢમાં ઘણા ૫રંપરાવાદી હિન્દુ પંડિતો સાથે સ્વામીજીની લાંબી ચર્ચાઓ થઈ હતી.

શ્રી છગનલાલ પંડ્યા સાથે જૂનાગઢમાં:

જૂનાગઢના દીવાનના કાર્યાલયમાં કારભારી, મૅનેજ૨ તરીકે ત્યારે‘કાદંબરી’ના અનુવાદક શ્રી છગનલાલ હરિલાલ પંડ્યા હતા. સ્વામીજી તેમને ઘેર પણ રોકાયા હતા. શ્રી છગનલાલ પંડ્યાએ તેમના સંસ્મરણોમાં કહ્યું હતું“સ્વામી વિવેકાનંદના સાદગીપૂર્ણ જીવન, વિજ્ઞાન અને કળા વિષે તેમનું જ્ઞાન, તેમના ઉદા૨ વિચારો, ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા, તેમની પ્રતિભા, તેમનું દેદીપ્યમાન વ્યક્તિત્વ-આ બધાથી અમે મુગ્ધ થયાં, ખૂબ પ્રભાવિત થયાં. આ ઉપરાંત સ્વામીજી સંગીતમાં પ્રવીણ હતા અને ભારતીય કળાનાં વિવિધરૂપો વિષે અગાધજ્ઞાન ધરાવતાં; ત્યાં સુધી કે તેઓ ૨સભરી વાનગીઓ અને ઉત્તમ રસગુલ્લા બનાવી શકતા! અમે બધા તેમના ભક્ત બની ગયા હતા.”

જૂનાગઢના નિવાસ દરમિયાન શ્રી છગનલાલ પંડ્યાની સાથે સ્વામીજીની તેમના પોતાના જીવન વિષે અને તેમના ગુરુ શ્રીરામકૃષ્ણદેવ વિષે ઘણી વાતચીત થઈ હતી. આ સંબંધમાં શ્રી છગનલાલ પંડ્યાએ શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના જીવન-ચરિત્રના પુસ્તકો વિષે અભિપ્રાય આપતી વખતે પ્રકાશકને પોતાના પત્રમાં લખ્યું હતું:

“તેમના (શ્રીરામકૃષ્ણદેવના) વચનામૃતનું પાન ક૨વામાં સ્વામી વિવેકાનંદને કેવો આનંદ થતો; ને પોતે કેવી રીતે ગુરુદેવના વિશેષ કૃપા પાત્ર બન્યા તથા શિષ્ય ઉપર અખૂટ વિશ્વાસ મૂક્યો ને પ્રેમ વરસાવ્યો તેને લીધે જ પોતે બ્રહ્મવિદ્યામાં પ્રવીણતા મેળવી શક્યા હતા તે સર્વ સ્વામી શ્રી વિવેકાનંદને સ્વમુખે મ્હારા સાંભળવામાં આવ્યું હતું. જૂનાગઢ મુકામે તેમનો સમાગમ મને ઘણો વખત થયો હતો. તેમના ગુસ્જીને લગતો કેટલોક વૃત્તાંત સાંભળવાનો પણ અમારે પ્રસંગ આવ્યો હતો. તેથી તેમની સહૃદયતા, ઉદારતા, અતિશય દયા, સાદાઇ, ધર્મનિષ્ઠા, ગંભીરાઇ, વચનસિધ્ધિ, ટૂંકા વાક્યો દ્વારા ગહન વિષયોનું સચોટ વિવેચન, દેષ્ટાંતો આપીને બોધ કરવાની ખૂબી વગેરે અમારા સમજવામાં આવ્યું હતું.”

“સ્વામી શ્રીવિવેકાનંદ સાથે ગાઢ સ્નેહનો સંબંધ સુભાગ્યે મને થયેલો તેથી તેમના જીવનચારિત્રની કેટલીક વાતો તેમણે મને સ્વમુખે જણાવેલી. તેની સાથે તેમની પૂર્વાવસ્થાની કેટલીક હકીકત પણ જણાવી હતી તે બધી ને તે ઉપરાંત પણ કેટલીક વધારાની આવી બાબતો ભેળી કરી આપ જે પ્રકટ કરી શક્યા છો તે ઘણું સંતોષકારક છે… પોતાનું બ્રહ્મચર્ય વ્રત પાળવામાં તેમને કેટલી મુશ્કેલીઓ થઈ છે તે વાત મ્હારા જાણવામાં આવી હતી અને પોતે સમર્થ વિદ્વાન છતાં કેવી સાદાઈથી નિરભિમાનપણે અમારી સાથે રહેતા તેનો જ્યારે હું વિચાર કરું છું ત્યારે તેમના વિષે મને ઘણા જ માનની લાગણી સ્ફુરી આવ્યા વિના રહેતી નથી.”5

જૂનાગઢમાં સ્વામીજી ત્રણ-ચાર વાર આવ્યા હતા અને શક્ય છે જુદે-જુદે ઠેકાણે તેમણે નિવાસ કર્યો હોય. શ્રી છગનલાલ પંડ્યાને ઘેર તેઓ થોડા દિવસો રહ્યા હતા. આ મકાન પૂર્વે‘દક્ષિણીના ડેલા’તરીકે ઓળખાતું અને હાલ‘યુક્તોદય’નામે ઓળખાય છે. પ્રખ્યાત ઇતિહાસકાર લેખક શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ પોતાના પુસ્તક‘જૂનાગઢ અને ગિરનાર’માં લખે છે કે સ્વામીજી જૂનાગઢમાં પ્રથમ કાળવાને કાંઠે પ્રકાશપુરીમાં ઉતરેલા. ત્યાંથી દીવાન હરિદાસજી તેમને પોતાને ત્યાં અતિથિભવન લઈ ગયેલા. આ સિવાય શ્રી મનસુખરામ ત્રિપાઠીને ઘેર પણ સ્વામીજી રહેલા. એ હકીકત સ્વામીજીના ગુરુભાઈ સ્વામી અભેદાનંદજીએ પોતાના આત્મચરિત્રમાંના અહીં આપેલા સંસ્મ૨ણોથી પુ૨વા૨ થાય છેઃ

“જૂનાગઢમાં પહોંચ્યા પછી મને ખબર પડી કે ત્યાંના નવાબના અંગત મંત્રી (Private-Secretary) શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને ઘરે અંગ્રેજી બોલતા સાધુ, ઉચ્ચ અંગ્રેજી શિક્ષણ પામેલ એક બંગાળી સંન્યાસી નિવાસ કરી રહ્યા છે… આનંદથી વિભોર થઈ હું મનસુખરામજીના ઘેર પહોંચ્યો… ત્યાં પહોંચતા જ હું સમજી ગયો કે મારું અનુમાન ઠીક હતું. મને આમ અચાનક જોઇને નરેન્દ્રનાથ પણ આનંદિત થઇ ગયા. લાંબા સમય પછી મળવાને લીધે હું મારા આંસુ ખાળી શક્યો નહિ. સદ્ભાગ્યે હું જ્યારે પહોંચ્યો ત્યારે નરેન્દ્રનાથ શ્રી ત્રિપાઠી સાથે અદ્વૈત વેદાંત વિષે ચર્ચા કરી રહ્યા હતા… હું નરેન્દ્રનાથની સંગાથે તેમના ઘરે ૩-૪ દિવસ રહ્યો અને પછી દ્વારકાની યાત્રા માટે રવાના થઇ ગયો.”

જૂનાગઢના દીવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈ:

હરિદાસ દેસાઈ સ્વામીજીના એવા ગાઢ સંપર્કમાં આવ્યા હતા કે સ્વામીજીએ જૂનાગઢ છોડ્યા પછી પણ દીવાનજીના મૃત્યુ સુધી સતત પત્રો દ્વારા સંપર્ક રાખ્યો હતો. એમાના ૧૩ પત્રો પ્રાપ્ય છે. હરિદાસ સ્વામીજીના અદ્ભુત વ્યક્તિત્વથી પ્રભાવિત થઇ તેમને ગુરુતુલ્ય માનતા અને સ્વામીજી તેમને પ્રેમ અને સન્માનની ભાવનાથી પિતૃતુલ્ય ગણતા, કારણ કે તેઓ દીવાનજીથી વયમાં આશરે ૨૨ વર્ષ નાના હતા, દીવાનજીનો જન્મ નડિયાદમાં ૨૯ જુલાઇ ૧૮૪૦ના રોજ થયો હતો. પિતા વિહારીદાસ અજાભાઇ દેસાઈ ‘ભાઉસાહેબ’ તરીકે ઓળખાતા.

૫૫ વર્ષની વયે ૧૬ જૂન ૧૮૯૫ માં તેમનું નિધન થયું ત્યાં સુધી ૨૫ વર્ષો સુધી તેઓ દેશી રાજ્યો સાથેના સંપર્કમાં હતા. તે અ૨સામાં ચાર દેશી રાજ્યોને (વઢવાણ, વાંકાને૨, ઇડ૨ અને જૂનાગઢ) સદ્ગુ૨ સ્થિતિમાં મૂકી, ત્યાંની પ્રજાને જે સંતોષ આપ્યો તે પરથી તેમની મુત્સદ્દીગીરી અને વહીવટી કુશળતાનો ખ્યાલ આવે છે.

બ્રિટિશ રાજ્યમાં પણ તેમનાં કૌશલ્યને કારણે માનપાન પામેલા હોવાથી ૧૮૭૪માં ફિનાન્સ કમિટિમાં સભ્યપદે તથા ત્યારબાદ ૧૮૯૩માં રૉયલ ઓપીયમ કમીશન (Royal opium commission)ના તેઓ એક સભ્ય તરીકે પણ નિમાયા હતા.

