ભારતના ઇતિહાસમાં હિંદુધર્મ ભયંકરમાં ભયંકર કટોકટીમાંથી પસાર થતો હતો ત્યારે અર્વાચીન, ગતિશીલ હિંદુધર્મની શોધને પંથે વિવેકાનંદ પડ્યા હતા. ભારતનાં ભણેલા બૌદ્ધિકો પર પાશ્ચાત્ય સંસ્કૃતિની આટલી વ્યાપક અસર કદીયે થઈ ન હતી. કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજના ચારસોમાંથી લગભગ અર્ધા જેટલા બુદ્ધિશાળી અને સુસંસ્કૃત વિદ્યાર્થીઓએ ડીરોઝિયોની અસર હેઠળ હિંદુધર્મ ત્યજ્યો હતો ત્યારે બ્રિટિશ ભારતના પાટનગર કલકત્તામાં અભૂતપૂર્વ દૃશ્યો જોવા મળ્યાં હતાં! એ ‘યુવાન બંગાળીઓ’કલકત્તાની શેરીઓમાં બ્રાંડીના બાટલાઓ અને ગોમાંસની છાબડીઓ લઈને કેવળ વહેમ અને મૂર્તિપૂજાના મનાતા હિંદુ ધર્મ વિરુદ્ધ પોકારો કરતા નીકળ્યા હતા. એ જમાનાના ભારતના શિક્ષણશિલ્પી લોર્ડ મેકોલેએ ભારતીય પંડિતો વિશે ૧૮૩૧માં લખ્યું હતું: ‘ભારત અને અરબસ્તાનના બધા સ્થાનિક સાહિત્ય કરતાં યુરોપીય પુસ્તકાલયની એક છાજલી વધારે મૂલ્યવાન છે એમ નહીં સ્વીકારનાર એક પણ વિદ્વાન મને મળ્યો નથી.’ હિંદુઓના વધતા જતા યુરોપીકરણથી પ્રેરાઈને મેકોલેએ ૧૮૩૬માં લખ્યું: ‘આપણી અંગ્રેજી શાળાઓ અદ્‌ભુત રીતે ફૂલેફાલે છે. આપણી શિક્ષણ યોજનાનો બરાબર અમલ થયો તો ત્રીસ વર્ષના ગાળાને અંતે આદરપાત્ર વર્ગોના લોકોમાં એક પણ મૂર્તિપૂજક રહેશે નહીં.’ એણે જે સાલમાં આ લખ્યું હતું તે જ સાલમાં શ્રીરામકૃષ્ણનો જન્મ થયો હતો. એમના જીવન અને સંદેશ દ્વારા સાઠ વર્ષોમાં હિંદુ નવજાગૃતિનાં મહાપૂર આવ્યાં હતાં.

પાશ્ચાત્ય શિક્ષણ પામેલા હિંદુઓની સ્થિતિ આવી હતી તો હિંદુ ધર્મના સંરક્ષકો કહેવાતા પુરોહિત વર્ગની દશા વધારે નિરાશાજનક હતી. ક્રેંગેનોરના દેવીમંદિરમાં વિવેકાનંદનો પ્રવેશ અટકાવવામાં આવ્યો તે દહાડે અતાર્કિક રૂઢિની સત્તાની એમના પર પ્રબળ અસર થઈ હશે. શાસ્ત્રોમાં પારંગત એવા સંસ્કૃતિ સમ્રાટો હિંદુ ધર્મની સાચી ભાવનાથી આટલા અજ્ઞાત હોય અને જ્ઞાતિભેદ વિશે આટલા જડ હોય તો કોટિ કોટિ અભણ હિંદુઓની શી દશા હશે? વિવેકાનંદે સ્પષ્ટપણે જોયું કે હિંદુ ધર્મની નાવ એક મોટી કટોકટીના ગાળામાંથી પસાર થઈ રહી હતી. એ કાળે જ્ઞાતિપ્રધાન હિંદુઓ દ્વારા આચરાતા વહેમ-પ્રધાન, જ્ઞાતિબદ્ઘ અને પુરોહિતોના વર્ચસ્વવાળા હિંદુ ધર્મની ટીકા કરતા અને તેને ધિક્કારતા સમાજ સુધારકો અને નવબૌદ્ધિકોની ઊલ એક તરફ હતી. તો બીજી તરફ, વિવેકાનંદ કહેતા તે પ્રમાણે, ‘પાણી પીતી વખતે પ્યાલો જમણે હાથે પકડવો કે ડાબે તેની ચર્ચા વરસો સુધી કરતા પ્રૌઢોની રૂઢિની ચૂલ હતી. પોતાના મનમદુરાના પ્રવચનમાં વિવેકાનંદે હિંદુઓને પૂછયું હતું: ‘આવા ‘ગંભીર’ પ્રશ્નોની ચર્ચામાં અને એમને વિશે પાંડિત્યભર્યાં તત્ત્વજ્ઞાનો લખવામાં પોતાનું જીવન વ્યતીત કરતા આવા લોકો પાસેથી તમે શી અપેક્ષા રાખી શકો છો? આપણામાંના ઘણા આજે નથી વેદાંતી, નથી પુરાણી કે નથી તાંત્રિક. આપણે માત્ર ‘મને-અડતા-નહીં’ છીએ. આપણો ધર્મ રસોડામાં છે. આપણો ભગવાન ચૂલાના હાંડલામાં છે.’

