(નવેમ્બરથી આગળ)
સ્વામીજીએ અજ્ઞાનતા અને ગરીબી નીચે કચડાઈ રહેલા સામાન્યજન સમૂહના લોકોની સમસ્યાઓ અને જીવનનો જ માત્ર અભ્યાસ કર્યો હતો એવું નથી; પરંતુ પશ્ચિમનું આંધળું અનુકરણ કરતા ભારતના અમીર અને સુશિક્ષિત લોકોના જીવનમાં ભૌતિકવાદી વિચારોના પ્રભાવનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ જોઈને તેઓ હચમચી ઊઠ્યા હતા. અલ્વરના મહારાજા મૂર્તિપૂજામાં માનતા ન હતા. એક દિવસ મહારાજાની હાજરીમાં જ એમના કેટલાક કર્મચારી કારભારીઓને બોલાવ્યા. રાજ્ય શાસકની છબી નીચે ઉતારીને, આ છબી તો માત્ર કાગળનો ટુકડો જ છે, એમ કહીને તેના પર થૂંકવા કહ્યું. આનાથી રાજાના કર્મચારીઓ ભયચક્તિ થઈ ગયા. પછી મહારાજા તરફ ફરીને કહ્યું કે દરેકે દરેક જાણતા હતા કે છબીમાં રહેલા મહારાજા એ સદેહે રહેલા મહારાજા નથી, છતાં પણ આપની પ્રજા અને લોકો એ છબીમાં રહેલા મહારાજાને સન્માનનીય ગણે છે. એવી જ રીતે મંદિરમાંની પ્રભુની મૂર્તિ કે છબી ભક્તના મન:ચક્ષુ સમક્ષ એમના દેવતાને પ્રત્યક્ષ કરે છે અને એમનું ધ્યાન ધરવામાં તે સહાયક નિવડે છે; એમાંય ખાસ કરીને કોઈપણ ભક્તના આધ્યાત્મિક જીવનના પ્રારંભમાં એ વધુ સહાયક નીવડે છે. સ્વામીજીની મૂર્તિપૂજાની આવી સમજૂતી પાછળ રહેલા તર્કને મહારાજા સમજી ગયા અને એમણે સ્વામીજીની માફી માગી. પશ્ચિમના જીવન સાથે સંકળાયેલ ભૌતિકવાદી સંસ્કૃતિ અને રીતભાતો પાછળ આંધળી દોટ મૂકતા લોકોના દૃષ્ટિકોણને સુધારવા માટે પોતાના પરિવ્રાજક કાળમાં સ્વામીજી વાતચીત અને ચર્ચા દ્વારા જે પ્રયત્ન કરતા હતા, તેવી અનેક ઘટનાઓ પૈકીની આ એક ઘટના છે. બીજાં ઘણાં અન્ય સ્થળોની જેમ અલ્વરમાં પણ સ્વામીજીએ ત્યાંના યુવાનોને સંસ્કૃત અને પશ્ચિમના વિજ્ઞાનનો અભ્યાસ કરવાની; ભારતનાં કૃષિ, આરોગ્ય અને ગ્રામ્ય અર્થકારણને સુધારવાના ઉપાયો અને સાધનો શોધવાની તેમજ ભારતના સામાન્ય જનસમૂહ અને સુશિક્ષિત વર્ગની વચ્ચે વધુ સારા સુમેળવાળા સંબંધો સ્થાપવાની પ્રેરણાભરી હિમાયત કરી.
પોતાના પરિવ્રાજક કાળ દરમિયાન સ્વામીજી હિન્દુ મહારાજાઓ સાથે મિત્રતા કેળવી. આ મહારાજાઓ ભારતના પાંચમા ભાગ પર રાજ્ય કરતા હતા અને લાખો પ્રજાજનો પર તેમનો મહાન પ્રભાવ હતો. લોકોની ઉન્નતિ માટે સામાજિક સુધારણા દાખલ કરવામાં, શિક્ષણ પ્રણાલીમાં સુધારણા લાવવામાં, લોકોના શારીરિક, આરોગ્ય વિષયક, સાંસ્કૃતિક કલ્યાણ માટેનાં સુધારણા અને ઉપાયો આ મહારાજાઓ દ્વારા યોજી શકાશે એમ સ્વામીજીએ ધાર્યુ હતું. અને આ રીતે ભારતના પુનરુત્થાનનું સ્વપ્ન પ્રમાણમાં ઘણી સરળ રીતે સાકાર થઈ શકે તેમ હતું. સ્વામીજી પાસેથી મંત્રદીક્ષા લેનાર ખેતડીના મહારાજાને વિજ્ઞાનના અભ્યાસમાં રસ લેતા કર્યા. એ આનું ઉદાહરણ છે. આ મહારાજાએ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોનો અભ્યાસ સ્વામીજી પાસેથી કર્યો. અને પોતાના રાજમહેલના ઉપલા મજલે સૂક્ષ્મદર્શક યંત્ર અને દૂરદર્શકયંત્રથી સુસજ્જ એવી એક પ્રયોગશાળા પણ સ્થાપી હતી. આવી યોજનાઓ પર સ્વામીજી પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરી શકે એવી રીતે આ બધા રાજા-મહારાજાઓ આવા કાર્યમાં ગમે તે કારણોને લીધે સારી સિદ્ધિ મેળવી ન શક્યા કે એને સાકાર ન કરી શક્યા.