રાજ્યના નવાબ સાહેબે સામેથી દીવાનપદેશ્રી દેસાઈ માટે માગણી કરી એટલે ૧૮૮૩ ના સપ્ટેમ્બર માસમાં હરિદાસ જૂનાગઢના દીવાન નિમાયા હતા. મકરાણીઓના હંગામામાં નિરાકરણ લાવવા માટે સફળ થયા હતા અને હરિદાસે ખૂબ સૂઝબૂઝથી રાજ્યની સેવા કરી હતી તે બદલ નવાબ સાહેબ બહાદુર ખાનજીએ તેમની કદ૨ રૂપે એક લાખ રૂપિયા બક્ષીસ આપવાનું જણાવ્યું. પરંતુ હિરદાસે એમ કહીને તે લેવાની ના પાડી કે “હું રાજ્યનો પગાર ખાઉં છું અને મારી ફ૨જ બજાવું છું માટે એ ૨કમ હું નહીં લઉં.” નવાબ સાહેબે નાણાં લેવા માટે ઘણો જ આગ્રહ કર્યો એટલે પછી હરિદાસે વચલો માર્ગ કાઢી તે ૨કમ વ્યાજે મૂકવાનું અને તેનું જે વ્યાજ આવે તે એ શ૨તે લેવાનું ઠરાવ્યું કે વ્યાજના જેટલી રકમ પોતાના પગારમાંથી દર મહિને કપાય અને આમ બન્નેનું મન સચવાય. ૧૮૮૮ના જુલાઈ માસમાં નવાબ સાહેબે હરિદાસને ૫ હજાર રૂપિયાની બક્ષિસ સાથે સિરપાવ અને તે 1 લાખરૂપિયાનું વ્યાજ-બક્ષીસરૂપે આપવા દરબાર ભર્યો. હરિદાસજીના અવસાન પછી નવાબ સાહેબ રસુલખાનજીએ એ સ૨કારી લોન પાછી લઈ તેમને વંશપરંપરા સુધી રૂ. ૨,૪૦૦નું પેન્શન બાંધી આપ્યું. ભારતની સ્વાધીનતા સુધી આ પેન્શન વંશજોને મળતું હતું.

લગભગ દસ વર્ષ હરિદાસ જૂનાગઢમાં રહ્યા તેમાં તેમણે અનેક સેવા કાર્યો કર્યાં. લગભગ ૪૦ લાખના ખર્ચે જૂનાગઢથી પ્રભાસ તીર્થ તેમજ જેતલસ૨થી જૂનાગઢ સુધીની રેલવેની વ્યવસ્થા કરેલી, ગિ૨ના૨ ઉપર ચઢવા માટે ૩ લાખની લોટરી કાઢીને પગથિયાં બંધાવ્યાં અને દામોદર કુંડમાં જવા માટે પોતાના અંગત ખર્ચે પૂલ બંધાવ્યો.

તેમની કાર્યકુશળતા, સેવાપરાયણ અને નિરભિમાનવૃત્તિ અનેક ગુણ તેમની આધ્યાત્મિક ચેતના અને ઈશ્વ૨૫રાયણતાને આભારી છે. હરિદાસજયારે નિવૃત્ત થઈ નડિયાદ આવી વસ્યા ત્યારે નડિયાદના શહેરીઓએ તેમને નાગરિક સન્માન આપવાની પ્રવૃત્તિ આરંભી. અભિનંદનના આ મેળાવડામાં તેમણે કહ્યું, “… મારા જેવો અપૂર્ણ માનવ શું કરી શકે? હું તો દોષથી ભ૨પૂ૨ છું. તેમાં મને કોઈ પણ સારું થવામાં સાધનભૂત ગણવામાં આવતો હોય તો તે બધું ઇશ્વરકૃપાને લીધે જ થયેલું માનજો અને દૂષણવાળા કૃત્યની જવાબદારી મારી પોતાની છે.”

રૉયલ ઓપિયમ કમીશનમાં તેમણે જે સેવાઓઆપી હતી તે બદલ બ્રિટિશ સ૨કા૨ તેમને મોટો ઇલ્કાબ આપવાનો વિચાર કરી રહી હતી પણ તેઓ તે સ્વીકારવાને તૈયાર ન હતા. જો કે આવો પ્રસંગ આવે તે પહેલાં જ તેમનું અચાનક અવસાન થયું. તેમના અવસાન પછી દેશનાં ઘણાં સમાચાર પત્રોએ તેમના લખાણો પ્રગટ કર્યાં હતાં તેમના પરથી તેમની પ્રસિદ્ધિ અને મહત્તાની સુગંધ આવે છે. દેશના અગ્રણી અખબાર તથા કલકત્તાથી પ્રકાશિત થતા ૩૦ જૂન ૧૮૯૫ ના ‘અમૃત બાઝાર પત્રિકા’ના સંપાદકે તેમના વિશે લખ્યું કે, “ભારત માતાએ મહાન સપૂત ખોયો છે.” લંડનથી પ્રકાશિત‘ઈન્ડિયા’પત્રિકામાં લખાયું હતું- “હરિદાસ વિહારીદાસના મૃત્યુથી ભારતને મોટી ખોટ પડી છે. ભારતના લોકોને આવો નિઃસ્વાર્થી, સંનિષ્ઠ અને જાગૃત નાગરિક કાર્યકર આ પહેલાં ક્યારેય નહોતો મળ્યો.” સ્વામી વિવેકાનંદજીએ ન્યૂયોર્કથી હરિદાસજીના ભત્રીજાને પોતાના પત્ર ૨ માર્ચ ૧૮૯૬માં લખ્યું હતું, “તમારા કાકા એક મહાન આત્મા હતા તેમનું સ્વાર્પણ ભર્યું સમસ્ત જીવન દેશના કલ્યાણ માટે હતું. આશા રાખું છું કે, તમે તેમને અનુસ૨શો.”

દીવાનજીની આ અસાધારણ કારકિર્દી અને અનોખી સિદ્ધિમાં સ્વામીજી સાથેના તેમના સંપર્કનું મહત્ત્વનું યોગદાન હશે તેનું અનુમાન આપણે સહેજે કરી શકીએ. શ્રી મહેન્દ્રનાથ દત્તે પોતાના બંગાળી પુસ્તક‘શ્રીમત્ વિવેકાનંદ સ્વામીજી૨ જીવને૨ ઘટનાવલી’માં વર્ણવેલ એક પ્રસંગ વિશેષથી આ વાત જણાય છે. એકવાર દીવાનજીને ઉદાસ જોઇને સ્વામીજીએ તેમને આનું કા૨ણ પૂછ્યું. પહેલાં તો દીવાનજી અચકાયા પછી તેમણે જણાવ્યું કે, “મુંબઈથી બ્રિટિશ સ૨કારે જૂનાગઢના નવાબ ૫૨ એક પત્ર લખ્યો છે, તેનો જવાબ કેવી રીતે આપવો તેની ચિંતામાં હું છું કા૨ણ કે, હું મુંબઈ સરકાર દ્વારા નિમાયેલ છું અને વળી, નવાબનો કર્મચારી છું. બે માંથી કોઈને નારાજ કરી શકું નહીં, એટલે મોટી મૂંઝવણમાં પડ્યો છું.”પત્રની વિગત જાણી લીધા બાદ સ્વામીજીએ એક શબ્દેય બોલ્યા વિના પાસે પડેલ એક કાગળ ઉપાડી લીધો અને અંગ્રેજીમાં કંઈક લખવા મંડી પડ્યા. થોડીવાર પછી તેમણે આ પત્ર દીવાનજીને દેખાડી કહ્યું, “જુઓ તો, આ પત્ર ચાલશે?”દીવાનજી તો પત્ર વાંચી આભા બની ગયા!“ઠીક, ઠીક આવો જ પત્ર તો હું ચાહતો હતો! આ પત્રથી કામ પતી જશે.”એમ બોલી તરત જ તેનીનકલ કરી પત્ર મુંબઇ મોકલી આપ્યો. સ્વામીજીના અંગ્રેજી ભાષા તેમજ રાજનીતિના જ્ઞાનથી દીવાનજી અત્યંત પ્રભાવિત થઈને તેમના પ્રત્યે વધુ ને વધુ શ્રદ્ધા ભક્તિ રાખવા લાગ્યાઅને બંનેની વચ્ચે રાજ્યની તેમજ દેશની સમસ્યાઓ વિશે વધુ ચર્ચાઓ ચાલવા લાગી.