‘આ જો બીજી સદી ચાલુ રહ્યું તો આપણે સૌ પાગલખાને પહોંચી જઈશું.’ એમ વિવેકાનંદે ચેતવણી ઉચ્ચારી હતી. પોતાના કલકત્તાના પ્રવચનમાં એ બોલ્યા હતા: ‘ગામડાનો એક નાનો રિવાજ આજે પ્રમાણ છે, ઉપનિષદોનો બોધ નહીં.’

ભણેલો હિંદુવર્ગ ‘મને-અડશો-નહીં’માંના અને રાંધણિયાના હાંડલાના ધર્મમાં અટવાતો હતો ત્યારે હિંદુઓનો મોટોભાગ ખાસ કરીને નીચલા વર્ણના લોકો ઢોરના પાડોશી જેવું જીવન જીવતા હતા અને કહેવાતા ઉચ્ચ વર્ણોથી થતાં શોષણને લઈને ગરીબાઈમાં અને વ્યક્તિત્વ ભૂંસી નાખીને રહેતા હતા એમ ભારતમાંના છ વર્ષના પોતાના ભ્રમણ દરમિયાન વિવેકાનંદે જોયું હતું. આ કરોડો ભૂખ્યા હિંદુઓ માટે એકવારનો રોટલો એકમાત્ર ધર્મ અને એકમાત્ર ઈશ્વર હતો. પયગંબરે જોયું કે આ ઉવેખાયેલા કરોડોને હિંદુ ધર્મની પાંખમાં લેવા માટે એ ધર્મમાં જડ મૂળથી સુધારાની આવશ્યકતા હતી.

લોકોના શોષણના, ગરીબાઈના અને તર્કહીન રૂઢિવાદના જગતમાં સેંકડો હિંદુ સંપ્રદાયો એકબીજા સામે બાખડી રહ્યા હતા ત્યાં વિવેકાનંદે એક નવી આકૃતિનો આવિષ્કાર જોયો; પરસ્પર વિરોધી પંથો, સંપ્રદાયો અને દર્શનનો સંવાદ સાધનાર, હિંદુ ધર્મની સાચી ભાવનાને પુન: જાગ્રત કરનાર અને સામાન્ય જનો તથા સ્ત્રીઓનો તારણહાર એમને દેખાયો. એ હતા એમના ગુરુ શ્રીરામકૃષ્ણ. હિંદુ ધર્મનું નવસંસ્કરણ, વિશ્વધર્મ, સનાતન ધર્મ, સઘળું એમના થકી ઉદ્‌ભવ્યું.