સ્વામીજીના પરિવ્રાજક જીવને એમના મન-જ્ઞાનના ક્ષેત્રને વધુ વિસ્તૃત બનાવ્યું અને સાથેને સાથે નાનામાં નાના માણસની પાસેથી પણ કંઈક ને કંઈક શીખવા માટે તેમને શક્તિમાન બનાવ્યા. એનાથી એમનો દૃષ્ટિકોણ વધુ વિશાળ અને ઉદાર બન્યો. બધાં પ્રકારના ગર્વ કે પૂર્વગ્રહોમાંથી એમનું મન મુક્ત થયું અને એક બ્રહ્મજ્ઞાની જેવી દૃષ્ટિમાં તેઓ પોતાની જાતને સ્થાપિત કરી શક્યા. તેઓ જ્યારે જયપુરમાં હતા ત્યારે ખેતડીના મહારાજાએ સ્વામીજીને એક સંગીત નૃત્યની મહેફિલમાં બોલાવ્યા. આ મહેફિલમાં એક નૃત્યાંગના ગાવાની હતી. સ્વામીજીએ એમાં આવવાનો ઈન્કાર કર્યો કારણ કે તેઓ સંન્યાસી હતા અને આવી ભોગવિલાસની બાબતો માણવાની તેમને મનાઈ હતી. એને લીધે આ નૃત્યાંગનાને હૃદયમાં ઘણું લાગી આવ્યું. તે કરુણ ઘેરા સૂરે આ ગીત ગાવા લાગી…
‘પ્રભુ મેરે અવગુણ ચિત્તના ધરો….’
પ્રભુ! મોરે અવગુણ ચિત્ત ન ધરો…. (ધ્રુવ)
સમ-દરશી હૈ નામ તિહારો,
ચાહે તો પાર કરો…. પ્રભુ!
એક નદિયા એક નાર કહાવત,
મૈલો હી નીર ભરો!
જબ મિલ કરકે એક બરન ભયે,
સુરસરિ નામ પર્યો…. પ્રભુ!
ઈક લોહા પૂજા મેં રાખત,
ઈક ઘર બધિક પર્યો
પારસ ગુણ અવગુણ નહીં ચિતવત,
કંચન કરત ખરો…. પ્રભુ!
(યહ) માયા ભ્રમ-જાલ કહાવત,
‘સૂરદાસ’ સગરો;
અબ કી બેર મોહિં પાર ઉતારો,
નહિ પ્રન જાત ટરો…. પ્રભુ!
આ સાંભળીને સ્વામીજીનું હૃદય દ્રવી ઊઠ્યું. જે નૃત્યાંગનાને સમાજે અપવિત્ર નારી તરીકે તિરસ્કૃત કરી દીધી હતી, તેણે એમને એક મોટો બોધપાઠ શીખવ્યો. સદૈવ નિર્મળ પવિત્ર એવા બ્રહ્મ તો પવિત્ર અને અપવિત્ર એવા સૌ કોઈનું સારભૂત તત્ત્વ છે. સંન્યાસીએ બધા પદાર્થો અને વ્યક્તિઓને આ બ્રહ્મની દૃષ્ટિએ જોવા જોઈએ. પછી સ્વામીજી એ મહેફિલમાં જોડાયા અને આંખમાં આંસુ સાથે એ નૃત્યાંગનાને કહ્યું, ‘મા, હું દોષી છું. આ ખંડમાં આવવાનો ઇન્કાર કરીને હું તમારું અપમાન કરવા જતો હતો. તમારા આ કરુણ ઘેરા ગીતે મારા અંતરાત્માને જગાડી દીધો છે.’ (વિવેકાનંદ, એ બાયોગ્રાફી : સ્વામી નિખિલાનંદ, ૧૯૮૭, પૃ. ૧૦૫)
બ્રહ્મના આ દૃષ્ટિકોણને લીધે હિન્દુ, મુસ્લિમ, ખ્ર્રિસ્તી; મંદિર-મસ્જિદ કે ગિરજાઘર વચ્ચે કોઈ ભેદ ન હતો. તેઓ આ બધાં સ્થળે ભાવપૂર્વક જતા અને કોઈ પણ જાતના ખચકાટ વિના તેમણે પોતાના મુસ્લિમ યજમાનોનું આતિથ્ય પણ સ્વીકાર્યું હતું. તેમને અલ્હાબાદમાં મળેલા એક મુસ્લિમ ફકીરની આધ્યાત્મિક મહત્તાને જાણવા અને ઓળખવામાં એમની નજર નિષ્ફળ ન ગઈ. તેમણે એ ફકીર વિશે આમ કહ્યું હતું : ‘એમના મુખારવિંદની રેખાઓ અને વળાંકો સ્પષ્ટપણે બતાવતાં હતાં કે તેઓ એક પરમહંસ છે. (વિવેકાનંદ, એ બાયોગ્રાફી : સ્વામી નિખિલાનંદ, ૧૯૮૭, પૃ. ૧૦૫) બેંગ્લોરમાં રાજ્યના એક મુસ્લિમ કાઉન્સિલર એ જાણીને આશ્ચર્યમાં પડી ગયા હતા કે એક હિન્દુ સંન્યાસી ઈસ્લામનાં શાસ્ત્રોના આટલા સારા જ્ઞાતા અને અભ્યાસુ છે. અત્યંત નીચલા વર્ગના ગણાતા લોકોના ઊંચી ગુણવત્તાવાળા ચારિત્ર્યે પણ સ્વામીજીના મન પર કંઈ ઓછો પ્રભાવ પાડ્યો નહોતો. આધ્યાત્મિક માર્ગદર્શન ઝંખતા લોકોની સાથે રાજપૂતાનામાં એક સ્થળે