સ્વામીજીએ જૂનાગઢ છોડ્યા પછી પણ તેમને રાજકાજ વિષે સચોટ સલાહ-સૂચન આપતા તેનો ખ્યાલ તેમણે લખેલ પત્રો ૫૨થી આવે છે. બ્રિટિશ સરકાર દ્વારા રાજ્યના વહીવટમાં આંટીઘૂંટી ઊભી કરવામાં આવી રહી હતી, ત્યારે દીવાનજીએ સ્વામીજીને આ વિષે જણાવ્યું હતું. તેના ઉત્ત૨માં સ્વામીજીએ પૂનાથી ૧૫ જૂન ૧૮૯૨ના પત્રમાં લખ્યું હતું, “આપના ત૨ફથી સમાચાર મળ્યાને ઘણો સમય થઈ ગયો છે. કદાચ અત્યાર સુધીમાં જૂનાગઢમાં આપના માર્ગમાંથી બધી બાધાઓ દૂર થઇ ગઇ હશે…”

દીવાનજી જ્યારે રૉયલ ઓપિયમ કમીશન (Royal opium commission)ના સભ્ય બનીને કલકત્તા ગયા ત્યારે સ્વામીજીના માતુશ્રી અને ભાઈઓને મળ્યા હતા. તેઓની દુઃખી અવસ્થાથી દ્રવિત થઈ તેમણે સ્વામીજીને પરિવારજનોને આવી અવસ્થામાં મૂકીને ગૃહત્યાગ ક૨વાનું કારણ પૂછતો પત્ર લખ્યો હશે. તેના જવાબમાં સ્વામીજીએ ૨૯મી જાન્યુઆરી ૧૮૯૪ના અત્યંત માર્મિક પત્રમાં કેવી પરિસ્થિતિમાં અને શા માટે પોતે ગૃહત્યાગ કર્યો હતો તે જણાવ્યું હતું:

સ્વામીજીની સ૨ભરામાં દીવાનજીએ કશી ઊણપ રહેવા દીધી નહીં હોય, પણ સ્વામીજીને ગુજરાતી ભોજન કેવી રીતે ભાવે? તેમાંય પાણીવાળી ગુજરાતી દાળ તો બંગાળી મોંમાં પેસે શી રીતે? આ માટે સ્વામીજીએ યુક્તિ ઘડી કાઢી. આ વિષે લંડનમાં કાઠિયાવાડના એક યુવક સાથે વાર્તાલાપના પ્રસંગમાં તેમણે કહ્યું: “મેં તપાસ કરી કે દીવાનજીની રસોઈ કોણ બનાવે છે, પછી રસોઈ બનાવના૨ની સાથે મૈત્રી કરી લીધી. તેને ક્યારેક ગીત સંભળાવતો. તેને રાજી કરીને વિનંતી કરી કે દાળના થોડા દાણા અલગ કરી ભાતની સાથે આપે, જેથી હું તેમાં મ૨ચું અને મીઠું મેળવી દાળના દાણા બે કોળિયા ભાત સાથે ખાઈ શકું.” ખાવાપીવાની બાબતમાં તેઓ બધું કષ્ટ હસતે મુખે સહન કરતા, પરિવ્રાજક અવસ્થાના સંસ્મરણો સ્વામીજી પાસેથી ભાગ્યે જ સાંભળવા મળતા. પરંતુ સાધુ માટે તો “કભી ઘી ઘના, કભી મૂઠ્ઠી ચના, કભી તો વો ભી મના.”

સોમનાથનો પોકાર:

જૂનાગઢ થોડા દિવસ રોકાઈને સ્વામીજી સોમનાથના દર્શને નીકળી પડ્યા. સોમનાથનું એ ઐતિહાસિક મંદિર કેટલીયવાર નાશ પામ્યું હતું અને કેટલીયવા૨ ફરી બંધાયું હતું. જે મંદિરની સારસંભાળ માટે ૧૦,૦૦૦ ગામડાંઓ મિલકતરૂપે હતા અને જ્યાં કોઇ વખત ૩૦૦ સંગીતકારો સેવામાં રત હતા ત્યાં ત્યારે ભગ્નાવશેષ સિવાય કંઈ ન હતું! સ્વામીજી સમુદ્ર કિનારે આ ભગ્નાવશેષની પાસે ઊંડા ધ્યાનમાં મગ્ન થઈ ગયા. ભૂતકાળને ભેદીને ભારતના પ્રાચીન ગૌ૨વમય ઇતિહાસ તરફ કેટલાય દેશ્યો તેમની નજર સમક્ષ તરવરી રહ્યા. ઊંડા ધ્યાનમાં આ યુગદૃષ્ટાએ પોતાના માનસચક્ષુથી શું શું નિહાળ્યું એ તો કોણ કહી શકે, પણ સોમનાથ મંદિરના ભગ્નાવશેષે તેમને ઇતિહાસની ગહનગભી૨, ઊંડી ઝાંખી અવશ્ય કરાવી. ૧૮૯૭માં વિદેશથી પાછા ફરી તેમણે મદ્રાસમાં પોતાનાં ભાષણોમાં કહ્યું હતું, “દક્ષિણ ભારતનાં કેટલાંક પ્રાચીન મંદિરો અને ગુજરાતનાં સોમનાથ જેવાં મંદિરો તમને જ્ઞાનના અનેક ગ્રંથો શીખવશે, ઢગલાબંધ ગ્રન્થો કરતાં પ્રજાના ઇતિહાસમાં તમને એ વધુ ઊંડી દૃષ્ટિ આપશે. જુઓ તો ખરા કે નિરંતર ખંડિયેરમાંથી પાછા બંધાઈને ઊભા થતાં, પુનર્જીવન પામેલાં અને પૂર્વનાં જેવાં સદા મજબૂત આ મંદિરો કેવાં સેંકડો હુમલાઓના અને સેંકડો પુનરુત્થાનનાં ચિહ્નો ધારણ કરી રહેલાં છે! એ છે રાષ્ટ્રીય માનસ, એ છે રાષ્ટ્રીય જીવન પ્રવાહ. એનું અનુકરણ કરો તો એ તમને કીર્તિના પંથે લઈ જશે. એનો ત્યાગ કરો તો તમારો વિનાશ છે.”

આજે તો આ જગ્યાએ ભવ્ય મંદિર ઊભું છે. જો સ્વામીજીએ આ જોયું હોત તો તેમને કેટલો આનંદ થાત! અથવા કોણ કહી શકે કદાચ તેમણે પોતાના માનસપટમાં આ ભાવિ ભવ્ય મંદિરને જોયું હોયઅથવા એ ભવ્ય મંદિર તેમના જ દેઢ સંકલ્પનું પરિણામ હોય!

સ્વામીજીએ સોમનાથનું જૂનું મંદિર, સૂ૨જ મંદિર, રાણી અહલ્યાબાઈએ નિર્મિત કરાવેલ સોમનાથનું નવું મંદિર, આ બધું જોયું, પ્રભાસના એ પવિત્ર સ્થાને જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે લીલા સંવ૨ણ કર્યું, તે સ્થાન નિહાળીનેપ્રભાસના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. અહીં ફરીવાર તેમની મુલાકાત કચ્છના મહારાજા સાથે થઈ ગઈ. કચ્છના રાજવીએ કહ્યું, “સ્વામીજી મોટાં-મોટાં પુસ્તકો વાંચવાથી માથામાં ચક્કર ખાવી જાય છે. એમ તમારાં વ્યાખ્યાનો સાંભળીને મારું મગજ બહેર મારી જાય છે. તમે આવી પ્રતિભાનો શો ઉપયોગ કરશો? મને ખાતરી છે કે તમે ભવિષ્યમાં આશ્ચર્યજનક સિદ્ધિઓ હાંસલ કરશો.” એક કુશળ ઝવેરીની જેમ કચ્છના મહારાવે સ્વામીજીની પ્રતિભા પારખી લીધી હતી. સ્વામીજી શિકાગોની ધર્મસભામાં ભાષણ આપી જગપ્રસિદ્ધ થયા એ પહેલાં બહુ થોડી વ્યક્તિઓએ આ રીતે સ્વામીજીનું હીર પારખ્યું હતું.

શ્રીકૃષ્ણની નગરીમાં:

સોમનાથથી જૂનાગઢ અને પોરબંદર થઈ સ્વામીજીએ શ્રીકૃષ્ણની પાવન સ્મૃતિઓથી અને કથાઓથી ભરપૂર એવી દ્વારકા નગરી તરફપ્રયાણ કર્યું. અલકાપુરીને પણ શરમાઈ તેવી એ ભવ્ય નગરી જ્યાં હતી ત્યાં હવે સાગર હિલોળા મારી રહ્યો છે. આવું વિચારતા સાગરને કાંઠે સ્વામીજી બેસી ગયા. ઘુઘવતા સમુદ્રના મોજાંનો અવાજનો પડઘો તેમનાં મનમાં ય પડઘાતો હતો. બહાર જેમ સમુદ્ર અશાંત હતો તેમ તેમનું મન અશાંત હતું. ભારતના મહિમામય અતીતનાં વિચારોમાં અને ભાવિના સોનેરી સ્વપ્નોમાં તેમનું મન ખોવાઈ ગયું. સ્વપ્નોમાંથી જાગૃત થઈ તેમણે પાસે જ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત શારદામઠ તરફ પ્રયાણ કર્યું. ત્યાંના મહંતે તેમનું સ્વાગત કર્યું અને એક ઓરડો રહેવા માટે આપ્યો. ત્યાં એ નીરવ ઓરડામાં યાદવોની નગરીમાં તેમણે એક મહાન પ્રકાશપુંજ જોયો – ભારતના સુવર્ણમય ઉજ્જ્વળ ભાવિને જોયું.

કચ્છ ભણી:

દ્વારકાથી સ્વામીજીએ ભૂજ ભણી પ્રયાણ કર્યું ત્યારે ભૂજના દીવાન મોતીચંદ લાલચંદ હતા. જેઓ દીવાન હરિદાસજીના લંગોટિયા દોસ્ત હતા. એટલે તેમના પરનો પરિચય પત્ર લઈ સ્વામીજી આવ્યા અને થોડા દિવસો તેમની સાથે રહ્યા હતા. અહીં ભૂજના દીવાન સાથે પણ સ્વામીજીએ દેશની આર્થિક, ઔદ્યોગિક અને ખેતી વિષયક સમસ્યાઓ વિષે અને આમ જનતામાં કેળવણીના પ્રચાર વિષે વાતચીત કરી. દીવાનજીએ તેમનો પરિચય કચ્છના મહારાવ સાથે કરાવ્યો. તેઓ પણ સ્વામીજીથી અત્યંત પ્રભાવિત થઈ શિષ્ય બની ગયા.