હિંદુધર્મના નવનિર્માણમાં શ્રીરામકૃષ્ણે આપેલા ફાળાને સંપૂર્ણ સ્પષ્ટતાથી વિવેકાનંદે સમજાવ્યો. ‘પણ સમય જતાં સાચા આદર્શોથી અને વ્યવહારના નિયમોથી પતિત થઈને અંધપરંપરાને વળગી રહી અને બુદ્ધિથી પતિત થઈ, આર્યોનાં વંશજો આ પુરાણો આદિની ભાવના સમજવામાં નિષ્ફળ ગયા….. અને પરિણામે વેદોના સનાતન ધર્મના નાના ટુકડાઓ કરીને સુજલાં સુફલાં ભારતભૂમિમાં ગરબડ ઊભી કરી ત્યારે ભગવાન શ્રીરામકૃષ્ણે ભારતમાં અવતાર ધારણ કર્યો અને આર્યોનો સાચો ધર્મ શો છે તે દર્શાવ્યું.’ હિંદુ સાધનાના બધા પંથોની તેમજ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મોની પણ સાધના કરનાર શ્રીરામકૃષ્ણમાં વિવેકાનંદે ‘હિંદુ ધર્મની સાચી એકતા નિહાળી.’ અનન્ય ત્યાગ અને બહાર તેમજ અંતરમાં જગજ્જનનીની ઉપસ્થિતિની શાશ્વત અનુભૂતિ વિવેકાનંદની દૃષ્ટિએ, ‘હિંદુ ધર્મની સંપૂર્ણ વ્યાપ્તિને સમજવા માટેનો અસાધારણ પ્રકાશ આવિષ્કૃત થયો હતો.’ પોતાના મદ્રાસવાસી શિષ્ય આલાસિંગાને સ્વામીજીએ લખ્યું હતું: ‘ઋષિઓ અને અવતારો જે શીખવવા માગતા હતા તે પોતાના જીવનદ્વારા એમણે પ્રગટ કર્યું હતું. ગ્રંથો સિદ્ધાંતો હતા, એ સાક્ષાત્કાર હતા.’

વિવેકાનંદને ડર લાગ્યો હતો કે ઈશ્વરમસ્તીનું આ મહાન અને ઈશ્વરમય જીવન બધા ધર્મોના સમન્વયનું અને વ્યવહારુ વેદાંતનું ઉદાહરણ હતું અને બાબાવાકય-પ્રમાણવાદી હિંદુઓ કે પૂરા ભૌતિકવાદી પાશ્ચાત્યો એને સમજી શકશે નહીં. શ્રીરામકૃષ્ણની અતિમાનવીય સાધનાઓ વિશે એક ભારતીય જનને એમણે કહ્યું હતું: ‘એમને (પાશ્ચાત્યોને) આ સાધનાઓ વિશે મેં વાત કરી હોત તો મને અને મારા ગુરુને એ લોકોએ નજીકની ખાડમાં ફેંકી દીધા હોત.’ પણ વિવેકાનંદના જ આશ્ચર્ય વચ્ચે, એમણે પોતે જોયું કે તત્કાલીન યુરોપના સૌથી મહાન પંડિત અને વિદ્વાન મેક્સમૂલર દ્વારા શ્રીરામકૃષ્ણ જાતે જ પશ્ચિમને પ્રબોધી ચૂકયા હતા; શ્રી રામકૃષ્ણ : સાચા મહાત્મા ને નામે શ્રીરામકૃષ્ણનું પ્રથમ જીવનચરિત્ર એમણે લખ્યું હતું. તે સમયે લેખક પ્રાપ્ય એકદમ ઓછી માહિતીને આધારે એ લખાયું હોવા છતાં ભારતમાં પણ લખાયા પૂર્વેનું ઠાકુરનું એ પ્રથમ જીવન ચરિત્ર હતું. જેમને પોતે સાયણાચાર્યનો અવતાર કહેતા તે મેક્ષમૂલરને મળવા વિવેકાનંદ જાતે ગયા હતા. લગભગ નિરક્ષર બંગાળી બ્રાહ્મણ પૂજારી એવા પોતાના ગુરુની યુગપ્રભાવક અને જગતને હલબલાવે તેવી શક્તિને ‘જગતે કદાપિ જોયેલા આત્મશક્તિના સૌથી અદ્‌ભુત આવિષ્કાર’ તરીકે તેમણે કલકત્તાવાસીઓ સમક્ષ ઓળખાવી હતી. વિવેકાનંદ બોલ્યા હતા: ‘એમના અવસાનને દસ વર્ષ થાય તેટલા ગાળામાં એ શક્તિ સમસ્ત જગતને વીંટી વળી છે. આ રાષ્ટ્રને ઊભા થવું હોય તો, મારું વચન છે કે એના નામને વળગીને જ તેમ થઈ શકશે.’ જે ભારતવાસીઓ અને હિંદુઓ વિલીન ભૂતકાળમાં ઊડીને જૂના રીતરિવાજો અને વિધિઓને જીવતા કરવા યત્ન કરતા હતા તેમને વિવેકાનંદે સ્પષ્ટ નિર્દેશ્યું કે ‘જીવંત હિંદુધર્મ’ની મૂર્તિ શ્રીરામકૃષ્ણ સમીપ તે સૌએ આવવું પડશે. ‘મરી ગયેલાં કદી પાછાં આવતાં નથી; વીતેલી રાત ફરી આવતી નથી; ભાંગીને ભૂક્કો થઈ ગયેલો સમુદ્ર તરંગ ફરી ઊભો થતો નથી; તેમજ, મનુષ્ય એ જ શરીર ફરી ધારણ કરતો નથી. એટલે હે માનવી, મૃત અતીતની ઉપાસના છોડી જીવંત વર્તમાનની ઉપાસના કરવા અમે તને નિમંત્રીએ છીએ.’ અને ‘જે વિચારોનો બોધ આપું છું તે તેમના વિચારોનો પડઘો પાડવાનો પ્રયત્ન છે.’ અને જગત જાણે છે કે પયગંબર પથદર્શક વિવેકાનંદની પાછળ પૃથ્વી પરના સંસ્કૃતિના આ ચક્રમાંના ઈશ્વરના અવતાર શ્રીરામકૃષ્ણ ઊભા છે. ગર્જના કરતા પોલની પાછળ ઈશ્વર સાથેના શાશ્વત અનુસંધાનવાળા મહાન ફિરસ્તા ઈસુ ખડા છે.

