(ગતાંકથી ચાલુ)
“અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, આપે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય આનંદ ઊભરાય છે. ગૌતમ જેના માત્ર એક સભ્ય હતા તે, જગતના અતિ પ્રાચીન સાધુઓના વર્ગ વતી હું આપનો આભાર માનું છું; બૌદ્ધ અને જૈન ધર્મો જેની શાખાઓ છે તે સર્વ ધર્મોની જનતા વતી હું આપનો આભાર માનું છું; અને સર્વવર્ણના અને સર્વ સંપ્રદાયના લાખો હિંદુઓ વતી હું આપનો આભાર માનું છું. વળી, આ વ્યાસપીઠ પર આવીને જે વક્તાઓએ પૂર્વનાં દેશોના પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતાં આપને કહ્યું છે કે, દૂર દૂરની પ્રજાઓમાંથી આવેલી આ વ્યક્તિઓ સહિષ્ણુતાના આદર્શને જુદા જુદા દેશોમાં પહોંચાડવા માટે બહુમાનના અધિકારી છે, તેઓનો પણ હું આભાર માનું છું. એ વિચાર માટે હું એમનો આભાર માનું છું. જે ધર્મે સહિષ્ણુતા અને સર્વના સ્વીકારનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે કેવળ સમગ્ર વિશ્વ પ્રત્યેની સહિષ્ણુતામાં માનીએ છીએ એટલું જ નહીં પણ, સર્વ ધર્મોને સત્ય તરીકે સ્વીકારીએ છીએ. જે ધર્મની પવિત્ર ભાષા સંસ્કૃતમાં ‘એક્સક્લુડ’ (exclude, બાકાત રાખવું) જેવા પ્રયોગનો અનુવાદ જ શક્ય નથી તે ધર્મનો અનુયાયી હોવાનું મને ગૌરવ છે.(તાળીઓ) પૃથ્વી પરની સર્વ પ્રજાઓ અને ધર્મોના ત્રાસિતો અને નિર્વાસિતોને અમે આશ્રય આપ્યો છે. અને તે વાતનું મને ગૌરવ છે. રોમન જુલમગારોએ ઈઝરાયલીઓના પવિત્ર દેવળને જ્યારે તોડી પાડ્યું ત્યારે તે જ વર્ષોમાં દક્ષિણ ભારતમાં દોડી આવનાર એમના જે પવિત્ર અવશિષ્ટો દક્ષિણ ભારતમાં આવ્યા તેને અમે અમારી ગોદમાં સમાવ્યા છે. મહાન જરથોસ્તી પ્રજાઓના અવશેષોને આશ્રય આપનાર અને આજ સુધી તેને પાળનાર ધર્મના અનુયાયી હોવાનું મને ગૌરવ છે. બંધુઓ, જેનો નિત્યપાઠ બાલપણથી કર્યાનું મને સ્મરણ છે અને જેનો અનેક હિંદુઓ રોજ પાઠ કરે છે તે સ્તોત્રના સત્વનો મને સાક્ષાત્કાર થતો લાગે છે:
रुचीनां वैचित्र्याद् ऋजुकुटिलनानापथजुषाम्।
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव।।
(શિવ મહિમ્ન સ્તોત્ર-૭)
“જુદાંજુદાં સ્થળોએથી નીકળતી અનેક નદીઓના વહેણ અંતે જેમ મહાસાગરમાં સમાય છે તેમ, હે પ્રભુ! જુદાંજુદાં માનસિક વલણોથી સ્વીકારાયેલાં જુદાંજુદાં ધર્મમાર્ગો, તે ગમે તેવા ભિન્ન હોય, અટપટા કે સરળ હોય તો પણ તારી ભણી જ લઈ જાય છે.”
“જગતમાં મળેલી અનેક મહાન પરિષદોમાંની એક એવી આ પરિષદ પોતે જ ગીતામાં પ્રબોધેલા અદ્ભુત સિદ્ધાંત, ‘ગમે તે સ્વરૂપમાં જે કોઈ મારી પાસે આવે છે તે મને પામે છે. મને પામવાને મથતા સર્વ મનુષ્યોના જુદાજુદા માર્ગો અંતે મારી ભણી વળે છે’ -ની પ્રતીતિ કરાવે છે અને વિશ્વને તેની જાણ કરે છે. પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતા ધર્મઝનૂને આ જગતને વર્ષોથી આવરી લીધેલ છે. એ ઝનૂને દુનિયાને હિંસાથી ભરી દીધી છે, માનવરક્તથી વારંવાર રંગી છે, સંસ્કૃતિનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાઓને નિરાશામાં ધકેલી છે. પણ એનો કાળ આવી લાગ્યો છે અને હું અંતરથી માનું છું કે, આજે સવારે આ પરિષદમાં જે ઘંટારવ થયો તે સર્વ ધર્માંધતાનો મૃત્યુઘંટ હતો (તાળીઓ), તલવારના, કલમના, બધા ત્રાસવાદનો અને એક જ લક્ષ્ય તરફ જતા જુદાજુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત લાગણીઓનો તે મૃત્યુઘંટ હતો.”*