ગુરુભાઈનો પીછો:

સ્વામીની એકલાઅટૂલા ફરવાની ઇચ્છાને માન આપી તેમનાં ગુસ્માઈ સ્વામી અખંડાનંદજીએ તેમની પાસેથી દિલ્હીમાં વિદાય તો લીધી હતી પણ તેમણે કહ્યું હતું, “જો તમે પાતાળમાં જશો તો ત્યાંથી પણ તમને શોધી કાઢીશ.” અને ખરેખર તેમણે સ્વામીજીનો પીછો કર્યો. પોતાના બંગાળી ગ્રંથ ‘સ્મૃતિકથા’માં આ ખોજયાત્રાનું રસપ્રદ વર્ણન તેમણે કર્યું છે. આ ગ્રંથમાંથી સ્વામીજીના ગુજરાતમા વિષે પણ વધુ માહિતી મળે છે.

દિલ્હીથી જયપુર થઈને સ્વામી અખંડાનંદજી સ્વામીજીની શોધમાં અજમેર આવ્યા. ત્યાં ખબર મળ્યા કે સ્વામીજી અમદાવાદ ગયા છે. એટલે તેઓ પુષ્કર ભણી ચાલ્યા. ત્યાં સ્વામી ત્રિગુણાતીતાનંદજી સાથે તેમનો ભેટો થઈ ગયો. ત્યાંથી તેઓ અજમેર આવ્યા અને ૧૫ દિવસોથી વધુ ત્યાં રોકાયા અને સ્વામી ત્રિગુણાતીતાનંદજીની સેવા કરી કારણ કે તેઓ માંદા પડી ગયા હતા. ત્યાંથી બિયાવર અને આબુ થઈ તેઓ અમદાવાદ ગયા. ત્યાં તેમને ખબર મળ્યા કે સ્વામી વઢવાણ ગયા છે. અમદાવાદથી તેઓ ડાકોર ગયા, ત્યાંથી વડોદરા અને ભરૂચ થઈને ખંભાતના અખાતે ગયા અને નર્મદાસંગમમાં સ્નાન કર્યું. આ પછી વડોદરામાં લગભગ પંદરેક દહાડા રહીને અમદાવાદ તથા ત્યાંથી તેઓ વઢવાણ ગયા. વઢવાણ જંકશનમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે વિવેકાનંદ નામના એક મહાપંડિત જૂનાગઢમાં છે. જૂનાગઢ પહોંચીને તેમને ખબર મળ્યા કે સ્વામીજી તો ૪-૫ દિવસ અગાઉ જ પોરબંદર થઈને દ્વારકા જવા નીકળી ગયા છે. દ્વારકા જઈને તેમણે સાંભળ્યું કે સ્વામીજી બેટદ્વારકા ગયા છે. ત્યાં પહોંચીને તેમને ખબર પડી કે કચ્છના મહારાજ વેરાવળમાં તેમને નિયંત્રણ આપેલ હોવાથી સ્વામીજી કચ્છ માંડવી ગયા છે. આટઆટલી ભાગદોડ કરવા છતાં સ્વામીજીને શોધી ન શકવાથી તેમની વ્યાકુળતા એટલી વધેલી કે ત્યાંના બધાં તીર્થોની તીર્થયાત્રા કર્યા વગર જ તેઓ માંડવી જવા નીકળી પડ્યા. ત્યાં જઈને સાંભળ્યું કે સ્વામી નારાયણ સરોવર ભણી ગયા છે. માંડવીમાં રાતવાસો કરી તેઓ પગપાળા નારાયણ સરોવર ભણી ગયા અને રસ્તામાં તેઓ ડાકુઓના હાથમાં સપડાઈ ગયા. સદ્દનસીબે તેમની જીવનરક્ષા થઈ. નારાયણ સરોવરમાં માંડ-માંડ પહોંચ્યા પછી જ્યારે તેમણે જાણ્યું કેસ્વામીજી તો અન્ય ૨સ્તે આશાપુરીના દર્શને જવા નીકળી ગયેલ છે. ત્યારે તેઓ નિરાશ થઈ ગયા અને તાવમાં પટકાઈ ગયા. તો ય તેમણે પોતાની ખોજયાત્રા થંભાવી નહિ. નારાયણસરોવ૨નાં મહંતે ઘોડાની વ્યવસ્થા કરી આપી. તેના ૫૨ બેસીને તેઓ આશાપુરી પહોંચ્યા. ત્યાં ખબર કાઢતાં જાણ્યું કે સ્વામીજી માંડવી ત૨ફ ગયા છે. એક રાત ત્યાં રોકાઈને તેઓ માંડવી ત૨ફ ૨વાના થયા. ક્યારેક ઘોડા ૫૨, ક્યારેક તો ઊંટ ૫૨ તો ક્યારેક વળી પગપાળા આમ તેઓ માંડવી પહોંચ્યા. સમાચાર મળ્યા કે સ્વામીજી એક ભાટિયાને ઘેર રહેલા છે. તરત જ તેઓ ત્યાં પહોંચી ગયા. જઈને તેમણે જોયું કે સ્વામીજી પહેલાંના જેવા હવે નથી રહ્યા. રૂપલાવણ્ય ઓ૨ડાને અજવાળતા બઠેલા. સ્વામીજીને જોઈને સ્વામી અખંડાનંદજી ચોંકી ગયા. રસ્તાની આખી રામકહાણી અખંડાનંદજી પાસેથી તેમણે સાંભળી. સાંભળીને તેમને ડ૨ પેઠો કે આ ગંગાધરે (સ્વામી અખંડાનંદનું પૂર્વાશ્રમનું નામ) આટઆટલી આફત વહોરીને, જીવને જોખમે મને પકડી પાડ્યો છે. તે હવે કેમે કરીને મારો સાથ છોડશે નહિ. તેમણે સ્વામી અખંડાનંદજીને કહ્યું, “તેં એક મનસુબો ઘડેલો છે. તમારામાંથી (ગુરુભાઈઓમાંથી) કોઈ પણ જોડે રહેવાથી એને પાર પાડી નહિ શકું.” સ્વામી અખંડાનંદજીએ વાત કાને ન ધરી ત્યારે સ્વામીજીએ કહ્યું“જો, હું બગડી ગયો છું, મારો સંગ તજી દે.” “ભલેને તમે બગડી ચૂક્યા, હું તો તમને ચાહું છું! તમારા ચારિત્ર્ય જોડે એને શી લેવા કે દેવા? પણ તમારા કામની આડે હું નહિ આવું. તમને મળવાને માટે વ્યાકુળ થઈ ઊઠેલો, એ ઇચ્છા પૂરી થઈ છે, હવે તમે એકલા જઈ શકો છો.” સ્વામીજીએ સાંભળીને રાજીના રેડ થઈ ગયા. બીજે જ દિવસે તેઓ ભૂજ જવા રવાના થઈ ગયા. સ્વામી અખંડાનંદજી તેમની સાથે ન ગયા. સ્વામીજી બીજે દિવસે ભૂજ ગયા.

ભૂજમાં સ્વામીજીએ સ્વામી અખંડાનંદજીને કહ્યું, “અહીંના રાજા જે રીતે માનપાન આપી રહ્યા છે, તેને લીધે અહીં વધારે દહાડા રહેવાથી ઘણાંની આંખોમાં આપણે કણાની માફક ખૂંચવા લાગીશું.” એટલે બન્ને ભૂજથી માંડવી આવીને પંદર દિવસ સુધી રહ્યા. આ પછી સ્વામીજી પોરબંદર ગયા. સ્વામી અખંડાનંદજી પાંચ-સાત દિવસ પછી પો૨બંદર ગયા. ત્યાં થોડા દિવસો એક સાથે રહ્યા પછી તેઓ જેતપુ૨, ગોંડલ અને રાજકોટ થઈ જામનગ૨ ગયા.ત્યાં તેઓ લગભગ એક વર્ષ રહ્યા હતા. સ્વામી અખંડાનંદજીનાગુજરાત ભ્રમણની આ કહાણી‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (જૂન ૧૯૯૯થી એપ્રિલ ૧૯૯૦)માં પ્રગટ થઇ છે.

સુદામાપુરીમાં:

થોડા દિવસો પછી સ્વામીજી જૂનાગઢ પાછા ફર્યા. જૂનાગઢ જાણે કે તેમનું કેન્દ્ર હતું. જ્યાંથી તેઓ કચ્છ સૌરાષ્ટ્રનું ભ્રમણ કરી રહ્યા હતા. હરિદાસ દીવાનજી પાસેથી પો૨બંદ૨ના દીવાન શંક૨ પાંડુરંગ પંડિત ૫૨ પરિચય પત્ર લઈ તેઓ પો૨બંદ૨ ત૨ફ રવાના થયા. પોરબંદર રેલવે સ્ટેશન ૫૨ શહે૨ના દરોગા શ્રી રણછોડજીએ તેમનું સ્વાગત કર્યુંઅને તેમને શંક૨ પંડિતના રહેઠાણ સુધી લઈ ગયા. શંકર પંડિત ત્યારે રાજ્યના એડમિનિસ્ટ્રેટર નિમાયેલા હતા. ત્યાં પહોંચી સ્વામીજીને ખબર પડી કે શંકર પાંડુરંગ એમના ઘરમાં નથી એટલે તેઓ નીચે સીડી પાસે બેસી ગયા. દીવાનજી આવ્યા ત્યારે તેમની સાથે હાથમાં હાથ રાખીને તેમને ઉ૫૨ લઈ ગયા. દરોગા નીચે રાહ જોતા બેઠા રહ્યા કા૨ણ કે તેમને સૂચના દેવામાં આવી હતી કે સ્વામીજીની રહેઠાણની વ્યવસ્થા શહેરના શિવમંદિ૨માં ક૨વામાં આવે અને તેમના માટે વિશેષ ભોજનની વ્યવસ્થા ક૨વામાં આવે. છેવટે ખબર આવ્યા કે સ્વામીજી તો દીવાનજીની સાથે જ રહેશે. એટલે તેમના માટે તૈયાર કરાવેલ ભોજન બ્રાહ્મણોમાં વહેંચી દેવામાં આવ્યું. બીજે દિવસે દરોગા સ્વામીજીને શહે૨ દેખાડવા લઇ ગયા ત્યારે તેઓ સમજ્યા કે સ્વામીજી ચીલાચાલુ પ્રકારના સંન્યાસી નહોતા. તેઓ રસિક પણ હતા.૧૦

