અદ્વૈત આશ્રમ, કલકત્તાના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજનો ‘સ્વામી વિવેકાનંદ એ હન્ડ્રેડ યર્સ ઈન શિકાગો’ નામના ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
સ્વામી વિવેકાનંદના પરિવ્રાજક જીવન, એક પરિવ્રાજક સંન્યાસીના પરિભ્રમણે એમના વ્યક્તિત્વ અને એમના જીવનસંદેશ પર ઘણો મોટો પ્રભાવ પાડ્યો છે. એમના આ પરિભ્રમણને ‘ભારત પરિક્રમા’ પણ કહે છે. આ ભારત પરિક્રમાનો સમયગાળો સ્વામીજી શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા માટે મુંબઈથી અમેરિકા જવા દરિયાઈ માર્ગે નીકળ્યા ત્યાં સુધી એટલે કે ૧૮૮૮ થી મે ૧૮૯૩ સુધીનો રહ્યો છે. ભગિની નિવેદિતાના મત પ્રમાણે એમનું ભારત પરિભ્રમણ એમના અનન્ય વ્યક્તિત્વ ઘડતરનાં ત્રણ પાસામાંનું એક છે. સંસ્કૃત અને અંગ્રેજી ભાષાનું સ્વામીજીનું જ્ઞાન કે જેના દ્વારા તેમણે ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિનું વિશાળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, એ એનું પહેલું પાસું. બીજું પાસું છે શ્રીરામકૃષ્ણનો પ્રત્યક્ષ સંપર્ક; એમણે શાસ્ત્રોનાં સનાતન સત્યોને પ્રમાણભૂત રીતે જીવનમાં જીવી બતાવ્યાં. ત્રીજું પાસું એટલે એમનું ભારત પરિભ્રમણ; જેના દ્વારા એમને ભારતનું અને ભારતના લોકોનું પ્રત્યક્ષ જ્ઞાન સાંપડ્યું. (‘ધ માસ્ટર એઝ આઈ સો હિમ’, સિસ્ટર નિવેદિતા, ઉદ્બોધન-કોલકાતા, ૧૯૫૯, પૃ.૭૭-૯)
સ્વામી વિવેકાનંદના પરિવ્રાજક જીવનના મહત્ત્વ કે સંકેતાર્થને સમજવા માટે એમના પરિવ્રાજક જીવન પૂર્વેના થોડા ઘટના-પ્રસંગોને આપણે યાદ કરવા આવશ્યક છે. નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ) શ્રીરામકૃષ્ણ પાસે અંતિમ સત્ય એટલે કે ઈશ્વરની અનુભૂતિ માટેનાં માર્ગદર્શન અને સહાય માટે ગયા હતા. એમના ગુરુની કૃપાથી એમની ઇચ્છા પૂર્ણ થઈ. તેમણે ઈશ્વરની અનુભૂતિ કરી અને સચ્ચિદાનંદમાં પૂર્ણપણે ડૂબી જવાનો આનંદ એટલે કે નિર્વિકલ્પ સમાધિ પણ સાધી. એમની ઇચ્છા તો આવી નિર્વિકલ્પ સમાધિમાં જ સતત રહેવાની હતી પણ શ્રીરામકૃષ્ણદેવે તેમને કહ્યું કે આના કરતાં પણ વધારે ઉચ્ચતર ભાવાવસ્થા છે અને તે છે જીવમાત્રમાં પ્રભુને નિહાળવા. શ્રીઠાકુરે નરેન્દ્રને આદેશાત્મક સૂરે કહ્યું કે તેણે આવા વ્યક્તિગત દિવ્યાનુભૂતિથી સંતોષાઈ જવું ન જોઈએ. પરંતુ તેણે તો મહાન વટવૃક્ષ સમા બનવું જોઈએ અને જીવનને કોરી ખાતાં દુ:ખકષ્ટથી પીડાતા અસંખ્ય લોકોનું આશ્રયસ્થાન બનવું જોઈએ. શ્રીરામકૃષ્ણે એમ પણ કહ્યું કે નિર્વિકલ્પ સમાધિના ખજાનાનું તાળું થોડા સમય સુધી બંધ રહેશે અને એની ચાવી એમની પોતાની પાસે જ રહેશે અને જ્યારે શિષ્ય મા જગદંબાનું કાર્ય પૂરું કરશે ત્યારે જ એ ખજાનાનું તાળું ફરીથી ખૂલશે. એક દિવસ એમણે નરેન્દ્રને લેખિત આદેશ આપ્યો: ‘નરેન્દ્ર (માનવજાતને) ઉપદેશ આપશે.’ પહેલાં તો નરેન્દ્ર ખચકાયા, પરંતુ શ્રીઠાકુરે એને પ્રેમ અને ઉષ્માથી કહ્યું કે તેણે એ કરવું જ પડશે. પોતાની મહાસમાધિ પહેલાંના થોડા દિવસો પૂર્વે શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને પોતાની પાસે બોલાવ્યા. સર્વસ્વનો ત્યાગ કરનાર પોતાના શિષ્યો તરફ આંગળી ચીંધીને તેમણે કહ્યું: ‘નરેન, તું આ છોકરાઓની સંભાળ લેજે, એ બધાને હૃદયપૂર્વક ચાહતો રહેજે અને તેઓ ઘરે પાછા ચાલ્યા ન જાય તેમજ સાથે રહીને ખંત-નિષ્ઠા અને આનંદપૂર્વક આધ્યાત્મિક સાધના કરતા રહે, એ જોજે.’ (‘યુગનાયક વિવેકાનંદ’, સ્વામી ગંભીરાનંદ, ઉદ્બોધન-કોલકાતા, ત્રીજી આવૃત્તિ, બંગાબ્દ ૧૩૮૪, પૃ. ૨૦૦)
આમ શ્રીઠાકુરની મહાસમાધિ પછી નવા સ્થપાયેલા બારાનગર મઠમાં પોતાના ગુરુબંધુઓને સાથે રાખીને તેમના સંપૂર્ણ ત્યાગની જ્યોતને સતત જલતી રાખવાની તેમજ આધ્યાત્મિક સાધનાના આ ધૂણાને અવિરત પ્રજ્વલિત રાખવાની નરેન્દ્રનાથની મુખ્ય ચિંતા હતી. પરંતુ નરેન્દ્રે શું આટલું જ કરવાનું હતું? તેમના ગુરુદેવ શ્રીરામકૃષ્ણે જે મહાજીવનકાર્ય સોંપ્યું હતું તેનું શું? જેમને સ્વામીજીએ આશ્રય આપવાનો હતો એવા જીવનના થાકેલા કંટાળેલા જીવનયાત્રીઓ કોણ હતા? એ જીવનયાત્રીઓનાં વાસ્તવિક દુ:ખકષ્ટ શાં હતાં? અને આ દુ:ખપીડિતોને તેઓ કેવી રીતે આશ્રય આપી શકે તેમ હતા? દુ:ખીપીડિત માનવજાતને આશરો આપવા સૌ પ્રથમ તો સર્વવ્યાપી અને ભવ્ય આધ્યાત્મિક શક્તિની જરૂર રહે છે. શું સ્વામીજીએ અને એમના ગુરુબંધુઓએ પોતાની ભીતર એ આધ્યાત્મિક શક્તિને જાગ્રત કરીને જાળવી રાખી હતી ખરી? શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને માનવજાતને ઉપદેશવા માટેનું ફરમાન કર્યું હતું. પરંતુ વાસ્તવિક રીતે નરેન્દ્ર શું શીખવે તેમ શ્રીરામકૃષ્ણ ઇચ્છતા હતા? તેમની આસપાસના લોકોને શું શીખવાની જરૂર હતી? ધર્મ, તત્ત્વજ્ઞાન-અધ્યાત્મ વિદ્યા કે બીજું કશું? બીજા શબ્દોમાં કહીએ તો નરેન્દ્રનાથને જે મહાજીવનકાર્ય કરવાની જવાબદારી સોંપાઈ હતી તે પ્રારંભમાં નરેન્દ્રને કે તેમના ગુરુભાઈઓ માટે સુસ્પષ્ટ ન હતી. શ્રીરામકૃષ્ણે આ જીવનકાર્યને ચોક્કસ અને મૂર્ત રૂપે વ્યાખ્યાયિત કર્યું ન હતું. કદાચ શ્રીઠાકુરની દિવ્યલીલા એવી પણ હોઈ શકે કે નરેન્દ્રનાથ અને તેના બીજા ગુરુભાઈઓ અનુભવથી આ બધું શીખે, અને અનુભવ એ ઉત્તમ શિક્ષક છે. વળી, આંતરિક અનુભૂતિ એમની આસપાસના સમાજ અને લોકોનાં દુ:ખચિંતાનો પણ અનુભવ કરાવી શકે.