સ્વામીજી ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી વાતો કરતા રહ્યા. કોઈએ એમનાં ભોજન કે આરામની ચિંતા ન કરી. એ બધા જિજ્ઞાસુઓ ચાલ્યા ગયા પછી એક નીચલા વર્ણના ગરીબ અછૂતે ઘણા સંકોચ સાથે સ્વામીજીને વણરાંધ્યું ભોજન આપ્યું. (અછૂત હોવાને લીધે સ્વામીજીને રાંધ્યું ભોજન આપતાં ડરતો હતો.) આમ છતાં સ્વામીજીએ એ દયાળુ હૃદયના માણસને પોતાના માટે રાંધેલું ભોજન લાવવા કહ્યું અને તેમણે ઘણા આનંદ સાથે આરોગ્યું. કૃતજ્ઞતાના આંસુ સાથે સ્વામીજીએ મનોમન બોલી ઊઠ્યા : ‘આવા હજારો હજારો ભલા માણસો ઝૂંપડીઓમાં રહે છે અને આપણે એમને અસ્પૃશ્ય ગણીને ધિક્કારીએ છીએ!’ (વિવેકાનંદ, એ બાયોગ્રાફી : સ્વામી નિખિલાનંદ, ૧૯૮૭, પૃ. ૧૦૨-૦૩).
જેમ જેમ સ્વામીજી વધુને વધુ પરિભ્રમણ કરતા ગયા તેમ તેમ એમને પાકી ખાતરી થઈ કે ભારતના રાષ્ટ્રીય જીવનની કરોડરજ્જુ ધર્મ છે. અને આજની આ અવનતિ ધર્મને કારણે નથી પણ ધર્મની વિકૃતિને લીધે છે; એના કરતાંય અજ્ઞાનતા અને ધર્મના ભવ્ય સિદ્ધાંતોને જીવનમાં ન અપનાવવાને લીધે આ બધું થયું છે.
જ્યારે સ્વામીજી પોરબંદરમાં હતા ત્યારે પંડિત શ્રીશંકરપાંડુરંગે સ્વામીજીને પશ્ચિમમાં જવાની સલાહ આપી કારણ કે ત્યાં એમના સનાતન હિન્દુ ધર્મ વિશેના તેજોજ્જ્વલ વિચારોની સુયોગ્ય કદર થઈ શકે તેમ હતી. જુનાગઢ કે પોરબંદરમાં શિકાગોમાં યોજાનારી વિશ્વધર્મ પરિષદ વિશે માહિતી મળી હતી. ૧૮૯૨ના શિયાળાની શરૂઆતમાં ખંડવામાં એમણે આ વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપવાનો પ્રથમ ઈશારો કર્યો હતો. અને બેલગામમાં એમણે પોતાના એક શિષ્ય સમક્ષ આ વિચારની વાત ફરીથી કરી હતી. પરંતુ જ્યાં સુધી તેઓ ભારતનું પૂરું પરિભ્રમણ ન કરી લે ત્યાં સુધી કોઈપણ પ્રકારની સહાય સ્વીકારવાનો એમણે ઇન્કાર કર્યો. બેંગ્લોરના મહારાજાશ્રીને સ્વામીજી પ્રત્યે ઘણો ભક્તિભાવ હતો. એમણે પૂછ્યું : ‘સ્વામીજી, આપને માટે હું શું કરી શકું?’ એના પ્રત્યુત્તરમાં સ્વામીજીએ પોતાની લાગણીઓનો ઊભરો ઠાલવીને મનનો ભાર હળવો કર્યો. સૌ પ્રથમ તો એમણે ભારતની પરિસ્થિતિની વાત કરી. પછી તેમણે કહ્યું કે, ભારતનો અમર ખજાનો તત્ત્વદર્શન અને અધ્યાત્મજ્ઞાન રહ્યાં છે. પરંતુ આજે એને સુવ્યવસ્થિત રીતે કરેલા સુધારાઓવાળા આધુનિક વૈજ્ઞાનિક વિચારોની ઘણી આવશ્યકતા છે. ભારત માટે સ્વામીજી જ એક એવી મહાન વિભૂતિ હતા કે જેઓ પશ્ચિમના લોકોમાં ભારતના અમૂલ્ય ખજાનાને વહેંચતા રહ્યા. તેઓ વેદાંતનું અમૃતજ્ઞાન ઉપદેશવા અમેરિકા જવા ઇચ્છતા હતા. તેમણે કહ્યું : ‘આપણા લોકોને આધુનિક કૃષિ, ઉદ્યોગ અને બીજા તકનીકી વિજ્ઞાનોનું જ્ઞાન આપી શકે તેવા સાધનો પૂરાં પાડીને પશ્ચિમે આપણી ભૌતિક પરિસ્થિતિમાં સુધારો લાવવામાં મદદ કરવી જોઈએ, એ જ હું ઇચ્છું છું.’ (ધ લાઈફ, વો.૧, પૃ. ૩૨૪). એમના ખર્ચને પહોંચી વળવા મહારાજાએ જરૂરી નાણાંકીય સહાય આપવાનું વચન પણ આપ્યું. આમ છતાં પણ જ્યાં સુધી એમનું ભારત પરિભ્રમણ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ સહાય લેવાનો એમણે ઇન્કાર કર્યો.