સુદામાપુરીમાં સ્વામીજીએ સુદામા મંદિર જોયું તેનાથી પ્રભાવિત પણ થયા પણ તેનાથી વધુ પ્રભાવિત થયા શંકર પંડિતની વિશાળ લાયબ્રેરીથી. સ્વામીજીના ગુરુભાઇ સ્વામી શિવાનંદજી-મહાપુરૂષ મહારાજના કહેવા પ્રમાણે સ્વામીજી પોરબંદર બે વા૨ આવ્યા. પહેલીવાર આવ્યા ત્યારે તેમની લાયબ્રેરીથી ખૂબ આકર્ષાયા હતા અને એટલે પંડિતજીએ તેમને નિમંત્રણ આપ્યું કે ગમે તેટલા દિવસ ત્યાં રોકાઇને લાયબ્રેરીનો ઉપયોગ કરી શકે છે. આ લાયબ્રેરીનાં આકર્ષણથી જ બીજી વાર પો૨બંદર આવ્યા હતા. સ્વામીજી પો૨બંદ૨ બે વાર આવ્યા હતા તેની સાબિતી સ્વામીજીના અન્ય ગુરુભાઈ સ્વામી અભેદાનંદજીની આત્મકથા (બંગાળી)માંથી મળે છે. તેમાં તેઓ લખે છે કે તેમના તીર્થભ્રમણ દરમિયાન તેઓ પોરબંદર ગયા ત્યારે બે દિવસમાટે તેઓ શંક૨ પાંડુરંગ પંડિતના મહેમાન બન્યા હતા. તેમણે અભેદાનંદજીને કહ્યું હતું કે થોડા દિવસો પહેલાં એક અંગ્રેજી જાણતા બંગાળી સંન્યાસી સ્વામી સચ્ચિદાનંદ અલ્પ સમય માટે અમારે ત્યાં આવ્યા હતા. અભેદાનંદજી સમજી ગયા કે આ સચ્ચિદાનંદ એ જ તેમના ગુરુભાઈ નરેન્દ્રનાથ. (સ્વામી વિવેકાનંદ).

પોતાની બીજી મુલાકાત દરમિયાન સ્વામીજીએ પો૨બંદ૨માં ખાસ્સો સમય ગાળ્યો હતો. કોઈ કોઈના માનવા પ્રમાણે અગિયા૨ મહિના તેઓ રહ્યા હતા. પણ આ વાત શક્ય નથી લાગતી કારણ કે સ્વામીજીનો ગુજરાતનો પૂરો પ્રવાસ છ-સાત મહિનામાં જ સમાપ્ત થયો હતો. નવેમ્બ૨માં‘૯૧માં તેઓ અજમેર (રાજસ્થાન) હતા. અને મે ‘૯૨માં તેઓ મહાબળેશ્વર (મહારાષ્ટ્ર) હતા. શંક૨ પાંડુરંગની પુત્રી પંડિતા ક્ષમા રાવે સંસ્કૃતમાં ‘શંક૨-જીવન-આખ્યાન’ લખ્યું છે તેમાં તેઓ જણાવે છે કે, સ્વામી વિવેકાનંદ શંક૨ પાંડુરંગ પંડિત સાથે એક પરિવારના સદસ્યની જેમ જ ચાર માસ રહ્યા. (શ્લોક ૩૩-૪૮). આ વાત વધારે શક્ય લાગે છે. શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના ૧૧મા પ૨માધ્યક્ષ સ્વામી ગંભીરાનંદજીએ પણ સ્વામી વિવેકાનંદ ૫૨ના પોતાના બંગાળી પુસ્તકમાં એવું મંતવ્ય આપ્યું છે કે સ્વામીજી પો૨બંદ૨માં ૧૧ મહિના રહ્યા હતા એ વાત શક્ય લાગતી નથી, કદાચ અગિયા૨ સપ્તાહ હોઈ શકે. અસ્તુ. પંડિતજીની લાયબ્રેરીએ સ્વામીજીને દીર્ઘકાળ સુધી પો૨બંદ૨માં જકડી રાખ્યા હતા. એ વાત તો સાચી છે. પોરબંદરમાં સ્વામીજી ભોજેશ્વર બંગલામાં રહ્યા હતા એ વાતની પુષ્ટિ પણ ‘શંકર-જીવન આખ્યાન’ના આ શ્લોકમાંથી મળે છેઃ

આગતેષુ સુવિખ્યાતસ્તસ્યાસીદતિથિર્મહાન્
વિવેકાનંદયોગીન્દ્રઃ સ્વામી સંસર્ગપાવનઃ૨૬

દેશનિવર્તમાનોડયં યતીશો દ્વારકાપુરાત્
ભોજેશ્વરગૃહસ્થાશ્રં નૌકસ્થઃ સમપેક્ષત।।૨૮।।

શ્રી શંકર પાંડુરંગ પંડિત:

રાવ બહાદુર શંકરરાવના પૂર્વજો કોંકણના હતા. તેમનાં માતા અત્યંત ધર્મપરાયણ હતાં. એક સાધુએ તેમને આશીર્વાદ આપેલ‘અષ્ટપુત્રા પંચકન્યા ભવ’આ આશીર્વાદ ફળેલા. પિતા નારાયણ પંડિતે આઠમાંના એક પુત્ર શંક૨ને પોતાના સ્વર્ગસ્થ ભાઈ પાંડુરંગને દત્તક આપેલ જેથી સ્વર્ગસ્થ આત્માને પિંડદાનાદિ મળતા રહે.

૨૫ વર્ષની વયે ૧૮૬૫માં શંક૨રાવે મુંબઈથી એલ્ફ્રીન્સ્ટન કૉલેજમાં એમ.એ.ની પરીક્ષા પાસ કરી અને ડેક્કન કૉલેજ, પૂનામાં પ્રોફેસર બન્યા. ૧૮૭૧માં સુરતમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે આવ્યા ત્યારે તેમણે કુટુંબે ગ્રામના લોકોને પૂર વખતે બચાવી એવી સહાય કરી કે ગ્રામવાસીઓએ ગામનું નામ બદલી ‘શંક૨પેઠ’ રાખી દીધું. ૧૮૭૪માં બ્રિટિશ સરકારે તેમને ઓરિએન્ટલ ઈન્ટરનેશનલ કૉંગ્રેસમાં ભાગ લેવા મોકલ્યા, ઇંગ્લૅન્ડથી પાછા ફર્યા બાદ ઓગણીસ ભાષાઓના જાણકા૨ હોવાથી તેમની નિમણૂંક મુંબઈ સ૨કા૨માં ઓરિએન્ટલ ટ્રાન્સલેટર તરીકે થઈ.

૧૮૮૬માં તેમની નિમણૂંક મુંબઈ હાઈકોર્ટમાં રજિસ્ટ્રાર તરીકે અને થોડા સમય પછી પો૨બંદ૨માં એડમિનિસ્ટ્રેટર તરીકે થઈ.

તેઓ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતાઅને કઠોર પરિશ્રમી હતા. પોતાના કાર્યમાં અત્યંતવ્યસ્ત રહીને પણ તેમણે ઘણું અધ્યયન અને લેખનકાર્ય કર્યું. તુકારામના અભંગોનું સંકલન તેમની દેખરેખ હેઠળ થયું. કાલિદાસના ‘રઘુવંશ’ અને ‘માલવિકાગ્નિમિત્રા’નું સંપાદન પણ તેમણે કર્યું. ઋગ્વેદના પ્રચાર માટે તેમણે ‘વેદાર્થયત્ન’ નામનું સામયિક શરૂ કર્યું હતું. ‘અથર્વવેદ’નું સંપાદનકાર્ય તેમણે અત્યંત વિક્ષતાથી કર્યું. અત્યંત કઠોર પરિશ્રમને કા૨ણે ૧૮ માર્ચ ૧૮૯૪ માં તેમનું નિધન મુંબઇમાં થઈ ગયું.૧૧

શ્રી શંકર પંડિતની સંસ્કૃત રચનાઓની દેશવિદેશના ખ્યાતનામ વિદ્વાનોએ પ્રશંસા કરી હતી. પ્રખ્યાત વિદ્વાન પ્રો. મેક્સમૂલરે કહ્યું હતું: “The editions of Sanskrit text published at Bombay by Prof. Bhandarkar and Mr. S. P. Pandit and others need not fear comparison with the best works of European Scholars.”૧૨

આ વિદ્વાન પંડિત સાથે સ્વામીજીની મૈત્રી જામે એમાં શંકા નહીં. સ્વામીજીએ ખૂબ ઉદારતાથી પંડિતજીને વેદોના અનુવાદના મહાન કાર્યમાં સહાયતા કરી. સંસ્કૃત ભાષા પરનું સ્વામીજીનું પ્રભુત્વ, એમની તેજસ્વી મેધા તથા બહુશ્રુતતાને લઈને વેદના કૂટ મંત્રોના અર્થ બેસાડવાની સ્વામીજીની શક્તિ અને તેમનું વેદાંતનું હસ્તામલકવત્ જ્ઞાન જોઈ પંડિતજી મુગ્ધ કેમ ન બને?