મઠની સ્થાપના થયા પછી નરેન્દ્રનાથ અને એમના સંન્યાસી ગુરુબંધુઓ અવિરતપણે ધ્યાન, પ્રાર્થના ભક્તિ સંગીત, શાસ્ત્રગ્રંથોનું પઠનપાઠન, ધર્મચર્ચા, તત્ત્વજ્ઞાન, વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર, ઇતિહાસ-સંસ્કૃતિ, કેળવણી અને બીજા સુસંબંધિત વિષયોમાં રત રહેતા. જ્યારે જ્યારે કોઈ પણ સંન્યાસી ગુરુબંધુ મઠની બહાર યાત્રાર્થે કે એકાંતમાં આધ્યાત્મિક સાધના કરવા જતા ત્યારે નરેન્દ્રનાથને ચિંતા થતી. એક વખત સ્વામી બ્રહ્માનંદજીએ નર્મદાના કિનારે એકાંતમાં તપશ્ચર્યા કરવા માટે જવાની દરખાસ્ત મૂકી. નરેન્દ્રનાથે એમને આમ એકાંતમાં જતા અટકાવવા પ્રયત્ન કરતાં કહ્યું: ‘આમ ભમીને તમને શું મળવાનું છે?’ (લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ બાય હીઝ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાય્પલ્સ, વો. ૧, પૃ.૨૧૧)
પરંતુ ઈશ્વરની મરજી પર બધું છોડી દઈને પરિવ્રાજક સંન્યાસીની પ્રાચીન જીવન પ્રણાલી પ્રમાણે જીવવાની બધા યુવાન સંન્યાસીઓને, અરે, નરેન્દ્રનાથ સુધ્ધાંને પણ તીવ્ર ઝંખના થઈ. આવા પરિવ્રાજક જીવનનાં શૈક્ષણિક મૂલ્યો તેમજ પાવનકારી અને પ્રભાવક અસરોનો તેમને ખ્યાલ આવ્યો અને ‘સાધુ તો ચાલતો ભલો અને નદી તો વહેતી ભલી’ એ સુવાક્યના મર્મથી તેઓ આકર્ષાયા હતા. એક જ સ્થળે લાંબો સમય ન રહેનારા પરિવ્રાજક સંન્યાસીને ડાઘ કે કલંક લાગતા નથી. આ ગુરુ બંધુઓમાંથી એક માત્ર અપવાદ રૂપ હતા શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદ). તેમણે એક પ્રેમાળ માતા અને સંનિષ્ઠ સેવકની જેમ મઠની સારસંભાળ લેવાની ફરજ નિભાવી. આવી રીતે ધીમે ધીમે જ્યારે જ્યારે પોતાના ગુરુબંધુઓ એક પછી એક મઠને છોડીને જવા ઇચ્છતા ત્યારે નરેન્દ્રે તેમને રજા આપી એટલું જ નહિ પરંતુ ભીક્ષા માગીને આ દુનિયામાં પરિભ્રમણ કરવા પ્રેર્યા પણ ખરા. તેમણે કહ્યું: ‘તેઓ ભલે પોતાની મેળે અનુભવો મેળવે. તેમણે મઠમાંથી મુક્ત થવું જોઈએ અને પોતાની શક્તિની કસોટી કરવી જોઈએ. આ નવજીવનના એમના અનુભવો એમને સંપૂર્ણપણે નિર્ભય, અજેય અને આધ્યાત્મિક રીતે સ્વતંત્ર બનાવશે; અને એ રીતે તેઓ ભવ્યપુરુષ બનશે.’ (લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ બાય હીઝ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાય્પલ્સ, વો. ૧, પૃ.૨૧૧)
આમ છતાં પણ નરેન્દ્રનાથ પોતે મુક્તપણે બહાર ન જઈ શક્યા. પોતાના વિકાસના પ્રારંભિક તબક્કામાં નવા સ્થપાયેલા મઠને સુસ્થિર કરવા તેઓ બંધાયેલા છે એવું એમને લાગ્યું. સાથે ને સાથે પોતાની પૈતૃક મિલકતને બચાવવા અને પોતાનાં માતુશ્રી તેમજ ભાઈઓના સામાન્ય નિભાવ અને સુસુવિધા માટે કોર્ટમાં ચાલતા કેસમાં પણ તેમને હાજર રહેવાનું હતું. પરંતુ તેઓ એકાદ-બે સહસાથી સાથે વૈદ્યનાથ, સિમુલતલા, આંટપુર અને બીજા કેટલાંક સ્થળોની ટૂંકી યાત્રાએ જઈ શક્યા હતા.
એમના સાચા પરિવ્રાજક જીવનનો પ્રથમ તબક્કો ૧૮૮૮માં શરૂ થયો. ત્યારે તેઓ વારાણસી, લખનૌ, આગ્રા, વૃંદાવન, હાથરસ અને હૃષીકેશ ગયા હતા. બનારસમાં તેઓ સુખ્યાત સંત જેવા કે તૈલંગ સ્વામી, સ્વામી ભાસ્કરાનંદ ને સંસ્કૃતના વિદ્વાન શ્રી પ્રમદાદાસ મિત્રને મળ્યા હતા. શ્રી પ્રમદાદાસ મિત્ર સાથે આપણાં કેટલાંક સ્મૃતિ-શાસ્ત્રો અને હિંદુ રીતરિવાજોમાંના આદેશોની વિસંગતતા વિશે ઘણો પત્ર વ્યવહાર પણ થયો હતો. હાથરસના સ્ટેશને તેઓ રેલવે સ્ટેશન માસ્ટર શરતચંદ્ર ગુપ્તાને મળ્યા હતા અને એમની હૃદયની વિનંતીથી સ્વામીજીએ એમને શિષ્ય રૂપે સ્વીકાર્યા હતા. અહીં શિષ્યના એક પ્રશ્નના ઉત્તરમાં સ્વામીજીએ કહ્યું હતું: ‘વત્સ, મારે ઘણું મહાન જીવનકાર્ય પૂર્ણ કરવાનું છે અને મારી અલ્પ ક્ષમતાને લીધે હું હતાશ છું. એ મહાકાર્ય, એમનું કાર્ય કરવાનો મારા ગુરુમહારાજનો આદેશ છે. અને જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ મને લાગે છે કે, આપણી માતૃભૂમિના પુનરુત્થાનથી કંઈ ઓછું નહિ એવું એ કાર્ય હશે. આધ્યાત્મિકતા સૌથી નીચા સ્તરે ઊતરી ગઈ છે અને ભૂખમરાએ ભૂમિ પર ભરડો લીધો છે. ભારતે ક્રિયાશીલ બનવું પડશે. આધ્યાત્મિકતાથી વિશ્વ પર પ્રભાવી વિજય મેળવવો પડશે. (લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ બાય હીઝ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાય્પલ્સ, ૧૯૧૩, વો. ૨, પૃ.૭૫)
સ્વામીજીના આ શબ્દો પરથી એવું લાગે છે કે પોતાના જીવનકાર્યનું દર્શન ક્રમશ: વધુ ને વધુ સ્પષ્ટ થતું જતું હતું. સાથે ને સાથે એમને એ પણ સમજાયું હતું કે એમના આ મહાન જીવનકાર્યમાં માત્ર ભારતના પુનરુત્થાનનો જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતીય આધ્યાત્મિક વિચારોનો પ્રચાર પ્રસાર કરવાના કાર્યનો પણ સમાવેશ થતો હતો. શિષ્ય સાથે સ્વામીજી હૃષીકેશ ગયા હતા અને ત્યાં વિવિધ ધર્મપંથના સંન્યાસીઓ સાથે ધ્યાન અને તપશ્ચર્યાની સાધના કરી. શિષ્ય (પછીથી સ્વામી સદાનંદ) માંદા પડ્યા અને પ્રેમાળ ગુરુ પોતાના ખભે ઊંચકીને ભયંકર જંગલમાંથી તેમને હાથરસ લઈ આવ્યા. અને પછી સ્વામીજી પોતે જ બીમાર પડ્યા. પછી તેમણે બારાનગર મઠમાં પાછા જવું પડ્યું. ઉત્તર ભારતની, પ્રાચીન આર્યાવર્તની આ પ્રથમ યાત્રાએ સ્વામીજીની નજર સમક્ષ શાશ્વત ભારત, વેદકાલીન ભારત, આર્યો, દ્રાવિડો અને મોગલકાલીન ભારતનું હૂબહૂ ચિત્ર ખડું કર્યું.
એક વર્ષ પછી ૧૮૮૯માં ફરીથી સ્વામીજી મઠ છોડીને નજીકના વૈદ્યનાથની યાત્રાએ નીકળ્યા. આ હતો એમના પરિભ્રમણનો બીજો તબક્કો પોતાના ગુરુબંધુ માંદા સંન્યાસીની સેવા માટે તેમને વૈદ્યનાથથી અલ્હાબાદ જવું પડ્યું. ત્યાંથી તેઓ મહાન સંત પવહારી બાબાને મળવા ગાઝીપુર આવ્યા. ‘પવહારી બાબા પાસેથી યોગનું શિક્ષણ મેળવીને તે પ્રત્યે એટલા બધા આકર્ષાયા કે પોતાની ગુરુદેવની ઇચ્છાની વિરુદ્ધ તેમને સમાધિ અવસ્થામાં રહેવાની ભવ્ય ઝંખના થઈ. જો કે આ ઝંખનાને એમની આધ્યાત્મિક અંત:પ્રેરણાની અનુમતિ ન સાંપડી.(‘શ્રીરામકૃષ્ણ એન્ડ ધ સ્પિરિચ્યુઅલ રેનેસાં’ સ્વામી નિર્વેદાનંદ, ૧૯૪૦ પૃ. ૨૦૭-૦૮) સતત ઘણા દિવસો સુધી એમને મૂક વિનંતી કરતા અને એમના આ વિચિત્ર નિર્ણયમાંથી પાછા વળવાનું કહેતા હોય એવા શ્રીઠાકુરનાં પ્રત્યક્ષ દર્શન એમને થતાં રહ્યાં. અંતે સ્વામીજી એ પોતાનો એ વિચાર ત્યજી દીધો અને શ્રીરામકૃષ્ણને હંમેશને માટે પોતાના હૃદયમાં પ્રતિષ્ઠિત કર્યા. જ્યાં સુધી સમગ્ર માનવજાતને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે લઈ જવાના શ્રીમા જગદંબાના કાર્યને પૂર્ણ કરી લે ત્યાં સુધી આવા નિરંતર સમાધિભાવમાં ન રહેવાની શ્રીરામકૃષ્ણદેવની વિનંતીને શરણે થવાનું અંતે તેમણે સ્વીકાર્યું. (એજન પૃ.૨૦૯) ગાઝીપુરથી તેઓ વારાણસી ગયા, પરંતુ અહીંથી પોતાના ગુરુબંધુઓની સમીપ રહેવા માટે તેમને કોલકત્તા પાછા ફરવું પડ્યું, અહીં બે ગૃહસ્થ ભક્તો શ્રી બલરામ બોઝ અને શ્રી સુરેન્દ્રનાથ મિત્ર માંદગીના બિછાને પડ્યા. એ બંને બારાનગર મઠના જુવાનોના સમર્થક અને સહાયકો હતા. એમની શાશ્વત વિદાયથી મઠ આર્થિક રીતે અસહાય બની ગયો. પરંતુ સ્વામીજીએ પોતાનાં મનહૃદયને અવિરત રીતે ધીર કર્યાં. તેમને એમ લાગ્યું કે માનવજાતની સાચી સેવા કરવા હવે તેમણે પોતાની ભીતરની આધ્યાત્મિકતાને જાગૃત કરવી જ પડશે.