પોતાના ગુરુનાં જીવન અને સંદેશમાં વિવેકાનંદને હિંદુ ધર્મનું કોઈ નવું પરિમાણ લાધ્યું હતું? નિવેદિતાને એમણે કહ્યું હતું કે ‘રૂઢિચુસ્ત હિંદુઓ ‘એક’ને સત્ય અને ‘અનેક’ને અસત્ય માનતા હતા ત્યારે મારા ગુરુ અને હું અનેકને એકના જુદાજુદા આવિષ્કારો માનીએ છીએ.’

હિંદુ ધર્મને પોતાના ગુરુએ આપેલા ફાળા વિશે નિવેદિતાએ આમ તારણ કાઢયું હતું:

‘અમારા ગુરુના જીવનનો મહવનો મુકુટમણિ આ છે કારણ, અહીં એ માત્ર પૂર્વ અને પશ્ચિમનું સંગમ સ્થાન જ નથી બનતા પણ તે સાથે એ ભૂત અને ભાવિનું સંગમ સ્થાન પણ બને છે. એક અને એક જ સત્ય હોય તો માત્ર બધા ઉપાસનાના પ્રકારો જ નહીં પણ કર્મના પ્રકારો પણ સાક્ષાત્કારના માર્ગો છે. હવે પછી ધાર્મિક અને બિનધાર્મિક વચ્ચે કશો તફાવત નહીં. શ્રમ એટલે જ પ્રાર્થના. વિજય એટલે જ ત્યાગ. જીવન પોતે જ ધર્મ. પાસે રાખવું અને એને પકડી રાખવું એ ત્યજવા અને અલિપ્ત રહેવા જેવી જ શ્રદ્ધા છે.

‘જ્ઞાન અને ભક્તિથી વિભક્ત નહીં પણ એમને વ્યક્ત કરતા કર્મના મહાન પ્રબોધક તરીકે વિવેકાનંદને આ જ્ઞાન ઠરાવે છે. એમને મન ઉપાસના, અધ્યયન, ખેડૂતનો વાડો કે ખેતર, સઘળાં ભગવાનને મળવા માટેનાં એટલાં જ સાચાં સ્થાન છે જેટલા સાધુની કુટિર કે મંદિરનું દ્વાર છે. માનવસેવા અને ઈશ્વરોપાસના વચ્ચે, પુરુષાતન અને શ્રદ્ધા વચ્ચે, સાચી પ્રમાણિકતા અને આધ્યાત્મિકતા વચ્ચે, એમને મન કશો ફરક નથી. એક દૃષ્ટિબિંદુએ એમના બધા શબ્દો આ તાત્ત્વિક શ્રદ્ધા ઉપરનું ભાષ્ય છે. એક વાર એમણે કહ્યું હતું કે ‘કલા, વિજ્ઞાન અને ધર્મ’ એક જ સત્યને વ્યક્ત કરવાના ત્રણ ભિન્ન માર્ગો છે. પણ એ સમજવા માટે આપણી પાસે અદ્વૈતનો સિદ્ધાંત હોવો જોઈએ.’