સ્વામીજીએ પોતે પણ પંડિતજીના સહવાસમાં જે મોટો સમય ગાળ્યો હતો તેનો પૂરો લાભ ઊઠાવ્યો. પાણિનિના મહાકાવ્યનો અભ્યાસ પૂરો કર્યો. પંડિતજી દેશની પરિસ્થિતિથી વાકેફગા૨ હતા. એટલે તેમણે સ્વામીજીને કહ્યુઃ“સ્વામીજી, અહીં તમે વિશેષ કંઈ કરી શકો તેમ લાગતું નથી. લોકો તમારી કદર નહીં કરી શકે. તમે પશ્ચિમના દેશોમાં પ્રવાસ કરો. વાવાઝોડાની જેમ તમે પશ્ચિમને વશ કરી શકશો. સનાતન ધર્મનો પ્રચાર કરી તમે પાશ્ચાત્ય સંસ્કૃતિ ૫૨ જબ્બર અસર કરી શકશો. પછી ભારત તમારે પગે આળોટશે.” પંડિતજીએ તેમને ફ્રેંચ ભાષા શીખવાનું સૂચન પણ કર્યું. સ્વામીજીએ આ સૂચન સ્વીકાર્યું. ફ્રેંચ ભાષામાં એક પત્ર પોતાના ગુરુભાઈઓને કલકત્તા લખી મોકલ્યો. પહેલાં તો તેઓ કંઈ સમજી શક્યા નહીં. પાછળથી તેઓને ખબર પડી કે આ તો તેમના પ્રિય ‘નરેન્દ્રનાથ’નો ફ્રેંચમાં પત્ર હતો.

આ સમયે સ્વામીજી અત્યંત બેચેન હતા. તેમને લાગવા માંડ્યું હતું કે તેમના ગુરુદેવના શબ્દો સાચા હતા અને તેમના પોતાનામાં સમસ્ત જગતમાં ક્રાન્તિ લઇ આવવાની શક્તિ હતી. ભારતના આધ્યાત્મિક નવજાગરણની વાત તેમના મનમાં હંમેશા રમતી. જેટલા મહારાજાઓ અને દીવાનોના સંસર્ગમાં તેઓ આવ્યા તે બધાને તેમણે પોતાનો સંદેશ આપ્યો કે નવેસ૨થી બધું કરવાનો હવે સમય પાકી ગયો છે. જેમ જેમ તેઓ મહાન વેદોનું અધ્યયન ઊંડાણથી ક૨તા ગયા તેમને ખાતરી થતી ગઇ કે ભારત જ ખરેખર બધા ધર્મોની માતા છે, આધ્યાત્મિકતાની ખાણ છે, અને સભ્યતાનું પારણું છે. સ્વામીજીને પંડિતજીએ વિદેશ જવાનું કરેલું સૂચન ગમ્યું. કા૨ણ કે તેમને પણ લાગ્યું કે વિદેશી સભ્યતાને ભારતનું ખરું મૂલ્ય ત્યારે જ સમજાશે જ્યારે તેઓ પાશ્ચાત્ય દેશોમાં જઇ સનાતન ધર્મના મહિમાનો પ્રચાર કરે.

આમ શંક૨ પાંડુરંગ પંડિત સાથેનો સ્વામીજીનો સંપર્ક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક રહ્યો. દીર્ઘકાળ સુધી બે વિદ્વાનો ઉદાત્ત વિચારોની આપ-લે કરતા રહ્યા. વેદોનું અધ્યયન અને ભાષાંતર થયું. દેશ વિદેશની સત્યતાની ચર્ચા થઇ. અને સ્વામીજીના ભાવિ મહાન પ્રચાર કાર્યની યોજનાના પાયા પણ અહીં પોરબંદરમાં જ નખાયા.

કારેલું કે કોલેરા?

સ્વામીજી જ્યારે ભોજેશ્વ૨ બંગલામાં શંકર પંડિત સાથે નિવાસ કરી રહ્યા હતા ત્યારે થોડા યુવકો સાથે તેમની મિત્રતા થઈ. આમાંના એક હતા આચાર્ય રેવાશંકર અનુપ૨ામ દવે. જેમણે એકસો વર્ષથી વધુનું આયુષ્ય ભોગવી થોડાં વર્ષ પૂર્વે જ દેહત્યાગ કર્યો. તેમણે પોતાનાં સંસ્મરણોમાં કહ્યું હતું કે સ્વામીજી જ્યારે ભોજેશ્વર બંગલામાં રહેતા ત્યારે તેઓ પોતાના મિત્ર માધવ સાથે અવારનવાર તેમની પાસે જતા. સ્વામીજી મોટે ભાગે હિંદીમાં વાતચીત કરતા. પણ ક્યારેક સંસ્કૃત અથવા બંગાળી શબ્દો તેમાં ભળી જતા. એકવાર સંસ્કૃત પાઠશાળાના થોડા વિદ્યાર્થીને સ્વામીજી પાસે લાવવામાં આવ્યા. એમાંના એક ગોવિંદ નામના વિદ્યાર્થીને સ્વામીજીએ પૂછ્યું -“કાં સુધી ભણ્યા છો?” ગોવિંદે કહ્યું “હું વારાણસી ગયો હતો ત્યાં સામવેદનો અભ્યાસ કર્યો અને છ મંત્રોનો (શાસ્ત્રોનો) અભ્યાસ કર્યો.” સ્વામીજીએ પૂછ્યું “આગળ અભ્યાસ કેમ ન કર્યો ? પાછા કેમ આવતા રહ્યા ?” ગોવિંદે કહ્યું, “મને ‘કારેલું’ થઇ ગયું હતું એટલે પાછો આવતો રહ્યો.” ‘કારેલું’ શબ્દ સાંભળીને સ્વામીજી ખડખડાટ હસવા લાગ્યા. આખો ખંડ તેમના હાસ્યથી ગૂંજવા લાગ્યો. કોલે૨ા રોગને આમ ‘કારેલું’ (શાકનું નામ) કહેવાથી સ્વામીજી પોતાનું હાસ્ય ખાળી ન શક્યા.

સ્વામીજીના કહેવાથી ગોવિંદે સંસ્કૃતના થોડા શ્લોકોની આવૃત્તિ કરી. આ પછી રેવાશંક૨ને તેમણે પૂછ્યું, “તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે?” રેવાશંકરે કહ્યું, “પંચતંત્ર અને ઇસપની નીતિકથા” અને બન્નેમાંથી એકએક શ્લોક કરી સંભળાવ્યો. સ્વામીજીએ પ્રસન્ન થઈ સ્મિત કર્યું. આ પછી સ્વામીજી ફરવા માટે ગયા. ભોજેશ્વર બંગલાની પાસેના રણપ્રદેશમાં તેવો જ્યારે ફરવા જતા ત્યારે હંમેશા તેમની પાસે તેમનો દંડ રહેતો અને તેમની સાથે દીવાનજી ભાલો લઈને ચાલતા.

સ્વામી ત્રિગુણાતીતાનંદજી સાથે અણધારી મુલાકાત:

સ્વામીજી જ્યારે પોરબંદર હતા ત્યારે એક વિચિત્ર ઘટના ઘટી. સ્વામીજીના ગુરુભાઈ સ્વામી ત્રિગુણાતીતાનંદજી તીર્થભ્રમણ કરતાં-કરતાં પોરબંદર આવી પહોંચ્યા અને અન્ય સાધુઓની સાથે રહેવા લાગ્યા. બધા સંન્યાસીઓ હિંગળાજતીર્થનાં દર્શન ક૨વા માગતા હતા. પણ તેઓએકલા હોવાથી અને મુસાફરી અત્યંત કઠિન અને લાંબી હોવાથી તેઓએ કરાંચી સુધી સ્ટીમ૨માં અને પછી ત્યાંથી હિંગાળજ ઊંટ ૫૨ બેસીને જવાનું વિચાર્યું પણ તેઓની પાસે પૈસા નહોતા. શું ક૨વું એની વિમાસણમાં પડ્યા હતા ત્યાં એક સાધુએ કહ્યું, ‘પો૨બંદ૨ના દીવાનની સાથે એક વિદ્વાન ૫૨મહંસ મહાત્મા નિવાસ કરી રહ્યા છે. તેઓ અંગ્રેજી સારું જાણે છે. સ્વામી ત્રિગુણાતીતાનંદ ત્યાં જાય અને તેમને મળે. કદાચ એ મહાત્મા દીવાનને કહીને આપણને ખર્ચની વ્યવસ્થા કરાવી દે.’ત્રિગુણાતીતાનંદજી ટોળાના આગેવાન રૂપે મહેલ ત૨ફ જવા રવાના થયા. સ્વામીજી ત્યારે મહેલની છત પર લટાર મારી રહ્યા હતા. તેમણે સાધુઓને થોડે દૂરથી એ ત૨ફ આવતા જોયા. સ્વામી ત્રિગુણાતીતાનંદજીને આ ટોળામાં જોઈને તેઓ આશ્ચર્ય પામ્યા. પણ મોં ૫૨ ઉપેક્ષાના ભાવ સાથે તેઓ તેમને મળવા નીચે ગયા. સ્વામી ત્રિગુણાતીતાનંદજી આમ અચાનક પોતાના પ્રિય નેતાને જોઈ અત્યંત આનંદિત થઈ ગયા. પણ સ્વામીજીએ પોતાનો પીછો ક૨વા માટે ઠપકો આપ્યો. સ્વામી ત્રિગુણાતીતાનંદજીએ બચાવ ક૨તાં કહ્યું કે“મને લગીરેય અણસાર નહોતો કે આપ અહીં હશો. અને હું તો ફક્ત હિંગળાજ જવા માટેનો ખર્ચ માગવા જ આવ્યો છું.”સ્વામીજીએ પહેલાં તો તેમની સહાય ક૨વાનો ઇન્કાર કર્યો અને કહ્યું, “સંન્યાસીઓએ પૈસા ન માગવા જોઈએ અને આપમેળે જે મળે તેમાં સંતોષ માનવો જોઈએ.”સ્વામી ત્રિગુણાતીતાનંદજી ઉદાસ બનીને પાછા ફરી રહ્યા હતા ત્યારે સ્વામીજીએ તેમને પાછા બોલાવ્યા. પોતાના પ્રિય ગુરુભાઈને આવી રીતે જાકારો કેમ આપી શકે? તેઓને જરૂરી સહાય આપી. આ પછી બન્નેએ એકબીજા સાથે આનંદમાં થોડો સમય ગાળ્યો. વાતચીતનાં પ્રસંગમાં સ્વામીજીએ સ્વામી ત્રિગુણાતીતાનંદજીને (જેમનું પૂર્વાશ્રમનું નામ શા૨દાપ્રસન્ન હતું) કહ્યું, “શારદા, મારા વિષે ગુરુદેવ જે કાંઈ કહેતા તે હવે હું થોડું-થોડું સમજવા માંડ્યો છું. ખરેખર, મને લાગે છે કે મારામાં એવી શક્તિ છે કે સમસ્ત જગતમાં ઉથલપાથલ મચાવી શકું.”