તેમને સ્પષ્ટપણે ખ્યાલ આવી ગયો કે, પોતાની ભીતર એક પ્રબળ આધ્યાત્મિકતાનું ચાલક યંત્ર છે. એ પ્રબળ ચાલકયંત્રને ખુલ્લું કરીને કાર્યાન્વિત કરવાની તીવ્ર ઇચ્છા તેમનામાં જાગી. આ તમન્ના બરાબર એમના મન-હૃદય પર સવાર થઈ ગઈ અને પોતાના એક સ્પર્શમાત્રથી કાયાપલટ કરી નાખવાની શક્તિ પ્રાપ્ત કરવા પોતાની ભીતરની દિવ્ય આધ્યાત્મિક શક્તિને વિકસિત અને જાગૃત ન કરી શકાય ત્યાં સુધી મઠ છોડીને ચાલ્યા જવાનો, મઠમાં પાછા ન ફરવાનો સ્વામીજીએ પણ નિર્ણય કરી લીધો. આવા પાકા મનના નિર્ધાર સાથે ૧૮૯૦માં શ્રી શ્રીમાના આશીર્વાદ સાથે તેઓ અનિશ્ચિત અને દીર્ઘકાળની પરિવ્રજ્યામાં નીકળી પડ્યા. ( એજન ૨૧૦).
એમણે પોતાના સાથી અને માર્ગદર્શક તરીકે સ્વામી અખંડાનંદજીને સાથે લીધા. એમને હિમાલયની પર્વતમાળા અને તિબેટના પરિભ્રમણનો ઘણો મોટો અનુભવ હતો. સ્વામીજી વૈદ્યનાથ, વારાણસી, અયોધ્યા અને નૈનિતાલ થઈને નીકળ્યા. વારાણસીમાં એક વાતચીતમાં સ્વામીજીએ કહ્યું : ‘હવે પછી જ્યારે હું અહીં પાછો ફરીશ ત્યારે એક બોમ્બ ધડાકાની જેમ આ સમાજ પર તૂટી પડીશ અને તે પણ એક શ્વાનની જેમ મને અનુસરશે.’ (ધ લાઈફ, પૃ. ૨૪૮). આ પછીનાં થોડાં વર્ષો બાદ એમની આ ભવિષ્યવાણી કેવી રીતે સાચી પડી હતી એ બાબત સ્વામીજીનું જીવન વાચનાર જાણે છે.’ એક પૈસો પણ સાથે લીધા વિના આ બંને સ્વામીજીઓ બદરીકાશ્રમ (બદ્રીનાથ) અને કેદારનાથ જવા માટે પગે ચાલીને નૈનિતાલથી આલમોડા જવા ઉપડ્યા.
આલમોડાથી ૧૪ માઈલ નીચે આવેલા કાકરીઘાટ નામના સ્થળે કોસી નદીના કિનારે આવેલા પીપળાના વૃક્ષ નીચે સ્વામીજી બેઠા અને લાંબા સમય સુધી ઊંડા ધ્યાનમાં સરી પડ્યા. પોતાના આ સમાધિભાવ માટે તેમણે સ્વામી અખંડાનંદજીને કહ્યું : ‘અહીં આ પીપળાના વૃક્ષ તળે મારા જીવનની મહાનતમ સમસ્યાઓનો ઉકેલ મને મળી ગયો છે. અહીં મને વિરાટ બ્રહ્માંડ અને તેમની સૂક્ષ્મ પ્રતિકૃતિ સમા માનવના ઐક્યની અનુભૂતિ થઈ છે. આ માનવ દેહની સૂક્ષ્મ પ્રતિકૃતિમાં જે કંઈ છે તે બધું ત્યાં (બ્રહ્માંડમાં) પણ રહેલું છે. મેં સમગ્ર બ્રહ્માંડને એક અણુરૂપે જોયું છે. (ધ લાઈફ વો. પૃ. ૨૫૦)