બેંગ્લોરથી સ્વામીજી ત્રિશૂર અને ત્રિવેન્દ્રમ્ ગયા. પછી કન્યાકુમારી જઈને દરિયા કિનારે આવેલા મંદિરમાં કુમારી ભગવાનની પૂજા કરી. તેમની નજર ધસમસતા સાગરના પાણીની ઉપર છેડે દૂર આવેલા ઊંચા ખડક પર પડી. એમને ત્યાં જઈને ભારતદર્શનની ઇચ્છા થઈ. હોડીમાં બેસવા માટે તેમની પાસે પૈસા ન હતા એટલે તેઓ શાર્ક માછલીઓથી ભરેલા એ મહાસાગરમાં તરીને ત્યાં પહોંચ્યા. એ શિલા પર બેઠા, તેમની સમક્ષ સમગ્ર ભારતીય ઉપખંડ હતો. પોતાનાં નેત્રો બંધ કરીને વર્ષો સુધીના પોતાના પરિભ્રમણ કાળના અનુભવોનું પુનરાવલોકન કર્યું અને ત્યાં ધ્યાનમાં સ્થિર થયા. અહીં તેમને વળી પાછી ભારતની સમસ્યાઓ નિહાળી, એ સમસ્યાઓ ભારતના અસંખ્ય ગરીબોની હતી અને આ દેશના ભાવિની પણ હતી. તેમણે ગતકાળના ઇતિહાસમાં થયેલા ભારતના પતનનાં કારણો પણ જોયા અને તેના પુનરુત્થાન માટેનાં સાધનો તેમને હાથવગાં હોય તેવું લાગ્યું. આ બધું એમના મનમાં વીજ ચમકારાની જેમ ઝબકી ગયું, અને તેમણે ભારતના સામાન્ય જનસમૂહની ઉન્નતિ માટે ધન એકઠું કરવા પશ્ચિમમાં જવાનો મહત્ત્વનો નિર્ણય એ જ પળે લઈ લીધો. ભારતે સદીઓથી એકઠો કરીને સંગ્રહી રાખેલ તેમજ પોતે પોતાના ગુરુદેવ પાસેથી વારસામાં મેળવેલ અત્યંત સમૃદ્ધ આધ્યાત્મિક ખજાનાના બદલામાં તેઓ આવું કરવા ઇચ્છતા હતા. (‘સ્વામી વિવેકાનંદ’ ઈન ધ એપોસ્સલ ઓફ શ્રીરામકૃષ્ણ, સ્વામી ગંભીરાનંદ, અદ્વૈત આશ્રમ, ૧૯૮૯, પૃ. ૩૭) ૧૯ માર્ચ, ૧૮૯૪ના સ્વામી રામકૃષ્ણાનંદજીને ઉદ્દેશીને લખેલા એક પત્રમાં સ્વામીજીએ સંક્ષેપમાં આ અત્યંત મહત્ત્વના અને પોતાના જીવનમાં એક નવું પ્રકરણ આલેખતા, સાથેને સાથે ભારતના ઇતિહાસમાં, ભારતના સંન્યસાશ્રમની પ્રણાલીના ઇતિહાસમાં એક નવું પ્રકરણ આલેખતા તેમજ વિશ્વના સાંસ્કૃતિ ઇતિહાસમાં પણ એક નવું પ્રકરણ ઉમેરતા ઘટના પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે :
…..વેદ ભગવાને તો કહ્યું છે त्वं स्त्री त्वं पुमानसि कुमार उत वा कुमारी – તું જ સ્ત્રી છો, તું જ પુરુષ છો, છોકરો અને છોકરી પણ તું છો (શ્વેતાશ્વેતર ઉપનિષદ). જ્યારે આપણે બૂમો પાડીએ છીએ. दूरमपसर रे चाण्डाल। (હે ચંડાળ! આઘો ખસ), केनैषा निर्मिता नारी मोहिनी – ‘માયારૂપી આ નારી કોણે સર્જી?’ વગેરે ભાઈ! દક્ષિણ ભારતમાં ઉચ્ચ વર્ણના લોકો નીચા વર્ણના લોકોને જે રીતે પજવે છે તેના ભયંકર અનુભવો મને થયા છે. મંદિરોમાં જ કેવા હીન વ્યભિચાર ચાલે છે! જે ધર્મ ગરીબોનાં દુ:ખ દૂર ન કરે અને માનવને દેવ ન બનાવે તે શું ધર્મ કહેવાય?….
