(શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજ અદ્વૈત આશ્રમના અધ્યક્ષ અને રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી છે.)

આજે સમગ્ર વિશ્વમાં સ્વામી વિવેકાનંદની જયન્તી કે પુણ્યતિથિ સ્વયંસ્ફુરિત ઉત્સાહથી, ધામધૂમથી અને ભાવભરી રીતે ઉજવાય છે. સ્વામી વિવેકાનંદ જો કેવળ ભારતના જ માર્ગદર્શક તત્ત્વજ્ઞ અને મિત્ર બની રહ્યા હોત તો કંઈ ભિન્ન-ભિન્ન વાતાવરણમાં રહેલા લોકોમાંથી કોઈને પણ તેમના જીવન અને તેમના સંદેશમાં કેન્દ્રિત થયેલો આટલો રસ પડ્યો ન જ હોત. આથી સ્વામી વિવેકાનંદ માટે તેમની જન્મભૂમિ-ભારત જેટલું ગૌરવ અનુભવે છે, એટલું જ – તે કરતાં જરાય ઓછું નહિ એવું – ગૌરવ સમગ્ર વિશ્વ અનુભવતું હોય એમ જણાય છે. તેમના જીવનનો અને તેમણે આપેલા સંદેશનો મહિમા વિશ્વ માટે મોટો છે. તેઓ જેટલા ભારતના છે તેટલા જ ભારત સિવાયની દુનિયાના પણ છે. જો કે એ સાચું છે કે તેઓ પ્રથમ કક્ષાના દેશભક્ત હતા. તેમની દેશભક્તિની ઇતિહાસમાં ભાગ્યે જ કોઈની સાથે સરખામણી કરી શકાય અને એથી ભારતની ભાવિ પેઢી માટે પ્રેરણા અને પથદર્શનના તેઓ અખૂટ સ્રોત બની રહેશે અને એટલા જ માટે બીજા કોઈ સમય કરતાં આધુનિક સમયમાં ભારતને તેમની વધુ જરૂર છે. એ તો ઠીક, પણ વિશ્વને પણ તેમની આજે એટલી જ જરૂર છે. વિખ્યાત અમેરિકન મેરી લૂઈ બર્કે (Marie Louise Burke) સાવ સાચું જ નોંધ્યું છે, કે વર્તમાન અમેરિકાને સ્વામી વિવેકાનંદના મૂળભૂત ઉપદેશોની તાતી જરૂર છે. બીજા એક પશ્ચિમના વિદ્વાન પ્રોફેસર એ. એલ. બાશામે લખ્યું છે કે, “વર્તમાન વિશ્વના મુખ્ય ઘડવૈયાઓમાંના એક તરીકે તેઓ – સ્વામી વિવેકાનંદ – સદા સ્મરણીય રહેશે” (સ્વામી વિવેકાનંદ: પૂર્વ અને પશ્ચિમમાં) સ્વામીજીએ પોતે જ કહ્યું છે: “સત્ય મારો પરમેશ્વર છે અને વિશ્વ મારો દેશ છે.” પશ્ચિમના એક મિત્રને તેમણે લખ્યું: “ભાઈઓ, હા, હું ભારતને જરૂર ચાહું છું. પણ મારી નજર હંમેશાં વધારે ને વધારે સ્પષ્ટ થતી જાય છે. અમારે માટે તે વળી ભારતેય શું અને ઇંગ્લૅન્ડ કે અમેરિકા એ શું? અમે અને આપણે સૌ તો ઈશ્વરના સેવકો છીએ જેને અજ્ઞાનીઓએ ‘માણસ’ એવી સંજ્ઞા આપી છે.” તેમણે આપણને એ વાતની વારંવાર યાદ અપાવી કે તેમનો રસ કેવળ રાષ્ટ્રીયતામાં જ સીમિત ન હતો. સાથોસાથ તે આંતરરાષ્ટ્રીય પણ હતો, અને તેથી તેમનો સંદેશ પણ સમગ્ર વિશ્વ માટે હતો. એ સંદેશ તેમણે નિર્ભીકપણે અને શાય પક્ષપાત વગર આપ્યો. સ્વામીજીના આ વિશ્વગામી સંદેશને જો આપણે ન સમજીએ, તો કદાચ આ દેશ માટેના એમના સંદેશના રહસ્યને પણ પૂર્ણ રીતે સમજવામાં અને મુલવવામાં આપણે નિષ્ફળ નીવડીએ.

એક વાર પોતાની ભાવાવસ્થા દરમિયાન થયેલી ઝાંખીમાં શ્રીરામકૃષ્ણદેવે સ્વામીજીને નિત્યમુક્ત આત્મારૂપે અને અતિ મનસની ભૂમિકામાં ધ્યાનમગ્ન થઈ રહેલા નિહાળ્યા અને પછી કરુણાથી હચમચી ઊઠેલા તેમજ અજ્ઞાનથી માનવજાતનો આધ્યાત્મિક ઉદ્ધાર કરવા માટે નીચે આ અવિન પર અવતરતા જોયા… આ દર્શન આપણને એ સમજાવી શકે છે કે સ્વામી વિવેકાનંદ ક્યા અને કેવા કેન્દ્રવર્તી અવતારકૃત્યને પૂર્ણ કરવા માટે અવતર્યા હતા!