હિંદુ ધર્મના હાર્દને શ્રી શંકરાચાર્યે એક અમર સૂત્રમાં ગૂંથી લીધું છે: બ્રહ્મ સત્યં, જગત્‌ મિથ્યા, જીવો બ્રહ્મ એવ ન અપર: (બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે, જીવમાત્ર બ્રહ્મ છે, બીજું કશું નથી.)- ‘મા જ બધું થયાં છે.’ એ શ્રીરામકૃષ્ણનું શાશ્વત ધ્રુવપદ હતું.

માયાના જગતનું મિથ્યાત્વ પાપી પ્રભુ, રોગી પ્રભુ, રાંક પ્રભુ અને કનક કંચનની માયાથી મોહિત પ્રભુનો આવિષ્કાર છે. વાઘ પણ નારાયણ છે પરંતુ વાઘનારાયણને ભેટાય નહીં, એમ શ્રીરામકૃષ્ણનો બોધ હતો.

ઈશાવાસ્યં ઈદં સર્વમ્‌ યત્કિઞ્ચ જગત્યાં જગત;
તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ:કસ્ય સ્વિદ્ઘનમ્‌-

(આ જગતના બધા પદાર્થોમાં આપણે ઈશ્વરનાં દર્શન કરવાં જોઈએ. બીજાના ધનનો લોભ છોડી દેવો જોઈએ જેથી આપણી દૈવી પ્રકૃતિને આપણે જાળવી શકીએ.)

ઈશ ઉપનિષદના આ મુખ્ય સંદેશની પુન: પ્રતિષ્ઠા અને સુધારણા શ્રી રામકૃષ્ણની અનુભૂતિ હતી. ઉપનિષદોનાં ચાર મહાવાક્યો:

અહં બ્રહ્માસ્મિ (હું બ્રહ્મ છું.)

તત્‌ ત્વમ્‌ અસિ (તું તે છે.)

પ્રજ્ઞાનં બ્રહ્મ (વિશુદ્ધ ચેતના બ્રહ્મ છે.)

અયમ્‌ આત્મા બ્રહ્મ (આ આત્મા બ્રહ્મ છે.)

આ મહાવાકયોની શંકરાચાર્યે વ્યાખ્યા આપી છે.

શ્રીરામકૃષ્ણ ‘હું’ બોલી શકતા નહીં. એમને માટે માત્ર ‘તું’ જ સત્ય હતું. શ્રીરામકૃષ્ણની પ્રધાન અનુભૂતિ હતી, ‘મા સર્વ કંઈ થઇ રહ્યાં છે.’ છાન્દોગ્ય ઉપનિષદ એનો પડઘો પાડે છે:

‘સર્વં ખલુ ઈદં બ્રહ્મ’. ‘હું બ્રહ્મ છું, ’ એ મહાવાક્ય પ્રેરિત સાક્ષાત્કાર કે મુક્તિથી આમાં દૂર જવાનું હતું. અંતર્નિહિત પરમાત્માની સેવાની પ્રેરણાનો આ સ્વીકાર છે. શિવજ્ઞાને જીવસેવા એ શ્રી રામકૃષ્ણના યુગવર્તી સંદેશથી આને પ્રેરણા મળી હતી. આ સમષ્ટિદર્શક ધર્મ પરના ભારે જ હિંદુધર્મમાં વ્યવહારુ વેદાંતને જન્મ આપ્યો. પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, આચાર્યદેવો ભવ, અતિથિદેવો ભવ, એ ઉપનિષદ સંદેશને દરિદ્રદેવોભવ, મૂર્ખદેવો ભવ, પાપીદેવો ભવ, તાપીદેવો ભવ (દરિદ્ર, અજ્ઞાની, પાપી, પીડિત સૌમાં રહેલા ઈશ્વરની સેવા કરો.) એ સંદેશ દ્વારા વિવેકાનંદે જગતને પ્રેરીને વધારે વ્યાપક બનાવ્યો. આ સમષ્ટિદર્શી કે વ્યવહારુ વેદાંતે વિવેકાનંદને નીચેની પંક્તિઓ લખવા પ્રેર્યા!