‘આ અનુભૂતિથી એમના ‘ગુરુદેવ’ના જીવ અને ‘શિવ’ના ઐક્યના ઉદ્ગારો, જે અત્યાર સુધી એમની બુદ્ધિને જ સ્પર્શ્યા હતા, તે ઉદ્ગારો પોતાની અંત:પ્રેરણાના વીજે ઝબકારે જાણે કે આજે જીવંત બની ગયા. ‘બધાં અસ્તિત્વની દિવ્યતા’ના ભવ્ય સત્યને હવે તેમણે સ્પષ્ટપણે જાણી લીધું. તેમણે અનુભવેલી આ ‘સાર્વત્રિક દિવ્યતા’ જ એમના અંતર્મુખી મન અને પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણના માનવજાતની સેવાના આદર્શ સાથે સુમેળ સાધી શકે તેમ હતી.’ (શ્રી રામકૃષ્ણ એન્ડ સ્પિરિચ્યુઅલ રેનેસાં : સ્વામી નિર્વેદાનંદ પૃ.૨૧૧) આલમોડામાં સ્વામીજી સાથે એમના બીજા બે ગુરુબંધુ સંન્યાસીઓ જોડાયા. પણ તરત જ એમનો સંગાથ સ્વામીજીએ છોડ્યો અને ‘પર્વતીય ગામમાં એક એકાંત ગુફા શોધીને…. દિનરાત કઠોર આધ્યાત્મિક સાધનાની ધૂણી ધખાવવા તેઓ ગુફામાં પ્રવેશ્યા… એમની મુખકાંતિ દિવ્યતેજથી પ્રકાશિત થઈ ઊઠી ત્યાં સુધી તેઓ વધુ ને વધુ ઉચ્ચ આધ્યાત્મિક વીજતેજ પ્રાપ્ત કરતા રહ્યા અને ત્યાર પછી …. પોતે જેની ઝંખના સેવતા હતા તેવા સચ્ચિદાનંદની વ્યક્તિગત અનુભૂતિના આનંદમાં બંધાઈ રહેવાને બદલે તેમને (માનવજાત માટે) કાર્ય કરવા પ્રેર્યા હોય તેવું અનુભવ્યું. અને એણે જ એમને આ કઠોર આધ્યાત્મિક સાધનામાંથી બહાર લાવી મૂક્યા.’ (ધ લાઈફ પૃ. ૨૫૨) પોતાની આ અમર્ત્ય અનુભૂતિનો અછડતો ઉલ્લેખ કરતાં સ્વામીજીએ પછીથી કહ્યું હતું કે, ‘કાર્ય કરવાની ક્ષમતાની ભરપૂર ભાવના મારા જીવનમાં આ પહેલાં મેં ક્યારેય અનુભવી નથી. એ તો જાણે કે આ ગુફામાંના એકાંત જીવનમાંથી મને બહાર કાઢીને નીચેના મેદાનોમાં અહીં તહીં ભમતો કરવા લાગી.’ (ધ માસ્ટર એન્ડ આઈ સો હીમ ઈન સિસ્ટર નિવેદિતા’ વો. ૧, પૃ.૬૧)
આવી ઘટનાઓનો ઉલ્લેખ કરતાં પછીથી સ્વામી અખંડાનંદજીએ કહ્યું છે; ‘એવું લાગે છે કે દરેક સમયે સ્વામીજી શાંતિ, સચ્ચિદાનંદ અને પૂર્ણ સંન્યાસી જીવનમાં ડૂબી જવાની ઝંખના સેવતા હતા. પરંતુ સંજોગોનાં દબાણોએ એવું જીવન ત્યજવા માટે એમને પ્રેર્યા હતા. એમણે એક મહા જીવન કાર્ય પૂર્ણ કરવાનું હતું. અને એમની પ્રકૃતિની વિલક્ષણતાએ જ આ પ્રકારના કાર્યની અનુભૂતિ માટે પ્રેર્યા હતા. (ધ લાઈફ; પૃ. ૨૫૨).