સ્વામીજીના પુરોગામી વક્તાઓમાંથી કેટલાય સારું, ઘણું સારું બોલ્યા હતા. અને તેમને સૌએ શ્રોતાજનોએ તાળીઓથી વધાવ્યા પણ હતા. પરંતુ, તે સૌ વક્તાઓ પોતાના ધર્મ વિશે, પોતાના ભગવાન વિશે બોલ્યા હતા ત્યારે, સ્વામીજીએ એક સંકુચિતતાની વાડ ભેદી નાખી હતી અને, પોતાના ધર્મની વાત કરતાં, પોતાના શાસ્ત્રવાક્યો ટાંકીને સૌના ધર્મની, સૌના ભગવાનની વાત કરી હતી અને એમ કરીને ભેદી ભોગળોને પોતાના તીક્ષ્ણ શબ્દ બાણે ભેદી નાખી હતી. સ્વામીજીના પ્રવચનને પણ તાળીઓથી સૌએ વધાવ્યું. એ તાળીઓ ઔપચારિક ન હતી. તે તાળીઓનો ગડગડાટ મેઘગર્જના જેવો હતો. સુવિખ્યાત ફ્રેંચ ચિંતક રૉમા રોલાંના શબ્દોમાં થોડો ફેરફાર કરીને કહીએ કે સ્વામીજીની એ વૈખરી વાણી પાછળ શ્રીરામકૃષ્ણની પરાવાણી હતી. શિષ્ય મુખેથી, જાણે કે, શ્રીરામકૃષ્ણ પોતે બોલી રહ્યા હતા. પોતાના આ પ્રવચનથી તત્કાલ સ્વામીજી કોલંબસ હૉલના સમગ્ર શ્રોતાગણના લાડીલા બની ગયા. સ્વામી વિવેકાનંદે એ પ્રવચન કર્યું હતું કૉલંબસ હૉલના શ્રોતાજનોને સંબોધીને પણ, તે શબ્દોના પડઘા જગતભરમાં ફેલાયા. વિશ્વધર્મ પરિષદના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત એ શ્રોતાજનો દ્વારા સ્વામીજીએ જગત સમગ્રને સંબોધ્યું હતું. પોએટ્રી (કવિતા) સામયિકનાં તંત્રી અને કવયિત્રી શ્રીમતી કેરિયેટ મન્નો સ્વામીજીના આ પ્રવચનથી એટલાં તો પ્રભાવિત થઈ ગયાં કે તેમણે તે પ્રવચનની ઘડીને ‘સંપૂર્ણ પળ’ કહ્યો અને તે પછી તે પોતે વિવેકાનંદને ફરી સાંભળી જ નહીં શકે તેમ જણાવ્યું, સ્વામી વિવેકાનંદનું સમગ્ર પ્રવચન ‘માનવ વક્તૃત્વના સર્વોચ્ચ શિખર’ જેવું તેમને લાગ્યું હતું. શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવામાં સ્વામીજીના આકર્ષક પોશાકે, એમના મધુર, રણકાદાર અવાજે, એમની વક્તૃત્વ છટાએ, એમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને એમની ચિંતનધેરી આંખોએ પણ મોટો ભાગ ભજવ્યો હશે. સ્વામીજીના મોહક દેખાવની, એમના તેજસ્વી વ્યક્તિત્વની બધા ધર્મોને સત્ય કહેતાં એમના પ્રવચનની અને, એ પ્રવચનની શ્રોતાઓ પર થયેલી વીજળી જેવી અસરની નોંધ, બીજે દહાડે બહાર પડેલાં શિકાગોનાં વિવિધ વર્તમાનપત્રોએ પણ ઠીક ઠીક લંબાણથી લીધી હતી. આમ પોતાના પ્રથમ પ્રવચનથી સ્વામીજી કીર્તિને હિમાલયે બેસી ગયા હતા. પરંતુ, પૂર્વ અને પશ્ચિમના સ્વામીજીના શિષ્યોએ લખેલી, એમની અધિકૃત જીવનકથામાં જણાવ્યું છે કે, રાત્રે સ્વામીજી પોતાને ઉતારે ગયા અને, થાક્યા પાક્યા સુંવાળી શય્યામાં તેઓ પડયા ત્યારે રુદન કરી અંતરથી પોકારી ઊઠયા હતા: “હે મા! મારી માતૃભૂમિ અસહ્ય ગરીબાઈમાં સબડે છે. ત્યારે, આ નામ ને કીર્તિ મારે શા કામનાં છે? …ભારતની પ્રજાનો ઉદ્ધાર કોણ કરશે? એમને સહાય કરવાનો માર્ગ મને બતાવ, મા!” રૉમા રોલાંએ કલ્પના કર્યા પ્રમાણે, હવે સ્વામીજીના, લોકનજરથી દૂર, અજ્ઞાત પરિવ્રાજક જીવનનો અંત આવતો હતો અને પોતે લોકદૃષ્ટિથી દૂર, શાંતિથી ધ્યાનમાં બેસી બ્રહ્મ સાથે તાદાત્મ્ય સાધી શકશે નહીં એમ તેમને લાગ્યું હતું, જે, એમના જેવા સાધક જીવને માટે અસહ્ય હતું. પરંતુ, આ ધ્યેય સિદ્ધ કરવા માટે તો એમણે ભારતમાંથી, અર્ધી દુનિયા ઓળંગી, એ ભૂમિ પર પગ મૂક્યો હતો. એ પગ એમણે મૂક્યો હતો? સ્વામીજીના ગુરુની ઇચ્છાશક્તિનું એ પરિણામ ન હતું? વિધાતાની એ ચાલ ન હતી?
(ક્રમશ:)
Your Content Goes Here