‘મિત્ર, પ્રભુને તું કયાં શોધે છે?
તારી સામે અસંખ્ય રૂપોમાં એ ખડા છે.
પ્રાણીમાત્રને ચાહે છે તે જ પ્રભુની સેવા કરે છે. ’

મનુષ્યમાં રહેલા આ ઈશ્વરની સેવાની પ્રેરણાએ જ પછીનાં વર્ષોમાં વિવેકાનંદ પાસે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરાવી. પણ બધા ધર્મોના સ્વીકાર પર આધારિત હિંદુધર્મની સ્થાપના અને શાળાઓ, હોસ્પિટલો, ઝૂંપડપટ્ટીઓ અને અરણ્યોમાંના જીવંત પ્રભુની ઉપાસના વચ્ચે ગાળો લાંબો હતો. પોતાને ઘણું બધું અંતર કાપવાનું છે, લાંબા ઐતિહાસિક સંઘર્ષો કરવાના છે, જડતાનો અને વિરોધનો અને જબ્બર વિરોધનો સામનો કરવાનો છે તેમ એ પયગંબર જાણતા હતા. ત્યાં સુધી ધ્યેયપ્રાપ્તિ નથી. આ લાંબા પંથની યાત્રા માટે એ તૈયાર હતા.

અજ્ઞાત સાધુ તરીકે ભારતને ખૂણે ખૂણે વિવેકાનંદ ભટકતા હતા ત્યારે એમની મૌલિકતા અને શક્તિની પ્રશંસા કરનાર ઘણા હોવા છતાં એમના ગુરુનો સંદેશ સાંભળવા કોઈ તૈયાર ન હતું. ભમતા સાધુમાં પયગંબરનાં દર્શન બહુ જ થોડા લોકોને થયાં હતાં. ગાઝીપુરમાં જિલ્લા ન્યાયાધીશ મિ.પેનિન્‌ગ્ટને આ યુવાન સાધુને વેદાંતપ્રચાર માટે પશ્ચિમમાં જવા કહ્યું હતું કારણ ત્યાંના લોકો સ્વામીજીના સંદેશને કદાચ બરાબર સમજી શકે. લીંબડીના ઠાકોર સાહેબ, ભૂજના મહારાવ, પોરબંદરના પંડિત શંકર પાંડુરંગ, માઈસોરના મહારાજા, રામનદના રાજા, ખેતડીના મહારાજા અજિતસિંહજી, જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈ અને છેલ્લે મદ્રાસના કેટલાક જુવાન શિષ્યોએ તથા બીજા થોડાકોએ એમનામાંના પયગંબરને પિછાન્યા હતા. એમનામાંના ઘણાએ એમને પશ્ચિમમાં જઈને ભારત બહારના જગતની પ્રશંસા મેળવવા વિનંતી કરી હતી. પ્રો. વેણીશંકર શર્માએ જણાવ્યા પ્રમાણે એ યુવાન સાધુ આથી પ્રેરાઈને અફઘાનિસ્તાનમાં થઈ પશ્ચિમમાં ચાલતો જવાને તૈયાર થઈ ગયો હતો. કન્યાકુમારીના અંતિમ ખડક પર શ્રીરામકૃષ્ણના અનુયાયીઓ દ્વારા થનારા ભારતના પુનરુત્થાનનું દર્શન થયું. પૂર્વના ઉદ્ધાર માટે ગુરુ પશ્ચિમમાં જવાનું કહેતા હોય તેવું સ્વપ્ન તેમને મદ્રાસમાં દેખાયું. અંતે પૂજ્ય શારદામાએ સાગરપારની આ યાત્રા માટે પોતાના આશીર્વાદ પાઠવ્યા. પોતાના ગુરુના જીવંત દૃષ્ટાંત દ્વારા તર્કપૂત, વૈશ્વિક અને ઔપનિષદિક હિંદુ ધર્મ પ્રત્યે જગતનું ધ્યાન દોરવા માટે શિકાગોની ધર્મ પરિષદમાં જવાનો તેમણે નિર્ણય કર્યો.