પોતાની યોજના પ્રમાણે સ્વામીજી અને બીજા સંન્યાસીઓ બદ્રિકાશ્રમ – બદ્રીનાથ ન જઈ શક્યા કારણ કે એ વિસ્તારમાં દુષ્કાળને લીધે સરકારના આદેશથી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આ યાત્રામંડળી ગઢવાલ, કર્ણપ્રયાગ, શ્રીનગર (ઉત્તરાંચલ), મસૂરી અને દહેરાદૂન થઈને અત્યંત પ્રાચીન સમયથી સંન્યાસીઓ અને તપસ્વીઓના તપથી તપોપૂત પાવનકારી હૃષીકેશમાં પહોંચી. અહીં તેઓ ભિક્ષા મેળવીને શાસ્ત્રાભ્યાસ કર્યો અને ગહન ધ્યાનસાધના કરી. એકાએક ઊંચા તાવને લીધે સ્વામીજી મરણ પથારીએ પડ્યા. બધું બાહ્યભાન ચાલ્યું ગયું અને નાડી ધબકારા ન પકડાતાં એમના ગુરુબંધુ સંન્યાસીઓએ એમના જીવનની આશા પણ છોડી દીધી. સદ્ભાગ્યે એક અજાણ્યા સંન્યાસી (પોતાના શરીરે કાળો કામળો ઓઢીને) ઝૂંપડીમાં આવ્યા અને મધ સાથે વનૌષધિ આપી સ્વામીજી ભાનમાં આવ્યા અને જણાવ્યું કે તેઓ મૃત્યુ અવસ્થામાં પણ ભીતરથી જાગૃત હતા. મૃત્યુ સમીપ હોવા છતાં પણ એ જીવંત હતા. તેમણે એ પણ જોયું કે ‘તેમણે આ વિશ્વમાં ચોક્કસ જીવનકાર્ય પૂર્ણ કરવાનું હતું. અને જ્યાં સુધી એ જીવનકાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી એમના આતમરામને આરામ નથી. (ધ લાઈફ વો.૧ પૃ. ૨૫૭) સ્વામીજી અને તેમની મંડળી હરિદ્વાર થઈને મેરઠ (મેરઠ) આવી. અહીં તેઓ એક ભક્તે આપેલા ઉપવનગૃહમાં ઘણો સમય રહ્યા. અહીં સ્વામીજીએ પોતાની લથડેલા સ્વાસ્થ્યને પુન: સુધાર્યું…. જોગાનુજોગ એમના સાત ગુરુબંધુ સંન્યાસીઓ ભેગા થયા અને સ્વામીજીએ પોતાના અભ્યસ્ત આદત પ્રમાણે અહીં પણ પ્રાર્થના-ધ્યાન શાસ્ત્રાભ્યાસ-ચર્ચાનું વાતાવરણ સર્જ્યું હોય, જાણે કે બીજો બારાનગર મઠ હોય તેવું આ સ્થળમાં તત્કાલ પૂરતું પરિવર્તન થઈ ગયું. હિમાલય અને તેના મેદાની વિસ્તારના પરિભ્રમણથી અને પોતાની ભીતરી જાગૃતિને લીધે સ્વામીજીને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે એમનું નાજુક સ્વાસ્થ્ય એમને હિમાલય પર્વતમાળાની આ અત્યંત વિષમ આબોેહવામાં વધુ વખત રહેવા નહીં દે. એમને એ પણ ખાતરી થઈ ગઈ કે દિવ્ય-શક્તિ એ વિરલ ધ્યાન સમાધિભાવમાં આ એકાંત ગુફામાં એમને પુરાઈ રહેવા નહીં દે. તેમણે કહ્યું, ‘જ્યારે જ્યારે મેં આધ્યાત્મિક તપશ્ચરણ માટે આયોજન કર્યું ત્યારે ત્યારે શ્રીઠાકુરે મારા માર્ગમાં અડચણો-અવરોધો મૂકી દીધા. ‘હવે હું એકલો જ જઈશ અને હું ક્યાં રહું છું એની વાત કોઈને ય નહીં કરું.’ (ધ લાઈફ વો.૧, પૃષ્ઠ ૨૫૨)
આટલું આપણે નોંધવું રહ્યું કે તેમના જીવનકાર્ય રૂપે માનવજાતની સેવાના કાર્યનો શ્રીરામકૃષ્ણે આપેલો આદેશ એમનાં મનશ્ચક્ષુ સમક્ષ જ રહેતો. આલમોડા (કાકરીઘાટ) માં સૃષ્ટિનાં બધાં તત્ત્વો વચ્ચેની ઐક્યની તેમને થયેલી અનુભૂતિથી જ એમની આત્માનુભૂતિની આધ્યાત્મિક ઝંખના અને શિવજ્ઞાને જીવસેવાના આદર્શ વચ્ચે કોઈ પણ છીણી મારી શકે તેમ ન હતું.’ (શ્રીરામકૃષ્ણ એન્ડ ધ સ્પિરિચ્યુયલ રેનેસાં, પૃ. ૨૧૩). સ્વામીજીની ઇચ્છા ‘માનવમાં રહેલા પ્રભુની સેવા એ જ પ્રભુપૂજા’ માટેની કોઈની વિચારસરણી મેળવવાની નહતી, આ આદર્શ તો એમને મળી ગયો હતો, પરંતુ તેઓ હવે એ આદર્શોને સુનિશ્ચિત રીતે કાર્યાન્વિત કરવાની ચોક્કસ કાર્યયોજના મેળવવા ઇચ્છતા હતા. આ હેતુ માટે તેઓ ગહન ચિંતન-મનન કરવા અને ભારતને અને ભારતના લોકોને વધુ નિકટતા ઘનિષ્ઠતાથી જાણવા ઇચ્છતા હતા.
