(લેખક ભૂતપૂર્વ આચાર્ય અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. શ્રીરામકૃષ્ણદેવ વિશે સ્વામી વિવેકાનંદના વિચારોને ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ના આધારે લેખકે પોતાની રીતે પ્રશ્નોત્તરીરૂપે પ્રગટ કર્યા છે. – સં.)
પ્રશ્ન : શ્રીરામકૃષ્ણ પરમહંસદેવ મૌલિક હતા, તેનું કારણ શું?
સ્વામી વિવેકાનંદ : તેનું કારણ એ હતું કે બીજાના વિચારોનું જ્ઞાન નહીં હોવાથી અન્ય વિચારોનો પ્રભાવ તેના મન પર પડ્યો ન હતો. તેણે વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ કર્યો ન હતો, તેથી તે છોકરો જાતે વિચાર કરી શકતો હતો. આપણે આપણું અર્ધું જીવન વિશ્વવિદ્યાલયમાં ગાળ્યું છે, તેથી આપણાં મન બીજાના વિચારોથી ભરેલાં છે. પ્રોફેસર મેક્સ મૂલરના જે લેખનો મેં હમણાં જ ઉલ્લેખ કર્યો છે, તેમાં તેમણે યોગ્ય જ કહ્યું છે કે મારા ગુરુદેવ સ્વચ્છ અને મૌલિક રહ્યા હતા તેનું કારણ એ હતું કે તેઓ વિશ્વવિદ્યાલયની હદમાં ઊછર્યા ન હતા. (૫.૧૯)
પ્રશ્ન : શ્રીરામકૃષ્ણદેવનો મુખ્ય સિદ્ધાંત શો હતો?
સ્વામી વિવેકાનંદ : તેમનો સિદ્ધાંત હતો કે મનુષ્યે પહેલાં ચારિત્ર્યવાન બનવું જોઈએ તથા આત્મજ્ઞાન મેળવવું જોઈએ; ફળ તે પછી આપોઆપ મળી જાય છે. તેઓ હંમેશાં આ દૃષ્ટાંત આપ્યા કરતા હતાઃ ‘કમળ ખીલે છે કે તરત જ મધમાખીઓ મધ લેવા સ્વયં તેની પાસે હાજર થાય છે; એ જ રીતે જ્યારે તમારું ચારિત્ર્યરૂપી કમળ પૂરેપૂરું ખીલી ઊઠશે ત્યારે ફળ આપોઆપ જ તમને મળી જશે.’ (૫.૩૦)
પ્રશ્ન : આપના ગુરુદેવનો અન્ય સંપ્રદાય પ્રત્યે કેવો ભાવ હતો?
સ્વામી વિવેકાનંદ : હું વર્ષો સુધી તેમની સાથે રહ્યો છું, પરંતુ તેમને મુખે કદી કોઈ બીજા સંપ્રદાયની નિંદા મેં સાંભળી નથી. બધા સંપ્રદાયો પ્રત્યે તેમનો સમાન સદ્ભાવ હતો; અને એ બધામાંનો સમન્વય ભાવ તેમણે શોધી કાઢ્યો હતો. મનુષ્ય જ્ઞાનમાર્ગી, ભક્તિમાર્ગી, યોગમાર્ગી અથવા કર્મમાર્ગી હોઈ શકે છે. જુદા જુદા ધર્મોમાં, આ વિભિન્ન ભાવોમાંથી કોઈ ને કોઈ એક ભાવનું પ્રાધાન્ય જોવામાં આવે છે; જો કે આ ચારે ભાવોનો વિકાસ એક જ મનુષ્યમાં જોવામાં આવે એવું પણ બને. ભવિષ્યની માનવજાતિમાં આમ બનવાનું છે એ જ મારા ગુરુદેવની ધારણા હતી. તેમણે કોઈને ખરાબ કહ્યા નથી; ઊલટું બધામાં સારું જ જોયું છે. (૫.૩૧)
પ્રશ્ન : આપ ગુરુદેવ પાસેથી મહત્ત્વની કઈ બાબત શીખ્યા?