……આ બધાનો તેમજ ગરીબાઈ અને અજ્ઞાનનો વિચાર કરતાં હું ઊંઘી શકતો નહિ. કેપકેમોરીનમાં ભારતના છેલ્લા ભૂમિપ્રદેશ પર મા-કન્યાકુમારીના મંદિરમાં બેસીને મેં એક યોજના વિચારી. આપણે કેટલાય સંન્યાસીઓ ભટકીએ છીએ અને લોકોને અધ્યાત્મવિદ્યા શીખવીએ છીએ – પણ આ બધું ગાંડપણ છે. આપણા ગુરુદેવ કહેતા કે, ‘ભૂખ્યે પેટે ધર્મ ન થાય!’ આ ગરીબ માણસો પશુ જેવું જીવન ગાળે છે તે કેવળ અજ્ઞાનને લીધે જ. દરેક યુગમાં આપણે તેમનું લોહી ચૂસ્યું છે અને તેમને પગ તળે છૂંદ્યા છે…. (સ્વા. વિ. ગ્રંથમાળા, ભાગ-૧૦, પૃ. ૪૩-૪૪)
સ્વામીજીએ પોતાના સંન્યાસી બંધુઓને લખેલા આ પત્રમાં પોતાની કાર્યયોજનામાં એટલે કે ભારતના સામાન્ય જનસમૂહમાં વૈશ્વિક કેળવણીનો પ્રચાર કરવાના કાર્યમાં- જે એમના ભારતમાંના મહાન જીવન કાર્યનો એક ભાગ પણ હતો- એ કાર્યમાં સંન્યાસીઓની સેવાનો ઉપયોગ કરવાની વાત એમાં અભિવ્યક્ત થઈ છે.
વિશેષ કરીને પોતાના શિષ્ય શરદચંદ્ર ગુપ્તા (સ્વામી સદાનંદ)ને હાથરસમાં તેમજ મૈસૂરના મહારાજાને સાથેને સાથે પોતાના વાર્તાલાપો અને વ્યાખ્યાનોમાં આ પહેલાં સ્વામીજીએ જે કંઈ કહ્યું હતું તેના પરથી કોઈપણ ચોક્કસપણે એ તાત્પર્ય તારવી શકે કે કન્યાકુમારીમાં પણ સમગ્ર માનવજાતને સહાય કરવાના પોતાના ભગીરથ જીવનકાર્યથી તેઓ પૂર્ણપણે વાકેફ હતા. શ્રીરામકૃષ્ણદેવનાં ઉપદેશ, સૂચન સલાહ, વિલક્ષણ જીવન તેમજ આલ્મોડાની નજીક પોતાને થયેલ અંતરઆત્માની અનુભૂતિઓ દ્વારા તેમણે માનવમાં રહેલા પ્રભુની સેવાના આદર્શને પોતાના જીવનકાર્ય તરીકે સ્વીકારી લીધો હતો. તેમને પાકી ખાતરી થઈ ગઈ કે ‘માનવમાં રહેલા પ્રભુની સેવાથી – ભારતના સામાન્યજનોની સેવાથી – એમની પ્રભુપૂજાનો આરંભ થવો જોઈએ.’ (વિવેકાનંદ, એ બાયોગ્રાફી પૃ.૯૯-૧૦૦) પરંતુ એમણે પશ્ચિમના દેશોમાં વેદાંતનો ઉપદેશ આપવાનો નિર્ણય લીધો; આ ભારત માટે તો ઉપકાર હતું પણ સાથેને સાથે પશ્ચિમના દેશોના કલ્યાણ માટેનું કાર્ય હતું.