સ્વામીજી કહે છે: “મારો આદર્શ બહુ થોડા શબ્દોમાં જ કહી શકાય. એ કે, “માનવજાતને તેની દિવ્યતાનો ઉપદેશ આપવો, અને જીવનની પ્રત્યેક ગતિમાં એ દિવ્યતા કેવી રીતે અભિવ્યક્ત થાય, તે બતાવવું.” પોતાની મહાસમાધિનાં છ વરસ પહેલાં, સને ૧૮૯૬માં, તેમણે લંડનમાં ઉચ્ચારેલા આ શબ્દોમાં, માનવજાત તરફની તેમની પ્રગાઢ લગની તેમજ વંશ કે રાષ્ટ્રીયતાના કશા ભેદભાવ વગર માનવજાતની સેવા કરવાની તેમની તીવ્ર ઝંખના ખૂબ સબળ રીતે અભિવ્યક્ત થયેલ છે : “આ શરીરમાંથી મારે બહાર નીકળી જવું પડે તો ભલે એમ થાય, જીર્ણશીર્ણ વસ્ત્રની પેઠે આ શરીરને દૂર ફેંકી દેવું પડે તોયે ભલે; એને હું સારું ગણીશ, પણ હું કામ કરતો બંધ તો નહિ જ થાઉં. જ્યાં સુધી આ જગતને, પોતે પરમાત્મા સાથે એકરૂપ છે એવું ભાન નહિ થાય ત્યાં સુધી દરેક ઠેકાણે લોકોને એવી પ્રેરણા આપતો રહીશ.” સ્વામીજી સૌથી પહેલાં તો સાક્ષાત્કારી-આત્મસાક્ષાત્કારી મહામાનવ હતા. માનવનું સાચું સ્વરૂપ તત્ત્વત: દિવ્ય છે, એવો સાક્ષાત્કાર તેમણે કર્યો હતો. માનવની આ દિવ્યતા જ તેમને બધા ધર્મોના કેન્દ્રબિન્દુ રૂપ લાગતી હતી. કેટલાક ધર્મોમાં એ દિવ્યતા સ્પષ્ટરૂપે તત્ત્વજ્ઞાનની સ્પષ્ટ ભાષામાં દર્શાવવામાં આવી છે. કેટલાક ધર્મોમાં એને વિવિધ પુરાણકથાઓ કે રૂપકોના વાધા પહેરાવવામાં આવ્યા છે. આમ છતાં એ ભિન્ન ભિન્ન શ્રદ્ધાપ્રણાલીઓ – સંપ્રદાયોના વાધાઓ પણ એ એક જ વિચારનો આધારસ્તંભ રચે છે. દરેકે દરેક વ્યક્તિએ આ ભીતરની દિવ્યતાનો સાક્ષાત્કાર કરવાનો છે. આ એક જ માર્ગે આપણે શાન્તિ અને પૂર્ણતાની પ્રાપ્તિ કરી શકીએ. આપણા સામાજિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ આ દિવ્યતાનો સ્વીકાર થવો ઘટે, એને સન્માનવી ઘટે અને એને જ પ્રાથમિકતા આપવી ઘટે. આ પાયાની દિવ્યતાને અપાયેલી માન્યતા આપણને શાન્તિ આપવામાં સહાયભૂત થશે અને દરેક રાષ્ટ્રને તેમજ સમગ્રતયા માનવજાતને માટે સાચી પ્રગતિની ખાતરી આપશે. સ્વામીજીના કહેવા પ્રમાણે ઊંચામાં ઊંચો સમાજ તો તે કહેવાય કે જેમાં માનવની દિવ્યતા, માનવજાતિમાં બન્ધુભાવ જેવા ઉમદા આદર્શો હોય, તેમજ દાન, ત્યાગ, નિ:સ્વાર્થતા, બલિદાન જેવા દિવ્યગુણોને વ્યવહારમાં ઉતારવાનો વધારેમાં વધારે મોકો મળતો હોય. સમાજ આ સદ્ગુણોને ખીલવવાની સુયોગ્ય ભૂમિકા પૂરી ન પાડી શકતો હોય, તો આપણે જેમ બને તેમ જલદીથી અને ક્રમશ: એને નવો ઘાટ આપવો જોઈએ. સ્વામીજીનું આહ્વાન મૂળે માણસની આ ભીતરની દિવ્યતાને પ્રકટ કરવા માટેનું છે – માણસમાં છુપાયેલી આધ્યાત્મિક શક્તિઓને પ્રક્ટ કરવા માટેનું છે માણસ ભલે પૂર્વનો હોય કે પશ્ચિમનો ! જો કે તેમણે બતાવેલા ચરમ ઉદેશ્ય તો પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધ માટે એક જ હતો, પણ તેને માટેની પદ્ધતિની વિગત તે દરેક માટે તેમણે અલગ અલગ બતાવી છે. આ ફેરફારનું એકમાત્ર કારણ તો તે તે લોકસમુદાયની ચિરંતન પરંપરા તેમજ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સંજોગો જ છે. પશ્ચિમના લોકોએ જગતના આનંદો ભરપેટ ચાખ્યા માણ્યા છે. તેઓ ખૂબ જ પૌરુષસંપન્ન છે, જીવનની લાલસાથી ભરપેટ છે; એક જ શબ્દમાં કહીએ તો તેઓ ‘રાજસિક’ છે. સ્વામીજી કહે છે કે, હવે તેમણે એવી આધ્યાત્મિક પ્રશાન્તિ પ્રાપ્ત કરવી જોઈએ કે જે તેમને સાચી સ્થિરતા-નિરુદ્વેગતા આપી શકે, અને જીવન તરફના તેમના ભૌતિકવાદી દૃષ્ટિકોણમાંથી ઉત્પન્ન થયેલ અને ઘર કરી ગયેલ લોભ – અસંતોષમાંથી બહાર કાઢવા જે તેમને શક્તિમાન બનાવે. આમ નહિ થાય તો તેઓ ભયંકર વિનાશ તરફ ઘસડાઈ જશે. આમ હોવાથી તેમની આગળ તેમણે (સ્વામીજીએ) ઉચ્ચતમ આધ્યાત્મિકતાની અને ત્યાગની યશોગાથા અને એની રમ્યતાનો ઉપદેશ આપ્યો.