સ્વામી વિવેકાનંદ : મારા ગુરુદેવ પાસેથી એક બીજું મહત્ત્વપૂર્ણ અને આશ્ચર્યજનક સત્ય હું જે શીખ્યો છું, તે એ છે કે વિશ્વમાં જેટલા ધર્મો છે તેમાંથી એકેય પરસ્પર વિરોધી અથવા એકબીજાના વેરી નથી; એ બધા એક જ શાશ્વત સનાતન ધર્મના ભિન્ન ભિન્ન પાસાં છે. એ જ સનાતન ધર્મ ભિન્ન ભિન્ન પ્રકારની જીવનકક્ષાઓને લાગુ કરાયેલ છે, ભિન્ન ભિન્ન માનસ અને ભિન્ન ભિન્ન જાતિઓની વિચારકક્ષાઓને લાગુ કરાયેલ છે. મારો ધર્મ અથવા તમારો ધર્મ, મારો રાષ્ટ્રીય ધર્મ અને તમારો રાષ્ટ્રીય ધર્મ અથવા તો વિવિધ પ્રકારના અલગ અલગ ધર્મો, આવું આવું ખરી રીતે કદી હતું જ નહીં. સંસારમાં કેવળ એક જ ધર્મ છે; અનંત કાળથી એક જ સનાતન ધર્મ ચાલ્યો આવે છે અને એ જ નિત્ય રહેશે. તથા આ એક જ ધર્મ ભિન્ન ભિન્ન દેશોમાં ભિન્ન ભિન્ન ભાવે પ્રગટ થાય છે. તેથી આપણે બધા ધર્મોને માન આપવું જોઈએ અને બને ત્યાં સુધી એ બધાને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધર્મ કેવળ ભિન્ન જાતિ અને ભિન્ન દેશ અનુસાર જ ભિન્ન થાય છે એવું નથી; પાત્રાનુસાર પણ તે વિભિન્ન ભાવ ધારણ કરે છે. કોઈ વ્યક્તિમાં ધર્મ પ્રબળ ક્રિયાશીલતાના રૂપમાં પ્રકટ થાય છે, તો કોઈ બીજામાં પ્રબળ ભક્તિના રૂપમાં, કોઈ ત્રીજામાં રહસ્યવાદના રૂપમાં તો કોઈમાં વળી તત્ત્વજ્ઞાનના રૂપમાં પ્રગટ થાય છે. ધર્મના વિષયમાં જો આપણે કોઈને કહીએ કે, ‘તમારો રસ્તો બરાબર નથી,’ તો આપણે મોટી ભૂલ કરીએ છીએ. (૫.૩૪)
પ્રશ્ન : આધુનિક જગત માટે શ્રીરામકૃષ્ણ પરમહંસનો સંદેશ શો છે?
સ્વામી વિવેકાનંદ : શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છેઃ ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્ ‘ધર્મ’ વિદ્યમાન છે, તેની સરખામણીમાં એ બધું તુચ્છ છે. માનવીની અંદર જેટલા વધારે પ્રમાણમાં આ ભાવની અભિવ્યક્તિ થાય છે, તેટલા પ્રમાણમાં તે જગતનું કલ્યાણ કરવાને વધારે ને વધારે સામર્થ્યવાન થતો જાય છે. સૌથી પ્રથમ આ ધર્મ-ધનનું ઉપાર્જન કરો. કોઈની અંદર દોષ ન જુઓ, કારણ કે બધા મત, બધા સંપ્રદાયો સારા છે. તમારા જીવન દ્વારા એમ બતાવી આપો કે ધર્મનો અર્થ કેવળ શબ્દ કે નામ અથવા સંપ્રદાય નથી; તેનો અર્થ તો આધ્યાત્મિક અનુભૂતિ છે. (૫.૪૧)
પ્રશ્ન : શ્રીરામકૃષ્ણદેવની મહાનતા શું હતી? લોકો તે ક્યારે સમજશે?
સ્વામી વિવેકાનંદ : શ્રીરામકૃષ્ણદેવના અવતારમાં જ્ઞાન, ભક્તિ અને પ્રેમ છે. અનહદ જ્ઞાન, અતિશય પ્રેમ, અત્યંત કર્મ અને સર્વ પ્રાણીઓ પ્રત્યે અત્યંત અનુકંપા ભર્યાં છે. તમે હજુ તેમને પૂરા સમજી શક્યા નથી. श्रृत्वाप्येनं वेद न चैव कश्चित्। ‘તેના વિશે અભ્યાસ કરવા છતાં ઘણાખરા લોકો તેને સમજી શકતા નથી.’ હિંદુ પ્રજાએ યુગો સુધી જે જે વિચાર્યું છે, તે તેઓ એક જીવનમાં ‘જીવી ગયા છે.’ તેમનું જીવન બધી પ્રજાઓના ‘વેદો’ પરનું જીવંત ભાષ્ય છે. લોકો ક્રમેક્રમે તેમને સમજતા થશે. (૬.૩૬૪)
પ્રશ્ન : શ્રીરામકૃષ્ણદેવે જે ધર્મની વાત કરી છે, તેની વિશિષ્ટતા શું છે?
સ્વામી વિવેકાનંદ : શ્રીરામકૃષ્ણ આજનો રચનાત્મક—નહિ કે વિનાશાત્મક—ધર્મ શીખવવા આવ્યા. આધ્યાત્મિક સત્યો જાણવા માટે તેઓને અભિનવરૂપે પ્રકૃતિ પાસે જવું પડ્યું હતું જેના ફળરૂપે તેમને વૈજ્ઞાનિક ધર્મ મળ્યો. આ ધર્મ કદીય કહેતો નથી કે ‘માની લો;’ તે કહે છે કે ‘જાતે જુઓ;’ ‘હું જોઉં છું અને તમે પણ જોઈ શકો.’ મારી અવલંબિત સાધનાનો ઉપયોગ કરો એટલે તમને પણ તે જ દર્શન થશે. ઈશ્વર બધાને પ્રાપ્ત થશે; સમત્વની સ્થિતિએ સૌ પહોંચી શકશો. શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ ‘હિંદુત્વનો સાર’ છે. (૩.૨૬૯)
Your Content Goes Here