જ્યારે સ્વામીજીએ સર્વપ્રથમવાર પોતાના કુટુંબના સાંસારિક સંબંધોનો ત્યાગ કર્યો અને બારાનગરમાં મઠની સ્થાપના કરી ત્યારે તેમને પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણનાં શ્રીચરણકમલોમાં બેસીને શીખેલા ‘સર્વસંવાદી ધર્મ’ના આદર્શોને વ્યવહારુ બનાવવા તેમજ તેનો ઉપદેશ આપવો એવા પોતાના મહાન જીવનકાર્ય વિશે તેમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હતો. આ નિર્ણય સાથે તેઓ સાગરની શિલા પરથી કન્યાકુમારીની ભૂમિ પર આવ્યા. ત્યાંથી તેઓ મદ્રાસ જતાં રસ્તામાં રામનદ અને પોંડિચેરીમાં રોકાયા. પોતાની ધારણા કરતાં પણ વધુ માત્રામાં એમનાં યશ-કીર્તિ શહેરમાં પ્રસરી ગયાં હતાં. જેમણે સ્વામીજી વિશે સાંભળ્યું હતું અને અંતરથી એમની મહત્તાને ઓળખી-જાણી હતી, એવા શુદ્ધ અને પ્રબળ ચારિત્ર્યવાન યુવાનોએ ઘણાં આનંદોલ્લાસ સાથે એમનું સ્વાગત કર્યું. જીવનનાં વિવિધ ક્ષેત્રોના સુખ્યાત લોકો-વકીલો, ન્યાયાધીશો, કોલેજના અધ્યાપકો, સંસ્કૃતના પંડિતો સમાજસુધારકો એમની આસપાસ ટોળે વળતા. એ બધાંની સાથે સ્વામીજીએ આ દેશના ક્ષેમકલ્યાણને લગતાં જુદા જુદા વિષયો પર ચર્ચા કરી. તેમણે શિકાગોમાં યોજાનારી વિશ્વ ધર્મપરિષદમાં ભાગ લેવા માટે પશ્ચિમમાં જવાના ઇરાદાની વાત પણ કરી. મદ્રાસના આ યુવાનોએ એમના આ વિચારને હૃદયપૂર્વક વધાવી લીધો અને સાથેને સાથે તેમણે આ યાત્રા માટે ધન પણ એકત્રિત કર્યું. પરંતુ સ્વામીજીએ એ યુવાનોએ એકઠી કરેલી રકમ ગરીબોમાં વહેંચી આપવા કહ્યું, કારણ કે પશ્ચિમમાં એમના જવા પાછળ જગન્નમાતાની ઇચ્છા છે કે કેમ એની એમને પાકી ખાતરી ન હતી.
એ સમય દરમિયાન સ્વામીજી કેટલાક મિત્રોની વિનંતીથી ટૂંકા સમય માટે હૈદરાબાદ ગયા અને ત્યાં તેમણે પોતાનું ‘મારું પશ્ચિમનું જીવનકાર્ય’ વિશે પ્રથમ જાહેર પ્રવચન આપ્યું. ૧૭ ફેબ્રુઆરી, ૧૮૯૩ના રોજ મદ્રાસમાં પાછા ફરીને સ્વામીજીએ જગન્નમાતાની ઇચ્છા જાણવાનો દૃઢ નિર્ણય કર્યો. તેમણે પશ્ચિમમાં જવું જ જોઈએ એવી તેમને મનમાં ખાતરી થઈ ગઈ હતી; પરંતુ એમણે તો ‘સાચું પ્રત્યક્ષ દર્શન’ અને ‘સીધે સીધી અને સ્પષ્ટ આજ્ઞા’ ની જગન્માતા પાસે માગણી કરી. દિવસોના દિવસો સુધી તેઓ ઊંડા ધ્યાનમાં બેસી રહ્યા અને પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણને તેમજ જગદંબાને માર્ગદર્શન માટે અવિરત પ્રાર્થના કરતા રહ્યા. (ધ લાઈફ, વો.૧, પૃ.૩૮૦) એક સૂચક સ્વપ્નમાં એક દિવસ એમણે જોયું કે શ્રીરામકૃષ્ણ દરિયા કિનારેથી મહાસાગરમાં ચાલીને જતા હતા અને એમને પાછળ પાછળ આવવાનું કહેતા હતા. તેમને જે દિવ્યાજ્ઞાની આવશ્યકતા હતી હવે તે મળી ગઈ છે, એવી એમને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ અને તેમણે શ્રી શ્રીમાને ‘આ સુદીર્ઘયાત્રા માટે તેમના આશીર્વાદની ઝંખના’ વિશે લખ્યું. શ્રી શ્રીમાએ પણ પોતાના આ પૂર્વેના દર્શનોમાં જોયું હતું કે શ્રીરામકૃષ્ણ હવે એમના પટ્ટશિષ્ય નરેન દ્વારા કામ કરશે. એમણે પ્રેમ અને ઉષ્માભર્યાં સૂચનો સાથે પોતાના આશીર્વાદ પાઠવ્યા. હવે સ્વામીજીનો આનંદ અસીમ આનંદ બની ગયો. હવે એમની બધી શંકાઓ દૂર થઈ ગઈ. તેમણે મનોમન કહ્યું: ‘વાહ, હવે બધું બરાબર છે. આ જગદંબાની જ ઇચ્છા છે!’ (ધ લાઈફ, પૃ.૩૮૩)