જે ખાસ બાંધેલું જહાજ ભારતના વિવિધ ધર્મોના પ્રતિનિધિઓને લઈ જતું હતું તે ન્યુયોર્કના બારામાં લાંગર્યું ત્યારે બિશપોએ અને બીજા મહાનુભાવોએ એમનું સ્વાગત કર્યું; એમાં એક વ્યક્તિ ન હતી, સ્વામી વિવેકાનંદ. એમના મદ્રાસના શિષ્યોએ ઉધરાવેલા થોડા રૂપિયા સાથે અજાણ પશ્ચિમમાં કપડાંની એક જ જોડી સાથે, કશાં પુસ્તકો વગર, કશી તૈયારી વગર, કશા ઓળખપત્ર વગર એ એકલા જ ગયા હતા. મુંબઈથી એમનું જહાજ ઉપડયું હતું તેની થોડીકવાર પહેલાં જ એમનો એક શિષ્ય દોડતો આવી તેમને મધ્વાચાર્ય કૃત ‘સર્વદર્શન સંગ્રહ’ની નકલ આપવા લાગ્યો. સ્વામીજી એ પુસ્તકના ખંડો મોઢેથી બોલવા લાગ્યા અને સ્મિત સાથે એ પુસ્તક પરત કર્યું. પોતાના હૃદયમાં એ પરમાત્માને લઈને જતા હતા. તેત્રીસ કોટિ મૂક ભારતીયોનું ભાવિ એમની સાથે હતું.

ખ્રિસ્તી ધર્મના જયજયકાર માટે લોકોની એક મંડળીએ શિકાગોની ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું તે વદતોવ્યાધાત બની, વિવેકાનંદ અને એમણે પ્રબોધેલા હિંદુ ધર્મ માટેના ભવ્ય વિજયમાં પરિણમી. સ્વામીજી પોતાના ગુરુની વાણીને વાચા આપતા હતા. એમના મુખમાંથી પહેલા પાંચ શબ્દો સર્યા તેવો જ સાત હજાર પ્રતિનિધિઓના ગર્જના સમી તાલીઓના ગડગડાટે તેમને વધાવ્યા: એ શબ્દો હતા: ‘અમેરિકાનાં બહેનો અને ભાઇઓ.’ ત્રીસ વરસના ભારતીય સાધુને કંઠેથી વ્યક્ત થતી બંધુતાની, સહિષ્ણુતાની અને સ્વીકારની ભારતીય ભાવનાને અપાયેલું એ સહજ સન્માન હતું. જુવાળનાં ચડતાં પાણીની માફક હિંદુ જ્ઞાનથી શક્તિપૂત શબ્દો એમના હોઠમાંથી બહાર પડવા લાગ્યા અને પશ્ચિમને એમાંની અભૂતપૂર્વ નવીનતા અસર કરી ગઈ તથા પ્રાચીન ભારત માટે તથા એના જ્ઞાન માટે એનામાં આદર જન્મ્યો. વિવેકાનંદે પોતાના ગુરુની વાણીથી પોતાનું પ્રવચન પૂરું કર્યું; ભયકંર ધાર્મિક સંઘર્ષ અને રક્તપાતથી પીડાતા જગત માટે એ યુગભાવના હતી:

‘વિરોધ છતાંયે દરેક ધર્મના ધ્વજ પર આ શબ્દો અંકિત થશે: ‘સહાય, યુદ્ધ નહીં’, ‘આત્મસાત કરવું, વિનાશ નહીં.’, ‘સંવાદ અને શાંતિ, વિસંવાદિતા નહીં.’

આ શબ્દોનો આઘાત પ્રબળ હતો. ભગિની નિવેદિતાએ લખ્યું છે: ‘એમણે બોલવાનો આરંભ કર્યો હિંદુઓના ધાર્મિક વિચારો વિશે. પૂરું કર્યું ત્યારે હિંદુ ધર્મ સર્જાઈ ચૂક્યો હતો.’

અમેરિકન અખબાર જગતે વિવેકાનંદને ‘ધર્મપરિષદની સૌથી મહાન પ્રતિભા તરીકે’ ઓળખી કાઢયા હતા. ૧૮૯૩ના નવેમ્બરની ૧૯મીના ન્યૂયોર્ક ક્રિટિકમાંના શિકાગો પત્રમાં એમને વિશે લખાયું હતું: ‘પોતાના વંશની છાપ એમના વ્યક્તિત્વ પર અંકિત છે. એમની સંસ્કૃતિએ, એમના વક્તૃત્વે અને એમના મોહક વ્યક્તિત્વે હિંદુ સંસ્કૃતિ વિશે આપણને નવો ખ્યાલ આપ્યો છે.’ પરિષદને ચોથે દહાડે બોસ્ટનના રેવરંડ જોઝેફ કૂક નામના લોકપ્રિય અને જાણીતા પાદરીએ ખ્રિસ્તી ધર્મનો મહિમા ગાવાનો પ્રયત્ન કર્યો કારણ એ ધર્મ મૂળ પાપ પર આધારિત છે. વિવેકાનંદે તરત જ સહજ વેદાંતી પ્રત્યુત્તર વાળતાં કહ્યું: ‘તમે, પૃથ્વી પરના દેવો, શું પાપી છો? માનવીને પાપી કહેવો એ પાપ છે. માનવ પ્રકૃતિ પરનું એ લાંછન છે.’ ઉદાર મનના અમેરિકનોએ શીઘ્ર ઉત્સાહપૂર્વક ટેકો આપ્યો. પરિષદ પૂરી થયા પછી ઓકટોબર ૧૨ના ઓપન કોર્ટ નામના સામયિકમાંના એક કાવ્યની આ કડી પરથી સ્વામીજીના શબ્દોની પ્રબળ અસર જોઈ શકાય છે:

અને પછી મેં તહીં સુણ્યા આ હિંદુ સંત ભગવાંધારી,
એ બોલ્યા કે, માનવ સૌ એ અંશ જેના એ સચરાચારી;
વળી કહ્યું, ના પાપી કો છે, શમ્યો અંતરે મુજ ઉચાટ,
ધર્મ પરિષદે મેઘગર્જના શો થયો તાળીનો ગડગડાટ.

એક યુવાન અમેરિકને (પછીના સ્વામી અતુલાનંદે) મનુષ્યની જન્મજાત દિવ્યતાના સ્વામીજીના સંદેશની પોતાના જીવન પરની અસરને યાદ કરી હતી. એક સાંજે દેવળે નિયમિત જતી એક બાનુએ સ્વામીજીને પૂછયું: ‘તમે કદી પાપ વિશે કેમ બોલતા નથી?’ સ્વામીજીને ચહેરે આશ્ચર્ય છવાઈ ગયું. એ બોલ્યા: ‘પણ બાનુ, મારાં પાપ પણ કૃપાવંત છે. પાપ મારફત હું પુણ્ય શીખ્યો છું. મારાં પુણ્યના જેટલાં જ મારાં પાપે મને હું જે છું તે બનાવ્યો છે. ને આજે હું સદ્‌ગુણનો બોધ કરનાર છું. માનવ સ્વભાવની નબળી બાજુ પર ભાર શા માટે મૂકવો?’

‘અહીં આશા હતી, અહીં શક્તિ હતી, દરેક માનવી દેવ બની શકે છે અને પોતાની દિવ્યતાનો સાક્ષાત્કાર કરી શકે છે. સ્વામીજી ત્રાતા તરીકે આવ્યા એ કેટલું મોટું આશ્વાસન છે એ તમે જોઈ શકો છો? એમનાં હૃદયદ્વારે આવી સ્વામીજીએ તેમને ખટખટાવ્યાં. અને એમની ઉપસ્થિતિથી દ્વાર ખોલી જે કૃપાનો પ્રવાહ પામ્યાં તે ધન્ય છે.’

વાસ્તવમાં એમનો સંદેશ શો હતો? એ જમાનાના સંકુચિત જ્ઞાતિબદ્ધ હિંદુ ધર્મનો સંદેશ એ હતો કે એકમ્‌ સત્‌ વિપ્રા: બહુધા વદન્તિ એ દર્શન આધારિત સનાતન ધર્મનો સંદેશ એ હતો? એમણે સાચા હિંદુ ધર્મનો સંદેશ આપ્યો હતો અને એમણે હિન્દુ ધર્મને ‘બધા ધર્મોનું માતૃમંદિર’ કહ્યું હતું.

‘પશ્ચિમમાં બ્રહ્માંડ’ વિશેના પોતાના પ્રવચનમાં આજના સામાન્ય માનવીની ભાષામાં સનાતન સત્યોનું અર્થઘટન કરનાર તરીકે પોતાની જાતને તેમણે ઓળખાવી હતી.

‘આ બધા સર્વગ્રાહી પ્રશ્નો પર કશો નવો પ્રકાશ ફેંકવાનો અમારો દાવો નથી પણ આજના યુગની ભાષામાં પ્રાચીન સત્યોને તમારી સમક્ષ રજૂ કરવાં, દેવદૂતોનું ચિંતન માનવીની ભાષામાં રજૂ કરવું, રાંક માનવજાતની ભાષામાં ઈશ્વરના વિચારો રજૂ કરવા છે, જેથી સામાન્ય જન એમને સમજી શકે.’

(ક્રમશ:)

Total Views: 242

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.