પરન્તુ, બીજી બાજુ ભારતના લોકો પાસે તો વિજ્ઞાનનું કંઈ ઝાઝું જ્ઞાન નથી, યાંત્રિક સૂઝસમજ અને યંત્રોના ઉપયોગનું કૌશલ તેમની પાસે નથી; ભૌતિક જીવનની સારી-સારી વસ્તુઓ તેમણે માણી નથી; પશ્ચિમના લોકોની પેઠે તેઓ મહત્વાકાંક્ષી અને ગતિશીલ પણ નથી. ઓછામાં ઓછું ભારતના સામાન્ય જનવર્ગના બહુસંખ્યક લોકોની આ સ્થિતિ છે. તેઓ જડતાભરી હતાશામાં સરકી પડ્યા છે. આપણાં શાસ્ત્રોમાં આને તમસની સ્થિતિ કહેવામાં આવી છે. આવ લોકોએ પોતાની કરુણ સંજોગોની સ્થિતિમાંથી બહાર નીકળવું જ રહ્યું! અને જીવનની ઓછામાં ઓછી જરૂરિયાતો અને ઓછામાં ઓછી જીવનની સુખ સગવડો તો પ્રાપ્ત કરવી જ રહી! જો આવું ન થાય તો તેમની આગળ ઉચ્ચતમ ત્યાગના ઉપદેશો તો નકામા જ નીવડવાના! હવે, તામસિકતા – જડતામાંથી સાત્ત્વિક્તા – આધ્યાત્મિક શાન્તિ તરફ જવાનો કોઈ સીધો માર્ગ તો છે નહિ. એ માર્ગ તો રજસમાં – પ્રવૃત્તિમયતામાં થઈને જ જાય છે. નૈતિક સિદ્ધાન્તોથી નિયમિત થયેલ એ રજસપ્રવૃત્તિમયતામાંથી પસાર થવું પડે છે. એટલા માટે જ સ્વામીજીએ ભારતવાસીઓને ભારપૂર્વક પ્રવૃત્તિનો ઉપદેશ આપ્યો, ખૂબ જ ઉત્સુકતાથી નિષ્કામ સેવા કરવાનો તેમણે ઉપદેશ કર્યો. પણ તેમણે વારંવાર એક વાત પર ભાર મૂક્યો છે કે, એ બધી જ પ્રવૃત્તિઓ એ બધી ભૌતિક અને સામાજિક પ્રગતિ આધ્યાત્મિક્તાની આસપાસ જ કેન્દ્રિત થવી જઈએ, આમ અહીં પણ ઉદ્દેશ્ય તો સાક્ષાત્કાર અને માનવના ભીતરના સ્વરૂપના ક્રમશ: પ્રકટીકરણ કરતાં જુદો નથી જ.

આથી, સ્વામીજીએ પોતાના દેશવાસીઓને અને સમગ્રતયા વિશ્વને – બન્નેને જે કેન્દ્રવર્તી ઉપદેશ આપ્યો છે, તેનું યોગ્ય મહત્ત્વ સમજવામાં આપણે ભૂલ ન કરવી જોઈએ.

ભાષાંતર: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 98

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.