૧૮૯૧ના જાન્યુઆરીમાં સ્વામીજી દિલ્હી જવા નીકળ્યા. એમના ગુરુબંધુ સંન્યાસીઓને એમની પાછળ પાછળ ન આવવાનું અને સૌએ પોતપોતાનાં રસરુચિ તેમજ પ્રકૃતિ પ્રમાણે આધ્યાત્મિક આદર્શ માટે મથવા જણાવ્યું. પોતાની ઓળખને છુપાવવા સમયે સમયે એમણે પોતાનાં નામ પણ બદલાવ્યાં. આમ છતાં પણ એમની વિલક્ષણ બુદ્ધિપ્રતિભાની અમીટ છાપ અને એમનો પ્રભાવક શાહી દેખાવ એમની ઓળખાણ આપી દેતાં. ‘એક મરજીવાની જેમ, એમણે હિંદીરૂપી મહાસાગરમાં ઝંપલાવી દીધું.’ (યુનિવર્સલ ગોસ્પેલ, પૃ.૨૦૧) એમની ભારત પરિક્રમાની આ યોજનામાં એમને રાજપૂતાના થઈ અલ્વર, જયપુર, અજમેર, ખેતડી, અમદાવાદ, લીંબડી, જૂનાગઢ, ભૂજ, કચ્છ, પોરબંદર, દ્વારકા, વેરાવળ, સોમનાથ, પાલિતાણા, વડોદરા, ખંડવા, મુંબઈ, પૂણે, બેલગામ, બેંગ્લોર, કોચીન, મલબાર, ત્રિવેન્દ્રમ અને મદુરા સુધી દોરી ગઈ. તેમણે ભારતની દક્ષિણ દિશાના અંતિમ છેડે આવેલા કન્યાકુમારી અને દક્ષિણ ભારતના કાશી સમા રામેશ્વર સુધીની યાત્રા કરી.
દરેકે દરેક સ્થળે સ્વામીજી લોકોમાં ભળી જતા. કોઈ દિવસ પરિયાહ-હરિજન કે ભંગી સાથે એની ઝૂંપડીમાં રહેતા, તો વળી બીજે દિવસે રાજા-મહારાજાઓ અને એમના દીવાનો સાથે એમના મહેલોમાં વાતચીત-ચર્ચા કરતા; કોઈક દિવસ રૂઢિચુસ્ત પંડિતો કે ખુલ્લાં મનવાળા કોલેજના અધ્યાપકો સાથે જેમ એમના નિવાસસ્થાને કે કોઈ કલબમાં એક નિષ્ણાતની અદાથી જ્ઞાની-પંડિતો જેવી જ્ઞાનની વાતો કે જ્ઞાનચર્ચા કરતા તેવી જ રીતે એક નિષ્ણાતની અદાથી જેમાં સામાન્ય લોકોનાં જીવન અંકુશિત બને છે એવી ઔદ્યોગિક અને ગ્રામ્ય અર્થકારણની સમસ્યાઓની ચર્ચા પણ કરતા.’ … (યુનિવર્સલ ગોસ્પેલ, પૃ.૨૨) તેમણે ભારતમાં બધાં વર્ગના લોકોનાં આનંદ અને શોક, આશા-નિરાશાઓ, આદર્શો અને અપેક્ષાઓને પ્રત્યક્ષ રીતે જોયાં હતાં. તેમણે ‘વર્તમાન જીવનની કરુણ તસવીર, માનવમાં પ્રભુ વિશેની મથામણ, ભારતના સામાન્યજનોનો કરુણ પોકાર અને સહાય માટેની દુનિયા’ જોયાં … (યુનિવર્સલ ગોસ્પેલ, પૃ.૨૧) એમના વિશે શ્રીરામકૃષ્ણે એક વખત આવી ભવિષ્યવાણી ભાખી હતી : ‘જે દિવસે નરેન લોકોનાં દુ:ખપીડાના પ્રત્યક્ષ સંપર્કમાં આવશે ત્યારે તેનો ગર્વ ગળી જશે અને તે અનંત કરુણાભાવમાં પીગળી જશે.’ … (યુનિવર્સલ ગોસ્પેલ, પૃ.૧૦) ‘આ ભવિષ્યવાણી હવે સાચી પડી.’ પોતાના આ પરિવ્રાજક કાળમાં સ્વામીજી શીખ્યા પણ ખરાં અને શીખવ્યું પણ ખરું. ‘સદૈવ શીખવતા, હંમેશાં શીખતા, અને ધીમે ધીમે પોતાની જાતને ભારતનો અંતરઆત્મા, તેની એક્તા અને તેનું ભાવિ બનાવતાં રહીને’ તેઓ આગળને આગળ ચાલતા રહ્યા. … (યુનિવર્સલ ગોસ્પેલ, પૃ.૨૨) જયપુરમાં નિષ્ણાત પંડિતોની નિશ્રામાં સ્વામીજી સંસ્કૃત વ્યાકરણના અભ્યાસમાં લાગી ગયા. પોતાની હિમાલયની યાત્રાઓ દરમિયાન ઉપનિષદો અને બ્રહ્મસૂત્રના અભ્યાસમાં પોતાનો સમય વિતાવતા. અમદાવાદમાં તેમણે જૈન અને ઈસ્લામિક સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. ગોવામાં ખ્ર્રિસ્તી ધર્મના સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. પોરબંદરમાં રાજ્યના દીવાન શ્રી શંકરપાંડુરંગ પંડિત સાથે વૈદિકધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં અને તેની ચર્ચા કરવામાં કેટલાય મહિનાઓ ગાળ્યા.
Your Content Goes Here