મદ્રાસના યુવાન શિષ્યો ફરીથી ધન એકત્રિત કરવા માંડ્યા. આ ઉદાત્ત હેતુ માટે આલાસિંગાએ તો ઘરે ઘરે જઈને ધનયાચના કરી. સ્વામીજીએ આ માટે એમને મધ્યમવર્ગના લોકોને વિનંતી કરવા કહ્યું, કારણ કે તેમણે કહ્યું હતું: ‘હું તો આ મધ્યમવર્ગના અને ગરીબોના પ્રતિનિધિ રૂપે જઉં છું’. (યુનિવર્સલ ગોસ્પેલ, પૃ.૩૦) મૂળ તો સ્વામીજી મદ્રાસથી જવા ઉપડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, પરંતુ એમના શિષ્ય ખેતડીના મહારાજાના હૃદયપૂર્વકના આમંત્રણથી સ્વામીજી રાજપૂતાના ગયા અને મુંબઈથી પોતાની પશ્ચિમની સફર શરૂ કરવાનું નક્કી થયું. મુંબઈમાં તેઓ પોતાના બે ગુરુબંધુ સંન્યાસીઓ – સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી તુરીયાનંદને મળ્યા. સ્વામી તુરીયાનંદને એમણે પોતાના મનની લાગણીની વાત કરી: હરિભાઈ હું અમેરિકા જઉં છું, ત્યાં જે કંઈ (વિશ્વધર્મ પરિષદની તૈયારીઓની વાત) પણ બનવાનું છે એના વિશે તમે જે કંઈ સાંભળશો તે આને માટે (પોતાની છાતી પર હાથ મૂકીને) છે. આને (મારા) માટે જ બધું બરાબર ગોઠવાઈ રહ્યું છે. (ધ લાઈફ, વો. ૧, પૃ.૩૮૫)
આ વિધાન સ્પષ્ટ નિર્દેશ કરે છે કે સ્વામીજીને હૃદયમાં પાકી ખાતરી થઈ ગઈ હતી કે ડગલેને પગલે શ્રીમા જગદંબા એમને માર્ગદર્શન આપશે અને એમનું રક્ષણ કરશે. અહીં એ નોંધવું જરૂરી છે કે પોતાના પરિવ્રાજક જીવન દરમિયાન સ્વામીજીને એવા ઘણા અનુભવો થયા હતા કે જેણે એમની ઈશ્વર શ્રદ્ધાને અટલઅચલ બનાવી. પોતાના પરિભ્રમણ દરમિયાન તેમણે ધનને ન સ્પર્શવાની પ્રતિજ્ઞા લીધી હતી. સમયે સમયે તેમણે ગમે તેની પાસેથી ભિક્ષાન્ન ન માગવાની અને પ્રભુના શરણે ગયેલાની પ્રભુ કેવી સંભાળ લે છે તેની વાસ્તવિક અનુભૂતિ કરવા જે અનાયાસે આવે તેની પાસેથી ભિક્ષાન્ન મેળવવાની વધારાની પ્રતિજ્ઞા પણ કરી હતી. આને લીધે એમણે કેટલાય દિવસો સુધી ભૂખ્યા રહેવું પડતું. કદાચ, ઈશ્વરે એવીયે લીલા કરી હોય કે સ્વામીજી પોતે સમાજના ગરીબમાં ગરીબ કેવા ભૂખમરાથી પીડાય છે એની પણ અનુભૂતિ કરે. અંતે એમને કોઈ અદ્ભુત રીતે ભોજન મળી જતું. એને તો આપણે કોઈ દિવ્ય તત્ત્વની દિવ્ય કૃપા રૂપે સમજાવી શકાય. ઉદાહરણ તરીકે વૃંદાવન પાસેના ગોવર્ધન પર્વતની પરિક્રમામાં તેમણે આવું અયાચકવ્રત લીધું. બરાબર મધ્યાહ્ને એમને કકડીને ભૂખ લાગી હતી. એમની મુશ્કેલીમાં વધારો કરતો વરસાદ વરસવા લાગ્યો. ભૂખને કારણે તેમને ચક્કર આવવા માંડ્યા પણ એમણે ચાલવાનું ચાલુ જ રાખ્યું. એકાએક ક્યાંકથી એક અજાણ્યો માણસ આવ્યો. તેણે તેમની પાછળથી અવાજ કર્યો અને અંતે એમની પાસે દોડતો ગયો. એ માણસે ઘણા પ્રેમભાવથી સ્વામીજીને ભોજન આપ્યું અને થોડીવારમાં ત્યાંથી જંગલમાં અદૃશ્ય થઈ ગયો. સ્વામીજીને ખાતરી થઈ કે પ્રભુએ તેના આ ભક્તની અંતે સંભાળ લીધી ખરી! (ધ લાઈફ, વો. ૧, પૃ.૨૧૮-૧૯) પશ્ચિમમાં પણ ઘણી વખત તેઓ આવી જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં મૂકાઈ જતા. પરંતુ તેઓ હંમેશાં આવી પરિસ્થિતિઓમાં પણ શાંત, ધીર, સ્થિર રહેતા. એનું કારણ એ છે કે તેમને પાકી ખાતરી હતી કે પ્રભુ જરૂર એની રક્ષા કરવાના જ છે. ઈશ્વર પરની આ પૂર્ણ અને અટલ શ્રદ્ધા સ્વામીજીએ પોતાના પરિવ્રાજક જીવનમાંથી મેળવી હતી.