પાલીતાણામાં સ્વામી વિવેકાનંદનું સંગીત:

પો૨બંદ૨થી જૂનાગઢ થઈ સ્વામીજી જૈનોના પાવન તીર્થસ્થળ પાલીતાણા પહોંચ્યા. અહીં શત્રુંજય પર્વતની ટોચ ૫૨ જઈ તેમને અસંખ્ય મંદિરોથી શોભતા શહે૨નું દેશ્ય જોયું. અહીં તેમની ગીત-સંગીત કળાથી ઘણા લોકો આકર્ષાયા. પાલીતાણા એ સ્વામીજીના કાઠિયાવાડનાં ભ્રમણનું છેલ્લું સ્થળ હતું. અહીંથી તેઓ નડિયાદ ગયા.

કાઠિયાવાડમાં મૃગજળનો અનુભવ:

કાઠિયાવાડમાં સ્વામીજીને એક અદ્ભુત અનુભવ થયો હતો. ક્યારે અને કઈ જગ્યાએ એ કહેવું મુશ્કેલ છે. પણ સ્વામીજીએ આ અનુભવનું વર્ણન પોતાના ભાષણમાં વિસ્તા૨થી કર્યું હતું અને તેની આધ્યાત્મિક વ્યાખ્યા પણ કરી હતી. ન્યૂયોર્કના પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું, ‘એકવાર પશ્ચિમ ભારતનાં હિંદી મહાસાગ૨ના કિનારા ૫૨ના ૨ણપ્રદેશમાં થઇને હું મુસાફરી કરી રહ્યું હતો હું દિવસોનાં દિવસો સુધી પગપાળા મુસાફરી કરતો પરંતુ, દ૨રોજ હું સુંદ૨માં સુંદ૨ સરોવરો, તેમની આસપાસ વૃક્ષો અને તેથી ઊંચી ટોચવાળાં અને હાલતાં-ચાલતાં જોતો, ત્યારે મને નવાઈ લાગતી.’ મને થતું કે, “આ કેવું સુંદર દેખાય છે. છતાં લોકો આને મરુભૂમિ કહે છે!” આશરે એક મહિના સુધી મેં પ્રવાસ દરમિયાન રોજ આ ૨મણીય સરોવરો,, વૃક્ષો અને વનસ્પતિઓ જોયાં કર્યાં. એક દિવસે મને બહુ જ ત૨સ લાગી, પાણી પીવાની અદમ્ય ઇચ્છા થઇ. તેથી હું પેલા એક સ્વચ્છ, સુંદ૨ દેખાતા સરોવ૨ પાસે જવા નીકળ્યો. પરંતુ ત્યાં પહોંચ્યો કે તરત જ તે અદૃશ્ય થઈ ગયું. સાચે જ એક ચમકારો મારા મગજમાં ઊઠ્યો, “અરે, જેને વિષે હું આજ સુધી વાંચતો હતો તે મૃગજળ આ જ!” તેની સાથે જ એ વિચાર પણ આવ્યો કે આ આખો મહિનો, રોજરોજ હું મૃગજળ જ જોયા ક૨તો હતો અને છતાં તે મૃગજળ છે એમ જાણતો ન હતો! બીજે દિવસે સવા૨માં મેં તો પાછું મારું પર્યટન કાર્ય શરૂ કર્યું. વળી પાછું એ સરોવર દેખાયું ખરું, પરંતુ એ સાથે જ એ વિચાર પણ આવ્યો એ તો મૃગજળ છે, ખરું સરોવર નથી. આ સંસા૨નું પણ તેમ જ છે. આપણે બધા આ સંસારના મૃગજળમાં દિવસોના દિવસો, મહિનાના મહિનાઓ, વ૨સોના વરસો સુધી, એ મૃગજળ છે એમ જાણ્યા વિના ફર્યાં જ કરીએ છીએ. એક દિવસે એ ભ્રમ ભાંગશે, પણ વળી પાછો એ આવશે. શરી૨ પૂર્વકર્મના પ્રભાવ નીચે ૨હેશે એટલે મૃગજળ પાછું દેખાશે. જ્યાં સુધી આપણે કર્મોથી બંધાયેલા છીએ ત્યાં સુધી આ સંસાર આપણે અનુભવવો પડવાનો જ, સ્ત્રી, પુરુષો, પશુઓ, વૃક્ષો આપણી આસક્તિઓ, આપણી ફરજો વગેરે પાછા આપણને અનુભવવા પડશે, પરંતુ ત્યારે એમનામાં પૂર્વનું બળ નહિ રહે.”૧૩

નડિયાદમાં હરિદાસ દીવાનજીના નિવાસ સ્થાને:

પાલીતાણાથી જૂનાગઢ થઈ સ્વામીજી નડિયાદ આવ્યા. દીવાન હરિદાસના આગ્રહથી સ્વામીજીને તેમના મૂળ ઘરે, નડિયાદમાં જવું પડ્યું હશે, હરિદાસના પૈતૃક વિશાળ મકાનના પ્રથમ માળે સ્વામીજી ઊતર્યા હતા. ૧૮૭૪માં નિર્મિત આ ત્રણ માળવાળું વિશાળ મકાન ૨૦૦ ઓ૨ડા ધરાવે છે. અહીં સ્વામીજીએ આનંદથી થોડા દિવસો ગાળ્યા. સંગીતની જાણે કે મહેફિલ જામતી. જે તાનપુરાથી સ્વામીજીએ મધુ૨ ભજન ગાયાં હતા. તે છેલ્લાં થોડાં વર્ષોથી શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં સંભાળીને રાખવામાં આવ્યો છે.૧૪ ખેદની વાત છે કે જે ઓ૨ડામાં સ્વામીજી રહ્યા હતા તે અત્યારે સારી હાલતમાં નથી અને દવાખાના માટે ભાડે આપેલ છે. નડિયાદમાં સ્વામીજી પ્રસિધ્ધ સાહિત્યકાર ચિંતક મણિભાઇ નભુભાઈ દ્વિવેદીને પણ મળ્યા હતા. શ્રી મણિભાઇએ શિકાગોની સર્વ ધર્મ પરિષદ માટે નિબંધ લખી મોકલ્યો હતો કારણ કે પોતે ત્યાં જઈ શક્યા નહોતા.

વડોદરામાં દીવાન મણિલાલ જશભાઇ સાથે:

વડોદરાનાં ત્યા૨ના દીવાન મણિલાલ જશભાઈ પણ દીવાન હરિદાસના બાળગોઠિયા હતા. સ્વામીજી તેમના ૫૨નો પરિચય પત્ર લઈ નડિયાદથી વડોદરા આવ્યા. અહીં તેઓ સંભવતઃ ‘દિલાવર’ બંગલામાં રહ્યા હશે. સ્વામીજીએ વડોદરાથી દીવાન હરિદાસને ૨૬ એપ્રિલ ૧૮૯૨ ના લખેલ પત્ર પ૨થી લાગે છે કે તેઓ માત્ર ત્રણ દિવસ વડોદરા રોકાઈને ચોથે દિવસે મુંબઈ જવા માટે ૨વાના થયા. આ પત્રમાં અન્ય ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી પણ આપણને મળે છે. તેમણે લખ્યું: “નડિયાદ સ્ટેશને પહોંચ્યા પછી આપના ઘ૨ને શોધવામાં મને કોઈ મુશ્કેલી નહોતી પડી અને આપના ભાઈઓ તો તેવા જ છે જેવા હોવા જોઇએ – આપના જ ભાઈઓ-પ્રભુના આપનાં ૫૨ અને આપના પરિવા૨ ૫૨ વિશેષ આશીર્વાદ વ૨સો. મેં આવો ઉમદા પરિવાર મારા સમસ્ત ભ્રમણમાં ક્યાંય જોયો નથી. આપના મિત્ર મણિભાઈએ (વડોદરામાં) મને બધી સવલતો પૂરી પાડી છે. પણ જ્યાં સુધી તેની સાથેના મેળાપનો પ્રશ્ન છે – મેં તેમને ફક્ત બે વાર જોયા છે. એકવાર એક મિનિટ માટે અને બીજીવા૨ દશ મિનિટ માટે, જ્યારે તેમણે અહીંની શિક્ષણ પદ્ધતિ વિશે વાતચીત કરી. અલબત્ત, મેં અહીંની લાયબ્રેરી અને રવિ વર્માના ચિત્રો જોયાં છે અને એ જ અહીં જોવા યોગ્ય છે એટલે આજે સાંજે હું મુંબઈ જવા માટે રવાના થાઉં છું.

“નડિયાદમાં હું શ્રી મણિલાલ નભુભાઈને મળ્યો. તેઓ બહુ વિદ્વાન અને ધાર્મિક સદ્ગૃહસ્થ છે. તેમની સાથે મને મજા આવી.”

સમગ્ર ભારતના સર્વોત્તમ રાજવી સર સયાજીરાવ ગાયકવાડ

આશ્ચર્યની વાત છે કે ઉપરોક્ત પત્રમાં ક્યાંય સ્વામીજી સયાજીરાવ ગાયકવાડને મળ્યાનો ઉલ્લેખ નથી. પછીથી સ્વામીજીએ ત્રિવેન્દ્રમમાં પ્રિન્સ માર્તંડે વર્માને કહ્યું હતું કે, “જેટલા રાજાઓને હું મળ્યો તેમાં વડોદરાના મહારાજા ગાયકવાડની દેશભક્તિ, શક્તિ, સામર્થ્ય, દૂરંદેશીથી સૌથી વધારે પ્રભાવિત થયો છું.”૧૫ સ્વામીજીએ મિસ મેકલાઉડને બેલૂર મઠથી ૧૭ ફેબ્રુઆરી, ૧૯૦૧ ના પત્રમાં લખ્યું હતું, “મને આશા છે તમે વડોદરા જશો અને મહારાણીને મળશો.” આ ૫૨થી લાગે છે કે તેઓ મહારાણીથી પણ પ્રભાવિત થયા હતા. વડોદરા રાજ્યના સ૨કારી દસ્તાવેજો ૫૨થી માલુમ પડે છે કે સયાજીરાવ ગાયકવાડ ૧૬ એપ્રિલથી ૭ મે ૧૮૯૨ સુધી ‘લોનાવલી’ નામના સ્થળે હતા. આ પરથી એને લાગે છે કે કદાચ સ્વામીજી સયાજીરાવ ગાયકવાડને વડોદરામાં નહિ પણ મહારાષ્ટ્રમાં અથવા અન્ય કોઇ સ્થળે મળ્યા હશે.

ઉપસંહાર:

સ્વામીજીના ગુજરાત ભ્રમણનો ચિતાર અહીં સંક્ષેપમાં રજૂ કર્યો છે. ફક્ત મુખ્ય મુદ્દાઓને આવરી લેવાયા છે. આ સિવાય ઘણું શોધકાર્ય હજુ બાકી છે. સ્વામીજી ક્યા-ક્યા સ્થળોએ ગયા? કઈ-કઈ જગ્યાએ નિવાસ કર્યો? કેટલો સમય રહ્યા? શું-શું કર્યું? આ બધી વિસ્તૃત માહિતી મેળવવાની બાકી છે. શક્ય તેટલી માહિતી આપવાનો પ્રયાસ અહીં થયો છે. જો આ લેખ આવા શોધકાર્યોને પ્રેરે તો અમારો પરિશ્રમ સાર્થક ગણાશે.

અહીં એક સૂચન ક૨વાનું મન થાય છે કે જે સ્થળના મકાનોમાં યુગપુરુષ સ્વામીજીએ નિવાસ કર્યો હોય ત્યાં-ત્યાં સ્મૃતિ-મંદિર જેવું બને અને આ સ્મૃતિમંદિરો તેમનાં જીવન-સંદેશનો પ્રસાર કરવાના માધ્યમ બને તો આ ગુજરાત પરિભ્રમણ શતાબ્દીની મોટી ઉપલબ્ધિ ગણાશે. સ્વામીજી લીંબડીમાં જે મહેલમાં રહ્યા હતા ત્યાં આજે શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર ચાલે છે. પણ આ સિવાયની જગ્યાઓ ઉપેક્ષિત રહેલ છે. પોરબંદરમાં જે ભોજેશ્વર બંગલામાં સ્વામીજી મહિનાઓ રહ્યા તે બંગલો આજે પંચાયતના ગેસ્ટ હાઉસ તરીકે વપરાય છે. જો પૂરો બંગલો સ્મૃતિ મંદિ૨માં ફે૨વવાં શક્ય ન હોય તો ઓછામાં ઓછું જે ઓરડામાં સ્વામીજી રહ્યા હતા તે ઓરડો તો તત્કાલ સ્મૃતિમંદિ૨ તરીકે સચવાઈ શકે. તેવી જ રીતે અમદાવાદ, વડોદરા, નડિયાદ વગેરે સ્થળોએ જે-જે મકાનમાં સ્વામીજીએ નિવાસ કર્યો હતો. તે પાવન સ્થળોની પવિત્રતા સારી રીતે સચવાય તો ભાવિ પેઢીના આશીર્વાદ આપણને મળશે. સ્વામી વિવેકાનંદના પ્રસંશકો, ભક્તો અને સ૨કારી અધિકારીઓ બધા આ મુદ્દો પૂર્ણ ગંભી૨તાથી વિચારી રચનાત્મક દિશામાં સક્રિય પગલું ભરે તો આ પરિભ્રમણ શતાબ્દી મહોત્સવ સાર્થક થશે.

સંદર્ભ અને નોંધ:

૧. ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ (૨૧-૪-૧૯૮૪)માં પ્રગટ થયેલ શ્રી એન. રાધાકૃષ્ણનના લેખના આધારે.

૨. આ નોંધપોથીના અંશો ૧૮૯૬માં પ્રથમવા૨ પ્રકાશિત પુસ્તક ‘યશવંત ચરિત્ર’માં આપેલ છે. શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, લીંબડી દ્વારા આ પુસ્તકનું પુનઃ પ્રકાશન કરવામાં આવ્યું છે.

૩. ‘પ્રબુદ્ધ ભારત’ જૂન, ૧૯૭૭ માં શ્રી પ્રેમ. એચ. જોષીના લેખના આધારે.

૪. ‘શ્રી રામકૃષ્ણ પરમહંસ’ લેખક અને પ્રકાશક: ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતા દાણાપીઠ, નવોવાસ, વચલી પોળ, અમદાવાદ, બીજી આવૃત્તિ (૧૯૪૭) પૃ.૩-૪માં શ્રી છગનલાલ પંડ્યાનો ૨-૩-૧૯૧૮નો ટાંકેલ પત્ર.

૫. સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર ભાગ-૧ લેખક અને પ્રકાશકઃ ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતા, અમદાવાદ-પૃ.૧૫માં શ્રી છગનલાલ પંડ્યાનો ૯-૧૦-૧૯૨૧નો ટાંકેલ પત્ર.

૬. Life of Swami Vivekananda by his Eastern & Western Disciples, Advaita Ashrama, Calcutta. (1979 Ed.) p.290

૭. શ્રી મહેશ્વર વજેશંકર પંચોળીએ લેખકને ૨૦-૩-૯૦ના રોજ લખેલ પત્ર અનુસાર. હાલ આ ‘યુક્તોદય’ મકાનમાં જી.ઈ.બી.ના રીટાયર્ડ સુપ્રી. ઈન્જીનીયર શ્રી એચ. ડી. નાણાવટી રહે છે. જેમણે આ લેખની સામગ્રી એકઠી ક૨વામાં ઘણી સહાય કરી છે. (રાણાવાવડ મહાત્મા ગાંધી માર્ગ, જૂનાગઢ)

૮. સમાચાર પત્રોમાં પ્રકાશિત આ માહિતી અને શ્રી હરિદાસ વિષેની અન્ય ઘણી માહિતી સ્વામી એકાત્માનંદજીના લેખ “Haridas The Gladstone of India” માં ઉપલબ્ધ છે. (પ્રબુધ્ધ ભારત નવે.-ડિસે.૧૯૮૪)

૯. સ્વામી વિવેકાનંદ કૃત ભારતમાં આપેલ ભાષણો (૧૯૮૭) પૃ.૧૬૨-૧૬૩ પ્રકાશક: રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ.

૧૦. “The Times of India” અમદાવાદ, ૧૮ ઑક્ટો. ૧૯૯૧માં શ્રી પ્રભાકર વૈષ્ણવના લેખ “Gandhi Vivekananda and Porbandar”ના આધારે.

૧૧. શંકર પાંડુરંગ વિષેની સામગ્રી રાજકોટમાં શ્રી ઉમાકાંત પંડિત દ્વારા ઉપલબ્ધ કરાવેલ, શ્રી મનોહર કેશવલાલ પંડિતના લેખના આધારે આપવામાં આવી છે.

૧૨. રાવબહાદુર શંકર પાંડુરંગ યાંચે ચરિત્ર (મરાઠી) લેખક: શ્રી નિવાસ નારાયણ કર્ણાટકી પ્રકાશક: વ્હી. પ્રભા આણિ કંપની, ગિરગાંવ, મુંબઈ-૪, પૃ.૨૯.

૧૩. ‘સ્વામી વિવેકાનંદ શતાબ્દી ગ્રંથમાળ’ ભાગ-૭ (૧૯૮૦) પૃ. ૨૭૩ પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ.

૧૪. દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈના પરિવારના વંશજ શ્રી વીરેન્દ્રકુમાર દેસાઈએ લેખકને આપેલ માહિતી પ્રમાણે.

૧૫. Life of Swami Vivekananda by his Eastern and Western Disciples: vol.1 (1979 Ed.) p.332 Pub. by Advaita Ashrama, Calcutta.

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.