એ જ બે સંન્યાસી બંધુઓ (સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી તુરીયાનંદ) વળી પાછા એમને માઉન્ટ આબૂના સ્ટેશને મળ્યા. એ વખતે તેઓ મુંબઈ તરફ જતા હતા. વળી પાછું સ્વામીજીએ સ્વામી તુરીયાનંદને અત્યંત લાગણીપૂર્વક અને દુ:ખપૂર્વક આવા ઉદ્ગારો સાથે કહ્યું: ‘હરિભાઈ, હજુ પણ હું તમારા આ કહેવાતા ધર્મને સમજી શક્યો નથી… પણ મારું હૃદય ઘણું વિશાળ બન્યું છે અને હું (બીજાનાં દુ:ખોને જોઈને) સંસંવેદી બનવાનું શીખ્યો છું. તમે માનશો, મને એ (કહેવાતા ધર્મની વાત) ઘણું ખરાબ લાગે છે.’ લાગણીથી એમને ગળે ડૂમો આવી ગયો; તેઓ વધુ કંઈ કહી ન શક્યા. થોડી ક્ષણ માટે ત્યાં શાંતિનું સામ્રાજ્ય જામી ગયું અને એમના ગાલ પરથી આંસું સરવા માંડ્યાં. સ્વામી તુરીયાનંદજીએ વિચાર્યું: ‘શું આ વાણી અને સંવેદના બુદ્ધની જ વાણી અને સંવેદના નથી?’ તેમણે (સ્વામી તુરીયાનંદજીએ) કહ્યું: ‘હું સ્પષ્ટપણે જોઈ શક્યો કે માનવજાતના આ પીડાદર્દે સ્વામીજીના હૃદયને કંપાવી દીધું હતું. તેમનું હૃદય એક વિશાળ પાત્ર હતું જેમાં માનવજાતનાં આ બધાં દુ:ખદર્દ રોગનાશક રામબાણ દવા બની જતાં. (ધ લાઈફ, વો. ૧, પૃ.૩૮૮)
ખેતડીના મહારાજાના અંગત સેક્રેટરી સાથે સ્વામીજી મુંબઈ પહોંચ્યા. ૩૧મી માર્ચ, ૧૮૯૩ના રોજ તેઓ ત્યાંથી પશ્ચિમની સફરે નીકળ્યા. એમના પ્રેમાળ શિષ્ય આલાસિંગા પેરુમલ એમને વિદાય આપવા ત્યાં આવ્યા હતા. મદ્રાસના શિષ્યો રામનદ અને મૈસૂરના રાજાઓએ આ યાત્રા માટે આર્થિક સહાય કરી હતી. ખેતડીના મહારાજાએ પ્રથમવર્ગની ટિકિટ એક પાકિટ અને સુયોગ્ય પોશાક આપ્યાં હતાં. એમની વિનંતીથી સ્વામીજીએ વિવેકાનંદ એવું નામ કાયમને માટે રાખવાનું સ્વીકાર્યું. આવી રીતે સ્વામીજીના ભારત પરિભ્રમણનો અંત આવે છે અને બીજા વિશ્વમાં વિશ્વપરિભ્રમણ માટેના ભવ્ય શુભારંભ પણ અહીંથી જ થાય છે.
આ તો સુવિદિત હકીકત છે કે વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજી સનાતન હિંદુધર્મના અધિકૃત પ્રતિનિધિ હતા. બીજા પ્રતિનિધિઓએ ભારતના હિંદુધર્મના વિવિધ બીજા પથોનું પ્રતિનિધિત્વ કર્યું હતું પરંતુ સ્વામીજીએ તો હિંદુધર્મને સમગ્રપણે રજૂ કર્યો હતો. પરંતુ તેઓ માત્ર હિંદુધર્મના જ પ્રતિનિધિ ન હતા. પણ અનૌપચારિક રીતે તેમણે વૈશ્વિક ધર્મ, માનવજાત માટેના સર્વસંવાદી ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રોમાં રોલાંના શબ્દોમાં કહીએ તો તેમણે ‘કોઈ વિશેષ ધર્મપુરુષ કે સંપ્રદાયને નહિ પણ ભારતને સકલ રૂપે રજૂ કર્યો હતો.’ (યુનિવર્સલ ગોસ્પેલ, પૃ.૩૭) જ્યારે કોઈ પણ વાચક સ્વામી વિવેકાનંદના ભારત પરિભ્રમણનો ઇતિહાસ વાંચે છે ત્યારે એમને આવું વિચારીને આશ્ચર્ય થવાનું છે કે કેવી અદૃશ્ય દિવ્ય સહાયથી કેટકેટલી ઘટનાઓ ને પ્રસંગો ઉકેલાયા છે અને એણે યુવાન નરેન્દ્રનાથને વૈશ્વિકધર્મ તેમજ સમગ્ર ભારતના સાચા પ્રતિનિધિના એક સુયોગ્ય પાત્ર રૂપે ઘડ્યા છે.
સ્વામી વિવેકાનંદે પોતાનું ભારત પરિભ્રમણ એક સંત-સંન્યાસી રૂપે શરૂ કર્યું. પરંતુ એ પરિભ્રમણના અંતે તેઓ એક સ્વદેશભક્ત પયગંબર કે સંન્યાસી બન્યા. પોતાની જાતને ભારતનાં સુખ-દુ:ખ, આશા-નિરાશા, આદર્શો અને આકાંક્ષાઓની સાથે એકીકૃત કરીને તેમણે પોતાના પશ્ચિમના શિષ્યોને પછીથી કહ્યું હતું તેમ ‘તેઓ એક ઘનીભૂત ભારત’ બની ગયા.
Your Content Goes Here




